હિન્દી
સિનેમાની અભિનેત્રીઓ....
અન્ના સાળુંકેથી દીપિકા પાદુકોણ સુધી!
અન્ના સાળુંકેથી દીપિકા પાદુકોણ સુધી!
દીપિકા, પ્રિયંકા કરિના, કટરિના,
વગેરેની સાથે જ કપિલ શર્માના કોમેડી શોનાં ‘ગુથ્થી’, ‘દાદી’ અને ‘પલક’ જેવાં
‘મહિલા’ પાત્રોની લોકપ્રિયતા જોતાં સવાલ થાય છે કે અભિનેત્રીઓના કિસ્સામાં શું સર્કલ
પુરું થયું? કારણ કે ભારતમાં ફિલ્મોની શરૂઆતમાં એક્ટ્રેસો હતી જ ક્યાં? આપણી પ્રથમ
ફિલ્મ દાદા સાહેબ ફાળકેની ‘હરિશ્ચન્દ્ર તારામતી’માં હીરોઇન ‘તારામતી’ની ભૂમિકા માટે
કોઇ મહિલા તૈયાર ન હતાં થતાં. એ દિવસોમાં સિનેમા માટે લોકોના મનમાં કેટલો હીનભાવ હશે
એ સમજવા માટે એ જાણવું જ પૂરતું થશે કે થાકીને ફાળકે દાદાએ વેશ્યાઓના વિસ્તારમાં જઈ
તે લોકોને આકર્ષક વળતર સાથે આ કામ ઑફર કર્યું હતું. કરુણતા એ હતી કે દેહવ્યાપાર કરતી
એ મહિલાઓ પૈકીની પણ કોઇ તૈયાર ન થઈ! ત્યારે દાદા સાહેબે પોતાના સાળુંકે નામના પોતાના યુનિટના પુરુષ રસોઇયાને હરિશ્ચન્દ્રની ‘તારામતી’ બનવા ‘હુકમ’ કરવો પડ્યો હતો. એટલે ભારતીય સિનેમામાં
નાયિકાનો રોલ કરનાર પ્રથમ હીરોઇન ‘ગુથ્થી’ કે ‘પલક’ની માફક એક મર્દ અન્ના સાળુંકે હતા!
ધીમે ધીમે ફિલ્મોનું માધ્યમ સ્વીકૃત
થતું ગયું તેમ તેમ સ્ત્રીઓનું આગમન જરૂર થયું. પરંતુ, હજી તેને માટેની પહેલી તપાસ ગાનારીઓ
અને તવાયફોની બદનામ ગલીઓમાં થતી. જેમ કે સંજયદત્તનાં નાનીમા અને નરગીસનાં મમ્મી જદ્દનબાઇ
અલ્હાબાદમાં કોઠા પર ગાતાં હતાં અને ફિલ્મોમાં લવાયાં હતાં. તેમની તાલીમ ગાયકીમાં હતી
અને તેથી તે દિવસોની જરૂરિયાત પ્રમાણે એ ‘સિંગીંગ સ્ટાર’ બન્યાં. એટલું જ નહીં, ‘તલાશ-એ-હક’
નામની ૧૯૩૫ની ફિલ્મમાં સંગીત આપીને પ્રથમ મહિલા સંગીતકાર પણ બન્યાં. એ જ ફિલ્મથી પાંચ
વરસની દીકરી ફાતિમાને બાળકલાકાર તરીકે ચમકાવી, જેને મેહબૂબ ખાનના ‘તકદીર’થી નરગીસ નામે
હીરોઇન બનાવાઇ. નરગીસને સાવ નાની ઉંમરથી કેમેરા સામે લાવવાની જદ્દનબાઇની એ પ્રથા ઉર્મિલા
માતોંડકર અને તાજેતરની સાના સઈદ સુધી ચાલુ જ રહી છે, જે શાહરૂખ ખાન સાથે ‘કુછ કુછ હોતા
હૈ’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ હતી અને હવે ‘સ્ટુડન્ટ ઓફ ધી યર’થી ફુલફ્લેજ્ડ એક્ટ્રેસ બની
છે.
