Saturday, August 26, 2017

ગુલે ગુલઝારસિર્ફ એહસાસ હૈ યે, રૂહ સે મેહસૂસ કરો....
બગાસુ ખાતાં પતાસુ મળેએવો ઘાટ હતો. રાજેશ ખન્નાના શરૂઆતી દિવસો અને વડોદરાની અલંકાર ટૉકીઝમાં ખામોશી આવેલી. અમે તો અન્ડર ડૉગગણાતા નવોદિતને સપોર્ટ કરવા તેની આવેલી ત્રીજી કે ચોથી ફિલ્મને જોવા ગયેલા. પણ રાજેશખન્ના કે વહીદા રહેમાન અથવા મહેમાન કલાકાર ધર્મેન્દ્ર બધા બાજુ પર રહી ગયા.... થિયેટરમાંથી બહાર આવ્યા ગીતોના શબ્દોના પ્રેમમાં પડીને! અને પડ્યા તે કેવા પડ્યા? શાહબુદ્દીનભાઇ કહે છે એમ, ઉંધે કાંધ પડ્યા.... આજ સુધી તેમાંથી ઉભા નથી થઇ શક્યા અને સાચું પૂછો તો થવું પણ નથી

આજે ભલે વાત કરવી છે, લતા મંગેશકરના અમર ગીતહમને દેખી હૈ ઉન આંખોં કી મેહકતી ખુશ્બૂ...”ની; પરંતુ ખામોશી જોતી વખતે તો છક્ક થઇ જવાયું હતું, વો શામ કુછ અજીબ થી....” માં કરાયેલી કવિતાની કરામતથી. તેમાં કિશોરકુમારના ગળાની હલકને વખાણવાની સાથે સાથે બેઉ અંતરામાં એકના એક શબ્દો ઉપયોગમાં લીધાની વિશેષતાથી તો આભા થઇ જવાયું હતું. આજે પણ થતા રહેવાય છે. તેથી ગુલઝારની કવિતામાંના શબ્દોના બિનપરંપરાગત ઉપયોગ પ્રત્યેનો લગાવ તો પછી આવ્યો; પહેલું તો વિશીષ્ટ પ્રકારે કાવ્ય રચના કરવાની તેમની સાહિત્યિક તાકાતથી ચકિત થવાયું હતું


ગીત વો શામ કુછ અજીબ થી....”માં કિશોરદા પાસે સંગીતકાર હેમંતકુમારે કરાવેલી ઉદાસ ગાયકીમાં ખોવાઇ જવાથી શબ્દોની ગોઠવણી તરફ ઘણાનું ધ્યાન ના ગયું હોય સંભવ છે. પણ હાથ કંગન કો આરસી ક્યા? જરાક ધ્યાનથી સાંભળીએ તો સમજાય કે પહેલા અંતરામાં ગુલઝાર લખે, ઝૂકી હુઇ નિગાહ મેં કહીં મેરા ખયાલ હૈ....”  અને બીજો અંતરો આમ શરૂ થાય... મેરા ખયાલ હૈ અભી, ઝૂકી હુઇ નિગાહ મેં...”! કરામત બીજી પંક્તિમાં આવે. એકમાં કહેશે, દબી દબી હંસી મેં ઇક, હસીન સા ખયાલ થા...” અને બીજા અંતરામાં શબ્દો થોડાક ફેરફાર સાથે આમ આવે, ખુલી હુઇ હંસી ભી હૈ, દબી હુઇ સી ચાહ મેં...”! વાહ ભૈ, પહેલા બૉલે (કાવ્યે) ક્લિન બોલ્ડ થવાનો કિસ્સો હતો.

પણ ખામોશીમાં ગુલઝારે માત્ર કવિતાનો પ્રયોગ ક્યાં કર્યો હતો? તેમણેહમને દેખી હૈ ઉન આંખોં કી મેહકતી ખુશ્બુ...” માં ભાષાકર્મ  કેટલું નવતર કર્યું હતું! ‘ખુશ્બુને જોવાની અને સ્પર્શવાની કલ્પના કોઇ કવિએ તે અગાઉ કરી હશે કે? કેટલાકને તે ગળે નહતું ઉતર્યું. (ઘણાને આજે પણ નથી ઉતરતું!)  પણ કવિતામાં બાયોલોજી કામ ના લાગે. નહીં તો હ્રદયને ઉર્મિઓની સરવાણી છલકાવતા ઝરણાની જગ્યાએ આપણે સૌ તેને હિમોગ્લોબીન, કોલસ્ટોરલ અને રક્તકણ-શ્વેતકણના સંગ્રહસ્થાન તરીકે ઓળખતા હોત! પરંતુ, ખુદ ગુલઝારે દિગ્દર્શિત કરેલી ફિલ્મ અચાનકમાં વિનોદ ખન્ના,  ડૉક્ટર બનતા ઓમ શિવપુરીને, હાર્ટ વિશે કહે છે એમ, ઇટ ઇઝ નૉટ જસ્ટ પંપીંગ સ્ટેશન ઓફ ધી બોડી.

