‘ક્રિશ થ્રી’ બૉક્સ ઑફિસ પર
ઢગલાબંધ ‘કૅશ’ લાવશે કે ‘ક્રૅશ’ થશે?
ઢગલાબંધ ‘કૅશ’ લાવશે કે ‘ક્રૅશ’ થશે?
દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ! વિક્રમ સંવતના
છેલ્લા દિવસોમાં રિલીઝ થનારી રિતિક રોશનની
‘ક્રિશ થ્રી’નો પ્રચાર તેના અંતિમ તબક્કામાં હોય એ તો સમજાય; પણ ઠેઠ ડીસેમ્બરમાં
આવનારી ‘ધૂમ થ્રી’ના ટ્રેઇલરની થઈ રહેલી
પબ્લિસિટી ચોંકાવનારી છે! કોઇ મોટી ફિલ્મ માટે “આવે છે” કે “ભવ્ય રજૂઆત”નાં બોર્ડ ચઢતાં
બહુ જોવાયાં છે. બહુ મોટું પિક્ચર હોય તો કલરીંગ પાટિયામાં ઝરી ચોંટાડેલી હોય. પણ ‘ધૂમ થ્રી’માં તો થિયેટર્સમાં ટ્રેઇલર રિલીઝ
થાય છે તેની આવડી મોટી પબ્લિસિટી કરીને યશરાજ ફિલ્મ્સે બધા જૂના રેકોર્ડ તોડી નાખ્યા
છે! તેમણે એ ટ્રેઇલર આઇમૅક્સમાં રજૂ કરી શકાય એવું કરવા માટે બે કરોડ રૂપિયા ખર્ચી
નાખ્યા છે. જે બજેટમાં એકાદા નાના પ્રોડ્યુસરની આખી ફિલ્મ બની જાય એટલી રકમ ટ્રેઇલર
પાછળ વાપરી હોવાના અહેવાલ બજારમાં મૂકીને ‘યશરાજ’ અત્યારથી ફિલ્મનો ભાવ ઊંચો રાખવાની
રમતમાં હોવાનું અનુભવીઓ ગણી રહ્યા છે. જો એમ થશે તો પણ અલ્ટિમેટલી તો એ વધેલી કિંમતનો
ભાર કન્યાની કેડે એટલે કે પ્રેક્ષકોના પાકીટે જ આવશે.
‘ધૂમ
થ્રી’ના ડીસ્ટ્રીબ્યુટર્સનો એ ગણગણાટ તેના અસલી રૂપમાં
તો રિલીઝ વખતે સંભળાશે, પણ કલાકારોના ચાહકોની ચણભણ તો રંગ લાવી જ છે. ‘ધૂમ થ્રી’નું પ્રથમ પોસ્ટર એકલા આમિરખાનનું
બજારમાં આવતાં ફિલ્મના અન્ય આર્ટિસ્ટ્સ અભિષેક બચ્ચન, અને કટરિના કૈફના પ્રશંસકોએ સોશ્યલ
મિડીયામાં ‘યશરાજ’ના એ પગલા સામે મોટા પાયે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેને લીધે હશે
કે પછી ફિલ્મમાં અગત્યનું પાત્ર ભજવતા અને નવા ‘બૉસ’ આદિત્ય ચોપ્રાના ભાઇ ઉદય ચોપ્રાએ
પોતાને હાઇલાઇટ નહીં કર્યાની નારાજગીની વહેતી થયેલી વાતોની અસર હશે એ તો કોણ જાણે;
પણ દિવાળીના દિવસોમાં ‘ધૂમ થ્રી’નાં નવાં
પોસ્ટર આવ્યાં, તેમાં આમિર ઉપરાંત અભિ, કટરિના અને ઉદય એ તમામ દેખાયાં છે જરૂર!
‘ધૂમ
થ્રી’ તો હજી નાતાલમાં આવે ત્યાં સુધી તેમાં રસ જાગેલો
રહે તે માટે ‘યશરાજ’ પબ્લિસિટીની અવનવી યુક્તિઓ કરશે. ઑલરેડી આમિર હોલીવુડની એક્શન
ફિલ્મ ‘ધી ડાર્ક નાઇટ’ના ‘જોકર’ની જેમ
‘ક્લાઉન થીફ’ બન્યાની વાત તો આવી જ ચૂકી છે. જ્યાં કરોડોના દાવ લાગ્યા હોય ત્યાં રિતિકે
કર્યાં એમ વિલનના રોલનાં પણ વખાણ કરવાં જરૂરી બની જાય. રિતિકે તાજેતરમાં કહ્યું કે
‘ક્રિશ થ્રી’ના ખલનાયક બનેલા વિવેક ઓબેરોયનો
એ રોલ પોતે કરવા માગતો હતો! જો કે ‘ક્રિશ થ્રી’ની
રજૂઆતના ત્રણ દિવસ પહેલાં સુધી અદાલતી કેસ વિલન સાબિત થશે કે શું? એવી બીકને કારણે
થોડીક અનિશ્ચિતતા લાગતી હતી. કેમકે ‘ક્રિશ
થ્રી’ની સ્ક્રિપ્ટ પોતે લખી હોવાના એક વ્યક્તિના દાવાની સુનાવણી હતી. પરંતુ, આજે મંગળવારે મુંબઈ હાઇકોર્ટે મનાઇ આપવાનો ઇન્કાર
કરી દેતાં ‘ક્રિશ થ્રી’ ધનતેરસના દિવસે
રજૂ થવા માટે ક્લિયર થઈ ગઈ છે.
