Tuesday, December 3, 2013

ફિલમની ચિલમ..... ૧ ડિસેમ્બર, ૨૦૧૩




પ્રિયંકાએ કરી ૧૦૦ કરોડના જમાનામાં બે કરોડમાં સનસનાટી!





પ્રિયંકા ચોપ્રાએ અત્યારના ૧૦૦ અને બસ્સો કરોડના બિઝનેસના આ સમયમાં બે કરોડનો આંકડો પાર કરીને પણ સનસનાટી કરી દીધી છે! ના, આ તેની કોઇ ફિલ્મની કમાણીની વાત નથી; પણ તેના ગાયનના દેખણહારાનો મામલો છે. ના જી, એ ‘રામલીલા’ના આઈટમ સોંગ ‘‘રામ ચાહે લીલા ચાહે...”ના ઑડિયન્સની સંખ્યાનો આંકડો પણ નથી. આ તો પ્રિયંકાના ગાયેલા ઇંગ્લીશ ગીત ‘ઇગ્ઝૉટિક’ના વિડીયોને ‘યુ ટ્યુબ’ પર જોનારાઓનું ટોટલ છે. આ વર્ષે જુલાઇમાં બજારમાં આવેલા આલ્બમના વિડિયોને વીસ મિલિયન વ્યુઅર્સ મળે એ મોટી જ સિધ્ધી કહેવાયને? ખાસ કરીને પ્રિયંકા એક ગાયિકા તરીકે નહીં, પણ ગ્લેમરસ એક્ટ્રેસ તરીકે જાણીતી હોય, ત્યારે તો ચોક્કસ જ. (જો કે તેની હરીફ અભિનેત્રીઓ કહી શકે કે એ વિડિયોની લોકપ્રિયતામાં સેક્સી વસ્ત્રો પહેરેલી પ્રિયંકાનું ગ્લેમર જ વધારે આકર્ષણ છે!)

પ્રિયંકાની હરીફાઇ જેની સાથે સૌથી વધુ હોઇ શકે એ દીપિકા પાદુકોણ છે, જેને ગયા અઠવાડિયે ‘રામલીલા’ની સફળતાને પગલે ‘નંબર વન’ પર પહોંચાડી એમ કહી શકાય. કેમ કે તેણે સળંગ પાંચ ફિલ્મો આપી, જેનો વકરો ૧૦૦ કરોડનું શિખર સર કરી ગયો હોય. શિખર ધવનનો પાંચ વનડે સેન્ચુરીનો એકોર્ડ થયો એ જ સમયે દીપિકાની ‘કૉકટેલ’, ‘રેસ-ટુ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ અને ‘ગોલીયોંકી રાસલીલા રામલીલા’ એમ પાંચ સૈકાંનો પંચ વાગ્યો. દીપિકા અને પ્રિયંકા એ બેઉ હરીફ-દોસ્તોને ‘કૉફી વીથ કરણ’માં એક સાથે કરણ જોહર બેસાડવાના છે, ત્યારે તેમાં દીપિકા અને સોનમ કપૂરની જોડી વખતે રણબીર કપૂર વિશેની જે મજેદાર બાતમીઓ એ બેઉએ આપી હતી એવું કશુંક કરણ કઢાવી શકશે કે?


દીપિકાની રણબીર સાથેની દોસ્તી એવામાં તૂટી હતી અને પોતે ‘આર.કે.’નું ટેટુ ચિતરાવી બેઠી હતી; ત્યારે કરણે જે રસપ્રદ વાતો ‘કૉફી ટૉક’ની આડશમાં કઢાવી હતી, એ ‘યુ ટ્યુબ’ પર આજે પણ ઉપલબ્ધ છે. (તે કેવી ઇન્ટરેસ્ટિંગ હશે કે યુ ટ્યુબે તેને માત્ર પુખ્તવયના દર્શકો માટે જ ઓપન રાખી છે!) રણબીર વિશે દીપિકા અને સોનમે એ ગપશપમાં જે કહ્યું હોય તે છતાં આજે તેનો સિતારો એવો તેજ છે કે સુભાષ ઘઈ જેવા દિગ્દર્શક પણ તેને લે છે અને તે પણ સલમાનને બદલે! સલમાનની બે સુપર હિટ ફિલ્મો ‘દબંગ’ અને ‘દબંગ-ટુ’ના લેખક દિલીપ શુકલા પાસે ઘઈએ વાર્તા લખાવી, ત્યારે એ માટે હિરો કોણ હશે એ કલ્પનાનો વિષય જ નહોતો. પરંતુ, હવે એમ સંભળાય છે કે સુભાષ ઘઈ ‘બીગ બૉસ’ને નહીં, પણ રણબીર કપૂરને લેશે.

‘બીગ બૉસ’માંથી ગયા સપ્તાહે બેઘર થયેલી ગોરી ફિરંગી ઍક્ટ્રેસ ઍલી ઍવરામને શું સલમાનની ‘જય હો’ કે ‘કિક’માં નાનો પણ રોલ મળશે? આ સંભાવના ગંભીર થયાનું એક કારણ એ પણ છે કે જ્યારે ઍલીને બહાર નીકળવાનો આદેશ કરાયો; તે વખતે તેણે કહ્યું કે હવે ત્રણ-ચાર વીક જ બાકી છે, ત્યારે એ હજી અંદર રહેવા ઇચ્છતી હતી. એ ટાણે સલમાને ગર્ભિત ઑફર કરવાની રીતે તેને આશ્વસ્ત કરી હતી કે એ ચાર અઠવાડિયામાં તેને માટે બહાર બીગ બૉસ કરતાં કશુંક બીગ બનવાનું છે! જે રીતે ઍલીએ સલમાનને ઉદ્દેશીને ‘બીગ બૉસ’ના ઘરમાંથી “હમ દિલ દે ચૂકે સનમ, તેરી કસમ, તેરે હો ચૂકે સનમ....” જે નિષ્ઠા અને ભાવથી ગાયું હતું, તેનાથી એ માત્ર ક્યુટ છોકરી જ નહીં, સરસ એક્ટ્રેસ પણ લાગી હતી.

ઍલીની માફક રાની મુકરજી પણ સલમાનને એક ગાયન અર્પણ કરવાની છે. તેની ‘યશરાજ’ના બૅનર નીચે બની રહેલી ફિલ્મ ‘મર્દાની’માં સલમાનના ‘દબંગ’ પાત્ર ‘ચુલબુલ પાન્ડે’ને સમર્પિત એક ગાયન હશે અને રાની તેના ઉપર ડાન્સ કરવાની છે. રાનીના એક સમયના ખાસ સાથી કલાકાર ગોવિન્દા પણ આ સપ્તાહે ન્યુઝમાં હતા. ગોવિન્દા સામે ચારેક વરસ પહેલાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન સૅટ પર આવેલા એક મુલાકાતીને લાફો માર્યાની ફરિયાદ થઈ હતી. એ કેસ મુંબઈ હાઇકોર્ટે તાજેતરમાં કાઢી નાખ્યો.



કોર્ટ કચેરીના ધક્કા-ફેરા અને સમાધાન પછી રિલીઝ થયેલી ‘રામલીલા’ને ટિકિટબારી ઉપર પહેલા સપ્તાહમાં જોરદાર આવકાર મળ્યો હતો. પરંતુ, ડર એવો હતો કે પછીના સપ્તાહે આવનારી બે ફિલ્મો કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની પ્રોડક્શનની ‘ગોરી તેરે પ્યાર મેં’ અને સની દેઓલની ‘સિંગ સાબ ધી ગ્રેટ’ને લીધે વકરામાં ફરક પડશે. જ્યારે પહેલા વીક એન્ડના આંકડા આવ્યા ત્યારે ‘રામલીલા’નો પરફોર્મન્સ એ બેઉની સરખામણીએ  હજીય સારો જ હતો. ‘ગોલીયોંકી રાસલીલા....’ની હડફેટમાં ૧૫મીના શુક્રવારે તેની સાથે જ રમવા આવેલી ‘રજ્જો’ની તો હાલત કેવી થઈ? કંગના રાણાવત જેવી મોંઘી સ્ટાર હિરોઇન હોવા છતાં બારેક કરોડની એ ફિલ્મ માંડ દોઢ-બે કરોડ ભેગા કરી શકી છે. એટલે  સિનેમાનો ધંધો આજે પણ જુગાર જ છે, માત્ર દાવ (સ્ટેક) બદલાયા છે.... હવે તે લાખોને બદલે કરોડોના થઈ ગયા છે. તમારા પિક્ચરમાં મોટા સ્ટાર્સ હોય અને નામમાં ‘ગ્રેટ’ હોય એટલે કલેક્શન પણ ગ્રેટ આવવાની કોઇ ગેરન્ટી નથી હોતી, સા’બ!


તિખારો!
 
‘ગોરી તેરે પ્યાર મેં’ના પ્રમોશન વખતે ઇમરાનની સેન્સ ઓફ હ્યુમર ફરી એકવાર માણવા મળી. ફિલ્મમાં કરિનાના પ્રેમમાં તે ગામડે રહેવા તૈયાર થાય છે, એવી વાર્તા હોઇ ‘ગોરી તેરે ગાંવ મેં’ એ નામ વધારે સારું ના કહેવાત? એમ પૂછ્યું ત્યારે ઇમરાન કહે, “પણ એ નામ વાંચવામાં આવું ના લાગત?.... ગોરી તેરે ગાઉન મેં?”!!

1 comment:

  1. Salil Sir,

    As usual great writing and the way you find information I might have to salute... Sometime I miss your writing so if possible I request you to tag me...

    Sam

    ReplyDelete