Sunday, April 27, 2014

ફિલમની ચિલમ... ૨૭ એપ્રિલ ૨૦૧૪રાની મુકરજીના રિસૅપ્શનમાં  
અભિષેક અને કાજોલને નિમંત્રણ હશે કે?


છેવટે રાની મુકરજીનું નામ લગ્ન નોંધણીના ચોપડે ચઢી ગયું. રાની અને આદિત્ય ચોપડા વિશે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જાણતી હતી. છતાં ‘આદિ’એ અંત સુધી મુકરજીનું નામ (ચોપ્રા) ના પાડ્યું તે ના જ પાડ્યું. આદિત્યએ તો ‘અમે સારા મિત્રો છીએ’ એવું, અફવાના ધુમાડાને હવા મળે એવું, એકાદ વાક્ય પણ કદી ના કહ્યું! હા, રાની બિચારી નામ પાડ્યા વગર પણ ‘આઇ એમ ઇન લવ વીથ સમવન’ એમ બાંધે ભારે કહેતી રહેતી હતી. તેથી ક્યારેક યશ ચોપ્રાની પૂણ્યતિથિની આસપાસની તારીખ ચર્ચામાં આવતી તો કદીક ‘વેલેન્ટાઇન ડે’નું શુભ મહુરત મીડિયા કાઢતું, ત્યારે રાની એમ પણ કહેતી કે “જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે ધામધૂમથી, બેન્ડ બાજા સાથે, કરીશ.”  

તેથી આ વરસની શરૂઆતમાં જ્યારે જોધપુરનો ઉમેદ પેલેસ તેમના મેરેજ માટે સજાવી રહ્યાની ખબરો આવી ત્યારે કોઇને નવાઇ નહતી લાગી. ખેર, હવે લગ્ન પત્યાં તો નવા સવાલ ઉભા થવાના. સૌથી પ્રથમ તો એ કે જો બન્ને પરિવારોની સંમતિથી આ પ્રસંગ ઉકેલાયો હોય તો શા માટે ઠેઠ ઇટાલી જઇને લગ્ન કરવાં પડ્યાં હશે? (સોશ્યલ મીડિયામાં આવેલી ઢગલાબંધ કૉમેન્ટ પૈકીની એક આવી પણ હતી કે “કોઇ ઇટાલીમાં જન્મીને ભારતમાં ‘રાણી’ બને અને કોઇ ભારતમાં જન્મીને પોતાના પ્રિયતમની રાણી બનવા ઇટાલી જાય!”)    શું ‘આદિ’ના પાયલ ખન્ના સાથેના પ્રથમ લગ્નનો અંત કરોડોના સૅટલમૅન્ટ પછી થયા છતાં કોઇ કાનૂની ગૂંચ રહી હોવાથી વિદેશ જવાની જરૂર પડી હશે? શું રાની હવે ‘મુકરજી’ કહેવાશે કે ‘ચોપ્રા’? કે પછી ‘રાની મુકરજી ચોપ્રા’ જેવો સમાસ બનશે?

આ લગ્ન ‘તત્કાલ’ કૅટેગરીમાં બુક થવાનું એક કારણ રાનીના પિતા રામ મુકરજીની કથળેલી તબિયત અને પોતાની આંખ સામે દીકરીના હાથ પીળા થવાની તેમની ઇચ્છા હતી; એવી પણ એક વાજબી થિયરી છે. જો એમ હોય તો બીમાર બાબુલને ઇન્ડિયામાં રહેવા દઇને દીકરીને મેરેજ કરવા ઇટલી શું કામ જવું પડ્યું હશે? શું હવે બેન્ડ-બાજા-બારાતની ધામધૂમ વગેરે ઇન્ડિયામાં રિસેપ્શનમાં થશે? કે પછી પબ્લિસિટિથી સદાય દૂર રહેતા આદિત્ય તેના આયોજન પર પણ વીટો વાપરશે? જો સત્કાર સમારંભ યોજાય તો તેમાં અભિષેક અને ઐશ્વર્યાને નિમંત્રણ હશે કે? રાનીની કઝિન કાજોલને આમંત્રણ અપાશે કે? બચ્ચન પરિવારે ૨૦૦૭ના એપ્રિલમાં યોજેલા ‘અભિ’ના મેરેજમાં રાનીને ક્યાં બોલાવી હતી? તે વખતે તો ‘યુવા’ અને ‘બન્ટી ઔર બબલી’ના શૂટિંગ દરમિયાન અભિષેક અને રાની વચ્ચે આવેલી અત્યંત નિકટતાને પગલે બન્નેનાં સંભવિત લગ્નની વાતો ચાલી હતી. 

