Saturday, November 23, 2013

ફિલમની ચિલમ...... ૨૪ નવેંબર ૨૦૧૩

જુઓ, (રામ) ‘લીલા’  રેકોર્ડબુકમાં જઈ રહી છે!




બૉક્સ ઑફિસનાં કલેક્શનમાં સો કરોડ લાવવાની કોઇ નવાઇ રહી ના હોઇ હવે તો ‘શેઠ આવ્યા, તો નાખો વખારે’ વાળો ઘાટ છે! તેથી એવી હીટ ફિલ્મ સાથે સંકળાયેલા સૌએ હવે ૧૦૦ કરોડની રકમ આસપાસનો કોઇ નવો ઍંગલ બતાવીને જુદી જ જાતનો વિક્રમ કરી બતાવવાનો રહે છે. મઝા એ છે કે દરેક વખતે કશોક તો નવો રેકોર્ડ થાય જ છે! જેમ કે ‘ક્રિશ થ્રી’ એ ૨૨૮ કરોડ પંદર દિવસમાં કરીને નવો ઝંડો રોપ્યો; તો ‘રામલીલા’ માટે એવું શોધાયું છે કે દિવાળી કે હોળી, ઇદ કે ક્રિસ્મસ જેવો કોઇ તહેવાર ના હોય છતાં પહેલા પાંચ દિવસમાં ૭૦ કરોડનું રેકોર્ડ કલેક્શન થયું છે અને વિદેશોમાં તો એનો વકરો ‘ક્રિશ-થ્રી’ના પ્રથમ વીકએન્ડના કલેક્શન કરતાં પણ વધારે થયો છે!

રામલીલા’નું નવું નામ ‘ગોલીયોં કી રાસલીલા રામલીલા’ પડ્યું હોવા છતાં ટ્વીટરના ૧૪૦ કેરેક્ટરના આ જમાનામાં સૌએ તેનું મૂળ નામ જ પકડી રાખ્યું છે અને જે રીતે અવનવા વિક્રમ એ સર્જી રહ્યું છે એ જોતાં મનહર ઉધાસે ગાયેલી આસિમ રાંદેરીની નઝમની ધ્રુવ પંક્તિને સહેજ બદલીને કહી શકાય કે “જુઓ, ‘લીલા’ રેકોર્ડબુકમાં જઈ રહી છે’! ફિલ્મમાં ‘લીલા’ બનતી દીપિકા પાદુકોણ ઉપર સૌ વાજબી રીતે જ સમરકંદ બુખારા ઓવારી રહ્યા છે. પણ તેમાં અમિતાભ બચ્ચને તો જાહેર અને ખાનગી બેઉ રીતે વરસીને દીપિકાને લોટરી લગાડી દીધી. બચ્ચનદાદાએ ‘લીલા’ને રાજીપો કરવા ફુલોનો ગુલદસ્તો અને હસ્તલિખિત નોટ તો મોકલી જ; સાથે સાથે એમ પણ જાહેર કર્યું કે દીપિકાની એક્ટિંગ એટલી અસરકારક લાગી કે તેમણે ૨૪ કલાકમાં ત્રણ વાર એ પિક્ચર જોયું. (‘રામ ઔર શ્યામ’ના શિર્ષક ગીત “રામ કી લીલા રંગ લાઇ” ને સંજય લીલા ભણશાળીએ  “લીલા કી લીલા રંગ લાઇ” ગાવું જોઇએ!)

જો કે એ જ દિવસોમાં અમિતાભ બચ્ચનને તાવ આવ્યાના પણ સમાચાર હતા. તેથી કેટલાક મજાકમાં તેને કમળાના ‘પીલા બુખાર’ જેવો આ ‘લીલા બુખાર’ પણ કહે છે. અમિતજીને ‘કેબીસી’ની આ સિઝનમાં જોનારા કેટલાકના મતે તેમના સંચાલનમાં રોમેન્ટિક ટચ આ વખતે વધારે છે. એ કોઇ મહિલા કન્ટેસ્ટન્ટની આંખોમાં આંખો નાખીને “કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ” ભજવે છે. તો વળી કોઇને છુટ આપતાં કહેશે, “આપ હમેં અમિતજી કહીએ, અમિત ભી કહ સકતી હૈં, એબી ભી કહ સકતી હૈં, એ ભી કહ સકતી હૈં”! સાથે સાથે એ પણ ખરું જ કે સામે બેઠેલી મહિલા કે છોકરી તેમનાથી ઉંમરમાં નાની જ હોય છે. વળી અમિતજી ‘સદી કે મહાનાયક’ હોવાથી સામે માત્ર કેમેરો હોય તો તેના લૅન્સમાં જોઇને પણ એટલા જ ભાવથી રાખી કે ઝિનત અથવા હેમા માલિની સામે જોઇને કરવાનો પ્રેમાલાપ કરી શકે.

