શું શાહિદ કપૂર પંજાબમા ‘શહીદ’
થશે?
હવે
તો જગજાહેર થઈ ચૂક્યું છે કે ‘ક્રિશ થ્રી’એ
પહેલા દસ જ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ કર્યો છે. બીજા વીકમાં
પણ જે રીતે વકરો આવી રહ્યો છે, તેને ટ્રેડની ભાષામાં ‘રૉક સ્ટેડી’ કહે છે. મતલબ કે
બીજા સપ્તાહના સોમવારે પણ કલેક્શનની સારી એવરેજ પકડાઇ રહી છે, જે આજના સમય પ્રમાણે
ઐતિહાસિક ઘટના કહેવાય. કેમકે અત્યાર સુધી તો એમ જ બનતું આવ્યું છે કે મોટા સ્કોર કરનારી
મોટાભાગની ફિલ્મો એક વીકમાં મોટો પાવડો મારીને ૧૦૦ કરોડની નજીક પહોંચે છે. પછીના દિવસોમાં
અરચુરણ પરચુરણ કલેક્શન લઈને પણ ૧૦૦-૧૫૦નો આંકડો પસાર કરી દેવાય છે. હવે અગાઉની માફક
દરેક ટૉકિઝ માટે અલગ પ્રિન્ટ બનાવવાની ઝંઝટ રહી નથી. તેથી ટૉપ સ્ટાર્સના પિક્ચર એક
સામટા બે-ત્રણ હજાર સ્ક્રિન પર રિલીઝ કરવાની
સ્ટ્રેટેજી બરાબર કામ લાગી રહી છે. કદાચ ફ્લૉપ જાય તો પણ ૪૦-૫૦ કરોડનો ખેલ તો પાડી
જ દે!
‘ક્રિશ થ્રી’ હીટ થવાને પગલે રિતિક રોશનનું માર્કેટ અકબંધ રહ્યું
એ રોશન પરિવાર માટે સૌથી મોટી કમાણી છે. જો કે સંગીતકાર રાજેશ રોશનને એવો ફાયદો નથી
થયો. કેમ કે મોટાભાગના રિવ્યુમાં મ્યુઝિક માટે બહુ સારા અભિપ્રાય આવ્યા નથી. બલ્કે
એમ પણ કહેવાયું છે કે ‘ક્રિશ થ્રી’ સંગીતને
‘લીધે’ નહીં પણ એવાં ગાયનો ‘છતાંય’ હીટ થઈ છે! પરંતુ, સફળતાના ફાધર અનેક (અને નિષ્ફળતા
અનાથ!) હોય છે એ નિયમ અનુસાર મધર પણ એટલી જ હોય છે. તેથી ‘ક્રિશ થ્રી’ની હીરોઇન પ્રિયંકા ચોપ્રાએ પણ લળી લળીને આભાર માનવા માંડ્યો
છે.
પ્રિયંકાએ ‘ડોન ટુ’, ‘બર્ફી’ અને ‘અગ્નિપથ’
પછી ‘ક્રિશ થ્રી’ ૧૦૦ કરોડની પોતાની ચોથી ફિલ્મ થવા બદલ ગર્વ અનુભવવાનું શરૂ કરી દીધું
છે. જ્યારે હકીકત એ છે કે ‘બર્ફી’ સિવાયનાં
અન્ય ત્રણેય હીરોપ્રધાન ચિત્રો હતાં. તેમજ
તેની છેલ્લે આવેલી ‘જંજીર’ની નિષ્ફળતાનો
સરપાવ લીધો નહતો. છતાંય ધંધાના રિવાજ મુજબ એમાં કશું ખોટું પણ ક્યાં છે? એમ તો પ્રિયંકાની
માફક ૧૦૦ કરોડની ક્લબમાં ૪ ફિલ્મો હોય એવી અભિનેત્રીઓમાં અસિન પણ છે જ ને? તેની ‘ગજિની’, ‘હાઉસફુલ ટુ’, ‘બોલ બચ્ચન’ અને ‘રેડી’ છે. તો
સોનાક્ષી સિન્હાની ‘દબંગ’, ‘રાવ્ડી રાઠોર’, ‘દબંગ ટુ’, અને ‘સન ઓફ સરદાર’ એ ચાર સેન્ચુરી ફિલ્મો છે. આ બધામાં
દરેક નાયિકાને ભાગે એવો મહત્વનો રોલ ક્યાં હતો? એ યાદીની આ સાલ દાખલ થયેલી નવતર મેમ્બર
દીપિકાનો રેકોર્ડ વળી સાવ અલગ છે. તેનાં સદી ફટકારનારાં ત્રણેય પિક્ચર ‘ચેન્નાઇ એક્સપ્રેસ’, ‘યે જવાની હૈ દીવાની’ અને ‘રેસ
ટુ’, આ સાલ ૨૦૧૩માં જ આવ્યાં છે અને જો ૧૫મીના શુક્રવારે આવી રહેલું ચિત્ર ‘રામલીલા’ સમયસર રિલીઝ થશે તો તે પણ ૧૦૦ કરોડની
શક્યતાવાળું છે. તેથી દીપિકા ‘સેન્ચુરી ક્લબ’માં મોડી દાખલ થયા છતાં સૌની સાથે થઈ જશે. (આ લખાણ અખબારોમાં ૧૨મીએ મોકલ્યા પછી ફિલ્મ ૧૫મીએ સમયસર રજૂ થઈ છે અને પ્રાથમિક રિપોર્ટ સારા છે.)
