Saturday, August 3, 2013

ફિલમની ચિલમ.... ઑગસ્ટ ૦૪, ૨૦૧૩
‘કૅટ’ની એક ઝપટમાં ત્રણ પંખી!

હજી પ્રાણ સાહેબની અંતિમયાત્રામાં સાવ પાંખી હાજરીનો અફસોસ પત્યો નથી, ત્યાં પોતાના સિનીયર્સ પ્રત્યેના ફિલ્મ ઉદ્યોગના શુષ્ક વ્યવહારનો એક ઔર દાખલો ચરિત્ર અભિનેતા જગદીશ રાજના અવસાન વખતે જોવા મળ્યો. તેમની સ્મશાનયાત્રામાં પણ રીશીકપૂર, સુરેશ ઓબેરોય અને ડેવીડ ધવન જેવા ગણત્રીના જ કલાકારો ઉપસ્થિત હતા. તેમને એ રીતે ઓળખાવાની જરૂર નહતી; પરંતુ એ પણ હકીકત જ હતી ને જગદીશ રાજ એક સમયની હીરોઇન અનિતા રાજના પિતા પણ હતા. એક એક્ટ્રેસ તરીકે અનિતા સાથે કામ કરનારા બધા હીરો પૈકીના કોઇ એ રડતી નાયિકાને ખભો આપવા હાજર નહતા.  બાકી  જગદીશ રાજ એ કલાકાર હતા જેમણે પોલીસની ભૂમિકાઓ ૧૪૪ ફિલ્મોમાં કરીને  ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું હતુ! એ નાની સિદ્ધી નહતી. વિશ્વકક્ષાએ રેકોર્ડ કરવાની તક મિલ્ખાસિંગ જેવા પણ ચૂકી ગયા હતા એ હવે તો કોણ નથી જાણતું?   
  

શું ‘મિલ્ખા’ને ઓલિમ્પિકનો અનુભવ બૉક્સ ઑફિસ પર પણ થશે? કેમ કે પહેલા ૧૭ દિવસનો બિઝનેસ ૯૨ કરોડ થતાં હવે ૧૦૦ કરોડની ફિનીશીંગ લાઇન ક્રોસ કરવાની સાવ નજીક છે, ત્યારે જ ૮મીએ ઇદની રજા વખતે આવનારી ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ મિલ્ખાસિંગની દોડને સાવ અટકાવી તો નહીં દે ને? આમ તો ‘ભાગ મિલ્ખા ભાગ’ રિલીઝ થઇ છે ત્યારથી આવેલી કોઇ બીજી ફિલ્મ ટિકિટબારીની રેસમાં તેની સાથે પણ દોડી શકી નથી. તેને પાછળ પાડવાનો તો સવાલ જ ના થયો. પરંતુ, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના શાહરૂખ અને દીપિકા જુદી કેટેગરીના સ્ટાર દોડવીરો છે. તે બન્ને ટીવી શોમાં જવા ઉપરાંતના પણ પ્રચારના નવા કિમીયા અજમાવવાના છે.
છેલ્લા અહેવાલ પ્રમાણે, તો શાહરૂખ દિલ્હીમાં મુરતિયાઓને અને દીપિકા બેંગ્લોરમાં કન્યાઓને એકત્ર કરીને મેરેજ બ્યુરો પ્રકારે લગ્નમેળાપ કરવાનું નવતર ગતકડું પણ કાઢવાનાં છે! એ બધું જોતાં શરૂઆતના ત્રણ દિવસ તો ધમધમાટભર્યા રહેવાની ગેરન્ટી કહી શકાય. પણ ટ્રેઇનની વીકએન્ડની રફતાર એવી જ ટકે છે કે સાંકળ ખેંચાઇ છે, એ સોમવારે ખબર પડશે. પણ ‘ભાગ મિલ્ખા ભાગ’ તો નર્વસ નાઇન્ટીઝમાં આઉટ થશે તો પણ હવે તો ફરહાન અખ્તરે સેન્ચ્યુરી સ્કોર કર્યા બરાબર જ ગણાશે. જ્યારે શાહરૂખ અને દીપિકાએ સૈકું ફટકારવું જ પડે એવું તેમનું સ્ટાર સ્ટેટસ છે. દીપિકા ‘યે જવાની હૈ દીવાની’ની સદી નિમિત્તે યોજાયેલી પાર્ટીમાં જે નિકટતાથી રણબીર સાથે હળી-મળી હતી, તેનો જવાબ સ્પેનના વેકેશનના ફોટાથી અપાઇ ગયો. એ અંગે અફવાઓનું બજાર એ થિયરી પર ગરમ છે કે કટરિના અને/અથવા રણબીરની રજામંદી વિના આ શક્ય નહતું, હકીકતમાં તો એ ફોટા લીક થવાથી ‘કૅટ’ની ઝપટમાં એક સાથે બે-ત્રણ પંખી આવ્યાં. 


