Sunday, March 22, 2015

ફિલમની ચિલમ માર્ચ ૨૨, ૨૦૧૫



ફિલ્મી હીરોઇનોનાં દાંપત્યજીવન                
              ખરેખર ‘એક દુજે કે લિયે’ કે પછી....?
 
આખી ફિલ્મી દુનિયામાં સનસનાટી છે. આમ તો સિનેમા જગતમાં રાઇને પણ (૭૦ એમ.એમ.માં) તડબુચ કરતાં મોટી સાઇઝની કરાતી હોય છે અને સમાચારોને તો ખાસ જ. પણ આ સપ્તાહે રિતિક રોશનનું નામ ગંભીર રીતે કંગના સાથે જોડાતાં સૌ ચોંકી ઉઠ્યા છે. કંગનાની અટક રાણાવત  છે કે રનૌટ કે પછી રાણાવટ? એ જે હોય તે. આપણે તો તેના સરસ નામ કંગનાથી જ ઓળખીશું. એ કંગના અને રિતિક બન્ને સાથે માલદીવ ટાપુ પર વેકેશન ગાળવા જવાનાં છે, એ ખબરો આવતાં છેલ્લા ઘણા સમયથી બાંધે ભારે કહેવાતી અફવાઓ સાચી પડવાનો જોગ ઉભો થયો છે. રિતિક જ્યારથી તેની પત્ની સુઝેન સાથેથી અલગ થયો હતો, ત્યારથી એ સ્કાયલેબ ક્યાં પડશે એ ચિંતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા પતિઓ ચિંતાતુર હતા. પરંતુ, અત્યારની ઘડીએ તો લાગે છે કે રિતિકે કુંવારશાને પસંદ કરી છે. આમ તો ગૉસીપના બજારમાં ‘પેહચાન કૌન?’ની અદામાં ખાસા સમયથી આવી પહેલીઓ આવતી જ હતી: ‘ગ્રીક ગૉડ જેવા દેખાતા એક સુપર સ્ટાર અને ગયા વર્ષે એક કરતાં વધુ એવોર્ડ્સ મેળવાનાર અભિનેત્રી વચ્ચે કશુંક રંધાય છે. કહો જોઇએ... એ જોડી કઈ હશે?’

પણ એ ઉખાણાનો ઉકેલ લોકોને જડતો નહતો. કેમ કે આજે તો દરેક એક્ટરની બૉડી ગ્રીક ગૉડ જેવી છે. જ્યારે એવોર્ડ્સ પણ એટલા બધા અને એટલી કેટેગરીના થઈ ગયા છે કે તેની હીન્ટથી કોઇને કશી ગૅડ બેસે નહીં. પરંતુ, હવે રિતિક અને કંગના જો ખરેખર સજોડે રજાઓ ગાળવા માલદીવ જશે તો ‘ધુમાડા વગર આગ ન હોય’ એ કહેવત ફરી એકવાર સાચી પડશે. એટલે જ આપણે નાની ધુમાડીઓનો પણ ઉલ્લેખ કરવાનું રાખેલું છે. જેમ કે એક ધુમાડી એવી પણ છે કે રણબીર અને કેટરિનાની સગાઇ એક ના’લ્લા પારિવારિક સમારંભમાં દિલ્હી ખાતે પતી ગઈ છે. (એક અહેવાલ તો એવો પણ છે કે કેટરિનાનું મીણનું પૂતળું મેડમ ટુસાડના મ્યુઝિયમમાં ખુલ્લું મૂકાશે ત્યારે રીશી અને નીતુ કપૂર, એટલે કે કેટરિનાનાં સંભવિત સસરા અને સાસુ, પણ લંડનમાં ઉપસ્થિત રહેવાના છે. એ ધુમાડાની પરીક્ષા તો જાણે જલદી થઈ જશે. કેમ કે એ સ્ટેચ્યુ ૨૭મી માર્ચે જ પ્રજાજોગ ખુલ્લું મૂકાવાનું છે. તબ હો જાયેગા દૂધ કા દૂધ ઔર મોમ કા મોમ!)


રણબીર અને કેટરિના જેવાં પ્રેમીપંખીડાં સ્પેનમાં ટાપુ પર ચડ્ડીભેર હરતાં-ફરતાં કેમેરે ઝડપાયાં હોય, બેઉ અલગ ફ્લેટ રાખીને માબાપથી સ્વતંત્ર સજોડે રહેતાં હોય, તેમણે પોતે એ ઘરને પોતાના ટેસ્ટ મુજબ શોખથી સજાવ્યો હોય એવા કુંવારા છતાં પરણેલાં જવાનિયાંની સગાઇ થઈ હોય કે ના થઈ હોય કી ફરક પૈંધા હૈ? પણ ફરક ત્યારે પડે જ્યારે રતિ અગ્નિહોત્રી જેવી સિનિયર અભિનેત્રી કહે કે તેના પતિ મારઝૂડ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા! આ કોઇ ધુમાડી કે ધુમાડાની કક્ષાની અફવા નથી. છાપામાં ચમકી ગયેલા સમાચાર છે કે રતિએ આ સપ્તાહે પોતાના હસબંડ સામે બંડ પોકારીને તેમની વિરુદ્ધ મુંબઈની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે ૫૪ વરસની આ અભિનેત્રીને ‘એક દુજે કે લિયે’ના ‘વાસુ’ (કમલ હાસન)ની ‘સપના’ તરીકે એક જમાનામાં મળેલી પ્રસિદ્ધી યાદગાર હતી. રતિએ લગ્ન કર્યા પછી વરસો સુધી પોતાના સુખી દાંપત્યના ઇન્ટરવ્યુ આપ્યા હશે. તેમના પતિ સાથે મળીને રતિએ પુનામાં ‘વીરવાની પ્લાઝા’ નામનો મૉલ ખોલ્યાના સમાચાર પણ વચ્ચે આવ્યા જ હતાને? તેથી આજે ઘરેલુ હિંસાનો કેસ થાય એટલે આંચકો તો જરૂર લાગે. પરંતુ, ડીમ્પલે એક સમયે રાજેશ ખન્ના સામે મેગેઝીનોમાં કરેલી ફરિયાદો યાદ કરનારને કે પછી ઝિનત અમાનને ભરી પાર્ટીમાં સંજયખાનના હાથે સહન કરવી પડેલી ઇજાને કારણે આંખને કાયમી નુકશાન થયાનું જાણતા સૌને નવાઇ ના લાગે. કહેવાતાં ‘ગોલ્ડન કપલ’ની અંદરુની વાતો તેમના અંગત સ્ટાફ કહે ત્યારે જ બહાર આવતી હોય છે; એ જાણતા પોલીસ વિભાગે રતિના પતિએ આરોપોનો ઇન્કાર કર્યા પછી, રતિને ઘેર કામ કરનાર નોકરો-બાઇઓ વગેરેની પૂછપરછ શરૂ કરી છે. પણ આવા કેસોમાં મોટેભાગે અંદરખાને સમાધાન થયા પછી વાત દબાઇ જતી હોય છે. નહીં તો પ્રીટિ ઝિન્ટાએ પણ ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ સામે આવી ફરિયાદ કરી જ હતીને?

