Tuesday, December 24, 2013

બરફનાં તોરણ..... કરિશ્મા કુદરત કા!


કદીક જોવા મળતી પ્રાકૃતિક ઘટના..... આઇસ સ્ટૉર્મ!

‘કુદરત આગળ માનવી પાવરલેસ (શક્તિહીન) છે’ એમ વારંવાર અનુભવેલું હોવા છતાં જ્યારે ખરેખર જ પાવર (ઇલેક્ટ્રિસિટી) વિના રહેવું પડે ત્યારે એ સચોટ સમજાય. અમને કેનેડા આવતા પહેલાં અહીંના વિન્ટર અને કાતિલ ઠંડી વિશે સ્વાભાવિક જ મિત્રો સ્નેહીઓએ અને વેબસાઇટોએ ચેતવ્યા જ હતા. પરંતુ, ઠંડી અને ગરમીમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું ટાઢ પસંદ કરું..... મારાથી  તાપ સહન ના થાય..... કોઇનો પણ!!

અહીં ગમ્મત એ કે ભારતમાં ૪૦+નો કુદરતી તાપ સહન કરીને આવ્યા હોઇએ એટલે કેનેડાના ઝીરોની આસપાસના ટેમ્પરેચરમાં કોઇ એવી તકલીફ ના પડે. એ જ રીતે ઉનાળામાં જ્યારે ૩૦ ડીગ્રી ઉપર ગરમી વધે ત્યારે સ્થાનિકો આકળ વિકળ થાય અને આપણને હજી એવો બફારો ના લાગે! પણ દરેક સિઝનમાં અહીં કુદરતના રંગ જોવા જેવા હોય છે. મઝા લેવાનો સ્વભાવ હોય તો એ મદદરૂપ થાય જ. 

જેમ કે પાનખરના ‘ફૉલ કલર્સ’નું સૌંદર્ય ભલભલા આર્ટિસ્ટ્સની પીંછીઓને પાછી પાડી દે એવું હોય અને તે પણ ઝાડ-પાનના રંગની બ્યુટી; જે દિવસો સુધી દેખાય.... મેઘધનુષની માફક ઘડી બે ઘડીનો ખેલ નહીં. મેં દર વરસે આદત મુજબ એવા સેંકડો ફોટા પાડ્યા છે અને અહીં બ્લોગ પર કેટલાક શૅર કર્યા જ છે.



શિયાળે પડતા નિર્દોષ સ્નોના પણ ફોટા પાડવાની મઝા દર વર્ષે અલગ જ હોય છે. પરંતુ, આ અઠવાડિયે આઇસ સ્ટૉર્મનો અનુભવ પહેલી વાર કર્યો. સ્નોના રૂ જેવા નાજુક ઢગલાની  જગ્યાએ આ તો શ્યામળો નક્કર બરફ! સડક પર કે ઘરના આંગણામાં હોય તો લસરી કે લપસી જ જાવ. અકસ્માતની અને હાડકાં ભાંગવાની ગેરન્ટી! એવા આઇસનો સ્ટૉર્મ શનિવારની મોડી રાત્રે આવ્યો અને એક મોટા ધડાકા સાથે અમારા વિસ્તારનું એક ટ્રાન્સ્ફોર્મર તૂટી પડ્યું. જુઓ આ વીડિયોમાં...





 તેના પગલે હજ્જારો ઘરોના લાખો ટોરન્ટોવાસી ‘પાવરલેસ’ થયા. પરંતુ, કુદરતનો ખુબસુરત પાવર જોવાનો અદભત લહાવો મળ્યો! અહીં મૂકેલા ફોટાઓ પૈકીના કોઇ કે બધા માટે અલગ અલગ તમને કોઇ પંક્તિ અથવા વાક્ય યોગ્ય લાગે તો જણાવવા વિનંતી છે. (તે પૈકીના સાથે તારીખ દેખાતા ફોટા મેં પાડેલા છે. જ્યારે તારીખ વિનાના ગણત્રીના જ ફોટા ઇન્ટરનેટથી લીધેલા છે અને તે આ ‘ટોરન્ટો આઇસ સ્ટૉર્મ’ના જ હોય તેની કાળજી રાખી છે.)  મને તો તાત્કાલિક એક જ લાઇન સૂઝી છે.... 


              બરફનાં તોરણ..... કરિશ્મા કુદરત કા!   















































1 comment: