Sunday, August 23, 2015

ફિલમની ચિલમ.... ૨૩ ઓગસ્ટ ૨૦૧૫

ટ્વીટર જેવું સોશ્યલ મીડિયા... સ્ટાર્સ માટે સગવડ કે ‘ગલે કી હડ્ડી’?
 

જે દિવસોમાં ૪૪ વર્ષના દિલીપકુમાર સાથે ૨૨ વરસનાં સાઇરાબાનુનાં લગ્ન થયાં ત્યારે જેવી સનસનાટી થઈ હતી એવી જ ચોંકાવનારી ખબર કરણ જોહરે આપી છે. તે મુજબ ‘ઇંગ્લિશ વિંગ્લિશ’નું દિગ્દર્શન કરનાર ગૌરી શિન્દેની નવી ફિલ્મમાં ૫૦ વરસના શાહરૂખખાન ૨૩ વરસની આલિયા ભટ્ટ સાથે રોમાન્સ કરવાના છે! ઑફકોર્સ વાર્તા એવી હોવાની શક્યતા વધારે છે જેમાં મોટી ઉંમરનો પુરૂષ નાની વયની છોકરીના પ્રેમમાં પડવાનો હોય. (એવું ના હોય તો પણ ‘બજરંગી ભાઇજાન’માં બતાવાયું હતું એમ હીરો એક ક્લાસમાં વારંવાર ફેલ થયો હોય એમ બતાવી દેવાનું! જો કે અત્યારના સ્ક્રિપ્ટ રાઇટર્સને એ વાત માટે ધન્યવાદ આપવા પડે કે તેમણે જુના સમયના લેખકો જેવો દાટ વાળવાનું બંધ કર્યું છે. અગાઉની, ખાસ કરીને મદ્રાસની સામાજિક, ફિલ્મોમાં રાજેન્દ્રકુમાર કે સુનિલદત્ત જેવા પહાડી પર્સ્નાલિટીવાળા ૪૨-૪૫ વરસના હીરો પિક્ચરની શરૂઆતમાં જ આખી કોલેજમાં પોતે ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યાની માતાને વધામણી આપે અને મા પણ “આજ અગર તેરે બાબુજી જિન્દા હોતે તો...” કહીને વાતાવરણને ભીંજવી કાઢતાં. કોઇ એમ ના પૂછે કે આટલો હોંશિયાર હીરો ૩૫-૪૦ વરસની ઉંમર સુધી કોલેજમાંથી પાસ થઈને નીકળી કેમ ગયો નહતો?)

શાહરૂખ અને આલિયાની જોડીની જાહેરાત આ ફિલ્મના સહનિર્માતા એવા કરણ જોહરે ખુદ ટ્વીટર પર કરીને મેગેઝીનોની ભાષામાં કહીએ તો, એક જબરદસ્ત ‘સ્કૂપ’ ફોડ્યો છે! કરણ હોય કે શાહરૂખ મોટાભાગના સ્ટાર્સને હવે સોશ્યલ મીડિયામાં સારી ફાવટ આવી ગઈ છે. પણ ક્યારેક દીપિકા પાદુકોણની માફક શાહરૂખ જેવા સુપરસ્ટાર સામે પીછેહઠ પણ કરવી પડે. શાહરૂખે જ્યારે પોતાની આવનારી ફિલ્મ ‘દિલવાલે’ની રિલીઝ તારીખ ૧૮મી ડીસેમ્બર ટ્વીટર પર જાહેર કરી, ત્યારે દીપિકા અને રણવીરસિંગની ‘બાજીરાવ મસ્તાની’ સાથે સંઘર્ષ (‘ક્લૅશ’) થશે એવી શક્યતા પણ લખી હતી. ‘બાજીરાવ મસ્તાની’એ પહેલેથી પોતાની ડેટ જાહેર કરેલી હતી. કદાચ તે ધ્યાનમાં રાખીને દીપિકાએ શાહરૂખને જવાબ આપતાં વળતી ટ્વીટ કરી ‘ચૅલેન્જ ઍક્સેપ્ટેટ’ અર્થાત ‘(અમે) પડકાર ઝીલી લીધો’!! 


