Saturday, September 30, 2017

ગુલે ગુલઝાર - થોડીસી બેવફાઇ



હજ઼ાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઇ સદા ન આઇ...

‘થોડીસી બેવફાઇ’નું આ ગાયન અમને તો ‘આંધી’ના ગીત “તેરે બિના જ઼િંદગી સે કોઇ શિકવા તો નહીં...” અને ‘ઇજાઝત’ના “મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...”ની ત્રિવેણીની ત્રીજી નદી હોય એવું વધારે લાગ્યું છે. કેમ કે એ ત્રણેયમાં એક બીજાથી કામચલાઉ રિસાયેલાં જ નહીં નારાજ અને અલગ થયેલાં પ્રેમીજનોની સંવેદનાઓનો પ્રવાહ એકધારો વહે છે. પણ અહીં એક ફરક નોંધવા જેવો છે. ‘આંધી’ અને ‘ઇજાઝત’ એ બન્ને કૃતિઓનું સર્જન ગુલઝારે પોતે કર્યું હોઇ, જરૂર પડે, પોતાની પંક્તિઓને યોગ્ય પ્રસંગો ફિલ્મમાં લાવવાની તેમને આઝાદી હતી. એ સ્વતંત્રતાને લીધે તેમણે કવિતાને કે તેમાંના ભાવને એડજસ્ટ કરવાની આવશ્યકતા નહીં પડી હોય. જ્યારે અહીં ‘થોડીસી બેવફાઇ’માં એ અન્ય નિર્માતા-નિર્દેશક ઇસ્માઇલ શ્રોફ માટે માત્ર ‘ગીતકાર’ હતા અને વધારામાં સંગીતકાર પણ ‘આર.ડી.’ જેવા અંગત મિત્ર નહીં, પણ ખય્યામ સરખા અત્યંત સિનિયર હતા. 


 ખય્યામ સાહેબ એટલે ‘ઉમરાવ જાન’ અને ‘બાઝાર’ જેવી ફિલ્મોમાં ગઝલને પરંપરાગત ફોર્મમાં પ્રસ્તુત કરનાર સંગીત મહર્ષિ. તેથી ફિલ્મ રિલીઝ થઈ ત્યારે અમને તો ‘થોડીસી બેવફાઇ’માં તેમણે ભુપિન્દરજી પાસે ગવડાવેલી ગઝલ “આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં, ઝિંદગી ઇતની મુખ્તસર ભી નહીં...” પણ એટલી જ ગમી હતી. (‘મુખ્તસર’ એટલે ‘નાની’ સ્મોલ!) બલ્કે, વરસના અંતે એવોર્ડ માટે અંકો ખરીદીને ‘ફિલ્મફેર’નાં પાંચ ફોર્મ ભરવાની અમારી પ્રથા અનુસાર નોમિનેશન માટે “હજ઼ાર રાહેં મુડકે દેખીં...”ની સાથે જ આ ગઝલ માટે પણ ગુલઝાર સાહેબને અમે નોમિનેટ કર્યા હતા. આ ગઝલ આમ જુઓ તો પિક્ચરના કેન્દ્રિય ભાવને પકડનારી હોઇ ટૂકડે ટૂકડે ત્રણેક વખત આવે છે. પરંતુ, એક તબક્કે તેમાં અમને રાખી સાથેના તણાવ અને તેને પગલે થયેલા અલગાવની અને સાથે સાથે ‘આપ કી કસમ’માં આનંદ બક્ષીના અણમોલ શબ્દો “જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈં જો મકામ, વો ફિર નહીં આતે...”ની ઝલક દેખાવાને લીધે પણ “આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં...” ગમતી આવી છે. બક્ષી બાબુની એ અમર રચનાને યાદ કરાવે એવા ગુલઝારના શબ્દો કયા હતા?

“કલ જો આયેગા જાને ક્યા હોગા, બીત જાયે જો કલ નહીં આતે
વક્ત કી શાખ તોડને વાલોં, ટૂટી શાખોં પે ફલ નહીં આતે...”

ગુલઝાર સાથેનું તેમનું લગ્નજીવન પુત્રીના જન્મ પછી તરતના સમયમાં તૂટ્યા પછી રાખી અભિનયની પોતાની કરિયરમાં આગળ વધ્યાં એ જાણીતી વાત છે. એ નવદંપતિ પોતાની નવજાત બાળકી મેઘનાને લઈને ‘આંધી’ના શૂટિંગ માટે તે દિવસોમાં ‘દુનિયાનું સ્વર્ગ’ કહેવાતા કાશ્મીર ગયાં હતાં. ત્યાં કશુંક એવું બન્યું કે દીકરીના શબ્દોમાં, “... ત્યાંથી પરત આવ્યા ત્યારે પરિવારનું સ્વર્ગ પાછળ છૂટી ગયું હતું...” પતિ-પત્નીના અલગાવ પાછળની એક સ્ટોરી મુજબ તો, કાશ્મીર શૂટ દરમિયાન એક રાત્રે હીરોઇન સુચિત્રાસેન સાથે ગુલઝારની કહેવાતી નિકટતાના આરોપને પગલે હોટલનો સ્ટાફ સાંભળે એવો થયો ઝગડો! પરિણામે તે જ દિવસોમાં ‘કભી કભી’ માટે લોકેશન જોવા આવેલા યશ ચોપ્રાને રાખીએ તે પિક્ચર માટે સંમતિ આપતાં કાયમી ભડકો થયો હતો. 


રાખીએ લગ્ન પહેલાં ઘર-બાળકો સંભાળવાની આપેલી કહેવાતી બાંહેધરીનો એ ભંગ હતો. પછી તો રાખીની કરિયરમાં ‘તપસ્યા’ માટે ફિલ્મફેર એવોર્ડથી માંડીને ‘કભી કભી’ ઉપરાંત ‘ત્રિશૂલ’, ‘મુકદ્દર કા સિકન્દર’, ‘જુર્માના’, ‘કાલા પથ્થર’, ‘લાવારિસ’, ‘કસ્મેવાદે’ એમ અમિતાભ બચ્ચન સાથેની સુપરહીટ ફિલ્મોની લાઇન લગાવીને એક્ટિંગ કરિયરનો પોતાનો પોઇન્ટ સાબિત કરી બતાવ્યો હતો. એટલે ‘થોડીસી બેવફાઇ’નાં ગીતો લખવાનું મળતા સુધીમાં પોતાની નારાજગી વ્યક્ત કરવા ગુસ્સામાં ઘર છોડી જનાર પત્નીના પાત્ર માટે ગુલઝારે “આજ બિછડે હૈં, કલ કા ડર ભી નહીં...”માં તેમની લેખન શૈલીથી અલગ આ પંક્તિઓ પણ લખી...

જખ્મ દિખતે નહીં અભી લેકિન, ઠંડે હોંગે તો દર્દ નિકલેગા
તૈશ ઉતરેગા વક્ત કા જબ ભી, ચેહરા અંદર સે જર્દ નિકલેગા...

જો આપણે ગુલઝારની રચનાઓથી ટેવાયા હોઇએ તો લાગે કે ‘તૈશ (ગુસ્સા) ઉતરેગા’ એવી ડાયરેક્ટ પંક્તિ લખવાને બદલે મોટેભાગે એ કશુંક અલંકારિક, સુક્ષ્મ રીતે, કહે. આપણે તો કવિ પ્રત્યેના સોફ્ટ કોર્નરને કારણે શકનો એવો લાભ આપવા તૈયાર છીએ કે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારની ફિલ્મ માટે સામાન્ય જનમાનસમાં ઝડપથી ઉતરી જાય એવા શબ્દોની કવિતા કરવાની કદાચ વ્યાવસાયિક જરૂરિયાત પણ હોઇ શકે. કારણ કે તે સમયના કોમર્શિયલ સિનેમામાં સપનામાં ગવાતું ગાયન જાણે કે અનિવાર્ય હતું અને અહીં ‘થોડીસી બેવફાઇ’માં તો ‘ડ્રીમ સિક્વન્સ’નાં બબ્બે ગીતો હતાં! આપણે જેની વાત કરીએ છીએ તે “હજ઼ાર રાહેં મુડકે દેખીં...” ઉપરાંત પણ એક ડ્યુએટ હતું. તેના પણ શબ્દો “આંખોં મેં હમને આપકે સપને સજાયે હૈં...” અમને તો ગુલઝારીશ ટચને બદલે સીધે સીધા લાગ્યા હતા. વળી એ ગાયન અત્યંત કિંમતી હીરાને મશીન પર પોલીશ કરતા રાજેશ ખન્નાને પોતાની નવપરિણિતા પત્ની ખ્વાબમાં આવે છે એવા બેકગ્રાઉન્ડ સાથેનું છે. તેથી તેમાં એક તબક્કે હીરો ગાય છે, “આંખોં કા રંગ ઢૂંઢા હૈ, હીરે તરાશ કે...”!

