Saturday, March 28, 2015

ફિલમની ચિલમ..... માર્ચ ૨૯, ૨૦૧૫
‘બે યાર’, નેશનલ એવોર્ડ્સમાં
ગુજરાતી ફિલ્મનું તો નામનિશાન નથી!


એક નાની ચણભણ: શશિકપૂરને બદલે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર બીજા કોઇ કલાકાર-કસબીને ન આપી શકાયો હોત?


એવોર્ડ્સની તેમજ તેને પગલે થતા વિવાદોની પણ સિઝન પૂરી થઈ એમ લાગતું હતું ત્યાં નેશનલ એવોર્ડ્સની જાહેરાત થઈ અને ચણભણાટ શરૂ થયો છે. મોટેભાગે સૌએ હિન્દી સિનેમાના સંદર્ભથી ‘હૈદર’ પાંચ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ’ સાબિત થઈ છે, એની નોંધ લીધી અને તેમાં ‘ક્વિન’ માટે કંગનાને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી નવાજાશે એનો રાજીપો પણ સૌએ વ્યક્ત કર્યો. કોઇએ એ વાતની યાદ પણ દેવડાવી કે ૨૦૧૧માં ‘ફેશન’ માટે પ્રિયંકા ચોપ્રા અને કંગના એ બન્નેને ‘બેસ્ટ એક્ટ્રેસ’ અને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ના એવોર્ડ મળ્યા હતા અને આજે વળી પાછા એ બન્ને ‘મેરી કોમ’ તથા ‘ક્વિન’ માટે સ્પર્ધામાં હતા. છેવટે પ્રિયંકાની ‘મેરી કોમ’ લોકપ્રિય મનોરંજક ફિલ્મના વિભાગમાં વિજેતા બની અને કંગના બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં. પરંતુ, ફિચર ફિલ્મ અને નોન ફિચર ફિલ્મના મળીને કુલ પચાસ જેવા પુરસ્કારોમાં એક પણ ગુજરાતી ફિલ્મ નથી! (હા, ‘બેસ્ટ ફિલ્મ’ જાહેર થઈ છે, તે ફિલ્મ ‘કોર્ટ’ હિન્દી, મરાઠી અને ઇંગ્લીશ ઉપરાંત ગુજરાતીમાં પણ હોવાનો ઉલ્લેખ છે, ખરો. તેથી ગુજરાતી નામની ભાષાની જાણ તો દિલ્હીમાં છે જ!) 
વધારે આશ્ચર્ય તો એ વાતનું છે કે તેમાંનો એક વિભાગ તો ભારતીય ભાષાઓમાં બનતી ફિલ્મોનો છે. તેમાં પણ ગુજરાતી પિક્ચરનું નામ નિશાન નથી. એ કેટેગરીનું નામ પણ સ્વયંસ્પષ્ટ છે: ‘ભારતના બંધારણના પરિશિષ્ટ ૮માં સમાવિષ્ટ દરેક ભાષાની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ’. ત્યારે સવાલ થાય કે શું ગુજરાતી એ બંધારણના આઠમા શેડ્યુઅલની યાદીમાં સમાવિષ્ટ ભાષા નથી? કારણ કે પુરસ્કારોની યાદીમાં આટલી ભાષાઓની ફિલ્મોને બેસ્ટ ફિચર ફિલ્મના એવોર્ડ જાહેર થયા છે: આસામી, બંગાળી, કન્નડ, કોંકણી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ફરી એકવાર હિન્દી પણ (જ્યાં વિજેતા ‘ક્વિન’ છે). એ ઉપરાંત બંધારણની યાદીમાં ન હોય એવી ભાષાઓનો પણ અલગ વિભાગ છે, જેમાં હરિયાણવી અને આસામ તથા બંગાળનાં જંગલોની ‘રાભા’ નામની લોકબોલીમાં બનેલી ફિલ્મનો પણ સમાવેશ છે. એ સિવાય ‘સ્પેશ્યલ મેન્શન’ના સર્ટિફિકેટનો વિભાગ પણ છે, ત્યાં પણ ‘ભૂતનાથ રિટર્ન્સ’ સરખી હિન્દી ફિલ્મ છે. પરંતુ, ગુજરાતીની કોઇ કૃતિ નથી! શું કારણ હશે? લાગે છે કે આપણા ફિલ્મ સર્જકો નેશનલ એવોર્ડ્સ માટેની એન્ટ્રીમાં પોતાનાં પિક્ચર નહીં મોકલતા હોય. તમારી ઉમેદવારી જ ન હોય તો એ ફિલ્મ જ્યુરીએ જોવાનો સવાલ જ ના થાયને? પછી પુરસ્કારની કોઇપણ યાદીમાં ગુજરાતી ફિલ્મ ક્યાંથી હોય? બાકી એક સામાન્ય લોજીક તો એવું પણ કહી જાય છે કે જ્યારે વડાપ્રધાન એક ગુજરાતી હોય ત્યારે તો ગુજરાતી ભાષાની ફિલ્મોની રાષ્ટ્રીય કક્ષાના અને તે પણ સરકારી પુરસ્કારોમાં અવગણના થવાની શક્યતા નહીંવત હોય. વળી એવું પણ નથી કે સાવ ઓછી ફિલ્મો બનતી હોય અને ગણત્રીના જ સર્જકો હોય જે બધા એન્ટ્રી મોકલવાનું ચૂકી ગયા હોય. હવે તો ગુજરાતીમાં બનતી ફિલ્મોની સંખ્યા પણ સારી હોય છે અને તેની ક્વોલિટીમાં આશિષ કક્કડની ‘બેટર હાફ’, તથા અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ કે ૨૦૧૪માં જ રિલીઝ થયેલી ‘બે યાર’ જેવી અર્બન વાર્તાઓ પણ આવવા લાગી છે. ગુજરાતી ફિલ્મોને એવોર્ડ્સ પણ અપાય છે. 

‘ટ્રાન્સમીડિયા’ના એવોર્ડ્સ તો છેલ્લાં ૧૪ વરસથી અપાય છે. એ જ રીતે ત્રણ વર્ષ અગાઉ શરૂ કરાયેલા મિત્ર અભિલાષ ઘોડાની ટીમ ગુજરાતી ગ્લેમર વર્લ્ડ એવોર્ડ્સનું આયોજન પણ કરે છે. તેના સમારંભનું આયોજન તો આ સાલ જુલાઇમાં દુબઇ ખાતે થશે એવા ન્યુઝ સોશ્યલ મીડિયામાં ચમક્યા છે. એ બધા ઉપરાંત ખુદ ગુજરાત સરકાર પણ (ક્યારેક બે વર્ષના ભેગા પણ!) એવોર્ડ્સ તો આપે જ છે. તેથી નિર્માતાઓને કે દિગ્દર્શકોને એવોર્ડની કાર્યપધ્ધતિનો ખ્યાલ નહીં હોય એવું માનવાને પણ કારણ નથી. દરેક એવોર્ડ માટે તેની નિયત સમય મર્યાદામાં સર્જકે એન્ટ્રી મોકલવાની હોય. તેમાંથી થોડીક ફિલ્મો શોર્ટલીસ્ટ થાય અને જ્યુરી ફાઇનલ વિજેતા પસંદ કરે. એટલે ગુંચવાડો એ છે કે શું એક પણ ગુજરાતી પિક્ચર, ‘બે યાર’ સહિતનું, પુરસ્કારને લાયક નહીં હોય? કે પછી એક પણ સર્જકે પોતાની એન્ટ્રી નેશનલ એવોર્ડ માટે નહીં મોકલી હોય?


જો એન્ટ્રી જ મોકલાઇ ન હોય, તો ગુજરાત સરકારના પક્ષે પણ થોડીક જાગૃતિની આવશ્યકતા અપેક્ષિત છે. નેશનલ એવોર્ડ્સમાં મોટાભાગના પુરસ્કારોની રકમ ભલે પચાસ હજાર રૂપિયા જ હોય છે. (જોવાનો આ પણ એક એંગલ હોઇ શકે છે!) ક્યારેક તો માત્ર એક મેરીટ સર્ટિફિકેટ જ હોય છે. છતાં એ કલા અને કલાકારોની દેશ દ્વારા થતી કદર છે. એ અંગે રાજ્યના ક્રિએટિવ લોકોને સમયસર જાણ થાય એ માટે છાપાં કે અન્ય રીતે થતી જાહેરાતો ઉપરાંત શું માહિતી ખાતું અંગત રસ લઈને સૌ સર્જકોને જે તે વર્ષના રાષ્ટ્રીય પુરસ્કારોનું સમયપત્રક મોકલાવીને જાગરુકતા વધારી ન શકે? આખરે આ પુરસ્કારો રાષ્ટ્ર દ્વારા થતું સર્વોચ્ચ સન્માન હોય છે અને ગુજરાતી ભાષાની એક પણ ફિલ્મ એ યાદીમાં ન હોય તો સર્જકો તથા સરકાર બન્નેને તેની ગંભીર ચિંતા થવી જોઇએ; જેથી આવતા વર્ષના એવોર્ડ્સમાં આનું પુનરાવર્તન ન થાય. જો કે આ સાલના પુરસ્કારોમાં સૌથી વધુ ચર્ચા શશિકપૂરને અપાયેલા ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ની છે.

 

શશિકપૂરને જાહેર થયેલા એ એવોર્ડ માટે એક ચણભણાટ એવો પણ થયો છે કે આજે વ્હીલચેરમાં તેમને લાવવા - લઈ જવા પડે છે, ત્યારે આ પુરસ્કાર સહાનુભૂતિને કારણે અપાયો છે? એક્ટર તરીકે ‘શશિબાબા’ને ‘ગ્રેટ’ની કેટેગરીમાં મૂકવા પડે એવા પર્ફોર્મન્સ પણ નથી. જો કે અમારા ગમતા અભિનેતાઓ પૈકીના એ છે, પણ એ અલગ લેખનો વિષય છે. એવોર્ડના સંદર્ભે જોઇએ તો, તેમનું યોગદાન વિશિષ્ટ તો છે જ. તેમણે ‘પૃથ્વી થિયેટર્સ’ જેવી પર્ફોર્મિંગ આર્ટની વ્યવસ્થા ઉભી કરી આપી છે, જે આજે પણ કલાકારો માટે તીરથધામ સમાન છે. એ કોમર્શિયલ ફિલ્મોના ‘ચાર્મીંગ લવર બોય’ની પોતાની હલકી ફુલ્કી ઇમેજથી વિપરિત  તેમના સમયના એક ગંભીર સિનેમાપ્રેમી નિર્માતા હતા. તે કલાકોમાં સમય આપીને એક દિવસમાં ત્રણ ત્રણ ફિલ્મોના શૂટીંગ કરતા અને તેને લીધે રાજકપૂરે તેમને ‘ટેક્સી’ પણ કહ્યા હતા. પરંતુ, રાત-દિવસ જોયા વગર કરેલી કોમર્શિયલ ફિલ્મોથી કરેલી કમાણીને તેમણે પાછી તે જમાનામાં જેને આર્ટ ફિલ્મો કહેતા એવી ફિલ્મોમાં લગાવી હતી. 


તેમણે શ્યામ બેનેગલ (જૂનૂન, કલયુગ) કે ગોવિંદ નિહલાની (વિજેતા) જેવા લીકથી હટીને ફિલ્મો બનાવનારાઓને ઝુંપડીના સેટ કે ગરીબોની જ વાત કરવાના માહૌલથી બહારનું વિચારાય એવા વિશાળ કેનવાસ પૂરા પાડ્યા. એટલું જ નહીં, દાદા સાહેબ ફાળકેની માફક દેવાના ડુંગર તળે દબાઇને ઘર અને બીજી મિલક્તોને ગીરે મૂકવા સુધીની તકલીફો પણ વેઠી હતી. એટલે તેમના યોગદાન વિષે બેમત નથી. પરંતુ, શશિકપૂરના પિતાશ્રી પૃથ્વીરાજ કપૂર અને મોટાભાઇ રાજકપૂર બન્નેને પણ ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર’થી સન્માનિત કરાયા હતા. ત્યારે એક જ પરિવારની ત્રણ ત્રણ વ્યક્તિઓને આટલા મોટા સન્માનથી નવાજવાનું ઔચિત્ય પણ ઘણા પૂછે છે. શશિકપૂરને ઓલરેડી પદ્મભૂષણથી નવાજાયેલા છે, જે બીજા નંબરનો પુરસ્કાર તો છે જ. તો પછી અભિનેતા/અભિનેત્રી ઉપરાંતના ફિલ્મોના અન્ય ક્ષેત્રો તથા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંતની કોઇ ભાષાના કલાકાર-કસબીની પસંદગી ના થઈ શકી હોત? (સોચો ઠાકુર!)

તિખારો!

આજના લખાણને રાબેતા મુજબના વાર્ષિક એપ્રિલફુલનો લેખ કોઇએ ના સમજવો....

ખરેખર જ રાષ્ટ્રીય પુરસ્કારોમાં ગુજરાતી ભાષાની ફિલ્મનું નામનિશાન નથી!      

Sunday, March 22, 2015

ફિલમની ચિલમ માર્ચ ૨૨, ૨૦૧૫ફિલ્મી હીરોઇનોનાં દાંપત્યજીવન                
              ખરેખર ‘એક દુજે કે લિયે’ કે પછી....?
 