 
તે વખતના ગોસીપ રેકોર્ડ કહે છે કે જયા બચ્ચને વીટો વાપરીને એ પ્રપોઝલ ઉડાડી દીધી હતી અને તેથી જ જે લગ્નમાં લગભગ અડધી ઇન્ડસ્ટ્રીને આમંત્રણ હતું તે મહાપ્રસંગમાં રાનીને જ બાકાત રખાઇ હતી! તો કાજોલના પતિ અજય દેવગને ‘સન ઑફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ વખતે યશરાજ સામે કરેલો કેસ હજી તાજો જ છે. તેથી બેઉની કંપનીઓ વચ્ચેની કડવાશના છાંટા પારિવારિક સંબંધો પર ઓલરેડી પડેલા જ છે. તેમાં કરણ જોહર જેવા કોઇ ‘કુછ કુછ’ મધ્યસ્થી કરીને આ સંભવિત ‘દાવત -એ - ઇશ્ક’ના નિમંત્રણનો કશોક રસ્તો કાઢશે? ‘દાવત -એ - ઇશ્ક’ એ યશરાજની નવી ફિલ્મ છે, જેમાં પરિણિતિ ચોપ્રા અને આદિત્ય રૉય કપૂરની જોડી છે અને નવા રિલીઝ પ્લાન મુજબ એ સપ્ટેમ્બરની પાંચમી તારીખે રજૂ કરાશે. તો રિલીઝના મોરચે એક મોટા સમાચાર સલમાનખાનની નવી ફિલ્મના પણ છે.

સલમાને આવી રહેલી ઇદ પર પોતાની ‘કીક’ લગાવવાની તૈયારી કરી છે. તેની છેલ્લે રજૂ થયેલી ‘જય હો’એ જે રીતે માંડ પોતાની ડીપોઝીટ બચાવી હતી; એ જોતાં ‘કીક’ના ઑડિયન્સને ઇદ પછી પણ થિયેટરમાં લાવી શકાય તો સેંકડો કરોડોના બિઝનેસનો ગોલ સિદ્ધ થાય. બાકી એક સાથે બે હજાર સ્ક્રિન પર રજૂ થતી ફિલ્મો માટે ૫૦ કરોડ સામાન્ય વાત છે. કેમ કે હજી હમણાં રિલીઝ થયેલી વરૂણ ધવન જેવા પ્રમાણમાં નવા હીરોની ‘મૈં તેરા હીરો’ અડધી સદી કરી રહી છે. તો બૉક્સ ઑફિસના સલમાન કે શાહરૂખ જેવા ખરેખરા ‘હીરો’ પાસે તો કેવી મોટી અપેક્ષાઓ હોય છે. શાહરૂખે પણ અત્યારે પોતાની નવી ફિલ્મ ‘હેપી ન્યૂ યર’ને ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ જેવી ફાસ્ટ દોડવા લાયક બની છે એ વાતનું સર્ટિફિકેટ આપવાની રીતે (અને બાય ધી વે માર્કેટને પણ ભરોસો બંધાય તે પ્રકારે?) ફિલ્મની નિર્દેશિકા ફરાહખાનને તાજેતરમાં મોંઘીદાટ મર્સિડીઝ કાર ભેટ આપી છે!