આમ બિલકુલ કોમર્શિયલ ગીતો લખવાની ધંધાદારી આવશ્યકતા છતાં ગુલઝાર અંતે તો લાગણીઓના કવિને? તેમણે ટાઇટલ ગીતમાં પોતાની સંવેદનાને એ જ નાજુકાઇથી પ્રસ્તુત કરી અને અમારા જેવા અનેકોને તેમની એક જ પંક્તિથી એટલા અભિભૂત કરી દીધા કે તે સાલનો ‘શ્રેષ્ઠ ગીતકાર’નો ફિલ્મફેર એવોર્ડ એ લઈ ગયા! તે એટલે સુધી કે એક બીજાથી અલગ થયેલાં પ્રિયજનોની પરત ભેગા થવાની દુવિધા માટે આજ દિવસ સુધી આના જેવી પંક્તિઓ અમને તો મળી નથી...

ઉન્હેં યે જિદ થી કિ હમ બુલાતે,
હમેં યે ઉમ્મીદ કિ વો પુકારેં
હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન
આવાઝ મેં પડ ગઈં દરારેં

આહાહાહા! ‘‘આવાઝ મેં પડ ગઈં દરારેં...” આ શબ્દોમાં વિટંબણા અને ઋજુતાનો સમન્વય અભૂતપૂર્વ છે. રિસામણાં-મનામણાં કરતાં આગળનું આ સ્ટેજ છે, જ્યારે દાંપત્યજીવનમાં કોઇ પણ કારણસર થયેલા ખટરાગ પછી સમાધાન માટે કોણ પહેલ કરે એ મુંઝવણ બન્ને પક્ષે હોય. પણ આ શબ્દોને ગીતના અંતિમ અંતરામાં મૂકીને ગુલઝારે સાચા અર્થમાં એ ડ્રીમ સિક્વન્સનું ક્લાઇમેક્સ લાવી બતાવ્યું હતું. કેમ કે અલગ થયેલાં પતિ-પત્ની વચ્ચે પસાર થઈ ગયેલા સમયને દર્શાવવા આ ગાયન મૂકવામાં આવ્યું છે. એ રીતે જુઓ તો, શરૂઆતની પંક્તિઓ જ બેઉ પક્ષના પસ્તાવાના ભાવને સરસ રીતે વ્યક્ત કરે છે... “હજ઼ાર રાહેં મુડ કે દેખીં, કહીં સે કોઇ સદા ન આઇ...” એ પુરૂષ-પ્રશ્નના જવાબમાં મહિલા કહે છે, “બડી વફા સે નિભાઇ તુમને હમારી થોડીસી બેવફાઇ...” કોઇની બેવફાઇને વફાદારીપૂર્વક નિભાવવાનું કહીને ગુલઝારે એક પાત્રની ભૂલને જીવનભર મનમાં ભરી રાખવાના અન્યના હઠાગ્રહ માટે વિરોધાભાસી કાવ્ય રચના કરીને અદભૂત ચમત્કૃતિ સર્જી હતી. અલગ રહેતાં પતિ-પત્નીના સંવાદ જેવું આ કાવ્ય બેઉની સમાન મનોદશાને પ્રથમ અંતરામાં આમ વ્યક્ત કરે છે, “જહાં સે તુમ મોડ મુડ ગયે થે, વો મોડ અબ ભી વહીં પડે હૈં...”


તેના જવાબમાં પત્ની પોતાની મજબુરી કેવી રીતે કહે છે? “હમ અપને પૈરો મેં જાને કિતને ભંવર લપેટે હુએ ખડે હૈં...” સમયના જે વળાંકે બેઉ અલગ થયાં હતાં એ સ્થિતિએ પોતે હજી રાહ જુએ છે એમ કહેતો પતિ અને સામે અંગત અને સામાજિક સંજોગોના વમળમાં ગૂંચવાયેલી પત્ની. આ પંક્તિઓ સપનામાં આવતા યુવાનીના દિવસોમાં ગવાય છે. તેમાં હીરો રાજેશ ખન્ના પોતાનું સુપરસ્ટારપણું  બતાવવાની લાલચ રોકી શકતા નથી. આટલા ગંભીર ગાયનમાં પણ એ પોતાની સ્ટાઇલમાં કમર પર હાથ મૂકવાનું અને જેના પર તે સમયની યુવતિઓ વારી જતી એ આંખ પલકાવીને સ્મિત કરવાની અદા ચૂક્યા નથી! પછીની પંક્તિઓમાં ગુલઝાર હિન્દી ફિલ્મોના કોઇ સામાન્ય ગીતકાર જેવી શાયરી કરે છે, જ્યારે એ લખે છે, “કહી કિસી રોજ યું ભી હોતા, હમારી હાલત તુમ્હારી હોતી...” એમ કિશોર કુમારના અવાજમાં આવતા સવાલના ઉત્તરમાં “જો રાતેં હમને ગુજારી મર કે વો રાતેં તુમને ગુજારી હોતીં...” એમ લતા મંગેશકરના સ્વરમાં સંભળાય.

લતાજીના અવાજની પેલી ખુબી આ ગાયનમાં કાને ઉડીને વળગે એવી છે કે જાણે કે ખુદ શબાના આઝમીએ જ ગાયું હોય એવો સહેજ નેસલ ટોનવાળો અવાજ કાઢ્યો છે. જ્યારે કિશોર કુમારે તો આ ગીત એટલી સરસ રીતે ગાયું છે કે ડ્યુએટ હોવા છતાં તેમને આ જ ગાયન માટે ‘બેસ્ટ પ્લેબેક સિંગર’નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ખાસ કરીને છેલ્લા અંતરામાં દંપતિના અલગાવને હવે ખાસ્સો સમય વીતી ગયો હોવાનું સ્થાપિત કરવાનું હોઇ ખય્યામ સાહેબે  સ્વર ઊંચા રખાવ્યા હતા. સમયનો અંતરાલ દર્શાવવા રાજેશ ખન્ના આ પંક્તિઓમાં ‘દાગ’ના હીરોની અદામાં ભરાવદાર મૂછો સાથે હાજર છે. જ્યારે શબાનાજી ‘કોરા કાગઝ’નાં જયા ભાદુરીની જેમ ચશ્માં ચઢાવીને વધેલી ઉંમરનો એહસાસ કરાવે છે. વિતેલા સમયની નિશાની રૂપે ખય્યામ સાહેબના ઊંચા સૂરોને કિશોરદાએ ખુલ્લા ગળે ગાયા, “ઉન્હેં યે જિદ થી કિ હમ બુલાતે, હમેં યે ઉમ્મીદ કિ વો પુકારેં...” અને લતાજી એ જ પીચમાં પેલી પંચલાઇન ગાય,  “હૈ નામ હોઠોં પે અબ ભી લેકિન, આવાઝ મેં પડ ગઈં દરારેં...”!
 
ક્યારેક વિચારી જો જો. એક સમયની અતિગમતી પણ હાલ રિસાયેલી વ્યક્તિને ફરીથી બોલાવવાની ગળા સુધી ઇચ્છા હોય છે ને? છતાં અહમ કરવત લઈને હાજર હોય, જે એવી તિરાડ કરે કે ગળામાંથી અવાજ નીકળે જ નહીં...અર્થાત પહેલ કરવાનું ટાળો. પણ એ મનોસ્થિતિને આટલી ખૂબસુરતીથી આપણા વતીથી અભિવ્યક્ત અગાઉ કોઇએ કરી હતી કે? ટૂંકમાં, “આંખોં કી મેહકતી ખુશ્બુ” જોનારા કવિએ જ અવાજમાં પડતી તિરાડોની ઉપમા સર્જી. તેમજ ફરીથી શ્રોતાઓ માટે એ જાણવાનું સરળ કરી આપ્યું કે માનવીય સંબંધો અને સંવેદનાઓ માટે અસામાન્ય કલ્પનોની કવિતાનો ગુલઝારનો સ્ટેમ્પ આગવો જ હોય છે, જો ધ્યાનથી સાંભળીએ તો!
 ખાંખાખોળા!
કલ્પના થઈ શકે છે? ગુરૂદેવ ટાગોર પણ એક સાબુની જાહેરાતમાં?!!

Saturday, September 23, 2017

ગુલે ગુલઝાર - ઇજાઝત


 મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...  

‘શોલે’ જેવી સુપરહીટ ફિલ્મ વિશે લખવાનું કોઇ કહે તો આજે શું નવું લખી શકાય? ગુલઝારનું આ ગીત ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..'' પણ હિન્દી ફિલ્મ-સંગીતમાંની કવિતાના ભાવકો માટે ‘શોલે’થી કમ નથી.  જેમ કે ગુલઝાર અને મ્યુઝિક ડીરેક્ટર આર.ડી. બર્મનની જોડીના ચાહકોને એક સવાલ પૂછો કે “શું ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની હેડલાઇનની કે તેના રિપોર્ટની ગાવાલાયક ધૂન બની શકે?” અને તરત એ સૌ સમજી જાય કે ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..''નો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. કેમ કે ખુદ ગુલઝાર કહે છે કે આ ગાયન કરતાં તેના સર્જનની વાત વધારે જાણીતી છે! 

એ ઐતિહાસિક ઘટના મુજબ તો, પહેલી વખત આ ગીતને જોઇને પંચમદા સમજ્યા હતા કે ગુલઝાર ડાયલોગની શીટ લઈ આવ્યા હશે. પણ કવિએ ખુલાસો કર્યો કે આ સંવાદો નથી, તેમની કવિતા છે અને તેને સંગીતબધ્ધ કરવાની છે. ત્યારે ‘આર.ડી.’ અકળાયા અને બોલ્યા, “કાલે ઉઠીને તો તું ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની હેડલાઇનની કે તેના રિપોર્ટની ધૂન બનાવવાનું કહીશ, તો એ મારે બનાવવાની?” એ યાદગાર ક્વોટ બોલવામાં પંચમદાનો ક્યાં કોઇ વાંક હતો? કેમ કે એ રચનાની કેટલીક પંક્તિઓને તો ગાયનમાં છેવટે ખુદ ગુલઝારે પણ ન રાખી. તેને ફિલ્મમાં નસીરભાઇના મુખે બોલાવડાવી છે. તેમાં એક જમાનામાં સાયકલ પર ડબલ સવારી જનારને કે રાત્રે લાઇટ અને તેને સળગતી રાખનાર ડાયનેમો ન હોય તો પોલીસ દંડનું ચલાન કરતી હતી; તેને યાદ કરીને કવિએ કવિતામાં આ પંક્તિઓ પણ લખી હતી....
એક દફા વો યાદ હૈ તુમ કો,
ન બત્તી જબ સાયકલ કા ચાલાન હુઆ થા,
હમને કૈસે ભૂખે-પ્યાસે બેચારોં સી એક્ટિંગ કી થી,
હવલદારને ઉલ્ટા ઇક અઠન્ની દેકર ભેજ દિયા થા,
એક ચવન્ની મેરી થી
વો ભિજવા દો...!

ઉપરની પંક્તિઓ કાઢીને ડાયલોગમાં મૂકી દેવા છતાં ગુલઝારની આ કવિતા લાંબી હતી. વળી, તેમાં એક સંગીતકાર લય માટે શોધે એવા પ્રાસવાળા શબ્દો નહોતા. દેખીતું હતું કે વર્ષોથી હિન્દી સિનેમાના મોટાભાગના મ્યુઝિક ડીરેક્ટર્સ ગાયનોમાં બે પંક્તિને અંતે ‘કલિયાં’-‘ગલિયાં’, ‘આયેંગે’-‘જાયેંગે’ એમ કાફિયા મળેલાં સરળ ગીતોથી ટેવાયેલા હતા. ખાસ કરીને આ ‘ઇજાઝત’ બની એ ૧૯૮૭-૮૮ના સમયમાં તો ‘દીવાના’, ‘પરવાના’ ‘મસ્તાના’ની ખીલેલી મોસમ હતી. તે દિવસોમાં ગુલઝારે લગભગ જેને અછાંદસ કહી શકાય એવી મુક્ત કવિતા લખી હતી. એવા કાવ્યસ્વરૂપનો પ્રયાસ કરવો એ આપણા ફિલ્મ સંગીતનો એક અગત્યનો માઇલસ્ટોન હતો. હા, જ્યાં શક્ય બન્યું ત્યાં તેમણે કાફિયા મિલાવ્યા પણ ખરા. પરંતુ, એવા કોઇ નિયમને વળગી રહેવાને બદલે ગુલઝાર સંવેદનાઓને વફાદાર રહ્યા. તેમણે શરૂઆતમાં ''મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ.. '' એ પંક્તિમાં ‘સામાન’ જેવો રોજબરોજની ભાષાનો શબ્દ વાપર્યો હોઇ પ્રથમ વખત ગીત સાંભળો તો અંદાજ ન આવે કે તેમાં કોઇ કપડાં-લત્તાં કે સરસામાનની નહીં પણ લાગણીઓની ઉઘરાણી છે! પણ પછી ‘લગેજ’નું લિસ્ટ શરૂ થાય છે... 
સાવન કે કુછ ભીગે ભીગે દિન રખે હૈં,
ઔર મેરે ઇક ખત મેં લિપટી રાત પડી હૈ,
વો રાત બુઝા દો,
મેરા વો સામાન લૌટા દો...”
  

શું ઑફબીટ પંક્તિઓ છે! ‘વો રાત બુઝા દો’  આ શબ્દો ગુલઝારે કેવા સંદર્ભે લખ્યા છે, એ પણ તેમણે પોતે એક પાકિસ્તાની એન્કરને મુંબઈમાં આપેલી મુલાકાતમાં કહેલું છે, તે ધ્યાનમાં રાખીશું તો અર્થઘટનની સરળતા રહેશે. ફિલ્મ જોનાર સૌને ખબર છે કે, તેની વાર્તા ‘પતિ, પત્ની ઔર વોહ’ પ્રકારના એક વિશિષ્ટ પ્રણયત્રિકોણની છે... જેને ‘પતિ, વોહ ઔર પત્ની’ કહેવી વધારે યોગ્ય ગણાય. કારણ, સ્ટોરીમાં મહિલા ‘લીવ-ઇન-પાર્ટનર’ની હરકતો કેન્દ્રમાં છે. તે ‘માયા’ (અનુરાધા પટેલ)ના બિન્દાસ વર્તનને કારણે પત્ની ‘સુધા’ (રેખા) નારાજ રહે છે. ‘સુધા’ અને ‘માયા’ વચ્ચે સમતોલન કરવા મથતા પતિ ‘મહેન્દર’ (નસીરુદ્દીન શાહ)ના ઘરમાં ‘માયા’ની સ્મૃતિઓ તાજી કરાવતી ચીજોમાં તેણે લખેલી કવિતાઓ પણ છે. પરંતુ, પત્ની તેને ‘લવલેટર્સ’ સમજે છે. એ કાગળો અને બીજો જે કાંઇ નાનો-મોટો સામાન પતિ પાસે હતો તેને, ઘરમાં શાંતિ સ્થાપવા, દંપતિએ પરત ‘માયા’ને મોકલી આપ્યો. તેના રિસ્પોન્સમાં માયા જે પત્ર લખે છે, તે આ ગીત! ગુલઝાર કહે છે કે લીવ-ઇન-પાર્ટનર્સની જે ઇન્ટિમસી હોય તેની યાદ તાજી કરાવવા ખુલ્લેઆમ કશું લખવાને બદલે ‘માયા’ આડકતરી રીતે (‘ઇશારોં ઇશારોં મેં’) કહે છે. કેવી રીતે? ગુલઝારજી કહે છે કે ‘લીવ-ઇન-પાર્ટનર’ના સહવાસથી ‘માયા’ની રાતો રોશન થઈ હતી. એ સાથીદારની અંગતતાથી પ્રાપ્ત પ્રેમથી ઝળહળ થયેલી એ રાતો હજી તેના સંવેદનતંત્રમાં અકબંધ છે. ઉઘરાણી એ વાતની છે કે એ રોશન રાતોને બુઝાવી આપ! 


ગુલઝારના કહેવાનો મતલબ અમે એવો સમજ્યા છીએ કે એક ઇન્ટિમેટ સંબંધથી કોઇ નારીના સમગ્ર અસ્તિત્વમાં જે રોશનીનો અનુભવ થાય છે, તે કાયમી હોય છે. એ સ્ત્રી માટે એક અંતરંગ સંબંધ પહેલાંની સ્થિતિએ પરત પહોંચવું એ પાર્સલમાં બાંધીને સામાન કોઇની સાથે પરત મોકલી દેવા જેવું સરળ કામ નથી હોતું. આ આખી કવિતા એક પુરૂષ અને સ્ત્રીના અંગત (શારીરિક પણ) સંબંધોને વર્ણવે છે, એ જેમ જેમ કવિતા આગળ વધે છે એમ સમજાય છે. એ રીતે આને ‘એ’ સર્ટિફિકેટવાળું ગીત પણ કહી શકાય! પણ આગળ વધીએ તે પહેલાં ફિલ્મમાં આ ગાયન આવે, તે પહેલાં આ ‘પત્ર’ દંપતિ પાસે કેવી રીતે પહોંચે છે તે જોઇએ તો ‘આંધી’ના એક સીનનું સ્મરણ તાજું થઈ જાય. યાદ છે ને? ‘આંધી’માં હોટલ મેનેજર સંજીવકુમારને પોતે બાપ બનવાના છે એ ન્યૂઝ પોતાની પત્ની (સુચિત્રાસેન) ઘેરથી તાર કરીને ઓફિસે જણાવે છે! તે ખબર એક લોકલ ફોનથી પણ આપી શકાઇ હોત. અહીં ‘ઇજાઝત’માં પણ ‘માયા’ આ લાંબી કવિતાનો પત્ર નહીં, શબ્દે શબ્દના પૈસા ખર્ચવા પડે એવો મોંઘો ટેલીગ્રામ મોકલે છે! 

તેનો અમે તો અર્થ એ જ કરીએ છીએ કે ગુલઝાર કહેવા માગતા હશે કે કવિના શબ્દો કાંઇ પચીસ-પચાસ પૈસાના કવરમાં જાય એવા સસ્તા થોડા હોય?  અને તે પણ ગુલઝારની કલમેથી નીકળેલા આવા શબ્દો?...
પતઝડ હૈ કુછ...હૈ ના?
પતઝડ મેં કુછ પત્તોં કે ગિરને કી આહટ
કાનોં મેં એક બાર પહન કર લૌટ આઈ હૈ
પતઝડ કી વો શાખ અભી તક કાંપ રહી હૈ
વો શાખ ગિરા દો
મેરા વો સામાન લૌટા દો...

‘પતઝડ’ એટલે કે પાનખરની ઋતુમાં પાંદડાં ખરવાનો અવાજ આવે અને કોઇના (પ્રેમી/પ્રેમિકાના) પગરવના  ભણકારા લાગે (આહટ થાય) એ કલ્પના જ કવિતાપ્રેમીઓને વસંતોત્સવ જેવી લાગે. પરંતુ, હજી ગુલઝારની કલમના રંગ ઓર નિખરવાના બાકી છે. એ પછી એ આહટને પોતાના કાનમાં પહેરવાનું કોઇ ઘરેણું હોય એમ ઇમેજ કરે છે. આહટ એકવાર આવીને પાછી ડાળીએ જતી રહી છે. પરંતુ, પાનખરમાં પાંદડાં ખરવાની પ્રક્રિયા ચાલુ છે, ડાળી હજી ધ્રુજે છે, પાન ખરી શકે છે. મતલબ કે હજી તારા આવવાના ભણકારા મને સંભળાવાના છે. અહીં ગુલઝાર સાથે શાયર કૈફી આઝમીના શબ્દોને પણ યાદ કરીએ તો આ પંક્તિઓનું અર્થઘટન વધારે બંધ બેસશે. કૈફી સાહેબના, લતાજીએ મદનમોહનના સંગીતમાં ગાયેલા, અલ્ફાઝ ક્યારેક મોડીરાત્રે સાંભળજો; તો “પતઝડ મેં કુછ પત્તોં કે ગિરને કી આહટ...” નો લુત્ફ ઓર આવશે. કૈફી આઝમીએ ‘હકીકત’ ફિલ્મ માટે ઠેઠ ૧૯૬૪માં લખેલી આ પંક્તિઓ આજે ૫૦ વરસ કરતાં વધુ સમય થયો હોવા છતાં કાનમાં પહેરી રાખવાનું મન થાય એવી છે ને?...
જરા સી આહટ હોતી હૈ, તો દિલ સોચતા હૈ,
 કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં...”!
 

   
    
આહટ કે ભણકારા કેમ થાય છે તેનો ખુલાસો મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..''ના પછીના અંતરામાં થાય છે, ત્યારે ‘લીવ-ઇન’ના સહવાસની યાદો વધારે માદક બને છે.‘માયા’ લખે છે,
“એક અકેલી છત્રી મેં જબ આધે આધે ભીગ રહે થે
આધે સુખે, આધે ગીલે,
સુખા તો મૈં લે આઈ થી
ગીલા મન શાયદ બિસ્તર કે પાસ પડા હો
વો ભીજવા દો,
મેરા વો સામાન લૌટા દો...”  

વરસાદમાં પલળેલાં હીરો-હીરોઇન વર્ષોથી હિન્દી પિક્ચરનાં અભિન્ન અંગ રહ્યાં છે. એક જમાનામાં જ્યારે “રૂપ તેરા મસ્તાના...” જેવું ગાયન આવ્યું, ત્યારે ટીકાઓ થતી હતી કે નાયક-નાયિકાના નિકટ શારીરિક સંબંધ વિશે એ હદે જવા કરતાં તેની કલ્પના કરવાનું પ્રેક્ષકો માટે છોડવું જોઇએ. અર્થાત વાર્તામાં આવતી એવી ઘટનાને સર્જકોએ કળાત્મક રીતે પ્રસ્તુત કરવી જોઇએ. (જો કે આજની ફિલ્મોમાં એવાં દ્દશ્યોમાં એટલી સ્પષ્ટતાઓ લાવી દેવાઇ છે કે કાવ્યાત્મક રીતે કશુંય કહેવાની કોઇ જગ્યા જ નથી રહી!) ગુલઝારે આખા કાવ્યમાં ઇશારાથી જ કહેવાનું રાખ્યું છે. (પેલા ઇન્ટરવ્યૂમાં ગુલઝારે પાકિસ્તાની એન્કરને કહ્યું હતું કે “બરસાત મેં ભીગ કર જો રાત તુમ્હારે સાથ ગુજારી થી વો અભી તક રોશન હૈ... વર્ના તો રાત બુઝાઇ નહીં જા સકતી. તપસીલ મેં બતાને કે બજાય ઇશારોં મેં બતા દિયા.)


જો શબ્દોને ધ્યાનથી જોઇએ તો, દૈહિક નિકટતાને તો ગીતમાં જોઇ જ શકાય છે. પરંતુ, ક્રિએટિવ દ્દષ્ટિએ પણ છત્રીમાં ‘સંબંધ’નું પ્રતિક નથી મળતું? લોકો છત્રી કે રેઇનકોટ વગર હરતા-ફરતા આખા પલળવાનો આનંદ લેતા હોય છે. પરંતુ, અહીં સંબંધની છત્રી એવી છે કે આખા પલળવાનું કે સમગ્ર રીતે કોરા રહેવાનું બેમાંથી એકેય શક્ય નથી. બન્ને પાત્રો પ્રેમથી ભીંજાયેલાં છે અને છતાં કોરાં પણ છે. એટલે ‘માયા’ જ્યારે પોતાના મન માટે “શાયદ બિસ્તર કે પાસ પડા હો...” એમ કહે છે, ત્યારે તેમાં ‘બિસ્તર’ બન્નેના સંબંધોમાં અસ્તિત્વ ધરાવતી  માદકતાને સૂચવે છે. આ અર્થઘટન હજી વધારે સ્પષ્ટ થાય છે, અંતિમ અંતરામાં. હવે ‘માયા’ ડિટેઇલિંગ પણ કરે છે...
એક સો સોલહ ચાંદ કી રાતેં,
ઇક તુમ્હારે કાંધે કા તિલ
ગીલી મેંહદી કી ખુશ્બુ,
ઝૂટ-મૂટ કે શિકવે કુછ
ઝૂટ-મૂટ કે વાદે ભી સબ યાદ કરા દું
સબ ભિજવા દો,
મેરા વો સામાન લૌટા દો...

આ અંતરામાં ૧૧૬ રાતોનો આંકડો કેમ લખાયો હશે? આ રહસ્યના બે ઉકેલ મળે છે. એક અભ્યાસીના મતે આ ગાયન ગુલઝારનું ૧૧૬મું ગીત હોવાથી. તો વળી ક્યાંક એ પંચમદા માટેનું કવિનું ૧૧૬મું ગીત હતું એમ પણ કહેવાયું છે. પરંતુ, એ રેકોર્ડ અને સ્ટેટિસ્ટિક્સની વાત છે અને ગુલઝારની રચનાઓનો સ્વભાવ જોતાં તે એવાં ગતકડાં કરનારા શાયર નથી. ગુલઝાર પોતે તો એમ કહીને એ રહસ્યને ટાળી દે છે કે આંકડાનું મહત્વ નથી. અગત્યની વાત એ છે કે પ્રેમમાં પડેલું એક જણ ચાંદ કી રાતોનો હિસાબ રાખે છે! જો કે અમને ગમે એવો એક અન્ય ખુલાસો એ છે કે ચાર મહિનાના ૧૨૦ દિવસ હોય અને તેમાં આવતી ૪ અમાસને બાદ કરો તો ‘૧૧૬ ચાંદ કી રાતેં’નો તાળો બેસી શકે છે. એ જરૂરી પણ છે. કેમ કે અહીં ‘માયા’ વિગત સાથે વાત કરે છે, જેમાં તે પોતાના સાથીદારનું ખુલ્લું બદન જોયાની નિશાની આપે છે. તે પ્રિયતમના ખભા પરના એક તલનો ઉલ્લેખ કરે છે. એવા ઝીણા શારીરિક અવલોકન માટે ચંદ્રમાનું અજવાળું પ્રેમીજનોને સારું હાથવગું હોય છે! પ્રણયમાં સાચા-ખોટા વાયદા કે છેડછાડ (ટિઝિંગ) કરવા કરાતી ફરિયાદો વગેરેનો આનંદ પણ અનેરો હોય છે. એ સહિતની બધી લાગણીઓની ઉઘરાણીઓ કર્યા પછી, ગુલઝાર તેમની ટ્રેડમાર્ક પંચલાઇન સાથે ગીત આ શબ્દોમાં પૂરું કરે છે...
એક ઇજાઝત દે દો બસ, જબ ઇસકો દફનાઉંગી
મૈં ભી વહીં સો જાઉંગી, મૈં ભી વહીં સો જાઉંગી...

ઇજાઝત’ શબ્દને કારણે ગાયનને ફિલ્મનું ટાઇટલ સોંગ કહી શકાય. પરંતુ, વાર્તામાં પણ એ પંક્તિઓ કેવી સરસ ફીટ થાય છે! ‘માયા’ને લીવ-ઇનના પોતાના એ સાથી પાસેથી ગણાવ્યો એ બધો સામાન પાછો મળી જાય, મતલબ કે સામું પાત્ર તેના જીવનમાંથી સદંતર બાદ જ કરી દે, તો પોતે જીવી નહીં શકે એમ સ્પષ્ટ કરે છે. એ જ સંદર્ભે તે ઉત્કટ પ્રેમને દફનાવવાની સાથે પોતાને ત્યાં જ સૂઇ જવા દેવાની પરવાનગી માગે છે. તેનો એક અર્થ એ થાય કે એ પ્રેમસંબંધની ખટ-મધુરી યાદો પણ નહીં રહે તો તેના જીવનમાં જીવંતતા (લાઇવ્લીનેસ) નહીં રહે. પરંતુ, વાર્તામાં તો જ્યારે બે પ્રેમીપંખીડાં વચ્ચે સંબંધને લઈને મોટી ચડભડ થાય છે, ત્યારે ખરેખર જ અકળાયેલી ‘માયા’ બાઇક લઈને પુરપાટ નીકળી પડે છે અને એક અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેથી એ શાબ્દિક અર્થમાં પણ ‘દફન’ સાથેની સાર્થક કવિતા સાબિત થાય છે. આ ગાયન તેના પાત્ર ‘માયા’ની આઇડેન્ટિટિ જેવું છે. આ કવિતાના શબ્દો તારમાં વાંચીને નસીરુદ્દીન શાહ બોલી ઉઠે છે, “ધીસ ઇઝ માયા!” એ રીતે જુઓ તો ‘ઇજાઝત’ અનુરાધા પટેલની ફિલ્મ કહેવાય.



અનુરાધાને આ ભૂમિકા માટે તે વરસના ‘ફિલ્મફેર એવોર્ડ’માં ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ના વિભાગમાં નોમિનેશન મળ્યું હતું. એવોર્ડ જો કે ‘ખૂન ભરી માંગ’ માટે સોનુ વાલિયાને મળ્યો હતો. આ એક ગીત તેના ઓળખકાર્ડ જેવું છે. બાકી અનુરાધા પટેલને અશોક કુમારની દીકરીની દીકરી તરીકે કે પછી ટીવી સ્ટાર કંવલજીતસિંગની પત્ની તરીકે ઓળખનારાઓ પણ ઓછા નહીં હોય. આ ગાયનની ધૂન બનાવવા જ્યારે આર.ડી. બર્મન પેલી ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’વાળી રકઝક કરતા હતા અને સૌ ગૂંચવાયેલા હતા કે આ છાંદસ રચનાને ગાવી કેવી રીતે?
ત્યારે આશા ભોંસલે “મેરા વો સામાન લૌટા દો...”ની ધ્રુવ પંક્તિ પોતાના લહેંકામાં ગણગણતાં હતાં. એટલે પંચમદાના કાન સરવા થઈ ગયા. તેમણે એ પંક્તિનો ઢાળ પકડી લીધો. એ શબ્દો માટે આશાજીએ ગાયેલા સૂરને જ અકબંધ રાખ્યા અને પછી તેના પર આવવા માટે શરૂઆતની તર્જ બનાવી. આમ સર્જનની પ્રક્રિયા ઉંધેથી શરૂ કરી અને છતાં પરિણામ? એક અમર રચનાનું સર્જન થયું. તેને સ્ક્રિન પર ગાનાર અનુરાધાને તો કોઇ એવોર્ડ ન મળ્યો. પરંતુ, શાયર ગુલઝારને ‘શ્રેષ્ઠ ગીતકાર’ની ફિલ્મફેર ટ્રોફી મળી. એટલું જ નહીં, નેશનલ એવોર્ડ્સમાં પણ આ જ ગીત માટે તે પુરસ્કૃત થયા. ત્યાં રાષ્ટ્રીય પુરસ્કારોમાં તો ગાયિકા આશા ભોંસલેને પણ આ જ ગાયન માટે ‘શ્રેષ્ઠ ગાયિકા’નો એવોર્ડ મળ્યો. આ ગીત માટે ગુલઝાર કાયમ કહેતા હોય છે કે “પંચમને ખીર પકાઈ ઔર મૈંને ઔર આશાજીને ખાઇ!”
(ઔર હમને ઉસ ખીર કા આજ સ્વાદ ચખ્ખા...કૈસી રહી?!)


 ખાંખાખોળા!

હીરો થવા મુંબઈ આવેલા રૂપાળા પંજાબી યુવાન પ્રેમ ચોપ્રાને ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના સર્ક્યુલેશન વિભાગમાં કામ કરતાં કરતાં મળી એક ફિલ્મ ‘વો કૌન થી?’ અને તેને પગલે એક જાહેરાતમાં પણ ચમકવા મળ્યું હતું. છે ને કુલ કુલ?


Saturday, September 16, 2017

ગુલે ગુલઝાર - ‘આંધી’




‘તેરે બિના જિંદગી સે કોઇ, શિકવા તો નહીં...’




હિન્દી ફિલ્મ સંગીતે પ્રેમીઓ અલગ થાય ત્યારની અલગ અલગ લાગણીઓને વ્યક્ત કરવા કેવાં કેવાં ગીતો આપ્યાં છે! તેમાં “આંસુ ભરી હૈ યે જીવન કી રાહેં, કોઇ ઉનસે કહ દે હમેં ભૂલ જાયેં....” અને “તુમ સે બિછડકે ચૈન કહાં હમ પાયેંગે”થી માંડીને “ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના...” જેવાં અનેક ગાયનો છે. પરંતુ, એવા અલગાવની પીડાને વધારે પડતા ભાવુક થયા વગર ગુલઝારની કલમે ‘આંધી’ના આ ગીત “તેરે બિના જિંદગી સે કોઇ શિકવા તો નહીં, તેરે બિના જિંદગી ભી લેકિન જિંદગી તો નહીં....” માં એક નિખાલસ કબુલાતના શબ્દોમાં વહાવી છે. એ પંક્તિઓની કમાલ એ છે કે પ્રેમગીત હોવા છતાં તેનું સંધાન ‘સંબંધ’ સાથે હતું. કેમ કે પ્રિયજનોમાં માત્ર પ્રેમીઓ જ નહીં, મિત્રો, સંતાનો, સહકર્મચારીઓ, સગાં-સંબંધી... એમ એ યાદી લંબાવવી હોય એટલી વિસ્તરી શકે એમ છે. એવી કોઇ અંગત વ્યક્તિ સાથેથી જુદા પડ્યા પછી પણ જીવન તો ચાલતું જ રહેતું હોય છે; પરંતુ, વો બાત કહાં? એ વાસ્તવિકતા તિરાડ પડેલા કયા સંબંધમાં નહીં હોય? તેને વાસ્તવિકતાની ધરતી પર રહીને મૂલવતી એ પંક્તિઓ હૈયાની અધખુલી બારીમાંથી આવતી વિરહ-વેદનાની એવી લહેરખી છે કે શાલ-સ્વેટર લેવા જવાને બદલે જરા જોરથી અદબ વાળીને તે ટાઢ સહન કરવાનું મન થાય. આ વિશિષ્ટ સંવેદનાનો અનુભવ સિને-સંગીતના ભાવકોએ અગાઉ કદાચ કર્યો નહોતો.

તેથી ૧૯૭૫માં આવેલું ‘આંધી’નું એ ગીત સાંભળતાં હર કોઇના હૈયાના તાર હળવેથી રણઝણી જતા હોય છે અને કોઇ આશ્ચર્ય નથી કે આજે દાયકાઓ પછી પણ તમામ ઉંમરના શ્રોતાઓ યાદોની બારીએ બેસીને પોતાની કસકને સહેલાવતા આવ્યા છે. કવિના શબ્દો સમયાતીત હોવાના કેટલાય દાખલા ગુલઝાર સાહેબની રચનાઓમાં છે. પણ તેમાં આ ગીત શિરમોર છે. અલબત્ત, તેમાં તેમના પોતાના અંગત જીવનમાં સર્જાયેલા વાવાઝોડાની ડમરી પણ તેમની કલમને ચોંટેલી અનુભવી શકાય છે. પણ એ કાંકરી બનીને આપણી આંખ લાલ થઈ જાય એ રીતે તેને નીચોવી નથી કાઢતી. શ્રોતાઓને જાણ પણ ન થાય એટલી સાહજકિતાથી તેમના અસ્તિત્વને વાછંટની ભીનાશનો અદભૂત અનુભવ કરાવે છે. ગુલઝારના અંગત જીવનમાં ’૭૫નો એ સમય, સૌ જાણે છે એમ, ભારે ઉથલપાથલનો હતો. તેમનાં લગ્ન ૧૯૭૩માં થયાં, ’૭૪માં પુત્રી મેઘનાનો જન્મ અને વરસમાં તો પતિ-પત્ની અલગ થઈ ગયાં હતાં! 



એવા એ દિવસોમાં ‘આંધી’ ફિલ્મનાં પાત્રો માટે  લખવામાં આવેલું આ ગીત, ખાસ કરીને શરૂઆતની પંક્તિઓ, ગુલઝારની અંગત વેદનાને પણ વ્યક્ત કરવાનું એક ક્રિએટિવ પ્લેટફોર્મ બન્યું હશે. બલ્કે એમ માનવાનું પણ મન કાયમ થયું છે કે ‘આંધી’ ફિલ્મ અને તેની વાર્તાના સ્ક્રિનપ્લેનું સર્જન તેમણે પોતાના હૈયાને ખાલી કરવા -કથાર્સિસ માટે- કર્યું હશે. (તેમના લખેલા ‘આંધી’ના સંવાદોમાં એક તબક્કે સંજીવકુમાર પત્ની બનતાં સુચિત્રાસેનને કહે છે, “મેરા પતિ બનને કી કોશીશ મત કરના’’ એમાં પણ અમને તો રાખી સાથેના અલગાવની પૂર્વભૂમિકા સંભળાઇ હતી!) બાકી નિર્માતા જે. ઓમપ્રકાશે તો ગુલઝારને અન્ય એક લેખક સચિન ભૌમિકની વાર્તા પરથી બનનારી ફિલ્મને ડાયરેક્ટ કરવાની ઓફર કરી હતી જેને માટે નાયિકા તરીકે સુચિત્રાસેનને સાઇન કરેલાં હતાં. પરંતુ, સ્ટોરી વાંચ્યા પછી ગુલઝારે કહ્યું કે જો સુચિત્રાજી જેવાં ધરખમ અદાકારા ઉપલબ્ધ હોય તો, તેમની ટેલેન્ટને રૂટિન હિન્દી પિક્ચર બનાવવામાં વેડફવાને બદલે સ્ત્રીપ્રધાન સ્ક્રિપ્ટ આપવી જોઇએ. પ્રોડ્યુસર જે. ઓમપ્રકાશ પણ ‘આઇ મિલન કી બેલા’, ‘આયે દિન બહાર કે’, ‘આયા સાવન ઝુમ કે’ જેવી સુપરહીટ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. તેમને ગુલઝારે હિન્દીના એક સિધ્ધહસ્ત લેખક કમલેશ્વરજીની વાર્તા ‘કાલી આંધી’ સૂચવી. તેમાં જાહેરજીવનની કરિયરને લગ્નજીવન જેટલી જ (કદાચ વધારે!) અગત્યની માનતી સ્વમાની મહિલા કેન્દ્રમાં હોઇ, નિર્માતાએ તેની ફિલ્મ બનાવવા સંમતિ આપી. ગુલઝારે તેના આ ગીતમાં જાણે કે પોતાના હ્રદયની ધમનીઓને, ગુડ કોલસ્ટોરલ સહિત, નીચોવી કાઢી. પણ મઝાની વાત એ હતી કે જે ધૂન પર ‘‘તેરે બિના જિંદગી સે...” ગવાયું એ તર્જ પણ આર.ડી. બર્મને ક્યાં કોઇ પિક્ચર માટે બનાવી હતી?


પંચમદાએ તો બંગાળમાં નવરાત્રી નિમિત્તે માતાજીની સ્તુતિ માટેનાં બહાર પડતાં પ્રાઇવેટ આલ્બમો પૈકીના એકની બંગાળી રચના માટે તૈયાર કરેલી એ ધૂન હતી. ‘આર.ડી’ લોકપ્રિય બંગાળી કવિ ગૌરીપ્રસન્નો મઝુમદાર લિખિત કવિતા “જેતે જેતે પાથે હોલો દેરી...” ને સ્વરબધ્ધ કરી રહ્યા હતા અને તે સ્વરાંકનને સાંભળતાં જ ગુલઝારે એ ધૂનને ‘આંધી’ માટે પણ બોટી લીધી! આજે પણ ‘યુ ટ્યુબ’ પર જો તમે ‘જેતે જેતે પાથે હોલો દેરી...’ લખશો તો ખુદ રાહુલદેવ બર્મનના મધુરા કંઠે એ બંગાળી રચના સાંભળી શકશો. (આ તો એક વાત થાય છે...) ફિલ્મમાં આ ગીત આવે છે એ સિચ્યુએશન પણ આમ તો અપેક્ષિત જ હતું. નાયિકા મહિલા રાજનેતા ચૂંટણી પ્રચાર અર્થે દૂરના કોઇ એક નગરમાં આવે છે અને પોતાના રસાલા સાથે એ હોટલમાં પોતાનો ઉતારો રાખે છે, જેના મેનેજર તેમનાથી અલગ થયેલા પતિ છે. બન્નેને ૯ વરસ પછી નિયતિએ એક સ્થળે ભેગાં કર્યાં હોઇ બેઉના મિલનનો સિલસિલો ચાલે છે. જો કે હિરોઇન નેતા હોઇ જાહેરમાં મુલાકાતો થાય તો વિરોધીઓ ઇમેજનો વિવાદ કરી શકે. એટલે બન્ને રાત્રે-રાત્રે ખાનગી સ્થળે મળતાં રહે છે. ત્યારે બેકગ્રાઉન્ડમાંથી આ ગીત વાગે છે અને ગુલઝાર સાહેબે શું પિક્ચરાઇઝેશન કર્યું છે!

ગુલઝારે પોતાના કવિત્વને દિગ્દર્શનમાં પણ કામે લગાડ્યું છે. તેથી આ ગાયન માટે તેમને જેટલી દાદ દઈએ એટલી ઓછી છે; કેમ કે સાંભળવા જેટલું જ તે જોવાલાયક પણ બન્યું છે. અમે ગુલઝારજી પર સમરકંદ બુખારા ઓવારી જતા લાગતા હોઇએ તો ‘હાથ કંગન કો આરસી ક્યા ઔર પઢે લિખે કો ફારસી ક્યા?’ આજે પણ ‘યુ ટ્યુબ’ પર આ હ્રદયસ્પર્શી ગીત જોશો તો તેની એક જ લિંક પર ૧૮ મિલિયન (પોણા બે કરોડ) મુલાકાતીઓની સંખ્યા જોઇ શકાશે અને ખાત્રી થશે કે શબ્દ તથા દ્દશ્યનો યોગ્ય મિલાપ કેટકેટલાં રૂદિયાંને પોચાં રૂ જેવાં કરી ગયો છે! ગાયનને પૃષ્ઠભૂમિમાંથી વગાડીને ગુલઝારે પાત્રોની ઉંમરનો લિહાજ કરી બતાવ્યો છે. બેઉ પાકટ વયનાં હોઇ મસ્ત કુદરતી સિનસિનેરીમાં “તુમ આ ગયે હો, નૂર આ ગયા હૈ...” કે પછી “ઇસ મોડ સે જાતે હૈં, કુછ સુસ્ત કદમ રસ્તે...” જેવો પ્રેમાલાપ જાતે ગાઇને કરતાં હોય એ તો ન જ શોભે. એટલું જ નહીં, ગુલઝાર સરખા બુધ્ધિશાળી સર્જક માટે તર્કનો પણ તકાજો હતો જ ને?

તાર્કિક રીતે એટલે કે લોજિકલિ જુઓ તો રાતના અંધારામાં પ્રજાથી છુપાઇને મળતાં પોલિટિશ્યન અને પ્રતિષ્ઠિત હોટલના મેનેજર ખુલ્લંખુલ્લાં ગાયન ગાય એટલાં નાસમજ તો ના જ હોય ને? ગુલઝારે ગીતની શરૂઆત વિશાળ ખંડેરમાં કરીને એ સંબંધના ભવ્ય ભૂતકાળની ઝાંખીનો સુયોગ્ય સિમ્બોલ કર્યો છે. પેલું કહે છે ને?... ‘ખંડહર બતા રહા હૈ, કિ ઇમારત બુલંદ થી’! ગીતના પ્રથમ બે અંતરા લતાજીના સ્વરમાં મૂકીને ગુલઝાર શું કહેવા માગતા હશે? કે નાયક કરતાં નાયિકાને દર્દની ટીશ વધારે અનુભવાય છે? કે પછી સ્ત્રી સ્વાભાવિક રીતે લાગણીશીલ હોવાથી પોતાના મનોભાવ ઝડપથી વ્યક્ત કરી દે છે? કે તિરાડ પડેલા સંબંધોને રેણ કરવાની પહેલ કરવામાં પુરૂષને તેનો ઇગો આડે આવે છે એમ પ્રસ્થાપિત કરવા માંગતા હશે? નહીં તો ત્રણ અંતરાના ગીતમાં લતા મંગેશકરે બે તૃતિયાંશ ગાયન પૂરું કરી દીધા પછી ઠેઠ છેલ્લે ત્રીજા સ્ટ્રાન્ઝામાં કિશોરદાની એન્ટ્રી કરાવવાનું કોઇક તો લોજિક હશેને? ગુલઝારનું ક્રિએટિવ કારણ કોઇપણ હશે, આકાશવાણી અને વિવિધભારતી જેવાં સરકારી માધ્યમોના હોંશિયાર કર્મચારીઓ માટે લતાજીના એ બે અંતરા કટોકટીનાં વર્ષોમાં સારી છટકબારી સાબિત થયા હતા.


ઇમરજન્સીમાં કિશોર કુમારનાં ગીતો વગાડવા પર સરકારી પ્રસાર માધ્યમોને મનાઇ ફરમાવવામાં આવી હતી; એ પ્રતિબંધ હવે તો આઝાદ ભારતનાં કલંકિત વર્ષોના ઇતિહાસની હકીકત છે. છતાં એ સમયે પણ કોઇક પ્રોગ્રામમાં આ ગાયન વગાડી દેવાતું અને કિશોરકુમારના અંતરાનો સમય આવતા પહેલાં રેકર્ડ બંધ કરી દેવાતી! તેને લીધે સૂચનાનું પાલન પણ થતું અને ‘આંધી’ ફિલ્મનો પ્રચાર પણ થતો, જે ત્યારના પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના જીવન પર આધારિત હોવાનું કહેવાતી. સરકારી તંત્રને સત્તાવાર રીતે ખબર ન પડત. પરંતુ, એક ઉત્સાહી મેગેઝીને ‘વડાપ્રધાનની જિંદગીની કહાણી જુઓ’ એમ પોતાના ન્યુઝનું ટાઇટલ કર્યું અને ‘આંધી’ના પોસ્ટરમાં નામની આગળ ‘જી’  લગાડીને (gAANDHI) ‘આંધી’નું ‘ગાંધી’ કરીને તસવીર પ્રકાશિત કરી. એટલે સંજય ગાંધીના વફાદારોની ટૂકડી હરકતમાં આવી અને ૨૨મા અઠવાડિયે ફિલ્મ થિયેટરોમાંથી ઉતારી લેવી પડી હતી. પણ રેડિયો સિલોન (હવે શ્રીલંકા) જેવું વિદેશી સ્ટેશન તો કિશોરદાના અંતરા સહિત આ ગીત વગાડતું. તેના પ્રથમ અંતરામાં હિરોઇનની મનોકામના આ શબ્દોમાં વ્યક્ત થઈ છે...

કાશ ઐસા હો, તેરે કદમોં સે, ચુન કે મંઝિલ, ચલેં
ઔર કહીં, દૂર કહીં
તુમ ગર સાથ હો, મંઝિલોં કી કમી તો નહીં...”


