Saturday, May 25, 2013

ફિલમની ચિલમ.. મુંબઇ સમાચાર ૨૬ મે, ૨૯૧૩


આજના પ્રેક્ષકને ભરમાવી નહીં શકાય!



શું ૧૦૦ કરોડના વકરાનો ફુગ્ગો ફુટી રહ્યો છે? જે રીતે છેલ્લા કેટલાક સમયથી બૉક્સ ઑફિસ ઉપર કલેક્શન આવી રહ્યાં છે, તેનાથી બહુ મોટી ચિંતા નહીં તો નાનકડી ચિંતી તો થાય એમ જ છે. કેમકે સૈફ અલી ખાન જેવા ટૉપ સ્ટારનું પિક્ચર હોય અને ‘ગો ગોઆ ગૉન’ને માફકસરનું ઓપનીંગ ના મળે તો મોટા સ્ટાર્સની ફિલ્મો પર દાવ લગાવનારાઓને ફિકર થવી નેચરલ છે. વળી એકાદું સેન્ચુરી મારતું પિક્ચર આવશે અને ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ એવું ના થાય તો? એવા બિહામણા સવાલો પણ થવા માંડ્યા છે.




હવે એક સાથે બે ત્રણ હજાર સ્ક્રીન પર રજૂઆત થઇ શકતી હોઇ બંધ પત્તાંની ‘બ્લાઇન્ડ’ ગેમમાં પૈસા લગાવનારા ખેલીઓ વધ્યા છે. તેથી ઑડિયન્સ પણ ધીમે ધીમે ખચકાતું થઇ ગયું હોય એવો ડર શરૂ થયો છે. તાજેતરની ફિલ્મોમાં પાંચ કે દસ ટકાના આવેલા વકરાએ સૌને વિચારતા કરી દીધા છે. તેનું મુખ્ય કારણ એ છે કે અત્યારે ઉનાળુ વેકેશનનો સમય છે. છતાં આ હાલ છે. જૂના સમયમાં કહેવાતું કે હિટ ફિલ્મ એ છે જેમાં કેન્ટીન અને સાયકલ સ્ટેન્ડવાળા પણ કમાયા હોય એ આજે પણ અમલમાં જ છે. ત્યારે સફળતાનાં ‘શ્યૉર સજેશન’ જેવી ફોર્મ્યુલા એ છે કે હિટ ગયેલી ફિલ્મની બ્રાન્ડને કાં તો રિમેકથી અથવા તો સિક્વલથી આગળ વધારો.



તેથી અત્યારે ‘ચિલ્લર પાર્ટી’ની પણ સિક્વલ ‘ચિલ્લર પાર્ટી-ટુ’ આવી રહી છે. તો ‘શૌકીન’ને નવેસરથી બનાવવામાં આવી રહી છે. એ જ રીતે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને પરેશ રાવલ જેવા અભિનેતાઓના પિક્ચર ‘આંખેં’ની વાર્તા પણ આગળ વધારવાના પ્લાન ચાલી રહ્યા છે. પણ એ બધાય કરતાં સુભાષ ઘઇ કદાચ આગળ છે. તેમણે પોતાની એકાદ નહીં ચાર-ચાર જૂની ફિલ્મોની રીમેઇક બનાવવાની જાહેરાત કરી છે! સુભાષ ઘઇ ‘કાલીચરણ’, ‘હીરો’, ‘કર્મા’ અને ‘ખલનાયક’ને ફરી તાજી કરવાના છે. તો ‘રામ લખન’, ‘સૌદાગર’ કે ‘પરદેસ’ અથવા ‘તાલ’ શા માટે નહીં? એવા સવાલ થઇ શકે.


સુભાષજીની એ ફિલ્મોની સફળતામાં સંગીતનો ફાળો જોતાં મ્યુઝિકની રીતે કોઇ સરસ કમ્પોઝર શોધવા પડશે એ ચોક્કસ. જો ‘કાલીચરણ’માં કલ્યાણજી આણંદજીએ આપેલી “જા રે જા ઓ હરજાઇ, દેખી તેરી દિલદારી...”ની ડોલાવનારી ધૂન યાદ કરો કે ‘ખલનાયક’ વખતે “ચોલી કે પીછે ક્યા હૈ?”નો ડાન્સ એ તમામમાં ઓડિયન્સને વારંવાર થિયેટરમાં લાવવાની તાકાત હતી. જો કે માધુરીના નૃત્ય ગીત “ચોલી કે પીછે ક્યા હૈ?”નો  જે વિવાદ થયો હતો તે આજે થાય કે કેમ એ સવાલ હશે! કારણ કે આજે એવા કશા ભેદ- ભરમ ખોલવાના રહે જ નહીં એવી બોલ્ડ અભિનેત્રીઓને લોકો જોઇ ચૂક્યા છે.

એ જ રીતે પાવો વગાડતો ‘હીરો’ આજના સમયમાં ચાલશે કે? બધાં વાજીંત્રોના સૂર એક કીબોર્ડમાંથી નીકળતા હોય ત્યારે ફ્લ્યુટને બદલે સિન્થેસાઇઝર વગાડનાર ‘હીરો’ બનાવવો પડશે અને જેમ ‘દેવદાસ’ને લંડન રિટર્ન બતાવાયો એમ ‘હીરો’નું પણ ૨૧મી સદીકરણ કરી શકાશે. પરંતુ, પ્રિય લક્ષ્મીકાન્ત પ્યારેલાલની જેમ “તુ મેરા હીરો હૈ...” કે “નિન્દીયા સે જાગી બહાર...”ની કર્ણપ્રિયતા અને જેકી શ્રોફ માટે આપણા મનહર ઉધાસના કંઠની મીઠાશ એ બધું નવેસરથી એકત્ર કરવાનું સહેલું તો નહીં જ હોય. એ બધા કરતાં અઘરું હશે રેશમાના બુલંદ સ્વરે ગવાતા ગીત “લંબી જુદાઇ ચાર દિનાંદા પ્યાર ઓ રબ્બા’ જેવા શબ્દો લખનારા આનંદ બક્ષી સરખા શાયરને શોધવાનું!




