Sunday, November 29, 2015

ફિલમની ચિલમ.... ૨૯ નવેમ્બર, ૨૦૧૫



સંજયદત્ત, ધોની, અઝહરની બાયોપિક:
                       
                                હયાતિમાં શ્રદ્ધાંજલિનું ‘દંગલ’?


ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ‘અસહિષ્ણુતા’ના મુદ્દે રાજકારણના રંગે રંગાઇ રહી છે. રાજકારણીઓ પોતાના સ્વાર્થને કારણે ગણ્યા ગાંઠ્યા બનાવોને આગળ ધરીને દેશ આખો અસહિષ્ણુ થઈ ગયાની બુમરાણ મચાવે એ સમજી શકાય એવું છે. પરંતુ, આમિર ખાન જેવા સ્ટારને કે તેમનાં પત્નીને દેશ છોડી દેવાની ઇચ્છા થઈ જાય, એટલી હદે પરિસ્થિતિ વણસી રહી છે? યે બાત કુછ હજમ નહીં હુઇ! આમિરની એ કમેન્ટ પછી આવેલી પ્રતિક્રિયાઓમાં ગાયક અભિજીતે એક મુદ્દો બહુ સરસ કહ્યો છે. અભિજીતે ‘ન્યૂ ઇન્ડિયા... ટોલરન્ટ ઇન્ડિયા’નો પોતાનો પોઇન્ટ પ્રસ્થાપિત કરવા જે દાખલા ટાંક્યા છે તેનું મહત્વ સમજવા જેવું છે. અભિજીતે પોતાના ઓપન લેટરમાં ‘જનાબ આમિર ખાન’ને લખ્યું છે કે “ભૂતકાળમાં હિન્દુ બહુમતીવાળા ભારત દેશમાં સ્વીકૃત થવા ‘યુસુફખાન’ને ‘દિલીપ કુમાર’ અને ‘મેહજબીન’ને ‘મીનાકુમારી’ એવાં નામ રાખવાં પડતાં હતાં. આજે સહિષ્ણુ નવા ભારતમાં માત્ર તમારું નામ ‘આમિર’ છે એ કાફી છે, પાછળ ‘ખાન’ હોય કે બીજું કાંઇ પણ કોઇ ફરક પડતો નથી.”


અભિજીતના આ મુદ્દાની મહત્તા આજની જનરેશનને કદાચ એટલી નહીં હોય. પરંતુ, આઝાદી મળતા અગાઉનાં થોડાંક વર્ષોથી દેશમાં કોમી ભેદભાવ અને વેરઝેર તેની ચરમસીમાએ હતાં. તેના પરિણામે થયેલા સિવિલ વોરમાં બન્ને ધર્મના થઈને દસ લાખથી વધુ લોકોની કતલ થઈ હતી અને કરોડો લોકોને પોતાનાં સગાં-વહાલાં, માલ-મિલકત ગુમાવીને નિરાધાર પરિસ્થિતિમાં પોતાની જન્મભૂમિ કે કર્મભૂમિમાંથી જીવ બચાવીને હિજરત કરવી પડી હતી. પ્રજાની માનસિકતા (સાઇકી) પર એ ઘા એટલો કારમો હતો કે જો જે તે સમયના રાજકારણીઓએ કોમી એકતાનો નારો ન પકડી રાખ્યો હોત તો તે દિવસોનું ઝનૂન એ કક્ષાએ પહોંચેલું હતું કે ‘બદલા’નો વળ ચઢાવવો આસાન હતો. પરંતુ, તાજા આઝાદ થયેલા રાષ્ટ્રના એ ખદબદતા ઘા રુઝવવા માટે ભાઇચારાના સંદેશાનો મલમ લગાવવાનો  નિર્ણય થયો. એક રીતે જોઇએ તો એ પ્રયોગ જ હતો. તે સફળ થયો, તેમાં નેતાઓની નિષ્ઠાપૂર્વકની નીતિઓ અને તે પર વિશ્વાસ મૂકીને અનુસરેલી પ્રજાને જેટલી ક્રેડિટ આપીએ, એટલી જ ફિલ્મો-નાટકો, કવિતાઓ, લેખો અને વાર્તાઓ જેવાં વિવિધ ક્રિએટિવ માધ્યમોના સર્જકોને પણ આપવી જ પડે.

