Sunday, May 31, 2015

ફિલમની ચિલમ.... મે ૩૧, ૨૦૧૫
અમિતાભ બચ્ચન પ્રચાર કરવાના છે તે ‘ડી ડી કિસાન’ ચેનલ શું રાતોરાત ઉભી કરાઇ છે?


હવે અમિતાભ બચ્ચન પણ ખેડૂતો માટે મેદાનમાં આવ્યા છે! એટલે પ્રચાર-પ્રસાર પણ જબ્બર થશે. તેથી દૂરદર્શનની નવી ચેનલ ’ડી ડી કિસાન’ જોવાતી થવાના ચાન્સ એકદમ વધી ગયા છે. તેને પગલે ફિલ્મ અને ટીવી જગતના માટે ‘મેરે દેશ કી ધરતી સોના...’ જેવાં ખેતીલક્ષી ગાયનો આધારિત પ્રોગ્રામો, ખેતી લક્ષિત સિરિયલો કે ‘ખેડૂત મંડળ’ જેવા કાર્યક્રમો બનાવનારા સર્જકો અને કલાકારો માટે સોનેરી દિવસો આવ્યા છે. પરંતુ, શું આ ‘ડી ડી કિસાન’ રાતોરાત ઉભી કરાયેલી ચેનલ છે? કેટલાક ‘રાજકીય નિષ્ણાતો’ કહે છે એમ, ‘ભૂમિ અધિગ્રહણ’ કાયદાને કારણે વિપક્ષના હુમલાથી ઝાંખી થતી લાગતી સરકારની છબીને ટકાવવા આનન-ફાનનમાં આ ચેનલ શરૂ કરાઇ છે? જવાબ છે સ્પષ્ટ ના!

આ ચેનલની તૈયારી લાંબા સમયથી ચાલતી હતી, એ આખી ઇન્ડસ્ટ્રી જાણતી હતી. તેમાં ફિલ્મ બેઝ્ડ પ્રોગ્રામોની પણ કેટેગરી છે.  ૨૬મી મેએ સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કિસાનોને અર્પણ કરવાના પ્લાન હેઠળ  ઠેઠ જાન્યુઆરીથી તેને માટે કાર્યક્રમો અને સિરિયલોની દરખાસ્તો મંગાવાઇ હતી. રસ ધરાવનારાઓના ધસારાને કારણે ફેબ્રુઆરીની છેલ્લી તારીખને લંબાવવામાં પણ આવી હતી. (એ મુદ્દે આજે ગાજવા શરૂ થયેલા નેતા તે દિવસોમાં કદાચ બોડી બનાવવા અને પબ્લિક સ્પીકિંગની તાલીમ લેવા ૫૭ દિવસની રજા ઉપર હશે!) ૧૫ એપ્રિલ સુધીમાં ૩૧૫ દરખાસ્તો આવી હતી. હવે એ ચેનલ કેવો ઓપ લે છે એ અલગ મુદ્દો હશે. પરંતુ, બચ્ચનદાદાની પ્રચારની તાકાત ‘પીકુ’ની સફળતા પછી ઓર વધી છે. સૌ આશ્ચર્યમાં છે કે ૭૨ વરસની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ૧૦૦ કરોડની ફિલ્મ આપે છે. (આવા પ્રસંગે અભિષેકની મુંઝવણ કેટલા સમજી શકતા હશે? પપ્પાની સફળતા ઉપર રાજી થવું કે પછી....!)

‘પીકુ’ જો કે આમ તો ‘બીગ બી’ કરતાં વધારે ‘બીગ ડી’ અર્થાત દીપિકાની કહેવાઈ છે. બચ્ચન તો દીપિકાના મહાન સિનિયર છે. પણ ૧૦૦ કરોડની સુપરહીટ પિક્ચરના નાનામાં નાના કલાકારને પણ સેન્ચુરી માર્યાનું ગૌરવ લેવાનો અધિકાર હોય છે. (જેમ વર્લ્ડ કપ જીતનારી ટીમમાં મેદાન પર ડ્ર્રીંક્સની ટ્રૉલી લઈને જનાર પંદરમા ખેલાડીને પણ ટ્રોફી સાથેના ગ્રુપ ફોટામાં ચિચિયારીઓ પાડતા ઉભવાનો અધિકાર હોય છે, એમ સ્તો!) પણ ખરી કમબખ્તી પિક્ચર ફ્લૉપ જાય ત્યારે થાય. અત્યારે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના નાના-મોટા સૌ કલાકારો એવો વાજબી જશ લઈ જ રહ્યા છેને? ‘સક્સેસ હેઝ મૅની ફાધર્સ’ અને ‘ફેઇલ્યોર ઇઝ એન ઑર્ફન’ એ ઉક્તિ ફિલ્મો જેટલી ક્યાંય વધારે સચોટ નહીં લાગતી હોય. નિષ્ફળ ફિલ્મોની યાદીમાં તાજેતરમાં ઉમેરાયેલી ‘બૉમ્બે વેલ્વેટ’ની જવાબદારી કોણ લેશે એ સવાલ સૌથી વધુ હીરોઇન અનુષ્કા શર્માને થતો હશે. 


