Sunday, February 23, 2014

ફિલમની ચિલમ .... ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૪
ગૅંગ વૉર ? માધુરીની ‘ગુલાબ ગેંગ’ પહેલાં આવી ‘ગુલાબી ગેંગ’!
 


‘વેલેન્ટાઇન્સ ડે’ના દિવસે કોઇ રોમેન્ટિક ટાઇટલવાળી ફિલ્મ નહીં પણ ‘ગુન્ડે’ રિલીઝ થાય એને બદલાતા સમયની તાસીર જ કહીશુંને? તેમાં પ્રિયંકા ચોપ્રા, રણવીરસિંગ અને અર્જુનકપૂર જેવા સ્ટાર્સ હોય એટલે પબ્લિસિટી ભારે ધામધૂમથી અને ઘરાકી પણ ધૂમ થવાની ગેરંટી હતી. તેને લીધે આગલા વીકની ‘હસી તો ફસી’ જેવી ફિલ્મ ફસાઇ જવાની શક્યતા હતી. છતાં ઑડિયન્સની પારખુ નજરને સલામ કે પરિણિતિ ચોપ્રાના ધરખમ અભિનયવાળી ફિલ્મ ‘હસી તો ફસી’એ પોતાના પ્રથમ સપ્તાહના કલેક્શનની સરખામણીએ  ટિકિટબારી પર “ગુન્ડે’ સામે માફકસરની ઝીંક ઝીલી છે.  હવે ૨૧મીના શુક્રવારે આવનારી એક ડોક્યુમેન્ટ્રીને કારણે એક નવા વિવાદનો જન્મ થયો છે અને તેની અસર માધુરી દીક્ષિત અને જુહી ચાવલા જેવી એક સમયની બે ટૉપ સ્ટાર્સને લઈને આવી રહેલી ‘ગુલાબ ગેંગ’ પર પડી શકે છે.‘ગુલાબ ગેંગ’ વિષે એમ કહેવાતું હતું કે માધુરીની એ ફિલ્મની વાર્તા બુંદેલખંડની એક હિંમતવાન મહિલા સંપત પાલ દેવીની જીવનકથા અને કામગીરી પર આધારિત છે. સંપત પાલ દેવીની એ સંસ્થા(?) ‘ગુલાબી ગેંગ’ એવી છે, જેની મેમ્બર્સ ગુલાબી રંગનાં કપડાં પહેરે અને સમાજમાં સ્ત્રીઓ સાથે અત્યાચાર કે બદસલૂકી કરનારાઓને સમૂહમાં જઈને ઘેરાવ કરે, મેથીપાક ચખાડે અને જરૂરી હોય તો લાઠીથી મારીને પણ સીધા દોર કરે! હવે માધુરીની ફિલ્મ ‘ગુલાબ ગેંગ’ના પ્રમો જોનારને એ સંપતજીની ચળવળથી પ્રેરિત લાગ્યા વિના ના રહે. પરંતુ, પિક્ચરના સર્જકો તેને કાલ્પનિક વાર્તા કહીને અન્ય કોઇને તેની ક્રેડિટ આપવા માગતા નથી. ત્યારે સંપત પાલની એ ઑફબીટ કામગીરી પર એક દસ્તાવેજી ફિલ્મ ‘ગુલાબી ગેંગ’ ૨૦૧૨માં બની હતી. તે ડોક્યુમેન્ટ્રી માધુરીની ‘ગુલાબ ગેંગ’ ૭મી માર્ચે (વીમેન્સ ડે નિમિત્તે) આવે તે પહેલાં 
આ સપ્તાહે ૨૧મી ફેબ્રુઆરીએ રજૂ કરાઈ રહી છે!