વળી મઝાની (અને ખરેખર તો ચોંકાવનારી!) વાત છે કે ગુલઝારે ગીત ફિલ્મમાંના પુરુષ પાત્રની લાગણીને વ્યક્ત કરવા લખ્યું હતું! વાત અલગ છે કે લતા મંગેશકરના મધમીઠા સ્વરમાં હવે આપણા સૌના મનપ્રદેશમાં એવું તો ચોંટી ગયું છે કે નારી હ્રદયની નાજુક લાગણીઓની અભિવ્યક્તિ લાગે છે. પરંતુ, મૂળ પ્લાન પ્રમાણે તો ગીત ખુદ સંગીતકાર હેમંતકુમારના અષાઢી અવાજમાં રેકોર્ડ થવાનું હતું. હેમંતદાએ હમને દેખી હૈ ઉન આંખોં કી મેહકતી ખુશ્બુ...”  શબ્દોને કેવો આત્મા સુધી ગૂંજતો ન્યાય આપ્યો હોત તો ખામોશીના અન્ય ગીત તુમ્હારા ઇન્તજાર હૈ, તુમ પુકાર લો...” સાંભળવાથી પણ સમજાય.

એ ગીત તુમ્હારા ઇન્તજાર હૈ...” ના શબ્દોમાં પણ ગુલઝાર ખ્વાબ ચુન રહી હૈ રાત...” જેવી ઑફબીટ કલ્પના લઇ આવ્યા હતા. રાત્રી સામાન્ય રીતે અચાનક આવી જતાં આકસ્મિક સપનાંની જન્મભૂમિ. ત્યાં ઑર્ડર ના ચાલે કેઆજે આવું સપનું આવવા દેજો.’ પણ તો  પ્રેમીની રાત છે અને એટલે ખ્વાબ ચુન રહી હૈ રાત...”! ગાયનના અંતમાં, મોટેભાગે બદનામ એવી, વ્હીસલ-સીસોટી-નો એટલો તો પ્રેમાળ ઉપયોગ હેમંતદાએ કર્યો છે કે તમે સીટીના પ્રેમમાં પડી જાવ. તેમાં એક તબક્કે આવે છે ગુલઝારના શબ્દો, જે સ્થિતિમાંથી લગભગ દરેક પ્રેમીજન (પુરૂષ કે સ્ત્રીના ભેદભાવ વગર!) કયારેક તો પસાર થતા હોય છે...
 
હોંટ પે લિયે હુએ, દિલ કી બાત હમ,
 
જાગતે રહેંગે ઔર કિતની રાત હમ...”

એટલે ગુલઝાર પર ઓળઘોળ થયા વગર તો ખામોશીના ગીતની વાત થઇ ના શકે. એટલા માટે પણ કે ગુલઝારનીગીતકારતરીકેની પ્રથમ ફિલ્મ હતી. હા, અગાઉ  તેમને  બંદિની (મોરા ગોરા રંગ લઇ લે...),કાબુલીવાલા (ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં રે...) અનેપ્રેમપત્ર (સાવન કી રાતોં મેં ઐસા ભી હોતા હૈ) જેવી બિમલ રોયની ફિલ્મોમાં અન્ય ગીતકારો સાથે એકાદું ગીત લખવા જરૂર મળતું હતું. પરંતુ, કોઇ એક પિક્ચરનાં બધાં ગાયનો લખવા મળ્યાં હોય એવી ખામોશી તેમની પ્રથમ ફિલ્મ હતી. વળી પ્રથમ ટેસ્ટમાં સેન્ચ્યુરી મારતા બેટ્સમેનની માફક ‘ખામોશી’નાં તમામ ગાયન વખણાયાં.  મઝા જુઓ કે આ કવિતા હમને દેખી હૈ ઉન આંખોં કી મેહકતી ખુશ્બુ...”  લખાઇ છે ગુલઝારના સંઘર્ષકાળ દરમિયાન અને છતાં તેમાં ક્યાંય હતાશા કે નિરાશા નથી. સમય હતો, જ્યારે બિમલરોયના ગુજરી ગયા પછી તેમના ટેકનિશ્યનો કામ વગરના અને વેરવિખેર હતા.


તો ભલું થજો હેમંતકુમારનું કે તેમણે ગુલઝાર સહિતનાબિમલ રૉય પ્રોડક્શન’ના સૌને ભેગા કરીને પોતાની નિર્માણ સંસ્થા ‘ગીતાંજલિ’ના નેજા હેઠળ પ્રોડ્યુસ કરેલી ‘ખામોશી’માં કામ આપ્યું. તેથી એક નવોદિત કવિની કવિતા તરીકે મૂલવીએ તો તેનું મૂલ્ય અનેકગણું વધી જાય. રીતે ગાયન તેના આગમનના દિવસોમાં એટલે કે ૧૯૬૯માં સનસનાટી સર્જે એ તો સમજાય. પરંતુ, ગુલઝારના ફિલ્મી દુનિયામાં આવ્યાના દાયકાઓ પછી પણ, કૃતિ તેમની ઓળખ માટે ક્વોટ કરાય ત્યારે ઋજુ શબ્દોની દીર્ઘઆયુતા સમજાય. અગાઉ કહ્યું છે એમ,હમને દેખી હૈ ઉન આઁખોં કી મેહકતી ખુશબૂ  હાથસે છૂકે ઇસે રિશ્તોં કા ઇલ્જામ દો...” બાયોલોજીના વિદ્યાર્થી બનીને નહીં સમજાય. પ્રેમની પવિત્રતાનું ગીત છે. સ્પર્શ થતાં સંબંધ અભડાતો હોય એમ તેને કવિઇલ્જામકહે છે. ‘ઇલ્જામઅર્થાતઆરોપ કાનૂની શબ્દ છે, જેની સજા પણ હોઇ શકે. ‘અછૂતા પ્રેમની શરત સમી ધ્રુવ પંક્તિ તે પછી મૂકે છે,

 સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મહસૂસ કરો
પ્યાર
કો પ્યાર હી રહને દો કોઈ નામ દો

પ્રેમ એ શરીરથી ઉપર ઉઠીને (જિસ્મ સે પરે) આત્માથી અનુભવવાની લાગણી છે, એવું શાસ્ત્રો-પુરાણોનું જ્ઞાન ગુલઝાર માત્ર આ બે પંક્તિમાં આપી દે છે. તેમની પ્રેમની વ્યાખ્યા પણ કવિતાને કેવી ઊંચાઇએ મૂકે છે એ તો જુઓ

પ્યાર કોઈ બોલ નહીં, પ્યાર આવાઝ નહીં
એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ
ના યે બુઝતી હૈ ના રુકતી હૈ ના ઠહરી હૈ કહીં
નૂર કી બૂઁદ હૈ સદિયોં સે બહા કરતી હૈ
સિર્ફ એહસાસ હૈ યે, રૂહ સે મહસૂસ કરો 
 
ગુલઝારની કવિતામાં પ્રતિકોને ઑફબીટ ઇમેજ મળે છે. સામાન્ય રીતે સ્મિત અથવા તો મુસ્કુરાહટ હોઠથી વ્યક્ત થાય અને જ્યારે પણ પ્રેમીના ચહેરાને આનંદિત વર્ણવવાનો હોય ત્યારે તેરે હોંટોં કે દો ફુલ પ્યારે પ્યારે...” જેવું કશુંક લખાતું આવ્યું હતું. તેને બદલે ગુલઝારને અહીં આંખોમાં સ્મિત દેખાય છે. હસતાં નયનોમાંથી વરસતાં પ્રણયનાં સરવરિયાંને શબ્દની જરૂર રહે કે? એટલે મુસ્કુરાહટ સી ખીલી રહતી હૈ, આંખોં મેં કહીં....” એવી પંક્તિ આપે છે અને તેમની ઑફબીટ ઇમેજરીમાંથી આવે છે શબ્દો ઔર પલકોં પે ઉજાલે સે ઝૂકે રહતે હૈં...” આમ તો આંખોને અજવાળાનું સિમ્બોલ ગણાયું છે. પણ તો પ્રણયનો પ્રકાશ. જોયું? ‘નૂર કી બુંદપ્રેમીની ઢળેલી પાંપણોએ આવીને સંતાઇ છે. કવિ પોતાના પ્રતિકને કેવા લૉજીકલ કન્ક્લૂઝન સુધી લઇ આવ્યા! પછી તે કહે છે

