Sunday, May 20, 2012



કૌંસમાં બબડે છે!!
 

“નમસ્કાર…. આદાબ…. સત શ્રી અકાલ….” એમ અમિતાભ બચ્ચને ‘કેબીસી’થી આપેલા નવતર અખિલ ભારતીય ગ્રીટીંગ સાથે પ્રારંભ કરવો કે પછી આપણા ગુજરાતની પ્રચલિત રીતે  “જય શ્રી કૃષ્ણ…. જય સ્વામિનારાયણ… ઓમ સાંઇરામ….જય જિનેન્દ્ર…. કે પછી અસ્સલામ વાલેકુમ….” જેવું બધું ભેગું કરીને સર્વ ધર્મ સમભાવવાળું મિશ્રણ કહેવું કે પછી સાવ સિમ્પલ “Hi Friends…’’ અથવા તો “કેમ છો, મિત્રો?” કહીને શરૂઆત કરવી? એવી ફોર્માલિટિ પાછળ વધુ સમય બગાડવાને બદલે છેવટે બે વરસની ઓફિશ્યલ આળસ પછી આજે ૨૦૧૨ના મે માસના ત્રીજા રવિવારે આ બ્લોગનું ‘શ્રી ગણેશાય નમ:’ થઇ જ રહ્યું છે, ત્યારે મે મહિનાનું મારા જીવનમાં અનાયાસ વધતું જતું મહત્વ પણ સમજાઇ રહ્યું છે.

કેમ કે મે મહિનાના મધ્યભાગમાં જ ૧૯૭૮ની સાલમાં આણંદના અમારા પારિવારિક સાપ્તાહિક ‘આનંદ એક્સપ્રેસ’માં સફળતાપૂર્વક ચાલતી કોલમ ‘ફિલમની ચિલમ’  મુરબ્બી વડીલ અને ગુરૂજન એવા વિનોદ ભટ્ટ્ની ભલામણથી ‘સંદેશ’માં લઇ જવાની અને તેને પગલે માત્ર ખેડા જિલ્લાને બદલે સમગ્ર ગુજરાત અને મુંબઇ સુધીના વાચકો સુધી પહોંચવાની (હવે તો જાણીતી!) તક મળી હતી. તે રીતે જોઇએ તો ‘સલિલ દલાલ’નો જન્મ ૧૯૭૮ના મે મહિનામાં ગણાય. (નહીં તો ‘હસમુખ ઠક્કર’ મોટેભાગે વિદ્યાર્થીકાળના ટૂંકાક્ષરી નામ ‘એચ. બી.’ તરીકે જ ઓળખાત!) 


તેના બીજા વરસે ૧૯૭૯માં ફરી મે માસમાં જ ૧૮મીએ મારા જીવન માટે અને અમારા કુટુંબમાં આધારની અત્યંત મજબુત ધરી બનનાર - જીવનસંગિનિ - હર્ષા સાથે લગ્ન થયાં. વળી, ૨૦૦૮માં કેનેડા આવવાનું ફાઇનલ થયું અને ત્યારે તે સમયે, ‘સંદેશ’માં ચાલતી કોલમ પણ મે મહિનામાં જ બંધ થઇ હતી. ટૂંકમાં, મે મહિનામાં ઉથલ પાથલ ઘણી રહે છે! ૨૦૦૮માં કેનેડા આવી ગયા પછી તે દિવસોમાં નવા નવા શરૂ થયેલા બ્લોગ્સ, ખાસ તો અમિતાભ બચ્ચન અને પરમ મિત્ર ઉર્વીશ કોઠારીના બ્લોગ વાંચતાં પોતાનો બ્લોગ શરૂ કરવાની ચળ ઉપડતી ખરી. 

પણ ટેકનીકલી ચેલેન્જ્ડ વ્યક્તિ તરીકે બીક લાગ્યા કરતી. (જો કે તે વખતે ખબર નહતી કે “ડર કે આગે જીત હૈ!” નહીંતર તે દિવસોમાં જ ઝંપલાવ્યું હોત.)  એવામાં  જય વસાવડા જેવા ડીયર ફ્રેન્ડ ઓરકૂટ ઉપર અને પછી ફેસબુક ઉપર રહીને વાચકો સાથે સંપર્કમાં રહી શકે છે એ જાણ્યું. ત્યારે ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા પાછળ “હું આળસી શકીશ” એ આકર્ષણ સૌથી મોટું હતું. કારણ કે તેમાં રોજ કે નિયમિત કોઇ એક દિવસે લખીને મૂકવાની કશી ડેડલાઇન નહીં. કશું ફરજિયાત નહીં. જો પસંદ પડે તો ખાલી એક ક્લીક કરીને ‘લાઇક’ પણ કરી શકાય. ટાઇપ પણ કરવાનું નહીં! 


