Sunday, October 15, 2017

ગુલે ગુલઝાર - મરાસિમ



શામ સે આંખ મેં નમી સી હૈ... આજ ફિર આપ કી કમી સી હૈ!



અમિતાભ બચ્ચનની વર્ષગાંઠ દર સાલ ૧૧મી ઓક્ટોબરે આવે અને છતાં ૨૦૧૧થી તે પ્રસંગનો કે બીજી કોઇ ઉમંગભરી ઘટનાનો ઉત્સાહ જ નથી થતો. કારણ કે તેના એક દિવસ અગાઉ દસમી તારીખે પરમ પ્રિય જગજીતસિંગજીની યાદમાં હૈયું ભારે થઈ ગયું હોય છે. જગજીતસિંગ, તેમના અસંખ્ય ચાહકો માટે પોતપોતાના અસ્તિત્વનો એક ભાગ હતા અને ૨૦૧૧માં ૧૦ ઓક્ટોબરે તેમનું નિધન થયું; ત્યારે સંવેદનાઓને લાડ લડાવતો એક હિસ્સો જાણે કે કરોડો વ્યક્તિત્વોમાંથી ખરી પડ્યો! એટલે હવે દર સાલ ૧૦ ઓક્ટોબરે તેમના ‘મરાસિમ’ આલબમની ગઝલ શામ સે આંખ મેં નમી સી હૈ... આજ ફિર આપ કી કમી સી હૈ...” મનોજગત પર હાવી થઈ જતી હોય છે. ‘મરાસિમ’માં માત્ર ગુલઝારની જ રચનાઓ જગજીતજીએ ગાઇ હોઇ એક સાથે તેમાં શબ્દ અને સૂરની શ્રેષ્ઠતા મળીને માનવીય સંબંધોની નમણાશને એટલી જ સલુકાઇથી પંપાળતી હોવાનો અનુભવ સતત થયા કરે છે... આજે પણ!

ગુલઝાર એ સંગ્રહમાં એમ લખે કે “હાથ છૂટે ભી તો રિશ્તે નહીં છોડા કરતે, વક્ત કી શાખ સે લમ્હે નહીં તોડા કરતે...” ત્યારે એ માત્ર પ્રેમી-પ્રેમિકાને જ નહીં દોસ્તોથી માંડીને સગાં-સંબંધીઓ સહિતના દરેક સાથેના રિલેશન્સને સ્પર્શે છે. તેમાં પણ આ પંક્તિઓમાં અનોખાં કલ્પનોનો ‘ગુલઝાર ટચ’ તો કેવો કમાલનો છે... “જિસકી આવાઝ મેં સિલવટ હોં, નિગાહોં મેં શિકન, ઐસી તસ્વીર કે ટૂકડે નહીં જોડા કરતે...” અવાજમાં, ચાદરમાં પડે એવી, કરચલીઓ અને કપાળમાં પડે એવી કરચલીઓ (શિકન) આંખમાં હોવાનો વિચાર તો ગુલઝાર સિવાય કોને આવે? અથવા તો “એક પુરાના મૌસમ લૌટા, યાદ ભરી તન્હાઇ ભી...”માંનો આ શેર “ખામોશી કા હાસિલ ભી એક લંબી સી ખામોશી હૈ, ઉનકી બાત સુની ભી હમને, અપની બાત સુનાઇ ભી...” મૌનનો કેવો મહિમા કરે છે! અને એકલતાને ઉજાગર કરતી આ રચના “દિન કુછ ઐસે ગુજ઼ારતા હૈ કોઇ, જૈસે એહસાં ઉતારતા હૈ કોઇ...”.

જ્યારે ‘મરાસિમ’માંની તેમના અંગતજીવનના પ્રતિબિંબ જેવી આ પંક્તિઓ એકલા ગુલઝારને જ થોડી લાગૂ પડે છે?... “ઝિંદગી યૂં હુઇ બસર તન્હા, કાફિલા સાથ ઔર સફર તન્હા...” એ ગઝલના પ્રારંભ પહેલાં ગુલઝારના બેઝભર્યા સ્વરમાં આવતા પ્રસ્તાવનાના આવા શબ્દો...