આમ તો એક દસ્તાવેજી ચિત્ર મોટી સ્ટારકાસ્ટવાળી કોમર્શિયલ ફિલ્મનો મુકાબલો ના જ કરી શકે. પરંતુ, આખા મામલાને નવો મોડ ત્યારે મળ્યો, જ્યારે આમિરખાનનાં પત્ની કિરણ રાવ એ ડોક્યુમેન્ટ્રીને પ્રમોટ કરવા આગળ આવ્યાં. હવે એ આખો વિવાદ વધારે હાઇલાઇટ થવાનો. કિરણે ઑલરેડી એક પ્રેસ શો કર્યો છે. એટલું જ નહીં, કિરણે એ ડોક્યુમેન્ટ્રીને સપોર્ટ જાહેર કર્યો છે. હવે જો આખો ઝમેલો કોર્ટમાં જાય તો પણ ગુલાબી સાડી અને લાઠીધારી હીરોઇન જોઇને પ્રથમદર્શીય સરખાપણું લાગ્યા વિના ના રહે. છેલ્લી ઘડીએ કદાચ નામ બદલે અને ‘બ્લ્યુ ગેંગ’ (કે ‘જુલાબ ગેંગ’!) કરે તો પણ પિક્ચરમાં ગુલાબી સાડી પહેરેલી દેખાતી માધુરી અને સંખ્યાબંધ સ્ત્રીઓને કેવી રીતે બદલી શકે? સંપત પાલ દેવીએ અદાલતની ધમકી તો આપેલી જ છે. સંપતજી પોતાની ‘ગેંગ’ને દેશભરમાં હાઇલાઇટ કરવા ‘બીગ બૉસ-સિક્સ’માં પણ ગયાં હતાં, જેની ૭મી સિઝનની વિજેતા ગૌહરખાન બની હતી.

ગૌહરખાન માટે ‘બીગ બૉસ’ની એ સિઝનમાં પચાસ લાખ રૂપિયાના પ્રાઇઝ મની ઉપરાંત કુશલ ટંડન સાથેના સ્નેહબંધનની પણ કમાણી થઈ હતી અને તેથી એ બન્નેને એક અન્ય ટીવી શો ‘ફિયર ફેક્ટર’ માટે સિલેક્ટ થયાં હતાં. પરંતુ, ‘બીગ બૉસ’માં એજાઝ ખાનની એન્ટ્રી પછી ગૌહર, કુશલ અને એજાઝનો ત્રિકોણ થયો હતો અને તેમાં એક કરતાં વધુ વખત કદરૂપાં દ્રશ્યો (સાદી ભાષામાં કહીએ તો ‘અગ્લી સીન્સ’!) થયા હતા. શું એવા જ સીન હવે ‘ફિયર ફેક્ટર’ના સેટ પર સાઉથ આફ્રિકાના કૅપ ટાઉનમાં થશે? એવી ફિયર આ અઠવાડિયે શરૂ થઈ હતી. કેમ કે એ શોમાં હવે એજાઝ ખાન પણ સિલેક્ટ થયો છે. પરંતુ, તે દક્ષિણ આફ્રિકા પહોંચતાં જ કુશલ ટંડને એ શો છોડી દીધો છે! શું તેની પાછળ પાછળ એ ‘કપલ’નું બીજું પાત્ર ગૌહર પણ રોહિત શેટ્ટીના નિર્દેશનમાં બનતો આ શો છોડી દેશે?


ગૌહર અને કુશલની માફક છેલ્લા ઘણા વખતથી બિપાસા બાસુ અને હરમન બાવેજા પણ બિનસત્તાવાર રીતે ‘કપલ’ ગણાતાં. પરંતુ, આ અઠવાડિયે તેમને માટે એ શબ્દ ઓફિશ્યલ થઈ ગયો. કેમ કે બિપાસાએ જાહેર જનતા જોગ ટ્વીટેદન (અર્થાત ટ્વીટ કરીને નિવેદન!) કર્યું છે કે “યસ હરમન એન્ડ મી આર એ કપલ”. જો કે એમ ટહુકાર કરતા પહેલાં જે ‘બે-ત્રણ શબ્દો’ કહ્યા છે તેને માટે તો ‘બીપ બીપ હુર્રે’ કહી શકાય. બિપાસાએ ટ્વીટની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘સ્ટેટીંગ ધી ઓબ્વીયસ....’ એટલે કે જે બધા જાણે જ છે, તે કહું તો....! મતલબ કે હરમન સાથે પોતે લાંબા સમયથી સજોડે ફરતી હતી એ જગજાહેર હતું. આવી નિખાલસતા બિપાસા સિવાયની બીજી કઈ અભિનેત્રીએ બતાવી હશે? મોટાભાગના સ્ટાર્સ તો દુનિયા આખી જુએ એમ સજોડે જ ફરતા હોય અને છતાં કશું લખાય તો મિડીયાને ભાંડવાનું એમ કહીને કે ‘વી આર જસ્ટ ગુડ ફ્રેન્ડ્સ !


‘ગુડ ફ્રેન્ડ’ બનવાનાં કે તે પછી લગ્ન થવાના ચાન્સ અંદરોઅંદર કલાકારોમાં જ સૌથી વધારે હોયને? એટલે જ્યારે ‘ગ્રીક ગૉડ’ કહેવાતો રિતિક રોશન જેવો એક્ટર પત્નીથી અલગ થાય, ત્યારે એ સ્કાયલેબ ક્યાં પડશે તેની ચિંતા દરેક બોયફ્રેન્ડને રહે. રિતિક અને કટરિના હમણાં મનીલામાં ‘બેંગ બેંગ’નું એક શિડ્યુઅલ પતાવી આવ્યા પછી સ્કાયલેબની ચિંતા રણબીર કપૂરને કરવી પડશે એમ ફિલ્મી ખગોળશાસ્ત્રીઓએ ગોળો જરૂર ગબડાવ્યો છે! સોચો ઠાકુર!!

તિખારો!

સંસદમાં અન્ય સભ્યોની આંખમાં પૅપરસ્પ્રે  (મરચાંની ભુકી) છાંટીને ૧૩મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટમાં અંધાધૂંધી ફેલાવાઇ અને બીજા જ દિવસે  કોમેન્ટ આવી.... “દિલ્હીમાં ‘ગુન્ડે’ એક દિવસ વહેલી રિલીઝ થઈ હતી!!”
Sunday, February 16, 2014

ફિલમની ચિલમ .... ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૪કલાકારોના વિવાદ અને કૉફી વીથ ‘કારણ’!ફિલ્મ સ્ટાર્સ જે રીતે સામ સામા ટૉન્ટ મારી રહ્યા છે, એ જોતાં કરણ જોહરના ટીવી શોને કૉફી વીથ ‘કારણ’ કહેવો પડે! તેના ગયા વખતના એપિસોડમાં અનુષ્કા શર્માના હોઠના નવા લાગતા આકારને સોશ્યલ મિડીયામાં જે પ્રકારની ચર્ચા મળી તેનાથી અનુષ્કા શર્માએ બાકાયદા જાહેર સ્પષ્ટતા કરવી પડી. તેણે નિવેદન બહાર પાડીને કહેવું પડ્યું છે કે પોતે હોઠની કોઇ સર્જરી કરાવી નથી. તેણે ખાસ પ્રકારના મેકઅપનાં સાધનોનો ઉપયોગ કર્યો હોઇ અલગ દેખાતી હતી. 


કરણની કૉફીએ કરિનાને પણ વિવાદમાં રહેવા કારણ પૂરાં પાડ્યાં. પહેલું તો તેણે એ શોમાં સાથે બેઠેલા કઝિન રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ કટરિના ઉપર ચૂટકી લેતાં તેને ‘ભાભી’ કહીને ‘કૅટ’ના ગુસ્સાનું કારણ બની. વળી, એ જ શોમાં પોતાના એક્સ બોયફ્રેન્ડ શાહીદ કપૂરની અત્યારની ખાસ મિત્ર ગણાતી સોનાક્ષી સિન્હાએ શું બનવું જોઇએ? એવા સવાલના જવાબમાં કહ્યું કે ‘ગૃહિણી’ (હાઉસવાઇફ)! હવે આ પણ મોટા તોફાનનું કારણ બની શકે કે નહીં? કરિનાએ આડકતરી રીતે બન્નેને સપાટામાં લીધાં હતાં. એ કોમેન્ટનો એક અર્થ એ હતો કે સોનાક્ષીએ એક્ટિંગ મૂકીને હવે ઘર સંભાળવું જોઇએ! એ શૉટ સીધો શાહીદને પણ વાગતો હતો, જેની સાથે રિયલ લાઇફમાં સોનાક્ષી એ ભૂમિકા કરી શકે. પરંતુ, આવી મજેદાર કોમેન્ટને વધારે ના ઉકાળે તો કરણ શાના? તેમણે સોનાક્ષીને પણ કૉફી પીવા બોલાવી અને તેને કરિના માટે વૈકલ્પિક વ્યવસાય પૂછ્યો. ત્યારે શત્રુઘ્નસિન્હા જેવા વનલાઇનર ઉસ્તાદ પિતાની એ પુત્રીએ કહ્યું કે કરિનાએ ગૉસીપ કૉલમિસ્ટ બનવું જોઇએ!