એવા આળસવર્ધક ‘એ ક્લાસ’ ફંડા ઉપલબ્ધ હોય પછી ‘બી લોગ’ કા ઝમેલા કાયકુ? ઉપરાંત ફેસબુકની મઝા એ કે કોઇને ફેસ ટુ ફેસ મળવાનું નહીં કે દેખાડવા પણ બુક કાઢવાની નહીં. (ફેસબુક પર જોયું કે ત્યાં તો મારા સ્વ. સસરા આર. સી. ઠકકર કહેતા એમ,  “કિસી કા બેલ, કિસી કા ગાડા, બંદે કા ડચકારા…” ચાલતા હતા. કોની કવિતા અને કોણ દાદ લઇ જાય! એવા ‘ડચ.. કવિ’ઓનો પણ રાફડો ફાટ્યો હતો. તેથી તેમને ડચકારવા પણ જવું; એ ય ચળ જવાબદાર ખરી.) ફેસબુકની બીજી મઝા એ ય ખરી કે કોમ્પ્યુટરના સ્ક્રીન પર મિત્રોની વર્ચ્યુઅલ મહેફિલ હોય, તેમાં જઇને બેસવાનું. ફાવે એટલો સમય બેસો. અમારા બોરસદ તાલુકાના કાંઠાગાળાની ભાષામાં કહું તો “વર્તી ના ફાવે તો હેંડતા થઇ જવાનું.”
ટૂંકમાં, ‘બસંતી’ની સંતવાણી “બૈઠે બૈઠે, નહીં બૈઠે નહીં બૈઠે….. ” અહીં સાકાર થતી હતી. એટલે ‘ફેસબુક’માં એન્ટ્રી પાડી. થોડોક સમય લાઇકમ લાઇકા કર્યું. પણ બ્લોગનો કીડો સળવળાટ ના મૂકે. એવા દિવસોમાં કેલીફોર્નિયાથી શિવાની દેસાઇ ફેસબુક ઉપર મિત્ર બની અને તેણે શીખવ્યું કે ફેસબુકમાં ‘નોટ’ કેવી રીતે મૂકાય. (યે પોઇન્ટ નોટ કિયા જાય, યોર ઓનર!) સદરહુ શિવાની સાથે પહેલી (હકીકતમાં તો એક માત્ર!) રૂબરૂ મુલાકાત મુરબ્બી ગુણવંત શાહના વિચારશિબિર વખતે વરસો પહેલાં થઇ હતી. 

એ જ શિબિર દરમિયાન અવ્વલ દરજ્જાના ફોટોગ્રાફર સંજય વૈદ્યે પાડેલો ફોટો અત્યારે બ્લોગ ઉપર મૂક્યો છે, જેથી મારા વાળના જથ્થા વિશેની મારી ગેરસમજણ ટકી રહે! શિવાની દેસાઇ પણ આટલાં વરસ પછી અન્ય મિત્રોની માફક મારા ડીસ્ટન્સ લર્નીંગની ટીચર બની. (શિવાની નામ મને તો આમે ય લેણે જ છે. મારા ઘરમાં દીકરી જેવી પુત્રવધુ પણ શિવાની છે… ‘વધુ’ તો શું કહું?)


ફેસબુક દ્વારા જ રાજકોટના મુકુલ જાની પણ ગુરૂ બન્યા અને તેમણે ગુજરાતી ટાઇપીંગની મારી ઓછી આવડતને દૂર રહે રહે દૂર કરી. તેમની જેમ જ રૂચિર પંડ્યા અને સમીર જગોત પણ ફેસબુકથી વિસ્તરેલા પરિવારના સભ્યો થયા. કદી ના મળ્યા હોય એવા સેજ શાહથી માંડીને ધૃતિ અમીન અને વિરાજ ભટ્ટ અને મયૂરિકા માયા સુધીના સૌ સામેલ થતા ગયા.
ઉપરાંત ‘અધિર’ અને ‘બધિર’ અમદાવાદી ભાઇઓ અને તેમની હળવી શૈલીનો પરિચય પણ થતો ગયો. બન્નેએ પ્રોફાઇલ પિક્ચરમાં પ્રાણીઓનાં બનાવટી ચિત્રો મૂક્યાં તે અગાઉની તેમના અસલ નામ સાથે ઓળખાણ થઇ હતી. ‘ફ્રેન્ડ્સ ઓફ અધિર એન્ડ બધિર’માં એવા ગૃપ પહેલાંનો સમાવેશ!  તો આશિષ કક્કડ, જ્યોતિ ચૌહાણ, ઋતુલ જોશી કે વિદ્યાનગરમાં મેઘા જોશી અને નેહલ મેહતા, જામનગરના નરેશ ડોડિયા અને તેમની કવિતાઓ.... અહાહા... શું દિવસો હતા એ ફેસબુકના!
 



તે સમયે અમેરિકાના ‘ગુજરાત ટાઇમ્સ’માં રમેશ તન્નાએ રીતસર પઠાણી ઉઘરાણી કરીને ફિલ્મી દુનિયાના કુમારોની સિરીઝ ‘કુમાર એન્ડ કુમાર’ લખાવી હતી. તેમાં છેલ્લે મારા સૌથી પ્રિય કુમાર દિલીપકુમાર વિશેના ૮ હપ્તા થયા પછી અટક્યા છીએ. ખરેખર તો લટક્યા જ કહેવાઇએ. કેમ કે હજી બીજા ૮-૧૦ હપ્તાની શક્યતા છે. 

પણ જેમ ગુલઝાર વિશેની એક પ્રલંબ શ્રેણી પ્રણવ અધ્યારૂ જેવા કોઇ પઠાણ સંપાદકની રાહ જુએ છે, એમ જ યુસુફખાન પઠાણની લેખમાળા માટે પણ મારી પેન કોઇ દંડાધારી પઠાણનો ઇન્તજાર કરી રહી છે. (એક ખાત્રી એડવાન્સમાં: હું કદી મારા કોઇ સંપાદકને “મેરી પેન કો ધક્કા ક્યૂં મારા?” એમ નથી કહેતો. પછી એ ‘આરપાર’માં ગીતકારોની શ્રેણી ‘બાયોસ્કોપ’ શરૂ કરાવનાર ઉર્વીશ કોઠારી  હોય કે ‘વિચારધારા’માં એક એક ગીત પર ચાર ચાર પાનાંના લેખવાળી  ‘આંખોં કી ગુસ્તાખીયાં’ કરાવનાર સૌરભ શાહ હોય!) 


‘કુમાર એન્ડ કુમાર’માં આવતા મારા રાજકુમાર, સંજીવકુમાર, અશોકકુમાર, રાજેન્દ્રકુમાર અને કિશોર કુમારના જીવન આલેખ લેખો શિવાનીના માર્ગદર્શન મુજબ ‘નોટ્સ’ વિભાગમાં ફેસબુક પર મૂકવા માંડ્યા. તેને જે રીતનો રિસ્પોન્સ મળતો હતો તેને લીધે બ્લોગની આળસ વધતી જ જતી હતી. (મોડો બ્લોગ શરૂ થવા બદલ એક જ વ્યક્તિને દોષ દેવાનો હોય તો તે શિવાની દેસાઇ સિવાય કોને દેવાય, યોર ઓનર?!)  