(આગળ વાંચતા પહેલાં આ જ સંદર્ભેની એક અપડેટનો પણ ઉલ્લેખ જરૂરી છે. કેમ કે તેનો મકસદ આ થિયરીને ખોટી સાબિત કરવાનો લાગે છે. એ ફોટા છપાયા પછી કટરિનાએ મિડીયાના સૌને ખુલ્લો પત્ર લખીને, રાબેતા મુજબ, પોતાની  અંગત જિંદગીને બાકાત રાખવા કહ્યું છે. પરંતુ, લાખ બલ્કે કરોડ રૂપિયાનો સવાલ એ છે કે કરિયરની શરૂઆતમાં તેની ઓળખ કઈ એક્ટીંગના આધારે હતી? કટરિનાની સૌથી મોટી આઇડેન્ટિટી તેના ‘અંગત જીવન’માં રહેલા સલમાન સરખા સુપર સ્ટારની દોસ્તી વડે જ હતીને? એ વખતે મળતી પબ્લીસીટી માટે કદી તેણે એમ ન કહ્યું કે એ વિશે ના લખશો. એ દોસ્તના ‘અંગત’ સંબંધ પર સાવ અજાણ્યા દેશમાં અજાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળ્યું અને રહેતે રહેતે એક્ટીંગ - ડાન્સ બધુંય આવડ્યું. તેને પગલે કરોડો રૂપિયા કમાવા મળતા થયા. હવે એ જ મિડીયાને સલાહ અપાય તો કોણ માને? 

બધા સેલીબ્રીટી અને સામાન્ય લોકો પણ જાણતા જ હોય છે કે મિડીયા બેધારી તલવાર હોય છે. ત્યારે પોતે વેકેશન કરવા જવાના હોવ તો એ વાત ‘અંગત’ રાખી શકાયને? તેમના પ્રવાસના સપ્તાહો પહેલાં આખી ઇન્ડસ્ટ્રીને ખબર હતી કે બન્ને સ્પેન જવાનાં હતાં. રિલૅક્સ થવા જે બીચ પર જવાના હતા ત્યાં કોઇ ફિલ્મનું શુટીંગ ના હોય એવી એ બિલકુલ પર્સનલ વિઝીટને એ બન્ને ખાનગી ના રાખી શક્યાં. ત્યાર પછી બન્ને શ્રીલંકા જવાનાં હતાં એ પણ જગજાહેર છે. તેનો અર્થ હવે પછી વાંચશો એવો એક કાંકરે ત્રણ પંખી પાડવાનો આશય મિડીયાને લાગે તો શું નવાઇ? 


એ થિયરી વહેતી થયા પછી હૈદ્રાબાદનાં જંગલમાં  ચડ્ડાભેર પિકનિક કરતા સલમાનખાન અને તેની અત્યારની ફ્રેન્ડ લુલિયા વન્તુરનો પણ એક ફોટો ફરતો થયો છે, એ પણ કેવો જોગાનુજોગ? એ પાછળ ‘તુ નહીં ઔર સહી’નો મેસેજ કોઇ વાંચે તો શું નવાઇ?)એ થિયરી મુજબ એક તો તેણે દીપિકાને ખાત્રી કરાવી કે રણબીરની નિકટતા કેટલી ગંભીર છે. સાથે સાથે તેનાં સંભવિત સસરા અને સાસુ- રીશી તથા નીતુ-ને પણ જાણ કરી દીધી કે પોતે ‘આર કે’ એવું ટૅટુ ભલે પોતાના શરીરે ચિતરાવ્યું ના હોય; છતાં તેમના સુપુત્ર ઉપર અત્યારે પહેલો હક્ક તેનો છે. વળી પોતે રેડ એન્ડ વ્હાઇટ સેક્સી સ્વીમવેરમાં બીચ પર તેના ચડ્ડાભેર ફરતા તાજા બોયફ્રેન્ડ જોડે દુનિયાભરના મિડીયામાં છવાઇને સલમાનને પણ સચિત્ર સંદેશો મોકલી દીધો કે હવે તે અભૂતપૂર્વ નહીં પણ ભૂતપૂર્વ મિત્ર છે!