આમાં દીપિકા માટે મુશ્કેલી બે પ્રકારે થઈ. એક તો ‘કીંગ ખાન’ તરીકે ઓળખાતા સુપરસ્ટારને ખુલ્લી ‘ચેલેન્જ’? અને બીજું કે તે પણ એક હીરોઇન કરે? હકીકતમાં તો ફિલ્મના સર્જક સંજય લીલા ભણશાળીએ પડકાર ઝીલવાની વાત કરી હોત તો હજી પણ સમજાત. ભલે દીપિકાએ તંદુરસ્ત સ્પર્ધાના સ્પીરિટમાં નિર્દોષભાવે ટ્વીટ કર્યું હોય. પણ તેના ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ના હીરોને તો એ ‘બૉક્વાસ’ જ લાગેને? ખાસ કરીને ત્યારે જ્યારે ‘દિલવાલે’નું નિર્માણ પણ શાહરૂખની કંપની ‘રેડ ચીલીઝ’ કરતી હોય અને તેમાં વર્ષો પછી તેની જોડી કાજોલ સાથે જામવાની હોય. તેના પ્રત્યાઘાતો દીપિકાની કલ્પના બહારના પડ્યા. ‘બાજીરાવ મસ્તાની’નું નિર્માણ કરવામાં ‘ઇરોસ એન્ટરટેઇનમેન્ટ’ પણ સામેલ છે અને તે કંપની ફિલ્મો થિયેટરોમાં દર્શાવવાના બિઝનેસમાં પણ છે. નેચરલી, શાહરૂખની ફિલ્મના સેંકડો કરોડોના ધંધામાંથી હિસ્સો મેળવવામાં ‘ઇરોસ’ને પણ રસ હોય જ. એવામાં આ ‘ચેલેન્જ’ આવે તો કેટલા મોટા બિઝનેસને નડતર થઈ શકે? તાત્કાલિક પગલાં લેવાયાં.

સૌથી પહેલું તો દીપિકાએ પેલી વાંધાજનક ટ્વીટ રદ કરી દેવી પડી! જ્યારે ‘ઇરોસ’ના કિશોર લુલ્લાએ શાહરૂખને રૂબરૂ મળવા તાત્કાલિક લૉસ એન્જલસ દોડી જવું પડ્યું. હવે ‘બાજીરાવ મસ્તાની’ને ખસેડવાની થાય કે એવું કશું સમાધાન ન થાય તો ૧૮મી ડીસેમ્બરના વીકમાં ઓછાં થિયેટરો મળી શકે એ બધા અપજશનો ટોપલો દીપિકાને માથે ઠલવાવાની શક્યતા ખરી. (હિન્દી ન્યૂઝ ચેનલો કહેશે, “સારા ઠીકરા દીપિકા કે સર પર ફોડા જાયેગા!”) એટલે ટ્વીટર જેવા માધ્યમની સગવડ મૅચ્યોર થઈને ઉપયોગમાં ના લેવાય તો એ સેલીબ્રીટી માટે ‘ગલે કી હડ્ડી’ પણ બની શકે. આવા વિવાદાસ્પદ પ્રસંગ વખતે અગાઉના સમયમાં સ્ટારને એવું કહીને ખસવાની સગવડ રહેતી કે પત્રકારે પોતાના જવાબને ‘મિસક્વોટ’ કર્યો છે. વળી, પ્રિન્ટમાં છપાયા પછી સ્પષ્ટતા કરતાં અઠવાડિયાં નીકળી જાય અને મેગેઝીન માસિક હોય તો બીજા મહિને ખુલાસા થાય. તેની સામે, અત્યારે તો ઇસી સેકન્ડે દુનિયા આખીમાં તમારો વિચાર, અભિપ્રાય કે ‘ચેલેન્જ’ પહોંચી જાય. રાત્રે તમે સલમાનની જેમ ટ્વીટ કરો અને સવારે જાગીને જુઓ તો પ્રત્યાઘાતોની એવી પસ્તાળ પડી હોય કે પીછેહઠ સિવાય ખસવાની કોઇ તક ન હોય!


પહેલાંના સમયમાં તો કલાકારોને કોઇ વિષયની પ્રતિક્રિયા પૂછાય તો કેટલાક સ્ટાર તો જે તે પત્રકારને જ કહી દેતા,‘યાર, કોઇ અચ્છા સા ક્વોટ ડાલ દેના’! એ દિવસોમાં પણ શર્મિલા ટાગોર કે શબાના આઝમી અને ડીમ્પલ કાપડિયા જેવી હીરોઇનો હતી જે ઇન્ટેલિજન્ટ કોમેન્ટ જાતે કરતી. તેમાં પણ ડીમ્પલના ટોણા તો એસીડ જેવા રહેતા. ડીમ્પલનો ૩૦ વરસ પહેલાંનો એક ચાબખો વાચકોને હજી પણ યાદ હશે. તેમણે અને અનિલ કપૂરે  ૧૯૮૬માં રિલીઝ થયેલી  ફિરોઝખાનની ફિલ્મ ‘જાંબાઝ’માં કામ કર્યું હતું. પિક્ચર રિલીઝ થયા પછી અનિલ કપૂરે પોતે ‘ડિલાઇટ ફોર વિમેન’ પુરૂષ છે એમ કહ્યું હતું. તે અંગે પ્રતિભાવ માગતાં ડીમ્પલ ઉવાચ, “હી કેન બી ડિલાઇટ ફોર એ બાર્બર એન્ડ નોટ ફોર એ વુમન!” 
 