બાળ કલાકારની સિનેમાના પ્રારંભિક
દૌરથી ચાલી આવતી આ પ્રથાને લીધે માંડ ૧૪-૧૫ વરસની થતાં સ્કૂલનું જેટલું ભણતર મળ્યું
એ ઠીક છે એમ સમજીને મા-બાપ (મોટેભાગે તો નંદવાયેલા દાંપત્યની માતા જ!) ઘરની આવક શરૂ
કરવા એ દીકરીને હીરોઇન બનાવી દે. એટલે સિનેમાની હીરોઇનો નહિવત ભણેલી હોય એવું વધારે
બનતું. નરગીસની માફક લતા મંગેશકરને પણ શરૂઆતમાં બાળ કલાકાર તરીકે સિનેમાના પડદે રજૂ
કરાયાં હતાં; જેથી પિતાના અવસાનના પગલે થયેલી તેમના પરિવારની આર્થિક દુર્દશામાં સહાયતા
થાય. પરંતુ, જ્યારે લતાજીની ઉંમર હીરોઇન થવા લાયક થઈ, ત્યારે ચહેરા પરનાં શીતળાનાં ચાઠાંને
લીધે તેમને સ્ક્રિન પર આવવાની તક ના મળી. (એ પણ કેવી વિચિત્રતા કહેવાય કે લતાજી જેવો
જ ચાઠાંવાળો ચહેરો ધરાવનાર એક્ટર ઓમ પુરી એક સફળ અભિનેતા બની શક્યા; પરંતુ એવા વિશિષ્ટ
ચહેરાવાળી કોઇ મહિલા કલાકાર, હજી ૨૦૧૫ સુધી, હીરોઇન તો ઠીક સાઇડ એક્ટ્રેસ પણ નથી બની
શકી!)
લતાજી અને નરગીસની માફક બાળ કલાકારથી
પ્રારંભ કરનાર અભિનેત્રીઓમાં તત્કાળ યાદ આવે છે.... મીનાકુમારી, મધુબાલા, નંદા, આશા
પારેખ, સારિકા, શ્રીદેવી, નીતુસિંગ, પદ્મિનિ કોલ્હાપુરે, પલ્લવી જોશી, અરૂણા ઇરાની,
નાઝ વગેરે વગેરે. દરેકને તેમના અંગત જીવનમાં માતા, દાદી કે અન્ય કુટુંબીજનોની સતત હાજરીના
નિયંત્રણમાં રહેવું પડતું. કેમ કે યુવાન-ખુબસુરત એ છોકરીઓ સ્ટુડિયોમાં કે શૂટિંગમાં
એકલી આવે-જાય તો કાસ્ટિંગ-કાઉચથી માંડીને હીરો સાથેના પ્રેમનાં જોખમ ઉભાં થાય. છતાંય
વિજાતીય આકર્ષણના નેચરલ પ્રભાવથી મોટાભાગની હીરોઇનો બચી ના શકી એ પણ હકીકત છે. મધુબાલા
અને દિલીપ કુમારનો પ્રણય તેની ચરમ સીમાએ હતો, ત્યારે મધુબાલાના પિતાજી અતાઉલ્લાહ ખાને
દીકરીના જવાથી કાયમી આવક બંધ થવાના ડરે એ લગ્ન ના જ થવા દીધાં એ જાણીતો કિસ્સો છે.
તો સુરૈયાની દાદીમાએ દેવ આનંદ સાથે ગંભીર રીતે આગળ વધેલી પૌત્રીને દેવ સાહેબે આપેલી
વીંટી દરિયામાં ફેંકી દઈને એ સંબંધને કાયમ માટે સમૂદ્રમાં ધરબી દીધો હતો.
