Sunday, March 8, 2015

ફિલમની ચિલમ.... ૮ માર્ચ ૨૦૧૫

અનુષ્કા શર્મા પર હવે ક્રિકેટની વિરાટ અસર દેખાય છે!


હજી શાહરૂખખાનની ટીવી એન્ટ્રીના સમાચારોના પડઘા શમ્યા નથી, ત્યાં અક્ષયકુમાર તો પોતાની ચેનલ શરૂ કરી રહ્યાના ન્યુઝ આવ્યા છે! અક્ષય અને તેમની વર્ષો જૂની ગર્લફ્રેન્ડ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ મળીને ‘બેસ્ટ ડીલ’ નામની ટૅલીશોપીંગ ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રકારની ચેનલો પરદેશમાં ખાસી ચાલતી હોય છે, જેમાં ટીવીના સ્ક્રિન પર જે તે બ્રાન્ડની આઇટમ્સની જાહેરાત આવે, જેમાં કોઇ સેલીબ્રીટી પણ તે પ્રોડક્ટને સ્પોન્સર કરતા હોય. આવો કન્સેપ્ટ નાના પાયે કદાચ અગાઉ ટ્રાય થયો હશે. પરંતુ, કોઇ આખી ભારતીય ચેનલ ટેલીશોપીંગને સમર્પિત હોય એવો આ કદાચ પ્રથમ પ્રયાસ હશે. તેને લોકપ્રિય કરવા અક્ષય અને શિલ્પાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પોતાના સંપર્કોને કામે લગાડવા માંડ્યા છે. પરિણામે સોનાક્ષી સિન્હાએ પોતાની એક બ્રાન્ડને સ્પોન્સર કરવાની સંમતિ આપી દીધી છે. એ રીતે જુઓ તો સોનાક્ષી પણ આ પ્રોજેક્ટમાં એટલા પૂરતી માલિક કહી શકાય. આ રીતે કલાકારો બિઝનેસમાં પૈસા લગાવે એ સ્વાભાવિક જ છેને? 
 
અત્યારે ટોપ સ્ટાર્સને જે પ્રકારના કરોડો રૂપિયા કમાવા મળે છે, તેને કોઇને કોઇ રીતે તેમણે ઇન્વેસ્ટ કરવા પડે.... નહીં તો ઇન્કમટેક્ષ ભરવા તૈયાર રહેવું પડે! અક્ષય અને શિલ્પા જેવા ચેનલમાં તો શાહરૂખ સરખા સિનિયર કોઇ શોમાં પૈસા લગાવે ત્યાં સુધી તો ઠીક છે. પણ સિનેમામાં આવે હજી માંડ પાંચ-સાત વરસ થયાં છે, એવી અનુષ્કા શર્મા પણ પ્રોડ્યુસર તરીકે ‘એનએચ ૧૦’ જેવી ફિલ્મમાં પોતાના પૈસા લગાવે એ કમાણીના કરોડોના લેવલને દર્શાવે છે. એ પિક્ચર આમ તો છઠ્ઠી માર્ચે રજુ થવાનું હતું. પરંતુ, સેન્સરના વાંધાઓનો નિકાલ કરવામાં મોડું થતાં હવે ‘એનએચ ૧૦’ ૧૩મીએ આવશે. સેન્સરની રિવાઇઝીંગ કમિટિ સમક્ષ ફિલ્મની ક્રિએટિવ ટીમ ઉપરાંત ખુદ અનુષ્કાએ હાજર રહીને પોતાનો મુદ્દો સમજાવ્યો. તેની વાર્તામાં યુવતી ઉપર થતી શારીરિક હિંસા સામે સેન્સરને વાંધો હતો.