બક્ષી બાબુએ તો ‘કર્મા’માં પણ “દિલ દિયા હૈ જાન ભી દેંગે અય વતન તેરે લિયે...” સરખી દેશભક્તિની રચના આપી જ હતીને? જો કે ‘કર્મા’માં દિલીપકુમારની થપ્પડની ગૂંજનું પણ એવું જ મહત્વ હતું. તે માટે તેમની કક્ષાનો કોઇ અભિનેતા લેવા માટે અમિતાભ બચ્ચન સિવાય કોની તરફ નજર જાય? પણ બચ્ચન અને ઘઇને એક જૂના પ્રોજેક્ટ ‘દેવા’ને કારણે વર્ષો પહેલાં કીટ્ટા થયેલી છે. તેથી રીમેકમાં શું એવું ના થાય કે દિલીપ સા’બનો તમાચો ખાનાર ‘મિસ્ટર ડેંગ’ અનુપમ ખેર જ થપ્પડ મારનાર પોલીસ ઓફિસરની ભૂમિકા કરે? (આ તો એક વિશીષ્ટ કાસ્ટીંગની રીતે આવેલો વિચાર માત્ર છે!)   


સુભાષ ઘઇની ગણત્રી એમ હોય કે તેમણે જ્યારે આ બધાં ચિત્રો બનાવ્યાં ત્યારે હિન્દી સિનેમા વિશ્વવ્યાપી અને વિશેષ તો મલ્ટિપ્લેક્સવ્યાપી નહતું અને તેથી કમાણી સેંકડો કરોડોમાં નહતી. તો આજે એ જ માલને નવેસરથી પૅક કરીને ગ્લોબલ માર્કેટમાં કેમ ના મૂકવો? તો “બધા લઇ ગયા અને અમે રહી ગયા” પ્રકારનો એ હિસાબ સાચો છે. પણ જો પ્રૉડક્ટના નવા પેકેજીંગમાં બરકત નહીં હોય તો આજનો પ્રેક્ષક બહુ સ્માર્ટ છે. એ સેન્સીબલ સિનેમાને સફળ બનાવતાં શીખી ગયો છે. નિર્માણ માટે પૈસા હોય તો એવા નવતર પ્રોજેક્ટ્સ પર લગાવવા જોઇએ. બાકી હવેના ઑડિયન્સને એકાદા ગાયન કે તેની કોન્ટ્રોવર્સીથી કદીક જ ભરમાવી શકાય છે... ‘કર્મા’ના દિલીપકુમારની અદામાં કહી શકાય કે “મેરી યે બાત યાદ રખના!” 


  
તિખારો!

‘નામમાં શું છે?’ (વૉટ્સ ઇન અ નેઇમ?) અંકલ શેક્સપિયરે સાચું જ કહ્યું છેને?.... કોઇના એક જ નામમાં ‘શ્રી’ તથા ‘સંત’ બન્ને હોય, છતાં એ છેતરપિંડીના આરોપસર પોલીસ કસ્ટડીમાં જાય અને સામી બાજુ પિક્ચરનું નામ ‘ઔરંગઝેબ’ હોય તો પણ એ જુલમ ના કરતું હોય!!





Saturday, May 18, 2013

ફિલમની ચિલમ - મુંબઇ સમાચાર- ૧૯ મે, ૨૦૧૩



‘અપના સિનેમા’ એટલે?...  ‘સિર્ફ એક્ટર્સ કા સિનેમા’?



ભારતીય ફિલ્મ ઉદ્યોગની શતાબ્દિ નિમિત્તે રજૂ થયેલી ફિલ્મ ‘બૉમ્બે ટૉકિઝ’ની ખુબ વાહ-વાહી થઇ અને થવી પણ જોઇએ જ. કેમ કે કરણ જોહર, ઝોયા અખ્તર, દિબાકર બેનર્જી અને અનુરાગ કશ્યપ સરખા દિગ્દર્શકો એક જ ફિલ્મમાં એક સાથે પોતપોતાની ટૂંકી વાર્તાને પ્રસ્તુત કરે એવું કેટલી વાર બને? એવી જ મોટી વાત એ પણ ખરી કે તેના ટાઇટલ ગીતમાં શાહરૂખ, આમિર, અક્ષય, સૈફ, રણબીર કપૂર, અનિલ કપૂર, શાહીદ કપૂર, ઇમરાન ખાન રણવીરસિંગ જેવા અભિનેતાઓ અને માધુરી, જુહી, શ્રીદેવી, રાની, પ્રિયંકા, કરિના, વિદ્યા, દીપિકા, સોનમ જેવી અભિનેત્રીઓ એક સાથે દેખાયાં! એ બધાં ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની અદામાં “અપના સિનેમા...” એમ ગાય એ ફિલ્મનું ગ્લેમર વધારનારી વર્ષો પુરાણી ફોર્મ્યુલાનું આવકારદાયક પુનરાવર્તન હતું. છતાં...


હા, છતાંય એક સવાલ ઉભો રહે કે શું માત્ર એક્ટર જ સિનેમા છે? એ સાચું છે કે ‘બૉમ્બે ટૉકિઝ’ એ ૧૦૦ વરસ નિમિત્તેની કોઇ ડોક્યુમેન્ટરી નહતી. આ એક ઓછા બજેટમાં બનેલી કોમર્શિયલ ફિલ્મ હતી અને તેને હિટ બનાવવા માટે આવશ્યક તમામ મસાલા તેમાં નાખવા જોઇએ. પરંતુ, દરેક સ્ટારની સાથે દિગ્દર્શનના, સંગીતના, ગાયકીના, ગીતલેખનના કલાકારોને પણ કોઇક રીતે હાઇલાઇટ કર્યા હોત (બૅક ગ્રાઉન્ડમાં એ સૌના ફોટા જ લગાવાયા હોત)  તો માત્ર સ્ક્રિન પર દેખાતા એક્ટર્સ જ નહીં પણ તેમને ચમકાવનારા કસબીઓને પણ યોગ્ય ક્રેડિટ એટલીસ્ટ ૧૦૦મા વર્ષે તો મળી હોત!

અને ભલે એ ડોક્યુમેન્ટ્રી નહતી. પણ શતાબ્દિ વરસના નામે જ પબ્લિસિટી કરાઇ હતીને? ઑડિયન્સને તો ઇન્ડસ્ટ્રીને સો વરસ થયાની ઇમોશનલ અપીલ પર જ થિયેટરમાં બોલાવ્યું હતુંને? તો પછી દરેક સ્ટાર પાસે જે “ઓલે ઓલે” કે “દેશી ગર્લ” કરાવવું હોય તે કરાવ્યા છતાં,  બેકગ્રાઉન્ડમાં અજાણ્યા ડાન્સર્સની જગ્યાએ મેહબૂબખાન, રાજકપૂર, વ્હી. શાંતારામ, બી.આર. ચોપ્રા, ઋષિકેશ મુકરજી જેવા દિગ્દર્શકોના ફોટાઓ મૂકી શકાયા હોત. એ જ રીતે શંકર-જયકિશન, આર.ડી. બર્મન, લક્ષ્મી-પ્યારે થી ઠેઠ એ. આર. રેહમાન સુધીના સંગીતકારોની કે લતા-રફી-કિશોર-મુકેશની તસ્વીરો મૂકાય, એમ ગીતકારો, કેમેરામેન, એડીટર્સ, કોરિયોગ્રાફર્સ, સાઉન્ડ રેકોર્ડિસ્ટ્સ એમ દરેક વિભાગના મહારથીઓને ફક્ત છબીઓના એક કોલાજથી આવરી લેવાયા હોત તો એ ‘અપના સિનેમા’ને સાચી અંજલિ ના થઇ હોત? (આ તો એક વાત થાય છે.)


‘અપના સિનેમા’ની પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચન્દ્ર’ ત્રીજી મે ૧૯૧૩ના દિવસે રજૂ થઇ, તેના બરાબર ૧૦૦ વરસે ૨૦૧૩ની એ જ તારીખે એક ડોક્યુમેન્ટ્રી ‘સેલ્યુલોઇડ મૅન’  (કચકડાના માનવી?) પણ આવી એ કેટલાના ધ્યાનમાં આવ્યું હશે? એવું પણ નહતું કે તેમાં કોઇ સ્ટાર નહતા. તેમાં નસીરુદ્દીન શાહથી જયા ભાદુરી (બચ્ચન) અને ગુલઝાર સરખા ઘણા ગુણી કલાકારોના ઇન્ટર્વ્યૂ છે. એ બધાય વાત કરે છે પી.કે.નાયર નામના આપણા એક કર્મઠ ‘સંઘરાખોર’ની! “નાયર સાહેબ”ના હુલામણા નામે ઓળખાતા એ પડદા પાછળના મહેનતકશ ઇન્સાનનું યોગદાન એટલું તો જબરદસ્ત છે કે અમારું ચાલે તો ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ તેમને પણ આપીએ! 
 

આ નાયર સાહેબ પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યુટમાં આવેલા ‘નેશનલ ફિલ્મ આર્કાઇવ ઓફ ઇન્ડિયા’ના વરસો સુધી ડાયરેક્ટર હતા. એ સંગ્રહાલય સિનેમાપ્રેમીઓ માટે તીર્થસ્થાન સમાન છે અને તેમાં બાર હજાર જેટલી ફિલ્મો તેમના સમય દરમિયાન ભેગી કરાઇ.  તેમાંની ૮૦૦૦ ભારતીય અને ૪૦૦૦ વિદેશી હતી. ‘પરિન્દા’ અને ‘૧૯૪૨ અ લવસ્ટોરી’ જેવાં ચિત્રોના સર્જક વિધુ વિનોદ ચોપ્રા તો કહે છે કે નાયર સાહેબને લીધે જ એ એવા નિર્દેશક બની શક્યા  જેવા એ બન્યા છે. જે ફિલ્મની રજુઆતનાં ૧૦૦ વરસ મનાવાય છે તે ‘રાજા હરિશ્ચન્દ્ર’ની પ્રિન્ટ પણ આર્કાઇવ માટે નાયર સાહેબના પ્રયત્નોથી મેળવી શકાઇ હતી! નાયર સાહેબની કેવી કપરી કસોટી થઇ હશે એ કલ્પી શકાય એમ છે. કારણ કે ઇતિહાસને સાચવવા મથતા આપણા હરીશ રઘુવંશી જેવાની તકલીફો અમે નજરે નિહાળી છે. હરીશભાઇએ ગુજરાતી ફિલ્મોના સંગીતના ઇતિહાસને એકત્ર કરતી વખતે એક એક બુકલેટ માટે કરેલા પ્રયત્નો કાચાપોચાને કામ પડતું મૂકાવી દે. એવું જ કાનપુરના હરમિન્દરસિંગ ‘હમરાઝ’નું યોગદાન કહી શકાય. ૧૯૩૧થી શરૂ કરીને દર દસ વરસની રિલીઝ થયેલી તમામ ફિલ્મોનાં તમામ ગાયનોની યાદી, બુકલેટોના આધારે એકત્ર કરવી એ કેવું ભગીરથ કાર્ય કહેવાય? તે પણ ઇન્ટર્નેટ તો દૂરની વાત છે, કોમ્પ્યુટર પણ ના હોય એવા જમાનામાં? હૅટ્સ ઓફ્ફ! 