આખી ફિલ્મી દુનિયામાં સનસનાટી છે. આમ તો સિનેમા જગતમાં રાઇને પણ (૭૦ એમ.એમ.માં) તડબુચ કરતાં મોટી સાઇઝની કરાતી હોય છે અને સમાચારોને તો ખાસ જ. પણ આ સપ્તાહે રિતિક રોશનનું નામ ગંભીર રીતે કંગના સાથે જોડાતાં સૌ ચોંકી ઉઠ્યા છે. કંગનાની અટક રાણાવત  છે કે રનૌટ કે પછી રાણાવટ? એ જે હોય તે. આપણે તો તેના સરસ નામ કંગનાથી જ ઓળખીશું. એ કંગના અને રિતિક બન્ને સાથે માલદીવ ટાપુ પર વેકેશન ગાળવા જવાનાં છે, એ ખબરો આવતાં છેલ્લા ઘણા સમયથી બાંધે ભારે કહેવાતી અફવાઓ સાચી પડવાનો જોગ ઉભો થયો છે. રિતિક જ્યારથી તેની પત્ની સુઝેન સાથેથી અલગ થયો હતો, ત્યારથી એ સ્કાયલેબ ક્યાં પડશે એ ચિંતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા પતિઓ ચિંતાતુર હતા. પરંતુ, અત્યારની ઘડીએ તો લાગે છે કે રિતિકે કુંવારશાને પસંદ કરી છે. આમ તો ગૉસીપના બજારમાં ‘પેહચાન કૌન?’ની અદામાં ખાસા સમયથી આવી પહેલીઓ આવતી જ હતી: ‘ગ્રીક ગૉડ જેવા દેખાતા એક સુપર સ્ટાર અને ગયા વર્ષે એક કરતાં વધુ એવોર્ડ્સ મેળવાનાર અભિનેત્રી વચ્ચે કશુંક રંધાય છે. કહો જોઇએ... એ જોડી કઈ હશે?’

પણ એ ઉખાણાનો ઉકેલ લોકોને જડતો નહતો. કેમ કે આજે તો દરેક એક્ટરની બૉડી ગ્રીક ગૉડ જેવી છે. જ્યારે એવોર્ડ્સ પણ એટલા બધા અને એટલી કેટેગરીના થઈ ગયા છે કે તેની હીન્ટથી કોઇને કશી ગૅડ બેસે નહીં. પરંતુ, હવે રિતિક અને કંગના જો ખરેખર સજોડે રજાઓ ગાળવા માલદીવ જશે તો ‘ધુમાડા વગર આગ ન હોય’ એ કહેવત ફરી એકવાર સાચી પડશે. એટલે જ આપણે નાની ધુમાડીઓનો પણ ઉલ્લેખ કરવાનું રાખેલું છે. જેમ કે એક ધુમાડી એવી પણ છે કે રણબીર અને કેટરિનાની સગાઇ એક ના’લ્લા પારિવારિક સમારંભમાં દિલ્હી ખાતે પતી ગઈ છે. (એક અહેવાલ તો એવો પણ છે કે કેટરિનાનું મીણનું પૂતળું મેડમ ટુસાડના મ્યુઝિયમમાં ખુલ્લું મૂકાશે ત્યારે રીશી અને નીતુ કપૂર, એટલે કે કેટરિનાનાં સંભવિત સસરા અને સાસુ, પણ લંડનમાં ઉપસ્થિત રહેવાના છે. એ ધુમાડાની પરીક્ષા તો જાણે જલદી થઈ જશે. કેમ કે એ સ્ટેચ્યુ ૨૭મી માર્ચે જ પ્રજાજોગ ખુલ્લું મૂકાવાનું છે. તબ હો જાયેગા દૂધ કા દૂધ ઔર મોમ કા મોમ!)


રણબીર અને કેટરિના જેવાં પ્રેમીપંખીડાં સ્પેનમાં ટાપુ પર ચડ્ડીભેર હરતાં-ફરતાં કેમેરે ઝડપાયાં હોય, બેઉ અલગ ફ્લેટ રાખીને માબાપથી સ્વતંત્ર સજોડે રહેતાં હોય, તેમણે પોતે એ ઘરને પોતાના ટેસ્ટ મુજબ શોખથી સજાવ્યો હોય એવા કુંવારા છતાં પરણેલાં જવાનિયાંની સગાઇ થઈ હોય કે ના થઈ હોય કી ફરક પૈંધા હૈ? પણ ફરક ત્યારે પડે જ્યારે રતિ અગ્નિહોત્રી જેવી સિનિયર અભિનેત્રી કહે કે તેના પતિ મારઝૂડ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા! આ કોઇ ધુમાડી કે ધુમાડાની કક્ષાની અફવા નથી. છાપામાં ચમકી ગયેલા સમાચાર છે કે રતિએ આ સપ્તાહે પોતાના હસબંડ સામે બંડ પોકારીને તેમની વિરુદ્ધ મુંબઈની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અત્યારે ૫૪ વરસની આ અભિનેત્રીને ‘એક દુજે કે લિયે’ના ‘વાસુ’ (કમલ હાસન)ની ‘સપના’ તરીકે એક જમાનામાં મળેલી પ્રસિદ્ધી યાદગાર હતી. રતિએ લગ્ન કર્યા પછી વરસો સુધી પોતાના સુખી દાંપત્યના ઇન્ટરવ્યુ આપ્યા હશે. તેમના પતિ સાથે મળીને રતિએ પુનામાં ‘વીરવાની પ્લાઝા’ નામનો મૉલ ખોલ્યાના સમાચાર પણ વચ્ચે આવ્યા જ હતાને? તેથી આજે ઘરેલુ હિંસાનો કેસ થાય એટલે આંચકો તો જરૂર લાગે. પરંતુ, ડીમ્પલે એક સમયે રાજેશ ખન્ના સામે મેગેઝીનોમાં કરેલી ફરિયાદો યાદ કરનારને કે પછી ઝિનત અમાનને ભરી પાર્ટીમાં સંજયખાનના હાથે સહન કરવી પડેલી ઇજાને કારણે આંખને કાયમી નુકશાન થયાનું જાણતા સૌને નવાઇ ના લાગે. કહેવાતાં ‘ગોલ્ડન કપલ’ની અંદરુની વાતો તેમના અંગત સ્ટાફ કહે ત્યારે જ બહાર આવતી હોય છે; એ જાણતા પોલીસ વિભાગે રતિના પતિએ આરોપોનો ઇન્કાર કર્યા પછી, રતિને ઘેર કામ કરનાર નોકરો-બાઇઓ વગેરેની પૂછપરછ શરૂ કરી છે. પણ આવા કેસોમાં મોટેભાગે અંદરખાને સમાધાન થયા પછી વાત દબાઇ જતી હોય છે. નહીં તો પ્રીટિ ઝિન્ટાએ પણ ગયા વર્ષે તેના બોયફ્રેન્ડ સામે આવી ફરિયાદ કરી જ હતીને?

પ્રીટિ ઝિન્ટાએ નેસ વાડિયા સામે પોલીસ કમ્પ્લેઇન વાનખેડે સ્ટેડિયમમાં આઇપીએલની મેચ વખતે ગઈ સાલ જૂનમાં થયેલી કહેવાતી બબાલના અનુસંધાને કરી હતી. આજે એ જ ક્રિકેટના મેદાને એક નવી જોડીનું કન્ફર્મેશન કરી દીધું છે. ક્રિકેટના દર ચાર વર્ષે રમાતા વર્લ્ડ કપની આ વખતની મેચો ચાલે છે ત્યારે વિરાટ કોહલીએ ‘એન.એચ.૧૦’નાં વખાણ કરતાં ટ્વીટ દ્વારા પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માને ‘માય લવ’ એમ જાહેરમાં કહીને એ સંબંધ મિત્રતાથી આગળના સ્તર સુધી પહોંચી ગયાનું ડંકે કી ચોટ પર ડિકલેર કરી દીધું છે. વિરાટનો ક્રિકેટના ગ્રાઉન્ડ પરનો ધગધગતા અંગારા જેવો સ્વભાવ જગજાહેર છે. આપણે ઇચ્છીએ કે બેઉનું સહજીવન સુખેથી પસાર થાય. પણ ખરેખર જો અનુષ્કા કદાચ શર્માને બદલે ‘કોહલી’ બની જાય તો કાં તો વિરાટે અંગત જિંદગીમાં પોતાની પર્સનાલિટી બદલવી પડે અથવા આપણી હીરોઇને સહનશીલતા વધારવી પડે. જો કે મહિલાઓમાં ડોમેસ્ટીક વાયોલન્સ સામે જે આવકારદાયક રીતે જાગૃતિ વધી છે, એ જોતાં હવેની હીરોઇનો લાબું સહન કરે એ વાતમાં કોઇ વજૂદ નહીં. આજે તો ‘ખુબ લડી મર્દાની, વો તો ઝાંસીવાલી રાની થી’ની તરહ પર સ્ત્રીઓ પુરુષોના જુલ્મો સામે ‘ગુલાબ ગેંગ’ ઉભી કરીને શારીરિક અત્યાચારનો જવાબ એ જ ભાષામાં આપવા સશક્ત છે. માધુરીની ‘મૃત્યુદંડ’માંની ભૂમિકા પણ એવી જ હતીને? તો રાની મુકરજીને ‘મર્દાની’માં મહિલા પોલીસ અધિકારીના રોલમાં મર્દોને હંફાવતી તાજેતરમાં જ ક્યાં નહતી જોઇ? એટલે હવે રોતી કકળતી આજીજી કરતી કે પતિના ચરણોમાં જ સ્વર્ગનું સુખ જોતી અગાઉના સિનેમાની નાયિકા રહી નથી. (અને થેંક ગૉડ ફોર ધૅટ!) પણ ફિલ્મી ઇતિહાસની નોંધ લેવા જેવી વાત એ પણ છે કે હીરોઇનોને સદા ત્રાસ સહન કરતી દેખાડાતી ત્યારે પણ, એટલે કે ’૪૦ના દાયકામાં, પણ નાદિયા જેવાં અભિનેત્રી  હતાં, જે ઘોડેસ્વારી કરે, જુદા જુદા સ્ટંટ જાતે કરે અને ચાબુકથી પુરુષોને ફટકારે... અલબત્ત પડદા ઉપર જ. તેથી જ તેમનું નામ ‘ફિયરલેસ નાદિયા’ પાડવામાં આવ્યું હતું અને ફિલ્મના પોસ્ટર અને પબ્લિસિટીમાં દરેક જગ્યાએ ‘નીડર નાદિયા’ જ લખાય. મઝાની વાત એ હતી કે પડદા ઉપર એક સ્ત્રીના હાથે પુરુષોને ‘સટાક સટાક’ હંટર પડતાં હોય અને એ જોવા સૌથી વધુ આવતા હતા પુરુષો જ! (સોચો ઠાકુર!)તિખારો!