પરંતુ, ફિલ્મોના માર્કેટમાં મે મહિનાના બીજા સપ્તાહ સુધી સૌ આંગળીઓ ભીડાવીને બેઠા છે. કેમ કે અત્યારે ઇલેક્શનનો હજારો કરોડનો રિયાલિટી શો ચાલી રહ્યો છે. સિલ્વર સ્ક્રિનના ઘણાય નાયક અને નાયિકાઓ દેશના નાયક બનવા ગલીએ ગલીએ ઘૂમી રહ્યા છે. ‘ડ્રીમગર્લ’ હોય કે ‘તુલસી’ સૌ ૪૦ ડીગ્રી પ્લસમાં રસ્તા પર ધૂળ ખાતાં રઝળપાટ કરી રહ્યાં છે. મુંબઈની ચૂંટણીમાં સ્ટાર્સની સામેલગીરી અગાઉના પ્રમાણમાં ઘણી ઓછી કહેવાય. એક સમયે આચાર્ય કૃપાલાણી અને ક્રિશ્ન મેનનનો જંગ થયો, ત્યારે દિલીપકુમાર અને રાજકપૂરથી લઈને સૌ સ્ટાર્સે મેનન માટે વોટ માગવા સડકો પર સરઘસ કાઢ્યાં હતાં અને તેમને જીતાડ્યા હતા. ૧૯૭૭ની ચૂંટણી વખતે પણ દેવ આનંદ અને પ્રાણ જેવા સ્ટાર્સે જનતા પાર્ટીને ખુલ્લે આમ ટેકો આપીને શ્રીમતી ગાંધીને (એટલે કે ઇન્દીરા ગાંધીને!) ઐતિહાસિક હાર અપાવી હતી. આ વખતે શું લાગે છે? ૧૬મી મેના રોજ આવનારું પરિણામ ઐતિહાસિક હશે કે ભૌગોલિક?

   
તિખારો!

એક જ ગાયનની શરૂઆતમાં આવતી આ પંક્તિઓ જીવનના વિવિધ તબક્કાઓને વર્ણવવા આજકાલ સોશ્યલ મીડિયા પર ખુબ લોકપ્રિય થઇ છે... ૧થી ૧૫ વરસ:  ''નૈનો મેં સપના...'', ૧૫ થી ૨૫ વરસ: ''સપનો મેં સજના...'', ૨૫થી ૩૫ વરસ: ''સજના પે દિલ આ ગયા..'' અને ૩૫ થી ૭૫ વરસ: ''ક્યું સજના પે દિલ આ ગયા?!''
 

Sunday, April 13, 2014

ફિલમની ચિલમ.... ૧૩ એપ્રિલ, ૨૦૧૪૨૦૧૪નું પ્રથમ ક્વાર્ટર... માંડ એકાદ જ સેન્ચુરી બતાવે છે!ત્રિમાસિક પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. માર્ચના અંત સુધીમાં રજૂ થયેલી ૩૦ જેટલી ફિલ્મોમાંથી ૧૦૦ કરોડ સુધી સલમાનખાનની ‘જય હો’ સિવાય કોઇ ન પહોંચી શકી. ‘જય હો’ પણ ટી ટ્વેન્ટીની ફાઇનલમાં રમતા યુવરાજની માફક એ આંકડે પહોંચી શકી હતી અને તેથી તે સલમાનને જશ કરતાં વધારે અપજશ આપી ગઈ. જો કે ધીમી રમત માટે એક જમાનામાં ટીકાપાત્ર બનેલા રવિ શાસ્ત્રીએ કહેલી વાત સલમાન અને ‘જય હો’ને પણ ભવિષ્યમાં લાગુ પડવાની જ. શાસ્ત્રીને ટેસ્ટમાં તેના ‘ધીમી ગતિના સમાચાર’ જેવા ૫૦ કે ૧૦૦ રન વખતે પ્રેક્ષકોના હુરિયાનો સામનો કરવો પડતો. પરંતુ, તેમનું લૉજિક સાદું હતું, “આજથી ૧૦-૨૦ વરસ પછી રેકોર્ડ બુકમાં મેં કેટલી સેન્ચ્યુરી કે હાફ સેન્ચ્યુરી મારી હતી તેની જ નોંધ હશે.... લોકોની બૂમો નહીં હોય!”

એટલે જ્યારે સલમાનની કરિયરના આંકડા લખાશે ત્યારે ‘જય હો’ ૧૦૦ કરોડની ફિલ્મ તરીકે અલગ ખાનામાં હશે જ. ભલેને તેની સરખામણીએ ‘ક્વીન’ જેવી સાવ ઓછા ખર્ચે બનેલી ફિલ્મે ૫૦ કરોડ લાવીને બોક્સ ઓફિસ ઉપર પોતાનું રાજ સ્થાપિત કર્યું હોય કે પછી ‘રાગિણી એમ.એમ.એસ.૨’એ દસ દિવસમાં ૪૦ કરોડનો વકરો લાવીને એકતા કપૂરને ન્યાલ કરી દીધી હોય. ‘ક્વીન’માં તો કંગના રાનાવત (કે રનૌત?) જેવી સ્ટાર હતી. પરંતુ, ‘રાગિણી...’માં તો માત્ર સની લિયોની અને તેની ‘બૉર્ન સ્ટાર’ની નહીં પણ ‘પૉર્ન સ્ટાર’ તરીકેની ઇમેજ જ હતી. (તેની અટકનો સાચો ઉચ્ચાર ‘લિયોની’ છે, ‘લિયોન’ નહીં... પણ ઉચ્ચાર કરતાં પ્રેક્ષકોના ‘ઓહ!’ અને ‘આહ!’ જેવા ઉદગાર વધારે મહત્વના હતા.)
એ રીતે માર્ચ એન્ડ સુધીમાં ‘ડીસન્ટ’, એટલે કે આજકાલનો ચલણી શબ્દ વાપરીને કહીએ તો ‘માફકસરનો’, ધંધો કરનારી ‘ડેઢ ઇશ્કિયા’, ‘ગુન્ડે’, ‘હંસી તો ફંસી’, ‘હાઇવે’ ‘શાદી કે સાઇડ ઇફેક્ટ્સ’ જેવી જાણીતા સ્ટાર્સની ફિલ્મોની સાથે સાથે ‘યારિયાં’ નામનું એક સરપ્રાઇઝ પણ હતું! ‘યારિયાં’ ટી સિરીઝવાળા ભૂષણકુમારની પત્ની એક્ટ્રેસ દિવ્યા ખોસલાએ નિર્દેશિત કરી હતી એ માહિતી સિવાય  તેમાં કલાકારો કોણ હતા એ કોઇ ક્વીઝમાં પૂછવા જેવો સવાલ છે. (સાચો જવાબ છે;  રકુલ પ્રીત સિંગ અને હિમાંશ કોહલી... હવે એ પણ કહી દો કે બેમાંથી હીરો કોણ હશે?! ) પરંતુ, ‘યારિયાં’એ બિઝનેસ ૪૦ કરોડનો આપ્યો છે! તેથી જ્યારે  ટૉપસ્ટાર્સના એવા સમાચાર આવે કે ‘હાઉસફુલ - ૩’ માટે સાજીદ નડિયાદવાલાએ અક્ષય કુમાર અને અભિષેક બચ્ચનને લીધા છે કે દીપિકા અને રણવીરસિંગે સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’ સાઇન કરી છે, ત્યારે યાદ રાખવું કે કો’ક ખૂણામાં સાવ અજાણ્યા કલાકારોને લઈને ‘યારિયાં’ જેવું સરપ્રાઇઝ પૅકેજ પણ બની રહ્યું હશે.

દીપિકા અને રણવીરે ‘બાજીરાવ મસ્તાની’ માટે કરણ જોહરની ‘શુધ્ધિ’ છોડી. (અને હવે આમિરખાન પાસે દરખાસ્ત આવ્યાના સમાચાર પણ છે.) જો કે, દીપિકાની ઇચ્છા બેઉ પિક્ચરો કરવાની હોય તો પણ કરે શું? કરણે તો ડીસેમ્બર ’૧૪માં ‘શુધ્ધિ’ રિલીઝ કરવાનું જાહેર પણ કરી દીધું છે. દીપિકાની તારીખોમાં અત્યારે એવો ચક્કા-જામ છે કે તેની રજનીકાન્ત જેવા સુપરસ્ટાર સાથેની નવી ફિલ્મ ‘કોચાદૈયાન’ના પ્રમોશન માટે પણ ટાઇમ કાઢી શકતી નથી. એટલું જ નહીં, તમિલ તો ઠીક તેની હિન્દી આવૃત્તિ માટે પણ તે ડબીંગ નથી કરી શકવાની. તેના સંવાદો કોઇ ડબીંગ આર્ટિસ્ટ પાસે બોલાવાશે. (શું તેમાં ‘બૉકવાસ ડિક્શ્નેરી’ જેવી મઝા આવી શકશે?)