હરમિન્દરસિંગ ‘હમરાઝ’ સાથે આ બ્લૉગના લેખક
  ૧૯૧થી ૧૯૪૦, ૧૯૪૧ી ૧૯૫૦, ૧૯૫૧થી ૧૯૬૦, એમ દાયકાવાર ‘હિન્દી ફિલ્મી ગીતકોશ’ની  જબરદસ્ત શ્રેણી ૪૦ વરસ પહેલાં આપનાર ઇતિહાસકાર હરમિન્દરજીના યોગદાનની કદર ૧૦૦મા વરસે તો થવી જ જોઇતી હતી. તેમનું મહાકાર્ય?  દર સાલ  રિલીઝ થયેલી દરેક ફિલ્મનાં ગીતોની પ્રથમ પંક્તિઓ અને સાથે રેકોર્ડ નંબર, નિર્માતા નિર્દેશકથી માંડીને પ્રત્યેક ગીતના ગીતકાર, ગાયક વગેરેની માહિતી એકત્ર કરીને ગ્રંથ સ્વરૂપે આપવી! આજે ઇન્ટર્નેટ પર જૂના સંગીતની જે વિગતો લોકો મૂકે છે, તેના મૂળમાં ‘હમરાઝ’ની મહેનત હોય છે. પણ કૅશ તો ઠીક ક્રેડીટ પણ ક્યાં નસીબ હોય છે આપણે ત્યાં સંશોધકોને?  અને આ બધું જ સ્ટેટ બૅંક ઓફ ઇન્ડિયાની નોકરી કરતે કરતે કરે એ માણસના સિનેમા પ્રત્યેના અખૂટ પ્રેમને શું કહેવું? 
એ જ વાત હરીશ રઘુવંશીને લાગુ પડે. સુરતમાં બેસીને તેમણે જે ધૂણી ધખાવી છે, હિન્દી ફિલ્મ સંગીતના રિસર્ચ અને ઇતિહાસની, તેની જોડ ક્યાંય મળે એમ છે? હિન્દી ફિલ્મોના તમામ સંગીતકારોના ઇતિહાસનો એક મહાપ્રોજેક્ટ એ કેટલાં વર્ષોથી કરી રહ્યા છે અને છતાંય વિગતોની ચોક્સાઇ ના થાય ત્યાં સુધી કશું પ્રિન્ટમાં ના જાય તેની કેવી ચીવટ! વિલંબ થતો  હોય તો ભલે થાય.... ભવિષ્યની પેઢીને  ઇતિહાસની કોઇ વિગત ખોટી ના જાય તે માટે  તનતોડ પ્રયત્ન કરવામાં જરાય કસર નહીં રાખવાની! ૧૦૦ વરસની ઉજવણીમાં આવા ખંતીલા સંશોધકોને સેંકડો નહીં હજારો નહીં .... મિલીયન્સ ઓફ થેન્ક યુ  કહેવાનું કદાચ ફિલ્મ ઉદ્યોગ ચૂકી ગયો તેની પીડા આજે શૅર કરી રહ્યો છું.... આ આર્ટિકલેતર કોમેન્ટ દ્વારા.

આજે તો બધી ફિલ્મો ડિજીટલ સ્વરૂપે સંગ્રાહાઇ હશે. પરંતુ, ‘અછૂત કન્યા’ હોય કે ‘લાઇટ ઓફ એશિયા’, બરૂઆની ‘દેવદાસ’ કે પછી ‘ન્યૂ થિયેટર્સ’ અને ‘બોમ્બે ટોકિઝ’ જેવાં નિર્માણ ગૃહોની અત્યંત જૂની ક્લાસિક દુર્લભ ફિલ્મોની પ્રિન્ટો હોય; એ તમામને ‘નાયર સર’ અભ્યાસીઓ માટે લઇ આવ્યા. વિદેશી સર્જકો પછી એ કુરોસવા હોય કે ફેલિની કે બર્ગમેન હોય અને ફિલ્મ પોલેન્ડની હોય કે રશિયાની હોય પૂનાના આર્કાઇવ માટે નાયર સાહેબે આકાશ પાતાળ એક કરીને પણ એ મેળવી જ હોય. 
’૭૦ના દાયકામાં જ્યારે સમાંતર સિનેમાની ચળવળ ચાલી, ત્યારે દેશભરમાં ફિલ્મ સોસાયટીઓ બની હતી. (આ લખનાર પણ એવી એક સોસાયટીના કાયમી સભ્ય હતા.) એ સોસાયટીઓમાં રસિકજનો સત્યજીત રે, મૃણાલ સેન, રિત્વીક ઘટક જેવાની બંગાળી ફિલ્મો, અદૂર ગોપાલ ક્રિશ્નનનની મલયાલમ કૃતિ કે બી.વી કારંથ અને ગિરીશ કસરવલ્લીનાં કન્નડ ચિત્ર તે દિવસોમાં જોઇ શક્યા હોય (અને લગભગ દરેક ફિલ્મ પત્યા પછી દર્શકો ફિલ્મનાં વિવિધ પાસાં પર અર્થસભર ચર્ચાઓ કરી શક્યા હોય) તો આભાર નાયર સાહેબે ઉભા કરેલા સંગ્રહમાંથી પૂરી પડાયેલી ફિલ્મોનો! એ સચવાયેલી ધરોહરમાંથી શીખેલા સૌએ ફોર્મ્યુલાથી હટીને પિક્ચર્સ બનાવવાની જ્યોત જલતી રાખી, તો આજે અનુરાગ કશ્યપ સુધીના હટકે નિર્દેશકો મળતા રહે છે. હવે ૨૦૧૩માં મલ્ટિપ્લેક્સ અને તેમાંનાં નાનાં પ્રેક્ષકગૃહોએ જે ક્રાંતિ ભારતીય સિનેમામાં આણી છે, તેનાં મૂળ ત્રીસ વરસ સુધીના પી.કે.નાયરના અવિરત પ્રયાસોમાં છે. સિનેમાની ઝળહળ ઇમારતની શતાબ્દિ નિમિત્તે તેના ઇતિહાસના નાયર સાહેબ જેવા પાયાના પથ્થરોને પણ અત્યંત ભાવપૂર્વક યાદ કરીએ તો લાગે  સાચ્ચે જ ‘અપના સિનેમા’

