ફિલમના ધંધામાં શુક્રવાર વગર કશો શક્કરવાર નહીં!
‘ફ્રાઇડે
કો ફાયદા’ અથવા “લૌટકર બુધ કે ‘બુધ્ધુ’ જુમ્મે પે
આયે” એમ કહેવાય એ રીતે રિતિક રોશન, પ્રિયંકા ચોપ્રા, વિવેક ઓબેરોય અને કંગના રાનાવતને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘ક્રિશ-૩’ હવે પહેલી નવેમ્બરના શુક્રવારે રિલીઝ થઈ રહી છે. જે રીતે શુક્રવારને બદલે બુધવારે રિલીઝ થયેલી
બન્ને ફિલ્મો ‘બેશરમ’ અને ગયા વીકની ‘બૉસ’ ૧૦૦ કરોડ તો ઠીક ૫૦ કરોડના બિઝનેસે
પણ માંડ પહોંચશે; એ હવા બંધાતાં ‘ક્રિશ-૩’
માટે અગાઉથી જાહેર થયેલો ચોથી નવેમ્બર, એટલે કે સોમવારનો દિવસ, બદલીને પહેલી નવેમ્બર
જ ફાઇનલ કરી દેવાયો છે. આમ પણ રાકેશ રોશન નસીબની બાબતમાં કોઇ જોખમ ઉઠાવનારા સર્જક નથી.
તેમની બધી ફિલ્મોનાં ટાઇટલ અંગ્રેજી મૂળાક્ષર ‘કે’થી શરૂ થાય એવાં રાખવાની જ્યોતિષી
સલાહને તે મોટેભાગે અવગણતા નથી. (‘બેશરમ’
અને ‘બૉસ’ બન્નેની વૃષભ રાશિ છે અથવા તો
તે શિર્ષકોનો પ્રથમ અક્ષર ‘બી’ છે, તેનું ગ્રહોની રીતે કોઇ રહસ્ય હશે કે?)
‘બેશરમ’ અને ‘બૉસ’ એ બેઉ પિક્ચરોના મુખ્ય સ્ટાર્સ રણબીર કપૂર તથા અક્ષય કુમારના માર્કેટ
રેટીંગમાં કેવોક ખાંચો પાડે છે એ પણ, ગુજરાતી ટીવીના ન્યૂઝ રીડર્સનો ગમતો શબ્દસમૂહ વાપરીને કહીએ તો,
“જોવાનું રહેશે”! કેમકે ટ્રેડના જાણકારો કહે છે કે ‘બેશરમ’ માટે રણબીર કપૂરે વીસ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આમ જુઓ તો રણબીર
એ ‘કલ કા છોકરા’ જ કહેવાય, જેણે જુમ્મા જુમ્મા
માંડ બાર-પંદર ફિલ્મો જ આપી છે. છતાંય જો આવો તેજાબી ભાવ હોય, તો અક્ષય જેવા ખિલાડી
સ્ટારનો રેટ કેવો જલદ હશે? એટલું ઓછું હોય એમ, હવે આ સ્ટાર્સ નફામાં ભાગ પણ માગતા હોય
છે. ત્યારે સવાલ એ થાય કે બુધના ધુબાકા જેવા વકરા વખતે એ સૌ ‘બોસ’ રિફન્ડ આપતા હશે
કે પછી ‘બેશરમ’ થઈને કપિલ શર્માની ભાષામાં “બાબાજી કા ઠુલ્લુ” કહેતા હશે?
‘બેશરમ’ જેવી તગડી ‘ફી’ વસુલ્યા પછી રણબીરને
એવા કરોડોને ઠેકાણે પાડવાનો (અથવા તો વધારે ઉગાડવાનો!) વિચાર ના આવે તો જ નવાઇ હતી.
એટલે હવે તેણે ‘બર્ફી’ના દિગ્દર્શક અનુરાગ
બાસુ સાથે મળીને ‘પિક્ચર શુરુ પ્રોડક્શન’ નામની નિર્માણ સંસ્થા શુરુ કરી છે અને તેના
નેજા હેઠળ ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મ પણ બની
રહી છે. તે પિક્ચરની હિરોઇન કોણ હશે? આ સવાલ
‘કેબીસી’માં કોઇ ઑપ્શન વગર પૂછાય તો ઑડિયન્સ પોલ જેવી મદદ સાથે કે તે વગર પણ એક
જ જવાબ મળે: કટરિના! તે ‘સહી જવાબ’ હોય અને તે છે જ.
