‘ક્રિશ’નું અંગત જીવન ખરેખર ‘ક્રશ’ કે પબ્લિસિટી
સ્ટંટ!
રિતિક રોશનના દાંપત્ય જીવન ઉપર સપ્ટેમ્બર મહિનાથી
ઘેરાયેલા વાદળને જોનારા સૌ ૧૧મી ડીસેમ્બરે શું થશે તેની રાહ જોઇ રહ્યા છે! એ તો હવે
ઇન્ડસ્ટ્રીમાં કદાચ ઘણા જાણતા થઈ ગયા છે કે રિતિકના પિતાજી રાકેશ રોશનના જન્મદિનની
પાર્ટીમાંથી પુત્રવધુ સુઝેન વહેલી જતી રહેતાં વાત લીક થઈ હતી. એ પણ જાણીતી વાત છે કે
છેલ્લા બે એક મહિનાથી રિતિક અને સુઝેન અલગ રહે છે. હવે સુઝેને ૧૧મી ડીસેમ્બરે પોતાના
સ્ટોર ‘બાન્દ્રા વન નાઇન્ટી’નું ઉદઘાટન રાખ્યું છે. તેમાં રિતિકની હાજરી હશે કે નહીં
એ ઉત્સુકતાનો વિષય છે. એક અહેવાલ પ્રમાણે, એ ઓપનિંગમાં રિતિક હાજર રહે એ શક્યતા નથી.
કેમ કે એ ૧૬ ડીસેમ્બર સુધી અમેરિકામાં હશે. તેના મગજની સર્જરીના અનુસંધાને યુ.એસ. ગયો
છે એમ કહેવાય છે, જરૂર. પરંતુ, જો એ સાચું હોય તો સુઝેન પણ સાથે જઈ શકી હોત અથવા પોતાના
બીમાર સુપર સ્ટાર પતિના પરત આવવાની રાહ જોઇને તે પછીની કોઇ તારીખ પર બિઝનેસનો મંગલ
પ્રારંભ કરી શકી હોત.
એટલે હવે એ ‘શુભ શરૂઆત’ના પ્રસંગ માટે સલમાનખાનને
મુખ્ય મહેમાન બનાવવાના પ્રયાસો ચાલે છે. સલમાનની ભાભી સીમા ખાન અને સુઝેન મિત્રો હોઇ
એ ચેનલ કામે લગાડાઇ છે. બીજી થિયરી એમ પણ કહે છે કે પોતાનાથી હાજર રહી શકાવાનું ન હોઇ
ખુદ રિતિકે સલમાનને સમારંભની શોભામાં અભિવૃદ્ધિ કરવાની વિનંતિ કરી છે. આમ ગામના મોંઢે
કંઈ ગળણું થોડું બંધાય છે? જિતને મુંહ ઉતની બાતેં! આપણે તો જ્યાં ધુમાડો દેખાય તેનો
રિપોર્ટ કરવો..... આગ જ્યારે અને જેટલી દેખાવાની હોય ત્યારે એ એટલી અને એવી ખરી! એક
ધુમ્રસેર તો એવી પણ છે કે આ આખો સ્ટંટ સુઝેનના મોંઘા ભાવના સ્ટોર માટે ઉત્સુક્તા વધારવાનું
ગતકડું પણ હોઇ શકે!
જો કે એમ જ હોય તો સવાલ એ થાય કે જેના હોમ પ્રોડક્શનની
ફિલ્મ ‘ક્રિશ થ્રી’ એ ૨૦૦ કરોડનો બિઝનેસ
કર્યો હોય એ રોશન પરિવારની પુત્રવધુએ ગમે એવો ખર્ચાળ અને મોંઘો હોય તો પણ બિઝનેસ ખોલવાની
શી જરૂર પડી? ‘ક્રિશ થ્રી’ના પ્રિમિયરમાં કે તેની સફળતાની ઉજવણીમાં
અને તે પણ દિવાળી જેવા સપરમા દિવસોમાં હિરોની પત્ની ક્યાંય દેખાઈ ના હોય એ સાવ જોગાનુજોગ
હશે? ‘ક્રિશ થ્રી’નો ૨૦૦ પ્લસ કરોડનો વકરો
કેટલો મોટો કહેવાય એ સમજવા માટે ‘રામલીલા’
પછી આવેલી ‘ગોરી તેરે પ્યાર મેં’, ‘સિંગ સાહબ
ધી ગ્રેટ’ અને ‘બુલેટ રાજા’નાં કલેક્શન્સ
જોવા જેવાં છે. ગમ્મત એ હતી કે યંગ ઇમરાન ખાન અને ‘ગોરી’ કપૂર તો ‘‘સિંગ સા’બ’’ જેટલા પણ ગ્રેટ સ્ટાર સાબિત
ના થયા. સની દેઓલ પહેલા વીકમાં ૨૬ કરોડનો વકરો
લાવતાં સોળ કરોડની ફિલમ ‘સિંગ’માં દસ ખોખાંનો કાજુ-બદામ જેવો પ્રોફિટ થયો કહેવાય. જો
કે, પ્રથમ સપ્તાહમાં ૭૦ કરોડ લાવનારાં ચિત્રોના જમાનામાં એ ઇમ્પ્રેસ ના કરે. છતાં સનીને
૫૭ વરસની તેની ઉંમરને ધ્યાનમાં રાખતાં સિનિયર સિટીઝનનું કન્સેશન આપી જ શકાય.
