Saturday, October 7, 2017

ગુલે ગુલઝાર - સત્યા
‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...!”

ગુલઝારની કરિયરને બે ભાગમાં વહેંચવાનું સાહસ કરવાનું હોય તો હું ફિલ્મ ‘સત્યા’ અગાઉનાં રાહુલદેવ બર્મન સાથે ‘મોટેભાગે અનોખાં કલ્પનો સર્જતા કવિ ગુલઝાર’ અને પંચમદાની વિદાય પછીના ‘હિન્દી ફિલ્મોના ટિપિકલ ગીતકાર બનવા જતા ગુલઝાર’ એમ બે વિભાગ પાડું. ગુલઝારના ચાહકોને કદાચ આવું વર્ગીકરણ નહીં ગમે. પરંતુ, ‘સત્યા’નું આ ગીત ‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...”  જ નહીં, તે જ  ફિલ્મના “સપને મેં મિલતી હૈ...” માં “ સપને મેં મિલતા હૈ... સારા દિન સડકોં પે ખાલી રિક્ષે સા પીછે પીછે ચલતા હૈ...” જેવાં ગીત લખીને ગુલઝારે પોતે માત્ર અવનવી કલ્પનાઓની કવિતાઓ જ કરી શકે છે એવી માન્યતાને દૂર કરવાની કોશીશ કરી હતી. તેઓ હિન્દી ફિલ્મોના ટિપિકલ ગીતકાર જેવાં ગાયનો લખવા પણ સક્ષમ છે, એમ સાબિત કરી આપ્યું. આ ગાયનોની લોકપ્રિયતા પછી તેમણે હિંમતપૂર્વક “બીડી જલાઇ લે જિગર સે પિયા...” અને “કજરારે કજરારે તેરે પ્યારે પ્યારે નૈના...” જેવાં ઓડિયન્સને મઝા પડે અને પડદા ઉપરના ઉત્તેજક ડાન્સને લીધે લોકપ્રિય થાય એવાં આઇટમ સોંગ્સ તરફ ઝૂકવામાં પણ કોઇ છોછ ન જોયો. તે સિનેમાના એક વ્યાવસાયિક ગીતકાર માટે આ સ્વાભાવિક, અને વિશેષ તો જરૂરી પણ, હતું. તેને માટે ખુલાસો શાથી કરવો પડે?

ગુલઝારે એક કરતાં વધુ વખત સામેથી એ સ્પષ્ટતા કરેલી છે કે ‘‘ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ...” એવા શબ્દો પોતે એટલા માટે લખ્યા છે કે ‘સત્યા’ની સ્ટોરી ગેંગસ્ટર્સની છે અને એ બધાં પાત્રો કાંઇ ‘ગાલીબ’ની ભાષામાં ન ગાય. એ તો મારધાડની જબાન જ વાપરે. આ તર્ક સામે મુશ્કેલી એ છે કે ગુલઝાર સાહેબે એવું ધ્યાન ‘સત્યા’ અગાઉ ક્યાં રાખ્યું હતું? ‘માસૂમ’ કે ‘કિતાબ’નાં ‘‘લકડી કી કાઠી...” અને “અ આ ઇ ઇ, માસ્ટરજી કી આ ગઈ ચિઠ્ઠી...” જેવાં બાળગીતોને બાદ કરો તો પાત્રની ભાષાના સ્તરનું ધ્યાન ક્યાં રખાયું છે? દાખલા તરીકે, ‘ઇજાઝત’માં રેખાના ફાળે આવેલાં બે ગીતો. રેખા તેમાં એવી ગૃહિણીનું પાત્ર ભજવે છે જે પોતાના પતિની બેનપણીની કવિતાઓને ‘લવલેટર્સ’ સમજવાની ભૂલ કરે છે. આ સ્તરની હાઉસ-વાઇફ “કતરા કતરા મિલતી હૈ, કતરા કતરા જીને દો, જિંદગી...” જેવા શબ્દો અને તેમાં પણ “સપને પે પાંવ પડ ગયા...” એવી અદભૂત કલ્પના કરી શકે? અથવા “ખાલી હાથ શામ આઇ હૈ, ખાલી હાથ લૌટ જાયેગી...” એમ બેનમૂન ઇમેજ સર્જી શકે? (બાત કુછ હજમ નહીં હુઇ!) અહીં એ બેમિસાલ ગીતો અને તેની ભાષા કે ઇમેજરીની વાત નથી. એ અંગત રીતે અત્યંત ગમતાં સર્જનો છે. પરંતુ, પાત્રની જબાનમાં ગીત લખવાનો ગુલઝારનો તર્ક અગાઉ લાગૂ પડતો નહતો એટલું સાબિત કરવાના પ્રયાસમાં આ દાખલા ટાંક્યા છે. શું એ ‘સત્યા’ના સંગીતકાર વિશાલ ભરદ્વાજના સંગનું પરિણામ હશે?
વિશાલને ગુલઝાર આર.ડી.બર્મન પછી પોતે જેમની સાથે સૌથી વધુ કમ્ફર્ટ મહેસૂસ કરે છે એવા સંગીતકાર ગણાવતા આવ્યા છે. ‘આર.ડી.’ મ્યુઝિકના જિનિયસ હતા. પરંતુ, બંગાળી સિવાયની ભાષાઓ સાથેના તેમના કામચલાઉ સંબંધ વિશે સૌ જાણે જ છે. (“કતરા કતરા...” ગાયનના સર્જન દરમિયાન તેમણે ‘કતરા’નો અર્થ પૂછવો પડ્યો હતો અને જ્યારે ખબર પડી કે એ શબ્દનો અર્થ ‘બુંદ’ થાય છે, ત્યારે એવો સહેલો શબ્દ નહીં વાપરવા બદલ તે ગુલઝાર પર અકળાયા હોવાનું ખુદ કવિએ કહેલું છે!) જ્યારે સંગીતકાર વિશાલ ભરદ્વાજ તો મેરઠ જેવા તળ યુ.પી.ના હિન્દી ભાષી સર્જક, જે શેક્સપિયરની ‘મેકબેથ’ (મકબૂલ), ‘ઓથેલો’ (ઓમકારા) અને ‘હેમલેટ’ (હૈદર) જેવી કૃતિઓને પડદા ઉપર ઉતારનાર દિગ્દર્શક. શું તેમણે ગુલઝારને સાહિત્યિક ‘ક્લાસ’ની સાથે સાથે ‘માસ’ને પણ ગમે એવા શબ્દો લખવાનો જાણીતો રસ્તો દેખાડ્યો હશે? એવાં ગીતો લખવાથી તેમની ‘મહાન સાહિત્યકાર’ તરીકેની ઇમેજને કોઇ ખાંચો નહીં પડે એમ કોઇકે તો આશ્વસ્ત કર્યા હશે. હકીકતમાં તો તેમનાથી અગાઉના શૈલેન્દ્ર, સાહિર, મજરૂહ જેવા ગીતકારો પણ પોતાના સમયના  ‘કવિ સંમેલનો’ અને ‘મુશાયરાઓ’ની શાન હતા જ ને? છતાં ગુલઝારે પોતાનો રસ્તો કેવો અલગ રાખ્યો હતો?

ગુલઝારનાં ગીતોમાં હિન્દી ફિલ્મોમાં જે તે સમયે અનિવાર્ય કહેવાતાં હોળી, દિવાળી કે ઇદ અને રક્ષાબંધન જેવા તહેવારનાં અથવા રાષ્ટ્રભક્તિનાં ગાયન ખાસ નથી. (હોય તો મિત્રો ધ્યાન દોરી શકે.) પોતે કહેવાતા ‘ફિલ્મી ગીતકારો’થી અલગ છે એમ દર્શાવવાનો એ પ્રયાસ હોય તો પણ આપણને કવિતાપ્રેમીઓને તો તેનાથી ફાયદો જ થયો છે. પરંતુ, પાત્રાલેખન અનુસારનું ગીત લખવાના ખુલાસા સાથેના આ ગાયનની મઝા એ છે કે તે ‘સત્યા’ના હત્યા અને હિંસાના કાળા ડિબાંગ પ્લોટ સાથે સરસ રીતે ભળી જાય છે. ‘સત્યા’ની વાર્તા ‘ભીખુ મ્હાત્રે’ (મનોજ બાજપાઇ)ની ગેંગને કેન્દ્રમાં રાખે છે અને તેમાં વાતે વાતે પિસ્તોલ ફોડનારા ગેંગસ્ટર્સ વચ્ચે સિનિયર એવા ‘કલ્લુ મામા’ (સૌરભ શુકલા) એક ઠરેલ વ્યક્તિ છે. કહોને કે ગેંગની નીતિ-રીતિ અને તેના હપતા વસૂલી જેવા હિસાબ-કિતાબમાં ‘કલ્લુ મામા’નું દિમાગ સૌથી વધુ ચાલતું હોય છે. આ ગાયન ‘ભીખુ’ અદાલતમાંથી છૂટીને આવે છે તેના આનંદમાં શરાબની છોળો વચ્ચે ગવાય છે. તેમાં ગુંડાગર્દી કરનારાઓનો ઝાઝો વિચાર કર્યા વિના કે તર્કબુધ્ધિ લડાવ્યા વગર ‘‘એક ઘા ’ને બે કટકા”વાળી માનસિકતાનું પ્રતિબિંબ ગુલઝારે પોતાની રીતે આ શબ્દોમાં પાડ્યું છે...
 
ગોલી માર ભેજે મેં, ભેજા શોર કરતા હૈ
ભેજે કી સુનેગા તો મરેગા, કલ્લુ
અરે, તુ કરેગા દુસરા ભરેગા, કલ્લુ
મામા... કલ્લુ મામા                      

ગુંડાઓ નાની નાની વાતમાં પણ મારવા-મરવા પર ઉતારુ થઈ જતા હોય છે અને તેથી તેમના મતે દિમાગમાંથી આવતા જાતજાતના તર્કને ઠંડા પાડવાનો ઇલાજ એક જ છે... ઉસકી સુનો મત! વળી, ઘણી ફિલ્મોમાં જોવા મળ્યું જ છે ને કે ક્યાંક ટોળામાં અથવા ભીડમાં બહુ અવાજ થતો હોય તો એકાદું માથાફરેલ પાત્ર બંદુકનો એક ભડાકો કરીને “અરે ચૂપ” એમ બૂમ પાડીને સૌને શાંત કરી દેતું હોય છે. અહીં ‘ગોલી માર’નો અર્થ બે રીતે કરી શકાય એવો સરસ શ્લેષ ગુલઝારે કર્યો છે. એક તો શાબ્દિક અર્થમાં ખરેખર ગોળીબાર કરવાનો હોય એમ ‘ઢીચક્યાઉં’ એવો અવાજ પણ ગાયનમાં આવે છે. જ્યારે બીજો મતલબ ‘ગોલી માર’ રૂઢિપ્રયોગનો પણ કરી શકાય. એ શબ્દપ્રયોગ ‘ગોલી માર’ હિન્દીમાં ‘છોડો ઉસકો’ની રીતે પણ વપરાતો હોય છે. “ગોલી મારો લવલેટર કો...” એમ કોઇ કહે એટલે કે પ્રેમપત્રોની વાતને છોડો. અહીં કલ્લુ મામાને ગેંગના કામકાજ અને તેના આયોજનમાં વધારે પડતી બુધ્ધિ ચલાવવાનું ભયજનક સાબિત થઈ શકે છે એવો બાકીના મેમ્બર્સનો મત પણ જણાવાય છે. આ ‘મામા’ ‘ભીખુ’ની ગેંગના થિંક ટેન્ક છે. (ગોળમટોળ સૌરભ શુકલા દેખાવે પણ ટેન્ક જ છે!) તેમનો, ઓફિસની ખુરશીમાં બેસીને કરેલો, કોઇ નિર્ણય ગ્રાઉન્ડ પર જાનની બાજી પર ખેલતા ટીમ મેમ્બરને ભારે પડી શકે એવી ટીમની ફિલિંગ પણ અહીં સરસ રીતે વ્યક્ત થાય છે. ગેંગની આ ઉડઝૂડિયા ભાવના આગળ શું કહે છે?

સોચ-વોચ છોડ, ભેજા કાહે કો ખરોંચના
અપના કામ માલ હાથ આયે તો દબોચના
અટકા-અટકા જો ભી ફટકા, ઝટકા દે
લટકા-લટકા, ડાલ મટકા, સટકા દે
યેડે, વો મરેગા જો ડરેગા, કલ્લુ

‘વિચારવા-ફિચારવાનું છોડો, ખાલી દિમાગનું દહીં ના કરો. આપણે તો જે મળે તે ઝૂંટવી લેવાનું!’ એમ માનતો આ અણગઢ સમૂહ તો માર-ધાડ સિવાયની બીજી ભાષા ક્યાં સમજે જ છે? અહીં ગુલઝાર ટપોરીઓની જુબાનના શબ્દો અટકા, ફટકા, ઝટકા, લટકા, મટકા, સટકાનો પ્રાસ બેસાડીને જે આવે તેને ઝટકાવી દેવાની કે સટકાવી દેવાની વાત તો કરે જ છે. પરંતુ, ગબ્બરના અમર ડાયલોગ (જો ડર ગયા, સમજો મર ગયા!)ની યાદ અપાવે એવા શબ્દો ‘વો મરેગા જો ડરેગા’ પણ આ અડ્ડાની કવિતામાં લાવે છે. તેની પહેલાંનો શબ્દ ‘યેડે’ પણ મરાઠીભાષીઓ જાણે છે એમ ‘અરે ગાંડા’ જેવા સંદર્ભે વપરાય છે. પછી તેમની ટીમના છોકરાઓની રોજીંદી જીવનચર્યા ગીતમાં આમ કહેવાય છે,

દિનમેં ખોલી, રાત તીન બત્તી પે ગુજાર દી
થોડી ચઢ ગઈ તો તીન પત્તી મેં ઉતાર દી
અરે, ખોપડી કી ઝોંપડી મેં ફટકા દે
આડ ફાડ માર છાડ કટકા દે કટકા દે
જોકરોં કી નૌકરી કરેગા કલ્લુ...

ગુલઝારે એમ કહેવા કે ‘ટપોરીઓ તો દિવસે હેડક્વાર્ટર જેવી ખોલીમાં હોય અને રાત પડે રોડ પર’ એક જૂની ફિલ્મના ટાઇટલ ‘તીન બત્તી ચાર રસ્તા’નો સહારો લીધો હોય એમ લાગે છે. કેમ કે અગાઉના સમયમાં શહેરોમાં ચાર રસ્તે ટ્રાફિક લાઇટ મૂકવી પડે એટલી ગાડીઓ કે સ્કૂટરો ક્યાં હતાં? ચકલે આછું અજવાળું રહે તે માટે ત્રણ બત્તીઓ રહેતી, જેથી પગપાળા કે સાયકલ પર જતા સૌને પોતે કયા ચોરાહા પર આવ્યા તેનો ખ્યાલ આવે. એ ત્રણ બત્તીઓના સમૂહના અજવાળે બેસીને સારા ઇલાકામાં ગરીબોનાં સંતાનો અભ્યાસ કરતાં અને જીવનમાં ઊચ્ચ કક્ષાએ પહોંચ્યાના અનેક દાખલાઓ હતા. એ જ તીન બત્તીએ ટપોરીઓ રાત પડે તીન પત્તીનો જુગાર ખેલે અને તેમાં હારે એટલે પીધેલું ઉતરી જાય. આ બધું યાદ હોય એને ગુલઝારે ‘તીન બત્તી’ અને ‘તીન પત્તી’નો કરેલો પ્રાસ ખુબ ગમી જાય. સ્વાભાવિક છે કે અસામાજિક પ્રવૃત્તિઓમાં આવેલા એ સૌ છોકરાઓ ગરીબ ઘરના હોય અને તેમની ઉપમાઓમાં એ જ વાતાવરણને રિફ્લેક્ટ કરે. એટલે પછી ગુલઝાર ‘ખોલી’ સાથે ‘ઝુંપડી’ને પણ યાદ કરે છે. એ ‘ખોપડી કી ઝોંપડી’નો શબ્દપ્રયોગ લઈ આવે છે. છેલ્લે ફરી એક વાર ‘આડ ફાડ, માર છાડ,’ અને ‘કટકા-ફટકા’ એવા ટપોરી શબ્દો સાથે એક વાસ્તવિકતા પણ ટીમના બોયઝ વ્યક્ત કરે છે... ‘જોકરોં કી નૌકરી કરેગા કલ્લુ...મામા... કલ્લુ મામા’!  
‘સત્યા’માં આ આખું ગાયન જે રીતે શૂટ થયું છે તેમાં ગેંગનાં બધાં પાત્રો સામેલ હોઇ થિયેટરમાં તો કદાચ શબ્દો પર એટલું ધ્યાન ન ગયું હોય. પણ અમારી દ્દષ્ટિએ આ ગીત એટલે ગુલઝારનું પોતાનું આઇવરી ટાવર છોડીને અન્ય ગીતકારોની પંગતમાં આવવાનો ટર્નિંગ પોઇન્ટ! તેમણે જ્યારે ગીતકાર તરીકેની કરિયર શરૂ કરી ત્યારે શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, કૈફી આઝમી, હસરત જયપુરી, ઇન્દીવર, પ્રદીપજી, શકીલ બદાયૂનિ, એચ. એસ. બિહારી વગેરે જેવા સિનેમા માટે જરૂરી એવી ગીત રચના કરનારા એ સૌ સિનિયરો કરતાં અલગ પડવા અને પોતાની જુદી પહેચાન બનાવવા એક લેવલથી નીચે નહોતા ઉતર્યા. તે શાયરોમાં આનંદ બક્ષી તો વળી સાવ અલગ હતા. તે જેમાં ગીતો લખતા તે ફિલ્મનું બેકગ્રાઉન્ડ જે હોય તેને અનુકૂળ અને કેરેક્ટર ગમે તે સામાજિક દરજ્જાનું હોય તેને માટે આનંદ બક્ષીના શબ્દો એટલા સરળ રહેતા કે તેમનાં ગાયનો લોકજીભે ચઢી જ જતાં. એ રીતે જોઇએ તો, “ગોલી માર ભેજે મેં...” એ ગુલઝારના ‘બક્ષીકરણ’ની ઘટના તરીકે પણ જોઇ શકાય. ગુલઝારને કે તેમના ચાહકોને ના ગમે એવું આ નિરીક્ષણ છે. પરંતુ,   ગુલઝારે શરૂઆતનાં તેમનાં મોટાભાગનાં ગાયનોમાં ઊચ્ચ કક્ષાની ભાષા રાખીને પોતાનો એક ‘ક્લાસ’ ઉભો કર્યો હતો, જેના અમે આજે પણ ભક્ત છીએ જ. તેને લીધે ‘માસ’ સાથેનું તેમનું જોડાણ  ‘સત્યા’ પછીનાં ગીતોમાં એક કરતાં વધુ વખત અનુભવાયું હોઇ અમારી દ્દષ્ટિએ સંપૂરનસિંગ (બાપ્ટિઝમ પછી) સંપૂર્ણ ગીતકાર થયા! (આ બધું બહુ વિશ્લેષણ લાગતું હોય તો એક જ સલાહ છે... ગોલી માર ભેજે મેં!!)


ખાંખાખોળા! આ જાહેરાત ૧૯૬૯ની છે અને તે શ્યામ બેનેગલે શૂટ કરી હતી, જે હજી એડ ફિલ્મ મેકર જ હતા. આ એ સાલ હતી જ્યારે ૧૫ જ વરસની ઉંમરે ‘અન્જાના સફર’માં બિશ્વજીત સાથે ચુંબનના દ્દશ્ય બદલ રેખા ‘લાઇફ’ મેગેઝીનમાં ચમકી હતી. તેને કારણે એ પિક્ચર રજૂ થતા પહેલાં સેલિબ્રિટી થઈ ગઈ હતી!
  

6 comments:

 1. જલસો પાડી દીધો સાહેબ.બહુ જ મજાનું છે...અદભૂત... અદભૂત... ગુલઝારને આટલી બારીકાઈથી જોવાનું કારણ સમજાતું જય છે એમ લાગે છે. મારા પણ ફેવરિટ છે ગુલઝાર... ગુલઝારે કવિતા અને ફિલ્મગીત વચ્ચેનું અંતર ઘટાડી દીધું એ જ એમ્બે અમર બનાવી દેશે.

  ReplyDelete
  Replies
  1. આભાર મિત્ર... તમારી પ્રશંસા મારે માટે ઓક્સિજન સમાન છે.

   Delete
  2. હું સંમત નથી. બે જગાએ. એક તો ગૃહિણી અમુક સાહિત્યિક કલ્પનો વિચારી ના શકે એ હું નથી માની શક્તો . ને બીજુ કાજરારે ગીત એ માસ સોન્ગ , આઈટમ સોન્ગ ભલે હોય. પણ તેના શબ્દો સાવ માસ કે ચીલાચાલુ નથી. બલ્લી મારા થી લઇને કાલી કમલી વાલે જેવા સંદર્ભથી માંડીને તેરી બાતો મેં કિમામકી ખૂશ્બુ હૈ, તેરા આનાભી ગરમીઓકી લૂ હૈ- પંક્તિની ફ્રેશ ઉપમાઓ એના પરની ગુલઝારીય મુદ્રાનો પુરાવો આપે છે.

   Delete
  3. આભાર. ગૃહિણી ચોક્કસ સાહિત્યિક કલ્પનો વિચારી જ શકે. પરંતુ, જે ગૃહિણી કવિતાઓને ‘લવલેટર્સ’ સમજે તેમની પાસે “સપને પે પાંવ પડ ગયા...”ની ઇમેજની અપેક્ષા વધારે પડતી લાગે છે.
   ‘કજરારે...’ના શબ્દો વિશે કોઇ કોમેન્ટ કરી નથી. ઉલ્લેખ એ છે કે ગુલઝારજી આઇટમ સોંગ તરફ ઝૂક્યા.

   Delete
 2. Minute analysis of classics! Great as usual!

  ReplyDelete
  Replies
  1. Thanks Akhtar for your appreciation. It is like oxygen for me.

   Delete