અનુષ્કાએ તે પિક્ચરમાં કામ કરવાની ફી વસુલ કરવાની બાકી છે અને હવે તેણે એ કાફલાનો રણી-ધણી શોધવાનો થયો છે. કારણ કે દિગ્દર્શક અને જેમના કારણે કદાચ અનુષ્કાએ ફિલ્મ સ્વીકારી હશે એ અનુરાગ કશ્યપ પેરિસમાં થાક ઉતારી રહ્યા છે. જૂના સમયમાં એક નિર્માતા કે તેમના પરિવારજનો સાથે કામ પાડવાનું થતું. જ્યારે અત્યારે તો પ્રોડક્શનમાં કોર્પોરેટ આવ્યા પછી વિવિધ સ્ટુડિયો સામેલ થાય છે. કરોડોના આર્થિક વહેવારમાં પિક્ચર રિલીઝ થતા સુધી પેમેન્ટ લેવા ચોટલી આર્ટિસ્ટના હાથમાં હોય છે. પરંતુ, એકવાર ઘોડો રેસમાં છૂટ્યો એટલે એ જેકપોટ જીતે તો જ બધી વાહેવાહ. પણ ફ્લૉપ જાય તો ‘બાઇ બાઇ ચારણી, કિસ કે ઘર’ જેવો ઘાટ થાય. (અનુષ્કાએ ક્રિકેટ મેચ જેટલો રસ લાખોની ઉઘરાણીમાં રાખવા જેવો હતો?) એટલે પૈસાની બાબતમાં દોસ્તી કે સંબંધોને વચ્ચે લાવ્યા વિના ના ફાવે તો મોટાભાગના કલાકારો કોઇપણ સન્માનજનક બહાનું કાઢીને પ્રોજેક્ટને ગુડબાય કહી દેતા હોય છે. તાજેતરમાં સલમાને કરણ જોહરની ‘શુધ્ધિ’ છોડી અને આ સપ્તાહે રેખા ‘ફિતુર’માંથી હટી ગઈ અને તબુએ તે જગ્યા લીધી, ત્યારે તેમાં નાણાંકીય મુદ્દા હશે કે નહીં એ અલગ વાત છે. પરંતુ, એક સ્ટાર ફિલ્મ છોડે ત્યારે કેવી કેવી વાતો બહાર મૂકાતી હોય છે, એ પણ જોવા જેવું હોય છે.
‘ફિતુર’ માટે એક વાહિયાત રિપોર્ટ એવો વહેતો કરાયો કે  હીરોઇન કટરિનાની ખુબસુરતીને સહન ના કરી શકતાં રેખાએ પિક્ચર છોડી દીધું! તો સલમાને પેલા પ્રોગ્રામ ‘એઆઇબી નોક આઉટ’માં કરણ જોહરે ખાન પરિવારની લાડલી અર્પિતાના સંદર્ભમાં કરેલી મજાકથી નારાજ થઈને ‘શુધ્ધિ’માંથી ખસી જવાનું નક્કી કર્યું. પણ જે રીતે  સલમાનની તાજી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ ફટાફટ પૂર્ણાહૂતિ તરફ લઈ જવાઇ છે અને જુલાઇમાં જ ઇદ પર રિલીઝ કરવાની તૈયારી શરૂ થઈ છે, તે જોતાં ‘શુધ્ધિ’ માટે જરૂરી ૧૮૦ દિવસની જંગી તારીખો ઉપલબ્ધ નહીં હોવાનું અપાયેલું કારણ પણ વાજબી જ લાગે છે. સલમાનને અદાલત દ્વારા થયેલી સજા પછી તેને માટે સાથી કલાકારોની સહાનુભૂતિ ‘બજરંગી...’ ના પ્રાથમિક પ્રચારમાં દેખાઇ છે. હવે તો એ જગજાહેર છે કે શાહરૂખે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ‘બજરંગી...’નો લુક જાહેર કરીને સનસનાટી કરી હતી અને પછી આમિરે પણ એ જ ટ્વીટને પોતાને ત્યાં શૅર કરી. આમ ખાન ત્રિપુટીનો આ સંપ કથરોટ (ગળાકાપ!) કોમ્પિટિશનવાળા સિનેમા જગતમાં રજત શર્માની ‘અદાલત’માં કરેલા લુંગી ડાન્સથી ઘણો આગળ નીકળી ચૂક્યો છે. બાકી સલમાન અને શાહરૂખનો ‘ચલતે ચલતે’ વખતનો ઝગડો કોણ ભૂલ્યું હશે?

