“યે
કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ઉડતે....”?
છેવટે
રણવીરસિંગને ડેન્ગીના સફળ ઇલાજ પછી દવાખાનામાંથી રજા મળી અને ગૉસિપ મેગેઝીનો માટે મસાલો
મળવો શરૂ થઈ ગયો! કેમ કે જે દિવસે રણવીરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો, તે દિવસે
‘રામલીલા’ની હિરોઇન દીપિકા પાદુકોણ પણ
ત્યાં હાજર હતી. સ્વાભાવિક છે કે વાતનું વતેસર થાય. વધારે તો એટલા માટે કે રણવીરની
માંદગી દરમિયાન અગાઉ પણ દીપિકાએ એક વિઝીટ કરી હતી. તે વખતે સૌએ એમ મન મનાવ્યું હતું
કે બન્નેની ફિલ્મ રિલીઝ થવા પર હોય અને દરેક પ્રમોશનમાં બેઉએ સાથે જવાનું હોય ત્યારે
દોસ્તીના દાવે નહીં તો વ્યાવસાયિક રીતભાતની રીતે પણ હીરોની ખબર કાઢવા હિરોઇન જાય તેમાં
કશું ખોટું નહીં.
પણ
એકવાર સંતરા અને સફરજન લઈને ‘ગૅટ વૅલ સુન’ કહી આવ્યા પછી, દવાખાનામાંથી રજા મળે ત્યારે
પણ દરદીના ઘરની વ્યક્તિઓની સાથે ટુથ બ્રશથી માંડીને મોસંબીનો રસ કાઢવાના સંચા સુધીનું
બધું યાદ કરી-કરાવીને ઘેર લઈ જવાના સમયે દીપિકા હાજર હોય એ કેવું? તેનાથી પણ મોટો સવાલ
એ હતો કે દવાખાને ઉપસ્થિત સૌ કેમેરામેનથી સંતાઇને જુદા રસ્તે જવાની શું જરૂર હતી? શું
આ બધું અને દીપિકા માટે પોતે ઓળઘોળ થયાના ઇન્ટર્વ્યુ તથા બેઉના ચુંબનવાળું ગાયન રિલીઝ
કરવું એ તમામ ‘રામલીલા’ માટે પબ્લિસિટીની
રાસલીલા તો નહીં હોય? જો એ બન્ને ખરેખર એકબીજા માટે ગંભીર હશે તો દીપિકાએ રણબીરકપૂર
માટે ચિતરાવેલા ટૅટુ ‘આર કે’માંનો કમસે કમ ‘આર’ તો કામ લાગશે!
રણબીરની
બહુ ગાજેલી ‘બેશરમ’ ફિલ્મ એવી વરસી નહીં
અને ૩૬૦૦ સ્ક્રિન પર પ્રદર્શિત કરાયેલી એ ફિલ્મ બીજા દિવસથી જ બેસી ગઈ હતી. લગભગ ૬૦
કરોડની લાગતથી બનેલી અને પ્રમોટ કરાયેલી ‘બેશરમ’ને
નુકશાન પણ એવું જ ઉઠાવવું પડશે. (પેલું કહે છે ને “હાથી ખાય પણ ખુબ અને જાય પણ ખુબ”!)
ત્યારે આ ફ્લૉપ બે ‘અભિ’ માટે એક મોટો ઝટકો હશે. એક તો ‘બેશરમ’ ટીમના કૅપ્ટન ‘દબંગ’ના ડાયરેક્ટર અભિનવ કશ્યપ માટે અને બીજા ‘અભિ’
ગાયક અભિજીત માટે, જેમને પાંચ વરસ પછી ‘બેશરમ’નું
એક ગીત (“દિલ કા જો હાલ હૈ, કૈસે બયાં કરું...”)
ગાવા મળ્યું હતું.
‘બેશરમ’ને નવરાત્રીને લીધે ઓડિયન્સ ના મળ્યું એવી દલીલ સામે
આ જ દિવસોમાં ‘ગ્રૅન્ડ મસ્તી’ એ દેશમાં ૧૦૦ કરોડનો આંકડો પાર કરી બતાવ્યો છે. તેને
લીધે હવે ‘મસ્તી’ સિરીઝની નવી સિક્વલની
જાહેરાત થશે તો નવાઇ નહીં લાગે. સિક્વલના સમાચારમાં અનિસ બાઝમીની ‘વૅલકમ’ની આનુસાંગિક ફિલ્મ ‘વૅલકમ બૅક’ આવી રહી છે અને લગભગ બધાં જ છાપાંએ
લખ્યું છે એમ તેને માટે અમિતાભ અને રેખાની જોડીને સાઇન કરવાનાં ચક્રો ગતિમાન હોવાની
ખબરો ઉડવા પાછળ ઊંચી ઊંચી વાદળીમાં ઉડતું વિમાન જવાબદાર છે. અમિતાભ અને રેખાએ ચેન્નાઇથી મુંબઈ પિછલે
દિનોં એક જ પ્લેનમાં અગલી-પિછલી સીટ બેસીને પ્રવાસ કર્યો એ આ સપ્તાહના કદાચ સૌથી મોટા
ફિલ્મી ન્યુઝ હતા. (કોઇએ ગાવાની જરૂર હતી, “યે
કહાં આ ગયે હમ, યું હી સાથ સાથ ઉડતે ઉડતે....”!)
