Saturday, December 28, 2013

ફિલમની ચિલમ..... ૨૯ ડિસેમ્બર, ૨૦૧૩શું સલમાનખાન યુસુફખાનના પગલે આગળ વધશે?

  
ધારણા પ્રમાણે જ ‘ધૂમ-૩’ને પહેલા ત્રણ દિવસમાં જ ૧૦૦ કરોડનો વકરો થયો અને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના ટ્વીટ પ્રમાણે દેશ અને પરદેશનાં કલેક્શન ભેગાં કરીએ તો ચાર જ દિવસમાં ૨૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે! વિદેશમાં ક્રિસ્મસની આગલી રાત્રે વધારાનો મધરાતે ૧૧.૪૫નો પણ શો રાખવો પડ્યાના સમાચાર છે! તેથી ૧૩૦ કરોડની લાગતથી બની કહેવાતી એ ફિલ્મ ચાર દિવસમાં પ્લસમાં દોડતી થઈ ગઈ છે. તેનો યશ કોને મળશે? જો ટીવી ચેનલોને સાંભળો તો એ ‘આમિરખાન કી ફિલ્મ’ છે. અભિષેકના અભિનયનાં વખાણ અમિતાભની સોશ્યલ મિડીયામાંની કૉમેન્ટ્સમાં વાંચો તો લાગે કે એ અભિષેકની ફિલ્મ છે. પબ્લિસિટી અને પ્રમોશનનો ખર્ચો ગણો તો લાગે કે એ ‘યશરાજ’ની એક સફળ પ્રોડક્ટ છે. કટરિનાને પણ પોતાની પ્રાઈસ વધારવા જેવી લાગે. પણ આ બધાને એક સુત્રે બાંધનાર દિગ્દર્શકનું શું?

કોઇ સામાન્ય પ્રેક્ષક પૂછીએ કે ‘ધૂમ-૩’ના ડાયરેક્ટરનું નામ શું? તો કેટલા વિજય કૃષ્ણ આચાર્યનું નામ કહી શકશે? જો ખુદાનાખાસ્તા પિક્ચર ફ્લૉપ ગયું હોત તો બિચારા એ દિગ્દર્શકના જ માથે પસ્તાળ પડી હોત. ‘ધૂમ-૩’ને ક્રિસ્મસ અને નવા વર્ષના વિદેશી વેકેશનનો લાભ મળતાં ડોલર અને પાઉન્ડમાં વધારે કમાણી થવાની. તેથી ઇદ અને દિવાળીની જેમ આ પણ ભવિષ્યમાં એક ઝગડાના ઘર જેવો સમય ગાળો થવાનો. એક દિવાળીએ ‘જબ તક હૈ જાન’ અને ‘સન ઓફ સરદાર’ની બબાલે અજય દેવગન અને યશરાજ વચ્ચે કરેલી ખટાશનો અંત હજી આવ્યો નથી, ત્યાં ૨૦૧૫ની ઇદ નિમિત્તે થનારી ટક્કરનાં પડઘમ અત્યારથી મીડિયામાં સંભળાવા માંડ્યાં છે.

૨૦૧૫ની ઇદ નિમિત્તે શાહરૂખખાનની ‘રઈસ’ અને સલમાન ખાનની પોતાના બૅનર ‘બીઇંગ હ્યુમન’ હેઠળની કબીરખાનના નિર્દેશનમાં બનનારી ફિલ્મ એ બેઉ રજૂ કરવાના પ્લાન કરી રહ્યા છે. બેઉ ખાન જો એક જ દિવસને પકડી રાખે તો બન્ને પિક્ચર કદાચ હીટ હોય તો પણ બિઝનેસ વહેંચાઈ જાય. તેથી સવાલ એ થવાનો કે શું ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ વખતે ઇદનો ૨૦૦ કરોડનો સ્વાદ ચાખી ચૂકેલો શાહરૂખ એવી બીજી તક છોડી શકશે કે પછી સલમાન પોતાને માટે લકી એવી ‘ઇદ’નો ભોગ આપી શક્શે? જો કે તહેવારોની રીતે સલમાનના પરિવારમાં ઇદ જેવી જ ઉજવણી ગણેશોત્સવની થાય છે અને ક્રિસ્મસની પણ કરાય છે.

