શું સલમાનખાન યુસુફખાનના પગલે આગળ વધશે?
કોઇ સામાન્ય પ્રેક્ષક
પૂછીએ કે ‘ધૂમ-૩’ના ડાયરેક્ટરનું નામ શું?
તો કેટલા વિજય કૃષ્ણ આચાર્યનું નામ કહી શકશે? જો ખુદાનાખાસ્તા પિક્ચર ફ્લૉપ ગયું હોત
તો બિચારા એ દિગ્દર્શકના જ માથે પસ્તાળ પડી હોત. ‘ધૂમ-૩’ને ક્રિસ્મસ અને નવા વર્ષના વિદેશી વેકેશનનો લાભ મળતાં ડોલર અને
પાઉન્ડમાં વધારે કમાણી થવાની. તેથી ઇદ અને દિવાળીની જેમ આ પણ ભવિષ્યમાં એક ઝગડાના ઘર
જેવો સમય ગાળો થવાનો. એક દિવાળીએ ‘જબ તક હૈ
જાન’ અને ‘સન ઓફ સરદાર’ની બબાલે અજય
દેવગન અને યશરાજ વચ્ચે કરેલી ખટાશનો અંત હજી આવ્યો નથી, ત્યાં ૨૦૧૫ની ઇદ નિમિત્તે થનારી
ટક્કરનાં પડઘમ અત્યારથી મીડિયામાં સંભળાવા માંડ્યાં છે.
૨૦૧૫ની ઇદ નિમિત્તે
શાહરૂખખાનની ‘રઈસ’ અને સલમાન ખાનની પોતાના
બૅનર ‘બીઇંગ હ્યુમન’ હેઠળની કબીરખાનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ એ બેઉ રજૂ કરવાના પ્લાન
કરી રહ્યા છે. બેઉ ખાન જો એક જ દિવસને પકડી રાખે તો બન્ને પિક્ચર કદાચ હીટ હોય તો પણ
બિઝનેસ વહેંચાઈ જાય. તેથી સવાલ એ થવાનો કે શું ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ વખતે ઇદનો ૨૦૦ કરોડનો સ્વાદ ચાખી ચૂકેલો શાહરૂખ એવી
બીજી તક છોડી શકશે કે પછી સલમાન પોતાને માટે લકી એવી ‘ઇદ’નો ભોગ આપી શક્શે? જો કે તહેવારોની
રીતે સલમાનના પરિવારમાં ઇદ જેવી જ ઉજવણી ગણેશોત્સવની થાય છે અને ક્રિસ્મસની પણ કરાય
છે.
ક્રિસ્મસની આ સાલની
પાર્ટીમાં સલમાનને ત્યાં જે ગેસ્ટ આવવાના છે, એ યાદીમાં ઍલી એવરામનો પણ સમાવેશ કરાયેલો
છે. ઍલી સૌને યાદ હશે જ કે આ સાલ ‘બીગ બૉસ’માં
રહેલી સૌથી રૂપાળી છોકરી છે અને સલમાનને તેના માટેની કુણી લાગણી જગ જાહેર છે. એ બન્ને
લગ્ન કરે તો દિલીપ કુમાર અને સાઇરાબાનુ જેવી જોડી થાય એમ કહી શકાય. (દુલ્હા કરતાં દુલ્હનની
ઉંમર અડધી હોય!) આ સંભાવના એટલા માટે લાગે છે કે ઍલીએ સલમાનની બર્થડે પાર્ટી (૨૭ ડિસેમ્બર)
તથા તે પછીની ન્યૂ યર પાર્ટી સુધી ખાન પરિવાર સાથે પનવેલના ફાર્મ હાઉસમાં રહેવાનું
અત્યંત કૌટુંબિક નિમંત્રણ સ્વીકારેલું છે.
ઍલીની જેમ જ આમિરખાન
પણ સલમાનની પાર્ટીમાં જવાનું કન્ફર્મ કરી ચૂક્યો છે. આમિર અને શાહરૂખ બન્ને દીપિકાની
ગયા વીકની ‘ટૉક ઑફ ધી ટાઉન’ બનેલી પાર્ટીમાં હાજર રહ્યા ત્યારે એ અભિનેત્રીની ઇન્ડસ્ટ્રીમાં
વધેલી તાકાતની નોંધ સૌને લેવી પડી. દીપિકાની એ ‘બ્લૅક એન્ડ ગોલ્ડ’ ડ્રેસ કોડવાળી પાર્ટીમાં
સંજય લીલા ભણશાળી અને રોહિત શેટ્ટી જેવા તેના દિગ્દર્શકો તેમજ રણવીરસિંગ સરખા તેના
કરન્ટ બોયફ્રેન્ડ સહિતના સૌ હતા. પરંતુ, ‘યે જવાની હૈ દીવાની’નો તેનો હીરો રણબીર કપૂર
સ્વાભાવિક જ હાજર નહતો. તેનું એક કારણ એ કહેવાય છે કે કટરિનાને આમંત્રણ નહતું અને પોતાના
બોયફ્રેન્ડને તેની જૂની બેનપણીને ત્યાં એકલો મોકલવાનું સાહસ કોઇ ‘કૅટ’ કરતી હશે કે?