‘રામલીલા’ની જે કિસ માટે રણવીરસિંગે મોટા ઉપાડે
વધામણું ખાધું હતું કે આવું લાંબુ ચુંબન હિન્દી પડદે અગાઉ કદી જોવા નહીં મળ્યું હોય
(બ્લા બ્લા બ્લા!), એ જ દ્રશ્ય ઉપર હવે સેન્સરે પચાસ ટકા કાતર ફેરવી દીધી. તે ઉપરાંત
પણ ડઝનેક કટનો આદેશ થયો અને તે સ્વીકારાયા પછી જ સેન્સરે ‘યુએ’ સર્ટિફિકેટ આપ્યું છે.
‘રામલીલા’ની પબ્લિસિટીના દિવસોમાં રણવીરસિંગ
અને દીપિકાની નિકટતાની વાતો થવાને બદલે કટરિનાની ઘનિષ્ટતા રણબીર કપૂર સાથે વધતી જવાના
બે સમાચારો ગયા સપ્તાહે ગૉસીપ વર્તુળોમાં વધારે ચર્ચાનો વિષય રહ્યા. એક તો કરણ જોહરે
આપેલી ‘નો રિઝન પાર્ટી’માંથી બેઉ સાથે વિદાય થયાં તે અને બીજું ‘કેપ્ટન ફિલીપ્સ’નો સ્પેશ્યલ શો પત્યા પછી
કટરિનાને લેવા પ્રિવ્યુ થિયેટરે પહોંચેલો રણબીર! જો કે રણબીરને ન્યાય કરવા કહેવું જોઇએ
કે હોલીવુડના ગ્રેટ સ્ટાર રોબર્ટ ડી’ નિરોને પગે લાગતો તેનો ફોટો પણ આ સપ્તાહે જ આવ્યો
હતો. રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચનથી માંડીને અનિલ કપૂર તથા શબાના આઝમી જેવા સિનીયર કલાકારો
અને દિયા મિરઝા જેવી આજની અભિનેત્રી સહિતના સૌએ રોબર્ટ ડી’ નિરો સાથે ફોટો પડાવ્યો.
દિયા
મિરઝાનાં મમ્મીના હ્રદયની તાત્કાલિક સર્જરી કરવાને કારણે તેણે નિર્માત્રી તરીકે શરૂ કરવા ધારેલી પોતાની ફિલ્મ
‘બૉબી જાસુસ’ને તાત્કાલિક રોકવી પડી છે.
માતા-પિતા હોય કે તેમનાં સંતાનો બેઉ એકબીજા માટે એટલી ચિંતા રાખતાં હોય એ સામાન્ય સમાજનો
નિયમ ફિલ્મી દુનિયામાં પણ એટલો જ લાગુ પડે છે. જેમ કે શાહિદ કપૂરના પિતાજી પંકજ કપૂરની
દીકરાના લગ્નની ચિંતા! શાહિદ એક સમયે કરિના સાથે ગંભીર હતો, પછી પ્રિયંકા સાથે તેનું
નામ જોડાયું હતું. પરંતુ, પંકજ કપૂરે તેને થાળે પાડવા પંજાબમાંના તેમના કુટુંબીજનોને
ઘરેલુ ‘પંજાબી કુડી’ શોધવા કહ્યું છે અને તેમણે એવી છોકરીઓને નજર તળેથી કાઢવાનું શરૂ
પણ કરી દીધું છે. જો કે માબાપ અને સંતાનોના સંબંધોની બીજી બાજુ કબીર બેદી તથા તેમની
દીકરી પૂજા વચ્ચે ઉભો થયેલો તાજો વિખવાદ પણ છે. તેના મૂળમાં બન્ને વચ્ચેની કડી જેવાં
સ્વ. પ્રોતિમા બેદીનો ફ્લેટ છે. એ ફ્લેટ પૂજાએ વેચી દીધો અને કબીરને તેની જાણ પણ નહતી.
ખરી મુશ્કેલી એ છે કે કબીર તેમની અત્યારની ગર્લફ્રેન્ડ સાથે અત્યારે તેમાં રહે છે અને સ્વાભાવિક છે કે હવે તે જગ્યા
ખાલી કરવી પડશે. જોઇએ હવે આ વિવાદ કેવું રૂપ લે છે?
તિખારો!
‘બીગ બોસ’માં પહેલવાન સંગ્રામસિંગ
બધાને પ્રાણાયામ કરાવતા હતા. તે કસરતમાં નહીં જોડાયેલી ટીવી એક્ટ્રેસ કામિયા પંજાબીને
તેમણે કહ્યું, “આ જાઓ ઇસ સે તુમ્હારે દિમાગ કી સારી ગંદગી સાફ હો જાયેગી...” ત્યારે
ટીવી સિરીયલોમાં નેગેટિવ ભૂમિકા કરવા બદલ એવોર્ડ મેળવી ચૂકેલી કામિયાએ હસતાં હસતાં
કહ્યું, “મુઝે અપના દિમાગ સાફ નહીં કરના.... ઐસા હી ઠીક હૈ!!”
Salil Sir,
ReplyDeleteFrom start to end Tikharo the way you narrate the things is really wonder for me... I wish I could write like you....
Sam