ફિલ્મોએ કોમી એકતાના સામાજિક સંદેશાવાળી ફિલ્મોથી આપેલું યોગદાન અત્યારની પેઢીના સૌએ (ખાસ કરીને અસહિષ્ણુતાની બૂમો પાડનારા સૌએ) ચકાસવા જેવું છે.  તેમાં માત્ર ‘તુ હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા...’ જેવાં ગાયનોની જ નહીં પણ મોટાભાગનાં પિક્ચરોની થીમ પણ એ જ સંદેશાની રહેતી. આજે સો-બસો- કે હવે ત્રણસો કરોડનો બિઝનેસ કરતી થયેલી ફિલ્મોમાં ‘બજરંગી ભાઇજાન’ અને ‘પ્રેમ રતન ધન પાયો’  જેવા થોડાક અપવાદોને બાદ કરો તો ગુનાખોરીને ગ્લેમરાઇઝ કરવા સિવાય કદાચ કશુંય થતું નથી. ( બાય ધી વે, PRDPએ વિશ્વવ્યાપી ૩૩૦ કરોડ ક્રોસ કરી દીધા છે!) ત્યારે પડદા ઉપર કશું વિશિષ્ટ આપી ન શકાતું હોય એવા સમયમાં સૌએ પોતાનાં જાહેર નિવેદનોમાં તો સંયમ રાખવો જોઇએને? ‘અસહિષ્ણુતા’ની છાપ અત્યારે તો એ રીતે ઉભી કરાય છે જાણે કે ભારતમાં રહેવું મુશ્કેલ થઈ ગયું હોય! એ હિસાબે તો, અમેરિકાની એકાદ-બે સ્કૂલોમાં કોઇ માથાફરેલ વ્યક્તિ કદીક આડેધડ ફાયરિંગ કરી આવે એટલે આખા દેશની બધી શાળાઓમાં રોજેરોજ ગોળીબાર થાય છે એવી ઇમેજ બનાવી શકાય ખરી? કે પછી માબાપો પોતાનાં બાળકોને બહારના દેશમાં ભણવા મોકલવાનો વિચાર કરે છે એમ કહી શકાય? 

આમિરે પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો બદલ અગાઉ ‘ફના’ રિલીઝ કરતી વખતે ગુજરાતમાં જેવા વિરોધનો સામનો કરવો પડ્યો હતો, એવું તેની આવનારી ફિલ્મ ‘દંગલ’ના કિસ્સામાં દેશભરમાં થઈ શકે એવા કમ સે ક્મ વેપારી જોખમનો પણ વિચાર કરવા જેવો હતો. ‘દંગલ’ એક બાયોપિક છે અને તેમાં આમિર ‘મહાવીર સિંગ ફોગટ’ની ભૂમિકા કરે છે, જે હરિયાણાના એક સમયના કુસ્તીબાજ હતા. તે ‘દંગલ’ના મહુરત વખતે હાજર હતા. તેમના જેવી ભારેખમ બોડી બનાવવા માટે આમિરે પોતાનું ૩૫ કિલો વજન વધાર્યું છે અને હરિયાણવી લહેજામાં હિન્દી બોલવાની તાલીમ પણ લીધી છે.  ‘દંગલ’ એ જો એક કુસ્તીબાજની સત્ય જીવનકથા છે, તો ૧૮મી ડીસેમ્બરે આવનારી ‘બાજીરાવ મસ્તાની’ પણ એક રીતે કહીએ તો બાયોપિક જ છે, જેમાં સંજય લીલા ભણશાળીની કાયમી ભવ્યતા ફરીથી એકવાર જોવા મળવાની છે. તેમાં સૌ જાણે છે એમ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપ્રા અને રણવીર સિંગ એ કથાનાં મુખ્યપાત્રો ‘મસ્તાની’, ‘બાજીરાવ’ અને ‘કાશીબાઇ’ બનવાનાં છે. તો તેના લગભગ એક માસ પછી, ૨૨મી જાન્યુઆરીએ, આવી રહેલી અક્ષય કુમારની ‘એરલિફ્ટ’ પણ એક જાંબાજ હવાઇ અધિકારીની બાયોપિક છે.