મુઝકો ભી તરકીબ સિખા કોઇ
યાર જુલાહે,
અક્સર તુઝકો દેખા હૈ
કિ તાના બુનતે
જબ કોઇ ધાગા ટૂટ ગયા,
યા ખત્મ હુઆ
ફિર સે બાંધ કે
ઔર સિરા કોઇ જોડ કે ઉસમેં
આગે બુનને લગતે હો
તેરે ઇસ તાને મેં લેકિન,
ઇક ભી ગાંઠ ગિરહ બુનતર કી
દેખ નહીં સકતા હૈ કોઇ...
મૈંને તો ઇક બાર બુના થા
એક હી રિશ્તા.
લેકિન ઉસકી સારી ગિરહેં
સાફ નજ઼ર આતી હૈં
મેરે યાર જુલાહે!
મુઝકો ભી તરકીબ સિખા કોઇ
યાર જુલાહે!

આ મજબૂત પ્રસ્તાવનાએ ગુલઝારની ૧૯૮૮માં દૂરદર્શન પર આવેલી બેહદ સફળ ટીવી સિરીઝ ‘મિર્ઝા ગાલીબ’માં દર હપ્તે ટાઇટલ પછી તરત તેમના પોતાના અવાજમાં આવતી પેલી પ્રમાણમાં અઘરી અને છતાં ગુલઝારના અવાજ તથા જગજીતસિંગના સંગીત નિયોજનને કારણે મોટાભાગના ચાહકોને ગોખાઇ ગયેલી  “બલ્લીમારાં કે મહલ્લે કી વો પેચીદા દલીલોં કી સી ગલિયાં...”ની યાદ તે દિવસોમાં તાજી કરાવી દીધી હતી. જગજીતસિંગના મધમીઠા સ્વરમા ગઝલનો પ્રારંભ થાય તે અગાઉ કેટલીક કૃતિઓમાં પોતાના મર્દાના અવાજમાં જે તે કૃતિના બેકગ્રાઉન્ડ જેવી ચંદ પંક્તિઓનું ગદ્ય શાયરના અવાજમાં આવે. તેને લીધે ‘મરાસિમ’માં બબ્બે પૌરૂષ સભર અવાજોના કોમ્બિનેશનમાં ગદ્ય અને પદ્યનો એક સાથે આલ્હાદક આનંદ આપે એવી એક રસપ્રદ ઘટનાએ ‘મિર્ઝા ગાલિબ’ પછી ફરીથી એકવાર આકાર લીધો.


ટૂંકમાં, ‘મરાસિમ’નું આકર્ષણ ગુલઝારની કવિતાઓને મળેલી જગજીતના અવાજની સ્વાભાવિક છોળો તો છે જ. (યાદ છે ને? જગજીતસિંગના નિધન પછીની ગુલઝારની શબ્દાંજલિ? “એક બૌછાર થા વો... આવાઝ કી બૌછાર થા વો...”!) સાથે સાથે ઘરના છાપરા ઉપર વરસતા સાંબેલાધાર વરસાદના ધ્વનિ જેવું નક્કર ગુલઝારનું પઠન પણ. તેને લીધે એકલા ‘મરાસિમ’ના એક કરતાં વધુ ગઝલ-ગુલ વિશે લખવાની લાલચ થઈ જાય એવો અણમોલ એ સંગ્રહ છે. તેમાં ગુલઝારની કવિતા અને જગજીતજીની ગાયકીએ મળીને ચાર નહીં, આઠ ચાંદ લગાડી દીધા છે. (આલબમમાં ૮ રચનાઓ છે!) ત્યારે તેમાંની આ એક રચના  “શામ સે આંખ મેં નમી સી હૈ... આજ ફિર આપ કી કમી સી હૈ...” ગીત-સંગીતની દુનિયાની એક  ઇતિહાસ સર્જનારી કૃતિ સાબિત થઈ હતી. એ રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી અને લેખના અંતે જોશો કે તૂટી શકવાનો પણ નથી.  ગુલઝાર આ રચનાને મજાકમાં ‘એક દુલ્હન ઔર ચાર દુલ્હે’ એમ પણ કહેતા આવ્યા છે. કેમ કે તેમણે જગજીતને આ કાંઇ તાજી ગઝલ નહોતી લખી આપી. હકીકતમાં એ તો તેના ચોથા દુલ્હા હતા અને ગુલઝાર ફરીથી એ કવિતા સોંપવા તૈયાર નહોતા! ત્યારે જગજીતસિંગે પોતે દલીલ કરીને આ જૂની કવિતા માગી હતી. કેમ કે મૂળે તો આ ગીત ઠેઠ ૧૯૬૮માં ‘મિટ્ટી કે દેવ’ પિક્ચર માટે લખાયું હતું, જેનું સર્જન સંગીતકાર સલિલ ચૌધરીના ભાઇ સમીર ચૌધરી કરી રહ્યા હતા. તેથી સ્વાભાવિક જ સંગીતકાર બડે ભૈયા સલિલબાબુ જ હોય. 