‘ચલતે ચલતે’ના સેટ પર સલમાને ફિલ્મની તે વખતની હીરોઇન ઐશ્વર્યા સાથે જે મોટો સીન કર્યો હતો, તેને લીધે ફિલ્મના નિર્માતા તરીકે શાહરૂખે કડકાઇ વાપરી હતી. તે પછી ઐશ્વર્યાની જગ્યાએ રાતોરાત રાની મુકરજીને લેવી પડી હતી અને નવેસરથી શૂટિંગ કરીને કરોડોનું નુકશાન વેઠવું પડ્યું હતું. ત્યાર પછી પણ ૨૦૦૮માં કટરિનાની બર્થડે પાર્ટીમાં બેઉ ખાનને ઝગડો થયો હતો. તેના પાંચ વરસ પછી ૨૦૧૩માં રાજકારણી બાબા સિદ્દીકીની ઇફતાર પાર્ટીમાં બન્ને વચ્ચેના અબોલા તૂટ્યા અને આજે એકબીજાની ફિલ્મનું પ્રમોશન કરતા થઈ ગયા છે.  મીનવ્હાઇલ, સલમાનની એ ફ્રેન્ડ કટરિના અને રણબીર કપૂરની દોસ્તી એવી ગાઢ થઈ છે કે બેઉ એક દંપતિની જેમ એક જ ફ્લેટમાં રહે છે! વચમાં વાત એવી આવી હતી કે બન્નેના પરિવારજનોની હાજરીમાં પંજાબીઓમાં હોય છે એવી ‘રોકા’ની વિધિ કરાશે. આપણે ત્યાં સગાઇ વખતે ચાંલ્લા-માટલીનો રિવાજ છે અથવા મહારાષ્ટ્રિયનોમાં ‘સાખર-પુડા’ કહેવાય છે, એવું જ કાંઇક કહી શકાય. પણ રણબીરે જાહેરમાં ખુલાસો કર્યો છે કે જ્યારે લગ્ન વડીલો દ્વારા ગોઠવાતાં હોય ત્યારે ‘રોકા’ની વિધિ થતી હોય છે. તેને લીધે બેઉ ફેમિલી વર-કન્યાનું એક-બીજા માટેનું બુકિંગ કન્ફર્મ કરે. મતલબ કે ‘રોકા’ પછી કોઇ કન્યા કે મુરતિયો જોવાના રહે નહીં. રણબીર કહે છે કે અમે તો અમારી જાતે જ એક બીજાને પસંદ કર્યાં છે. પછી ‘રોકા’ની જરૂરિયાત ક્યાં છે? (ટૂંકમાં, છોટે કપૂરને ‘રોકા’ કો રોકા!)


તિખારો!

જો કેસરવાળા સાદા પાન મસાલાની જાહેરાતમાં ‘દાને દાને મેં કેસર કા દમ’ કહેવાતું હોય; તો તમાકુવાળા ગુટખા માટેનું સ્લોગન શું હોઇ શકે? ‘દાને દાને મેં કેન્સર કા દમ’!! 

Sunday, May 24, 2015

ફિલમની ચિલમ..... મે 24, ૨૦૧૫ઓગસ્ટના મીની વેકેશનમાં અક્ષયના ‘બ્રધર્સ’ એકલા કે પછી ટક્કર?


શું સેન્સર બોર્ડના સભ્યો કોઇ પિક્ચરનું પ્રમોશન કરી શકે ખરા? આ નૈતિક સવાલ આ સપ્તાહે રજુ થયેલી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ના અનુસંધાનમાં પૂછાઇ રહ્યો છે. કેમ કે સેન્સર બોર્ડની સલાહકાર પેનલનાં એક મહિલા સભ્ય ગુરપ્રિત કૌર ચઢ્ઢાએ પિક્ચરના રિલીઝ પહેલાં ટ્વીટર પર તેનાં વખાણ કરીને વિવાદ નોંતર્યો છે. તેમણે લખ્યું હતું કે, “આજે ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જોઇ. અમેઝિંગ, ક્યુટ કોમિક ફિલ્મ, ફુલ ઓફ લાઇફ.” હીરોઇન કંગના અને હીરો માધવનનાં વખાણ કર્યા પછી લખ્યું, “મને ખાત્રી છે કે બોક્સ ઓફિસ ઉપર ફિલ્મ કમાલ કરશે.” એમાં કોઇ શંકા નથી કે ગુરપ્રિતજીનું મૂલ્યાંકન સાચું હશે અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ ખરેખર જ મઝાની કૃતિ હશે જ. તે ટિકિટબારી પર પણ ‘પિકુ’ની માફક ધાર્યા કરતાં સારો બિઝનેસ કરશે. પરંતુ, સેન્સર બોર્ડની એક મર્યાદા હોય છે અને તે ન સચવાય તો કાલે સવારે આનાથી વિરુદ્ધની સ્થિતિ પણ સર્જાવાનો ભય રહે.

મતલબ કે જો આવા અભિપ્રાયોને ન રોકાય તો ભવિષ્યમાં સેન્સર બોર્ડના અન્ય સભ્ય કોઇ બીજી ફિલ્મની ટીકા પણ કરે અને એ ‘બોગસ ફિલમ’ બોક્સ ઓફિસ પર કેવી ઉંધી પડશે તેની ભવિષ્યવાણી પણ કરે તો? સેન્સર બોર્ડ અવલોકન કરનારી જ સંસ્થા કહી શકાય. છતાં તેના સદસ્યોએ જાહેરમાં રિવ્યુ કરવાનું તેમજ ફિલ્મના સંભવિત વકરાની ભવિષ્યવાણીનું કામ ન કરવાનું હોય. જાહેર સમીક્ષકનો રોલ તે કરવા જાય તો તટસ્થતા ભંગ થવાનો આક્ષેપ લાગે. (ચૂંટણી અધિકારી ફોર્મ મંજૂર કર્યા પછી ઇલેક્શનના મતદાન પહેલાં જાહેરમાં એમ ટ્વીટ કરે કે “મને ખાત્રી છે કે ફલાણા ઉમેદવાર ભારે બહુમતિથી જીતવાના છે કે અમુક ડિપોઝીટ ગુમાવે એવા ચાન્સ છે” તો?) આમેય એ જોખમ લેવા જેવું ક્યાં હોય છે, વળી? સિનેમાના ધંધામાં તો ‘બોમ્બે વેલ્વેટ’ જેવી મોટી સ્ટારકાસ્ટવાળી ફિલમ ધબો નારાયણ થઈ જાય ને ‘પિકુ’ સરખી નાલ્લી ગણાતી કૃતિ ૧૦૦ કરોડનો માઇલ સ્ટોન પસાર કરી દે!    


‘બોમ્બે વેલ્વેટ’ અનુરાગ કશ્યપના અને રણબીર - અનુષ્કાના હરીફોની અપેક્ષા મુજબ પછડાઇ. ફિલ્મ પહેલા ત્રણ દિવસમાં ફક્ત ૧૬ કરોડનું કલેક્શન લાવી તે રણબીરના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલું ઓછું કહેવાય તેનો અંદાજ એ વાત પરથી પણ આવી શકશે; કે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં આવેલી ‘રોય’ને પ્રથમ વીક એન્ડમાં ૨૯ કરોડ મળ્યા હતા. યાદ રહે, એ પિક્ચરમાં રણબીરનો નાનક્ડો રોલ હતો અને પોસ્ટર પર તેનો (મોટકડો!) ફોટો જ હતો. એક સરખામણી એ પણ થઈ રહી છે કે ‘બોમ્બે વેલ્વેટ’નો પહેલા દિવસનો વકરો સની લિયોનિની ફિલ્મ ‘એક પહેલી લીલા’ કરતાં પણ ઓછો હતો.   ટૂંકમાં, ‘બોમ્બે વેલ્વેટ’ પછડાઇ તે કેવી? શાહબુદ્દીનભાઇ (રાઠોડ)ના શબ્દોમાં કહીએ તો, ‘ઊંધે કાંયધ પડી’! આ પછડાટ વધારે એટલા માટે પણ ચચરે કે બનીને તૈયાર થયા પછી તેને રિલીઝ થવામાં વરસ દહાડો નીકળી ગયો હતો અને તેથી નુકશાનીમાં વ્યાજના ઘોડાની લાતોનો માર પણ ઉમેરવાનો રહે. એટલું ઓછું હોય એમ, આગલા અઠવાડિયે રિલીઝ થયેલી નાનકડી ઘોડી જેવી ‘પિકુ’ પોતાની રફતારને બરકરાર રાખીને ઓડિયન્સને માફકસર પ્રમાણમાં થિયેટરોમાં લઈ આવતી રહી.


