Sunday, May 25, 2014

ફિલમની ચિલમ.... ૨૫ મે, ૨૦૧૪








મસાલેદાર હીરો રણબીર પણ હવે મસલદાર થશે?

હાશ.... ચૂંટણી પતી અને ફિલ્મ ઉદ્યોગને હવે ધંધો પાછો પાટે ચઢતો દેખાશે. જો કે ચૂંટણીનાં પરિણામો આવતાં હતાં તે જ દિવસે ઇંગ્લિશ ફિલ્મ ‘ગૉડઝિલા’ની નવી આવૃત્તિ પણ રિલીઝ થઈ. તેમાં જે રીતે એ મહાકાય પ્રાણી  ઝંઝાવાત સર્જે છે એવું જ કાંઇક ભારતીય રાજનીતિના મેદાનમાં થઈ રહ્યું હતું! નરેન્દ્ર મોદીના ઝુઝારુ પ્રચારને પગલે કોંગ્રેસ સહિતના તેમના વિરોધીઓને અધમૂઆ ( કે પોણા મૂઆ?) કરી દેનારી હારનો જે અનુભવ કરવો પડ્યો, તે કોઇ રીતે ‘ગૉડઝીલા’ના મારથી કમ નહતો. ફરક માત્ર એટલો હતો કે અહીંનું નુકશાન બધું વાસ્તવિક હતું..... પિક્ચરની જેમ કોઇ સ્પેશ્યલ ઇફેક્ટ્સ નહતી! એ સપાટામાં ફિલ્મી દુનિયાને લાગે વળગે છે ત્યાં સુધી રાજ બબ્બર, નગ્મા, રવિ કિશન, ગુલ પનાગ, જાવેદ જાફરી જેવા ભાજપ સામે ઉભેલા સૌ આવી ગયા હતા. ‘ગૉડઝીલા’ની સાથે જ રજૂ થયેલી ‘ધી એક્સપોઝ’ને શરૂઆતના શો દરમિયાન ઓછા પ્રેક્ષકો મળ્યા એ સ્વાભાવિક હતું. લોકો સત્તાધારી પક્ષને એક્સપોઝ થતો જોવામાં વધારે રસ ધરાવતા હતા.

‘ધી એક્સપોઝ’ કરતાં ‘ગૉડઝીલા’નો બિઝનેસ વધુ થવાની શક્યતા છે. કેમ કે આપણી હિન્દી ફિલ્મ એક સસ્પેન્સ મુવી છે, જેના કરતાં હોલીવુડની સ્પેશ્યલ ઇફેક્ટ્સને જોનારા વધુ હોવાના. ‘ધી એક્સપોઝ’ના હીરો સંગીતકાર-ગાયક-એક્ટર હિમેશ રેશમિયા છે, જેમના અવાજની ગમે એટલી મજાકો થતી હોય છતાં બૉક્સ ઑફિસ પર તે સંતોષકારક વકરો લઈ જ આવતા હોય છે. ‘ધી એક્સપોઝ’ પણ એવા પ્રમાણસરના ધંધાની આશા જગવે છે. હવે સૌની નજર હવેના શુક્રવારે આવનારી ‘હીરોપન્તી’ ઉપર છે, જેમાં જૅકી શ્રોફના દીકરા ટાઇગરની એન્ટ્રી થવાની છે. ટાઇગરને ‘કોમેડી નાઇટ વીથ કપિલ’માં સ્ટંટ કરતો જોનાર કોઇને પણ એ સમજાય કે એ માત્ર કસરતી બૉડી જ નથી ધરાવતો. માર્શલ આર્ટનો સરસ ખેલાડી પણ છે.