તિખારો!

કેટલાક પત્રકાર મિત્રો  અતિઉત્સાહમાં ૨૦૧૩ને ‘હિન્દી સિનેમા’ (બોલીવુડ)નું ૧૦૦મું વરસ લખતા હોય છે. હકીકતમાં ૧૯૧૩ની ત્રીજી મેએ રજૂ થયેલી ‘રાજા હરિશ્ચન્દ્ર’ (કોઇપણ ભાષા વગરની) એક મૂંગી ફિલ્મ હતી... બોલો!!


Saturday, May 11, 2013

ફિલમની ચિલમ - મુંબઇ સમાચાર- ૧૨ મે, ૨૦૧૩




‘શોલે’માં “ચલ ધન્નો...” પાછળની કરુણ કથા!


ધર્મેન્દ્રને ત્યાં જાણે કે લગ્ન હોય એવો માહૌલ તે સમારંભમાં હતો. પ્રસંગ હતો ‘યમલા પગલા દીવાના-ટુ’ના મ્યુઝિકને આ સપ્તાહે બજારમાં મૂકવાનો અને જ્યોતિષની ભાષામાં કહીએ તો જેમની કદીક જ યુતિ થતી હોય એવા શાહરૂખખાન અને આમીરખાન સરખા સ્ટાર્સ એક જ ઘરમાં (હૉલમાં) એક સાથે ઉપસ્થિત હતા. તો રિતિક રોશન અને અક્ષય કુમાર પણ હાજર હતા. સની અને બૉબી દેઓલ તો ખરા જ! પરંતુ, ગુસપુસ ચર્ચા એ જરૂર હતી કે ‘પરિવાર’ના આ મેળાવડામાં હેમા માલિની કે એશા દેઓલ વગેરે પૈકીનું કોઇ દેખાતું નહતું.

જો કે દેઓલ કુટુંબને ન્યાય કરવા એ પણ કહેવું જોઇએ કે માત્ર પુરૂષો માટેની હોય એવી લાગતી એ મહેફિલમાં સની કે બોબી કોઇની પત્ની પણ હાજર નહતી. માત્ર જુહી ચાવલા, કિરણ જુનેજા અને દિવ્યા દત્તા જેવી ગણત્રીની જ જાણીતી મહિલાઓ નજરે પડતી હતી. બાકી સુભાષ ઘઇ, રમેશ સિપ્પી, અબ્બાસ મસ્તાન, રાજકુમાર સંતોષી, રાકેશ રોશન, ચંકી પાન્ડે, રીતેશ દેશમુખ, જહોની લીવર, કુણાલ કોહલી, અનિલ શર્મા, અનુપમ ખેર એમ જાણીતા પુરુષોની હારમાળાની હતી. ગમ્મત એ હતી કે રિતિક, શાહરૂખ તથા આમિર જેવા (એ ક્રમમાં!) ડાન્સના માહિર કલાકારો પણ ‘ધરમ સ્ટાઇલ’માં નાચ્યા અને ધર્મેન્દ્રએ પોતાને ઇન્ડસ્ટ્રીનો ‘નંબર વન ડાન્સર’ કહીને મઝા કરાવી! 


ધર્મેન્દ્ર જો કે એ સમયમાં ચમકેલા સ્ટાર હતા, જ્યારે નાચવું એ મુખ્યત્વે અભિનેત્રીઓનું ક્ષેત્ર હતું. હીરોઇનોને નૃત્ય કરાવતા ડાન્સ માસ્ટર્સ પણ સ્ત્રૈણ ચેનચાળા કરતા લાગતા. (યાદ કરો મહેમૂદની ‘પડોસન’માંની પેરોડી!) તેથી ડાન્સ એ મર્દાના કળા નહતી ગણાતી. ઇવન છેલ્લી એકાદ-બે રીલમાં કરવાની આવતી ફાઇટ માટે પણ હીરોલોગ ડુપ્લીકેટનો ઉપયોગ કરાવતા. આજે તો ડાન્સ હોય કે ફાઇટ આપણા મોટાભાગના સ્ટાર્સ તેમાં નિપુણ છે અને દરેક ફિલ્મમાં બન્ને કળા માટે હીરો કે હીરોઇન સાથે ડઝનબંધ ફાઇટર્સ અને ડાન્સર્સ પણ આગળ - પાછળ આવશ્યક હોય છે. તેને કારણે ડાન્સ અને ફાઇટ બન્નેમાં વેરાઇટી તો આવી જ છે, પણ સલમાનખાનની આવી રહેલી ફિલ્મ ‘મેન્ટલ’ને પડી એવી મુશ્કેલી પણ થઇ શકે છે.

