Saturday, July 6, 2013

ફિલમની ચિલમ - જુલાઇ ૦૭, ૨૦૧૩





‘ઘનચક્કર’ દેખાવા ક્ષેત્રફળને કેટલા ઘનસેન્ટીમિટર ફેલાવા




કોઇ ફિલ્મનું નામ ‘ઘનચક્કર’ હોય તો હીરોઇને કેટલા સેન્ટીમિટર સૉરી કેટલા ઘન સેન્ટીમિટર શરીર વધારવું આવશ્યક હશે? એવું કૌતુક ‘ઘનચક્કર’માં વિદ્યા બાલનને જોઇને થાય. આમ તો ભારતીય પ્રેક્ષકને સુકલકડી ઝીરો ફિગર કરતાં તંદુરસ્ત હીરોઇનો વધારે ગમતી આવી છે. પરંતુ, માલા સિન્હા અને ટુનટુનનો તફાવત પણ એ સમજે છે. ‘ઘનચક્કર’માં વિદ્યાએ એક પંજાબી ગૃહિણીનો રોલ કરવાનો હતો અને તેથી વજનની ચિંતા કરવાની નહતી એમ તેણે ખુલાસો કરેલો છે. એમ પણ ચર્ચાયું હતું કે તેના ચિત્ર-વિચિત્ર ડ્રેસ ડોલી બિન્દ્રાના પહેરવેશની નકલ કરીને રંગબેરંગી કાબર-ચિતરા બનાવાયા હતા, પરંતુ, તેને લીધે ડૉલી જેવા સ્થૂળકાય થવાની જરૂર ક્યાં હતી?



વિદ્યા બાલનને ‘લેડી બીગ બી’ કહેનારા સૌ પણ હવે કબુલ કરે છે કે તેને ટિકિટ બારી પર બિઝનેસ આપવાની રીતે ‘બીગ’ કહી હતી; તેણે શારીરિક સંપત્તિની દ્દષ્ટિએ ‘બીગ’ નહતા થવાનું! વળી, સ્ક્રિપ્ટમાં બરકત હોત તો ૭૦ એમ એમની વિદ્યા સામે ઇમરાન હાશ્મી ૩૫ એમ એમ.નો લાગે એ પણ કદાચ પ્રેક્ષકો સહન કરી લે. પરંતુ, કૉમિક થ્રીલર કહેવાયેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં બેંકની લૂંટનો સિક્વન્સ જ હસાવી શકે એવો થયો છે. એટલે ‘ઘનચક્કર’ ૨૦૧૩ના પ્રથમ છ માસમાં રિલીઝ થયેલી ફિલ્મોના સરવૈયામાં  જો એવરેજ કલેક્શન મેળવનારી ફિલ્મના ગૃપમાં મૂકાશે તો નવાઇ નહીં લાગે.

છ માસિક પરીક્ષાની જેમ દર સાલ અડધે વરસે ટિકિટબારી પરના પર્ફોર્મન્સને આધારે થતું મૂલ્યાંકન (અને વરસના અંતે થતું સરવૈયું) જ સ્ટારની બજાર કિંમતને વધારે કે ઘટાડે. કોઇપણ ફિલ્મને શરૂઆતના દિવસોમાં ગમે એવો આવકાર મળ્યો હોય, પરંતુ, તે રિલીઝ થતાં જ તેની સાથે સંકળાયેલા સૌ તેને હીટ કહેવાનું શરૂ કરી દે. કોઈ તો વળી ઉજવણીની પાર્ટી પણ આપે. જો કે પિક્ચર પાછળ કેટલું ઇન્વેસ્ટમેન્ટ હતું અને તે કેટલા રૂપિયા મળશે કે ગુમાવશે એ અંદરખાને આખી ઇન્ડસ્ટ્રી જાણતી હોય. તેને આધારે કોણ ખરેખર સ્ટાર છે અને કોણ કાગનો વાઘ છે, એ પણ નક્કી થતું હોય છે.




જો કે આજે રજુઆત પહેલાં માર્કેટીંગ અને પબ્લિસીટીનો મારો એવો કરાતો હોવાથી અને એક સાથે હજાર-પંદરસો સ્ક્રિન પર ફિલ્મ મૂકાતી હોઇ હવે કોઇપણ પિક્ચર સદંતર ફ્લોપ જવાની શક્યતાઓ તદ્દન ઓછી થઇ ચૂકી છે. છતાં દાવ લગાવવા જેવા ઘોડા (કે ઘોડી!)નું અપડેટ સતત થયા જ કરતું હોય છે. એ રીતે ‘આશિકી-ટુ’ની નાયિકા શ્રધ્ધા કપૂરને ‘વેસેલીન’નું મોડેલીંગનો કોન્ટ્રાક્ટ મળ્યો. તો માધુરી દીક્ષિતના દાંત ‘ઓરલ-બી’ ટુથપેસ્ટનો પ્રચાર કરવા પસંદ થયાનું કારણ પણ બીજી ઇનીંગની લોકપ્રિયતાને લીધે છે. જ્યારે ‘રાંઝણા’નો બિઝનેસ ૬૦ કરોડનો થતાં માત્ર ફેશનની દુનિયામાં વધારે ચર્ચાતી રહેલી સોનમ કપૂર પણ હવે કોલર ઊંચા કરી શકે એવું સાચા અર્થમાં સફળ પિક્ચર તેના નામે થયું. એટલે પિતા અનિલ કપૂરે રાતોરાત પાર્ટી આપી દીધી. એ તો હેમખેમ પતી. પરંતુ, સોનમના ચચેરા ભાઇ અને બોની કપૂરના દીકરા અર્જુનની બર્થડે પાર્ટીમાં રણબીર કપૂર એક શીત યુધ્ધના ધર્મસંકટમાં ભરાઇ જતાં બીજી સવારે ગૉસિપ વાગોળનારાઓને મઝા પડી ગઇ હતી.