સારિકાએ પોતાની માતા સામે બંડ
પોકાર્યું તે સમયના ઇન્ટર્વ્યૂ વાંચો તો સમજાય કે તેની અંગત ખુશીનો કદી વિચાર નહતો
કરાયો. આખો સમય પૈસા, પૈસા અને વધુ પૈસા કમાવાય એ રીતે દીકરીને સતત કામ કરાવતી રખાઇને
શોષણ કરાયું હતું. (આ સારિકાના શબ્દો છે.) સારિકાને કમલ હસન સાથે લગ્ન કરવા માતાના
કન્ટ્રોલમાંથી બહાર આવતી વખતે આ બધું જાહેરમાં કહેવાની ફરજ પડી હતી. પરંતુ, બાકીના
સૌ પોતાની મરજીથી પોતાની કરિયરમાં કે અંગત જીવનમાં આગળ વધ્યા હશે એવું માનવું વધારે
પડતું હશે. જેમ કે ૧૯૫૮માં જન્મેલાં નીતુસિંગે ‘બેબી સોનિયા’ તરીકે ‘સૂરજ’, ‘દસ લાખ’,
‘વારિસ’, ‘પવિત્ર પાપી’ જેવાં ચિત્રોની સાથે ‘દો કલિયાં’માં ડબલ રોલ કરીને આખી ફિલ્મ
એક બાળ કલાકારના નાજુક ખભા ઉપર ખેંચી બતાવી હતી. તેમાં અલગ થયેલાં મા-બાપની વાર્તામાં
પ્રેક્ષકોને રડાવનાર નાની છોકરી ૧૯૭૨માં માત્ર ૧૪ વરસની ઉંમરે ‘રીક્ષાવાલા’થી હીરોઇન
થઈને આવી હતી!
એટલે જ્યારે શર્મિલા ટાગોર જેવી
ભણેલી અભિનેત્રી આવી, જે સેટ પર સમય મળે ત્યારે અંગ્રેજી પુસ્તક વાંચે. તે પછી ઝિનત
અમાન અને પરવીન બાબી સરખી સાચા અર્થમાં સ્વતંત્ર છોકરીઓનું આગમન થયું, જે કુટુંબીજન
સાથે ન હોય તો પણ ગભરાયા વિના શૂટિંગમાં જાય - આવે. સાડીને બદલે પેન્ટ અને ટૉપ જેવાં
વેસ્ટર્ન ક્લોથ્સમાં ફરતી હોય. ખરેખર જેને બોહેમિયન લાઇફ સ્ટાઇલ કહેવાય એવી
રીતે રહેતી આ આધુનિક માનૂનિઓએ એક નવો જ ચીલો ચાતર્યો, જે તેના સમય કરતાં પચીસ-ત્રીસ
વરસ વહેલો હતો. જો કે ક્રેડિટ આપવી હોય તો શોભના સમર્થ અને દેવિકા રાણીથી લઈને દુર્ગા
ખોટે તથા શાન્તા આપ્ટેને પણ આપી શકાય, જેમણે ફિલ્મોના સાવ શરૂઆતના દૌરમાં પણ અલગ અલગ
ઝંડા ગાડ્યા હતા.
શોભના સમર્થને આજે ભલે કાજોલ અને તનિષાની નાનીમા કે નૂતન અને તનુજાનાં માતા તરીકે ઓળખવાં પડતાં હોય. પરંતુ તેમના જમાનાનાં તે એક બંડખોર મહિલા હતાં. તેમણે ‘રામ રાજ્ય’માં સીતાની ભૂમિકા કર્યા છતાં સિગરેટ પીવામાં કે અભિનેતા મોતીલાલ સાથે ગાઢ સંબંધ રાખતાં કદી સમાજની પરવા કરી નહતી. તો દેવિકા રાણીએ પોતાના પતિ હિમાંશુ રાય સાથે મળીને ખોલેલી ફિલ્મ કંપનીમાં માત્ર ભણેલા લોકોને જ લેવાની રાખેલી નીતિનું પણ એક અલગ યોગદાન છે, જેમાંથી ગ્રેજ્યુએટ થયેલા કે પછી કમ સે કમ કોલેજ ગયેલા શિક્ષિ કલાકારો મળવા શરૂ થયા.