હોંટ કુછ કહતે નહીં, કાઁપતે હોંટોં પે મગર
કિતને ખામોશ સે અફસાને રુકે રહતે હૈં

આ પંક્તિઓમાં પણ કેટલો સરસ વિરોધાભાસ એ પ્રયોજે છે.... ખામોશ સે અફસાને’! સામાન્ય રીતે અફસાનાએટલે કિસ્સોઅને એવી નાનકડી કહાની તો કહેવાની જ હોય ને? જ્યારે અહીં ગુલઝાર તો ખામોશ સે અફસાનેકહે છે! પ્રેમીઓના મનમાં તો ઉભય પાત્ર માટે કંઇ કેટલીય દાસ્તાનો સળવળતી હોય છે, જે આસાનીથી કહી શકાતી નથી! પણ તેને કાંપતા હોઠમાં અટકેલી કહીને પરત ધ્રુવ પંક્તિ પર પાછા વળો તો શું સંભળાય? સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મહસૂસ કરો, પ્યાર કો પ્યાર હી રહને દો કોઇ નામ ન દો... 

એક રીતે કહીએ તો આ મૌનને, ‘ખામોશી’ને, હાઇલાઇટ કરતું ફિલ્મનું ટાઇટલ ગીત છે. તેથી સ્વાભાવિક જ એ નાયિકા વહીદા રહેમાનને મળવું જોઇતું હતું. પરંતુ, અહીં તો ડાયરેક્ટર અસિત સેન હતા. (નામ અસિત સેન આવતાં “કાલે કાલે સબ અપને સાલે”ની અદામાં કોમેડિયન અસિત સેનને ક્રેડિટ ન આપી બેસતા! આ તો ‘સફર’ અને ‘મમતા’ જેવી બેમિસાલ ફિલ્મોના દિગ્દર્શક અસિત દા.) તેમણે ઓફબીટ રસ્તો લઈ આ ગાયન સ્નેહલતા ઉપર ફિલ્માવ્યું; જે પછીનાં વર્ષોમાં ગુજરાતી ફિલ્મોનાં સાચા અર્થમાં પ્રથમ સુપર સ્ટાર હીરોઇન બન્યાં. પિક્ચરાઇઝેશન રેડિયો પર રેકોર્ડ થતા ગાયનનું છે. તેથી હસે ત્યારે અમુક એંગલથી આશા પારેખની પોકેટ એડિશન જેવાં દેખાતાં સ્નેહલતાએ માઇક સામે ઉભાં રહીને  ગાવાના આ ગીતમાં દિગ્દર્શનના કોઇ ખાસ ચમકારા નથી. જો કે અમને તો આ જોવા કરતાં સાંભળવાનું ગીત વધારે લાગતું આવ્યું છે. પરંતુ એ બધા કરતાં પણ વિશેષ તો પ્રણય-સમજની ગીતા છે....સિર્ફ એહસાસ હૈ યે રૂહ સે મહસૂસ કરો !

ખાંખાખોળા

મહેન્દ્ર કપૂર 'મરફી' રેડિયોએ પ્રાયોજિત કરેલી સ્પર્ધામાં ‘શ્રેષ્ઠ ગાયક’નો ખિતાબ જીત્યા, તે પછી ૧૯૫૮માં વ્હી.શાંતારામના ‘નવરંગ’માં ‘આધા હૈ ચન્દ્રમા, રાત આધી...’થી પ્લેબેક સિંગર થયા હતા. તેના ૬ વરસ પછી ’૬૪ની સાલમાં ‘ગુમરાહ’ના ‘ચલો ઇક બાર ફિર સે અજનબી બન જાય હમ દોનોં...” માટે પહેલી વાર તે ‘ફિલ્મફેર એવોર્ડ’ જીત્યા, ત્યારે ‘મરફી’એ આ જાહેરાત છપાવીને ગૌરવ લીધું હતું... બિલકુલ વાજબી કારણસર!