Saturday, October 19, 2013

ફિલમની ચિલમ.... ૨૦ ઑક્ટોબર, ૨૦૧૩



‘બેશરમ’ની માફક ‘બૉસ’ પણ બુધવારે આવતાં ફિલ્મ ઉદ્યોગમાં પૂછાતો સવાલ... 

‘બુધ કરે શુધ્ધ’ કે ‘બુધે બેવડાય’?








અમિતાભ બચ્ચને નવી ફિલ્મ માટે સંમતિ આપી. તેમની ૭૧મી વર્ષગાંઠ આ સપ્તાહે ગઈ અને છતાંય ‘દાદા બચ્ચન’ માટેની ભૂમિકાઓ હજી લખાતી રહે છે. એટલું જ નહીં, ટૉપ પ્રોડ્યુસર્સ તેમને કેન્દ્રમાં રાખતાં ખચકાતા નથી. આ વખતે તેમણે વિધુ વિનોદ ચોપ્રાની ફિલ્મ સ્વીકારી છે, જેમની ‘એકલવ્ય... ધી રૉયલ ગાર્ડ’માં એ છેલ્લે આવ્યા હતા. એ રીતે અમિતાભને જ ‘બીગ બૉસ’ કહી શકાય... પછી ભલેને સલમાન એ નામનો ટીવી શો કરતા હોય કે અક્ષય કુમાર ‘બૉસ’ નામની ફિલ્મ લઈને આવ્યા હોય! ‘બૉસ’ ઇદના દિવસે ૧૬ ઓક્ટોબરના બુધવારે રિલીઝ થતાં એ ‘બેશરમ’નું પુનરાવર્તન હતું.... કલેક્શનની રીતે તો ખબર નહીં, પણ શુક્રવારને બદલે બુધવારે રજૂ થવાની રીતે તો ખરું! તેને પહેલા દિવસે અક્ષયની સ્ટાર વેલ્યુ મુજબનું ઓપનીંગ મળ્યાના અહેવાલ જરૂર છે. પરંતુ, જે રીતે ‘બેશરમ’માં બીજા-ત્રીજા દિવસથી મોટો ડ્રૉપ આવતાં હાહાકાર મચી ગયો હતો, તે જોતાં પ્રથમ દિવસનું કલેક્શન હવે દૂધપૌંઆ ગણાય છે.

બૉસ’ની એવી એડવાન્સ પબ્લિસિટિ હતી કે તેમાં બચ્ચનના અવાજમાં કોમેન્ટ્રી છે તથા એક પાત્ર ‘બીગ બૉસ’ (ડેનીનું) પણ છે. એવી પણ ચર્ચા હતી કે ‘બૉસ’ની કૉમિક બુક ‘ચાચા ચૌધરી’ દ્વારા બજારમાં મૂકાઇ છે. ‘બૉસ’ પણ ‘રાઉડી રાઠૌર’ની માફક મૂળ સાઉથની એક (મલયાલમ) ફિલ્મની રિમેઇક છે. પણ તેમાં જે રીતે અક્ષયને એક હરિયાણવી બતાવાયો છે, તેને લીધે કેટલાકના મતે ‘બોસ’ને ‘રાઉડી રાઠૌર - ટુ’ પણ કહી શકાય. તેથી અક્ષયના એક્શનનો આકરો ડોઝ અને હિન્દી ફિલ્મો નિયમિત જોનાર કોઇને પણ માટે કશું જ આશ્ચર્ય ના હોય એવી વાર્તા માટે ઘરાકી કેવીક ટકી રહે છે, એ તરફ સૌની નજર હશે. તેનાથી નસીબ અને શુકનમાં માનતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એ પણ નક્કી થશે કે રિલીઝ માટે બુધવારનો દિવસ ‘બુધ કરે શુધ્ધ’ની કક્ષામાં આવે કે ‘બુધે બેવડાય’ (ડબલ મહેનત કરાવે).

અક્ષય કે અજય અથવા સલમાન અને શાહરૂખ જેવા ટૉપ સ્ટાર્સ જે રીતે ગળે ના ઉતરે એવા ઍક્શન સીન્સ કરે છે, એને લીધે બાપડા રોમેન્ટિક ગણાતા રણબીર કપૂર જેવાને પણ મારામારીનાં દ્રશ્યો ભજવવાં પડે છે અને ઇજાગ્રસ્ત થવું પડે છે. રણબીરને અનુરાગ કશ્યપની નવી ફિલ્મ ‘બૉમ્બે વૅલ્વેટ’ ના શૂટીંગ દરમિયાન ઇજા થઈ હોવાની અને તેમાં અનુષ્કા શર્માનો ડબલ રોલ હોવાની વાત લીક થઈ છે. (કે કરાવવામાં આવી હશે?) રણબીર અને તેની ગર્લફ્રેન્ડ કટરિનાએ સજોડે એક હૅલ્થ ડ્રિંકની જાહેરાત માટેનો કોન્ટ્રાક્ટ ના સ્વીકાર્યો. એ બન્નેએ અગાઉ એક હૅર ઑઇલની સંયુક્ત ઍડ પણ છોડી દીધી હતી. યાદ છે ને અગાઉ એ રીતે કુંવારા હોવા છતાં એક જાહેરાતમાં સાથે ચમકનાર રવિ શાસ્ત્રી અને અમૃતા સિંગની જોડી કે પછી અઝહર સાથે સંગીતા બિજલાની? 