જ્યારે ‘મુગલ-એ-આઝમ’માં અકબરનાં
મહારાણી જોધાબાઇ બનનાર દુર્ગા ખોટેએ પેલી માન્યતાનો ખુરદો બોલાવી દીધો કે પૈસાની જરૂરિયાત
માટે માત્ર ગરીબ પરિવારમાંથી જ અભિનેત્રીઓ આવે. દુર્ગાજી એક સુખી-સંપન્ન પરિવારનાં
અને બી.એ. કરવા કોલેજ ગયેલાં યુવતિ હતાં. તેમના કુટુંબના ભારે વિરોધ વચ્ચે તેમણે એક્ટિંગના
ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને મરાઠી ભાષાની પ્રથમ ફિલ્મ ‘અયોધ્યાચા રાજા’માં ‘તારામતિ’ની
ભૂમિકા કરી. તો માધુરી દીક્ષિત હોય કે હેમા માલિની અથવા તેમના પહેલાંનાં વૈજયંતિમાલા
અને ત્રાવણકોર સિસ્ટર્સ તરીકે જાણીતી પદ્મિની-રાગિણી કે પછી આજની દીપિકા પાદુકોણ સહિતની
તમામ હીરોઇનોએ શાંતા આપ્ટેના આભારી રહેવું જોઇએ.
શાંતા આપ્ટે પ્રથમ અભિનેત્રી
હતાં, જેમણે બાકાયદા નૃત્યની તાલીમ લીધી હતી અને ગાતી વખતે આંખો નચાવવી, હાથથી નર્તનની
મુદ્રાઓ કરવી વગેરેની શરૂઆત કરી હતી. એ સિંગિંગ સ્ટાર્સનો જમાનો હતો. તેમની પહેલાંની
અને સમકાલિન હીરોઇનો કોઇ વિશેષ શારીરિક હલન-ચલન વગર ગીતની પંક્તિઓ હોઠ હલાવીને માત્ર ‘ગાતી’. જો
કે શાન્તા આપ્ટેનો ઉલ્લેખ મોટાભાગે અંગત જિંદગીમાંની તેમની હિંમતને લીધે થતો આવ્યો
છે. એ તો ફિલ્મી પત્રકારત્વના ઇતિહાસની બહુ જાણીતી ઘટના છે કે તેમની પર્સનલ લાઇફ વિશેનું
લખાણ જે તે સમયના લોકપ્રિય ફિલ્મી સામયિક ‘ફિલ્મ ઇન્ડિયા’માં છપાયું, ત્યારે કોઇના મારફત સંદેશો કહેવડાવવાને બદલે શાન્તાજી
પોતે એ મેગેઝીનની ઓફિસે પહોંચી ગયાં હતાં. એટલું જ નહીં, તેના માલિક-તંત્રી બાબુરાવ પટેલને
સોટીથી ફટકાર્યા હતા!
આ રીતે એક સ્ત્રી થઈને પુરુષને
મારે અને તે પણ ‘હંટરવાલી’ નાદિયાની માફક પડદા ઉપર નહીં, પણ અસલી જિંદગીમાં? નાદિયાની
‘હંટરવાલી’ જેવી ફિલ્મોમાં ઘોડેસ્વારી કરતી હીરોઇન ચામડાની ચાબુક લઈને મરદોને ફટકારતી
હોય એવાં દ્રશ્યો હોય. છતાં એ ફિલ્મો જોવા પુરુષ પ્રેક્ષકો જ વધુ જતા અને તે સફળ થતી. તેથી નાયિકાને
કેન્દ્રમાં રાખીને વિદ્યા બાલનની ‘કહાની’, પ્રિયંકા ચોપ્રાની ‘મેરી કોમ’ કે કરિના કપૂરની
‘ચમેલી’ એ સૌ અત્યારે મહિલા પ્રધાન ફિલ્મો કહેવાય છે. પરંતુ, મહિલા પ્રધાન કે પુરુષ
પ્રધાન એવા ફરક ૧૯૫૦થી ૧૯૭૦ દરમિયાન કદાચ નહતા. તે દૌરમાં બન્નેને લગભગ સરખું જ મહત્વ
રહેતું. મારામારી છેલ્લી એકાદ-બે રીલમાં આવે અને તે ઢીશુમ ઢીશુમ પણ નામનું જ હોય. એટલે
હીરોને માથે કુંગ-ફુ, કરાટે કે ઉંધા છત્તા લટકવાના કે કૂદવાના અંગકસરતના દાવની કોઇ
જવાબદારી નહતી. હીરો અને હીરોઇન બન્નેને સંવેદનાઓ વ્યક્ત કરવાની સ્પર્ધા રહેતી. દેખીતી
રીતે જ અભિનેત્રીઓનું મહત્વ સરખે સરખું રહેતું. મીના કુમારી અને નરગીસ કે નૂતન તથા
માલાસિન્હાનાં પિક્ચરો જુઓ તો એ સૌનો રોલ તેમના હીરોથી ઓછો ના હોય.
પરંતુ, અમિતાભ બચ્ચન અને તેમની
હિંસાથી ભરપૂર એક્શન ફિલ્મોનો દૌર આવ્યો, તે પછી બાપડી હીરોઇનો માટે શોભામાં અભિવૃધ્ધિ
કરવા સિવાય કોઇ કામ ના રહ્યું અને તે અભિનેત્રીઓનું સૌથી મોટું નુકશાન હતું. એટલે જ
આજે કોઇ એકાદ-બે પિક્ચરોમાં હીરોઇનને વધારે ફુટેજ મળતું હોય, ત્યારે ફિલ્મને ‘નાયિકા
પ્રધાન’ કહેવાનો રિવાજ થયો છે. યાદ કરો તો નૂતનની ‘અનાડી’ કે ‘સરસ્વતિચંદ્ર’
જેવી હીરોપ્રધાન ટાઇટલવાળી ફિલ્મો? તે પૈકીની કોઇમાં નાયક રાજ કપૂર હોય તો પણ નૂતનના
રોલ જરાપણ ઉતરતો નહતો. ‘આવારા’ કે ‘શ્રી ૪૨૦’ના નરગીસનાં પાત્રો રાજકપૂર જેટલાં જ પાવરફુલ
હતાં. ‘વક્ત’માં સાધના તથા શર્મિલા એમ બબ્બે હીરોઇનો હોય અને સામે સુનિલ દત્ત, રાજ
કુમાર અને શશિ કપૂર હોય તો પણ બેઉ અભિનેત્રીઓનાં પાત્રો વાર્તાનું અતૂટ અંગ હોય.
એવું જ મીના કુમારી, માલા સિન્હા,
વહીદા રેહમાન, આશા પારેખ, સાઇરાબાનુ એમ દરેકની ફિલ્મોની યાદી આ નાના લેખમાં લખવી શક્ય
નથી. પરંતુ, ગુણીજનો જો યાદ કરશે તો સામે જે તે સમયના ગમે એવા મોટા સ્ટાર હોય હીરોઇનની
ભૂમિકા અગત્યની જ હોય. વહીદા રેહમાનનો એક જ દાખલો જોઇએ તો, ૧૯૬૬-૬૭માં તેમની રાજકપૂર
સાથે ‘તીસરી કસમ’, દિલીપ કુમાર સાથે ‘રામ ઔર શ્યામ’, દેવ આનંદ જોડે ‘ગાઇડ’ અને એમ તે
સમયની ટોપ સ્ટાર્સ ત્રિમૂર્તિનાં એ હીરોઇન બન્યાં હતાં. હવે યાદ કરો ‘ગાઇડ’ની ‘રોઝી’
કે ‘તીસરી કસમ’માં નૌટંકીની નૃત્યાંગના ‘હીરાબાઇ’ અથવા ‘રામ ઔર શ્યામ’ કે ‘આદમી’માં
દિલીપ સાહેબ સાથેની ‘મીના’ને.... ક્યાંય એ કોઇ પુરુષ સ્ટાર્સથી વહીદાજીનો રોલ કમ હતો?