ક્રિસ્મસની આ સાલની પાર્ટીમાં સલમાનને ત્યાં જે ગેસ્ટ આવવાના છે, એ યાદીમાં ઍલી એવરામનો પણ સમાવેશ કરાયેલો છે. ઍલી સૌને યાદ હશે જ કે આ સાલ ‘બીગ બૉસ’માં રહેલી સૌથી રૂપાળી છોકરી છે અને સલમાનને તેના માટેની કુણી લાગણી જગ જાહેર છે. એ બન્ને લગ્ન કરે તો દિલીપ કુમાર અને સાઇરાબાનુ જેવી જોડી થાય એમ કહી શકાય. (દુલ્હા કરતાં દુલ્હનની ઉંમર અડધી હોય!) આ સંભાવના એટલા માટે લાગે છે કે ઍલીએ સલમાનની બર્થડે પાર્ટી (૨૭ ડિસેમ્બર) તથા તે પછીની ન્યૂ યર પાર્ટી સુધી ખાન પરિવાર સાથે પનવેલના ફાર્મ હાઉસમાં રહેવાનું અત્યંત કૌટુંબિક નિમંત્રણ સ્વીકારેલું છે.

ઍલીની જેમ જ આમિરખાન પણ સલમાનની પાર્ટીમાં જવાનું કન્ફર્મ કરી ચૂક્યો છે. આમિર અને શાહરૂખ બન્ને દીપિકાની ગયા વીકની ‘ટૉક ઑફ ધી ટાઉન’ બનેલી પાર્ટીમાં હાજર રહ્યા ત્યારે એ અભિનેત્રીની ઇન્ડસ્ટ્રીમાં વધેલી તાકાતની નોંધ સૌને લેવી પડી. દીપિકાની એ ‘બ્લૅક એન્ડ ગોલ્ડ’ ડ્રેસ કોડવાળી પાર્ટીમાં સંજય લીલા ભણશાળી અને રોહિત શેટ્ટી જેવા તેના દિગ્દર્શકો તેમજ રણવીરસિંગ સરખા તેના કરન્ટ બોયફ્રેન્ડ સહિતના સૌ હતા. પરંતુ, ‘યે જવાની હૈ દીવાની’નો તેનો હીરો રણબીર કપૂર સ્વાભાવિક જ હાજર નહતો. તેનું એક કારણ એ કહેવાય છે કે કટરિનાને આમંત્રણ નહતું અને પોતાના બોયફ્રેન્ડને તેની જૂની બેનપણીને ત્યાં એકલો મોકલવાનું સાહસ કોઇ ‘કૅટ’ કરતી હશે કે?

રણબીર અને કટરિનાએ તેના કરતાં સજોડે અનુરાગ કશ્યપના આમંત્રણને માન આપવાનું નક્કી કર્યું હતું, જેમાં લિયોનાર્દો દિ’કેપ્રિઓની ફિલ્મ જોવાની હતી. અનુરાગે પોતાના એક પ્રિય હોલીવૂડ ડાયરેક્ટર માર્ટિન સ્કોર્સેસીના નવા પિક્ચર ‘ધી વુલ્ફ ઓફ વૉલસ્ટ્રીટ’નો એક સ્પેશ્યલ શો રાખ્યો હતો. તેમાં રણબીર-કટરિના ઉપરાંત નસીરૂદ્દીન શાહ, રત્ના શાહ, કિરણ રાવ, અનુષ્કા શર્મા, અભિષેક કપૂર, અયાન મુકરજી, ઇમ્તિયાઝ અલી વગેરે હતા. આ ફિલ્મ ત્રીજી જાન્યુઆરીએ ઇન્ડિયામાં રજૂ થવાની છે અને સુત્રોં કી માનેં તો, લિયોનાર્દો દિ’કેપ્રિઓ તે દિવસોમાં ભારતની મુલાકાતે પણ કદાચ આવશે. ત્યારે મુદ્દો એ છે કે આ હોલીવૂડ મુવીની એડવાન્સ પબ્લિસિટી અનુરાગ કશ્યપે કેમ કરી હશે?


અનુરાગ અને તેમની પત્ની કલ્કિ અલગ થયાં તે અને રિતિક તથા સુઝેન છૂટાં પડ્યાં એ બે તેમના ચાહકો માટેની વિતેલા વર્ષ ૨૦૧૩ની સૌથી પીડાદાયક ઘટનાઓ કહી શકાય. બન્ને કપલે પ્રેસમાં નિવેદન આપીને શાલિનતાથી પોતાના અંગત દર્દને જાહેરમાં વ્યક્ત કરીને પોતાને સ્પેસ આપવા મીડિયાને વિનંતી કરી છે. એ કદાચ અલગ થયા પછી એક બીજા ઉપર કાદવ ઉછાળવા છાપાં-મેગેઝીનોના પ્લૅટફોર્મનો ઉપયોગ કરતાં અન્ય દંપતિઓ(?) કરતાં સુખદ રીતે અલગ અભિગમ છે. એટલે જ આ સપ્તાહે રિતિક અને સુઝેન તેમનાં બન્ને બાળકોની સ્કૂલના એક પ્રોગ્રામ માટે હાજર રહ્યાના ન્યૂઝ આનંદની લહેરખી આપી જાય છે. પતિ-પત્નીના અલગાવની અસર તેમનાં સંતાનોના ઉછેર પર ના પડે એ ૧૦૦-૨૦૦ કરોડના વકરા કરતાં પણ મોટી વાત નથી લાગતી?


તિખારો!
‘કૉમેડી નાઇટ વીથ કપિલ’માં કપિલના જોક સરસ સેન્સ ઓફ હ્યુમરવાળા હોય છે. એક નમૂનો:
કપિલ પત્નીને કહે, “ લગતા હૈ તેરે બાપકી જલે પર નમક છિડકને કી આદત ગઈ નહીં...” પત્નીનો સવાલ, “ક્યૂં અબ ક્યા હુઆ?” કપિલ ઉવાચ, “આજ ફિર સે પૂછ રહા થા મેરી બેટી સે શાદી કર કે ખુશ તો હો ના?!!”


Tuesday, December 24, 2013

બરફનાં તોરણ..... કરિશ્મા કુદરત કા!


કદીક જોવા મળતી પ્રાકૃતિક ઘટના..... આઇસ સ્ટૉર્મ!

‘કુદરત આગળ માનવી પાવરલેસ (શક્તિહીન) છે’ એમ વારંવાર અનુભવેલું હોવા છતાં જ્યારે ખરેખર જ પાવર (ઇલેક્ટ્રિસિટી) વિના રહેવું પડે ત્યારે એ સચોટ સમજાય. અમને કેનેડા આવતા પહેલાં અહીંના વિન્ટર અને કાતિલ ઠંડી વિશે સ્વાભાવિક જ મિત્રો સ્નેહીઓએ અને વેબસાઇટોએ ચેતવ્યા જ હતા. પરંતુ, ઠંડી અને ગરમીમાંથી એકની પસંદગી કરવાની હોય તો હું ટાઢ પસંદ કરું..... મારાથી  તાપ સહન ના થાય..... કોઇનો પણ!!

અહીં ગમ્મત એ કે ભારતમાં ૪૦+નો કુદરતી તાપ સહન કરીને આવ્યા હોઇએ એટલે કેનેડાના ઝીરોની આસપાસના ટેમ્પરેચરમાં કોઇ એવી તકલીફ ના પડે. એ જ રીતે ઉનાળામાં જ્યારે ૩૦ ડીગ્રી ઉપર ગરમી વધે ત્યારે સ્થાનિકો આકળ વિકળ થાય અને આપણને હજી એવો બફારો ના લાગે! પણ દરેક સિઝનમાં અહીં કુદરતના રંગ જોવા જેવા હોય છે. મઝા લેવાનો સ્વભાવ હોય તો એ મદદરૂપ થાય જ. 