સોનાક્ષીની છાપ ‘‘આ તડ ’ને ફડ”ની છે. તેથી જ એ સલમાન ખાન જેવા અત્યારના હૉટ હીરોની ફિલ્મ ‘કીક’ને કીક કરી શકે છે.... અને સલમાનના ભાઇ અરબાઝના પિક્ચર ‘ડૉલી કી ડોલી’ને પણ ઇનકાર કરી શકે છે. સરવાળે તો જેમ રાજકારણમાં એમ જ ગ્લેમરની દુનિયામાં પણ ન્યુઝ એટલે કોઇ બનાવ માત્ર નહીં, પણ ટીવી પર આવતી ‘બાઇટ’ પણ ફાઇટનું કારણ બને તે! ટેલીવિઝન પરની ૨૪ કલાકની ન્યુઝ ચેનલો પર સેલીબ્રીટીના બોલેલા શબ્દો જ ‘સમાચાર’ હોય છે ને? 

જેમ કે આમીરખાને ‘સાગર મુવીટોન’ એ બીરેન કોઠારી લિખિત પુસ્તકના લોકાર્પણ સમયે કહ્યું કે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં રસ છે અને એ પણ વાજબી રીતે જ ગયા સપ્તાહના એક ધ્યાન ખેંચનારા સમાચાર હતા. એ પુસ્તક ‘સાગર મુવીટોન’ એક એવી નિર્માણ સંસ્થાના ઇતિહાસની કહાણી છે કે જેણે ફિલ્મ ઉદ્યોગના સાવ શરૂઆતના દિવસોથી આ મિડીયમમાં પોતાનું જબરદસ્ત યોગદાન આપ્યું હતું. એક ગુજરાતી ચીમનલાલ દેસાઇના સાહસના ઇતિહાસનો રસપ્રદ આલેખ કરતું પુસ્તક ‘સાર્થક પ્રકાશન’ના અમારા ઘરના કહી શકાય એવા મિત્રો દ્વારા થાય એ વળી ઑર ગૌરવની વાત હતી. તે સમારંભમાં ફિલ્મ ઉદ્યોગની જાણીતી હસ્તિઓ અનિલ કપૂર, વિધુ વિનોદ ચોપ્રા, પ્રસૂન જોશી, રવીન્દ્ર જૈન વગેરે પણ હાજર રહ્યા હોય એ ગુજરાતી પ્રકાશન માટે પણ એક નોંધપાત્ર ઘટના કહી શકાય. આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડવા બદલ ‘સાર્થક’ના મિત્રો ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી અને દીપક સોલીયા તેમજ અપૂર્વ આશર તથા ચંદ્રશેખર વૈદ્ય એ સૌને ખાસ ખાસ અભિનંદન!  ક્યારેક સવાલ થાય કે આજના સિનેમા જગતના સંદર્ભ ઇતિહાસ માટે ભવિષ્યમાં ‘સાગર મુવીટોન’ જેવી કોઇ સૉલીડ માહિતી હશે કે પછી કલાકારો ક્સબીઓની બાઇટની જ લાઇટ હશે? 