સેન્સરની નવી ગાઇડ લાઇન્સ મુજબ સ્ત્રીને મારવાનાં દ્રશ્યો દેખાડી શકાતાં નથી. જ્યારે અહીં તો પોતાની ઇચ્છાથી લગ્ન કરનાર છોકરીને તેનો ભાઇ જ નિર્દયી રીતે મારપીટ કરતો હોય એવા સીન હતા. સેન્સરે જે તે સ્વરૂપમાં ફિલ્મ મંજુર કરવા ઇનકાર કર્યા પછી રિવાઇઝીંગ કમિટિ સમક્ષ એ દ્રશ્યોનું સ્ટોરીની રીતે કેવું મહત્વ છે એ સમજાવાયું. છેવટે ૯ જેટલા કટ સૂચવાયા, જેથી હિંસા એવી ક્રુર ના દેખાય. ઉપરાંત માત્ર પુખ્ત વયના જોઇ શકે એવું ‘એ’ સર્ટિફિકેટ મળવાનું હતું. છતાં એ બન્ને શરતોને સ્વીકારીને પણ ‘એનએચ ૧૦’ને સેન્સરમાંથી પાસ કરાવીને ૧૩મીના શુક્રવારે રિલીઝ કરાશે. ‘એનએચ ૧૦’ના પ્રમો જોતાં લાગે કે અનુષ્કા પણ વિરાટ કોહલી સાથે હરી-ફરીને પડદા ઉપર ગુસ્સો પણ એવો જ વ્યક્ત કરી શકે છે.

એટલું જ નહીં, સળિયો લઈને મારતી હોય એવા પોસ્ટરમાં તેના ક્રિકેટર બોયફ્રેન્ડની માફક બેટીંગ કરતી હોય એવું લાગે છે. નવી ફિલ્મોને નડી શકવાને ક્ષમતા ધરાવતા  ક્રિકેટના વર્લ્ડ કપમાં જેમ જેમ અફઘાનીસ્તાન કે આયર્લેન્ડ જેવી દૂધપૌંઆ ટીમો બહાર થતી જશે અને મેઇનસ્ટ્રીમ દેશો મેદાનમાં રહેશે તેમ તેમ સિનેમાની ઘરાકી પર વધારે અસર થશે.  ટિકિટબારી પર અત્યારે ધીમે પગલે પણ અસર દેખાવી શરૂ થઈ હોય એમ લાગે છે. બાકી ગયા સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ ‘દમ લગા કે હૈશા’ને બીજું શું નડી શકે? તેનાં ઓછાં બલ્કે નિરાશાજનક કલેક્શન્સ કરતાં પણ વધારે આશ્ચર્ય યશરાજની સ્ટ્રેટેજીનું છે. સૌને અચરજ એ વાતનું છે કે યશરાજ ફિલ્મ્સે એવું જોખમ કેમ લીધું હશે? 



તેમણે ‘દમ લગા કે હૈશો’ને  ઇન્ટરનેશનલ સર્કિટમાં શાથી રજૂ નહીં કરી હોય? સામાન્ય રીતે તમામ ટેરીટેરીમાં એક જ દિવસે પિક્ચર લગાવીને નિર્માતાઓ શક્ય એટલો વકરો એક સાથે ખેંચી લેતા હોય છે. શુક્રવારે બંધ પેટીમાંથી સાપ નીકળે છે કે ઘો એ કોણે જાણ્યું? પ્રેક્ષકોનો અભિપ્રાય જો કદાચ એવો સારો ના મળે તો બાકીનાં સેન્ટર્સને ઘરાકી ઓછી મળવાનું રિસ્ક ઉભું થઈ જાય. છતાં આયુષ્યમાન ખુરાનાની આ ફિલ્મને માત્ર ઇન્ડિયામાં રિલીઝ કરાઇ છે અને જો બધું સમું સૂતરું હશે તો પછીના શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકાશે. પણ ફિલ્મને મળેલા સાર્વત્રિક પોઝીટીવ રિવ્યુના પ્રમાણમાં પ્રથમ સપ્તાહનાં કલેક્શન ઘણાં ઓછાં, ઇનફેક્ટ નિરાશાજનક, છે. તેથી વિદેશોમાં તેનો પર્ફોર્મન્સ કેવો રહેશે એ ચિંતા યશરાજને રહેવાની. જ્યારે અદાલત કેવો અભિગમ લેશે તેની ચિંતા એક કરતાં વધુ સ્ટાર્સને આવનારા દિવસોમાં રહેશે.