જેમ કે પાનખરના ‘ફૉલ કલર્સ’નું સૌંદર્ય ભલભલા આર્ટિસ્ટ્સની પીંછીઓને પાછી પાડી દે એવું હોય અને તે પણ ઝાડ-પાનના રંગની બ્યુટી; જે દિવસો સુધી દેખાય.... મેઘધનુષની માફક ઘડી બે ઘડીનો ખેલ નહીં. મેં દર વરસે આદત મુજબ એવા સેંકડો ફોટા પાડ્યા છે અને અહીં બ્લોગ પર કેટલાક શૅર કર્યા જ છે.શિયાળે પડતા નિર્દોષ સ્નોના પણ ફોટા પાડવાની મઝા દર વર્ષે અલગ જ હોય છે. પરંતુ, આ અઠવાડિયે આઇસ સ્ટૉર્મનો અનુભવ પહેલી વાર કર્યો. સ્નોના રૂ જેવા નાજુક ઢગલાની  જગ્યાએ આ તો શ્યામળો નક્કર બરફ! સડક પર કે ઘરના આંગણામાં હોય તો લસરી કે લપસી જ જાવ. અકસ્માતની અને હાડકાં ભાંગવાની ગેરન્ટી! એવા આઇસનો સ્ટૉર્મ શનિવારની મોડી રાત્રે આવ્યો અને એક મોટા ધડાકા સાથે અમારા વિસ્તારનું એક ટ્રાન્સ્ફોર્મર તૂટી પડ્યું. જુઓ આ વીડિયોમાં...

 તેના પગલે હજ્જારો ઘરોના લાખો ટોરન્ટોવાસી ‘પાવરલેસ’ થયા. પરંતુ, કુદરતનો ખુબસુરત પાવર જોવાનો અદભત લહાવો મળ્યો! અહીં મૂકેલા ફોટાઓ પૈકીના કોઇ કે બધા માટે અલગ અલગ તમને કોઇ પંક્તિ અથવા વાક્ય યોગ્ય લાગે તો જણાવવા વિનંતી છે. (તે પૈકીના સાથે તારીખ દેખાતા ફોટા મેં પાડેલા છે. જ્યારે તારીખ વિનાના ગણત્રીના જ ફોટા ઇન્ટરનેટથી લીધેલા છે અને તે આ ‘ટોરન્ટો આઇસ સ્ટૉર્મ’ના જ હોય તેની કાળજી રાખી છે.)  મને તો તાત્કાલિક એક જ લાઇન સૂઝી છે.... 


              બરફનાં તોરણ..... કરિશ્મા કુદરત કા!   Saturday, December 21, 2013

ફિલમની ચિલમ...... ૨૨ ડિસેમ્બર, ૨૦૧૩  કરણ જોહરે કરવું પડ્યું
               ‘શુદ્ધિ’ની અફવાઓનું શુદ્ધીકરણ!છેવટે કરણ જોહરે ખુલાસો કરવો પડ્યો! જ્યારથી તેમની એક આવનારી ફિલ્મ ‘શુદ્ધિ’ની હીરોઇન તરીકે કરિનાને પડતી મૂકીને દીપિકાને લેવાની વાતો માર્કેટમાં ચગી રહી હતી; ત્યારથી એ સ્પષ્ટતાની કમ સે કમ કરિનાને તો અપેક્ષા હશે જ. ‘શુદ્ધિ’માં હીરો રિતિક રોશન છે અને જે પ્રકારના શારીરિક અને ઇમોશ્નલ પ્રશ્નોમાંથી એ પસાર થઈ રહ્યો છે, એ જોતાં તાત્કાલિક પિક્ચર ફ્લોર પર જવાની શક્યતા નથી. તે સંજોગોમાં, કરિનાને ખસેડીને જેની છેલ્લી રિલીઝ થયેલી પાંચેય ફિલ્મોએ ૧૦૦ કરોડ ક્રૉસ કર્યા હોય એવી દીપિકાને લેવામાં આવી છે, એવી અફવાઓ પણ કેવું નુકશાન કરી શકે એ કોણ ના સમજે? કરિનાએ તેનું શુદ્ધિકરણ કરવા કરણને કહ્યાના વાવડ વચ્ચે હતા અને આ સપ્તાહે તેનો ખુલાસો આવી ગયો.

કરણ જોહરે એ ચોખવટ કરી કે “કરિના કપૂર ‘શુદ્ધિ’માં છે જ અને ફિલ્મ આવતા વર્ષે શરૂ થવાની છે.’’ કરણે આ ખુલાસો કોઇ મેગેઝીનના પત્રકાર કે ચેનલની રિપોર્ટરને કરવાને બદલે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કર્યો. એટલે કે લાંબું પિષ્ટપેષણ કર્યા વગર  ૧૪૦ કેરેક્ટર્સની મર્યાદામાં રસ ધરાવતા સૌને ચોખવટ કરી દીધી. જો કે અત્યારે તો દીપિકાનો ઘોડો એવો દોડી રહ્યો છે કે તેને નહીં લઈને નિર્માતાએ જ વધારે ગુમાવવાનું હોય છે. દીપિકાએ પોતાની આવી સફળતાનો જશન મનાવવા અને ઇન્ડસ્ટ્રીમાં પોતાની રીતનું આભારદર્શન કરવા ૨૧મી ડિસેમ્બરે એક પાર્ટીનું આયોજન કર્યું છે. તેમાં તેણે રણબીર કપૂર અને રણવીરસિંગ બેઉને આમંત્ર્યા છે. તેથી આવનારા દિવસોમાં એ પાર્ટીમાં કોણ આવ્યું કોણ નહીંથી માંડીને આવનારાઓમાં કોણ કોની સાથે વધારે રહ્યું કે ન રહ્યું એ બધી વિગતો અને ફોટાઓ જોવા તૈયાર રહેજો!
દીપિકા કદાચ તાજેતરની પ્રથમ એવી અભિનેત્રી હશે કે જેણે આ રીતે પોતાની સફળતાની પાર્ટી આપી હોય. અત્યાર સુધી આવી પાર્ટીબાજી હીરોલોગ કરતા અને તે પણ પોતે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ માટે. જ્યારે દીપિકા તો પોતાને આવી સફળતા અપાવનાર તમામને ‘થેંક યુ’ કહેવાની આ નવી પ્રથા શરૂ કરી રહી છે. દીપિકાએ મેળવેલી આ ૧૦૦ કરોડ કે તેથી વધુના વકરાવાળી સળંગ પાંચ ફિલ્મો ‘કૉકટેલ’, ‘રેસ ટુ’, ‘યે જવાની હૈ દીવાની’, ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ અને ‘રામલીલા’નો સ્ટ્રાઇક રેટ કેવો અદ્વિતીય છે, એ અન્ય હીરોઇનોનાં તાજેતરમાં રજૂ થયેલાં પિક્ચરોનાં કલેક્શન જોયા પછી પણ સમજાય એમ છે. ખુદ કરિનાની છેલ્લે આવેલી ‘ગોરી તેરે પ્યાર મેં’ એવો કોઇ ચમત્કાર ક્યાં કરી શકી છે? કરિના પાસે અત્યારે ‘શુદ્ધિ’ ઉપરાંત એક ફિલ્મ ‘બદતમીઝ દિલ’ છે, જે પણ ૨૦૧૫માં આવવાની ગણત્રી છે. એટલે હવે ‘ધૂમ થ્રી’માં કટરિના કેવો દેખાવ કરે છે, તેના પર સૌની નજર રહેવાની. વળી, તેનો પરફોર્મન્સ સારો હશે તો પણ આમીર કે હોતે હુએ કિસી ઓર કો ક્રેડિટ મિલે યે કૈસે હો સકેગા? (આમીરની ફિલ્મના કિસ્સામાં તો ક્યારેક ડાયરેક્ટરને પણ જશ ‘લગાન’ ની જેમ વસુલ કરવો પડે. નહીંતર, તારા જમીન પર ઉતરી જાય! એટલે કટરિનાએ પણ અભિષેક અને ઉદય ચોપ્રાની જેમ ક્રેડિટ માટે લાઇનમાં ઉભા રહીને રાહ જ જોવાની થશે તો આશ્ચર્ય નહીં થાય!)


‘ધૂમ થ્રી’નો વકરો કેટલાક ભવિષ્યવેત્તાઓએ પહેલા ત્રણ દિવસમાં ૧૦૦ કરોડ ક્રોસ કરશે અને પ્રથમ વીકના અંતે એ ૨૦૦ કરોડે હશે એમ વર્તારા વહેતા મૂકાયા છે. આઇમેક્સ થિયેટરમાં ૬૦૦થી ૯૦૦ રૂપિયા સુધીની ટિકિટ રખાવાના પ્લાન જોતાં આવો કોઇ રેકોર્ડ થઈ જાય તો નવાઇ ના લાગવી જોઇએ. વળી, અન્ય કોઇ રીતે પિક્ચરની કૉપી ઇન્ટરનેટ પર ફરતી ના થઈ જાય એ માટે યશરાજે દિલ્હી હાઇકોર્ટમાંથી આગોતરો ઓર્ડર લઈ લીધો છે. તે મુજબ રિલાયન્સ, ભારતી, એમટીએનએલ જેવી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ ફરિયાદ મળ્યાના ૪૮ કલાકમાં ‘ધૂમ થ્રી’ની અનઓથોરાઇઝ્ડ સામગ્રી દૂર કરી દેવી પડશે.


હાઇકોર્ટની વાત ચાલે છે, તો મુંબઈ હાઇકોર્ટે ‘શોલે’ની થ્રી ડી આવૃત્તિ પર રોક લગાવવાની દિગ્દર્શક રમેશ સિપ્પીની માગણી સ્વીકારી નથી. સિપ્પી પરિવારના સભ્યોમાં જ કૉપી રાઇટના પ્રશ્ને ચાલતા વિવાદને પગલે નીચલી અદાલતમાંથી રમેશ સિપ્પીને એવો હુકમ ના મળતાં એ હાઇકોર્ટમાં ગયા હતા અને હવે ત્યાંથી પણ મનાઇ મળ્યો નથી. તેથી એક રીતે કહીએ તો ‘શોલે’ની ત્રિપરિમાણીય આવૃત્તિના આગમન માટેનો મારગ ખુલી ગયો કહેવાય. તો કોર્ટ કચેરીના અન્ય એક સમાચારમાં ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયારના શિકાર અંગે ચાલતા પેલા કેસ માટે તબુ અને સોનાલી બેન્દ્રેને જોધપુરની અદાલતમાં હાજર રહેવાનું થયું હતું. 

ત્યાં એક સાક્ષીએ એ બન્ને અભિનેત્રીઓને ઓળખી બતાવવાની હતી. કેસમાં શું થયું એ તો આપણે જાણતા નથી. પરંતુ, જો એ સાક્ષીએ બેમાંથી એકેય એક્ટ્રેસને ઓળખી ના હોય  તો પણ એ બિલકૂલ સંભવ છે. કેમ કે ૧૫ વરસ જૂના એ બનાવના આટલા વખત પછી એ હીરોઇનો એવીને એવી યુવાન રહી હોય ખરી? કાયદાકીય રીતે એ બન્ને મહિલાઓનાં નામ આમ લખાય.... સોનાલી (ઉ.વ. ૩૮) અને તબુ (ઉ.વ.૪૨)!


તિખારો!

ફિલ્મ પ્રમોશન માટે સ્ટાર્સને પણ વિવિધ રીતે પ્રચાર કરવો પડે છે, એ અંગે ડિમ્પલ કાપડિયા (ખન્ના) કહે છે કે “એક્ટર્સને તો આજકાલ શાકભાજી વેચનારા જેવા બનાવી દેવાયા છે.....તેમને પોતાનું પિક્ચર જોવા ઑડિયન્સને બોલાવવા ઠેકઠેકાણે ફરીને બૂમો પાડવી પડે છે!!” Tuesday, December 17, 2013

થૅન્ક યુ....!શુક્રિયા..... કરમ.... મેહરબાની....!  


આ વર્ષે  મારા જન્મદિને ફેસબુક ઉપર સેંકડોની સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવનારા મિત્રોનો આટલે દૂર કેનેડામાં બેઠે વ્યક્તિગત રૂબરૂ આભાર માનવાની એક નવી રીત અજમાવવાનો પ્રયાસ કરું છું.....

કેનેડા સ્થળાંતર કરતા પહેલાં એક ગુજરાતી ન્યુઝ ચેનલ માટે ૨૦૦૮માં મિત્ર દેવાંગ ભટ્ટે ‘અતિથિ’ કાર્યક્રમ અંતર્ગત મારો કરેલો ઇન્ટરવ્યુ નીચેની લિન્ક પર ક્લિક કરવાથી જોઇ શકાશે. 

Thank you so much, Devang....વિડીયો એડિટિંગની કળા ઉપર હાથ બેસાડવા આખો એપિસોડ ત્રણ ભાગમાં વહેંચ્યો છે.
તેનાથી વિડીયો રાહતે જોવાની સવલત પણ રહેશે અને મને ત્રણ વાર સૌ જોડે વાત કર્યાનો સંતોષ પણ!


Hope you all like it.
Please click on the following 3 videos one after another:

Part 1


Part 2Part-3


Thanks for watching all 3 parts....