‘મેન્ટલ’ના શુટીંગ વખતે કેટલા ફાઇટર્સ ક્યાંના હોય એ મુદ્દે વિવાદ થતાં વાત ગુંચવાઇ હતી. જ્યાં શુટીંગ કરવાનું હોય ત્યાંના ૭૦ ટકા ફાઇટર્સને લેવાના એસોસીએશનના નિયમના અર્થઘટનને કારણે અંટસ એવી પડી કે કામ વિલંબમાં પડ્યું. જો કે સાથે સાથે એ પણ કહેવું જોઇએ કે સંગઠનને કારણે જ આજે એક સ્ટંટમેનને ૩૫૦૦થી ૮૦૦૦ રૂપિયાનો રોજ મળે છે. ઇજા થાય તો સાજા થતાં સુધી મેડિકલ ખર્ચા ઉપરાંત દર મહિને પચીસ હજાર રૂપિયા જેવી રકમ નિર્માતાએ આપવી પડે વગેરે જોગવાઇઓ થઇ છે. એ સંગઠન અને સંપના તણખા ‘શોલે’માં પણ ઉડ્યા હતા.

‘શોલે’માં હેમા માલિનીને બદલે ‘બસંતી’ બનતી સ્ટંટ વુમન ‘રેશમા’ને ટાંગો ભગાવવાનો હતો. હેમાજીએ તો ફકત “ચલ ધન્નો... આજ તેરી બસંતી કી ઇજ્જત કા સવાલ હૈ...” જેવા ડાયલોગ બોલવાના હતા અને સામ્તાપ્રસાદના તબલાંની ધડબડાટી સાથે ધમધમાટ દોડતી ઘોડાગાડી ઉપર પ્રેક્ષકોની તાળીઓ મેળવવાની હતી. એ શુટીંગ દરમિયાન ડાકુઓના ઘોડાઓથી વધારે સ્પીડમાં પોતાની ‘ધન્નો’ને દોડાવતી ટાંગેવાલી ‘રેશમા’ને લઇને ઉછળતી-કૂદતી આખી ઘોડાગાડી એક તબક્કે સાચ્ચે જ ઉંધી પડી ગઇ! અકસ્માત ભારે હતો. પછડાયેલી રેશમા બેભાન થઇ ગઇ હતી. પરંતુ, ત્યારે પણ ફાઇટ માસ્ટર મહંમદ હુસૈને શુટીંગ ચાલુ રાખવાનો હુકમ કર્યો. શુટીંગમાં હાજર એવા અન્ય માસ્ટર અઝીમભાઇએ કહ્યું કે “લડકી બેહોશ હૈ”. ત્યારે હુસૈને શું કહ્યું? “બેહોશ હી હુઇ હૈ, મરી તો નહીં હૈ”!

આટલી ક્રુર અને અભદ્ર કોમેન્ટ સાંભળીને બધા જ સ્ટંટમેન અડી ગયા. સંપથી જાહેર કર્યું કે કામ આગળ નહીં ચાલે. છેવટે રમેશ સિપ્પીએ મહંમદ હુસૈનને ફિલ્મમાંથી છુટા કરી દેવા પડ્યા હતા. સ્ટંટમેનની જિંદગીમાં એક સમયે જે સંઘર્ષ હતા, તે જોઇને જ રોહિત શેટ્ટી દિગ્દર્શક થયાને? રોહિતના પપ્પા ફાઇટ માસ્ટર શેટ્ટી તેમની વિશાળ અલમસ્ત બોડી અને માથે સફાચટ તાલકા સાથે એવા તો જાણીતા હતા કે લોટ્ટી કરાવેલા કોઇને પણ લોકો ‘શેટ્ટી’ કહેતા. પણ તેમના જીવનનો સંઘર્ષ જાણતા રોહિત પિતાના પગલે ના ચાલ્યા. તો આજે કરોડો કમાતા નિર્દેશક છે. એવું જ નીલ નીતિન માટે પણ કહી શકાયને?


નીલ પણ જો પિતા નીતિન અને દાદા મુકેશજીની માફક ગાયક બન્યો હોત તો? આજે ડઝનબંધ સિંગર્સ વચ્ચે કામ માટે કેવાંય વલખાં મારતો હોત. તેને બદલે હીરો તરીકે એ પણ કરોડની રેન્જમાં છે. એ જ વાત રિતિક અને રાકેશ રોશનને પણ લાગુ પડે. એ બન્નેએ પણ દાદા રોશનની માફક મ્યુઝિકમાં આગળ વધવાને બદલે અભિનયમાં જવાનું પસંદ કર્યું તો આજે ટોપ ડાયરેક્ટર અને સ્ટાર તરીકે ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત છે. આ સંદર્ભે હમણાં સૈફ અલી ખાને પણ ખુલાસો કર્યો છે કે તેની પાસે પિતાની જેમ ક્રિકેટર બનવાના અને માતાની માફક અભિનયમાં જવાના એમ બે વિકલ્પ હતા. પણ તેને સિનેમામાં આવ્યાનો કોઇ અફસોસ નથી. સાચું જ છેને? ક્રિકેટમાં હોત તો આજે એ ૪૨ વરસની ઉંમરે તો રિટાયર થઇને હર્ષા ભોગલે જેવા કોઇકની સાથે એક્સપર્ટ કોમેન્ટ કરવા માગતો હોત તો ત્યાં પણ સિદ્ધુ સાથે લાઇનમાં બેઠો હોત! જ્યારે એક્ટર તરીકે તો ૧૦૦ કરોડના બિઝનેસ સાથે આ ઉંમરે તેની કરિયર નિખરી રહી છે. (અને હા, કરિના કપૂર સાથે લગ્નનો જોગ થાત ખરો?!)


 તિખારો!