આ જ પ્રથા તમને આશા પારેખ, સાધના કે મુમતાઝ જેવી ગ્લેમર ગર્લ કહેવાતી એક્ટ્ર્સોના કિસ્સામાં
જોવા મળે. તેમને હિસ્સે આવતાં ગાયનોની માફક જ ઇમોશ્નલ સીન્સ પણ હોય જ.
’૭૦ના દાયકામાં ‘મિસ એશિયા’ બનેલી
ઝિનત અમાને એન્ટ્રી કરી અને અભિનય કરતાં રૂપનું મહત્વ વધ્યું એમ કદાચ કહી શકાય. એક્ટિંગ
થોડી ઓગણીસ-વીસ હોય તો ચાલે, પણ હીરોઇન રૂપાળી હોય (‘સેક્સી’ એમ વાંચો) અને બોલ્ડ સીન
આપવાથી પરહેજ ના કરતી હોવી જોઇએ. હવે શરૂ થયો લિબરેટેડ એક્ટ્રેસિસનો સમય. એટલે એક જમાનામાં
શર્મિલા ટાગોરે સ્વીમીંગ કોસ્ચ્યુમમાં ‘ફિલ્મફેર’ના કવર પર ચમકીને હાહાકાર કરી દીધો
હતો, એ જ બીકીની હવે આ નાયિકાઓ માટે નોર્મલ હતી. કેમ કે બ્યુટી કોન્ટેસ્ટમાં એ સેક્સી
ડ્રેસમાં ઓડિયન્સ સામે ઉપસ્થિત થવાનો પણ એક રાઉન્ડ રહેતો. (જાણવા જેવી હકીકત એ પણ છે
કે આપણા સિનેમામાં સૌ પ્રથમવાર સ્વીમીંગ કોસ્ચ્યુમમાં પડદા ઉપર આવનાર હીરોઇન લલિતા
પવાર હતાં, જે તેમણે ‘હિંમતે મર્દા’ નામની ફિલ્મમાં ઠેઠ ૧૯૩૫માં પહેરીને સનસનાટી કરી
દીધી હતી! એ જ રીતે ‘લક્સ’ સૌંદર્ય સાબુની જાહેરાતમાં ચમકનાર પ્રથમ બ્યુટીફુલ અભિનેત્રી
લીલા ચિટણીસ હતાં, જે પછી તો ‘આવારા’માં રાજ કપૂરનાં, ‘ગંગા જમના’માં દિલીપ કુમારનાં
અને ‘ગાઇડ’માં દેવ આનંદનાં મા બન્યાં હતાં.... આ તો જસ્ટ ફોર રેકોર્ડ!)