એટલે ‘હીરોપન્તી’ એક રીતે તો ટાઇગરના સ્ક્રિન ટેસ્ટ જેવી ફિલ્મ હોવાની. સાથે સાથે તેને પ્રમોટ કરે એવા સમાચાર પણ પબ્લિસિટીમાં આવ્યા કરવાના. જેમ કે “કરણ જોહર ટાઇગરને લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે” કે પછી ‘હીરોપન્તી’ના નિર્માતા “સાજીદ નડિયાદવાલા પોતાની આ શોધને બીજા પિક્ચરમાં પણ લેવાનું નક્કી કરી રહ્યા છે” બ્લા બ્લા બ્લા. પણ એ બધા વર્તારાઓ સાચા પડવાનો આધાર ટાઇગર ટિકિટબારી પર કેવીક છલાંગ મારી શકે છે, તેના પર રહેવાનો. ટાઇગર જેવો નવો છોકરો પણ કસાયેલા મસલ્સ અને સિક્સ પૅક સાથે આવતો હોય તો રણબીર કપૂરને પણ સ્પર્ધામાં રહેવા એવી જ કસરતો કરવી પડતી હોય તેની શી નવાઇ? રણબીર દિગ્દર્શક અનુરાગ કશ્યપના ‘બૉમ્બે વૅલ્વેટ’ માટે બૉડી બનાવે છે અને તે પણ એક વિદેશી ટ્રેઇનરના પ્રશિક્ષણ હેઠળ. એટલે ટૂંક સમયમાં મસાલા ફિલ્મોના રણબીરને મસલદાર થવા વેઇટ લિફ્ટિંગ કરતા કે સલમાનની માફક ખુલ્લા બદન સાથેના ફોટામાં જુઓ તો નવાઇ ના પામતા. 



કસરતનું મહાત્મ્ય આજકાલના માત્ર હીરોને જ નહીં હીરોઇનોને પણ કેટલું હોય છે, એ પ્રિયંકા ચોપ્રાને કપિલના ‘કોમેડી શો’માં કરેલા કરતબ જોતાં પણ ખ્યાલ આવે છે. પ્રિયંકાને આપણી બૉક્સર ‘મેરી કૉમ’ના જીવન પરની ફિલ્મ માટેની તૈયારી વખતે એક્સરસાઇઝનો એક ચોક્કસ નિત્યક્રમ કેળવવો પડ્યો હતો. મિસ  ચોપ્રા હમણાં સ્પેનના બાર્સેલોના ગયાં છે, જે પણ રમતગમત માટેનું અનેરું સ્થળ છે. (હવે પ્રિયંકાને ‘મિસ ચોપ્રા’ અને રાની મુકરજીને ‘મિસીસ ચોપ્રા’ કહેવાય છે!)  પ્રિયંકાએ બાર્સેલોના જતાં પહેલાં મધુર ભંડારકર સાથે મળીને ‘મૅડમજી’ નામની ફિલ્મને પ્રોડ્યુસ કરવાનું પણ નક્કી કરી લીધું. ૧૬મી મેના દિવસે પ્રિયંકાએ ટ્વીટ કરીને જાહેર કર્યું કે મેરી કોમનું તેનું કામ પૂર્ણ થયું છે. મેરી કોમ એ પાંચ વખત બૉક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતેલાં એક અદભૂત રમતવીર છે અને તેમના જીવન પર આધારિત બનેલી ફિલ્મ માટે ‘પી સી’ને શરીર કસવાનો એવો લહાવો મળ્યો, જેવો ‘ભાગ મિલ્ખા ભાગ’ નિમિત્તે ફરહાન અખ્તરને મળ્યો હતો.



ફરહાન અને પ્રિયંકા જેવા કલાકારો રમતવીરને પડદા પર જીવંત કરે છે, ત્યારે અભિષેક બચ્ચન કબડ્ડી સરખી દેશી રમતને પણ પ્રોત્સાહન આપે છે. ‘અભિ’એ ક્રિકેટની ‘આઇપીએલ’ની માફક રમાનારી કબડ્ડીની મેચો માટે પોતાની ટીમ ‘જયપુર પિંક પૅન્થર્સ’ રાખી છે. તે સ્પર્ધા ‘પ્રો કબડ્ડી લીગ’ માટેના ખેલાડીઓની હરાજીમાં લાખો રૂપિયાની બોલી લગાવીને તેણે પ્લેયર્સ પણ ખરીદી લીધા છે. (ક્રિકેટની માફક કરોડો રૂપિયાના ભાવ પડવાની હજી વાર છે!) અભિષેક એક તરફ પિન્ક ટીમથી દેશમાં ભારતીય રમતોના ચાહકોના દિલમાં આગવું સ્થાન પાક્કું કરતો હતો, ત્યારે તેમનાં ‘મિસીસ’ ગોલ્ડન ડ્રેસથી દુનિયાના મીડિયાને ચકાચૌંધ કરતાં હતાં. 



‘અભિ’એ ટ્વીટ કરીને કાન્સ ફિલ્મ ફૅસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ઐશ્વર્યાના સૅક્સી ગોલ્ડન ડ્રેસ સાથેનો ફોટો મૂકીને તેની સનસનાટીને આ શબ્દોમાં વધાવી હતી.... “ બાવન કલાકથી સૂતો નથી. આંખો ઢળી રહી છે અને (ત્યાં જ) મિસીસ આ રીતે દર્શન દે છે.... ઓકે, આંખો પહોળી થઈ ગઈ છે, હવે!” જો કે એટલી થકાન પછી પણ છોટે બચ્ચન કાન્સ ઉપડી ગયા છે, જ્યાં રેડ કાર્પેટ પર સનસનાટી મચાવવાનું ઐશ્વર્યાનું આ ૧૩મું વરસ છે. ત્યાંથી પરત આવીને ‘ઍશ’ આરામ કરશે કે પછી સંજય ગુપ્તાની ફિલ્મથી પોતાના કમબૅકની જાહેરાત કરશે? એ સવાલ હતો. પરંતુ, હવે એ ગૂચવાડો રહ્યો નથી. આમ તો ઐશ્વર્યા જેવી અભિનેત્રીનું માતૃત્વ પછીનું ‘પુનરાગમન’ એક મોટું સિક્રેટ ગણાય. પરંતુ, હવે નહીં. કેમ કે સંજય ગુપ્તાએ પોતે ટ્વીટ કરીને પેપર ફોડી દીધું છે. તેમણે લખ્યું છે કે ઐશ્વર્યા રાય બચ્ચન તેમની ફિલ્મ કરે છે! તેનું નામ ‘જઝબા’ હશે એ પણ તેમણે જાહેર કરી દીધું છે. તેથી હવે સંભવિત પ્રેગ્નન્સીની બધી અફવાઓ હાલ પૂરતી તો વિદ્યા બાલનના ખુલતા ડ્રેસની આસપાસ ઉડ્યા કરશે!

તિખારો!
 
કપિલના ‘કોમેડી શો’માં ‘પલક’ બનતો કલાકાર કીકુ શારદા એક ઇતિહાસ સર્જવાનો છે. તે કલર્સના જ એક રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’માં એક હરીફ તરીકે પણ પસંદ થયો 
છે. પરંતુ, ઐતિહાસિક બાબત એ છે કે તે ‘કીકુ’ તરીકે નહીં પણ છોકરી ‘પલક’ બનીને જ આવશે. તેની સ્થૂળ કાયા છતાં જે સહજતા અને મસ્તીથી કીકુ ડાન્સ કરે છે, એ જોતાં તે પ્રોગ્રામનું નામ ભવિષ્યમાં કદાચ આવું થઈ જશે.... ‘પલક દિખલા જા’!!          





Tuesday, May 20, 2014

ફિલમની ચિલમ.... મે ૧૮, ૨૦૧૪




શૂટિંગ  દરમિયાન અકસ્માત આફત કે અવસર?