તેથી ‘પિકુ’ની હીરોઇન દીપિકાએ એક પાર્ટી પણ આપી; જે સામાન્ય સંજોગોમાં હીરોલોગ આપતા હોય છે કે પછી નિર્માતા કે દિગ્દર્શક એ આયોજન કરતા હોય છે. પરંતુ, ‘પિકુ’માં તો દીપિકા જ ‘હીરો’ કહેવાયને? તેણે ૮૬ કરોડના બિઝનેસના આંકડા આવ્યા પછી પાર્ટી કરી, જેમાં તેના સાથી કલાકાર ઇરફાન ઉપરાંત કંગના, આલિયા, રણવીર, અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, કરણ જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, સોહૈલ ખાન, અરબાઝખાન, મલૈકા અરોરા, વિશાલ ભારદ્વાજ, કલ્કિ કોચલિન જેવા સૌ આવ્યા હતા. એ પાર્ટીને સાર્થક કરાતી હોય એમ, ૧૩મા દિવસે તો પિકુની બોક્સ ઓફિસનો વિશ્વભરનો ગ્રોસ વકરો ૧૦૦ કરોડને પાર કરી ગયો. એ પાર્ટીમાં આવેલા શાહરૂખ ખાનને મોટાભાગના સૌ તબિયતના સમાચાર પૂછતા હતા. કારણ કે તે દિવસોમાં જ ઇન્ડસ્ટ્રીમાં એ ખબર ગરમ હતી  કે તેની આગામી ફિલ્મ ‘રઈસ’ના શૂટીંગ દરમિયાન ‘એસ આર કે’એ ઘૂંટણમાં પીડાની ફરિયાદ કરી હતી. ઘણાને એ પિક્ચરની પબ્લિસિટીનો ભાગ લાગી હતી. પરંતુ, છેવટે હકીકત એ બની કે આ સપ્તાહે જ શાહરૂખે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ થઇને ઘૂંટણનું ઓપરેશન કરાવી લીધું. તેને લીધે ડાયરી અસ્તવ્યસ્ત થવાના ચાન્સ વધી ગયા છે.

એટલે ભલે થોડાક દિવસના આરામ પછી કિંગ ખાન કામે લાગી જાય, તો પણ તેમની આગામી ફિલ્મ ‘ફૅન’ જુલાઇમાં ઇદ પર રિલીઝ થવાનું શિડ્યુલ જોખમમાં છે. એ જ રીતે પોતાની ફિલ્મ માટે ઇદનો આગ્રહ રાખતા સલમાનખાનની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ માટે પણ જુલાઇના મધ્યમાં એ પિક્ચર રજૂ કરવાનું શક્ય બનવાનું લાગતું નથી. એ સૌ ખસીને જો ૧૪મી ઓગસ્ટના મીની વેકેશન જેવા સપ્તાહમાં પહોંચ્યા, તો જબરદસ્ત ટકરાવ થઈ શકે છે. કેમ કે એ તારીખ ઑલરેડી અક્ષય કુમારની મોટી ફિલ્મ ‘બ્રધર્સ’ માટે બુક થયેલી છે. અક્ષય, શાહરૂખ અને સલમાન ત્રણની ટક્કર એક જ શુક્રવારે? અસંભવ! નિર્માતાઓ અને ડિસ્ટ્રીબ્યુટરો કોઇ રસ્તો કાઢશે. પણ નાનપણમાં આવતી વાર્તાના શિર્ષકને યાદ કરીએ તો પૂછવાનું મન થાય કે ‘કોણ કોને મારગ આપે?’
બીજો સવાલ એ પણ ખરો કે જો ‘બજરંગી...’ ઓગસ્ટ સુધીમાં તૈયાર થઈ જાય તો સલમાનને સજા થઈ તે કોર્ટના ચુકાદાના દિવસોમાં સહાનુભૂતિ વ્યક્ત કરવા ગેલેક્સી એપાર્ટમેન્ટ અને ટ્વીટરને છલકાવી દેનારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ધંધામાં એવી સિમ્પથી બતાવશે? (કે પછી ‘બાપ બડા ના ભૈયા, ધ હોલ થિંગ ઇઝ ધેટ કિ ભૈયા, સબ સે બડા રૂપૈયા’નું મહેમૂદે અમર કરેલું સૂત્ર અમલમાં મૂકશે?) સલમાન ખાને આ સપ્તાહે કરણ જોહરની ‘શુધ્ધિ’ ફિલ્મ છોડી દીધી છે અને તે રોલ હવે વરૂણ ધવન કરવાનો છે એવી જાહેરાત ખુદ ‘ભાઇજાને’ ટ્વીટર પર કરી છે. તેને લીધે એમ અંદાજ મૂકાઇ રહ્યો છે કે સલમાનને તેમના લિગલ સલાહકારોએ કદાચ હાઇકોર્ટમાંથી સજા રદ થવા કરતાં ઘટવાના ચાન્સ વધારે હોવાની સલાહ આપી હશે. શું લાગે છે?

