Saturday, March 14, 2015

ફિલમની ચિલમ..... માર્ચ ૧૫, ૨૦૧૫



‘બચ્ચન દાદા’ હવે આરાધ્યાની અંગત જિંદગીના રિપોર્ટીંગ વિશે વાંધો લઈ શકશે કે?


‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જ્યારે એક હજાર ઉપરાંત (૧૦૦૯) અઠવાડિયાં ‘મરાઠા મંદિર’ થિયેટરમાં ચાલીને તાજેતરમાં ઉતરી ગઈ, ત્યારે કાજોલ અને શાહરૂખની જોડીએ ૨૦ વરસ સુધી દરરોજ એક જ સિનેમાગૃહના સ્ક્રિન પર આવીને ફિલ્મી ઇતિહાસમાં એક અલગ પ્રકારના વિક્રમ માટે પોતાનું નામ નોંધાવ્યું. એ ફિલ્મ ચાલી તે બે દાયકામાં હીરોઇન અને હીરો બન્ને બાળકોનાં (અલબત્ત, પોતપોતાનાં બાળકોનાં!) માતા-પિતા બન્યાં. છતાં પણ એ જોડીની લોકપ્રિયતા આજે પણ યથાવત છે એમ માનનારા લોકોમાં દિગ્દર્શક રોહિત શેટ્ટી પણ છે. તેમણે પોતાની આગામી ફિલ્મ માટે શાહરૂખ અને કાજોલને સંમત કરી લીધાં છે. ‘ડીડીએલજે’નાં ૧૦૦૦ વીક થયાં, ત્યારે સોશ્યલ મીડિયામાં તેની ઘણી ગમ્મતો ચાલી હતી અને તેમાં રોહિત શેટ્ટીને પણ લોકોએ સપાટામાં લીધા હતા.

રોહિત શેટ્ટીએ જો ‘દિલવાલે દુલ્હનિયા...’નું નિર્દેશન કર્યું હોત તો શું? એવા એક કાલ્પનિક સિનેરિયોમાં કહેવાયું છે કે તો છેલ્લે શાહરૂખ ટ્રેઇનમાં હોય અને કાજોલ પાછળ ભાગતી હોય એવા સીનને બદલે હીરો સ્કોર્પિયો જીપના પગથિયા પર બહાર ઉભો  હોત અને હીરોઇન પોતાનો હાથ લંબાવીને દોડતી હોત. આજુબાજુ વિલનની બીજી બે ચાર સ્કોર્પિયો હવામાં ઉછળતી હોત! એવી જ રીતે અગર ‘ડીડીએલજે’માં આમિર હોત તો? ટ્રેઇન આખી જતી રહેત અને ‘સિમરન’ તથા તેના પરિવારજનોને  રેલના પાટા પર મોટા ટ્રાન્ઝીસ્ટરથી પોતાને સ્ટ્રેટેજીકલી ઢાંકીને દિગંબર અવસ્થામાં આવતો ‘રાજ’ દેખાત! આમિર સ્ક્રિપ્ટની જરૂરિયાત હોય તો તદ્દન નગ્નાવસ્થામાં પડદા ઉપર આવતાં સુધ્ધાં ખચકાતો નથી એ તેના દરેક પિક્ચર વખતે જોવાય છે. જો ‘ગજિની’ માટે કસાયેલા શરીરની આવશ્યકતા હતી તો એક બોડી બિલ્ડરને ખુશ કરી દે એવી દેહયષ્ટિ બનાવી હતી. પરંતુ, અત્યારે જ્યારે સલમાન, શાહરૂખની માફક અન્ય સૌ હીરોલોગ કસરતી અને  સ્લીમ-ટ્રીમ લુકની પાછળ લાગ્યા છે, ત્યારે આમિર સ્ક્રિપ્ટની ડિમાન્ડને લીધે આજકાલ વજન વધારવામાં પડ્યો છે! 