બ્યુટી કોન્ટેસ્ટની વિજેતાઓને
સિનેમામાં અપાતા સીધા પ્રવેશની ઝિનતથી ’૭૦ના દાયકામાં વધુ ગંભીર થયેલી પ્રથાનો ખરો
રંગ આવ્યો ’૯૦ના દાયકામાં. હવે ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન, અને લારા દત્તાથી માંડીને
અત્યારની પ્રિયંકા ચોપ્રા કે દિયા મિર્ઝા સુધીની કેટકેટલી બ્યુટી ક્વીન બનેલી હીરોઇનો
આવી. તે પ્રવાહમાં ડાયેના હૈડન અને યુક્તા મુખી જેવી અભિનયમાં થોડી કાચી-પાકી છોકરીઓને
પણ સીધો પ્રવેશ મળી ગયો, પણ ફિલ્મોના વિશાળ પડદા ઉપર કલાકારના રૂપની સાથે તેમનો અભિનય
પણ ૭૦ એમ. એમ.માં એક્સપોઝ થતો હોય છે. તેથી ઝિનતના સમય સિત્તેરના દાયકામાં જ પુના ઇન્સ્ટિટ્યુટની
તાલીમબધ્ધ અભિનેત્રીઓએ જયા ભાદુરીની આગેવાની હેઠળ આવીને પોતાના અભિનયથી નવોદિતોમાં
પહેલી જ ફિલ્મથી ‘બ્યુટી’ને સમાંતર ‘એક્ટિંગ ટેલેન્ટ’નો ફરક દેખાડીને એવી જ સનસનાટી
કરી હતી.
જ્યાજીએ ‘ગુડ્ડી’થી શરૂ કરીને
‘ઉપહાર’, ‘પિયા કા ઘર’, ‘પરિચય’ ‘અભિમાન’, ‘ચુપકે ચુપકે’ ‘કોશીશ’
એમ દરેક ફિલ્મમાં પોતાના અભિનયનો સિક્કો એવો રણકાવ્યો હતો કે ઇન્સ્ટિટ્યુટની તેમના
પછીની વિવિધ બૅચની રામેશ્વરી, ઝરિના વહાબ, શબાના આઝમી વગેરે જેવી અભિનેત્રીઓ ઉપર સર્જકોએ
વિશ્વાસ મૂકવા માંડ્યો. તેમાં શબાના પાસેથી ‘અંકુર’, ‘નિશાંત’, ‘અર્થ’, ‘સ્પર્શ’,
‘માસુમ’ જેવી અમર કૃતિઓ મળી. શબાનાની સાથે દીપ્તિ નવલ અને સ્મિતા પાટિલની ત્રિપુટીએ
કોમર્શિયલને સમાંતર બનતી ‘ચક્ર’ કે ‘ચશ્મે બદદ્દુર’ જેવી ફિલ્મોના દિગ્દર્શકોને (અને
તેથી જ પ્રેક્ષકોને!) અભિનેત્રીઓની એક્ટિંગનો ખજાનો પૂરો પાડ્યો. પરંતુ, સ્મિતા પાટિલનું
પુત્ર-જન્મ પછીનાં મેડિકલ કોમ્પ્લિકેશન્સને કારણે અકાળ અવસાન થયું તે પછી એ મુહિમ જાણે
કે ઠંડી પડી ગઈ. (વરસોથી અમારો એ મત રહ્યો છે કે સ્મિતા પાટિલના અવસાન પછી શબાના આઝમી
માટે સ્પર્ધા કરવાનું રહ્યું જ નહીં. હરિફાઇ વગર એકલા દોડતા રનરને રેસમાં શું રસ રહે?
સારા અભિનયના ચાહકો માટે સ્મિતાજીનું નિધન એ રીતે સૌથી મોટું નુકશાન હતું.)
સ્મિતા પાટિલે પ્રેગ્નન્ટ થવા
પરિણિત રાજ બબ્બર સાથે લગ્નેતર સંબંધ બાંધવાનો જે રાહ પકડ્યો હતો, તેમાં તે અગાઉ હેમા
માલિનીએ શાદીશુદા ધર્મેન્દ્ર સાથે મેરેજ કરીને આરંભેલા લગ્ન સંસ્થાને હચમચાવી દેનારા
ચીલા પર જ ચાલ્યાં હતાં. પછી તો શ્રીદેવી હોય કે શબાના આઝમી એ દૌરની ઘણી અભિનેત્રીઓ
દાંપત્ય જીવનમાં ભાગ પડાવવા માટે બદનામ થઈ. પરંતુ, એ એક આખો અલગ વિષય થાય. (સબ્જેક્ટ્સ
કી કમી નહીં હૈ!) ’૯૦ના દાયકા પછી તો ઇકોનોમીની સાથે જ હિન્દી સિનેમા પણ મુક્ત થવા
તરફ વળ્યું. હવે માધુરી, જુહી, કાજોલ, કરિશ્મા, રવિના, શિલ્પા એ બધી નાયિકાઓને પુરુષ
અભિનેતા કરતાં પ્રમાણમાં ઓછા મહત્વની સ્થિતિને સ્વીકારવાની ફરજ પડવી શરૂ થઈ ચૂકી હતી.