પ્રીટિ ઝિન્ટાએ નેસ વાડિયા સામે પોલીસ કમ્પ્લેઇન વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલની મેચ વખતે ગઈ સાલ જૂનમાં થયેલી કહેવાતી બબાલના અનુસંધાને કરી હતી. આજે એ જ ક્રિકેટના મેદાને એક નવી જોડીનું કન્ફર્મેશન કરી દીધું છે. ક્રિકેટના દર ચાર વર્ષે રમાતા વર્લ્ડ કપની આ વખતની મેચો ચાલે છે ત્યારે વિરાટ કોહલીએ ‘એન.એચ.૧૦’નાં વખાણ કરતાં ટ્વીટ દ્વારા પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માને ‘માય લવ’ એમ જાહેરમાં કહીને એ સંબંધ મિત્રતાથી આગળના સ્તર સુધી પહોંચી ગયાનું ડંકે કી ચોટ પર ડિકલેર કરી દીધું છે. વિરાટનો ક્રિકેટના ગ્રાઉન્ડ પરનો ધગધગતા અંગારા જેવો સ્વભાવ જગજાહેર છે. આપણે ઇચ્છીએ કે બેઉનું સહજીવન સુખેથી પસાર થાય. પણ ખરેખર જો અનુષ્કા કદાચ શર્માને બદલે ‘કોહલી’ બની જાય તો કાં તો વિરાટે અંગત જિંદગીમાં પોતાની પર્સનાલિટી બદલવી પડે અથવા આપણી હીરોઇને સહનશીલતા વધારવી પડે. જો કે મહિલાઓમાં ડોમેસ્ટીક વાયોલન્સ સામે જે આવકારદાયક રીતે જાગૃતિ વધી છે, એ જોતાં હવેની હીરોઇનો લાબું સહન કરે એ વાતમાં કોઇ વજૂદ નહીં. 



આજે તો ‘ખુબ લડી મર્દાની, વો તો ઝાંસીવાલી રાની થી’ની તરહ પર સ્ત્રીઓ પુરુષોના જુલ્મો સામે ‘ગુલાબ ગેંગ’ ઉભી કરીને શારીરિક અત્યાચારનો જવાબ એ જ ભાષામાં આપવા સશક્ત છે. માધુરીની ‘મૃત્યુદંડ’માંની ભૂમિકા પણ એવી જ હતીને? તો રાની મુકરજીને ‘મર્દાની’માં મહિલા પોલીસ અધિકારીના રોલમાં મર્દોને હંફાવતી તાજેતરમાં જ ક્યાં નહતી જોઇ? એટલે હવે રોતી કકળતી આજીજી કરતી કે પતિના ચરણોમાં જ સ્વર્ગનું સુખ જોતી અગાઉના સિનેમાની નાયિકા રહી નથી. (અને થેંક ગૉડ ફોર ધૅટ!) પણ ફિલ્મી ઇતિહાસની નોંધ લેવા જેવી વાત એ પણ છે કે હીરોઇનોને સદા ત્રાસ સહન કરતી દેખાડાતી ત્યારે પણ, એટલે કે ’૪૦ના દાયકામાં, પણ નાદિયા જેવાં અભિનેત્રી  હતાં, જે ઘોડેસ્વારી કરે, જુદા જુદા સ્ટંટ જાતે કરે અને ચાબુકથી પુરુષોને ફટકારે... અલબત્ત પડદા ઉપર જ. તેથી જ તેમનું નામ ‘ફિયરલેસ નાદિયા’ પાડવામાં આવ્યું હતું અને ફિલ્મના પોસ્ટર અને પબ્લિસિટીમાં દરેક જગ્યાએ ‘નીડર નાદિયા’ જ લખાય. મઝાની વાત એ હતી કે પડદા ઉપર એક સ્ત્રીના હાથે પુરુષોને ‘સટાક સટાક’ હંટર પડતાં હોય અને એ જોવા સૌથી વધુ આવતા હતા પુરુષો જ! (સોચો ઠાકુર!)



તિખારો!

કેટરિનાનું મીણનું પૂતળું લંડનના મેડમ ટુસાડ મ્યુઝિયમમાં મૂકાવાનું છે, ત્યારે એક કાર્ટૂનિસ્ટે તે અંગેની કોમેન્ટ પોતાની રીતે કરી છે. કાર્ટૂનમાં કેટરિનાનું સ્ટેચ્યુ ક્યાં ગોઠવવું એમ પૂછતા સહાયકને મ્યુઝિયમના વ્યવસ્થાપક કહે છે, “સલમાન અને ઐશ્વર્યાનાં પૂતળાંની વચ્ચે મૂકી દો!” 



No comments:

Post a Comment