કોર્ટમાં સલમાનખાનના ચાલતા કેસો ધીમે ધીમે તેના અંતિમ પડાવ તરફ વધી રહ્યા છે. મુંબઈમાંના અકસ્માત અને રાજ્સ્થાનમાં કાળિયારના શિકારનો કેસ બન્નેમાં જેલની સજાનું પ્રાવધાન છે જ. ત્યારે ‘હમ સાથ સાથ હૈં’માં સલમાન સાથે તબુ, સોનાલી બેન્દ્રે, સૈફ અલી ખાન વગેરે પણ હતા અને તે પૈકીના કોને કેવા છાંટા ઉડે છે એ પણ ચિંતાનો વિષય ખરો. એ જ રીતે પેલા બહુચર્ચિત ‘એઆઇબી રોસ્ટ’ના પગલે દાખલ કરાયેલી ફરિયાદને પગલે શોમાં સ્ટેજ ઉપર હિસ્સો લેનારા કરણ જોહર, અર્જુન કપૂર અને રણવીરસિંગ ઉપર તો કાર્યવાહી થઈ જ રહી છે; પરંતુ, ઑડિયન્સને પણ સામેલ કરવામાં આવી રહ્યું છે. મઝાની વાત એ છે કે લગભગ ચાર હજાર લોકો એ સમયે હાજર હતા અને છતાં પહેલી લાઇનમાં બેઠેલી દીપિકા પાદુકોણને સહઆરોપી બનાવાઇ છે! બિચારી દીપિકાને પોતાની ધરપકડ અટકાવવા હાઇકોર્ટમાં ધા નાખવી પડી અને ૧૬મી માર્ચ સુધીનો સ્ટે તેના વકીલ મેળવી શક્યા છે. 



ત્યારે અદાલતને બદલે ઘર ખાનગી સમાધાનનો રસ્તો ‘બદમાશિયાં’ના સર્જકોએ લઈને હવે ૨૭ ફેબ્રુઆરીને બદલે એક અઠવાડિયું લેટ ૬ માર્ચના દિવસે પોતાનું પિક્ચર રિલીઝ કરશે. તેમાં ગમ્મત કેવી હતી કે જે પ્લોટ પર ‘બદમાશિયાં’ બની છે એ એક કોરીયન ફિલ્મ ‘કપલ્સ’ પર આધારિત છે અને એ જ સ્ટોરી પર અન્ય એક નિર્માતા ‘મેંગો’ના નામે શુટીંગ કરી રહ્યા હતા. પણ ‘મેંગો’ના પ્રોડ્યુસરે પેલી કોરીયન ફિલ્મના મૂલ સર્જક પાસે બાકાયદા રાઇટ ખરીદ્યા હતા. હવે જો ‘મેંગો’ અને ‘બદમાશિયાં’ વચ્ચે (મોટેભાગે આર્થિક) સમાધાન થયું હોય તો કોરીયન ‘કપલ્સ’ને કશું મળ્યું હશે?
     
તિખારો!
 
કપિલના શો પર ફરાહખાન અને સાજીદ આવ્યા, ત્યારે પોતાની જાત પર હસવાનો એક પણ મોકો સાજીદે નહતો છોડ્યો. એક જ ઉદાહરણ: એ એપિસોડની શરૂઆત કપિલને બદલે તેણે કરી એવી સ્ક્રિપ્ટ હતી. એટલે કપિલને શોનું સંચાલન પરત સોંપતાં સાજીદે કહ્યું, “તારા આ શોને કારણે તને ફિલ્મ મળી છે અને મારી છેલ્લી ફિલ્મ (હમશકલ્સ)ને લીધે મારે આ ટીવી શો કરવો પડે છે!!” 


No comments:

Post a Comment