રણબીર અને કટરિનાએ
તેના કરતાં સજોડે અનુરાગ કશ્યપના આમંત્રણને માન આપવાનું નક્કી કર્યું હતું, જેમાં લિયોનાર્દો
દિ’કેપ્રિઓની ફિલ્મ જોવાની હતી. અનુરાગે પોતાના એક પ્રિય હોલીવૂડ ડાયરેક્ટર માર્ટિન
સ્કોર્સેસીના નવા પિક્ચર ‘ધી વુલ્ફ ઓફ વૉલસ્ટ્રીટ’નો
એક સ્પેશ્યલ શો રાખ્યો હતો. તેમાં રણબીર-કટરિના ઉપરાંત નસીરૂદ્દીન શાહ, રત્ના શાહ,
કિરણ રાવ, અનુષ્કા શર્મા, અભિષેક કપૂર, અયાન મુકરજી, ઇમ્તિયાઝ અલી વગેરે હતા. આ ફિલ્મ
ત્રીજી જાન્યુઆરીએ ઇન્ડિયામાં રજૂ થવાની છે અને સુત્રોં કી માનેં તો, લિયોનાર્દો દિ’કેપ્રિઓ
તે દિવસોમાં ભારતની મુલાકાતે પણ કદાચ આવશે. ત્યારે મુદ્દો એ છે કે આ હોલીવૂડ મુવીની
એડવાન્સ પબ્લિસિટી અનુરાગ કશ્યપે કેમ કરી હશે?
અનુરાગ અને તેમની પત્ની
કલ્કિ અલગ થયાં તે અને રિતિક તથા સુઝેન છૂટાં પડ્યાં એ બે તેમના ચાહકો માટેની વિતેલા
વર્ષ ૨૦૧૩ની સૌથી પીડાદાયક ઘટનાઓ કહી શકાય. બન્ને કપલે પ્રેસમાં નિવેદન આપીને શાલિનતાથી
પોતાના અંગત દર્દને જાહેરમાં વ્યક્ત કરીને પોતાને સ્પેસ આપવા મીડિયાને વિનંતી કરી છે.
એ કદાચ અલગ થયા પછી એક બીજા ઉપર કાદવ ઉછાળવા છાપાં-મેગેઝીનોના પ્લૅટફોર્મનો ઉપયોગ કરતાં
અન્ય દંપતિઓ(?) કરતાં સુખદ રીતે અલગ અભિગમ છે. એટલે જ આ સપ્તાહે રિતિક અને સુઝેન તેમનાં
બન્ને બાળકોની સ્કૂલના એક પ્રોગ્રામ માટે હાજર રહ્યાના ન્યૂઝ આનંદની લહેરખી આપી જાય
છે. પતિ-પત્નીના અલગાવની અસર તેમનાં સંતાનોના ઉછેર પર ના પડે એ ૧૦૦-૨૦૦ કરોડના વકરા
કરતાં પણ મોટી વાત નથી લાગતી?
તિખારો!
‘કૉમેડી નાઇટ વીથ કપિલ’માં કપિલના
જોક સરસ સેન્સ ઓફ હ્યુમરવાળા હોય છે. એક નમૂનો:
કપિલ પત્નીને કહે, “ લગતા હૈ તેરે બાપકી જલે પર નમક છિડકને કી આદત ગઈ નહીં...” પત્નીનો સવાલ, “ક્યૂં અબ ક્યા હુઆ?” કપિલ ઉવાચ, “આજ ફિર સે પૂછ રહા થા મેરી બેટી સે શાદી કર કે ખુશ તો હો ના?!!”
કપિલ પત્નીને કહે, “ લગતા હૈ તેરે બાપકી જલે પર નમક છિડકને કી આદત ગઈ નહીં...” પત્નીનો સવાલ, “ક્યૂં અબ ક્યા હુઆ?” કપિલ ઉવાચ, “આજ ફિર સે પૂછ રહા થા મેરી બેટી સે શાદી કર કે ખુશ તો હો ના?!!”
સલીલભાઈ,
ReplyDeleteચિલમ વાંચવા નો ઘણા સમય પછી મોકો મળ્યો. મજા પડી ગઈ. અગાઉ સંદેશ માં રેગ્યુલર વાંચતો.ક્યારેક તિખારા પણ મોકલેલા, જે તમે પ્રકાશિત કરેલા.
ધૂમ ૩ ના મિક્ષ રિવ્યુ આવતા રહ્યા છે. પ્રિન્ટ મિડિયા માં અલગ અને રેડીઓ ચેનલ્સ પર અલગ. FM પર તો એને ધોઈ નાખ્યું છે, ધ્વનીત પૂછે છે, ધૂમ ૩ જોયું કે નહિ? પસ્તાયા કે નહિ? પણ ટીકીટ ના ભાવ વધાર્યા એટલે સૌ થી વધુ કમાણી વાળી ફિલ્મ તો થાય જ.
ઘણા સમયે તમને વાંચી ને આનંદ, આભાર...
સલીલભાઈ,
ReplyDeleteઘણા સમય બાદ ચિલમ વાંચી ને આનંદ થયો. વર્ષો પેહલા સંદેશ માં રેગ્યુલર વાંચતો. કોઈ વાર તિખારા મોકલેલા જે તમે પ્રકાશિત કરેલા.
ધૂમ૩ ના મિક્ષ રીવ્યુ આવ્યા છે,જેમ તમે કહ્યું તેમ, પ્રિન્ટ મિડિયા માં અલગ અને રેડીઓ ચેનલ્સ પર અલગ. FM પર તો એને ધોઈ જ નાખ્યું છે. ધ્વનિત આજ કાલ પૂછે છે, ધૂમ૩ જોયું કે નહિ? પસ્તાયા કે નહિ?
આખો લેખ વાંચવા ની મજ્જા આવી. આભાર અને શુભેચ્છાઓ