આવા અંગારા પણ જરૂર પડે છોડી શકતી માતાની દીકરી પણ ‘ઘડા જેવી ઠીકરી’ના બીબામાં જ હોયને? ડીમ્પલની પુત્રી ટ્વીન્કલે વારસાગત મળેલી રમૂજ કરવાની કળાને યોગ્ય રસ્તે વાળી અને એક અંગ્રેજી અખબારમાં હળવી કોલમ લખવાની શરૂ કરી હતી. પરિણામ? આ અઠવાડિયે ‘મિસીસ ફની બોન્સ’ નામના પુસ્તકનું વિમોચન પોતાની મમ્મી ડીમ્પલના હાથે કરાવ્યું. એ પુસ્તક વિમોચન સમારંભમાં ટ્વીન્કલ ભારે ખીલી હતી. તેના સપાટામાં પતિદેવ અક્ષય કુમાર, અતિથિ વિશેષ આમિરખાન ઉપરાંત રણબીર કપૂર, કટરિના, દીપિકા એમ દરેક વિષે ટ્વીન્કલે કરેલી નોનવેજની ધાર પર જતી કોમેન્ટ્સમાં તેનું હાજરજવાબીપણું સ્પષ્ટ દેખાતું હતું. 
આમિર માટે તેણે કહ્યું કે મારાં અક્ષય સાથેનાં લગ્નમાં આમિરનો પણ ફાળો છે. નવાઇ પામતો આમિર હજી વિચારે તે પહેલાં ‘ટીના’ કહે કે મેં નક્કી કર્યું હતું કે આમિર સાથેનું ‘મેલા’ ફ્લોપ જશે તો લગ્ન કરી લઈશ. પિક્ચર ફ્લોપ ગયું એટલે તેના હીરો આમિરનો પણ અક્ષય સાથેનાં મારાં લગ્નમાં મોટો ફાળો છે! જો કે આમિરે પણ સામી મજાક કરી અને બહુ ઠાવકાઇથી કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની ટેલેન્ટ શામાં છે, એ સમજતાં વાર લાગતી હોય છે. ‘ટીનાની ટેલેન્ટ લોકોનું ઇન્સલ્ટ કરવામાં છે’! (‘વન લાઇનર’ના વર્ષો જૂના એક સરસ સંગ્રહનું નામ ‘થાઉઝન્ડ ઇન્સલ્ટ્સ’ છે એ તો રસિકજનો જાણતા જ હશે.) એક તબક્કે ટ્વીન્કલે એમ કહ્યું કે પોતાના લેખોમાં કશું વાંધાજનક કે વિવાદાસ્પદ ન જતું રહે તે માટે અક્ષય કાયમ કાપકુપ કરાવતા હોય છે. ત્યારે કાર્યક્રમના સંચાલક કરણ જોહરે કટ મારી, “એટલે કે અક્ષય તમારા ઇન-હાઉસ પહલાજ નિહલાની છે, નહીં?”

તિખારો!
અનુષ્કા શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ગમે તેવી કોમેન્ટો કરતા લોકોને ચેતવણી આપતાં લખ્યું કે ‘હું કોઇ પ્રકારની નેગેટિવિટી નહીં ચલાવી લઉં. એવી કોમેન્ટ કરનારાઓને હું બ્લૉક કરી દઈશ.’ અનુષ્કાનું એ સ્વરૂપ જોઇ અમિતાભ બચ્ચને સામું ટ્વીટ કર્યું,  “પ્લીઝ મને ના બ્લોક કરશો” અને સાથે પોતાની હકારાત્મકતા બતાવતા હોય એમ ગમ્મતમાં સંખ્યાબંધ પોઝીટીવ સાઇન (વત્તાની નિશાનીઓ) +++++++++++ કરી  અને લખ્યું ‘જુઓ હું કેટલો બધો પોઝીટીવ છું’! 
        

Sunday, August 9, 2015

ફિલમની ચિલમ..... ૯મી ઓગસ્ટ, ૨૦૧૫
 
સલમાન અને અમિતાભ બચ્ચન સાતમા પગથિયે....

બોલીવુડ સાતમા આસમાને!“સલમાન ખાને તો મને ટીવી સિરિયલમાં એક્ટિંગ કરવાની સલાહ આપી હતી!”  કરણ જોહરના ‘સ્ટુડન્ટ ઑફ ધી યર’થી કરિયર શરૂ કરનાર સિધ્ધાર્થ મલ્હોત્રા આ અઠવાડિયે બોલવામાં બે એવા બફાટ કરી બેઠો છે જેને રિપેર કરવા અનુભવ સિવાય કોઇ પાઠશાળા નથી. સલમાન ભાઇજાનની સલાહ ઉપરવટ જઈને પોતે ટીવી નહીં પણ ફિલ્મોમાં જ અભિનય કર્યો અને આજે ‘હંસી તો ફંસી’ અને ‘એક વિલન’ જેવી ફિલ્મો સાથે તે સફળ યંગ એક્ટર છે. તેના કહેવાનો અર્થ ‘સલમાનને શું સમજ પડે?’ એમ કદાચ ન પણ હોય. પરંતુ, સ્ટાર રેસમાં હરીફ અભિનેતાઓ આવા કોઇ બફાટની રાહ જ જોતા હોય છે. પછી તેનું અર્થઘટન એવું વહેતું કરે કે તે અમુક કેમ્પની ગુડબુકમાંથી નીકળી જાય. સલમાન વિશેનું એ રહસ્ય ખોલવા ઉપરાંત સિદ્ધાર્થે પોતાની આવનારી એક ફિલ્મની હીરોઇન કટરિના વિશે વાત કરતાં કહ્યું કે જેની ફિલ્મો તે કોલેજમાં ભણતી વખતે જોતો એ હીરોઇન સાથે કામ કરવા મળ્યું હોઇ તે એક્સાઇટેડ છે! હવે આ પણ કેટલું નુકશાનદાયક સ્ટેટમેન્ટ સાબિત થઈ શકે એ સમજવા માત્ર કોમન સેન્સની જ જરૂર હોય. કેમે કે તેનો સાદો અર્થ એવો થાય કે કટરિના સિધ્ધાર્થ કરતાં ઉંમરમાં મોટી છે. તેની ઉંમર વિશેની કોમેન્ટ કઈ હીરોઇન (કે ફોર ધેટ મેટર ઇવન કઇ મહિલા!!) સહન કરી શકે?  


એટલે સલમાન અને કટરિનાને નારાજ કરે  એવાં બબ્બે સ્ટેટમેન્ટ આ અઠવાડિયે કર્યા પછી સિદ્ધાર્થને ચોક્કસ કેમ્પની નવી ફિલ્મો મેળવવામાં તકલીફ પડી શકે. આ જ્ઞાન પ્રાપ્ત કરવા સિદ્ધાર્થને બોધિવૃક્ષ નીચે બેસવાની નહીં પણ સિનેમા જગતમાં સિનિયર હીરો-હીરોઇનને નારાજ નહીં કરવાની બેઝિક સમજ કેળવવાની જરૂર છે. સિદ્ધાર્થ કોઇ ફિલ્મી પરિવારમાંથી નથી આવ્યો અને તેથી ઇન્ડસ્ટ્રીના પાયાના નિયમોથી કે ઇતિહાસથી કદાચ તે એટલો વાકેફ ન પણ હોય. ભલે એક્ટિંગના ક્ષેત્રમાં તેને ત્રણ વર્ષ થઈ ગયાં હોય; છતાં તેણે જેવાં સ્ટેટમેન્ટ કર્યાં એવાં કરવા માટે તે હજી નવો જ કહેવાય. ખાસ તો જ્યારે કટરિના સાથેની ફિલ્મ ‘કલ જિસને દેખા’નું શૂટિંગ હજી સપ્ટેમ્બરમાં શરૂ થવાનું હોય ત્યારે તો બહુ સાચવીને ચાલવું પડે. ‘ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે?’

કાલે સવારે એ પિક્ચર ‘કલ જિસને દેખા’ના હીરો કે હીરોઇન બદલાઇ જાય તો? (કલ કિસને દેખા?!) હા,  એકવાર તમે લાઇનસર સફળતાના ઝંડા ગાડી દો, પછી એ બધું કહેવાની છુટ. પણ કરિયરની શરૂઆતમાં આવી વાતો ટાળવી જોઇએ. આ બધામાં અમિતાભ બચ્ચનનો દાખલો સામે રાખવો જોઇએ (બીજી ઘણી બાબતોમાં નવા કલાકારો બચ્ચન સાહેબને ગુરૂપૂર્ણિમાએ યાદ કરી શકે!) અમિતજીના સ્ટ્રગલના દિવસોમાં તેમનો ચહેરો, ઊંચાઇ કે ઇવન અવાજ માટે કેવી કેવી કોમેન્ટ્સ થઈ હતી? ‘તમારો ચહેરો ફિલ્મોને લાયક નથી’ એવું બી.આર.ચોપ્રા જેવા દિગ્દર્શકે કહ્યું હતું અને છતાં આજ દિન સુધી કદી પણ એ વાતનો ઉલ્લેખ અમિતાભ બચ્ચન દ્વારા ન થયો હોય એ સંસ્કારની કેવી ભદ્રતા! બલ્કે બચ્ચનની સફળતા પછી ખુદ ચોપ્રા સાહેબ પોતાની એ ભૂલ જાહેરમાં કબુલે તેમાં જ અમિતજીની શાલિનતાનો વિજય હોય. તેમની સામે નાયિકા થવા શરૂઆતમાં જયાજી સિવાય કોઇ હીરોઇન તૈયાર નહતી થતી. છતાં ક્યારેય એ હીરોઇનોનાં નામનો એ સંદર્ભમાં અછડતો પણ ઉલ્લેખ બચ્ચન સાહેબ દ્વારા કદી થયો નથી. 