તિખારો!
શબાના આઝમીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલવા માટે હાઇ હીલ્સની ચપ્પલ/સેન્ડલ પહેરવી ફરજિયાત કર્યાનો વાંધો લીધો છે. જો કે બહુ હોબાળા પછી ફેસ્ટિવલ તરફથી ખુલાસો થયો છે કે એવો કોઇ નિયમ નથી. પણ હાઇ હીલ્સનાં પગરખાં પહેરવાના આદેશ અંગે અભિનેત્રી એમ્લિ બ્લન્ટે તો ત્યાં સુધી કહ્યું કે તેના વિરોધમાં રેડ કાર્પેટ પર ચાલવા આમંત્રણ મેળવનાર તમામ મહિલાઓએ સપાટ પગરખાં (ફ્લૅટ ફુટવૅર) પહેરીને જ આવવું જોઇએ અને પુરૂષોએ હાઇ હીલ્સ!! (‘બ્લન્ટ’ અટક અમસ્તી થોડી હશે?!)

ઊંચી એડી તે મારા બ્લન્ટની રે!

   


Saturday, May 16, 2015

ફિલમની ચિલમ.... મે ૧૭, ૨૦૧૫

બૉક્સ ઑફિસનું અજબ-ગજબ....

‘પિકુ’નો બિઝનેસ વીક એન્ડમાં રોજ ‘પિક અપ’!સલમાનખાનની સજા હાઇકોર્ટે મોકુફ રાખી અને તેના નિવાસસ્થાનની બિલ્ડિંગ ‘ગૅલેક્સી’ સાચેસાચ ‘ગૅલેક્સી ઓફ સ્ટાર્સ’ બની ચૂકી હતી. ત્યાં જાણે કે ૧૦૦-૨૦૦ કરોડના બિઝનેસની શક્યતાવાળા કોઇ પિક્ચરનો પ્રિમિયર હોય એવું વાતાવરણ થયું હતું. એક પછી એક સ્ટાર્સ અને ફિલ્મી હસ્તિઓ જાણે રેડકાર્પેટ પર આવતી હોય એમ હજારો લોકો તેમને જોવા અને મીડિયાના કેમેરા તેમની એક એક ક્ષણને ઝડપવા (અને પછી ચાર-પાંચ સેકન્ડના એ વિઝુઅલને સતત ૨૪ કલાક બતાવવા!) હાજર હતા. લોકોએ તો ફુટપાથ અને રોડ બેઉ ભરચક કરી દીધા હતા. (છતાં થૅન્ક ગૉડ કે કોઇની લૅન્ડક્રુઝરે કોઇને હડફેટે નહતા લીધા!) ચારે બાજુ ‘સલમાન ઇઝ બૅક’ની ચર્ચા અક્ષયકુમારની તાજી રિલીઝ ફિલ્મ ‘ગબ્બર ઇઝ બૅક’ કરતાં વધારે હતી. અક્ષયકુમાર કે અજય દેવગન અને બચ્ચન પરિવાર સરખા ઘણાય ટૉપ સ્ટાર્સે સલમાનને સહાનુભૂતિનો જાહેર ઇઝહાર કર્યો નહતો, તેની પણ નોંધ લેવાઇ હતી.
 


જો કે બચ્ચન પરિવારના કિસ્સામાં તો સલમાનના આ વિવાદી અકસ્માત પ્રકરણ માટે ઐશ્વર્યાને પણ કેટલાંક તત્વો જવાબદાર ગણતાં હોવાની કોમેન્ટ્સને કારણે નારાજગી પણ હતી. બાકી હકીકત એ છે કે સલમાન સાથેના સંબંધો ૨૦૦૧માં પૂરા થયા પછી ઐશ્વર્યાએ એપ્રિલ ૨૦૦૩માં પોતાના પગે થયેલા ફ્રેક્ચરના ઇલાજ માટે હિન્દુજા હોસ્પિટલના બિછાનેથી એક સ્ટેટમેન્ટ સલમાન પ્રકરણ માટે જ ઇશ્યુ કર્યું હતું. તેમાં ‘વર્બલ, ફિઝીકલ, ઇમોશ્નલ એબ્યુઝ’ (મૌખિક, શારીરિક, લાગણીઓના દુર્વ્યવહાર) સહન કર્યાની વાત કરી હતી. ઐશ્વર્યા અંગે સલમાને વિવેક ઓબેરોયને કરેલા સંખ્યાબંધ એસએમએસના જાહેર પ્રકરણ પછીના સમયમાં ઇન્ડસ્ટ્રીમાં એવી ધાક હતી કે અંગત રીતે ઐશ્વર્યાની નજીક જવાની કોઇ હિંમત ના કરે. એવા વાતાવરણમાં અભિષેક બચ્ચનનો પ્રવેશ થાય અને ૨૦૦૭માં તે બચ્ચન પરિવારની પુત્રવધુ બની, જે ફિલ્મ ઉદ્યોગનું ‘ફર્સ્ટ ફેમિલી’ હતું/છે; જ્યાં કોઇ ખાનદાનની દખલ સંભવ નહતી.

તે પછી જ સૌ જાણે છે એમ, ઐશ્વર્યાએ શાંતિથી ગૃહસ્થી સંભાળી, માતા બની અને આજે ‘જઝબા’ ફિલ્મથી અભિનયમાં પરત આવી રહી છે. એટલું જ નહીં, પોતાની ઇન્ટરનેશનલ ઇમેજનો લાભ તે ફિલ્મને આપી રહી છે. અત્યારે તે વિશ્વ પ્રસિધ્ધ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર છે. ત્યાં એ ભારતીય સ્ત્રીઓની સ્થિતિ વિશે પોતાનું વક્તવ્ય આપશે અને ૧૯મીએ મીડિયા ઇવેન્ટ દરમિયાન ‘જઝબા’નો ફર્સ્ટ લુક જાહેર કરશે. સલમાનના વિવાદના દિવસોમાં જ આવેલી અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઇરફાનખાનની સરસ ફિલ્મ ‘પિકુ’એ કોઇપણ જાતના વિવાદના સહારા વગર પોતાની તાકાત પર ‘ડિસન્ટ કલેક્શન’ સાથે શરૂઆત કરીને ટ્રેડના પંડિતોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. કેમ કે તેનો વકરો શુક્રવારે પાંચ કરોડ હતો તે શનિવારે ૮ કરોડ અને રવિવારે તો ૧૧ કરોડ થયો હતો. 

 
નો ડાઉટ, તેના પ્રમોશન માટે અમિતાભ રેડિયો મિર્ચી પર, તો ઇરફાન રેડ એફ એમ રેડિયો પર, દીપિકા તથા ઇરફાન કપિલના કોમેડી શોમાં, દીપિકા એકલી ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ સુપર મોમ્સ’માં; એમ સ્ટાર્સ ઠેર ઠેર હાજર રહ્યા હતા. પણ એવું પ્રમોશન તો હવે દરેક પિક્ચર માટે અનિવાર્ય હોય છે. છતાં કેટલી વખત એવું બન્યું હશે કે શુક્રવાર કરતાં રવિવારે ડબ્બલ કલેક્શન મળ્યાં હોય? ટૂંકમાં, અક્ષયની ‘ગબ્બર ઇઝ બૅક’ને પહેલા સપ્તાહે ૫૦ કરોડ મળ્યાનો જેટલો આનંદ ડિસ્ટ્રીબ્યુટર્સને હશે તેના કરતાં વધારે ‘પિકુ’ના પાંત્રીસ કરોડ પ્લસના બિઝનેસનો હશે.