શું ઇરફાન ખાન રિતિક રોશન કરતાં વધુ બિઝનેસ લાવી શકે? હા, જો ૨૦૧૪ના વર્ષમાં અમેરિકામાં થયેલા હિન્દી ફિલ્મોના વેપારને ગણત્રીમાં લો તો! એક અહેવાલ પ્રમાણે તો ઇરફાનની ‘લંચ બૉક્સ’નો યુ.એસ. ખાતેનો વકરો રિતિકની ‘અગ્નિપથ’ અથવા ‘ક્રિશ -૩’ કરતાં વધુ છે. નાની અર્થપૂર્ણ અને લીકથી હટીને બનતી ફિલ્મોના ચાહકો માટે આનાથી મોટા સમાચાર શું હોઇ શકે? (ગોળધાણા વહેંચો!) એક સમયે અમોલ પાલેકર કે ફારૂક શેખ જેવા અભિનેતાઓની ‘રજનીગંધા’ અને ‘ચશ્મે બદ્દદુર’ સરખી ફિલ્મો સફળ થતી ત્યારે મધ્યમમાર્ગી દર્શકોને થતું કે ક્યારે આ કલાકારોને પણ (ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સ સિવાયના) ખરેખરા ઑડિયન્સનો લાભ મળશે? પણ ભલું થજો મલ્ટિપ્લેક્સ થિયેટર્સનું અને સાથે આવેલી કોર્પોરેટ ભાગીદારી કે એ દિવસો તો ક્યારના આવી ગયા અને ગ્લોબલ માર્કેટમાં ઇરફાન ખાન પણ એક લોકપ્રિય અભિનેતા તરીકે બોક્સ ઓફિસે પોતાનું કાઠું કાઢી શકે છે. 
 
બોક્સ ઓફિસે ગયા થોડા દિવસોમાં નવી ફિલ્મોના જે હાલ કર્યા છે તે જોતાં મોટાં પિક્ચરો ચૂંટણીનો માહૌલ પત્યા પછી જ મેદાનમાં આવશે. એટલે આ સપ્તાહે પણ નાના બજેટનાં પિક્ચરની લાઇન લાગેલી છે. આ વીકમાં ‘યે હૈ બકરાપુર’, ‘મસ્તરામ’, ‘મંજુનાથ’ અને ‘હવા હવાઇ’ જેવી ઓછી પબ્લિસીટીવાળી અને મહદ અંશે અજાણ્યા કલાકારોને લઈને બનેલી ફિલ્મો આવી છે. એ બધાની વચ્ચે ‘ટુ સ્ટેટ્સ’ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી ગઈ એ મોટા ન્યુઝ હતા. પરંતુ, આ વીકમાં તેનાથી પણ મોટા સમાચાર હીરો અર્જુન કપૂરના પિતાજી બોની કપૂરને નડેલા અકસ્માતના હતા. આમ તો બોની સહી સલામત છે; પણ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆતમાં આવેલા ન્યુઝ સનસનાટીભર્યા હતા. જે રીતે ટ્રેક્ટર સાથે અથડાઇને કારના બૉનેટ સહિતનો લોચો થઈ ગયો હતો (જેને ઑટો ઇન્શ્યુરન્સની ભાષામાં ‘ટોટલ લૉસ’ કહેવાય!)  તે જોતાં બોની કપૂર બચી ગયા એ ચમત્કારથી કમ નહતું. પણ અકસ્માતના એક અન્ય સમાચાર જ્યારે આવ્યા, ત્યારે મોટાભાગના સમજ્યા કે આ ‘એક વિલન’ ફિલ્મની પબ્લિસીટી માટે વહેતી મૂકાયેલી તસ્વીર હશે. કેમ કે તેમાં શ્રધ્ધા કપૂરે ચાકુ માર્યાથી લોહી લુહાણ થયેલા એક જુનિયર આર્ટિસ્ટનો ફોટો હતો! 



હકીકતમાં શ્રધ્ધાએ બનાવટી ચપ્પુથી હુમલો કરવાનો હતો. પરંતુ, કોઇ કારણસર તેને સાચું ચપ્પુ અપાઇ ગયું હતું અને પરિણામે બિચારા જુનિયર આર્ટિસ્ટને વાગી ગયું. (જો કે પછી ખુલાસો થયો છે કે એ શ્રધ્ધાને ડરાવવાનું યુનિટનું એક આયોજિત તોફાન હતું!) પણ સેટ પર થતા સાચા અકસ્માતની વાત આવે ત્યારે ‘કુલી’માં ફાઇટના શૂટીંગ દરમિયાન વિલન પુનિત ઇસ્સારના હાથે સાચ્ચો મૂક્કો વાગી જતાં અમિતાભ બચ્ચનને થયેલી જીવલેણ ઇજા સૌથી પહેલી યાદ આવે. અમિતાભ દિવસો સુધી જીવન-મરણ વચ્ચે ઝૂલ્યા હતા. પરંતુ, ફિલ્મ રિલીઝ થઈ, ત્યારે એ અકસ્માતને પણ આકર્ષણ બનાવાઇ હતી! પિક્ચરમાં એ ફાઇટ આવે ત્યારે રીતસર એ સીનને અટકાવીને ‘હાઇલાઇટ’ કરાયો હતો. બલ્કે ત્યાં લખાયું હતું કે આ મુક્કા વખતે અમિતાભ બચ્ચન ઘવાયા હતા. એ અગાઉ ‘દો આંખેં બારહ હાથ’ના શૂટીંગ દરમિયાન વ્હી.શાંતારામને પણ અકસ્માત થયો હતો અને તેનો લાભ તેમણે તે પછીની ફિલ્મમાં લીધો હતો.

શાંતારામજી તેમની સુપર ડુપર ફિલ્મ ‘નવરંગ’ની શરૂઆતમાં પડદા ઉપર જાતે આવીને કહે છે કે ‘દો આંખેં બારહ હાથ’ના શૂટીંગ વખતે બળદ સાથેની તેમની લડાઇમાં શીંગડાં વાગવાથી તેમની આંખો ઘવાઇ હતી. તેમને તે સમય દરમિયાન દેખાયેલા જીવનના  રંગોની વાર્તા પ્રસ્તુત છે... ‘નવરંગ’! તો આજના સ્ટાર સંજય દત્તનાં માતા-પિતા સુનિલ દત્ત અને નરગીસ ‘મધર ઇન્ડિયા’ના શૂટીંગ વખતે બનાવટીને બદલે લાગેલી સાચી આગના અકસ્માત પછી જ પરણ્યાં હતાંને? એ આગની જ્વાળાઓ ચારે તરફથી નરગીસને ઘેરી વળી હતી અને પુત્ર ‘બિરજુ’ બનેલા સુનિલદત્ત જાનની પરવા કર્યા વગર એ આગમાં કૂદી પડ્યા હતા. એટલું જ નહીં પોતે દઝાયા પણ લાખો ચાહકોની પ્રિય અભિનેત્રી નરગીસને બચાવી લાવ્યા હતા. નરગીસે જાણે એ આગમાં રાજકપૂર સાથેના સંબંધોને કાયમ માટે હોમી દીધા હોય એમ ‘મિસીસ દત્ત’ તરીકે આખી જિંદગી એક સન્માનીય નારીની જેમ રહ્યાં એ હિન્દી સિનેમાના કલાકારોની ગરિમા (ડિગ્નિટી)ના ઇતિહાસનું એક ઉજ્જવળ પાનું છે. 

