Saturday, July 20, 2013

ફિલમની ચિલમ... ૨૧ જુલાઇ, ૨૦૧૩






છેવટે બૉક્સ ઓફિસ પરનો રમઝાનનો ડર તૂટ્યો! 




શું અભિનેતા પ્રાણની પ્રાર્થનાસભા વખતે શત્રુઘ્નસિન્હાનો ઠપકો કામ કરી ગયો હશે? પ્રાણના અવસાનના સમાચાર પ્રસર્યા પછી તેમની અંતિમ વિદાય વખતે સ્મશાને જનારાઓમાં ફિલ્મ ઉદ્યોગમાંથી શત્રુભૈયા ઉપરાંત અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કરણ જોહર, રઝા મુરાદ, રાજ બબ્બર, શક્તિ કપૂર અને ડેની જેવા આંગળીના વેઢે ગણી શકાય એટલા જ જાણીતા લોકો હાજર હતા. શત્રુએ પોતાની તડ ’ને ફડ સ્ટાઇલમાં સ્મશાનભૂમિમાં જ મિડીયાને કહ્યું કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ ૧૦૦ વરસનો થયો અને તેમાં જે માણસે ૭૦ વરસ આપ્યાં હોય તેના અંતિમ સંસ્કારમાં આનાથી અનેકગણી વધારે હાજરી હોવી જોઇતી હતી.

એ કોમેન્ટ પછી સૌ જાગ્યા હોય એમ પ્રાણની પ્રાર્થનાસભામાં ફિલ્મી હસ્તિઓની હાજરી પ્રમાણમાં વધારે સારી હતી. તેમાં અમિતાભ-જયા, દિલીપકુમાર-સાઇરાબાનુ, રણધીર કપૂર. સુભાષ ઘઇ, સુરેશ ઓબેરોય, જેકી શ્રોફ, ધીરજકુમાર, પ્રેમ ચોપ્રા, શ્રેયસ તળપદે, સંજય અને અકબર ખાન, વિજુ ખોટે, શબાના આઝમી, ચંકી પાન્ડે, દિલીપ તાહિલ, ફારુખ શેખ, ગુલશન ગ્રોવર, કામિની કૌશલ, ગોવિંદ નિહલાની, સંગીતકાર આણંદજી વગેરે ઉપસ્થિત હતા.  છતાં દેખીતી રીતે જ અમુક ગેરહાજરી ખટકતી હતી, જરૂર.







કેમ કે જો દિલીપકુમાર અને કામિની કૌશલ જેવાં ૮૫ પ્લસની ઉંમરે આવી શકતાં હોય કે પછી અમિતાભ જેવા સ્મશાનયાત્રા અને પ્રાર્થનાસભા બન્નેમાં હાજરી આપવા સમય કાઢી શકતા હોય, તો ધર્મેન્દ્ર કે જીતેન્દ્ર જેવા એક યા બીજી રીતે આજે પણ પ્રવૃત્ત અભિનેતાઓ કે તેમના સ્ટાર  કુટુંબીજનો પૈકીના કોઇ કેમ નહીં? શાહરૂખ, આમિર, સલમાન કે અક્ષય અથવા સૈફ જેવા ૯૦ના દાયકાના કોઇ શાથી નહીં? શું એ બધાને  કે  સની અથવા અનિલ કપૂર સરખા ‘૮૦ના સ્ટાર્સને અને આજની પેઢીના રણબીર કપૂરથી અર્જુન કપૂર સુધીના સૌને ખબર નથી કે આ એ જ પ્રાણ હતા, જેમણે ’૫૦ના દાયકામાં મનમોહન ક્રિશ્ના અને કે.એન. સિંગ સાથે મળીને કૅરેક્ટર એક્ટર્સનું સંગઠન શરૂ કર્યું હતું? 

તે સંગઠનના જ પ્રતાપે તમામ સ્તરના કલાકારોની સ્થિતિ સુધરી હતી? એ વખતે માત્ર ચરિત્ર કલાકારો  માટે શરૂ કરાયેલા એ સંગઠનની સફળતા પછી ‘હીરોલોગ’ પણ તેમાં જોડાયા અને નવું નામ ‘સિને આર્ટિસ્ટ એસોસીએશન’ થયું હતું. એ જમાનામાં રોકડા રૂપિયાનો વહેવાર જ મુખ્ય હતો, તે દિવસોમાં નિર્માતાઓ પાસેથી પૈસા કઢાવવાથી માંડીને નાનામાં નાના કલાકારને યોગ્ય મહેનતાણું મળે એ માટે એ સંગઠન કાર્ય કરતું. (તેમાં કોઇ સમયે આશા પારેખ તો ક્યારેક મિથુન ચક્રવર્તી અને જહોની લીવર જેવા પદાધિકારીઓ રહી ચૂક્યા છે. હવે ટીવી આર્ટિસ્ટ્સ પણ તેમાં સામેલ છે. ત્યારે પ્રાણ સાહેબની સ્મશાનયાત્રા કે પ્રાર્થના સભામાં આ હોદ્દેદારો પૈકીના પણ કેટલા દેખાયા હતા?)


યાદ રહે, પ્રાણને તેમના પોતાના મહેનતાણાની કોઇ ફિકર નહતી. એ તો હીરોને સમાંતર (ક્યારેક હીરો કરતાં પણ વધારે!) ફી લેતા હતા. તેથી એક રીતે જુઓ તો મિત્ર પ્રોડ્યુસરોની સામે પડવા જેવું હતું. પણ એ અડગ રહ્યા. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં તો જરૂરતમંદ કલાકારોને એસોસીએશનના ફંડમાંથી નિયમિત રકમ અપાય એટલી જ રકમ એ જાતે પણ આપતા. તેમની પ્રથા એવી કે ‘ડાબા હાથે આપેલું દાન જમણો હાથ પણ ના જાણે’ એટલે જ્યાં સુધી સહાય લેનાર જાહેર ના કરે ત્યાં સુધી તેમના પરિવારજનો પણ ના જાણે! તેમની એવી મદદનો કિસ્સો ફઝલુ નામના એક સાવ ઓછા જાણીતા કલાકારના કિસ્સામાં બહાર આવ્યો, ત્યારે સૌને ખબર પડી કે આ વિલન તો કેવા દેવતા હતા. તેમની નિયમિતતા અને સમયપાલનને કારણે નિર્માતાઓનો અને સાથી કલાકારોનો કેટલો બધો સમય બચ્યો હશે? ત્યારે બીજું કશું નહીં તો એક્ટર્સની જમાતને  સંગઠિત કરનાર એક નેતા તરીકે તો તેમને યોગ્ય અંતિમ વિદાય આપવી જરૂરી નહતી? 


પરંતુ, તેમના માનમાં એકાદ દિવસ ફિલ્મ ઉદ્યોગ દ્વારા શોક પાળવાનું તો દૂર રહ્યું, પાર્ટીઓ પણ બંધ ના રહી.... પછી એ ‘લૂટેરા’ની સક્સેસ પાર્ટી હોય કે પછી આમિરખાન અને તેની પત્ની કિરણે ‘ધી શીપ ઓફ થિસસ’ના સ્ક્રિનિંગ પછી આપેલી કટરિનાની બર્થડે પાર્ટી! કટરિના અને રણબીર સ્પેનમાં નાનકડું વેકેશન સજોડે કરી આવ્યા પછી આ કાર્યક્રમમાં હાજર હતા. એ ખરું કે ‘લૂટેરા’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ને મળેલા સારા આવકારને પગલે રમઝાન મહિનામાં ફિલ્મો ના ચાલે એવો ઓડિયન્સ વિશેનો વરસો જૂનો કન્સેપ્ટ હવે બાકાયદા નિર્મૂળ થયો હોઇ ફિલ્મ ઉદ્યોગનો માહૌલ આજકાલ ઉત્સવનો છે. હવે એ જ રીતે નવરાત્રી દરમિયાન અને  દિવાળી પહેલાંના સપ્તાહ (પ્રિ-દિવાલી વીક)ને ટિકિટબારી માટે ‘ડ્રાય’ ગણવાની પ્રથાને પણ  નિર્માતા-ડીસ્ટ્રીબ્યુટર્સ અને ખાસ તો ઓડિયન્સ ઇતિહાસ કરી શકશે?