પછી સમય જતાં ફેસબુકમાં મિત્રોની મર્યાદા પણ ખબર પડતી ગઇ…. અહીં પાંચ હજારથી વધારે દોસ્તોની દોસ્તી મંજુર થતી નથી. હવે? મિત્રો વિનંતિ મોકલે રાખે અને આપણે ફેસબુકના લીમીટેશનને લીધે ટેન્શનમાં કે એ બધાને કેવું લાગશે કે “આમને ભૈ ભૈ કરીએ છીએ, ત્યારે ભૈ તો મોભારે ચઢે છે!!”

એટલે ત્યાં ફેસબુક પર પોતાનું પેઇજ શરૂ કરવાનો છંદ પણ કરી જોયો. પરંતુ, ફેસબુક પણ અંતે તો ગ્લોબલ વિલેજનો એક સમાજ જ છે. જે મિનિટે તમે સહેજ એક્ટીવીટી કરો, એટલે ગામ આખું જાણે કે તમે કોને ત્યાં ઢાંકો ઢૂબો કે ઇવન ટહૂકો પણ કરી આવ્યા. પછી શરૂ થાય વર્ચ્યુઅલ રિસામણાં! એકાદ બે જણના વાટકી વહેવાર કટ થવાથી થતી શરૂઆત છેવટે તમને નાત બહાર પણ મૂકી શકે, એ નરસિંહ મહેતાના સમયથી લાગી શકતી બીક છે. પણ  મેં અગાઉ કહ્યું એમ, “ડર કે આગે જીત હૈ…”!

કેમ કે ‘નોટ્સ’ની ફાવટ આવી ગઇ હતી. (થેંકસ શિવાની, સિરીયસ્લી.) હવે બ્લોગ માટે તૈયાર હતો. વળી, જય વસાવડાથી મિત્ર કિન્નર આચાર્ય અને બિનીત મોદી સહિતના દોસ્તારો પોતપોતાના બ્લોગમાં ગોઠવાઇ રહ્યા હતા. એટલે થયું કે સાવ ડરી જવા જેવું તો નહીં જ હોય. નવી સોસાયટીમાં બે ચાર હિંમતવાનના બંગલા બને પછી બીજાઓ પણ આવે એમસ્તો! છેવટે પાછા બ્લોગના બાંધકામના રસ્તે… શિલારોપણ તો થયેલું જ હતું. 

હવે આઇટીના જાણકાર અને અનુભવી પ્રોફેશનલ્સ એવા મારા બે દીકરાઓ સ્વપ્નિલ અને સનીનું કામ શરૂ થતું હતું. (બાય ધે વે, અહીં આ બ્લોગમાં બે ચાર વાક્યે એકાદ મિત્રનું કે કુટુંબીજનનું નામ છોડતા રહેવાનું પણ પ્લાનીંગ છે જ. જેમનું પણ નામ આજે નહીં લઇ શકાયું હોય તેમનું ભવિષ્યમાં આવશે જ. આફટર ઓલ, આ તો ‘મારો’ બ્લોગ છે, કાંઇ છાપાની કોલમ થોડી છે કે લેખમાં ટેલેન્ટેડ દીકરાઓ કે સુદામાના કૃષ્ણ હતા એવા મારા મિત્રોનાં અદભૂત કામો વિશે લખી ના શકાય?)  

પણ હવે જ પરીક્ષા શરૂ થઇ. કેમ કે ઉર્વીશ જેવો મિત્ર ઇન્ડીયા રહે રહે માત્ર ગાઇડ જ કરી શકે અને એ બાપડો કંટાળે એ હદે મોડી રાતે તેની ઉંઘરાણીને હું વિલંબમાં નાખતો અને સોનલ રાણીને પણ કંટાળો આવે એવા સમયે મારી ઉઘરાણી ચાલતી. મે મહિનામાં ‘મધર્સ ડે’ ના રવિવારે મારી પૂજ્ય બાના સ્મરણ સાથે બ્લોગનું વાસ્તુ કરી દેવું એવી તારીખ નક્કી કરી દીધી. પરંતુ, ઉર્વીશ જેને ‘ઓરીજીનલ મોદી નંબર વન’ કહે છે તે બિનીત મોદીએ આપેલી રત્નકણિકા યાદ ના રહી અને ફળ ભોગવ્યું. બિનીતે ઠેઠ ઇ.સ. ૨૦૦૫માં મારા  પ્રથમ અને એક્માત્ર (હા, ભૈ હા…. હજી સુધી પ્રગટ થયેલા એક જ!) પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ ના લોકાર્પણ સમારંભ પહેલાં થયેલી મારી દયનીય સ્થિતિ જોઇને અનાયાસ જ કહ્યું હતું કે “મા કોઇની મરશો નહીં અને હોલ કોઇ બુક કરાવશો નહીં!”


અહીં હોલ બુક નહતો. પણ ‘મધર્સ ડે’ની તારીખ તો ગ્રીટીંગ કાર્ડની કંપનીઓએ એક વરસ અગાઉથી નક્કી કરી દીધેલી. પરદેશમાં બિનીત મોદી, પ્રણવ અધ્યારૂ અને ઉર્વીશ કોઠારી જેવા વક્ત કે પાબંદ અને દયાળુ મિત્રો ક્યાંથી લાવવા? કેનેડામાં તો સુપુત્રો સ્વપ્નિલ અને સની હતા. હમણાં જ સ્વપ્નિલના એક ફોટાને ફેસબુક ઉપર મારે ત્યાં શેર કર્યો, ત્યારે બસ્સો ઉપરાંત મિત્રોએ લાઇક કર્યો હતો અને કોમેન્ટ કરનારાઓએ એક અવાજે કહ્યું હતું કે ‘મોરનાં ઇંડાંને ચિતરવાં ના પડે!’