આમિર ગઈકાલે ૧૪મી માર્ચે એ ૫૦ વરસનો થયો, ત્યારે બહુ વખતે, (બલ્કે બહુ વર્ષે!) પેટ ભરીને કેક તથા મીઠાઇઓ ખાધી હશે. કેમ કે તેની આવનારી ફિલ્મ ‘દંગલ’માં એ કુસ્તીબાજ હરિયાણાના મહાવીરસિંગ ફોગટ બની રહ્યો છે. તેના માટે એ હરિયાણવી ભાષા તો નેચરલી શીખી જ રહ્યો છે; સાથે સાથે બૉડી પણ પહેલવાન જેવું હોવું જોઇએને? એટલે ૬૮ કીલોના આમિરને તેના ટ્રેઇનરે જે ખાવું હોય એ ખાવાની છુટ આપી. પરિણામ? આજે આમિરનું વજન ૯૦ કીલો થઈ ચૂક્યું છે. ૨૨ કીલોનો ઇજાફો! (સલમાન પણ ‘સુલતાન’માં પહેલવાન બનવાનો છે એવી વાતો આવી છે ખરી. પણ હજી તેણે એ પ્રોજેક્ટ માટે હા નથી પાડી. નહીં તો તેને પણ -અત્યારે છે એના કરતાં પણ- વધારે હેવી દેખાવાય એવું શરીર બનાવવું પડશે!) આમિરે જો કે આ વજન વધારવા માંસ-મચ્છી જેવો ભારે ખોરાક લેવાને બદલે વેજીટેરિયન થવાનું પસંદ કર્યું છે. શાકાહારીઓની યાદીમાં આમિર પહેલાં રેખા, વિદ્યા બાલન, કંગના અને મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રીઓ તથા અમિતાભ બચ્ચન સરખા એક્ટર પણ છે જ. (શાકાહારીઓની એક દલીલ બહુ ચોટદાર હોય છે. જંગલનું સૌથી જોરાવર પ્રાણી હાથી અને તે ક્યાં કદી માંસ ખાય છે? એવું જ ઘોડાનુ. શક્તિનું માપ કહેવાય ‘હોર્સપાવર’ અને એ હોર્સ કાયમ ખાય ઘાસ-પુસ જ!)

વેજીટેરિયનની એ યાદીમાં હવે અનુષ્કા શર્માનો પણ ઉમેરો થયો છે. તેની આવી ઝીણી ઝીણી અંગત વાતો માર્કેટમાં હજી હમણાં આવતી જ રહેવાની. કારણ કે અનુષ્કાને પોતાની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘એનએચ ૧૦’ના પ્રચાર માટે ચર્ચામાં રહેવું જરૂરી છે. એટલે એ “હા, વિરાટ કોહલી સાથે હું ડેટીંગ કરું છું.” જેવી ગામ આખું જાણતું હોય એવી વાતને પણ નવા ધડાકા તરીકે રજૂ કરે અને કપિલના શોમાં ‘દાદી’ વગેરેની મજાકો સહન કરે અને સાચું કે ખોટું હસે પણ ખરી. તેણે રિલીઝ થતાં અગાઉ પિક્ચરનો પ્રાઇવેટ શો રાખ્યો અને સોશ્યલ મીડિયા પર ફિલ્મના પ્રચારમાં વેગ મળ્યો. તે પ્રાઇવેટ સ્ક્રિનીંગમાં હાજર રહેલા કરણ જોહર, રણવીરસિંગ, અર્જુન કપૂર, વરૂણ ધવન, રીતેશ દેશમુખથી માંડીને શ્રધ્ધા કપૂર, હુમા કુરેશી જેવા સૌએ રિલીઝના આગલા દિવસોમાં ટ્વીટર પર પિક્ચરનાં વખાણ કરીને સોશ્યલ મીડિયાની ટેરીટરી પર હલચલ ઉભી કરી. એ માસ્ટર સ્ટ્રોક લગાવવો એ અનુષ્કાની નિર્માતા તરીકેની એક આવશ્યકતા હતી. પરંતુ, અમિતાભ બચ્ચનને આરાધ્યાની પબ્લિસિટી કરવાની શી જરૂર હતી?


અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી આરાધ્યાએ તેની સ્કૂલના ‘એન્યુઅલ ડે’માં સ્ટેજ પર પર્ફોર્મન્સ કર્યો તેની વિગતો તેમજ ફોટા જાહેરમાં મૂક્યા, ત્યારે એક સવાલ થાય છે. એક ત્રણ-ચાર વરસની નાનકડી છોકરીને આવી સ્ટાર ટ્રીટમેન્ટ આપવી જરૂરી હતી? અભિનયમાં સામેલ એવા પરિવારના હોનહાર બાળકના સ્ટેજ પરના પ્રથમ પર્ફોર્મન્સનું રેકોર્ડીંગ અને દસ્તાવેજીકરણ કરવું જરૂરી જ છે. પરંતુ, એ બધું ઘરખાનગી રાખી ના શકાય? હજી ૨૦૧૧માં જન્મેલી આરાધ્યા માટે દેશભરનાં છાપાં-ટીવી ચેનલો વગેરે મીડિયામાં ચમકવાનું કેટલી હદે વાજબી કહેવાય? ખુદ અમિતાભને નાનપણમાં પિતાજીની કવિ તરીકેની નામના છતાં એવી કોઇ સ્ટાર ટ્રીટમેન્ટ મળી નહતી. તો પછી હજી પ્રિ-સ્કૂલમાં જતી પૌત્રીએ વાર્ષિક દિન નિમિત્તે સ્ટેજ પર કરેલા અભિનય કે નૃત્યને જગજાહેર કરીને એ બાળકીને પબ્લિક ચાઇલ્ડ બનાવવા પાછળ શું આશય હશે? આવી ઘટનાઓ પછી કલાકારોની અંગત જિંદગીમાં ખણખોદ કરતા પત્રકારોને દોષ કેવી રીતે દઈ શકાય?     

બચ્ચન દાદા કદાચ એવો ખુલાસો કરે કે અમારા ચાહકોને પણ અમે અમારા વિસ્તરેલા કુટુંબ (એક્સ્ટેન્ડેડ ફેમિલી)ના સભ્યો જ ગણીએ છીએ અને પરિવારની ખુશી સભ્યો વચ્ચે વહેંચીએ છીએ. પરંતુ, વિચાર કરો કે આરાધ્યાના ક્લાસમાં કે તેના ભણતર કે વર્તન અંગે ભવિષ્યમાં કદાચ એવી કોઇ અપ્રિય ઘટના બને જે બચ્ચન પરિવારને ના ગમે એવી હોય અને તેનું રિપોર્ટિંગ મીડિયા કરશે તો? અમિતજી કે અભિષેક અથવા જયાજી અને ઐશ્વર્યા સહિતના કોઇને એવું કહેવાનો અધિકાર રહેશે ખરો કે આટલી નાની છોકરીને મીડિયામાં શું કામ ચગાવો છો? ભૂતકાળમાં સ્ટાર્સની અંગત વાતોને ચર્ચવા બદલ કેટકેટલા પત્રકારો અને તેમના કુટુંબીજનોને કેવાં અપમાનના ભોગ બનવું પડ્યું હતું, તે આદિત્ય પંચોલી કે ઇવન શાહરૂખના ભોગ બનેલાઓને પૂછી જોવું. શાહરૂખ અને ‘માયા મેમસાબ’ની હીરોઇન દીપા સાહી અંગે તે દિવસોમાં એક ફિલ્મી મેગેઝીને રિપોર્ટ કર્યો હતો. ત્યારે શાહરૂખને જે પત્રકારે એ અહેવાલ લખ્યો છે એવું લાગ્યું, તેને ઘેર જઈને એ જર્નાલિસ્ટનાં વૃધ્ધ મા-બાપ અને અન્ય પરિવારજનોની હાજરીમાં બેફામ ગાળા-ગાળી કરી હતી. પછી ખબર પડી કે એ ખોટી વ્યક્તિને ધમકાવાઇ હતી. પછી તો સમાધાન થયું અને ‘ખાન સાહેબે’ માફી પણ માગી. પરંતુ, ‘પર્સનલ લાઇફ’ની વ્યાખ્યા સ્ટાર્સની ઇચ્છા મુજબ બદલાય એવું તો ના બને ને?

તિખારો!
 
આલિયા ભટ્ટ તેના જનરલ નોલેજ માટે કે તેના અભાવ માટે, એટલી લોકપ્રિય થઈ છે કે બધી જોક્સ હવે તેના નામે ચઢી રહી છે. તેમાંની એક ‘ઉલ્ટા પુલ્ટા’ રમૂજ આવી છે:
“આલિયા, ૩x૪ કેટલા થાય?”
“૧૨”
“વેરી ગુડ. તો ૪x૩?”
“એ તો સાવ સહેલું છે.... ૨૧!”  

No comments:

Post a Comment