‘ભાગ મિલ્ખા ભાગ’માં દિવ્યા દત્તાનો અભિનય જોઇને અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એ સૌથી અંડર રેટેડ એક્ટ્રેસ છે! પરંતુ, ‘બીએમબી’ કોઇના પણ કરતાં વધારે ફરહાન અખ્તરની ફિલ્મ છે. જેમ ‘મોગલે આઝમ’માં પૃથ્વીરાજ કપૂરને અકબર તરીકે જોયા પછી થતું હતું કે અસલ અકબર પણ આટલા ભવ્ય હશે કે કેમ? એ જ રીતે ફરહાનને ‘મિલ્ખા’ તરીકે ફિલ્મમાં જોયા પછી થાય કે ‘ગાંધી’ના બેન કિંગ્સ્લેની જેમ અસલ મિલ્ખાસિંગને બદલે ફરહાન લોકોના દિમાગમાં ફિક્સ થઇ જશે. જો કે ‘ગાંધી’ બનાવતાં, અઢળક રિસર્ચ મટિરીયલની, જે મુશ્કેલી રીચાર્ડ એટનબરોને પડી હશે એ જ તકલીફ દિગ્દર્શક રાકેશ મેહરા અને પટકથા લેખક પ્રસુન જોશીને પડી હશે. બાયોપિક (જીવનકથા આધારિત પિક્ચર) બનાવતી વખતે ખરી પરીક્ષા તે સેલીબ્રીટી વિશેના ઢગલો સાહિત્યને નિર્દયતાથી એડીટ કરવાની હોય છે. એ કદાચ ઓછું થઇ શક્યું છે. તેમ છતાં ૧૮૭ મિનિટની ‘ભાગ મિલ્ખા ભાગ’ જોઇને અમેરિકન દોડવીર કાર્લ લુઇસે ફોન પર ‘ફ્લાઇંગ શીખ’ને અભિનંદન આપ્યા; એ જોતાં ફિલ્મની લંબાઇ (એકંદરે ઓછા શો થતા હોવાથી) સિનેમા થિયેટરવાળાઓ સિવાયના કોઇને નડતી લાગતી નથી! તમને શું લાગે છે?

 
તિખારો!
દસ સેકન્ડ કરતાં ઓછા સમયમાં વર્લ્ડ ફેમસ થવું છે? તો ૧૦૦ મીટરની ઓલમ્પિક દોડમાં ભાગ લો અને જીતો!



2 comments:

  1. સલિલભાઇ,

    હંમેશ મુજબ જાનદાર, શાનદાર લેખ છે. અને ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીનાં લોકોનું તો શું કહેવું? આ એ જ લોકો છે જે પ્રાણ સાબની વિદાય પછી ટ્વિટ કરતાં થાકતા નહોતાં. પણ પુરો દિવસ કે અર્ધો દિવસ પણ જે ગયા એમની પાછળ ખર્ચવો શું કામ? એવા હળોહળ સ્વાર્થી અને મતલબી લોકોથી ભરેલી આ ઇન્ડ્સ્ટ્રી છે. જવા દો... સાહેબ આ લોકો માટે હું લખવામાં અને તમે વાંચવામાં પણ શા માટે સમય બરબાદ કરો છો?

    ReplyDelete
  2. જિગ્નેશભાઇ,
    લેખની પ્રશંસા અને સૂચન બદલ આભાર.
    તમે કહો છો એવી સ્થિતિ હમેશાંથી ક્યાં હતી? ભૂતકાળમાં મોટી ફિલ્મી હસ્તિના નિધન પ્રસંગે ફિલ્મોનું કામકાજ બંધ રાખવાની કે કમસે કમ ઉજવણીઓની પાર્ટી મોકુફ રાખવાની પ્રથા તો હતી જ.
    રાજ(કપૂર) સાહેબના નિધન વખતે અમે તો મુંબઈથી માઇલો દૂરનાં શહેરોનાં સિનેમા થિયેટરના શો બંધ રહેલા પણ જોયાં છે. એટલે વ્યથા તો થાય જ ને? તેની અભિવ્યક્તિ અન્ય કોઇ કરતાં વધુ મારી જાત માટે કરું છું. સૌને એમાં સમયનો સદઉપયોગ જ લાગશે એ ગણત્રી પણ હોતી નથી.
    You do have a point in present circumstances. But I am an old school person, that's all.
    -Salil

    ReplyDelete