‘એરલિફ્ટ’માં ઇરાકી હુમલા વખતે જોર્ડનમાં ફસાયેલા એક લાખ સીત્તેર હજાર ભારતીયોને બહાર કાઢવાનું એક મહા ભગીરથ ઓપરેશન કેન્દ્રમાં છે. અક્ષય તેમાં ‘રણજીત કટિયાર’ નામના ઓફિસરની ભૂમિકામાં છે. આવી જીવનકથાઓ સફળ થવાનો અત્યારે બોક્સ ઓફિસ પર ટ્રેન્ડ ચાલે છે, જે ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ અને ‘ચક દે ઇન્ડિયા’ જેવાં પિક્ચર હીટ થવાથી સાબિત થયેલું જ છે. હવે ‘ગાંધી’ કે ‘સરદાર’ જેવા ભૂતકાળના નેતાઓની બાયોપિક નહીં પણ અત્યારે હયાત હોય એવા સ્પોર્ટ સ્ટાર કે ઇવન ફિલ્મી હીરોની લાઇફ સ્ટોરીને અંજલિ (કે જીવતેજીવ શ્રદ્ધાંજલિ?) આપવામાં આવે છે. એવી જ એક બાયોપિક ‘મુન્નાભાઇ’ સંજયદત્ત પર બની રહી છે અને તે પણ મુન્નાભાઇ સિરીઝના ડાયરેક્ટર રાજ્કુમાર હીરાણીના દિગ્દર્શનમાં! સંજયદત્તની ભૂમિકા રણબીર કપૂર કરશે, જેના માટે તેણે વજન વધારવું પડશે. પણ સવાલ એક જ છે: જો સંજુબાબા ૨૦૧૬ના નવા વરસમાં પોતાની સજા પૂરી કરીને જેલમાંથી મુક્ત થઈ પરત આવી જવાના હોય તો એ ભૂમિકા તે પોતે જ કેમ ના કરે? બીજા કોઇ વ્યવસાયનું પાત્ર હોય તો કોઇ એક્ટર કરે એ જ યોગ્ય ગણાય. પરંતુ, એક અભિનેતાના જીવનને પડદા ઉપર લાવવા બીજા અભિનેતાને લેવો?


બાકી સંજય દત્ત જાતે એ ભૂમિકા કરે તો  વજન વધારવાની કે સ્ક્રિપ્ટમાં કશુંય વાંધાજનક રહી જવાની ઝંઝટ તો નહીં! કેમ કે કોઇપણ બાયોપિકમાં એવા વિવાદ થવાની શક્યતા અવશ્ય રહે અને તેમાંય સંજયદત્ત જેવા ઇન્ટરેસ્ટિંગ લાઇફ સ્ટોરીવાળા એક્ટરના કિસ્સામાં તો ખાસ જ. એ કાંઇ સોનમ કપૂર જે મુખ્ય ભૂમિકા કરવાની છે એ ફ્લાઇટ એટેન્ડન્ટ નીરજા ભાનોટના જીવન જેવી  બિનવિવાદાસ્પદ વ્યક્તિની બહાદુરીની કથા તો હોવાની નહીં. નીરજાએ, જો યાદ હોય તો, પાંચમી સપ્ટેમ્બર ૧૯૮૬ના દિવસે હાઇજેક થયેલી ‘પેન એમ’ની ‘ફ્લાઇટ ૭૩’ના પ્રવાસીઓના જીવ બચાવવા જતાં ત્રાસવાદીઓની ગોળીઓ ઝીલીને મોત વહાલું કર્યું હતું. 


પરંતુ, ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘મેરી કોમ’ અને ‘ચક દે ઇન્ડિયા’ની માફક રમતવીરોની જીવનકથાઓની પરંપરામાં બે ક્રિકેટરોની બાયોપિકનો પણ ઉલ્લેખ જરૂરી છે. એક છે અઝહરુદ્દીનના જીવન પરથી બની રહેલી ‘અઝહર’ જેની મુખ્યભૂમિકામાં હશે ઇમરાન હાશ્મી. એકતા કપૂરની ‘બાલાજી’ જેવી કંપની તેની પાછળ હોઇ અઝહરની બન્ને પત્નીઓ અને તેના મેચ ફિક્સિંગના આરોપો વગેરે વિવાદાસ્પદ મુદ્દાઓને ૨૦૧૬ના મે મહિનામાં ફિલ્મ રિલીઝ કરતાં અગાઉ ચગાવશે એમ અંદાજ મૂકી શકાય. જ્યારે ભારતીય ક્રિકેટના સૌથી સફળ કપ્તાન મહેન્દ્રસિંગ ધોનીની લાઇફ પરથી બની રહેલી ફિલ્મ ‘એમ. એસ. ધોની: અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંત સિંગ કેવાં વણકહ્યાં રહસ્યો ખોલશે એ જોવા જેવું હશે, નહીં?