સલિલદાને ગુલઝારે આ શરૂઆતી પંક્તિઓ આપી, ત્યારે તેમણે કહ્યું કે સંગીતની રીતે મેળ પાડવા “શામ સે આંખ મેં નમી સી હૈ...”ને બદલે “શામ સે આંખ મેં નમી નમી સી હૈ...” એમ કરવું પડે. ગુલઝારે ‘નમી નમી સી’ કર્યું અને પછી એ જ રીતે બીજી પંક્તિમાં ‘કમી કમી સી’ કરી આપ્યું. આખા ગીતને સંગીતની આવશ્યકતા મુજબ સુધારી આપ્યું અને સલિલ ચૌધરીએ મુકેશ પાસે તે ગવડાવીને રેકોર્ડ કરાવી લીધું. પણ કમનસીબે પિક્ચર બન્યું જ નહીં અને ગીત પણ અભરાઇએ ચઢી ગયું! (આજે આભાર ‘યુ ટ્યુબ’નો કે કોઇ દયાળુ આત્માએ તે ગીત મુકેશજીના સ્વરમાં ઉપલબ્ધ કરાવ્યું છે.) એવામાં એક દિવસ એ રચનાનું નસીબ ચમક્યું. ગુલઝારના ચીફ આસિસ્ટન્ટ રહી ચૂકેલા અને પછી તો રાજેશ ખન્ના અને હેમામાલિનીને લઈને બનાવાયેલી ૧૯૭૭ની ફિલ્મ ‘પલકોં કી છાંવ મેં’ના દિગ્દર્શક મેરાજે તે અગાઉ પોતાની પ્રથમ ફિલ્મ ‘ખ્વાહિશ’ માટે, સ્વાભાવિક રીતે જ, ગીતકાર તરીકે ગુરૂ ગુલઝારને પસંદ કર્યા. 

ગુરૂએ સ્ટોકમાં પડેલું આ ગીત કાઢી આપ્યું. મેરાજે કહ્યું કે મુખડાની પંક્તિઓ સરસ છે. પરંતુ, અંતરા નવા આપજો. ગુલઝારે આ ગીતને અગાઉ સલિલ ચૌધરીએ કમ્પોઝ કર્યું હતું એ કહ્યા વગર શરૂઆતના મૂળ શબ્દો “શામ સે આંખ મેં નમી સી હૈ...” ફિલ્મના સંગીતકાર લક્ષ્મીકાન્ત પ્યારેલાલને આપ્યા. નવાઇની વાત એ થઈ કે ‘એલ.પી.’એ પણ એ જ સૂચવ્યું કે શબ્દો “શામ સે આંખ મેં નમી નમી સી હૈ...” એમ કરવા પડશે. એ કેવો ઇત્તફાક હતો ક્રિએટિવિટીનો કે મ્યુઝિકના બે તદ્દન અલગ પ્રવાહોના માંધાતાઓને એક સરખો જ સુધારો સૂચવવાનો હતો! પેલી અંગ્રેજી ઉક્તિ ‘ગ્રેટ માઇન્ડ્સ થિન્ક અલાઇક’ (અર્થાત ‘મહાન દિમાગો એક સરખું જ વિચારતાં હોય છે’) સાચી પડતી દેખાય છેને? ગુલઝારે એ રીતના પ્રાસ નવેસરથી બેસાડીને અંતરા સહિતનું આખું ગીત લખી આપ્યું. લક્ષ્મી-પ્યારેએ તેમનાં પ્રિય ગાયિકા લતા મંગેશકર પાસે એ ગવડાવ્યું. પરંતુ, કમનસીબે ‘ખ્વાહિશ’ પણ અધૂરી રહી. ‘ખ્વાહિશ’ પિક્ચર પૂરું ન થતાં આ રચના ફરી માળિયે ચઢાવી દેવી પડી. 