બાકી સફળતા મળે ત્યારે હીરોલોગ શું કરી શકે એ વર્ષો પહેલાં ‘આપકી ખાતિર’ ફિલ્મ વખતે જોવાયું હતું. તેમાંનું એક ગાયન કોમેડીયન અસરાની પર પિક્ચરાઇઝ કરવાનું નક્કી હતું. પરંતુ, ‘બમ્બઈ સે આયા મેરા દોસ્ત, દોસ્ત કો સલામ કરો, રાત કો ખાઓ પીઓ દિન કો આરામ કરો...” એ ગીતની ધૂન અને શબ્દો સાંભળીને હીરો વિનોદ ખન્નાએ પોતે પડદા પર ગાવાની ઇચ્છા જાહેર કરી (કે હુકમ કર્યો!). પરિણામ? આખા પિક્ચરના શૂટિંગ પછી તે ગીત છેલ્લે મૂકવામાં આવ્યું હતું અને તે પણ વિલનને પકડીને લઈ જવાના સિચ્યુએશનમાં ઉપયોગમાં લેવાયું હતું!  એવું જ સલમાનખાને આ સપ્તાહે કર્યું. તેણે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘હીરો’નું ટાઇટલ ગીત ‘મૈં હું હીરો તેરા....’ તેને એટલું પસંદ પડી ગયું કે તે ગાયન જાતે ગાવાની ‘ઇચ્છા’ જાહેર કરી. બસ. પછી તો જોઇએ જ શું? અડધી રાત્રે રેકોર્ડિંગની વ્યવસ્થા થઈ અને ભાઇજાને જ એ ગીત ગાયું. (મૈં હું પ્રોડ્યુસર તેરા!)એટલું જ નહીં, એવું પણ નક્કી થયું કે તેના મ્યુઝિક વીડિયોમાં ‘ભાઇ’ ખુદ પણ દેખા દેશે. સૌ જાણે છે એમ, તે ફિલ્મમાં હીરો આદિત્ય પંચોલીનો દીકરો સૂરજ છે અને હીરોઇન સુનિલ શેટ્ટીની દીકરી, જ્યારે સલમાન તો પ્રોડ્યુસર છે. સલમાને અગાઉ ‘હેંગઓવર તેરી બાતોં કા...’ ગાયું ત્યારે જે સફળતા એ ગાયનને મળી હતી, તેનું પુનરાવર્તન થાય તો ‘હીરો’ને પ્રમોટ કરવામાં મોટો ફાયદો થાય એવી વેપારી ગણત્રી પણ આમાં ખરી જ. એવા બધા નુસ્ખા કરીને પોતાની પ્રોડક્ટને બજારમાં ચર્ચિત રાખીને જ તો ૨૦૦ કરોડ પ્લસનો બિઝનેસ કરી શકાય અને વિશ્વના સૌથી વધુ કમાણી કરતા અભિનેતાઓની યાદીમાં સમાવિષ્ટ થઈ શકાયને? 

સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચનનાં નામ દુનિયાના એવા સ્ટાર્સ સાથે મૂકાયાં છે, જેમણે ‘ફોર્બસ’ મેગેઝીનના મતે જૂન ૨૦૧૪થી જૂન ૨૦૧૫ સુધીમાં કરોડો ‘ડોલર’ની કમાણી કરી છે. એ યાદીમાં અક્ષયકુમાર નવમા સ્થાને છે અને સાતમા નંબરે સલમાનખાન સાથે અમિતાભ બચ્ચન બન્ને એક સાથે છે. હિન્દી ફિલ્મો માટે આ કોઇ નાની સિદ્ધી નથી, સાતમા આસમાનમાં ઉડવા જેવી છે કે પૈસા કમાવાની જે યાદીમાં જેકી ચેન બીજો નંબર હોય તેમાં ૧૮મો નંબર શાહરૂખ અને ૩૦મો ક્રમ રણબીર કપૂરનો પણ હોય! હવે સૌથી વધુ કમાણી કરતી હીરોઇનોની યાદી આવશે ત્યારે જોવા જેવું એ હશે કે આપણી કોઇ એક્ટ્રેસનો નંબર તેમાં લાગે છે કે કેમ? કે પછી થોડા વખત પહેલાં કંગનાએ કહ્યું હતું એમ હીરોની સરખામણીએ હીરોઇનને ચણા-મમરા જેવા જ રૂપિયા મળતા હોય છે. તેથી કોઇ ઉલ્લેખ પણ નહીં પામે? સામે પક્ષે જો કે હીરોલોગને ક્રેડિટ આપવા એ પણ કહેવું જ પડે કે તેમના નામનો પ્રભાવ કલેક્શનમાં ખુબ મોટો પડતો હોય છે. બાકી અજય દેવગનનું નામ ન હોય તો તબુ કે શ્રિયા સરનના નામ પર ‘દ્રિશ્યમ’ને પહેલા વીકમાં ૪૦ કરોડ મળ્યા હોત કે? અજય દેવગન માટે એક વાત તો કહેવી જ પડે કે એ બન્નેમાં એટલો જ પાવરફુલ લાગે છે, પછી એ ‘સિંઘમ’નું ‘ઢીશુમ’ હોય કે થ્રિલરનું ‘દ્રિશ્યમ’!