 
‘સાર્થક પ્રકાશન’ પ્રકાશિત અને બીરેન કોઠારી લિખિત ઐતિહાસિક સંદર્ભગ્રંથ ‘સાગર મુવીટોન’ના લોકાર્પણ પ્રસંગે આમિરખાન સાથે સાગર મુવીટોન સંસ્થાના સુકેતુ દેસાઇ તથા રક્ષા દેસાઇ અને આલેખક બીરેન કોઠારી. પાછળ ઉભેલા મિત્રો  ચંદ્રશેખર વૈદ્ય,  દીપક સોલીયા, ધૈવત ત્રિવેદી, ઉર્વીશ કોઠારી અને અપૂર્વ આશર
    
બાઇટની રીતે ગયા સપ્તાહને ‘ખુલાસા વીક’ કહી શકાય. એક તરફ કરિના-સોનાક્ષીનો વિવાદ તો બીજી બાજુ પ્રીટિ ઝિન્ટાએ પણ જાહેર કરવું પડ્યું છે કે પોતાની પાસે પૂરતા પૈસા છે અને તેણે દેવાળું નથી કાઢ્યું! પ્રીટિને આજકાલ બાઉન્સ થયેલા ચૅકના એક કેસમાં અદાલત જવાનું હોય છે અને બીજી તરફ પોતે આપેલા બે કરોડ રૂપિયાની રિકવરી માટે પણ કોરટ-કચેરીની દોડદોડ રહે છે. ત્યારે કેટલાકે એવી વાત ફેલાવી હતી કે પૈસાનો જોગ કરવા એ પોતાનો ફ્લેટ ભાડે આપવાની છે. પ્રીટિએ ખુલાસો કર્યો છે કે તેની પાસે પૂરતા પૈસા છે (‘મેં દેવાળું કાઢ્યું નથી!’) અને એ પુરવાર કરતી હોય એમ ‘આઇપીએલ’ની હરાજીમાં કરોડો ખર્ચીને ખેલાડીઓ અંકે પણ કર્યા. 
ક્રિકેટર્સની બોલી કરોડોમાં બોલાય છે, ત્યારે ફિલ્મી દુનિયાની પ્રીટિ ઝિન્ટા, શિલ્પા શેટ્ટી કે જુહી ચાવલા જેવી માનૂનીઓ પણ બિઝનેસ વુમનની અદાથી સોદાઓ પાર પાડીને એ પુરુષપ્રધાન વ્યવસાયમાં પોતાની ધાક જમાવી રહી છે. બાકી ક્રિકેટરોના આકર્ષણમાં ખેંચાતી અભિનેત્રીઓ વિશેના એક સવાલના જવાબમાં, એક જમાનામાં, આઇ. એસ. જોહરે કહ્યું હતું કે એ લોકોને લેગબ્રેક અને લંચબ્રેક વચ્ચેનો તફાવત ખબર પડે તો ય ઘણું છે!

ક્રિકેટરો અને હીરોઇનો વચ્ચેના આકર્ષણનો એક નવો કિસ્સો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો હોવાનો સવાલ ‘કૉફી વીથ કરણ’માં કરીને કરણે એક નવી ચર્ચાને કારણ આપ્યું હતું. બિચારી અનુષ્કાએ સ્પષ્ટ કહ્યું કે એ માત્ર એક જાહેરાતનું શૂટિંગ હતું અને તેનાથી વિશેષ કાંઇ નહતું. તો પણ માને કોણ? લોકો તો એ જ યાદ કરે ને કે અમૃતા સિંગ અને રવિ શાસ્ત્રી પણ એક ઍડમાં સાથે આવ્યા પછી જ તેમની વાતો ગંભીર રીતે ચર્ચાઇ હતી. કે પછી અઝહર અને સંગીતા પણ એક સૂટની જાહેરાતના શૂટ દરમિયાન નજીક આવ્યાં હતાં અને પરણ્યાં હતાં ને?

પરણવાના મામલે અત્યારે સૌની નજર રાની મુકરજી અને આદિત્ય ચોપ્રા પર છે, જેમનાં લગ્ન ચાલુ માસ ફેબ્રુઆરીમાં નિરધાર્યાં હોવાનું પાકે પાયે કહેનારાઓની ખોટ નથી. પણ રાની અત્યારે પોતાની ફિલ્મ ‘મદાની’ને પાકે પાયે તૈયાર કરવામાં લાગી છે, જેથી તેની છેલ્લે આવેલી ‘અલિયા’ની નિષ્ફળતાને ભુલાવી શકાય. સામે પક્ષે દુલ્હે રાજા આદિત્ય પણ પોતાની નવી ફિલ્મની કાસ્ટિંમાં વ્યસ્ત છે. એ કદાચ પહેલી વાર પોતાના દિગ્દર્શનમાં શાહરૂખને હીરો નહીં લે અને જો ઉડતી હવાઓને માનીએ તો આ વખતે રણવીરસિંગને એ લેશે! ટૂંકમાં, યશરાજ બૅનરના ‘બેન્ડ બાજા બારાત’ના બન્ને કલાકારો આજકાલ ન્યુઝમાં છે.... એક હોઠને કારણે અને બીજો તેને વધુ મોટી લીગમાં મૂકતા શેઠને કારણે!