તિખારો!

આલિયા ભટ્ટ મહેશ ભટ્ટ્ને પૂછે છે, “ડેડી, ઇસ વીક ક્યા શેડ્યુઅલ હૈ?”  ભટ્ટ સાહેબ કહે, “ઇન્કમટેક્સ રિટર્ન્સ.” આલિયાનો નિર્દોષ સવાલ, “પપ્પા, ઉસકા પહલા ભાગ કબ રિલીઝ હુઆ થા?!”




Sunday, November 22, 2015

ફિલમની ચિલમ.... 22 નવેમ્બર, ૨૦૧૫



સઈદ જાફરી...
અવાજથી અભિનય કરવાની કળાના આગવા અદાકાર! 

 
વિક્રમ સંવતના નવા વર્ષે અભિનેતા સઈદ જાફરીની ચિરવિદાયના સમાચારથી કોલમ લખવાનું શરૂ કરીએ એ કાંઇ બહુ સારી વાત ન કહેવાય. પરંતુ, મૃત્યુ ક્યાં વાર-તહેવાર કે સારો-ખરાબ દિવસ જોઇને આવતું હોય છે! વળી, ૧૫મી નવેમ્બરે સઈદ જાફરીનું લંડનની હોસ્પિટલમાં બ્રેઇન હેમરેજથી  અવસાન થયું, ત્યારે તેમની ઉંમર ૮૬ વર્ષની હતી અને તેથી ગામઠી ભાષામાં તેમને ‘ખર્યું પાન’ કહી શકાય. પણ, જીવનના એ વિશાળ પટ પર એક અભિનેતા તરીકેનું, અને તે પણ ભારતીય મૂળના બ્રિટીશ અદાકાર તરીકેનું, તેમનું યોગદાન વિવિધ માધ્યમો અને વિવિધ દેશોમાં એટલું બધું હતું કે બ્રિટનની રાણીએ તેમને ‘ઓબીઈ’ (ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર)નો ખિતાબ આપ્યો હતો. તેથી નવા વર્ષનો પ્રથમ લેખ તેમને સલામ કરીને લખવામાં ગૌરવની લાગણી થાય.  આપણે કોમર્શિયલ હિન્દી સિનેમાના દર્શકોએ તેમને ‘ચશ્મે બદ્દુર’ના પાનવાલા ‘લલ્લન મિયાં’ તરીકે જોયા અને ફારૂક શેખ, રવિ બાસ્વાની તથા રાકેશ બેદીની ત્રિપુટી પાસે સિગરેટના ઉધાર પૈસાની ઉઘરાણી કરતાં ‘ અબે, તુ કિધર કુ જા રિયા’ જેવી ટિપીકલ મેરઠ-અલીગઢની છાંટવાળી  હિન્દી બોલતા આ કલાકારને વધાવી લીધા હતા.


‘ચશ્મે બદ્દુર’ની એ ‘મેં કે રિયા હું’ની બોલી માટે જાફરી સાહેબને બહુ મહેનત કરવાની જરૂર નહીં પડી હોય. કેમ કે તેમના જીવનનાં પ્રારંભિક વર્ષો ભારતમાં એ જ પ્રદેશમાં વિતાવ્યાં હતાં, જેને આઝાદી પહેલાં ‘યુનાઇટેડ પ્રોવીન્સ ઓફ બ્રિટીશ ઇન્ડિયા’ કહેતા અને સ્વતંત્ર ભારતમાં ‘ઉત્તર પ્રદેશ’.  તેમનો જન્મ ૧૯૨૯માં ૮મી જાન્યુઆરીએ પંજાબના મલેરકોટલા સ્ટેટમાં થયેલો, જે રાજ્યના દીવાન તેમના મામા ખાનબહાદુર ફઝલે ઇમામ હતા. તેમના પિતાજી ડો. હમીદ હુસૈન જાફરીની નોકરી સરકારી ડોક્ટર તરીકેની અને તેથી આખા યુપીમાં ટ્રાન્સ્ફર થયા કરે. પરિણામે કાનપુર, મસુરી, લખનૌ, અલીગઢ, ગોરખપુર, ઝાંસી જેવાં સ્થળોએ ત્રણ ભાઇઓ (સઈદ, વાહીદ તથા હામીદ) અને એક બહેન (શગુફ્તા)ના પરિવારને માતા-પિતા સાથે ફરતા રહેવાનું થતું. સ્કૂલો બદલાતી રહે. સ્કૂલમાં તેમનું મૂળ નામ ‘સૈયદ સઈદ-ઉલ ઝમા જાફરી’ એવું લાંબુ હતું એમ તેમણે વિનોદ મેહતાના ‘સન્ડે ઓબ્ઝર્વર’ને ૧૯૯૫ના નવેમ્બરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. એક્ટર બન્યા એટલે ‘સઈદ જાફરી’ એમ ટૂંકું નામ કર્યું. અભિનેતા તો  એ પોતાની મિમિક્રીની આવડતથી સ્કૂલ-કોલેજના દિવસોથી બની ચૂક્યા હતા. આ ૧૯૪૦ના દાયકાની વાત છે, જ્યારે ભણતરનો એવો રિવાજ નહતો. અને એક્ટિંગ કે કોઇની ગમ્મતભરી નકલ કરવી? એ કાંઇ સારા ખાનદાનના છોકરાઓનું કામ થોડું હતું?