એકતા કપૂરને ત્યાં ઇન્કમટેક્સના દરોડાને પગલે આવેલાં કાર્ટૂનોમાં તેના ભાઇ તુષારને સૌએ સપાટામાં લીધો. એવા એકમાં નોટોના ઢગલા સામે ઉભેલા ઇન્કમટેક્સના અધિકારી એકતાને કહે છે કે “આ બધ્ધું જ છોડી દઉં જો તમે અમને તુષારથી છોડાવો તો!!”   

Saturday, May 4, 2013

ફિલમની ચિલમ -મુંબઇ સમાચાર- ૦૫ મે, ૨૦૧૩



શું એ ફિલ્મ ઉદ્યોગ માટેની ‘રીમેઇક’ હશે?





હવે ફિલ્મ ઉદ્યોગની નજર ૧૬મી મે તરફ રહેશે. ના, એ ગુરૂવારે કોઇ મોટી ફિલ્મના પ્રિમીયરની વાટ નથી જોવાની... ઇન્ડસ્ટ્રીના કરોડો રૂપિયાની વાટ લગાડતા ચુકાદામાં કોઇ ફેરફાર થાય છે કે નહીં તેનો નિર્ણય તે દિવસ સુધીમાં આવી જશે. કેમકે સંજય દત્તે પોતાની સાડા ત્રણ વર્ષની જેલની સજા ભોગવવા હાજર થવાનું છે! છેલ્લી ઘડીએ કશોક બચાવ થાય તો અલગ વાત છે અને આજકાલ ચમત્કારો પણ જરૂર થતા હોય છે. પરંતુ, મોટા મોટા પ્રશ્નોમાં ગુંચવાયેલા રાજકર્તાઓને સંજુબાબાની દયાની અરજીની તરફેણમાં નિર્ણય લેવાનું અત્યારે કદાચ પોસાય એમ પણ નથી.
 
સંજય દત્તને સુપ્રિમ કોર્ટે ચાર સપ્તાહનો જે સમય આપ્યો છે, તેમાં કેટલી ફિલ્મોનું કામ પતે છે એ તરફ પણ બધાની નજર રહેવાની. એ કરવામાં કેલેન્ડર નહીં પણ ઘડિયાળ સાથેની રેસ છે. તે માટે ડબીંગ મોબાઇલ વાનમાં કરવાની પણ તૈયારી રખાઇ છે. એટલે કે એક શુટિંગના એક સ્થળથી બીજા સુધી પહોંચવાના રસ્તામાં મળતા સમયનો પણ પૂરેપૂરો કસ કાઢવાનો છે. તે પૈકી ‘જંજીર’ની નવી આવૃત્તિમાં એ પ્રાણવાળી ‘શેરખાન’ની ભૂમિકા કરે છે. તે લગભગ પૂરી થવા આવેલી હોઇ તેનું શુટિંગ-ડબીંગ પતાવી દેવાશે એમ લાગે છે. બીજી ફિલ્મો ‘ઉંગલી’, ‘પી કે’, ‘પોલીસગીરી’ અને ‘શેર’માં પણ થોડાક દિવસનું કામ બાકી હોઇ તે પણ એડજ્સ્ટ થઇ જાય એવા ચાન્સ છે. પરંતુ, ‘વસુલી’, ‘ટક્કર’ કે ‘મુન્નાભાઇ...’ની સિરીઝની ત્રીજી ફિલ્મના નિર્માતાઓએ તો કાં તો રાહ જોવાની થશે અથવા તો સંજયદત્તની જગ્યાએ અન્ય હીરોને લેવા પડશે અને એ કોઇ પહેલીવારની ઘટના નહીં હોય.

આ અગાઉ સંજય દત્તના જેલવાસ વખતે પણ ‘ત્રિમૂર્તિ’માં તેના સ્થાને અનિલકપૂરને લેતાં સુભાષ ઘઇ ક્યાં ખચકાયા હતા? સવાલ એક જ છે, એવું રિપ્લેસમેન્ટ  ‘મુન્નાભાઇ...’નું થઇ શકશે? કે પછી વિધુ વિનોદ ચોપ્રા સંજયદત્ત માટે એ પ્રોજેક્ટને સાડા ત્રણ વરસ ઉભો રાખશે? ઘણા ગમ્મતમાં કહેતા હોય છે કે ‘મુન્નાભાઇ...’ની ‘ગાંધીગીરી’વાળી વાર્તાને આગળ ચલાવવાની હોય, તો સંજયદત્તની જગ્યાએ સલમાનખાનને લેવો જોઇએ.... માત્ર વાર્તામાં હીરોને ગાંધીજીની નકલ કરીને પોતડીભેર ફરતો બતાવવાનો રહે!

આ વખતે ‘મુન્નાભાઇ’નું દિગ્દર્શન જેમને સોંપાયું છે, તે સુભાષ કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ‘જોલી એલ.એલ.બી.’એ સારો ધંધો આપ્યો છે અને એવી જ આશા મહેશ ભટ્ટના કેમ્પની તાજી આવેલી ‘આશિકી-ટુ’ માટે છે. તેમાં હીરોઇન બનેલી શ્રદ્ધા કપૂર એ “આ..ઉ” વિલન શક્તિ કપૂરની દીકરી અને પદ્મિની કોલ્હાપુરે તેની માસી હોઇ ફિલ્મી પરિવારોમાંથી આવતાં સ્ટાર કિડ્સમાં એકનો વધારો થાય છે. 