કેટરિનાનું મીણનું પૂતળું લંડનના મેડમ ટુસાડ મ્યુઝિયમમાં મૂકાવાનું છે, ત્યારે એક કાર્ટૂનિસ્ટે તે અંગેની કોમેન્ટ પોતાની રીતે કરી છે. કાર્ટૂનમાં કેટરિનાનું સ્ટેચ્યુ ક્યાં ગોઠવવું એમ પૂછતા સહાયકને મ્યુઝિયમના વ્યવસ્થાપક કહે છે, “સલમાન અને ઐશ્વર્યાનાં પૂતળાંની વચ્ચે મૂકી દો!” Saturday, March 14, 2015

ફિલમની ચિલમ..... માર્ચ ૧૫, ૨૦૧૫‘બચ્ચન દાદા’ હવે આરાધ્યાની અંગત જિંદગીના રિપોર્ટીંગ વિશે વાંધો લઈ શકશે કે?


‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જ્યારે એક હજાર ઉપરાંત (૧૦૦૯) અઠવાડિયાં ‘મરાઠા મંદિર’ થિયેટરમાં ચાલીને તાજેતરમાં ઉતરી ગઈ, ત્યારે કાજોલ અને શાહરૂખની જોડીએ ૨૦ વરસ સુધી દરરોજ એક જ સિનેમાગૃહના સ્ક્રિન પર આવીને ફિલ્મી ઇતિહાસમાં એક અલગ પ્રકારના વિક્રમ માટે પોતાનું નામ નોંધાવ્યું. એ ફિલ્મ ચાલી તે બે દાયકામાં હીરોઇન અને હીરો બન્ને બાળકોનાં (અલબત્ત, પોતપોતાનાં બાળકોનાં!) માતા-પિતા બન્યાં. છતાં પણ એ જોડીની લોકપ્રિયતા આજે પણ યથાવત છે એમ માનનારા લોકોમાં દિગ્દર્શક રોહિત શેટ્ટી પણ છે. તેમણે પોતાની આગામી ફિલ્મ માટે શાહરૂખ અને કાજોલને સંમત કરી લીધાં છે. ‘ડીડીએલજે’નાં ૧૦૦૦ વીક થયાં, ત્યારે સોશ્યલ મીડિયામાં તેની ઘણી ગમ્મતો ચાલી હતી અને તેમાં રોહિત શેટ્ટીને પણ લોકોએ સપાટામાં લીધા હતા.

રોહિત શેટ્ટીએ જો ‘દિલવાલે દુલ્હનિયા...’નું નિર્દેશન કર્યું હોત તો શું? એવા એક કાલ્પનિક સિનેરિયોમાં કહેવાયું છે કે તો છેલ્લે શાહરૂખ ટ્રેઇનમાં હોય અને કાજોલ પાછળ ભાગતી હોય એવા સીનને બદલે હીરો સ્કોર્પિયો જીપના પગથિયા પર બહાર ઉભો  હોત અને હીરોઇન પોતાનો હાથ લંબાવીને દોડતી હોત. આજુબાજુ વિલનની બીજી બે ચાર સ્કોર્પિયો હવામાં ઉછળતી હોત! એવી જ રીતે અગર ‘ડીડીએલજે’માં આમિર હોત તો? ટ્રેઇન આખી જતી રહેત અને ‘સિમરન’ તથા તેના પરિવારજનોને  રેલના પાટા પર મોટા ટ્રાન્ઝીસ્ટરથી પોતાને સ્ટ્રેટેજીકલી ઢાંકીને દિગંબર અવસ્થામાં આવતો ‘રાજ’ દેખાત! આમિર સ્ક્રિપ્ટની જરૂરિયાત હોય તો તદ્દન નગ્નાવસ્થામાં પડદા ઉપર આવતાં સુધ્ધાં ખચકાતો નથી એ તેના દરેક પિક્ચર વખતે જોવાય છે. જો ‘ગજિની’ માટે કસાયેલા શરીરની આવશ્યકતા હતી તો એક બોડી બિલ્ડરને ખુશ કરી દે એવી દેહયષ્ટિ બનાવી હતી. પરંતુ, અત્યારે જ્યારે સલમાન, શાહરૂખની માફક અન્ય સૌ હીરોલોગ કસરતી અને  સ્લીમ-ટ્રીમ લુકની પાછળ લાગ્યા છે, ત્યારે આમિર સ્ક્રિપ્ટની ડિમાન્ડને લીધે આજકાલ વજન વધારવામાં પડ્યો છે! 