તિખારો!
‘ક્રિશ થ્રી’ની ધૂમ સફળતા પછી તેનો વધુમાં વધુ લાભ લેવાને બદલે એક્ટિંગમાંથી બ્રેક લેવાની અને પેરિસ જઈ બૅકરીનો કોર્સ ભણવા જવાનું ઇન્ટર્વ્યુમાં કહેનાર કંગના રનાવતનું કેટલાકે નવું નામ પાડ્યું છે, ‘કંગના રન-આઉટ’! Friday, February 14, 2014

વેલેન્ટાઇન ડે....!


વેલેન્ટાઇન ડે: “પ્યાર જિંદગી હૈ, પ્યાર બંદગી હૈ!”
આજે ‘વેલેન્ટાઇન ડે’ છે અને ફિલ્મી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે “પ્યાર હી પ્યાર હૈ ઇન હવાઓં મેં..”  જો કે પ્રિય કવિ ગુલઝાર તો કહે છે કે “સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મેહસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઇ નામ ન દો...”. પરંતુ, પ્યારને ઇશ્ક, મોહબ્બત, પ્રેમ, પ્રણય એમ કેટકેટલાં નામ ઑલરેડી અપાઇ જ ચૂક્યાં છે. ફિલ્મી કવિઓએ તો ‘રોઝ ડે’ અને ‘ચોકલેટ ડે’ જેવા માર્કેટિંગના તુક્કાઓ આવે તે પહેલાંથી પ્રેમનો મહિમા કરેલો છે. પ્રેમની તરોતાજા હવાની અભિવ્યક્તિ ‘મુકદ્દર કા સિકંદર’ના આ શબ્દોથી કેવી સરસ થઈ છે... “પ્યાર જિંદગી હૈ, પ્યાર બંદગી હૈ...”! એવાં તો હજારો ફિલ્મી ગીતો છે, જેમાં ‘પ્યાર’ શબ્દ આવતો હોય અને જુદી જુદી અભિવ્યક્તિ સાથે. કોઇ કહેશે “મેરા પ્યાર ભી તુ હૈ, યે બહાર ભી તુ હૈ...” તો અન્ય પોતાની પીડા વ્યક્ત કરતાં ગાશે, “હમ પ્યાર મેં જલને વાલોં કો ચૈન કહાં હાયે આરામ કહાં?”

 પરંતુ, આજે એ હજારો ફિલ્મી ગાયનો પૈકી જેમાં પ્રથમ શબ્દ ‘પ્યાર’ આવતો હોય એવાં ગીતો પર ઉડતી નજર નાખીને વેલેન્ટાઇન ડે નિમિત્તે પ્રેમદેવતાને અંજલિ આપીએ. પ્રેમની આ સૂરાવલીઓમાં દરેક પેઢીને ગાવું ગમે એવું ‘શ્રી ૪૨૦’નું ગીત “પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યું ડરતા હૈ દિલ...” પહેલું યાદ આવે.  જ્યારે પણ પ્રેમ કરતાં ડરવાની વાત આવે, ત્યારે “પ્યાર કિયા તો ડરના ક્યા?” એમ ગાતી અનારકલી પ્રત્યેક જનરેશનને પ્રેરણા આપતી આવી છે. કેમ કે તેમાં મુદ્દાનો સવાલ ઉઠાવાયેલો છે, “પ્યાર કિયા કોઇ ચોરી નહીં કી, છુપ છુપ આહેં ભરના ક્યા?” એ જ ભાવ ‘કભી કભી’ના એક ગાયનમાં છે જ ને? “પ્યાર કર લિયા તો ક્યા પ્યાર હૈ ખતા નહીં, તેરી મેરી ઉમ્ર મેં કિસને યે કિયા નહીં...”