હેમામાલિનીએ કદાચ એ જ કારણસર પિછલે દિનોં ફરિયાદ કરી કે તેમની સામે ઉભો રહી શકે એવો કોઇ હિરો આજકાલ નથી. દર વખતે અમિતાભ જ હોય તો લાંબા ગાળે લોકો કંટાળે. એટલે ૭૧ વરસના ‘દાદા’ની ડિમાન્ડ હેમાબા કે ઝિનતબા સાથે હજી આજેય અકબંધ છે. ઝિનત અમાનને હમણાં ૧૯મીએ ત્રેસઠમું બેઠું અને હેમા-માજીને, સૉરી હેમાજીને, ૬૫ થયાં છે. છતાં એ માજીઓ કડે ધડે છે. એ સંજોગોમાં જો શશિકપૂરની તબિયત સારી રહી શકી હોત તો હેમા માલિનીએ કરી એવી ફરિયાદ ના રહેત. પરંતુ, બાપડા શશિબાબાને સ્ટ્રોક આવ્યા પછી અપાહિજ તરીકે વ્હીલચેરમાં ફરવું પડે છે. શશિકપૂરને જ્યારે જાહેરમાં આવેલા જોઇએ, ત્યારે અમારા જેવા તેમના જુના ચાહકોની આંખોમાં ઝળઝળિયાં આવી જ જાય. 



શશિકપૂર ફરી એકવાર હમણાં પબ્લિકમાં આવ્યા હતા, ‘પૃથ્વી થિયેટર્સ’ના ફેસ્ટિવલમાં, ત્યારે તેમને વધાવવા આખું કપૂર કુટુંબ હાજર હતું. રણબીર અને રિશી કપૂર તો ખરા જ. ઉપરાંત સૌથી સિનિયર ક્રિશ્નાજી અને નીલાદેવી પણ ઉપસ્થિત હતાં. શશિકપૂરને ડિઝનીના ‘હૉલ ઓફ ફેમ’માં સ્થાન અપાયું હોઇ તે પ્રસંગે તેમના હાથની છાપ સંગ્રહવાનો એ કાર્યક્રમ હતો. આપણા ગમતા હિરોને અપાતું કોઇ પણ સન્માન કોને રાજી ના કરે? પરંતુ, ક્યાં એ મસ્તીથી ઝુમતો-નાચતો અમ કોલેજિયનોનો પ્રિય ‘શશિયો’ અને ક્યાં આજના માંડ હાલીચાલી શકતા શશિદાદા? શશિકપૂરના ચહેરા પર એ સ્ટ્રોક નહતો આવ્યો ત્યાં સુધી ઉંમર ક્યાં દેખાઈ હતી? એ કાયમ સચિન તેન્દુલકરની માફક છોકરડા (બૉયીશ) જ લાગતા હતાને?

સચિને નિવૃત્તિ લીધી તેની પાર્ટીમાં માત્ર ક્રિકેટરો જ નહીં, ફિલ્મી સિતારાઓ પણ ઉતર્યા હતા. ત્યારે એ ગેસ્ટલિસ્ટમાં કોણ હતું તેના કરતાં કોણ કોણ નહતું તેની ચર્ચા વધારે હતી. એ જ રીતે ‘ધૂમ થ્રી’ના પ્રચારમાં આમિર જ કેમ સૌથી વધારે દેખાય છે? એ શકનો કીડો સળવળતો જ રહે છે. જો ટ્રેઇલર રિલિઝ કરતી વખતે ઉદય ચોપ્રા અને કટરિના ગેરહાજર હતાં, તો આ સપ્તાહે ટાઇટલ સોંગ બહાર પાડતી વખતે અભિષેકની ઉપસ્થિતિ નહતી.... એ મુંબઈમાં હાજર હોવા છતાંય! તમારી શંકાના કીડાને, ‘કોમેડી વીથ કપિલ’માં ‘ગુથ્થી’ બનતા સુનિલ ગ્રોવરને એ શોમાં ના જુઓ તો, સળવળવા દેજો. કેમ કે કોઇ વાતે ખોટું લાગતાં એ રિસાયો છે. તેને મનાવવાના કપિલના પ્રયાસો ચાલુ છે. સવાલ એક જ છે  ‘ગુથ્થી’ની એ ગુથ્થી ક્યારે ઉકલશે? 


 
તિખારો!
 
‘કૉફી વીથ કરન’ની નવી સિઝન શરૂ થાય છે. તેમાં દર વખતે પ્રથમ એપિસોડમાં શાહરૂખથી શુભ શરૂઆત થતી હોય છે. પણ આ વખતે સલમાન હશે. કરણે કદાચ કીંગખાન સાથે હવે ‘બહુ થયું’ એમ વિચારતાં કહ્યું હશે, “કાફી વિથ શાહરૂખ!!”  


 


તાજા કલમ:


આ લેખ મોકલ્યા પછી  ‘રામલીલા’ થિયેટરમાં જોઇ અને જે નિરાશા થઈ તે ફેસબુક પર નીચેના શબ્દોમાં વ્યક્ત કરી હતી:



અમિતાભ બચ્ચનના બોલ પર ‘રામલીલા’ જોયું અને થાકી જવાયું!
‘બીગ બી’એ જાહેર કર્યું કે ‘રામલીલા’ તેમણે ૨૪ કલાકમાં ૩ વાર જોયું. એટલે અમે પણ ડોલર ખર્ચીને આજે પિક્ચર જોયું અને લાગ્યું કે ‘બ્લેક’ની મિત્રતા આવો રંગ પણ લાવી શકે? બચ્ચનદાદાએ સીડી ફોરવર્ડ કરી કરીને જોયું હોય તો જ એ શક્ય બન્યું હશે. બાકી ‘ખુશ્બુ ગુજરાત કી’ની ઍડ ફિલ્મો કરી હોય તો પણ, ગુજરાતની વિવિધતાઓ જોઇને ખુશ થવા કોઇ એક દિવસમાં ત્રણ ત્રણ કલાક ત્રણ વાર બેસી શકે તો તો... ભાઇ ભાઇ!
મને ખબર છે કે ગુજરાતમાં ચારે બાજુથીએ વરસતા પ્રશંસાના વરસાદમાં આ અજુગતું લાગશે. (આમ પણ અમે નવી ફિલ્મો અંગે બોક્સઓફિસ સિવાયની વાત છેલ્લાં પાંચ વરસથી તો કરતા પણ નથી.) પણ ફ્રૅન્કલી, આખી ફિલ્મ અમને તો ભૈ ઓવરડોઝનાય ઓવરડોઝ જેવી લાગી.
દરેક બાબતે કેટલો ઓવરડોઝ? બાપરે!
દર દસ મિનિટે (ક્યારેક તો તેનાથી પણ ઓછા સમયના અંતરે) આવતાં ગાયનોનો ઓવરડોઝ.... બંદુકોનો ઓવરડોઝ..... ધડાધડી મારામારીનો ઓવરડોઝ... આવકારદાયક છતાંય ગુજરાતી સાજ શણગાર, દુહા-છંદ-ગરબાનોય ઓવરડોઝ..... ૭૦ ટકા સીનમાં યુનિફોર્મ જેવાં કપડાં પહેરેલા લોકોની હાજરીનો ઓવરડોઝ (દરેક ફ્રેમમાં પચાસ સો જણ તો હોય જ.... રસ્તા ઉપર કે બજારમાં લોકો એક બીજા સાથે અથડાય એટલી હદે ભીડનો ય ઓવરડોઝ! આ સાથે મૂકેલો ફોટો પણ યુનિફોર્મ બતાવવા ઇરાદાપૂર્વક શોધીનેમૂક્યો છે.... સિરીયસલી, થકા દિયા યાર!! )
‘હમ દિલ દે ચુકે સનમ’માં પણ ગુજરાતી બૅકગ્રાઉન્ડ હતું જ ને? પણ તેમાં હતા એવા લસરકાનું આ પેઇન્ટિંગ નથી... જાડા કુચડાનું ‘કલર’ કામ છે. અમુક સીન અને ગાયનોનું પિક્ચરાઇઝેશન સારું હોવા છતાં મુશ્કેલી એ છે કે કશું સરસ રીતે કનેક્ટ નથી થતું.
વેરી સૅડ! 

સવાલ એ છે કે જો આ સંજય લીલા ભણશાળીની ફિલમ ના હોત તો? કોઇ તેની નોંધ પણ લેત કે?
રણવીરસિંગ અને દીપિકા જેવા જાણીતા સ્ટાર્સની જગ્યાએ મદન ચોપડા અને આરતી સાળુંકે જેવાં નામવાળી કોઇ સાવ નવી જોડી હોત અને પ્રચાર પાછળ આટલો ખર્ચ ના થયો હોત તો ટિકિટબારી પર શું દશા થાત?
બૉક્સઑફિસ પરની કમાણીના આંકડાઓને કારણે કોઇ ફિલ્મ સારી જ હોય એવું નથી હોતું એ તાજેતરનાં ઘણાં પિક્ચરોમાં સાબિત થયેલી વાતને વધુ મજબુત કરે છે. ‘રામલીલા’ની જગ્યાએ માત્ર ‘ગોલીયોંકી રાસલીલા...’ નામ જ વધારે યોગ્ય છે.
ટૂંકમાં સદી કરનારી ફિલ્મ પ્રેક્ષકોને સદી જ હશે તેની કોઇ ગેરંટી નથી.

5 comments:

  1. Salilbhai,Very good Interesting Information

    ReplyDelete
  2. સલીલભાઈ, ખુબ જ સરસ રામલીલા વિષે માહિતિ આપી..

    ReplyDelete
  3. nice article
    Rakesh thakkar, vapi

    ReplyDelete
  4. સરસ લેખ સલીલભાઈ, આભાર,
    શ્રી શશી કપૂર અંગેના આવા લેખોનો સંગ્રહ ન મૂકી શકો?

    ReplyDelete
  5. salilbhai paheli vakhat film joi tyare ditto mara tamara jeva j vicharo hata pan biji var joi tyare amitji jeva vicharo thai gaya...dhime thi game evi film che,,hope u wl see second time..

    ReplyDelete