કેમ કે પડદા ઉપરની હિંસાને રોજ નવા નવા નુસ્ખા સાથે પ્રસ્તુત કરવાની હતી. તેથી હીરોલોગની
ભૂમિકા વધતી હતી અને તેમના ભાવ પણ. એક જમાનામાં જ્યાં એક્ટરની ‘ફી’ એક્ટ્રેસ કરતાં
દસ-વીસ ટકા જ વધારે રહેતી, ત્યાં હવે કામના દિવસો ઘટતાં અભિનેત્રીઓ માટે એ ફરક ખુબ
મોટો થયો. (આજે તો હીરોના ચાલીસ પચાસ કરોડના ભાવ છે અને હીરોઇન માંડ એકાદ-બે કે પાંચ
કરોડે છે!)
નવું મિલેનિયમ આવતાં આવતાં તો
નાયિકાઓ માત્ર ઓછાં કપડાં પહેરે એ પૂરતું નહતું. કેમ કે એ કરવામાં તો રાની મુકરજી,
પ્રીટિ ઝિન્ટા જેવી ટોપ સ્ટાર્સ કરતાં રીમી સેન અને રાઇમા સેન જેવા સૌ વધારે આગળ જાય
એમ હતાં. એ મુક્ત વાતાવરણમાં ‘યે દિલ માંગે મૉર’ એ સુત્રના જમાનામાં પ્રેક્ષકો હવે
અંગપ્રદર્શનથી આગળ કશુંક આવે તો જ રાજી થાય એમ હતા.
એવામાં મલ્લિકા શેરાવતની એન્ટ્રી થઈ અને ‘ખ્વાહિશ’ અને વિશેષ તો ‘મર્ડર’ને લીધે તે ‘કિસમિસ’ કહેવાઇ. મલ્લિકાએ કોઇપણ જાતના સંકોચ વિના આપેલાં ચુંબન દ્રશ્યોએ હીરોઇન થવાની લાયકાતનું એક ઓર પરિમાણ ઉમેર્યું. હવે વાર્તાની ડિમાન્ડને નામે ઉભાં કરાતાં ઇન્ટિમેટ સેક્સી દ્રશ્યો કરવા જો એક અભિનેત્રી તૈયાર ન થાય તો વિકલ્પે ચાર હાજર હોય છે! એટલે ૨૦૧૫માં કામ કરતી કરીના, કટરિનાથી માંડીને, કંગના રાનાવત અને આલિયા ભટ્ટ સુધીની અભિનેત્રીઓ પૈકીની કઈ એક્ટ્રેસે હીરોએ ‘ભીગે હોઠ તેરે...’ જેવું કશું ગાયા વગર પણ પોતાના હોઠ પડદા ઉપરની કીસથી ભીંજાવા નથી દીધા એ વિચાર કરજો. તે ખોટું થયું છે એમ કહેવાનો આશય નથી. પણ તેને કારણે એક સૌથી મોટો ફરક એ થયો છે, કે હીરોઇનો માટે પ્રેક્ષકોમાં એક જમાનામાં એક વિશિષ્ટ આદરની ભાવના હતી, તે હવે કદાચ રહી નથી. સોચો ઠાકુર!
Nice and comprehensive write up on the female actors of Bollywood. Salilbhai you made us travel thru filmi timeline.
ReplyDelete