જો
કે આશ્ચર્યની વાત એ હતી કે બચ્ચન સાહેબે પોતાના બ્લૉગ પર, ફેસબુક એકાઉન્ટમાં કે સોશ્યલ
મિડીયાના કોઇ પ્રકારમાં આવડા મોટા ન્યુઝની કોઇ ખબર ચાહકોને આપી નહતી. નહીં તો એવું
જોવાયેલું જ છે ને કે અમિતાભ બચ્ચન અને રેખાને એક એવોર્ડ સમારંભમાં હોય તો પણ કેટલી
સનસનાટી થતી હોય છે. તેથી બીક તો એવી પણ લાગે છે કે કાલે સવારે એવો ખુલાસો પણ આવી શકે
કે રેખાજી પાછલી સીટમાં બેઠાં હોય એવો ફોટો ઓરિજિનલ નથી અને તે કોઇએ કેમેરાથી, સોરી
કોમ્પ્યુટરથી કરેલી કમાલ છે. બાકી રોજનીશીની માફક લગભગ રોજ પોતાના ફોટા જાહેરમાં મૂકવામાં
બચ્ચન બાબુનો મુકાબલો કોઇ સૅલીબ્રીટી ના કરી શકે. તેમણે આ અઠવાડિયે ‘ભૂતનાથ’ની સિક્વલ
‘ભૂતનાથ રિટર્ન્સ’નું શુટીંગ શરૂ કર્યું, ત્યારે બાજુના સેટ પરથી મળવા આવેલા સલમાન
સાથેના ફોટા પોતાના ફેસબુક પેઇજ પર તાત્કાલિક મૂકી જ દીધા હતાને?
‘ભૂતનાથ’ આમ જોવા જાવ તો ૨૦૦૮માં આવી ત્યારે કોઇ એવી સુપર
હીટ ક્યાં હતી કે તેની સિક્વલ બનાવવાની જરૂર પડે? પરંતુ, અત્યારે નવા આઈડિયા આવવાના
દિવસો પતી ગયા, લાગે છે. એટલે જ કદાચ ફરહાન અખ્તર ગુજરાતની પૃષ્ઠભૂમિમાં બનનારી ગુનાખોરીની
એક ફિલ્મનું નામ ‘ડોન-૩’ રાખીને શાહરૂખને
લઈ રહ્યા છે. હવે એ જ નામ રાખીને ‘‘લોટ પાણી
’ને લાકડાં’’ નો જોગ કરીને ભજીયાંનો ગમે તેમ ઘાણ કાઢતા કંદોઇની માફક દરેકની સિક્વલ
બનાવવાની પ્રથામાં બીક તો એવી લાગે છે કે ‘બેશરમ’ની
પણ સિક્વલ બને તો નવાઇ ન લાગવી જોઇએ! શું કહો છો?
સોનાક્ષી
સિન્હા પણ પિતા શત્રુઘ્નની જેમ તિખારા આપવામાં માહિર લાગે છે. એક મેગેઝીને તેના બ્રા અને પૅન્ટીમાં ફોટા કવર પર છાપતાં શત્રુબાપાએ ‘“ખામોશ...” ની ત્રાડ પાડ્યાના રિપોર્ટ વચમાં હતા. તાજેતરમાં પોતે બિકીનિ નહીં પહેરે એમ સોનાએ કહ્યું અને પછી ઑડિયન્સ
માટે ઉમેરો કરતાં કહ્યું, “જિતના હૈ, ઉસી સે કામ
ચલાઓ!!”
સલિલ સર,
ReplyDeleteએટલી હળવાશથી અઘરી વાત કરી છે કે મારી પાસે વખાણના શબ્દો જ નથી રહ્યા.... એક જ અપેક્ષા છે કે કાશ હું આવી સરળતાથી લખી શકુ......
સેમ
વાહ...
ReplyDeleteએક પુરક માહિતી... ડોન 3 નામ માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગ રૂપે અપાયુ હોઇ શકે.. મૂળ સ્ક્રિપ્ટ લખાયાનો સાક્ષી છું. અમદાવાદના જ બે પત્રકાર મિત્રોએ તેની સ્ક્રિપ્ટ લખી છે.