કટરિના
જ્યારે સલમાનની ગર્લફ્રેન્ડ હતી, ત્યારે કેટલાક નિર્માતાઓ તેને પોતાની ફિલ્મમાં અન્ય હીરો સામે લેતાં પહેલાં ‘ખાન
સાહેબ’ને પૂછતા. એ રીતે અત્યારે રણબીરને કોઇ વિશ્વાસમાં લેતું હશે કે નહીં એ તો કોણ
જાણે. પણ આજકાલ કટરિના બૈરુતમાં સૈફઅલી ખાન સાથે જોખમી શૂટિંગમાં વ્યસ્ત છે. ના અહીં
‘છોટે નવાબ’ અને કરીના ‘ટશન’ના આઉટડોર
વખતે પ્રેમમાં પડ્યાં હતાં, એ પ્રકારના રણબીરને ચિંતા કરાવનારા રિસ્કની વાત નથી. પણ
ઍક્શન સીન્સ માટે કટરિનાને ટ્રેઇનીંગ પણ લેવી પડી છે જેની ફી એમ લાગે છે કે દીપિકા
પાદુકોણની ટ્રેઇનર જેવી મોંઘી નહીં હોય.
દીપિકાની
ટ્રેઇનરનો રેઇટ કેટલો છે, જાણો છો? રોજના પાંત્રીસ હજાર રૂપિયા! દીપિકા અત્યારે ફરાહખાનની
ફિલ્મ ‘હૅપ્પી ન્યૂ યર’ માટે દુબઈમાં શૂટ
કરી રહી છે, જ્યાંથી વહેતા થયેલા આ ‘ડેઇલી વેજ’ની પણ ચર્ચા અન્ય પ્રોડ્યુસર્સમાં છે.
‘હૅપ્પી ન્યૂ યર’ના કલાકારોમાં ફરાહે આ અઠવાડિયે પોતાના ભાઇ સાજીદખાનનો ઉમેરો કર્યો.
સાજીદ તેની રમૂજવૃત્તિ માટે જાણીતો હોઇ પોતાનાં વન લાઇનર્સથી એ ‘હૅપ્પી ન્યૂ યર’ને પ્રચાર પૂરો પાડી શકશે.
જો કે ફરાહની એ ફિલ્મમાં દીપિકા ઉપરાંત શાહરૂખખાન અને અભિષેક બચ્ચન જેવા સ્ટાર્સ ઑલરેડી
છે જ, જેમની નાનામાં નાની હરકતો મિડીયામાં છવાયેલી રહેતી હોય છે. જેમકે અભિષેક માટેનું
ઐશ્વર્યાનું ‘કરવા ચૌથ’નું વ્રત.
ઐશ્વર્યાએ
‘કરવા ચૌથ’ના પોતાના ઉપવાસનાં પારણાં કઈ રીતે કર્યાં? (પતિની લાંબી ઉંમર માટે પત્નીએ
કરવાના આ ઉપવાસ જેવા કોઇ ઉપવાસ હસબન્ડે વાઇફના દીર્ઘ આયુ માટે કરવાના કેમ નહીં હોય,
ભલા?) ઐશ્વર્યા છ વરસમાં પ્રથમવાર પતિથી અલગ
હતાં. પિયુ (અભિષેક) પરદેશ હતા, ત્યારે સહાયે આવ્યું ‘સ્કાઇપ’! જી હા, સ્કાઇપ મારફત
પતિદેવનાં દર્શન કરીને ઐશ્વર્યાએ પોતાનો ઉપવાસ ખોલ્યો. આ ‘ન્યુઝ’ ખુદ ‘અભિ’ અને પાપા
અમિતજીએ પોતપોતાના ટ્વીટર એકાઉન્ટ પર રિલીઝ કરીને સનસનાટી કરી દીધી. તેમણે ટૅકનોલોજીનો
સદઉપયોગ કર્યો એ હકીકત કરતાં બેઉ બચ્ચને શાથી
તેની ‘જાણવા જોગ ઍન્ટ્રી’ કરી એનું આશ્ચર્ય છે. આજકાલ તો સ્ટાર્સ જાતે જ ટ્વીટ કરીને
આવી ઝીણી ઝીણી પર્સનલ માહિતી પણ તરત પ્રસારિત કરી દે છે. તે જોતાં લાગે છે કે ફિલ્મી
દુનિયાની ‘એક્સક્લૂસિવ’ માહિતી સૂંઘનારા અને શોધનારા પત્રકારોના ‘સ્કૂપ’ના જમાના હવે
ગયા! તમને શું લાગે છે?
તિખારો!
‘કરવા
ચૌથ’ના વ્રતને આ સાલ સોશ્યલ મિડીયામાં ‘ફાસ્ટ
એન્ડ ફ્યુરિયસ’ તરીકે પણ ઓળખાવાયું. કેટલીક મહિલાઓનો મત હતો કે એક દિવસના ‘ફાસ્ટ’
પછી ૩૬૪ દિવસ ‘ફ્યુરિયસ’ (ઉગ્ર) રહી શકાય છે!!
સલિલ સર,
ReplyDeleteગર્લ ફ્રેન્ડ કેમ આસાનીથી બદલી જતી હશે એ બાબતે કંઈક તપાસ કરો....:)