એટલે આ ગઝલ ગુલઝારે વર્ષો સુધી કોઇ નિર્માતાને બતાવી પણ નહીં. છેવટે દસ વરસ પછી ‘પાડોશી’ને આપી દીધી અને એ પંક્તિઓ આશા ભોંસલેના ગળેથી વહેતી થઈ! આશાજી, ગુલઝાર અને આર.ડી. બર્મનની ત્રિપુટીએ મળીને એક પ્રાઇવેટ આલ્બમ ૧૯૮૭માં કર્યું અને તેનું ટાઇટલ રાખ્યું ‘દિલ પડોસી હૈ’. તેને માટે આ રચના આપતા અગાઉ ગુલઝારે તેનો ઇતિહાસ જ્યારે કહ્યો; ત્યારે પંચમદાએ હસતાં હસતાં કહ્યું કે એ અગાઉના બેઉ વખત સંગીતકારોએ કવિતામાં શબ્દ ઉમેરાવ્યા હતા અને તેથી કવિની ‘હાય’ લાગી હતી. આપણે કશો સુધારો કર્યા વગર કમ્પોઝ કરીશું. ‘આર.ડી.’એ પોતાની આગવી સ્ટાઇલમાં, ગઝલ માટે સામાન્ય ન કહેવાય એવા રિધમ સાથે, આશાજી પાસે એ રચના ગવડાવી. ગુલઝારને લાગ્યું કે હાશ, પોતાની કવિતાનો મોક્ષ થઈ ગયો. પરંતુ, ‘દિલ પડોસી હૈ’ રિલીઝ થયાના બારેક વરસ પછી ૧૯૯૯-૨૦૦૦ની આસપાસ ફરીથી આ જ ‘દુલ્હન’ માટે એક ઓર ઉમેદવાર પ્રપોઝલ લાવ્યા. આ વખતે દુલ્હા જગજીતસિંગ હતા!

જગજીતે ગુલઝાર સાથે ‘મરાસિમ’નું પ્લાનિંગ શરૂ કર્યું, ત્યારે તેમણે કહ્યું કે ગુલઝારની પ્રકાશિત થયેલી રચનાઓમાંથી એક પોતાને ખુબ જ ગમી છે અને પોતે પહેલેથી કમ્પોઝ કરી રાખેલી છે. ગુલઝાર ગઝલ સાંભળી અને ચોંકી ગયા! મુસ્કરાતા મુસ્કુરાતા તેમણે એ કવિતાની હિસ્ટ્રી કહી. વળી, છેલ્લે ’૮૭માં આવેલા અન્ય પ્રાઇવેટ આલ્બમ ‘દિલ પડોસી હૈ’નો હિસ્સો બની ચૂકેલી એ રચના ‘મરાસિમ’માં મૂકવાનો કોઇ તર્ક નથી એમ કહીને ઇનકાર કર્યો. ત્યારે જગજીતસિંગે પોતાનું આગવું લૉજિક રજૂ કર્યું. તેમની દલીલ એ હતી કે આશાજીએ ગાયું છે તે આ પંક્તિઓનું મહિલા સ્વરૂપ (ફિમેલ વર્ઝન) છે; જ્યારે ‘મરાસિમ’માં તે પુરૂષની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરશે. ગુલઝાર સંમત થયા અને પોતાના શબ્દોને થોડા પૉલિશ પણ કર્યા.
આજે લતાજીના સ્વરમાં લક્ષ્મી-પ્યારેએ કમ્પોઝ કરેલી આવૃત્તિ ઉપલબ્ધ નથી. પરંતુ, બાકીની ત્રણેય રચનાઓ જોવાથી સમયાંતરે કવિ પોતાની જ કૃતિને કેવી બહેતર બનાવી શકે છે એ જોઇ શકાય છે. સૌ પ્રથમ વખત સલિલ ચૌધરીએ મુકેશ પાસે ગવડાવેલા શબ્દો, અગાઉ કહ્યું તેમ, આવા હતા...
“શામ સે આંખ મેં નમી નમી સી હૈ, આજ ફિર આપકી કમી કમી સી હૈ..”. હવે તેના પ્રથમ અંતરામાં આવેલા આ અલ્ફાઝ જુઓ...
અજનબી સી હોને લગી હૈં આતી જાતી સાંસેં
આંસુઓં મેં ઠહરી હુઇ હૈ રૂઠી હુઇ સી યાદેં
આજ ક્યું, રાત યું, થમી થમી સી હૈ...