એવી રીતે ક્રિકેટર સાથેની જોડી તાજેતરમાં અભિનેત્રી મનીષા કોઇરાલાએ પણ બનાવી અને તે પણ એક બહુ જ ઉમદા કાર્ય માટે! સૌ જાણે છે એમ, મનીષા કૅન્સરમાંથી બચીને બહાર આવેલી બહાદુર મહિલા છે. એવી જ હિંમત બતાવી કૅન્સર સામે લડીને ક્રિકેટર યુવરાજસિંગ પણ એક ‘સૅલિબ્રિટિ સર્વાઇવર’ કહેવાય છે. જો કે મનીષાને આ ‘સર્વાઇવર’ શબ્દ મંજૂર નથી. તે પોતાની જાતને ‘ક્રુસેડર’ અર્થાત ‘ધર્મયોધ્ધા’ ગણાવે છે. એ બન્નેએ કોલકત્તામાં આયોજિત ‘કૅન્સર હૅઝ ઍન ઍન્સર’ પ્રોગ્રામમાં એ મહારોગ વિશેના ભ્રમ (મિથ્સ) અને વાસ્તવિકતાઓ (રિયાલિટી) અંગે રજૂઆતો કરી હતી. તેમાં યુવરાજે એક અગત્યની વાત કહી. તેણે કહ્યું કે કૅન્સર સામે લડીને પોતે ક્રિકેટમાં સફળ પુનરાગમન કર્યું અને મનીષા પણ ફિલ્મોમાં પરત આવી શકે. પરંતુ, તેના ‘કમબૅક’ માટે બિનજરૂરી પ્રૅશર ના કરશો!

મનીષાના ‘સનમ’ અને ‘કારતૂસ’ જેવી ફિલ્મોના હીરો સંજયદત્તે ચૌદ દિવસ માટે જેલમાંથી પોતાને ઘેર જે ‘કમબૅક’ કર્યું હતું, તે રહેવાસ હવે કોર્ટે તેના વકીલની રજૂઆત સ્વીકારતાં બીજાં બે સપ્તાહ માટે લંબાવાયો છે. જો અદાલતમાંથી હજી નવું ઍક્સટેન્શન તેમના લૉયર લાવી શકશે તો ‘સંજુબાબા’ આ નવરાત્રીની માફક દિવાળી ઘેર કરી શકશે, એમ કહી શકાય. સંજયદત્તની માફક એક સારા વકીલની જરૂર કદાચ લોકપ્રિય કોમેડી કલાકાર કપિલ શર્માને પણ પડશે. તેના સુપર હિટ શોના સૅટ પર આગ લાગતાં કરોડોનું નુકશાન થયા પછી લતા મંગેશકર અને શાહરૂખખાન જેવાઓએ આર્થિક સહાયની પણ ઑફર કરી હતી. ત્યાં હવે તેની ૬૦ લાખ રૂપિયાના સર્વિસ ટેક્ષ માટેની પૂછપરછ થયાના અહેવાલ પણ આવ્યા છે! એવા એકાદ વકીલને રોકીને મન્નાડેએ કોલકત્તાની હાઇકોર્ટમાં પોતાના એક સગા સામે પોલીસ તપાસની માગણી કરી છે. ૯૪ વર્ષના મન્નાડેનો આક્ષેપ છે કે એ વ્યક્તિએ તેમના લૉકરમાંથી ૧૨ લાખ રૂપિયા રોકડા અને ૧૫ લાખની જ્વેલરી ગુમ કરી છે.

અને છેલ્લે, જો વકીલ સારા હોય તો તેમને શબ્દો પણ સારા આવડતા હોય અને કપિલ સિબ્બલની જેમ કોઇ ઍડવોકેટ તેનો લાભ હિન્દી સિનેમાનાં ગીતોને પણ આપી શકે. સિબ્બલ સાહેબ આપણા કાયદા મંત્રી છે અને ‘દિલ્લી ગૅંગ’ નામના આવનારા પિક્ચર માટે તેમનું લખેલું એક ગીત લેવામાં આવી રહ્યું છે. ફિલ્મનો વિષય સીનિયર સિટિઝન્સ પર થતા અત્યાચારોનો છે. (સિબ્બલજીને ગીત માટે સિચ્યુએશન સમજાવવાની જરૂર પડી હશે કે દિલ્હીના પક્ષીય રાજકારણમાંની ઘટનાઓમાંથી જ પ્રેરણા મેળવીને પહેલેથી લખી રાખ્યું હશે?!)



તિખારો! 
જો ‘ભાગ મિલ્ખા ભાગ’ને ઇન્ડિયાની એન્ટ્રી તરીકે ઓસ્કર એવોર્ડ માટે મોકલાઇ હોત તો ‘બેસ્ટ ફોરિન લૅંગ્વેજ ફિલ્મ’ માટે ભારત-પાકિસ્તાન વચ્ચે બે ‘ભાગ’માં સ્પર્ધા હોત. કેમ કે પાકિસ્તાને ઓસ્કર માટે  છેલ્લાં પચાસ વર્ષમાં  મોકલેલી પ્રથમ ફિલ્મ જેમાં નસીરુદ્દીન શાહ પણ છે તેનું નામ છે, ‘ઝિન્દા ભાગ’!

1 comment: