Saturday, July 1, 2017

દિવ્યા ભારતી (૩)




દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (3)


સંભવતઃ જે.પી.સિંઘલ સાહેબે લીધેલી તસવીર


કીર્તિકુમાર દિવ્યાને પોતાની ફિલ્મ ‘રાધા કા સંગમ’થી એન્ટ્રિ કરી રહેલી નવી હીરોઇન તરીકે ધામધુમથી રજૂ કરવા માગતા હતા. જે રીતે સુભાષ ઘઈએ માધુરી દીક્ષિતને ‘રામ લખન’માં નવેસરથી ઇન્ટ્રોડ્યુસ કરી હતી એ રીતે. સુભાષજીએ ‘અબોધ’ની સિમ્પલ માધુરીને પોતાના બેનર માટે સાઇન કરી ત્યારે, ‘સ્ક્રિન’ સાપ્તાહિકના એક જ અંકમાં સળંગ સાત ફુલ પેજની જાહેરાત આપીને ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી હતી. તે પછી જ મીડિયાએ તેમને ‘ગ્રેટ શોમેન’ કહેવાનું શરૂ કર્યું હતું. કેમકે તે અગાઉ રાજકપૂરે મંદાકિનીને ખુબ પબ્લિસિટી સાથે પ્રસ્તુત કરી હતી. (બાય ધી વે, મઝાની વાત એ હતી કે મંદાકિનીનું મૂળ નામ ‘યાસ્મિન જોસેફ’ હતું અને તેને શરૂઆતમાં ‘મઝલુમ’ નામના પિક્ચર માટે સાઇન કરનારા સર્જકે નામ બદલીને આપેલું નામ ‘માધુરી’ હતું! રાજસાહેબે ‘માધુરી’નું પુનઃ નામકરણ કરીને ‘મંદાકિની’ કર્યું હતું.) એ રીતે મોટા પાયે પડદા ઉપર પેશ થનારી દિવ્યા ભારતીને કીર્તિકુમાર તરફથી જુદી જુદી તાલીમમાં દાખલ કરવામાં આવી. તે પૈકીના સ્વિમિંગ અને ડાન્સ તો તેના મનગમતા શોખ હતા, જ્યારે અભિનયની તો એ સ્પોન્ટેનિયસ આર્ટિસ્ટ. પણ, એ જ કદાચ તેને નડ્યું!

તે દરેક તાલીમને ગંભીરતાથી નહીં લેતી હોવાની છાપ ઉભી થઈ શકે એવો તેનો આત્મવિશ્વાસ હતો. તેની નાની નાની વાતમાં પણ ખડખડાટ હસવાની કાયમી આદતને લીધે એ સિરિયસ નહીં હોવાની ટ્રેઇનર્સને ગેરસમજ થવાની પૂરેપૂરી સંભાવના હતી. કીર્તિકુમારનું પ્લાનિંગ એવું હતું કે ફિલ્મ રિલીઝ થાય ત્યારે દિવ્યાને એક ‘સરપ્રાઇઝ’ તરીકે પ્રસ્તુત કરાય. એ સ્ક્રિન પર દેખાય ત્યારે પ્રેક્ષકો પહેલી વખત જુએ! તેને લીધે જાહેરમાં હરવા-ફરવાની પાબંદી ફરમાવાઇ હતી. પણ, તે મનાઇનું પાલન કરવાને બદલે પબ્લિકમાં જવાનું બંધ ન કર્યું અને પ્રેસ-ફોટોગ્રાફરો દિવ્યાની તસ્વીરો પણ છૂટથી લેતા. આમ, એક તદ્દન નવો ચહેરો રજૂ કરવાની સરપ્રાઇઝવાળી આખી યોજનાનો અર્થ રહેતો નહોતો. આ બાજુ દિવ્યા પણ ધરપત રાખી શકે એમ નહોતી. સાઇન કર્યાને આઠ મહિના થયા હોવા છતાં કામ શરૂ થતું નહોતું. કીર્તિ કુમાર સાથે ચડભડ શરૂ થઈ હતી. તેથી તેને પિક્ચરમાંથી કાઢી મૂકાય અથવા તે પોતે નીકળી જાય તો સ્કૂલમાં પરત ભણવા મૂકવાના વિકલ્પનો, તે દિવસોમાં, માબાપે પ્રયત્ન કર્યો. ત્યારે દિવ્યા માટે તો ઇજ્જત કા સવાલ. કયા મોંઢે સ્કૂલમાં પાછા જવું?
નસીબજોગે સ્કૂલે પણ પાછા લેવાનો ઇનકાર કરી દીધો. જયારે ‘રાધા કા સંગમ’માંથી તેની વિદાય થઈ ત્યારે એ કહેતી કે તેને તો ફટાફટ પિક્ચર પૂરું કરવું હતું. તે વખતે સિનેમાની દુનિયાના લોકોને નવાઇ લાગતી હતી અને તેનો ઉપાલંભ કરાતો હતો કે આ નવી છોકરી વળી કેટલાંક પિક્ચર કરી દેવાની હતી? તે સૌને જવાબ આપતી હોય એમ પહેલા જ વર્ષે ૧૦ પિક્ચર રિલીઝ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પછી તો કરી બતાવ્યો હતો. ‘રાધા કા સંગમ’ જેવી એક મોટી ફિલ્મમાંથી તેની વિદાયની શક્યતાના દિવસોનો આઘાત સમગ્ર ભારતી પરિવાર માટે અજંપાભર્યો હતો. પરંતુ, કિસ્મત જુઓ! તેની હકાલપટ્ટી થઈ તે દિવસોમાં બોનીકપૂર પોતાના નાના ભાઇ સંજય કપૂરને ‘પ્રેમ’ ટાઇટલવાળી ફિલ્મથી લૉન્ચ કરી રહ્યા હતા, જે પણ અભિનેત્રી ફરાહની નાની બેન તબસ્સુમ અર્થાત તબુને પહેલો ચાન્સ આપી રહ્યા હતા. ‘પ્રેમ’ના સર્જન દરમિયાન તબુને બોની સાથે મતભેદ થયા હતા. તેથી તેની જગ્યાએ કોઇ નવી હીરોઇન લેવી એવું નક્કી કર્યું હતું. ફિલ્મના નિર્દેશક સતીશ કૌશિકને ખબર પડી હતી કે દિવ્યા સાથેનો કોન્ટ્રાક્ટ કીર્તિએ રદ કરી દીધો હતો. એટલે તે બોની કપૂરને લઈને દિવ્યાને ઘેર પહોંચી ગયા. નક્કી થયું કે હવે દિવ્યા ‘પ્રેમ’માં સંજય કપૂર સામે કરિયરની શરૂઆત કરશે. તરત શૂટિંગ શરૂ થઈ ગયું.

છ-સાત દિવસનું શેડ્યુઅલ ચાલ્યું અને દરમિયાન તબુ સાથે બોનીનું સમાધાન થઈ ગયું! એટલે દિવ્યા ‘પ્રેમ’થી ફરી પાછી ઘેર. ઘરમાં માબાપ તેને ‘દીદી’ કહીને બોલાવતાં. કેમ કે જેણે એ સંબોધન કરવાનું હતું તે નાનો ભાઇ કુણાલ તેને ‘દીદી’ કહેતો નહોતો. (છતાં ભાઇ માટે નારાજગી નહીં; પણ પ્રેમ એટલો બધો કે પોતાની પ્રથમ કાર લેતા અગાઉ ભાઇ માટે તેને ગમતી જીપ પિતાજી પાસે જીદ કરીને લેવડાવી હતી.) ‘દીદી’ને ‘પ્રેમ’નો ટૂંકો અનુભવ થયો તે દિવસોમાં સુભાષ ઘઈ ‘સૌદાગર’ બનાવી રહ્યા હતા. તેમના એ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં આખું ફોકસ તો દાયકાઓ પછી એક બીજા સામે આવતા બે ધુરંધર કલાકારો દિલીપ કુમાર અને રાજ કુમાર પર રહેવાનું હતું. પરંતુ, તેમાંના લવ-એંગલ માટે વિવેક મુશ્રાન નામના નવા છોકરા સામે કોઇ નવી હીરોઇન લાવવાની હતી. દિવ્યાના ફોટા ‘રાધા કા સંગમ’ વખતે જેમણે પાડ્યા હતા તે જે.પી. સિંઘલ ઇન્ડસ્ટ્રીમાં બહુ સન્માનીય નામ. નવી હીરોઇન શોધતા કોઇપણ સર્જક માટે સિંઘલ સાહેબ પાસે એવી નવોદિતોના ફોટાનો ખજાનો હોય.

સિંઘલ સાહેબના સંગ્રહમાંનો દિવ્યાનો ફોટો જોઇને સુભાષ ઘઈએ સ્ક્રિન ટેસ્ટ માટે બોલાવી. સિલેક્ટ થઈ ગઈ. પણ કોઇ કારણસર સુભાષજી સાથે પણ વાત ના જામી અને ‘સૌદાગર’માંથી પણ કાઢી મૂકાઇ! આમ એક પછી એક ત્રણ મોટાં બેનરમાંથી ‘દીદી’ને નીકળી જવું પડ્યું હતું.વારાફરતી થતા એ બધા અનુભવથી ભારતી પરિવારને સમજાતું હતું કે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મથી વધારે કોઇ નિર્માતા-નિર્દેશકને કશાની ચિંતા નથી હોતી... પોતાના કોન્ટ્રાક્ટ કે વચન કશાની નહીં! સૌને અને ખાસ તો દિવ્યાને થયું કે ‘છોડો એક્ટિંગ’; ભણવાનું કંઇક કરીએ. પણ, સ્કૂલમાં જવાનો તો સવાલ નહોતો. એટલે પિતા ‘ઓ.પી.’એ તપાસ કરી કે પત્રવ્યવહારથી થઈ શકતો કોઇ કોરપોન્ડન્સ કોર્સ કરીને કમસેકમ દસમું ધોરણ તો પાસ કરાવીએ. ત્યાંય વાંધો આવ્યો! એ કોર્સ માટે જરૂરી એવી ઉંમર પૂરાં ૧૬ વરસ થઈ નહોતી. દિવ્યા ૧૫+ની હતી! દરેક પગલે મળતી નિષ્ફળતાથી એ કિશોરવયની છોકરી નિરાશામાં ના સરી જાય તે માટે મમ્મી તેને લઈને નાનું વેકેશન કરવા કાશ્મીર જઈ આવ્યાં.

કાશ્મીરથી આવ્યાં અને તરત જ પીઆરઓ ગોપાલ પાન્ડેનો ફોન આવ્યો કે સાઉથના એક મોટા પ્રોડ્યુસર આવ્યા છે, તેમને મળવા હોલીડે ઇન હોટલ પર આવી જાવ. ગોપાલજી એટલે મનોજ કુમારથી માંડીને બોની કપૂર અને સુભાષ ઘઈ સુધીના ઇન્ડસ્ટ્રીના ખમતીધર નિર્માતાઓની ફિલ્મોનું પબ્લિક રિલેશન સંભાળનારા એક સન્માનીય વ્યક્તિ. તેમણે ‘પ્રેમ’ અને ‘સૌદાગર’ના પીઆરઓ તરીકે દિવ્યાની બ્યૂટિ અને ટેલેન્ટ નજીકથી જોઇ હતી. દિવ્યા અને તેનાં મમ્મી કાશ્મીરની ફ્લાઇટમાંથી આવ્યાં હતાં, એ જ કપડે હોટલ પર પહોંચી ગયાં. પીઆરઓ ગોપાલજીએ ઓળખાણ કરાવી. પિક્ચરના ડાયરેક્ટર કે જેમનું નામ પણ ગોપાલ હતું; તેમણે સાઇન કરવાની તૈયારી બતાવી. પરંતુ, સાથે સાથે એક બોમ્બ ફોડ્યો! પિક્ચરનું શૂટિંગ આવતી કાલથી શરૂ કરવાનું છે. એટલે આજ રાતની ફ્લાઇટમાં હૈદ્રાબાદ પહોંચવાનું રહેશે. દિવ્યાનાં મમ્મીએ સિંઘલ સાહેબને ફોન જોડ્યો, જેમને તે ‘દિવ્યાના ગોડફાધર’ કહેતાં. સિંઘલે સમજાવ્યું કે હિન્દી ફિલ્મોના અનુભવોથી એ તો સમજાયું હશે કે મુંબઈમાં કશું રાતોરાત થઈ જતું નથી. ખમતીધર કહેવાતા નિર્માતા પણ પિક્ચર તરત શરૂ કરવાનું કહે અને છેવટે આઠ આઠ મહિના સુધી કશું ઠેકાણું ન પડ્યું હોય. આ પ્રપોઝલમાં દિવ્યાને કશું ગુમાવાનું નહોતું. બહુ બહુ તો હૈદ્રાબાદમાં બેસી રહેવાનું થશે. તો શું નુકસાન છે? મા-દીકરીએ પણ વિચાર્યું કે આમેય ઘેર કે કાશ્મીર બધે દિવ્યા આરામ જ કરતી હતીને? તો હૈદ્રાબાદમાં મોજ કરીશું અને નવું શહેર જોવા-જાણવા મળશે. તો ‘ચલો હૈદ્રાબાદ’! (પિક્ચર બનશે તો ઠીક. ગાજરની પીપુડી... વાગશે ત્યાં સુધી વગાડીશું અને નહીં તો ચાવી ખાઈશું!)

આમ, ‘લાગ્યું તો તીર...’ના તુકકા સાથે હૈદ્રાબાદ પહોંચ્યાં અને બીજા જ દિવસે ખરેખર શૂટિંગ શરૂ થઈ ગયું. ત્યાં ગયા પછી મા-દીકરીને સમજાયું કે સાઉથની ઇન્ડસ્ટ્રી કેટલી સુવ્યવસ્થિત હતી. બધું સમયસર શરૂ થાય ને ટાઇમે પતી જાય. પિક્ચર ‘બોબીલી રાજા’ તેલુગુમાં હતું. પણ, કેમેરા સામે આવતાંની સાથે જ પોતાની ટેલેન્ટ બતાવવાની દિવ્યાને તો મઝા પડી ગઈ. તેનો હીરો હતો, વેંક્ટેશ, જે નિર્માતાનો દીકરો હતો. આ એ જ વેંકટેશ જેણે પછીનાં વર્ષોમાં ‘અનાડી’ ફિલ્મથી હિન્દી સિનેમામાં પગ જમાવવાની કોશીશ કરી હતી. ‘અનાડી’માં તેની હીરોઇન કરિશ્મા કપૂર હતી. તે ભૂમિકા માટે પણ ‘બોબીલી રાજા’ના સર્જન દરમિયાન દિવ્યા માટે વાત થઈ હતી. પરંતુ, દિવ્યાના અકાળ અવસાન પછી કરિશ્માની એન્ટ્રી થઈ હતી. ‘બોબીલી રાજા’ના સર્જનમાં પૈસાની કોઇ તકલીફ નહોતી; કેમ કે તેના આર્થિક રીતે સમર્થ નિર્માતા ડી. રામાનાયડુ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક આગેવાન નેતા પણ હતા. તેમના પુત્ર વેંકટેશનાં તે અગાઉ ડઝનેક તેલુગુ પિક્ચર આવી ગયાં હતાં.