ગુલઝારની લેખિનીથી વાકેફ સૌ કહી શકે કે પોતાના જ શ્વાસ અજાણ્યા થઈ જવાની કે પછી રિસાઇ ગયેલી સ્મૃતિઓની કલ્પના એ જ કવિ કરી શકે. સામાન્ય રીતે આપણને શ્રોતાઓને તો એ શ્રેષ્ઠ જ લાગે. પરંતુ, આ તો ગુલઝાર... દર વખતે નવી ઊંચાઇઓ સર કરનારા સર્જક! તેમણે જ્યારે પંચમદા સાથે ‘દિલ પડોસી હૈ’ માટે આ રચનાનો મોક્ષ કર્યો, ત્યારે ‘અજનબી સી હોને લગી હૈં આતી જાતી સાંસેં’ના ભાવને વ્યક્ત કરવા તેમણે પોતાના ઓરિજિનલ છંદમાં આવા શબ્દો લખ્યા, “દફ્ન કર દો હમેં તો સાંસ આયે, દેર સે સાંસ કુછ થમી સી હૈ...” હવે આ એક લેવલ ઊંચી કવિતા થઈને? ‘મને દાટી દો જેથી શ્વાસ લઈ શકું’ એ ટિપિકલ ગુલઝાર સ્ટેમ્પ વાગેલી શાયરી થઈ. મતલબ કે પોતાને સમજી શકતા સાથીની ગેરહાજરીમાં, સંબંધોમાં દુનિયાની ચાલાકીઓ અને બદમાશીઓથી ગુંગળામણ અનુભવતી વ્યક્તિ ઘણીવાર ‘આના કરતાં તો મોત સારું’ એમ કહેતી હોય છે; તેનો ગુલઝારે પાડેલો આ પ્રતિઘોષ અમને તો લાગ્યો છે. પણ શું આ અંતિમ કલ્પના હતી? ના.

હવે ‘મરાસિમ’ માટે ૧૨ વરસે આવતા કુંભના મેળાની માફક આ રચનાની ત્રિવેણીમાં ગુલઝાર ડૂબકી મારે છે, ત્યારે એ જ સંવેદના માટે નવા અલ્ફાઝ લઈને બહાર આવે છે. એ નવા મિલિનિયમ માટે પ્રસ્તુત શેરને આમ કહે છે, “દફ્ન કર દો હમેં કિ સાંસ મિલે, નબ્ઝ કુછ દેર સે થમી સી હૈ...” શું એ શબ્દો સ્ત્રી અને પુરૂષની સંવેદનાનો ફરક દર્શાવતા હશે? કે પછી બે આલબમ અલગ અલગ રેકોર્ડ કંપની માટે કર્યાં હોય તો, કૉપીરાઇટના ઇશ્યુને ટાળવા થોડા શબ્દોની હેરફેર કરી હોય અને આપણે અવનવાં અર્થઘટનો કરતા હોઇએ એમ પણ બની રહ્યું છે? જો એમ હોય તો પણ ગમતા કવિનો શબ્દો સાથેનો ઘરોબો જાણતા હોઇ અમને તો કાવ્યની વધતી ઊંચાઇઓની સરખામણી કરવાની મઝા આવે છે. (મનહર ઉધાસ શાયર અમૃત ‘ઘાયલ’ના શબ્દો ગાતાં કહે છે એમ કહીશું કે ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’!) ગઝલમાં અગાઉ મહિલા સ્વર માટે કહ્યું હતું કે ‘સાંસ આયે’ અને હવે કહે છે કે ‘સાંસ મિલે’. અહીં કોઇ માત્ર ‘આવે’ અને કોઇ ‘મળે’ એ બે વચ્ચેનો ફરક તો છે જ. પણ આશાજી ગાય છે, ‘દેર સે સાંસ થમી સી હૈ’ તેના કરતાં જગ્ગુબાબુને આપેલા શબ્દો ‘નબ્જ઼ કુછ દેર સે થમી સી હૈ’ વધારે પૉલિશ્ડ લાગે છે. 