તિખારો! 
રીશી કપૂરે પોતાની મજાકથી ફરી એક હીરોઇનને તેના વજન અંગે કોમેન્ટ કરીને નારાજ કરી અને તે ટ્વીટ પાછી ખેંચવી પડી. આ વખતે હુમા કુરેશીને જન્મદિનની શુભેચ્છા આપતાં એક કાર્ડ ટ્વીટર પર મૂક્યું જેમાં લખ્યું હતું, “કેક ખા અને ફીટ રહે. જેટલું તારું વજન વધશે, એટલું તારું અપહરણ કરવાનું મુશ્કેલ બનશે!”Tuesday, August 4, 2015

ફિલમની ચિલમ... ઓગસ્ટ ૨, ૨૦૧૫


૨૦૧૬ની દિવાળીની રિલીઝનો ગુંચવાડો ઉકેલવો......

અય દિલ હૈ મુશ્કિલ!

 
શું એ બે સમાચારો વચ્ચે કોઇ સંબંધ હશે? એક બાજુ ન્યુઝ આવ્યા છે કે યશરાજ ફિલ્મ્સના જે નવા પિક્ચરમાં શાહરૂખ સાથે રણવીર સિંગને લેવાનું ગયા અઠવાડિયે લગભગ ફાઇનલ મનાતું હતું, તેમાં એક મોટો બદલાવ આવ્યો છે: હવે તેમાં સલમાન ખાનની એન્ટ્રી થવાની શક્યતા ઉભી થઈ છે. ના, એ કોઇ એકાદ ગાયન કે સીનનો મહેમાન નથી બનવનો. બલ્કે રણવીરસિંગની જગ્યાએ પેરેલલ મેઇન રોલમાં સલમાન આવશે! અર્થાત ‘કરણ અર્જુન’ની સ્ટારકાસ્ટ રિપીટ થશે. એ જ વખતે બીજા સમાચાર એ પણ આવ્યા કે દિવાળીએ રજુ થનારી બે ખાન-ફિલ્મોની ટક્કર હવે નિવારી શકાઇ છે. હવે શાહરૂખની ‘રઈસ’ અને સલમાનની ‘સુલતાન’ એ બે ૨૦૧૬ની મોટી ફિલ્મો ઇદ પર રિલીઝ થવાની શક્યતા હતી. અત્યારે ફિલ્મોને એક સાથે હજારો સ્ક્રિન્સ પર રજૂ કરીને એકાદ-બે અઠવાડિયામાં જ કરોડો ભેગા કરી લેવાની બિઝનેસ પ્રેક્ટિસ હોવાથી હવે થિયેટરોનું બુકિંગ પણ મહિનાઓ પહેલાં કરી દેવાય છે.


તેથી ૨૦૧૬ના અગત્યના શુક્રવારો પણ અત્યારથી રિઝર્વ કરવામાં આવી રહ્યા છે અને તેમાં શાહરૂખની ‘રઈસ’ અને સલમાનની ‘સુલતાન’ બન્ને ફિલ્મો માટે આવતા વર્ષની ઇદનું બુકિંગ કરવાની કાર્યવાહી ચાલતી હતી. એ ટક્કર મીડિયાને ઇન્ટરેસ્ટિંગ અને સનસનાટીભરી લાગી શકે. પરંતુ, એક્ઝીબીશનમાં પડેલા સૌને ચિંતા થવી સ્વાભાવિક હતી. કારણ કે થિયેટરોની સંખ્યા મર્યાદિત છે અને તેથી એક સપ્તાહમાં હાઉસફુલ કેપેસિટીની આવક પણ નેચરલી લિમિટેડ જ હોય. જો બે મોટા સ્ટાર વચ્ચે ધંધો વહેંચાય તો એ કુલ રકમના જ બે ભાગ પડેને? એ સાવ સાદું વેપારી ગણિત સમજાઇ જાય જો સ્ટાર્સના ઇગો વચ્ચે ના આવે. લાગે છે કે પચાસ વર્ષની ઉંમર નજીક પહોંચેલા બેઉ ખાન પાકટ થયા છે. કારણ, ગયા સપ્તાહે બેઉ સ્ટારે ફોન પર વાતચીત કરીને નક્કી કર્યું છે કે ૨૦૧૬ની ઇદ શાહરૂખની ‘રઈસ’ માટે બુક થાય અને સલમાનની ‘સુલતાન’ ૨૦૧૬ની દિવાળીનો શુક્રવાર લે.