રણબીરનું ધર્મસંકટ એવું હતું કે પાર્ટીમાં તેની અગાઉની ગર્લફ્રેન્ડ અને અત્યારની સુપર હિટ ફિલ્મની તેની હીરોઇન દીપિકા એક તરફ હતી; જ્યારે બીજી બાજુ હાલની અંગત મિત્ર કટરિના પણ હાજર હતી! “મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં...?” એવી મુંઝવણમાં પડેલા રણબીરને વધારે ગુંચવવાને બદલે કટરિના પાર્ટી છોડીને જતી રહી. જો રિપોર્ટ સાચા હોય તો (અને કેમ ના હોય?)  કટરિનાને તેનો બૉયફ્રેન્ડ દરવાજે વળાવવા સુધ્ધાં ના આવ્યો! જો કે હવે ડેમેજ  કન્ટ્રોલની રીતે કટરિનાને  રણબીર સ્પેઇનના બાર્સેલોના શહેર લઇ જવાના અહેવાલ છે, જ્યાં કરણ જોહર પોતાની નવી ફિલ્મના લોકેશન જોવા ઑલરેડી છે જ.



 યાદ છે ને?  કરણે ‘યે જવાની હૈ દીવાની’ પ્રથમ કટરિનાને જ ઓફર કરી હતી. હવે નવા પિક્ચરમાં શું એ જોડીને સાઇન કરવાની હશે? કે પછી રણબીર અને કટરિના માંડવાળી કરી શકે એ માટે જ ત્યાં જવાનાં હશે? કટરિના અને દીપિકાની માફક સૈફઅલી ખાન અને શાહિદ કપૂર પણ એક જ સ્થળે ભેગા થઇ જતાં એવા જ ગુંચવાડા થયા હતા. ત્યાં હાજર રહેલા લોકોના અહેવાલને માનીએ તો (અને કેમ ના માનીએ?) કરિના કપૂરના જુદા જુદા સમયના એ બેઉ મિત્રો એક જિમ્નેસ્યમમાં સાથે થઇ ગયા હતા. બે કસરતી હીરો અખાડામાં મળે એ ચિંતા થાય એવી મુલાકાત લાગે. પણ નજરે જોનારા ‘સાહેદ’ કહે છે કે બધું ‘સેફ’ રહ્યું હતું!

એવું આશ્ચર્યજનક મિલન તો ક્યાંય પણ થઇ શકે અને રિતિક રોશનને એવું સરપ્રાઇઝ આકાશમાં મળ્યું. તે ન્યુયોર્કથી પરત આવતો હતો, ત્યારે તેના પ્લેનમાં સહ મુસાફર કોણ હતી, જાણો છો?
ગર્ભાશયના કેન્સરનો ઇલાજ સફળતાપૂર્વક કરાવી પોતાના પરિવારજનો સાથે મુંબઇ આવી રહેલી લોખંડી મન્શાવાળી મનિષા કોઇરાલા! ઉપચાર દરમિયાન તેનાં મમ્મી સતત સાથે રહ્યાં હતાં. ‘મા તે મા, બીજા બધા સાચ્ચા અર્થમાં વગડાના વા’ એમ આ કિસ્સામાં ફરી એકવાર સાબિત થયું. કેમ કે મનીષાએ જાહેરમાં એમ કહ્યું છે કે તેણે ઇન્ડસ્ટ્રીના નાના-મોટા કેટલા બધા સ્ટાર્સ સાથે કામ કર્યું છે અને છતાં, તેની જિંદગીની આ સૌથી મોટી કટોકટીમાં એક પણ સાથી કલાકારે ફોન સુધ્ધાં કરીને પણ ખબર-અંતર પૂછ્યા નહતા. (અમારી જેમ તમને નથી લાગતું? કે ધૂળ પડી એ ૨૫- ૫૦ કે ૧૦૦ કરોડના બિઝનેસમાં જો તમારી એક સમયની જોડીદારને તેની શારીરિક બિમારીના સમયમાં તબિયતના ખબર પૂછવા “કેમ છો?”નો એક ફોન પણ તમે ના કરી શકતા હોવ તો!) 

કેન્સરના સફળ ઇલાજ પછી પોતાની મમ્મી અને એક મિત્ર સાથે મનીષા કોઇરાલા


તિખારો!

‘દીવાર’ના પ્રખ્યાત ડાયલોગ “મેરે પાસ માં હૈ”ની એક લોકપ્રિય પેરોડી:

“મેરે પાસ ઇમેઇલ હૈ, ટ્વીટર હૈ, ફેસબુક હૈ, વૉટ્સ ઍપ હૈ... તુમ્હારે પાસ ક્યા હૈ? ક્યા હૈ તુમ્હારે પાસ?”

“મેરે પાસ કામ હૈ!!” 


2 comments:

  1. સલિલ સર,

    એકદમ હળવે હાથે ગળે ઉતરી જાય એવી ખટપટ... ઘનચક્કરમાં વિદ્યા અને ઇમરાનની સરખામણીની સ્ટાઇલ તો અદભૂત!... રહી વાત રાઝ્ણાની તો ડિરેક્ટર જ સ્યોર ન હોય ત્યારે આપણે શું કહી શકવાના :)

    સેમ

    ReplyDelete
  2. Lady big B, as far as her figure concern, there is now only BIG present, B could not b define her. It seems that she is still in euphoria of 'Dirty Picture'.

    ReplyDelete