તેલુગુમાં દીકરાને સતત એવી સુપરહીટ સફળતા નહોતી મળી, જે તેમના મોભાને અનુરૂપ હોય. તેથી ‘બોબીલી રાજા’ને હીટ કરવા ગ્લેમરનો ભાગ વધારવો જરૂરી હતો. તેને માટે સાઉથની કોઇ અભિનેત્રીને લેવાને બદલે હિન્દી સિનેમાની દિવ્યા જેવી નવોદિતને લીધી. મ્યુઝિક માટે પણ દક્ષિણના શ્રેષ્ઠતમ સંગીતકાર અને તેમની અગાઉની ફિલ્મોના સિધ્ધહસ્ત કમ્પોઝર એવા ઇલયારાજાને લીધા. તે ફિલ્મ માટે ઇલયારાજાએ બનાવેલાં ‘કન્યાકુમારી...’ જેવાં ગાયનો આજે પણ તેલુગુ ભાષીઓમાં લોકપ્રિય છે. વેંકટેશની અગાઉની તેલુગુ ફિલ્મો પરથી હિન્દીમાં ધર્મેન્દ્ર અને લીના ચંદાવરકરની ‘રખવાલા’, માધુરી દીક્ષિતને રાતોરાત લોકપ્રિયતાના શિખરે પહોંચાડનાર ‘તેઝાબ’ અને અનિલ કપૂર અને માધુરીની ‘જીવન એક સંઘર્ષ’ બની હતી. એટલે વેંક્ટેશને હિન્દી સિનેમાના પડદે લૉન્ચ કરવાની લાલચ પણ હતી. સૌ જાણે છે એમ, હિન્દી સિનેમાના સ્કેલ અને સ્કોપ બન્ને બહુ મોટા હોય છે. તેથી ‘બોબીલી રાજા’ પર ડી. રામાનાયડુનો મોટો દાવ હતો. તેમણે કહ્યું કે સવારે ૯ વાગે તેમનો દીકરો અને પિક્ચરનો હીરો વેંક્ટેશ મળવા આવશે. દિવ્યા અને તેનાં મમ્મી કાશ્મીરથી આવ્યા પછી તે જ સાંજે મુંબઈથી પ્લેનમાં નીકળીને રાત્રે હૈદ્રાબાદ પહોંચ્યાં હતાં. હોટલના રૂમમાં મા-દીકરી ‘પ્રોડ્યુસરના વાયદા ક્યાં સાચા પડતા હોય છે’; એવી અનુભવસિધ્ધ વાતો કરતાં કરતાં સૂઇ ગયાં. પણ, આ શું? સવારે ૯ વાગે હોટલના રૂમ પર ટકોરા પડ્યા. આંખો ચોળતાં મીતા ભારતી જુએ તો વેંક્ટેશ! અંદર આવીને કહે, “તમે બન્ને જલદીથી તૈયાર થઈ જાવ. દિવ્યાએ પિક્ચરમાં પહેરવાનાં કપડાં ખરીદવા આપણે જવાનું છે...” (વધુ આવતા અંકે)

4 comments:

  1. ખુબ આનંદ થાય છે . અભિનંદન !

    ReplyDelete
    Replies
    1. Thanks Mehta saheb for your appreciations. Hope you like the other articles as well.

      Delete
  2. સલીલભાઈ..
    સૌપ્રથમ તો તમને મળવાનુ આ છેલ્લુ ઠેકાણુ અમને ફળ્યુ, સંદેશ ના જમાના થી હું તમારી કલમ નો ચાહક હતો,સંદેશ અમે ખરીદતા હતા તેનુ એક કારણ વાસુદેવ મહેતા,અશ્વીની ભટ્ટ, વીનોદ ભટ્ટ અને તમારી ચીલમ,બાદ માં બધું વીખેરાઈ ગયું અને છેલ્લે તમે દીવ્યભાસ્કર માં જડ્યા, ત્યાથી ફરી ખોવાયા તો ખબરછે.કોમ માં જડ્યા, ત્યાં ખુબ મજા પડી,મીનાકુમારી,મધુબાલા...ફરી વનવાસ..ખુબ શુક્રવારે રાહ જોયા બાદ આજે ફરી આ બ્લોગ માં તપાસ કરી તો તમે ફરી મળ્યા..સલીલભાઈ બહુ સંતાકુકડી રમ્યા , હવે એક તો એવું કાયમી ઠેકાણુ રાખો કે જ્યાં અમે કાયમી તમારી કલમ ની મજા લઈ શકીયે.આબ્લોગ તમારો સદા જીવંત રાખજો.ફીલ્મો ના વીવેચન ખુબ લોકોના વાંચ્યા પણ તમારી કલમ ના તોલે ન આવે..ચાહકો ને નીરાશ ન કરશો..અને વીનંતી કે કોઇ પેપર કે કોલમ જોઇન કરો તો આ બ્લોગ માં જણાવતા રહેજો જેથી તે પેપર ની નેટ આવ્રુતી ના સંપર્ક માં રહીયે..ચાલો..ફરી મળ્યા નો આનંદ થયો..

    ReplyDelete
    Replies
    1. Thanks Dipakbhai for your appreciations. I try to be regular on the blog now a days. Hope you like the other articles as well.

      Delete