પરંતુ, સૈફ અલી ખાન અને સોનાક્ષી સિન્હાનું શું?
એ તો ચલતા સિક્કા કહેવાય. તેમની ‘બુલેટ રાજા’
પણ ખાલી કારતુસ સાબિત થાય એ કેવું? સૈફ અને સોનાક્ષી એ બન્નેનું સ્ટાર સ્ટેટસ જોતાં
તેમની ફી ચૂકવવાના મામલે તો નિર્માતાએ બુલેટ નહીં પણ તોપના ગોળા જ ફોડવા પડ્યા હશે.
તાજેતરમાં જ સૈફ (‘બુલેટ રાજા’ના હિરો)
અને કરિના (‘ગોરી તેરે પ્યાર મેં’ની હિરોઇન)
એ બન્ને થઈને મુંબઈની એક નવી બિલ્ડીંગમાં ૪૮ કરોડ રૂપિયામાં ચાર મજલા ખરીદવાનું ડીલ
કરી રહ્યાના અહેવાલ આવ્યા જ છેને? (“વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો” એ જુની
ઉક્તિના ‘ગોર’ એ આજકાલ સ્ટાર્સ છે!)
કરિના અને સૈફ પોતાના એ ઘરમાં શિફ્ટ થઈને પરિવાર
પ્રારંભ કરશે એવી હરીફ હિરોઇનોની આશા અને અફવાઓનું ખંડન થાય એવી એક ચોખવટ કરિનાના કેમ્પમાંથી
થઈ છે. તે અનુસાર મૅડમ હજી ચાર-પાંચ વરસ સુધી ઘેર પારણું બંધાવવાના મૂડમાં નથી. જ્યારે
સૈફે એક તાજા ઇન્ટર્વ્યુમાં એમ કહ્યું છે કે અમેરિકાના કોલંબિયામાં ભણતી તેની દીકરીને
મળવા એ ગયો, ત્યારે બેટી સારાએ પપ્પાની મુલાકાત તેના બૉયફ્રેન્ડ સાથે કરાવી હતી. ટૂંકમાં,
અગાઉના લગ્નનાં બાળકો મોટાં થતાં જ જવાનાં. પશ્ચિમના દેશોમાં બૉયફ્રેન્ડ અને ગર્લ ફ્રેન્ડના
સંબંધોમાં જે પ્રકારનું મુક્ત વાતાવરણ છે તે અને સાવ નાની વયમાં છોકરીઓ પ્રેગ્નન્ટ
થઈ જાય છે, એ સૌ જાણે છે. એટલે ભવિષ્યમાં શું થવાનું છે એ તો કોણ જાણે; પણ જૂનો જમાનો
હોય તો ઓટલે બેસીને બજર ઘસતી ડોશીઓ પોતાની અનુભવી વાણીમાં ભાવિ શક્યતા દેખાડતાં કહેતી
હોત કે ‘ઓરમાણ મા અને દીકરીના સુવાવડના ખાટલા એક સાથે પડશે કે શું?’
તિખારો!
‘કોફી
વીથ કરણ’નો બહુ ગાજેલો આ સિઝનનો સલમાન ખાનવાળો પ્રિમિયર એપિસોડ પ્રસારિત થઈ ગયો અને
તેમાં કટરિના અત્યારે રણબીર કપૂરની સાથે હરે-ફરે છે એ વાતના સંદર્ભે કટરિના પ્રત્યેની
પોતાની ભડાશ સલમાને એક કરતાં વધુ વખત કાઢી. તે પૈકીનો એક સટાકો યાદગાર હતો. કરણે એમ
પૂછ્યું કે ‘એક સવારે તમે રણબીર કપૂર તરીકે જાગો તો પહેલો વિચાર શું આવે?’ રણબીર તરીકે સલમાનનો જવાબ, “નસીબદાર કોણ? હું કે સલમાન?!!”
No comments:
Post a Comment