Saturday, December 21, 2013

ફિલમની ચિલમ...... ૨૨ ડિસેમ્બર, ૨૦૧૩



  કરણ જોહરે કરવું પડ્યું
               ‘શુદ્ધિ’ની અફવાઓનું શુદ્ધીકરણ!



છેવટે કરણ જોહરે ખુલાસો કરવો પડ્યો! જ્યારથી તેમની એક આવનારી ફિલ્મ ‘શુદ્ધિ’ની હીરોઇન તરીકે કરિનાને પડતી મૂકીને દીપિકાને લેવાની વાતો માર્કેટમાં ચગી રહી હતી; ત્યારથી એ સ્પષ્ટતાની કમ સે કમ કરિનાને તો અપેક્ષા હશે જ. ‘શુદ્ધિ’માં હીરો રિતિક રોશન છે અને જે પ્રકારના શારીરિક અને ઇમોશ્નલ પ્રશ્નોમાંથી એ પસાર થઈ રહ્યો છે, એ જોતાં તાત્કાલિક પિક્ચર ફ્લોર પર જવાની શક્યતા નથી. તે સંજોગોમાં, કરિનાને ખસેડીને જેની છેલ્લી રિલીઝ થયેલી પાંચેય ફિલ્મોએ ૧૦૦ કરોડ ક્રૉસ કર્યા હોય એવી દીપિકાને લેવામાં આવી છે, એવી અફવાઓ પણ કેવું નુકશાન કરી શકે એ કોણ ના સમજે? કરિનાએ તેનું શુદ્ધિકરણ કરવા કરણને કહ્યાના વાવડ વચ્ચે હતા અને આ સપ્તાહે તેનો ખુલાસો આવી ગયો.

કરણ જોહરે એ ચોખવટ કરી કે “કરિના કપૂર ‘શુદ્ધિ’માં છે જ અને ફિલ્મ આવતા વર્ષે શરૂ થવાની છે.’’ કરણે આ ખુલાસો કોઇ મેગેઝીનના પત્રકાર કે ચેનલની રિપોર્ટરને કરવાને બદલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કર્યો. એટલે કે લાંબું પિષ્ટપેષણ કર્યા વગર  ૧૪૦ કેરેક્ટર્સની મર્યાદામાં રસ ધરાવતા સૌને ચોખવટ કરી દીધી. જો કે અત્યારે તો દીપિકાનો ઘોડો એવો દોડી રહ્યો છે કે તેને નહીં લઈને નિર્માતાએ જ વધારે ગુમાવવાનું હોય છે. દીપિકાએ પોતાની આવી સફળતાનો જશન મનાવવા અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની રીતનું આભારદર્શન કરવા ૨૧મી ડિસેમ્બરે એક પાર્ટીનું આયોજન કર્યું છે. તેમાં તેણે રણબીર કપૂર અને રણવીરસિંગ બેઉને આમંત્ર્યા છે. તેથી આવનારા દિવસોમાં એ પાર્ટીમાં કોણ આવ્યું કોણ નહીંથી માંડીને આવનારાઓમાં કોણ કોની સાથે વધારે રહ્યું કે ન રહ્યું એ બધી વિગતો અને ફોટાઓ જોવા તૈયાર રહેજો!




દીપિકા કદાચ તાજેતરની પ્રથમ એવી અભિનેત્રી હશે કે જેણે આ રીતે પોતાની સફળતાની પાર્ટી આપી હોય. અત્યાર સુધી આવી પાર્ટીબાજી હીરોલોગ કરતા અને તે પણ પોતે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ માટે. જ્યારે દીપિકા તો પોતાને આવી સફળતા અપાવનાર તમામને ‘થેંક યુ’ કહેવાની આ નવી પ્રથા શરૂ કરી રહી છે. દીપિકાએ મેળવેલી આ ૧૦૦ કરોડ કે તેથી વધુના વકરાવાળી સળંગ પાંચ ફિલ્મો ‘કૉકટેલ’, ‘રેસ ટુ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ અને ‘રામલીલા’નો સ્ટ્રાઇક રેટ કેવો અદ્વિતીય છે, એ અન્ય હીરોઇનોનાં તાજેતરમાં રજૂ થયેલાં પિક્ચરોનાં કલેક્શન જોયા પછી પણ સમજાય એમ છે. ખુદ કરિનાની છેલ્લે આવેલી ‘ગોરી તેરે પ્યાર મેં’ એવો કોઇ ચમત્કાર ક્યાં કરી શકી છે? 



કરિના પાસે અત્યારે ‘શુદ્ધિ’ ઉપરાંત એક ફિલ્મ ‘બદતમીઝ દિલ’ છે, જે પણ ૨૦૧૫માં આવવાની ગણત્રી છે. એટલે હવે ‘ધૂમ થ્રી’માં કટરિના કેવો દેખાવ કરે છે, તેના પર સૌની નજર રહેવાની. વળી, તેનો પરફોર્મન્સ સારો હશે તો પણ આમીર કે હોતે હુએ કિસી ઓર કો ક્રેડિટ મિલે યે કૈસે હો સકેગા? (આમીરની ફિલ્મના કિસ્સામાં તો ક્યારેક ડાયરેક્ટરને પણ જશ ‘લગાન’ ની જેમ વસુલ કરવો પડે. નહીંતર, તારા જમીન પર ઉતરી જાય! એટલે કટરિનાએ પણ અભિષેક અને ઉદય ચોપ્રાની જેમ ક્રેડિટ માટે લાઇનમાં ઉભા રહીને રાહ જ જોવાની થશે તો આશ્ચર્ય નહીં થાય!)


‘ધૂમ થ્રી’નો વકરો કેટલાક ભવિષ્યવેત્તાઓએ પહેલા ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ ક્રોસ કરશે અને પ્રથમ વીકના અંતે એ ૨૦૦ કરોડે હશે એમ વર્તારા વહેતા મૂકાયા છે. આઇમેક્સ થિયેટરમાં ૬૦૦થી ૯૦૦ રૂપિયા સુધીની ટિકિટ રખાવાના પ્લાન જોતાં આવો કોઇ રેકોર્ડ થઈ જાય તો નવાઇ ના લાગવી જોઇએ. વળી, અન્ય કોઇ રીતે પિક્ચરની કૉપી ઇન્ટરનેટ પર ફરતી ના થઈ જાય એ માટે યશરાજે દિલ્હી હાઇકોર્ટમાંથી આગોતરો ઓર્ડર લઈ લીધો છે. તે મુજબ રિલાયન્સ, ભારતી, એમટીએનએલ જેવી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ ફરિયાદ મળ્યાના ૪૮ કલાકમાં ‘ધૂમ થ્રી’ની અનઓથોરાઇઝ્ડ સામગ્રી દૂર કરી દેવી પડશે.


હાઇકોર્ટની વાત ચાલે છે, તો મુંબઈ હાઇકોર્ટે ‘શોલે’ની થ્રી ડી આવૃત્તિ પર રોક લગાવવાની દિગ્દર્શક રમેશ સિપ્પીની માગણી સ્વીકારી નથી. સિપ્પી પરિવારના સભ્યોમાં જ કૉપી રાઇટના પ્રશ્ને ચાલતા વિવાદને પગલે નીચલી અદાલતમાંથી રમેશ સિપ્પીને એવો હુકમ ના મળતાં એ હાઇકોર્ટમાં ગયા હતા અને હવે ત્યાંથી પણ મનાઇ મળ્યો નથી. તેથી એક રીતે કહીએ તો ‘શોલે’ની ત્રિપરિમાણીય આવૃત્તિના આગમન માટેનો મારગ ખુલી ગયો કહેવાય. તો કોર્ટ કચેરીના અન્ય એક સમાચારમાં ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયારના શિકાર અંગે ચાલતા પેલા કેસ માટે તબુ અને સોનાલી બેન્દ્રેને જોધપુરની અદાલતમાં હાજર રહેવાનું થયું હતું. 

ત્યાં એક સાક્ષીએ એ બન્ને અભિનેત્રીઓને ઓળખી બતાવવાની હતી. કેસમાં શું થયું એ તો આપણે જાણતા નથી. પરંતુ, જો એ સાક્ષીએ બેમાંથી એકેય એક્ટ્રેસને ઓળખી ના હોય  તો પણ એ બિલકૂલ સંભવ છે. કેમ કે ૧૫ વરસ જૂના એ બનાવના આટલા વખત પછી એ હીરોઇનો એવીને એવી યુવાન રહી હોય ખરી? કાયદાકીય રીતે એ બન્ને મહિલાઓનાં નામ આમ લખાય.... સોનાલી (ઉ.વ. ૩૮) અને તબુ (ઉ.વ.૪૨)!


તિખારો!

ફિલ્મ પ્રમોશન માટે સ્ટાર્સને પણ વિવિધ રીતે પ્રચાર કરવો પડે છે, એ અંગે ડિમ્પલ કાપડિયા (ખન્ના) કહે છે કે “એક્ટર્સને તો આજકાલ શાકભાજી વેચનારા જેવા બનાવી દેવાયા છે.....તેમને પોતાનું પિક્ચર જોવા ઑડિયન્સને બોલાવવા ઠેકઠેકાણે ફરીને બૂમો પાડવી પડે છે!!” 



2 comments:

  1. nice article
    Rakesh Thakkar, Vapi

    ReplyDelete
  2. સલિલ સર,

    આઇમેક્સ ડીએમઆર ટેક્નોલોજી વિશે જાણવા જેવું છે. ધૂમ૩ ધંધો તો કરશે જ પણ હવે અટકે તો સારુ....
    સેમ

    ReplyDelete