દીપિકા જેવા ચઢતા સિતારાને મળેલા પ્રોજેક્ટ્સ છોડવા પડે છે, જ્યારે સુનિલ શેટ્ટીને બંધ થયેલી ફિલ્મોના પૈસા પરત કરવા ઍસોસિએશનમાં જવું પડે છે. સુનિલને એક ફિલ્મ માટે સાઇનીંગ એમાઉન્ટના ૨૧ લાખ રૂપિયા મળ્યા હતા. કોઇ કારણસર પિક્ચર બનવાનું મોકુફ રહ્યું. હવે બાનાની એ રકમ પરત માગવા એકથી વધુ દાવેદાર આવતાં સુનિલ કોને તે પૈસા ચૂકવે? હવે એસોસિએશન નક્કી કરશે તેને એ ચૂકવશે. પરંતુ, એક જમાનો હતો જ્યારે સાઇનીંગ એમાઉન્ટના કિસ્સામાં ‘લિયા દિયા ઔર ભૂલ ગયા’ વાળો ખેલ થતો. એ સમયે ઉપલક કૅશ પૈસાનો વહેવાર વધારે રહેતો અને કોન્ટ્રાક્ટ પણ નિર્માતા જેવો ટાઇપ કરાવીને લાવ્યા હોય એના ઉપર કલાકારો સાઇન કરી દેતા. કોઇક જ વહીદા રહેમાન જેવું હોય કે પોતાની પ્રથમ ફિલ્મના કરારમાં પણ પોતે અનુકૂળ નહીં આવે એવાં વસ્ત્રો નહીં પહેરે એવી કલમ ઉમેરાવે અને તે પણ ગુરૂદત્ત જેવા સર્જકના કોન્ટ્રાક્ટમાં!વહીદાજીએ પોતાની જીવનકથાનું પુસ્તક છેવટે આ સપ્તાહે રિલીઝ કરી દીધું અને તેમાં આ વાતનો ઉલ્લેખ છે એમ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે. તેનો રિપોર્ટ આવ્યો, તે જ દિવસોમાં વહીદા રહેમાન અને ગુરૂદત્તની સામાન્ય કડી એવા હિન્દી સિનેમાના જિનિયસ કેમેરામેન વી.કે. મૂર્તિના અવસાનના સમાચાર પણ આવ્યા. તેની સાથે જ ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘સાહિબ બીવી ઔર ગુલામ’ જેવાં ક્લાસિક ચિત્રો સ્મરણમાં તાજાં થઈ ગયાં. મૂર્તિ સાહેબના કેમેરાવર્ક અને લાઇટીંગનું વિશ્વ સિનેમામાં પણ મહત્વ છે. ફિલ્મ મેકીંગ શીખવતી સ્કૂલો અને ઇન્સ્ટિટ્યુટ્સમાં મૂર્તિ સાહેબનું ‘બૉડી ઑફ વર્ક’ અભ્યાસક્રમનો હિસ્સો હોય છે. ટીવી જોતી નવી પેઢીને (એટલે કે સાવ નવી નહીં પણ માફકસરની જાગ્રત જનરેશનને!) તેમની ગોવિંદ નિહલાનીની ‘તમસ’ અને શ્યામ બેનેગલની ‘ભારત એક ખોજ’ એ બે સિરીયલોનું કામ યાદ હશે જ. ‘તમસ’ના ઓપનિંગ સીનમાં ઓમપુરી સુવરને મારે છે એ સીન યાદ કરો (એટલે કે આજે તો ‘યુ ટ્યુબ’ પર જુઓ!) તો મૂર્તિ સાહેબની કેમેરા મૂવમેન્ટને અને તેમને ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ જેવું રાષ્ટ્રનું સર્વોચ્ચ સન્માન આપનાર સરકારી તંત્રને પણ સલામ કર્યા વિના ના રહી શકો!તિખારો!'કૉમેડી નાઇટ્સ વીથ કપિલ’ની સામે ‘ગુથ્થી’ સુનિલ ગ્રોવરના શો ‘મૅડ ઇન ઇન્ડિયા’માં હવે કપિલના શોની માફક, ગોવિંદાના ભાણા ક્રિશ્ના સહિત, અન્ય કોમેડિયનો પણ હશે અને નવજોતસિંગ સિધ્ધુની માફક ઑડિયન્સની સાથે બેસનાર સૅલીબ્રીટી પણ હશે. તે માટે ચંકી પાન્ડેની પસંદગી થઈ છે. એ કેવી કૉમેન્ટ્સ કે સિધ્ધુ પાજી જેવી શેરો-શાયરી કરી શકશે કે કેમ એ તો ભવિષ્યમાં ખબર પડશે. પરંતુ, ચેનલે શરૂઆત તો સારી ગમ્મતથી કરી છે.....ચંકી અને ‘સૅલીબ્રીટી’!!