‘ક્રિશ
થ્રી’ના આગમન સાથે ટિકિટબારી પર મહિના દહાડાથી વર્તાતા
દુષ્કાળમાં રાહતકાર્ય શરૂ થવાની આશા છે. પરંતુ, સાથે સાથે એવડી મોટી ફિલ્મના ભાર નીચે
‘મિકી વાયરસ’ અને ‘શાહિદ’ જેવી અગાઉના સપ્તાહની લાઇટ વેઇટ ફિલ્મો તો ક્યાંય દબાઇ જવાની.
આમ પણ ‘મિકી વાયરસ’માં સામાન્ય પ્રેક્ષકને
રસ પડે એવું તત્વ હિરોઇન ઍલી છે, જે ‘બીગ બોસ’ના ઘરમાં સૌથી માસુમ ચહેરો છે. તેનાથી
સૌથી વધુ ઇમ્પ્રેસ સલમાન થયા હોય એમ લાગે છે અને એ બહાર આવે ત્યારે તેને ‘જય હો’ જેવા એકાદ પોતાના પિક્ચરમાં ચાન્સ
આપે એ શક્યતા લાગતી હતી. પરંતુ, ૧૧ કરોડની લાગતથી બનેલી ‘મિકી વાયરસ’નો વકરો પહેલા વીક એન્ડમાં ચાર-પાંચ કરોડ સુધી જ પહોંચ્યો
હોઇ ઍલી હિન્દી સિનેમામાં આગળ ટકશે કે પછી ‘બીગ
બૉસ’માં તેણે સલમાન સમક્ષ જાહેર કર્યો છે એવો, પાંચ બાળકોની મા બનવાનો, પ્રોજેક્ટ
અમલમાં મૂકશે?
માતા બનવાની ફક્ત ઇચ્છા જો કોઇ હિરોઇન જાહેર કરે
તો પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનું સૅમી રિટાયરમૅન્ટ નક્કી થઈ જાય. એટલે જ એશા દેઓલ જેવી
લગભગ નિવૃત્ત થઈ ચૂકેલી અભિનેત્રી પણ પોતાની પ્રેગ્નન્સીની ખબરોને ટ્વીટર પર નકારવાનું
ચૂકતી નથી. તો કરિના જેવી ટૉપ સ્ટારને તો એ પરવડે જ ક્યાંથી? તે પોતાને માટે માતૃત્વની
ઉડતી એવી દરેક અફવાને નકારતી રહેતી હોવા છતાં એ હકીકત છે કે લગ્ન પછી તે ‘રામલીલા’ જેવી સંજય લીલા ભણશાળીની ફિલ્મ
ના કરી શકી. તેમાં રણવીર સિંગ જેવા પ્રમાણમાં નવા હીરો સાથે કીસીંગ સીન હોવાથી તેણે
પોતે ઇનકાર કર્યો કે પછી ડાયરેક્ટરે જ દીપિકા પર પસંદગીનો કળશ ઢોળ્યો એ રહસ્ય ક્યારે
ખુલશે એ તો કોણ જાણે. પરંતુ, આ જ મહિને રિલીઝ થનારી ‘રામલીલા’ અત્યારે બિઝનેસની રીતે એક હૉટ ફિલ્મ ગણાય છે. વળી હવે આ સપ્તાહે
સેન્સરે એક પણ કટ વગર તેને ‘યુએ’ સર્ટિફિકેટ સાથે પાસ કરી દીધી છે એટલે હવે તેની સામેના
બધા વાંધા-વિરોધ કે અદાલતી મુકદ્દમા છતાં શેક્સપિયરની ‘રોમિયો જુલિયટ’નું દેશી વર્ઝન
દેવદિવાળીએ મોર બની થનગનાટ કરશે. એના આગમન પહેલાં એ પણ નક્કી થઈ ચૂક્યું હશે કે હિરોઇન પ્રિયંકા ચોપ્રાની સરખામણીએ કંગના રાનાવતનો રોલ વધારે મોટો અને એક્ટિંગની વધારે શક્યતાવાળો કહેવાય છે તે ‘ક્રિશ થ્રી’ તેના પર લાગેલા રૂપિયાના પ્રમાણમાં
બૉક્સ ઑફિસ પર ‘કૅશ’ ખેંચી લાવે છે કે પછી પોતે જ ‘ક્રૅશ’ થઈ જાય છે!
તિખારો!
‘કૉમેડી નાઇટ્સ.....’માં કપિલે વળી
એક સરસ કટ મારતાં આ સપ્તાહે કહ્યું કે “યે એક્ટર લોગ ક્યું સિક્યુરિટી રખતે હૈં? અરે
ભૈ, આપ એક્ટિંગ અચ્છી કર લો, આપકો કોઇ કુછ નહીં કરેગા!!”
No comments:
Post a Comment