સલમાન માટે અત્યારે ‘બીગ બોસ’ની ૭મી સિઝન કદાચ વધારે અગત્યની હશે જેમાં, જો રિપોર્ટ સાચા હશે તો, આ વખતે પોતાની પ્રાઇસ ડબલ કરી હોઇ એક એપિસોડના પાંચ કરોડ રૂપિયા કમાવાના છે. ‘બીગ બોસ’ માટે જે સેલીબ્રીટીસનો સંપર્ક કરાયો છે તેમાં એક નામ મમતા કુલકર્ણીનું પણ સંભળાયું છે. જો કે મમતા આધ્યાત્મિકતાના માર્ગે વળી હોવાનો દાવો કરે છે અને નામ વગરના પોતાના બ્લોગ પર ચાહકોના મેડીટેશન વગેરે જેવા સ્પિરીચ્યુઅલ સવાલોના જવાબ પણ આપે છે. છતાં મઝાની વાત એ છે કે પોતાના તાજા ફોટામાં પણ આ ‘યોગિની’ લીપસ્ટિક અને મેકઅપનો મોહ ત્યજી શક્યાં નથી. એટલે ‘બીગ બોસ’નાં મહેમાન આ ‘સાધ્વી’ બને તો આશ્ચર્ય ના થવું જોઇએ. આમ પણ ‘બીગ બોસ’માં સલમાન આ વખતે ‘સાધુ ઔર શૈતાન’ પ્રકારના ડબલ રોલમાં હોવાથી ‘સાધ્વી’નો પ્રવેશ યોગ્ય જ કહેવાશે ને?સલમાન સાથેના સંબંધો અકસ્માતના કેસમાં ૧૦ વરસની સજા થવાની શક્યતાવાળા આરોપો ઘડાયા પછી કટરિનાએ ઓછા કરી નાખ્યા, તે જોતાં ઘણાને માધુરી અને સંજયદત્તની દોસ્તી યાદ આવી ગઈ છે. સંજુબાબાનું નામ મુંબઈ બ્લાસ્ટ્સમાં આવ્યા પછી માધુરીએ તે ગંભીર રીતે આગળ વધતી લાગતી મિત્રતામાંથી ધીમે રહીને પીછેહઠ કરી લીધી હતી એ જે તે સમયની જાણીતી ઘટના છે. ચર્ચાતો અન્ય એક સંબંધ બિપાસા બાસુ અને હરમન બાવેજાનો  છે  અને એ બન્ને લગ્ન કરી લેશે તો કોઇને નવાઇ નહીં લાગે. (હરમન બાવેજાનું નામ અગાઉ પ્રિયંકા ચોપ્રા સાથે સંકળાયું હતું, તે સિવાયનો કોઇ રૅફરન્સ ખરો કે?) એ જ રીતે રાની મુકરજી અને યશ ચોપ્રાના દીકરા આદિત્ય હવે વિધિવત લગ્નગ્રંથીથી જોડાશે એ શક્યતા વધી ગઈ છે. કારણ કે યશજીના નિધન પછીનો તેમનાં પત્ની પમેલા ચોપ્રાનો પ્રથમ જન્મદિન મનાવવા સમગ્ર ચોપ્રા કુટુંબ સ્વીટ્ઝરલેન્ડમાં ભેગું થવાનું છે; તેમાં આદિત્ય પોતાની સાથે રાનીને લઈને ગયા છે! (હવે કોઇ શક?!)  તિખારો!

‘બજાતે રહો’ જોવા ગયા હોઇએ અને જો ઍર કન્ડીશ્નર બંધ હોય તો શું કહેવાય? ' 

'બફાતે રહો!’
  

 

4 comments:

 1. જે ગમ્યું જગત "જગદીશ"ને

  તે તણો ખરખરો ફોક કરવો !

  ReplyDelete
 2. aap na blog na nava rup rang gamya. manmohak chhe, parantu aap ni tag line ma thodi truti hoy tem lage chhe. : 'aap ki kami hai chale aaiye' evu hovu joie.

  ReplyDelete
  Replies
  1. Dear Pravinbhai,
   Thanks for drawing attention to this major goof up.
   Will fix it today itself.
   -Salil

   Delete