‘ગબ્બર ઇઝ બૅક’ને આજકાલ ડોક્ટર્સના વિરોધનો સામનો કરવાનો આવતાં એક નવો વિવાદ છેડાયો છે. તે ફિલ્મમાં મૃત્યુ પામેલા દર્દીની સારવાર કરતા હોવાનું બતાવીને ડોક્ટર પોતાનો ચાર્જ વસુલતા હોવાનું દર્શાવાયું છે. તે દાક્તરી વ્યવસાયની છાપ બગાડનારું છે; એમ માનતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અક્ષયકુમાર અને ફિલ્મના સર્જક સંજય લીલા ભણશાળીને લિગલ નોટિસ આપી છે. નોટિસ અપાયાના ન્યૂઝ ઉપરના લોકોના ઓનલાઇન પ્રત્યાઘાતોમાં ઘણાએ પોતાના સગા કે મિત્રોના દાખલા ટાંકીને લખ્યું છે કે તેમાં કોઇ અતિશયોક્તિ નથી દર્શાવાઇ. જો કે એ નોટિસનો જવાબ કે તેના ઉપરની લિગલ કાર્યવાહી પતતાં સુધીમાં તો પિક્ચર ટિકિટબારી ઉપરની પોતાની ઇનિંગ્સ પૂરી કરી દેશે. લિગલ નોટિસના સમાચારમાં આ સપ્તાહે શાહરૂખ ખાન અને જુહી ચાવલા પણ ચમક્યાં જ છેને? એ બન્નેને ‘કલકત્તા નાઇટ રાઇડર્સ’ ટીમના માલિકો તરીકે વિદેશી હુંડિયામણના કાયદા ફોરેક્સના ભંગ બદલ નોટિસ અપાઇ છે.  

નોટિસોના આ સમયમાં કરિના કપૂર પણ એક લિગલ નોટિસ આપવા તૈયાર છે. કરિનાને એક વજન ઉતારવાની ગોળીઓની જાહેરાતમાં બતાવવામાં આવતાં બેગમ સ્વાભાવિક રીતે જ ગુસ્સામાં છે. એ પોતે આરોગ્યપ્રદ આહાર અને જરૂરી કસરતોને કારણે પોતાની ‘ઝીરો ફિગર’ને મેઇન્ટેઇન કરે છે. તેમાં આવી વેઇટલોસની પિલ્સનો કોઇ સહારો એ લેતી ન હોઇ એ જાહેરાત સામે કાનૂની નોટિસ આપવા સુધીનાં પગલાં ભરવા એ તૈયાર છે. તો રણવીરસિંગને પણ તેણે કરેલી એક જાહેરાત માટે પ્રાણીઓના હક્કો માટે લડતી સંસ્થા ‘પેટા’એ નોટિસ આપી છે. એક બનિયાનની જાહેરાતમાં રણવીર આવે છે અને તે શાર્ક માછલી સાથે લડે છે. તેને લીધે પ્રાણીઓને મારવાનો પ્રચાર થાય છે. એવાં દ્રશ્યો ફિલ્મમાં બતાવવા પર તો પ્રતિબંધ છે જ; સર્કસમાં પણ એવા ખેલ બંધ કરાયા છે. ત્યારે એક બનિયાનની જાહેરાતમાં એવો સીન ક્વી રીતે ચાલે? બાય ધી વે, આમ જુઓ તો કોઇ એક્ટર આજકાલ બંડી પહેરતા નથી. દરેકને પોતાની જિમમાં બનાવેલી બોડી બતાવવી હોય છે અને તેથી શર્ટ કાઢતાં જ બનિયાન દેખાવાને બદલે છાતીના, વાળ ઉતરાવેલા. મસલ્સ જ દેખાતા હોય છે. છતાં યાદ કરો તો કેટલા સ્ટાર્સને તમે બંડીની એડમાં જોયા હતા? સલમાનખાન, રિતિક રોશન, અક્ષયકુમાર, સૈફ અલી ખાનને ડિક્સી, અમૂલ માચો, ડોલર, રૂપા એમ જુદી જુદી બ્રાન્ડની બંડીઓ વેચતા જોયા હશે. પણ એ પોતે, એટલીસ્ટ સ્ક્રિન પર તો, બનિયાન પહેરેલા ક્યાં દેખાય છે? સોચો ઠાકુર!


 તિખારો!

‘બીગ બૉસ’ની છેલ્લી સિઝન દરમિયાનનાં ગુજરાતી પ્રેમી પંખીડાં ઉપેન પટેલ અને કરિશ્મા તન્નાએ ‘નચ બલિયે’ના સેટ પર સગાઇ કર્યાની વાતો ચાલી રહી છે; ત્યારે એ બન્નેની જોડી માટેનું ટૂંકાક્ષરી નામ શું પડાયું છે, જાણો છો?...... ઉપમા!!