 અહીં પણ નાયિકા પોતે પસંદ કરેલી મંઝિલ (રાજકારણી તરીકેની કરિયર)ને બદલે પતિના પગલે દૂર સુધી ચાલવાની વાત કરે છે. તેમાં પણ પોતાના નિર્ણયનો પસ્તાવો નહીં તો ફેરવિચાર તો જરૂર સૂચવાયો છે. વાર્તાની રીતે પણ નવ-નવ વરસની જુદાઇ પછી બન્ને પાત્રો નરમ પડ્યાનો એ સ્વાભાવિક નિર્દેશ છે. સમગ્ર પિક્ચરાઇઝેશનમાં બેઉ કલાકારોના ચહેરા ઉપર એક પ્રકારની ગંભીરતા રખાવાઇ છે, જેને લીધે વય અને સમય બન્નેનું સન્માન જળવાય છે. દરેક પંક્તિએ એક બીજા તરફ આવવાને બદલે કદીક અલગ અલગ દિશામાં જતાં તો ક્યારેક હાથ પકડીને ખંડેરના પગથિયે બેસતા સંજીવકુમાર અને સુચિત્રાજી. એ પગથિયાં અકબંધ છે. તો શું તેમના પ્રણય સંબંધની શરૂઆતની યાદો હજી પણ સાબૂત હોવાની નિશાની ગુલઝાર દેખાડવા માગતા હશે? કે પછી જસ્ટ લાઇક ધૅટ, સારો શૉટ એરેન્જ થતો હોઇ કેમેરામેને સજેસ્ટ કર્યો હશે? જો કે દર્શકોનું ધ્યાન સમગ્ર ગીતમાં બન્ને મહાન એક્ટર્સ ઉપર જ રહે એવા સંવેદનાથી ભરપૂર  હાવભાવવાળા ચહેરે સંજીવ કુમાર અને સુચિત્રા સેન કેટલું બધું કહી દે છે? બીજા અંતરામાં સ્ત્રીસહજ આંસુઓની વાત તો આવે છે, સાથે સાથે પુરૂષને એક મહેણામાં ભાગીદાર બનાવાય છે, જ્યારે લતાજી આ પંક્તિઓ ગાય છે...

“જી મેં આતા હૈ, તેરે દામન મેં, સર છુપાકે હમ,
રોતે રહેં, રોતે રહેં
તેરી ભી આંખોં મેં આંસુઓં કી નમી તો નહીં...”


હિરોઇન જ્યારે એમ કહે છે કે ‘તારી આંખમાં પણ અશ્રુઓની નમણાશ નથી’ ત્યારે તે શું એમ કહેવા માંગે છે કે રાજકારણીની કઠોર પર્સનાલિટીની ઇમેજ હોય એ ટૉન્ટ પોતાને એકલીને લાગુ પડતો નથી? પોતાનાં શુષ્ક થવા માંડેલાં નયનોની માફક જ મેનેજરની આંખમાં પણ ભીનાશ નથી. આ અંતરાની શરૂઆત થાય તે પહેલાં, રેકોર્ડિંગ વખતે, ગુલઝારે થોડીક ખાલી જગ્યા રખાવી. એટલે ‘આર.ડી.’ અકળાયા, “તને સુર-તાલનું કોઇ ભાન છે ખરું?” પણ સર્જક કવિને ખબર હતી કે ત્યાં પતિ-પત્ની વચ્ચેના ચાંદ અને રાત અંગેના ખૂબસુરત અને સંવેદનશીલ સંવાદો મૂકવાના હતા. ચંદ્રમા અમાસની રાત્રે નથી દેખાતા. ‘પણ આ વખતની અમાવાસ્યા બહુ લાંબી ચાલી...’ એમ કહેતા હરિભાઇને સુચિત્રાજી ગદગદ કંઠે પૂછે છે, “નૌ બરસ લંબી થી, ના?” એ પૂર્વભૂમિકાને ધ્યાનમાં રાખીએ તો બીજો અંતરો આખા ગીતનો હાઇ પોઇન્ટ બની જાય છે. એટલે જ્યારે ત્રીજા અંતરામાં પુરૂષ અવાજ એન્ટ્રી કરે છે, ત્યારે તેમાં કિશોર કુમારના અવાજ જેટલી જ ગુલઝારની કવિતા ખીલે છે. નાયક કહે છે,

તુમ જો કહ દો, તો આજ કી રાત, ચાંદ ડૂબેગા નહીં
રાત કો રોક લો
રાત કી બાત હૈ, ઔર જિંદગી બાકી તો નહીં...

આ પંક્તિઓને પ્રકૃતિના નિયમોની રીતે જોઇએ તો કેવું વિચિત્ર લાગે નહીં? હિરોઇન કહે અને ચંદ્રમા અસ્ત જ ન થાય એવું તો કાંઇ બનતું હશે? ના એવું તો ના જ બને. પણ ચોરી-છુપી રાત્રે જ મળતાં પતિ-પત્નીએ વધારે સમય સાથે ગાળવો હોય તો દિવસ દરમિયાન મિનિટ ટુ મિનિટ શિડ્યુઅલ સાથે પ્રચારમાં લાગેલાં લીડરે જ રાતનો સમય વધારે ફાળવીને પેલી છોટી મુલાકાતોને લંબાવવાની હોયને? એ રીતે તે રાતને રોકી શકે! હજી વધારે સ્પષ્ટતા પછીની પંક્તિમાં છે જ ને? સંજોગોવશાત સંધાયેલા સંબંધો સાથેનું મળવાનું અને જિંદગીને માણવાનું એ રાતના સમય પૂરતું જ મર્યાદિત રહ્યું છે. બાકી તો શ્વાસ જ લેવાના છે... તેમાં જીવન થોડું હોય છે? (યે જીના ભી કોઇ જીના હૈ, લલ્લુ!)

આ ગીત ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ જરૂર થયું હતું. પરંતુ, પુરસ્કાર નહોતો મળ્યો. ગુલઝારને જો કે એ ફિલ્મ માટે ફિલ્મફેરનો ‘ક્રિટિક્સ એવોર્ડ’ મળ્યો હતો. પરંતુ, અમારા માટે સંજીવકુમારને આ જ પિક્ચર માટે ‘બેસ્ટ એક્ટર’ની ટ્રોફી મળી એ સૌથી નોંધપાત્ર બાબત હતી. કેમ કે એક નાયિકાપ્રધાન વાર્તામાં હિરો કહેવાતા અભિનેતા માટે કેટલી મર્યાદિત ફ્રેમ અને ઓછા સીન ઉપલબ્ધ હોય? તેમાંય સુચિત્રાસેન તો બંગાળની વાઘણ ગણાતાં. તેમણે અગાઉ ‘મમતા’માં અશોક કુમાર અને ધર્મેન્દ્ર બન્નેને હંફાવી દીધા હતા. (ના જોયું હોય તો જોઇ કાઢજો, ‘મમતા’!) એ વાઘણની બોડમાંથી એવોર્ડ કાઢી લાવવો એ આમ અઘરું કામ ગણાતું. પરંતુ, માત્ર આ ગાયનમાં હરિભાઇના હાવભાવ જોશો, તો સમજાશે કે તેમણે નિર્ણાયકોનું કામ  કેટલું સરળ કરી આપ્યું હતું! શુષ્ક આંખોનો ટોણો સહન કરતાં ખોટું લગાડવાનું, ભોંઠા પડવાનું અને પોતાની લાગણીશીલતા પણ દર્શાવવાની એ બધું એક સાથે કરી શકતા સંજીવ કુમારને કેટલા મિસ કરીએ છીએ! તેમને, સુચિત્રાસેનને આ ગાયનના સંગીતકાર આર.ડી.બર્મનને અને ગાયક કિશોરકુમારને એમ તમામ મહાકલાકારોને આપણે કહી શકીએ, “તેરે બિના જિંદગી ભી લેકિન, જિંદગી નહીં”!

ખાંખાખોળા!
યાદ છે ને? 
ક્યારેક ટ્રાન્ઝિસ્ટર રેડિયો પણ ધનિકો અને સ્ટાર્સનો સ્ટેટસ સિમ્બોલ ગણાતો!