આમ તો શ્રદ્ધાએ અગાઉ ‘તીન પત્તી’ અને ‘લવ કા ધી એન્ડ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હોઇ સાવ નવી તો ના કહેવાય. પણ તેનામાં શ્રદ્ધા બેસે એવી ફિલ્મ આ સાબિત થશે એમ વર્તારા છે. રિલીઝ થયેલી ફિલ્મોમાં ગયા સપ્તાહે આવેલી ‘એક થી ડાયન’ અત્યારે ઇન્કમટેક્સની રેઇડને કારણે વધારે ચર્ચામાં છે અને ફિલ્મો સાથે સંકળાયેલા જૂના જોગીઓને એ સમય યાદ આવી ગયો, જ્યારે એવું ઘણીવાર બનતું કે નવું પિક્ચર આવે તે જ દિવસોમાં ફિલ્મના પ્રોડ્યુસર, તેના સ્ટાર્સ તથા ફાયનાસર્સને ત્યાં દરોડા પડતા. તેનું કારણ પણ હતું.

તે દિવસોમાં ફિલ્મોનો નાણાંકીય વ્યવહાર ઉપલક વધારે ચાલતો. તે પૈકીની ઘણી બધી લેવડ-દેવડ રિલીઝના દિવસોમાં થતી, જ્યારે દેશભરમાંથી ‘એમ.જી.’ (મિનિમમ ગેરન્ટી)થી માંડીને જે તે વિસ્તારના ડીસ્ટ્રીબ્યુટર્સના રૂપિયા નિર્માતાની ઓફિસમાં ઠલવાતા. એ બધી કૅશ ઠેકાણે પાડવાના દિવસોમાં જ ઇન્કમટેક્સના ઓફિસર્સ ફિલ્મ સાથે સંકળાયેલા બધાને ત્યાં પહોંચી જતા. તેથી જે રીતે ૧૦૦ જેટલા સ્ટાફ સાથે ‘એક થી ડાયન’ રજૂ થયાના દિવસોમાં જ એકતા કપૂર, જીતેન્દ્ર, તુષાર વગેરેને ત્યાં આવકવેરા ખાતું ત્રાટક્યું, તેનાથી બિઝનેસ સર્કલમાં સન્નાટો છે. 

બિઝનેસમાં જો કે અત્યારે તો કોર્પોરેટ હાઉસીસ અને મોટા મોટા સ્ટુડિયો આવી ગયા છે અને તેમનાં પેમેન્ટ ચૅકથી થતાં હોઇ ટેક્સની ચોરીની શક્યતાઓ ઘટી ગઇ છે. વળી, મોટાભાગનો ધંધો મલ્ટિપ્લેક્સમાંથી અને વિદેશી માર્કેટમાંથી આવતો હોઇ, કોમ્પ્યુટર દ્વારા થનારા વહીવટમાં મોટી ઘાલમેલ થવાના ચાન્સ પણ સાવ ઓછા. સ્ટાર્સના કરોડોના કોન્ટ્રાક્ટ પણ હવે જગજાહેર હોય છે. ફિલ્મોની આવકના આંકડા પણ ૫૦ કે ૧૦૦ કરોડને આંબ્યાના સમાચાર ગર્વભેર અપાય છે. તેથી આવકવેરા ખાતું પણ દર સાલ સૌથી વધુ ટેક્સ ભરનાર સ્ટાર્સનાં નામ જાહેર કરીને પ્રોત્સાહન પણ આપતું રહ્યું છે. 




કોઇ જમાનામાં કિશોર કુમાર જેવા ગાતા એ ગાયન ‘પીછે પડ ગયા ઇન્કમટેક્સમ’, તો કોઇ ‘આર.જે’ને પાછલી રાતના ‘પુરાની જિન્સ’ જેવા કાર્યક્રમમાં પણ વગાડવાનું યાદ ના આવે, એટલી હદે સૌ નિશ્ચિન્ત હતા. ત્યાં સડન્લી યે ક્યા હો ગયા? બાકી હતો એક જમાનો જ્યારે વરસમાં બે ત્રણ વખત ઇન્કમટેક્સ ફિલ્મી હસ્તિઓને ત્યાં મહેમાન થતી અને ત્યારે સાજન - મહાજન જે ઝપટે ચઢ્યું હોય તેમને ત્યાંથી રાષ્ટ્રની ઉન્નતિ માટે ફુલ નહીં તો ફુલની પાંખડી અને ક્યારેક તો આખે આખો ગુલદસ્તો લઇ આવતા. એવા એક કિસ્સામાં એક ટૉપની અભિનેત્રીના બાથરૂમની આર્ટિફિશ્યલ છત તોડી ત્યારે તે  ટૉપમાંથી (માથેથી) ‘ધડ ધડ’ કરતી રૂપિયા સાઇઠ લાખની થોકડીઓ પડી હતી! (એ તો ‘ગુલદસ્તો’ નહીં બાગ કહેવાય!) તે સમાચાર કેટલાય દિવસ સુધી ચર્ચાના અને હાસ્યલેખના વિષય રહ્યા હતા. વિચાર કરો કે ચાલીસ વરસ પહેલાંના ૬૦ લાખ એટલે આજના કેટલા રૂપિયા? એ હિસાબ ગણતા ગણતા યાદ કરી શકશો એ હીરોઇનનું નામ? ( અને હા, ‘જંજીર’, ‘ડોન’, ‘અગ્નિપથ’ એમ જૂની ફિલ્મો ફરી બનાવતા ફિલ્મ ઉદ્યોગ માટે એકતાકપૂર આણિ ફેમિલીને ત્યાંના દરોડાને શું કહીશું?...ઇન્કમટેક્સ રેઇડની રિમેઇક?!)

 તિખારો!
‘મર્ડર-ટુ’, ‘જિસ્મ-ટુ’, ‘રાઝ-ટુ’ અને હવે ‘આશિકી-ટુ’ એવી સિક્વલ્સ આપનાર મહેશ ભટ્ટ કેમ્પનું પ્રિય ગાયન કયું હોઇ શકે? “ ટુ... મેરી જિન્દગી હૈ,... ટુઉઉઉ.. મેરી હર ખુશી હૈ!!”