એવા જ ભાવ સાથે ‘શાન’માં કહેવાયું હતું, “પ્યાર કરને વાલે પ્યાર કરતે હૈં શાન સે, જીતે હૈં શાન સે મરતે હૈં શાન સે...”! તો અમિતાભની  એક ઓર ફિલ્મ ‘સત્તે પે સત્તા’માં સવાલ એવો થાય છે કે “પ્યાર હમેં કિસ મોડ પે લે આયા...”  જ્યારે ‘કટી પતંગ’માં રાજેશ ખન્ના પ્રેમની વ્યાખ્યા કરતાં ગાય છે, “પ્યાર દીવાના હોતા હૈ, મસ્તાના હોતા હૈ, હર ખુશી સે હર ગમ સે બેગાના હોતા હૈ...” એ જ રીતે રિતિક રોશન પોતાની પ્રથમ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’માં પ્રેમી પંખીડાંની ઉડાનનું વર્ણન કરતાં પણ પ્રથમ શબ્દ ‘પ્યાર’નો ઉપયોગ કરતાં ગાય છે, “પ્યાર કી કશ્તી મેં, લહરોં કી મસ્તી મેં, પવન કે શોર શોર મેં ચલેં હમ જોર જોર મેં, ગગન સે દૂર....”  પરંતુ, પ્રેમ એ કાંઇ ગગનથી દૂર જવાની ક્લ્પનાઓનો વિહાર માત્ર નથી. તેમાં જીવનની વાસ્તવિકતાઓ પણ પોતાનો રંગ દેખાડતી હોય છે. એવો એક સવાલ ‘સાથ સાથ’ના હીરો ફારૂક શેખ પોતાની પ્રેમિકા (દીપ્તિ નવલ)ને જગજીતસિંગના સ્વરમાં પૂછે છે, “પ્યાર મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગી?”  

જ્યારે શાહરૂખ અને રાની મુકરજીની ‘ચલતે ચલતે’માં જાવેદ અખ્તર ‘પ્યાર’થી શરૂ થતા ગીતમાં એવી સ્થિતિને અભિવ્યક્ત કરે છે, જે દરેક યુગલના જીવનમાં કોઇને કોઇ તબક્કે આવતી હોય છે. જુઓ આ શબ્દો, “પ્યાર હમ કો ભી હૈ પ્યાર તુમકો ભી હૈ, તો યે ક્યા સિલસિલે હો ગયે, બેવફા હમ નહીં બેવફા તુમ નહીં તો ક્યું ઇતને ગિલે હો ગયે, ચલતે ચલતે કૈસે યે ફાસલે હો ગયે, ક્યા પતા હમ કહાં ચલે...” તો અજય દેવગન અને કાજોલ જે ફિલ્મથી સૌથી નજીક આવ્યા હતા તે પિક્ચરનું નામ (અને ટાઇટલ સોંગ પણ) આવું હતું, ‘પ્યાર તો હોના હી થા’! જો કે એવું પણ નથી કે ‘પ્યાર’ શબ્દથી શરૂ થતાં ગાયનોમાં મસ્તી નથી હોતી. જેમકે ‘કર્તવ્ય’નું આ ગીત “પ્યાર મેં દિલ કા મુર્ગા બોલે કૂકડે કુ...”  જતાં જતાં બપ્પી લહેરીની બીજી જ ફિલ્મ ‘ચલતે ચલતે’ના આ શબ્દો કેવા ઉપયુક્ત લાગે છે... “પ્યાર મેં કભી કભી ઐસા હો જાતા હૈ, છોટી સી બાત કા ફસાના બન જાતા હૈ....” કેમ કે ‘પ્યાર’ શબ્દથી શરૂ થતાં ગીતો શોધવાની નાનકડી વાત હતી અને નાનકડી પણ કેવી સરસ સફર થઈ શકી. આજે ‘વેલેન્ટાઇન ડે’ નિમિત્તે માત્ર  ‘પ્યાર’ જ શું કામ ‘પ્રેમ’, ‘મોહબ્બત’, ‘ઇશ્ક’ કે ‘લવ’ જેવા શબ્દોથી પણ શરૂ થતાં ગાયનો યાદ આવે છે કે? સોચો ઠાકુર!