 
અફકોર્સ, પોતાની ફિલ્મ ક્યારે રિલીઝ કરવી એ નિર્ણય તો નિર્માતાએ જ કરવાનો હોય અને ‘સુલતાન’નું પ્રોડક્શન હાઉસ ‘યશરાજ’ એ મુદ્દો પણ ન ભૂલી શકે કે ૨૦૧૬ની દિવાળીએ ઑલરેડી અજય દેવગનની ‘શિવાય’ અને કરણ જોહરની ‘અય દિલ હૈ મુશ્કિલ’ પણ લાઇન અપ થયેલી છે. કરણ જોહરના દિગ્દર્શનમાં બનનારી ‘અય દિલ.....’માં રણબીર કપૂર સાથે ઐશ્વર્યા રાય અને અનુષ્કા શર્મા જેવી ધરખમ હીરોઇનોની જબરદસ્ત સ્ટારકાસ્ટ છે અને એ લવ ટ્રાયંગલ ધરાવતી રોમેન્ટિક ફિલ્મ હશે. (ઘણાને શંકા છે કે તે રણબીરના પિતાજી રીશી કપૂરની એક ફિલ્મ ‘દુસરા આદમી’ પર આધારિત હશે.) એ સંજોગોમાં, ‘યશરાજ’ને કરણ જોહર સાથે પણ બિનજરૂરી ટકરામણ થઈ શકે. તો ‘શિવાય’ એ પણ અજય દેવગનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. તેમાં એ પોતે દિગ્દર્શન કરવાનો છે અને તેનો પણ દાવ મોટો હશે. તેથી ૨૦૧૬ની દિવાળીએ એ બધી ઑલરેડી થઇ ચૂકેલી ભીડમાં ઘુસવાનું (અથવા વધારે સારી રીતે કહીએ તો, પોતાની ફિલ્મ લઈને ‘ઘુસ મારવાનું’!) આદિત્ય ચોપ્રા પસંદ કરશે કે કેમ એ પણ સવાલ રહેવાનો.   
   

જો કે આ બધી શક્યતાઓની વચ્ચે દિવસો કે અઠવાડિયાં નહીં, મહિનાઓ છે. તેથી એ સમયગાળામાં, અનુપમ ખેરના શોના ટાઇટલને ઉપયોગમાં લઈને કહીએ તો, “કુછ ભી હો સકતા હૈ!’ કેમ કે શાહરૂખ સાથે રણવીરસિંગની જગ્યાએ સલમાનને પસંદ કરવાની નવી દરખાસ્ત પણ ‘યશરાજ’ની જ કહેવાય છે. ત્યારે પોતાની બબ્બે ફિલ્મોના હીરોએ કરેલા કમિટમેન્ટને નિર્માતા ન સાચવે તો જરૂરી સહકાર મળે કે? પરંતુ, આ બધા તો અફવાના બજારમાં ચર્ચાતા મુદ્દા છે. સલમાનના કિસ્સામાં પ્રોડ્યુસર માટે મોટી અને વાસ્તવિકતાની ધરતીની ચિંતા એ રહેવાની કે તેને ‘હીટ એન્ડ રન’ કેસમાં થયેલી પાંચ વરસની કેદની સજાનું અંતિમ પરિણામ હજી બાકી છે. જો તે આ સમય દરમિયાન આવે તો બધા પ્લાન નવેસરથી ઘડવાના થાય. વળી, જે રીતે યાકુબ મેમણની ફાંસીના દિવસોમાં સલમાને એક રાતમાં ડઝનેક ટ્વીટ કર્યા હતા, તે જોતાં એમ થાય કે સલીમખાન જેવા પિતાએ દરમિયાનગીરી કરીને દીકરા પાસે એ બધી ટ્વીટ પાછી ન ખેંચાવી હોત તો સલમાન એક નવા જ વિવાદમાં સપડાત.