હવે જો હું ૩૦ વરસ કોલમ લખીને એક જ પુસ્તક પ્રકાશિત કરી શકતો હોઉં, (તેમજ તેનાં ૭ વરસ થયા પછી બીજા માટે સળવળાટ પણ ના કરતો હોઉં!) તો દીકરાઓ? એ “પપ્પા, નેક્સ્ટ વીકએન્ડમાં બેસી જઇએ..” એમ કહીને મુદત પાડે જાય, તો ‘મોર’ને નવાઇ ના લાગવી જોઇએ અને લાગતી પણ નથી કે more ટાઇમ કેમ લાગે છે? (એમ તો મારા અંગત ગણાય એવા કેટલાય મિત્રોએ કદ્દી મારું લખેલું કશું જ વાંચ્યું નથી. ‘કદી’ એટલે? ‘બાગબાન’માં અમિતાભ બચ્ચન કહે છે એમ હું પણ ડોકી -અલબત્ત મારી જ- ડાબેથી જમણે લઇ જઇને ભારપૂર્વક કહી શકું એમ છું કે “કુછ્છ ભી નહીં!”

વળી ઘર કાંઇ ફિલ્મી અદાલત તો હોતી નથી કે  સની દેવલની જેમ આપણાથી ઘાંટા પાડીને ઢાઇ કિલોના અવાજમાં “તારીખ પે તારીખ, તારીખ પે તારીખ” એમ કહેવાય?(ખાસ કરીને જ્યારે સામે પણ સની જ હોય.... ભલેને ઠક્કર પ્રકારનો!)


 વાંક તો મારો જ હતોને? બ્લોગનું સત્તાવાર ખાત મહુરત તો ૨૦૧૦થી થયેલું હતું અને આપણે જ બે વરસે હરુજ્યા હતા! ખેર, ટૂંકમાં કહું તો (આમ પણ સંત બસંતીના ચેલા તરીકે હું પણ કહું જ છું કે “હમેં જ્યાદા બાત કરને કી આદત તો હૈ નહીં..” કો’કવાર કૌંસમાં બબડી લેવાનું બસ.) મિત્રો અને પરિવાર જનો ખાસ તો બન્ને દીકરાઓના મળેલા સક્રીય ટેકનિકલ સાથ અને સહકારથી ‘મધર્સ ડે’ નિમિત્તે શરૂ કરવા ધારેલો બ્લોગ, આજે શરૂ થઇ રહ્યો છે, તેનો અનહદ આનંદ અને સંતોષ છે. તેના સાજ શણગાર અને ખુબસુરતી બધું મારા લાડલાઓની મહેનતનું જ પરિણામ છે. હું જાતે કરવા જાત તો જુનમાં ફાધર્સ ડે વખતે પણ કદાચ આજના જેટલો જ બઘવાયેલો હોત! (આજેય સનીએ તૈયાર કરેલું આખું પાનું બે વાર મારાથી ઉડી ગયું હતું. છતાં દરેક વખતે એ જરાય અકળાયા વગર ‘પુનશ્ચ હરિ ઓમ’ કરતો! થેન્ક યુ, ડીયર સની એન્ડ સ્વપ્નિલ!)

જો બ્લોગ ગયા રવિવારે ‘મધર્સ ડે’ નિમિત્તે આરંભ થાત તો પૂજ્ય કમુબા વિશે એક સ્મૃતિલેખ કરવો હતો. હવે એ ફરી ક્યારેક. મારી બાએ આખી જિંદગી એટલો સંઘર્ષ કર્યો હતો કે તેનું સ્મરણ માત્ર આંખ ભીની કરાવી જાય છે. એક વાર બા અને મોટાભાઇ (મારા પિતાશ્રીને અમે મોટાભાઇ કહેતા તે) વાતોના મુડમાં હતાં. મેં તેમને જાણ ના થાય એમ તેમની વાતો ટેપ કરી લીધી હતી. તેમાંનો એક અંશ આજે મહુરતમાં મૂકીને પ્રારંભ કરવો છે. આ શબ્દો મારે ‘ગાતા રહે મેરા દિલ’ના લોકાર્પણ વખતે ટાગોર હોલમાંથી વગાડવા હતા. 

છેલ્લી ઘડીએ મારી જ ગેરવ્યવસ્થાને લીધે એ શક્ય ના બન્યું. (મારાં કાયદામાં ‘મધર’ એવાં સાસુમા વિદ્યાબા તો આજે ય કહેતાં જ હોય છે, “હસમુખલાલ થોડુંક ‘વેવસ્થી’ કામ કરીએ, તો છેલ્લી ઘડીએ ઓભામણ ના થાય!”) પછી વિચાર આવે છે કે તે દિવસે ‘ટાગોર’માં તો માંડ હજાર – બારસો જ લોકો એ સાંભળી શક્યા હોત. આજે ભલું થજો આંતરજાળનું (ઇન્ટર્નેટનું, ભૈ સા’બ!) કે ઠેઠ અંતરિયાળ દુનિયા આખી સાંભળશે, બાના વિશીષ્ટ આશીર્વાદ!

જય હો માડી… તારા ચરણોમાં માથું મૂકીને આજે આ નવું ડગલું માંડી રહ્યો છું. બસ... તું માથે હાથ પસરાવતી રહેજે, બા’લી! 


(પ્લે બટન ઉપર ક્લીક કરવાથી ૨૦ સેકન્ડની આ ઓડિયોમાં, મારી બાની જિંદગીના નિચોડ જેવા ચરોતરના તળપદા શબ્દો સાંભળી શકાશે... “બહુએય માથે પડ્યું છે, ભૈ… કશું હંભારે પાર નથી.. અને ચોપડી લખવા બેહે તો આખી લખાઇ જાય… આ જિંદગીની… એટલે હવે… ભગવાનને બે હાથ જોડીને પગે લાગીએ…. છોકરાંને સુખી રાખજે…. અમારું જે થયું તે થયું….”)

52 comments:

  1. 'નવજીવન એક્સપ્રેસ'ની 'અંગતસંગત' જેવી 'સલીલકી મહેફિલ'ની પહેલી 'કોપી' માટે અભિનંદન. લખાણની રીતે, તમારી પરોવણીની મારા જેવી ગુજરાતી પ્રજા કાયલ હતી- ને વાંચીને ઘાયલ થતી, એ 'ફિલમની ચિલમ'ના દિવસ યાદ આવ્યા. બે-ચાર ઠેકાણે બોરસદી બોલીથી ચરોતરની ચિરપરિચીત સુગંધ પણ અંદર ઉતરી ગઇ.
    બસ, હવે બીજી તો શી શુભેચ્છા? શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું હતું તેમ, 'હે વત્સ, કમેન્ટ્સની સંખ્યાથી વિચલિત કે વિસ્ફારિત થયા વિના, નિષ્ઠાપૂર્વક બ્લોગ લખવા તેને જ જ્ઞાનીઓ બ્લોગ-યોગ કહે છે.' એ જ રીતે, તમારો બ્લોગ પણ ધમધમતો રહે અને અમારા જેવા વાચકોની ખોટ પૂરતો રહે.

    ReplyDelete
    Replies
    1. આભાર ઉર્વીશ... પ્લાન તો ખુબ છે અને મિત્રોનો પ્રેમ જોતાં એ અમલમાં પણ મૂકી શકાશે... ઇન્શાઅલ્લાહ!
      ટેકનીકલી આવડત વધશે એમ એમ સામગ્રીની પણ વધશે, ક્વોલીટી અને ક્વોન્ટીટી બન્નેમાં.... બાકી તો જેમ ફેસબુકનું ગ્નાન હોય છે, એવું બ્લોગનું પણ છે જ એ તારું તારણ સાચું છે. તેથી એ ગીતાએ કહ્યું છે કે સીતાએ કે ફોર ધેટ મેટર બસંતીએ તેની દુવિધામાં પડ્યા વગર હે સુદર્શનધારી, આપના ચક્ર અને ચૂરણ બન્નેના અનુભવીઓની માફક હું પણ સાફ કહીશ કે, જો ધારી ધારીને જોશો તો એ પણ ફલિત થશે કે જેને હજી કક્કાનો છેલ્લો પણ ‘ગ્નાન’ શબ્દનો પહેલો અક્ષર ‘ગ્ન પણ ટાઇપ કરતાં નથી આવડતું એવો હું, વાચકોની સંખ્યા અંગેના ‘સાંખ્યયોગ’નું ગ્નાન મેળવીને ધન્ય થયો છું… જય બ્લોગેશ્વર!

      Delete
  2. ધન્ય થયા હો જી.....આપના બ્લોગ ના પ્રારંભમાં જ આપની કલમે ઉલ્લેખ પામી ધન્ય થયા હો જી......આપની સાથેની તસ્વીર જોઈ ધન્ય થયા હો જી...

    ReplyDelete
    Replies
    1. રૂચિર, તમે કવિ થયા હો જી?

      Delete
  3. પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ ઍ જે કલ્યાણ...

    વેલકમ સાહેબ, ઘણી રાહ જોવડવી, પણ "આગાઝ હૈ યે તો અંજામ હોગા હંસી"....

    ReplyDelete
    Replies
    1. Thanks Vishal.... આગે આગે દેખિયે હોતા હૈ ક્યા ક્યા…!

      Delete
  4. Pranavkumar AdhyaruMay 20, 2012 at 10:46 PM

    ભગવાનને બે હાથ જોડીને પગે લાગીએ….સલિલભૈને લખતા રાખજે....એમનું વાંચીને અમારું જે થયું તે થયું....એવું સૌનું થજો....

    ReplyDelete
    Replies
    1. તમનેય પગે લાગીએ ભૈસાબ… લખતા રાખવા વાંચતા રહેજો!

      Delete
  5. ભરતકુમાર ઝાલાMay 20, 2012 at 11:50 PM

    પ્રિય સલિલભાઇ, આપની 'ફિલમની ચિલમ' કોલમ વર્ષો સુધી વાંચી છે. ઘરમાં ટીવી નહોતું, એવા દિવસોમાં આપની કટાર વાંચીને સિરિયલો- ફિલ્મોને માણી છે. આજે ય મારી પત્નિ હમપાંચ સિરિયલની કાજલભાઇની વાત કહે, ત્યારે હું એનો એક પણ હપ્તો જોયા વિના, એની સાથે એ જ અંતરંગતાથી એની વાતમાં ભળી શક્તો હોઉં, તો એનું એક માત્ર શ્રેય હું આપને આપું છું. ફેસબુક પર આપને મળ્યો, ત્યારે જે ખુશી થઇ હતી, એથી ક્યાંય વધુ આનંદ અત્યારે થઇ રહ્યો છે. ફેસબુક પર મેં આપની નોટ વાંચી છે, પણ અહીંયા મળવાની વધુ મજા આવશે, એમ લાગે છે. ત્યાં જાણે બજારમાં દુકાન હોય, ને મળતા હોઇએ, એવી લાગણી થતી, ને અહીં આપના ઘરે આવ્યા હોઇએ, એવી અનુભૂતિ થાય છે. બસ મળતા રહો, ને અવનવી વાનગી ચખાડતા રહો, ને આપનું આ ઘર સદાય હર્યુભર્યુ રહે, એ જ શુભેચ્છા.

    ReplyDelete
    Replies
    1. Thanks Bharatbhai... your sentiments for my writings is like oxygen to me.

      Delete
  6. પ્રિય સલિલભાઈ, ગાતા રહે મેરા દિલ જ્યારથી વાંચ્યુ..આપ પણ દિલમાં જ છો અને અહી ફેસબુક પર મળ્યા પછી અને આ બ્લોગ પોષ્ટ વાંચી બા નો વિડિયો પણ ભાવવાહી...અભિનંદન

    ReplyDelete
  7. તમારો બ્લોગ પણ ધમધમતો રહે અને અમારા જેવા વાચકોની ખોટ પૂરતો રહે....અભિનંદન
    kaushik amin, USA.

    ReplyDelete
  8. પ્રિય સલિલભાઈ,
    ફેસબુક અને હવે બ્લોગના માધ્યમને કારણે ટોરેન્ટોમાં રહીને રૂબરૂ મળી નથી શક્યા એ વાતનું એટલું દુઃખ
    રહ્યુ નથી...અભિનંદન
    - Kalpesh Vakharia
    Web Graphic Designer
    Toronto, Canada
    http://www.AlliesMedia.com

    ReplyDelete
    Replies
    1. Sorry Kalpeshbhai.
      But we will be in touch.
      Actually it is good for the betterment of blog as well! It really needs a good technical hand to improvise the designing.

      Delete
  9. You are no lesser then Big B of Gujrati column writing for us....Lots of wishes for this new adventure...:)

    Jo ke fayado amaro ja che...i mean readers no...:)

    ReplyDelete
  10. ખુબ ખુબ અભિનંદન સલિલ સર!
    પપ્પાની આંગળી છોડીને મિત્રો સાથે ફિલ્મો જોતો થયો ત્યારથી જ 'ચિલમ'નો બંધાણી રહ્યો છું. બંધાણ થવાનું કારણ એજ જ કે 'ચિલમ'માં પણ મિત્રોની બેઠક જેવું જ હળવું વાતાવરણ મળતું! કોઈ સરસ ફિલ્મ જોયા પછી એના વિષે ચિલમમાં શું આવે છે એ જાણવાનું હંમેશા કુતુહલ રહેતું - પરીક્ષાનું પેપર આપ્યા પછી મિત્રો સાથે જવાબો મેળવી લઈએ એમ જ તો! અને જવાબ સાચો પડે ત્યારે મો પર 'હું નહોતો કહેતો!' નો ભાવ આવી જતો! ચિલમના સહારે એક દ્રષ્ટિ કેળવાઈ Film Appreciationની. ઘણી વાર તો ચિલમ વાંચ્યા પછી ફરી ફિલ્મ જોવી પડે તો જોઈ આવતા પણ કોઈ Finer Point miss ન થવો જોઈએ એવો આગ્રહ પણ આપના થકી જ કેળવાયો! નિયમિત રીતે આવતી વિગતવાર બોક્સ-ઓફીસ એનાલીસીસ ઉપરાંત વર્ષાન્તે સરવૈયું (જેમાં અમારું અને તમારું લીસ્ટ મેળવવાની એક મજા હતી) અને પહેલી એપ્રિલના 'Prank'નો પણ ઇન્તજાર રહેતો! તમારો તકિયા કલામમાં 'સોચ લો ઠાકુર...' ક્યારે વાણીમાં વણાઈ ગયો એ યાદ નથી પણ આજે ય અમે 'કોપી રાઈટ'ની ફિકર વગર બિન્ધાસ્ત વાપરીએ છીએ...
    'ફિલમની ચિલમ'- 'તિખારો' અને 'ટાઈમ પ્લીઝ'-'લાસ્ટીક' પછી 'સલિલ કી મેહફિલ' આ સીલસીલાને જ આગળ વધારશે એ વાતમાં કોઈ શક નથી. જે પેઢી આપની કોલમ સાથે સતત ચાલી છે તેના એક અદના પ્રતિનિધિ તરીકે 'સલિલ કી મેહફિલ'ના આરંભે આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આનંદ એ વાતનો પણ છે કે બ્લોગના સ્વરૂપે આ ફિલ્મી-ગૈરફિલ્મી ગપશપ અને જ્ઞાનનો ખજાનો એક mouse click પર ઉપલબ્ધ રહેશે!
    ફરી એકવાર ખુબ ખુબ અભિનંદન...

    ReplyDelete
    Replies
    1. Thanks Rakshitbhai….. You have praised from heart and I shall try to live up to it.

      Delete
  11. તમારો બ્લોગ વાંચીને એવી લાગણી થઈ જેવી અમિતાભ બચ્ચને ફિલ્મી પડદેથી ટીવી પડદે આગમન કર્યું ત્યારે થઈ હતી...અહીં પણ સુપરહિટ!

    ReplyDelete
    Replies
    1. Thanks for your compliments. I will try to give good stuff as always…. Hit or super hit will depend on how much I can connect with you all. Like you I also always hope for the best.

      Delete
  12. બીરેન કોઠારીMay 22, 2012 at 6:09 AM

    'સલિલ કી મેહફિલ'મેં 'ગાતા રહે હમારા દિલ'!
    -યે તો હોના હી થા.

    ReplyDelete
    Replies
    1. Thanks Biren. But your blog like many other was also inspiration to start my own blog. I like your freewheeling.

      Delete
  13. ખૂબ જ સંગીન છે તમારા બ્લોગની શરૂઆત
    દાદ માગી લે છે દરેકે દરેક પાસાંની રજૂઆત
    આવું રસપ્રદ હોય જો બ્લોગનું ટ્રેલર
    કેવું લિજ્જતદાર હશે બ્લોગનું પિક્ચર
    અભિનંદન આપીએ તમોને ભાઈ શ્રી સલિલ
    વાંચનના રસથાળ થકી પુલકિત થશે અમારું દિલ

    ReplyDelete
  14. Congrats Salil bhai. I liked your using 'Mehfil' word. Somehow this word is very dear to me and you know that, right? Pray for your progress.

    Firoz Khan
    Sr. Journalist and columnist
    Toronto

    ReplyDelete
    Replies
    1. Thanks for your prayer Firozbhai. We all love Mehfils and I remember the Ghalib evening we were together here in Toronto.

      Delete
  15. હું જમવા બેસું તો પણ પ્રથમ મીઠાઈ પર હાથ જાય. એવી જ રીતે રવિવારે સૌથી પહેલાં ચિલમ વાંચવી એવો ક્રમ તમે ચિલમ બંધ કરી ત્યાં સુધી રહ્યો હશે. પછી વર્ષો પછી ભાઈ પાસે જાણવા મળ્યું કે તમે કેનેડા છો અને ફેસબુક પર પણ છો એટલે ફરી બધું રીન્યુ થયું. તમારી ચિલમ અને સવિશેષ તો તિખારાનો હું આશિક. હવે બ્લોગનું નામ તિખારો રાખ્યું એ ખુબ ગમ્યું સલિલ ભાઈ. કન્ટેમ્પરરી ફિલ્મો વિષે પણ લખો એવી આશા સહિત,

    ReplyDelete
    Replies
    1. Thanks Adhir… About your suggestion to write about contemporary films, I don’t get to see new movies regularly here. As you are aware, I never write without seeing a film or TV serial or about music which I have not heard.
      Hence, I write what I enjoy at the moment. Tomorrow I do not know…. This blog may make me write altogether different things. My fingers are crossed.

      Delete
  16. ફેસબુકના પ્રતિભાવમાં લખવાનું રહી ગયું..બા વાળી ક્લીપ અને એ મૂકી એ બહુ જ ગમ્યું.

    ReplyDelete
    Replies
    1. Thanks JV.
      Mother’s memories always make me emotional... mine and every one’s. She is the epitome of pure love for her children. In the second post I have quoted something on this from Amitabh Bachchan's blog on this subject in Tikharo.

      Delete
  17. પ્રિય સલિલ સર,

    આમ તો આપને વર્ષોથી વાંચતો આવ્યો છું પણ હવે ફરજીયાત લખશો એવું માનું છું :) એક જ લાઇન કહીશ.... ’આશિક બનાયા આપને....’

    સમીર (આપનો સેમ)

    ReplyDelete
    Replies
    1. Thanks Sam… you guys' love make me write compulsory! Let's see.

      Delete
  18. Welcome sir! Let us know if any technical (stupid) thing stops you doing anything you want to.

    ReplyDelete
    Replies
    1. Thanks for your offer Alpeshbhai.
      Would love to imrovise on my blog. Will get in touch.

      Delete
  19. વાહ સલિલભાઇ,
    અભિનંદન આપને અને અમને સહુને પણ...
    તમારી જ સ્ટાઇલ અહીં થોડા જુદા મિજાજમાં લાગે છે.
    ચાલો, હવે નિયમીત વાંચીશુ...

    ReplyDelete
    Replies
    1. આભાર આશિષ... આ મિજાજ છટકે નહીં (એટલે કે ટકી રહે) તે માટે પ્રયત્નશીલ રહેવાનું છે અને તમે બધા છો જ. એટલે વાંધો ના આવવો જોઇએ.

      Delete
  20. પ્રિય સલિલભાઈ,
    બ્લોગ જગતમાં ખૂબ ખૂબ સ્વાગત. એક અઠવાડિયાથી બહારગામ હોવાથી હવે તમારા બ્લોગ પર પધાર્યા છીએ. દેર સે આયે પર બહોત દુરુસ્ત આયે. હવે ફોર્માલીટી પતી હોય તો મુદ્દાની વાત કરીએ ;)
    ગુલઝાર પરની સીરીઝ ક્યારે આવે છે? કુમાર કથાઓ ક્યારે આગળ વધે છે? શું કુમાર કથાઓની જેમ 'કુમારિકા' (એટલે કે અભિનેત્રીઓ)ની કથા પણ આવશે કે શું? બલરાજ સહાની વિષે ક્યારે? કે પછી ઋષિકેશ મુખરજી સ્પેશિયલ ક્યારે? શું નસીર પણ તમારી યાદીમાં આવે છે? આવા ઘણા સાવાલો છે બસ તમારા જવાબો કે નવી બ્લોગ પોસ્ટ્સની રાહ જોઈએ છીએ. :)

    ઋતુલ

    ReplyDelete
    Replies
    1. ઓહોહોહો.... ઋતુલ, આટલી બધી ફરમાઇશો? વચલો રસ્તો કાઢોને? કઇંક વાજબી કરોને ભૈશાબ!
      પણ સિરીયસલી સ્પીકીંગ કોઇ છાપું છાપવા તૈયાર હોય તો આ બધું શક્ય છે જ.

      Delete
  21. અમારા જેવા લપીયા વાંચકોના દુરાગ્રહની કક્ષાના આગ્રહ અને લાંબી પ્રતિક્ષા પછી પણ બ્લોગ આખરે શરુ થયો એનો ખુબ ખુબ આંનંદ છે! હવે બધીજ સંદર્ભ સામગ્રી એક જ જગ્યાએથી મળશે એટલે અમારા જેવા અઠંગ ચીલમીઓ માટે તો આ 'આકડે મધ અને તે પણ માખીઓ વગરનું' જ કહેવાય ને! હા હા... અને મૂળે આપણે પહેલી પંગતમાં બેસનારા, એટલે અહીં પણ પહેલી લાઈનમાં જ ગોઠવાશું! બ્લોગ Subscribe કરી લોધો છે એટલે updates મળતા રહેશે!
    ખુબ ખુબ અભિનંદન સર...

    ReplyDelete
    Replies
    1. થેંક્યુ બધિર.... મિત્રોની લપની વહેલા મોડા લાપશી બનાવવાની મઝા જ કાંઇ જુદી હોય છે. તમે લપ્યા એટલે કે લખ્યા કરજો આપણે આંધણ ચઢાવેલું જ છે!

      Delete
  22. thnx sir amara jeva vachko k je tamara lekh vachi ne mota thaya 6iye temna mate aa blog etle ger betha ganga.

    ReplyDelete
    Replies
    1. આભાર રાજેન્દ્રસિંહજી.

      Delete
  23. મેં આપનો બ્લોગ વાંચ્યો. તમારા વિષે વાંચી હું ખૂબ ખુશ છું. :-)

    ReplyDelete
  24. very interesting, got to know many your near n dear ones...ghare besine malya hoy tevu lagyu,,,,most interesting part- talpadi boli...n quite smooth article. Matharya vinana lakhan ni ek naisargikta anubhavayi.(dnt know you might hv edited after writing but seems so natural). Keep writing uncle...

    ReplyDelete
    Replies
    1. થેંક્યુ દીકરી સંસ્કૃતિ.... તને ખબર જ છે કે અંકલ એક સપાટે જ લખી કાઢે છે. હા, લખતા પહેલાં મુદ્દા લખવા તેનો ક્રમ કરવો એ બધું કામ કપડું વેતરવા જેવું અને પછી નાના મોટા સુધારા વધારા એ ગાજ બટન કરવા જેવું. પણ જ્યાં સુધી મુખ્ય ભાગ (મેઇન બોડી) લખવાનો સવાલ છે એમાં તો સંચો ચાલ્યો એટલે ચાલ્યો!

      Delete
  25. આલે લે આખી (વર્ચ્યુલ) વર્લ્ડ ને ખબર છે, -ને અમે જ રહી ગયા? બહું ખોટું. પણ એમાં ખાલી અમારો જ વાંક નથી, તમારો પણ એટલો જ.

    બે-ચાર દિવસ પહેલા તમારા એફબી સ્ટેટસથી તમારા બ્લોગ અંગે ઉડતા વાવડ મળ્યા, આવડ્યા એટલા ખાંખાખોળા ય કર્યા પણ મેળ ન પડ્યો.

    આતો આજે ભલું થજો GMCC ગ્રુપનું(કે જેનું દ્વિતીય 'e_વાચક' મેગેઝિન તમારા દ્વારા વિમોચન કરવાનો લ્હાવો/લાભ અમને મળ્યો) જેમાં "બડે લોગો કા બ્લોગ્સ/સાઇટ્સ" https://www.facebook.com/groups/114163945317252/362492560484388/ નામનો ગઈકાલે ટોપિક શરુ કર્યો અને આજે શર્મિલી પટેલ નામની મેમ્બર દ્વારા તમારા બ્લોગની કડી/કેડી મળી હવે કેડો છોડવાના નથી એ યાદ રાખજો.

    બાય ધ વે ફરી ઈન્ડીયા આવો ત્યારે તે દિવસની જેમ યાદ કરજો. ખૂબ ગમ્યું હતું અને ગમશે.

    ReplyDelete
    Replies
    1. આ તો વાસ્તુપૂજન અથવા તો અહીં વિદેશમાં કહે છે એમ હાઉસ વોર્મીંગ જેવું હતું. મિત્રો આવ્યા અને રાજીપો કર્યો એ જ મોટી વાત છે.... વહેલા મોડા એનો તો વર્ચ્યુઅલી કોઇ ફરક ક્યાં હોય છે? તમારા જેવા ગુણીજન ના આવ્યા હોય તો કોઇ કારણસર જ હોય. તેથી શર્મિલીનો અંગત રીતે આભાર માનવો પડશે. ઇન્ડીયા દર સાલ આવવું એમ નકકી કરેલું છે અને હજી સુધી એ પ્રમાણે કરી શક્યો છૂ. જ્યારે આવું ત્યારે વધુમાં વધુ મિત્રોને મળવાનો પ્રયાસ કરું છું અને જ્યાં રૂબરૂ શક્ય ના બને ત્યાં ફોન કરી લઉં છું. હવે અહીં બ્લોગ ઉપર મિત્રો સાથે નિયમિત સંપર્ક થઇ શકશે એ લાલચ મોટી છે.

      Delete
  26. પ્રિય સલીલભાઈ,
    લોગ આતે ગયે, કારવાં બનતા ગયા.....
    બ્લોગ લીખતે જાઓ, પાઠકો કા કારવાં બનતા જાયેગા.....

    પહેલી પોસ્ટમાં વાચકો - ચાહકો - મિત્રો - પરિવારને ઠીક યાદ કર્યા. તમારા બ્લોગ થકી કચકડાની દુનિયા સાથે કેનેડા દર્શન પણ ક્યારેક ક્યારેક થતું રહેશે એવી આશા જાગે છે.
    ‘ગાતા રહે મેરા દિલ’ પુસ્તક પ્રક્રિયા દરમિયાનની આપણા સહુની (ઉર્વીશ કોઠારી - પ્રણવ અધ્યારૂ - બિનીત મોદી અને આરપાર / સત્ય મીડિયા સ્ટાફ) મનઃસ્થિતિ વર્ણવતી મારી ત્વરિત પ્રતિક્રિયા ‘મા કોઈની મરશો નહીં અને હોલ કોઈ બુક કરાવશો નહીં’ને તમે દિલોજાનથી યાદ કરો છો એટલે એ વાક્ય મને ય યાદ રહી ગયું છે.
    બાકી કુશળ - મંગલ.

    બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 23 જૂન 2012
    BLOG: www.binitmodi.blogspot.in

    ReplyDelete
  27. I had read your articles in India . I admired your style of writing and knowledge .

    This is my first visit of your blog . I am much impressed by it .

    I am glad that you are happily settled in Canada now with your family .

    I Wish you all the best .

    I have also started my blog VINOD VIHAR at the age of 75 years as a Nivruti ni

    Pravruti . I am in San Diego USA with my children since 1994.

    I invite you to visit my blog and encourage me with your words .

    Vinod Patel
    www.vinodvihar75.wordpress.com

    ReplyDelete