પોતાને બચાવતાં દાઝેલા સુનિલ દત્ત સાથે દવાખાનામાં નરગીસ


તો લલિતા પવારને શૂટીંગ દરમિયાન ભગવાનદાદાના હાથે સાચો તમાચો વાગી જતાં એક આંખ કાયમ માટે ખોડવાળી રહી ગઈ હતી. એ ક્રેડિટ લલિતા પવારને કે એ ત્રાસ આપનારી સાસુના રોલ કરતી વખતે એ ઝીણી થતી આંખનો ઉપયોગ એવો સરસ કરે કે ઑડિયન્સ તેમને પેટભરીને ગાળો આપે. પરંતુ, ક્યારેક પડદા પરની દુશ્મનાવટ અસલી જિંદગીમાં આવી જાય તો સાચો ગોળીબાર પણ થઈ જાય, જેવું તામિલ સુપર સ્ટાર એમ.જી રામચંદ્રન સાથે બન્યું હતું. તેમની ફિલ્મમાં ખલનાયક બનતા એમ. આર. રાધાએ વરસો પહેલાં વિધાનસભાની ચૂંટણી વખતે, ‘એમ. જી. આર.’ને ગળામાં ગોળી મારીને પછી પોતાના પર પણ ગોળીબાર કર્યો હતો. સદનસીબે નાયક અને ખલનાયક બન્ને બચી ગયા. વિલનને અદાલતે જેલની સજા પણ કરી. એમ.જી.આર. તે વખતે જંગી બહુમતિથી જીત્યા અને ડીએમકેને પ્રથમવાર સત્તા મળી હતી. ’૬૭ના એ ઇલેક્શન પછી હોસ્પિટલના પલંગમાં ગળે પાટો બાંધીને બેઠેલા એમ.જી.આર.નો ચૂંટણી જીત્યાના કાગળોમાં સહી કરતો ફોટો હજી યાદ છે. તે વર્ષે મળેલી સત્તાનો જ વારસો કરૂણાનિધિ અને જયલલિતા વારાફરતી અત્યાર સુધી સંભાળે છે.

એટલે ‘એક વિલન’ના સેટ પર થઈ એવી અકસ્માતની ઘટનાઓ ક્યારેક વ્યક્તિનો ઇતિહાસ પલટી નાખતો અવસર સાબિત થઈ શકતી હોય છે. ત્યારે આજે એવા ‘એક વિલન’ની સ્મૃતિને સંભારવાની છે, જેમનું તાજેતરમાં અવસાન થયું અને શાહરૂખે ટ્વીટ કરીને દુનિયાને જાણ ન કરી હોત તો સુધીરના દેહાંતની કોઇને ખબર પણ ના પડત. સુધીરને ‘દીવાર’માં બુટપોલીશ કરાવ્યા પછી ફેંકીને પૈસા આપતા ‘જયચંદ’ તરીકે અથવા તો ‘સત્તે પે સત્તા’ના સાત પૈકીના એક ભાઇની ભૂમિકામાં કે પછી ‘ખોટે સિક્કે’ના તેમના રોલ માટે યાદ કરનારા ઘણા હશે. પરંતુ, કાવ્ય પ્રેમીઓના હૈયામાં તો સુધીર મુકેશનું એક સરસ ગાયન “મુઝે રાત દિન યે ખયાલ હૈ, વો નજર સે મુઝકો ગિરા ન દે....” (ઉમર કૈદ) અને ફિલ્મ ‘હકીકત’માંની કૈફી આઝમીની રચના “મૈં યે સોચકર ઉસકે દર સે ઉઠા થા કિ વો રોક લેગી મના લેગી મુઝકો...”  ગાનાર કલાકાર તરીકે હમેશાં અમર રહેશે; જેની અંતિમ પંક્તિ આમ છે.... “યહાં તક કિ ઉસ સે જુદા હો ગયા મૈં... જુદા હો ગયા મૈં....જુદા હો ગયા”!

              
તિખારો!

જ્યારથી આલિયા ભટ્ટે ‘કૉફી વીથ કરણ’માં ભારતના રાષ્ટ્રપતિ તરીકે પૃથ્વીરાજ ચવાણ (મહારાષ્ટ્રના મુખ્યમંત્રી)નું નામ કહ્યું છે, ત્યારથી તેના માટે ટ્વીટર પર જાત જાતની રમૂજ ચાલી રહી છે.  એક  જ સૅમ્પલ.....
“આલિયાએ કપાળમાં લિપસ્ટિક કેમ લગાવી છે?”
“કારણ કે કોઇએ તેને સલાહ આપી છે કે ‘મેકઅપ યૉર માઇન્ડ’!!”