આમિર ગઈકાલે ૧૪મી માર્ચે એ ૫૦ વરસનો થયો, ત્યારે બહુ વખતે, (બલ્કે બહુ વર્ષે!) પેટ ભરીને કેક તથા મીઠાઇઓ ખાધી હશે. કેમ કે તેની આવનારી ફિલ્મ ‘દંગલ’માં એ કુસ્તીબાજ હરિયાણાના મહાવીરસિંગ ફોગટ બની રહ્યો છે. તેના માટે એ હરિયાણવી ભાષા તો નેચરલી શીખી જ રહ્યો છે; સાથે સાથે બૉડી પણ પહેલવાન જેવું હોવું જોઇએને? એટલે ૬૮ કીલોના આમિરને તેના ટ્રેઇનરે જે ખાવું હોય એ ખાવાની છુટ આપી. પરિણામ? આજે આમિરનું વજન ૯૦ કીલો થઈ ચૂક્યું છે. ૨૨ કીલોનો ઇજાફો! (સલમાન પણ ‘સુલતાન’માં પહેલવાન બનવાનો છે એવી વાતો આવી છે ખરી. પણ હજી તેણે એ પ્રોજેક્ટ માટે હા નથી પાડી. નહીં તો તેને પણ -અત્યારે છે એના કરતાં પણ- વધારે હેવી દેખાવાય એવું શરીર બનાવવું પડશે!) આમિરે જો કે આ વજન વધારવા માંસ-મચ્છી જેવો ભારે ખોરાક લેવાને બદલે વેજીટેરિયન થવાનું પસંદ કર્યું છે. શાકાહારીઓની યાદીમાં આમિર પહેલાં રેખા, વિદ્યા બાલન, કંગના અને મલ્લિકા શેરાવત જેવી અભિનેત્રીઓ તથા અમિતાભ બચ્ચન સરખા એક્ટર પણ છે જ. (શાકાહારીઓની એક દલીલ બહુ ચોટદાર હોય છે. જંગલનું સૌથી જોરાવર પ્રાણી હાથી અને તે ક્યાં કદી માંસ ખાય છે? એવું જ ઘોડાનુ. શક્તિનું માપ કહેવાય ‘હોર્સપાવર’ અને એ હોર્સ કાયમ ખાય ઘાસ-પુસ જ!)

વેજીટેરિયનની એ યાદીમાં હવે અનુષ્કા શર્માનો પણ ઉમેરો થયો છે. તેની આવી ઝીણી ઝીણી અંગત વાતો માર્કેટમાં હજી હમણાં આવતી જ રહેવાની. કારણ કે અનુષ્કાને પોતાની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ ‘એનએચ ૧૦’ના પ્રચાર માટે ચર્ચામાં રહેવું જરૂરી છે. એટલે એ “હા, વિરાટ કોહલી સાથે હું ડેટીંગ કરું છું.” જેવી ગામ આખું જાણતું હોય એવી વાતને પણ નવા ધડાકા તરીકે રજૂ કરે અને કપિલના શોમાં ‘દાદી’ વગેરેની મજાકો સહન કરે અને સાચું કે ખોટું હસે પણ ખરી. તેણે રિલીઝ થતાં અગાઉ પિક્ચરનો પ્રાઇવેટ શો રાખ્યો અને સોશ્યલ મીડિયા પર ફિલ્મના પ્રચારમાં વેગ મળ્યો. તે પ્રાઇવેટ સ્ક્રિનીંગમાં હાજર રહેલા કરણ જોહર, રણવીરસિંગ, અર્જુન કપૂર, વરૂણ ધવન, રીતેશ દેશમુખથી માંડીને શ્રધ્ધા કપૂર, હુમા કુરેશી જેવા સૌએ રિલીઝના આગલા દિવસોમાં ટ્વીટર પર પિક્ચરનાં વખાણ કરીને સોશ્યલ મીડિયાની ટેરીટરી પર હલચલ ઉભી કરી. એ માસ્ટર સ્ટ્રોક લગાવવો એ અનુષ્કાની નિર્માતા તરીકેની એક આવશ્યકતા હતી. પરંતુ, અમિતાભ બચ્ચનને આરાધ્યાની પબ્લિસિટી કરવાની શી જરૂર હતી?


અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી આરાધ્યાએ તેની સ્કૂલના ‘એન્યુઅલ ડે’માં સ્ટેજ પર પર્ફોર્મન્સ કર્યો તેની વિગતો તેમજ ફોટા જાહેરમાં મૂક્યા, ત્યારે એક સવાલ થાય છે. એક ત્રણ-ચાર વરસની નાનકડી છોકરીને આવી સ્ટાર ટ્રીટમેન્ટ આપવી જરૂરી હતી? અભિનયમાં સામેલ એવા પરિવારના હોનહાર બાળકના સ્ટેજ પરના પ્રથમ પર્ફોર્મન્સનું રેકોર્ડીંગ અને દસ્તાવેજીકરણ કરવું જરૂરી જ છે. પરંતુ, એ બધું ઘરખાનગી રાખી ના શકાય? હજી ૨૦૧૧માં જન્મેલી આરાધ્યા માટે દેશભરનાં છાપાં-ટીવી ચેનલો વગેરે મીડિયામાં ચમકવાનું કેટલી હદે વાજબી કહેવાય? ખુદ અમિતાભને નાનપણમાં પિતાજીની કવિ તરીકેની નામના છતાં એવી કોઇ સ્ટાર ટ્રીટમેન્ટ મળી નહતી. તો પછી હજી પ્રિ-સ્કૂલમાં જતી પૌત્રીએ વાર્ષિક દિન નિમિત્તે સ્ટેજ પર કરેલા અભિનય કે નૃત્યને જગજાહેર કરીને એ બાળકીને પબ્લિક ચાઇલ્ડ બનાવવા પાછળ શું આશય હશે? આવી ઘટનાઓ પછી કલાકારોની અંગત જિંદગીમાં ખણખોદ કરતા પત્રકારોને દોષ કેવી રીતે દઈ શકાય?     

બચ્ચન દાદા કદાચ એવો ખુલાસો કરે કે અમારા ચાહકોને પણ અમે અમારા વિસ્તરેલા કુટુંબ (એક્સ્ટેન્ડેડ ફેમિલી)ના સભ્યો જ ગણીએ છીએ અને પરિવારની ખુશી સભ્યો વચ્ચે વહેંચીએ છીએ. પરંતુ, વિચાર કરો કે આરાધ્યાના ક્લાસમાં કે તેના ભણતર કે વર્તન અંગે ભવિષ્યમાં કદાચ એવી કોઇ અપ્રિય ઘટના બને જે બચ્ચન પરિવારને ના ગમે એવી હોય અને તેનું રિપોર્ટિંગ મીડિયા કરશે તો? અમિતજી કે અભિષેક અથવા જયાજી અને ઐશ્વર્યા સહિતના કોઇને એવું કહેવાનો અધિકાર રહેશે ખરો કે આટલી નાની છોકરીને મીડિયામાં શું કામ ચગાવો છો? ભૂતકાળમાં સ્ટાર્સની અંગત વાતોને ચર્ચવા બદલ કેટકેટલા પત્રકારો અને તેમના કુટુંબીજનોને કેવાં અપમાનના ભોગ બનવું પડ્યું હતું, તે આદિત્ય પંચોલી કે ઇવન શાહરૂખના ભોગ બનેલાઓને પૂછી જોવું. શાહરૂખ અને ‘માયા મેમસાબ’ની હીરોઇન દીપા સાહી અંગે તે દિવસોમાં એક ફિલ્મી મેગેઝીને રિપોર્ટ કર્યો હતો. ત્યારે શાહરૂખને જે પત્રકારે એ અહેવાલ લખ્યો છે એવું લાગ્યું, તેને ઘેર જઈને એ જર્નાલિસ્ટનાં વૃધ્ધ મા-બાપ અને અન્ય પરિવારજનોની હાજરીમાં બેફામ ગાળા-ગાળી કરી હતી. પછી ખબર પડી કે એ ખોટી વ્યક્તિને ધમકાવાઇ હતી. પછી તો સમાધાન થયું અને ‘ખાન સાહેબે’ માફી પણ માગી. પરંતુ, ‘પર્સનલ લાઇફ’ની વ્યાખ્યા સ્ટાર્સની ઇચ્છા મુજબ બદલાય એવું તો ના બને ને?

તિખારો!
 
આલિયા ભટ્ટ તેના જનરલ નોલેજ માટે કે તેના અભાવ માટે, એટલી લોકપ્રિય થઈ છે કે બધી જોક્સ હવે તેના નામે ચઢી રહી છે. તેમાંની એક ‘ઉલ્ટા પુલ્ટા’ રમૂજ આવી છે:
“આલિયા, ૩x૪ કેટલા થાય?”
“૧૨”
“વેરી ગુડ. તો ૪x૩?”
“એ તો સાવ સહેલું છે.... ૨૧!”