ટ્વીટર એક એવી જગ્યા છે, જ્યાં તમે ન સાચવો તો ટૂંકા મેસેજને લીધે તમારી ઇમેજને લાંબું નુકશાન થઈ શકે, એ અનુષ્કા શર્માને પણ ગયા સપ્તાહે જ સમજાઇ ગયું. અનુષ્કાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મહર્ષિ એપીજે અબ્દુલ કલામને શ્રધ્ધાંજલિ આપતાં તેમનું નામ ‘અબ્દુલ કલામ આઝાદ’ લખ્યું અને ટ્વીટર પર પસ્તાળ પડી. એવી ભૂલ ગુજરાતનાં મુખ્યમંત્રીની શ્રધ્ધાંજલિમાં પણ હતી અને સોશ્યલ મીડિયામાં તેની કોમેન્ટ્સ થઈ હતી. તેથી અનુષ્કા સાવ એકલી નથી, જેનાથી આઝાદીની લડતના કોંગ્રેસી અગ્રણી અબુલ કલામ આઝાદના નામની સાથે ભેળસળ થઈ ગઈ હોય. (શી ઇઝ ઇન એ ફેમસ કંપની!) ટ્વીટર બેધારી તલવાર છે. તેના પર જેટલા ચાહકો વધારે એટલું નુકશાન પણ વધુ થાય. સલમાને પોતે યાકુબ મેમણ વિશે કરેલા ટ્વીટથી ઇમેજની ઇજાનું એવું જ ભારે જોખમ લીધું હતું. છતાં ચાહકો વધે તે કયા સેલિબ્રિટીને ન ગમે? ટ્વીટર પર પોતાના ૭૦ લાખ ફોલોઅર્સ થયાની ઉજવણી સોનમ કપૂરે ગયા વીકે પોતાના પ્રશંસકો સાથે ઓનલાઇન સવાલ-જવાબથી કરી. પણ સોનમના કિસ્સામાં ખરો પ્રશ્ન જરીક જુદો છે.સવાલ એ છે કે સોનમ અત્યારે સૂરજ બડજાત્યાની ‘પ્રેમ રતન પાયો’ અને એક બાયોપિક ‘નિરજા ભાનોત’ એ બે જ ફિલ્મોમાં કામ કરી રહી છે. છતાંય સાત મિલિયન ફોલોઅર્સ હોય એ સૂચવે છે કે જો તમે માર્કેટીંગ સારું કરી શકતા હોવ તો ‘કુછ ભી હો સકતા હૈ’! યાદ છે ને આ સાલ સોનમે પોતાની સેક્સી તસ્વીરો ટ્વીટર પર અપલોડ કરીને સનસનાટી કરી હતી? સામે પક્ષે નેહા ધુપિયાએ મુંબઈમાં વરસાદને કારણે ઠેર ઠેર ભરાયેલાં પાણી અંગે સરકારની ટીકા કરતી કોમેન્ટ ટ્વીટર પર મૂકી અને લોકો તેના પર તૂટી પડ્યા હતા. ટ્વીટર પર જો કે મઝા બાલ્કીની નવી ફિલ્મના ટાઇટલની થઈ શકે છે. ‘પા’ જેવા એકાક્ષરી ટાઇટલ સાથે ફિલ્મ બનાવનાર નિર્દેશક બાલ્કીએ અર્જુન કપૂર અને કરીના કપૂરની જોડીને લઈને બનાવવાની ફિલ્મનું નામ રાખ્યું છે, ‘કી એન્ડ કા’! (બેઉ સ્ટારની સિનિયોરિટી જોતાં ગુજરાતીમાં શું કહીશું? ‘કીકા અને કાકી’?!)


તિખારો!

‘બજરંગી ભાઇજાન’માં  ‘શોલે’ જેવી એક ભૂલ તરફ ધ્યાન કોઇએ ધ્યાન આપ્યું હશે કે? તેમાં એક અગત્યની ઘટના એ બતાવાઈ છે કે ‘બજરંગી’ અને ‘મુન્ની’ વિશેનો એક વિડિયો પાકિસ્તાની ટીવી જર્નાલિસ્ટ બનેલા નવાજુદ્દીન સિદ્દીકી ‘યુ ટ્યુબ’ પર અપલોડ કરે છે અને તેની પાકિસ્તાનભરમાં સારી અસર થાય છે. પણ વિકિપિડિયાના જણાવ્યા મુજબ તો, પાકિસ્તાનમાં ‘યુ ટ્યુબ’ પર છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રતિબંધ છે અને તે હજી ૨૦૧૫ના જુન સુધી પણ ઉઠાવાયો નથી! ‘શોલે’ના રામપુરમાં લાઇટો હોતી નથી અને છતાં પાણીની ટાંકી હોય છે, એ ફેમસ લોસ્માચાની યાદ આવે છે કે? (બડી બડી ફિલ્મોં મેં ઐસી છોટી છોટી મિસ્ટીક હોતી રહતી હૈ!!)