એટલું જ નહીં, આશાજીના વર્ઝનમાંના શેર ‘કૌન પથરા ગયા હૈ આંખોં મેં...’ની ‘મરાસિમ’માં બાદબાકી થયેલી છે. તેની સામે ગુલઝાર બે નવા મઝાના શેર આપે છે. પહેલામાં લખે છે, ‘‘વક્ત રહતા નહીં, કહીં ટિક કર, ઇસ કી આદત ભી આદમી સી હૈ...”! અહીં અમને ખુબ ગમતી ગઝલ ‘માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે...’ના પ્રિય કવિ  સુરતના નયન હ. દેસાઇની ક્ષમા સાથે એમ સમજવાનું મન થાય છે કે ‘આદમી એટલે માણસ એટલે પુરૂષ એટલે ભટકવાની આદત ઉર્ફે...’ એમ ગુલઝાર કહેવા માગતા હશે? આ ગઝલને જગજીતસિંગ લાઇવ કોન્સર્ટમાં રજૂ કરે ત્યારે ‘ટિક કર’નો ‘ટિ’ ટકોરાબંધ ગાય એ સાંભળવાની મઝા પાછી અલગ. જ્યારે છેલ્લે એ ફરી એકવાર સંબંધોની શાલિનતાનો મહિમા કરે છે અને લખે છે, “કોઇ રિશ્તા નહીં રહા ફિર ભી, એક તસ્લિમ લાઝમી સી હૈ...” કોઇની સાથે નાતો કોઇપણ કારણસર તૂટી ગયો હોય તો પણ (ફિર ભી), મળે તો ‘તસ્લિમ’ એટલે કે ‘અભિવાદન’ તો કરવું જોઇએ. બોલીવુડિયા હિન્દીમાં કહીએ તો, ‘એક હાય-હેલ્લો તો બનતા હૈ, બોસ!’ 

મતલબ કે જો આપણે અજાણ્યાને પણ ‘દુઆ-સલામ’ કરતા હોઇએ તો ‘જાણીતા-અજાણ્યા’ને કેમ નહીં? છતાં અહીં બિલકુલ ‘લાઝમી’ એટલે કે ‘અનિવાર્ય રીતે આવશ્યક’ નહીં પણ ‘જરૂરી જેવું’ એમ કહેવા ‘લાઝમી સી’ કહ્યું છે. આમ, ગીત-સંગીતની દુનિયાને આ ગુલઝારની એવી ભેટ છે, જે અગાઉ બની નહતી અને હવે બનવાની કોઇ શક્યતા નથી. કેમ કે ચાર ગ્રેટ સંગીતકારો સલિલ ચૌધરી, લક્ષ્મીકાન્તજી, રાહૂલદેવ બર્મન અને જગજીતસિંગ આપણી વચ્ચે રહ્યા નથી. તેના ચાર ગાયકો પૈકીના મુકેશજી તથા જગજીતસિંગ પણ વિદાય લઈ ગયા છે. એટલે કોઇ રચનાને, કવિની સામેલગીરી સાથે, સ્વતંત્ર રીતે મુકેશ, લતા મંગેશકર, આશા ભોંસલે અને જગજીતસિંગ ગાય એવી વિરલ ઘટના આ એક માત્ર કૃતિ સાથે ઘટી છે. તેનાં એક એકથી ચઢિયાતાં વર્ઝન પણ એક રેકોર્ડ છે. આજનો લેખ દર વખત કરતાં થોડોક વધારે લાંબો લાગ્યો હોય તો તેનું કારણ જગજીતસિંગ છે. તેમને આ સાલની શ્રધ્ધાંજલિ પણ આપવાનો આ પ્રયાસ હતો અને જ્યારે તેમનું સ્મરણ ‘ગુલે ગુલઝાર’ સાથે કરવાનું હોય ત્યારે, ઇતની છૂટ તો લાઝમી સી હૈ, ના?!  


ખાંખાખોળા!

ગુલઝારની આ જ રચનાને પ્રથમ વખત ૧૯૬૮માં સલિલ ચૌધરીએ
મુકેશના સ્વરમાં “શામ સે આંખ મેં નમી નમી સી હૈ...” એવા સુધારા સાથે ગવડાવી હતી, તે સાંભળવા અહીં ક્લિક કરો:
https://www.youtube.com/watch?v=QaAIWnguBpI 








13 comments:

  1. You are entering your soul in those bodies and the words are flowing from the heart. Awesome article.

    ReplyDelete
  2. ગુલઝારની ભાષાશૈલીનો અનુપમ આસ્વાદ

    ReplyDelete
    Replies
    1. આભાર બૉસ! તમારી કોમેન્ટ અમૂલ્ય છે.

      Delete
  3. New dimensions learned about this composition. Till now only 2 version were known. Thanks !!

    ReplyDelete
  4. ગુલઝાર વિષે વાંચીને ગુલે ગુલઝાર થઇ ગયો, આભાર

    ReplyDelete
  5. Excellent sir,
    Very happy to read about Gulzaraji, Jagjitsinghji,Lataji, Aashaji and Mukeshji. In your words it is special flavour. Thank you very much.


    Manhar Sutaria

    ReplyDelete