એવા સમયમાં તે ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ. થયા અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી અને ત્યાંથી જ એમ. એ. વીથ હિસ્ટરી થયા! મા-બાપને એમ કે દીકરો હવે ‘આઇસીએસ’ની પરીક્ષા પાસ કરીને ક્યાંક કલેક્ટરી કે કમિશ્નરી કરે એટલે ભયો ભયો. પણ આ તો કલાકાર જીવ. તેમણે માબાપનું માન પણ રહે અને પોતાની ધખના પણ પૂરી થાય એવી જોબ શોધી કાઢી. તે દિવસોમાં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ને ઇંગ્લિશ બોલી શકે એવા એનાઉન્સર્સની જરૂરિયાત હતી. અરજી કરી અને બીજી જાન્યુઆરી ૧૯૫૧થી આકાશવાણીમાં મહિને ૨૫૦ રૂપિયાના પગારે એક્સટર્નલ સર્વિસમાં નોકરી મળી ગઈ. પણ નોકરીમાં માત્ર અંગ્રેજીમાં ઉદ્ઘોષણાઓ કરીને બેસી રહેવાને બદલે બાપુએ તો ડ્રામા અને મોનોલોગ પણ હાથ અજમાવવા માંડ્યો. તેમનામાં  અવાજ પાસે કામ લેવાની આવડત કેવી હતી એ તો પછી સૌએ જોયું; જ્યારે ‘આર્ટ ઓફ લવ’ નામે તેમના સ્વરમાં રેકોર્ડ થયેલા ‘કામસુત્ર’ના અંગ્રેજી વાંચનને ‘ટાઇમ’ મેગેઝીને ૧૯૯૬માં વિશ્વના પાંચ ‘બેસ્ટ રેકોર્ડેડ નરેશન’માં કાયમી સ્થાન આપ્યું હતું! 



એ જ રીતે ૧૯૯૭માં ‘બીબીસી’ પરથી વિક્રમ સેઠની નવલકથા ‘એ સ્યુટેબલ બૉય’નાં તમામ ૮૬ પાત્રોને સઈદ જાફરીએ અવાજ આપ્યો હતો. એમ તો તે દિલ્હી રેડિયોમાં હતા, ત્યારે એક નાટકનાં ૩૦ ઉપરાંતનાં પાત્રોને એક પોતાના જ અવાજથી ભજવી બતાવ્યાં હોવાની વાત તે દિવસોમાં ‘ટૉક ઑફ ધી ટાઉન’ બની હતી. તેને પગલે તેમને ડ્રામાનો અભ્યાસ કરવા અમેરિકાની ‘ફુલબ્રાઇટ સ્કોલરશીપ’ મળી અને ત્યાંની યુનિવર્સિટીના ‘સ્પીચ એન્ડ ડ્રામા’ વિભાગમાંથી એમ. એ.ની બીજી ડીગ્રી મેળવી. હવે ડબલ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા એ એક્ટર માટે પરદેશની ધરતીમાં જ કામ મળવાનું શરૂ થયું. અમેરિકામાં શેક્સપિયરનાં નાટકોની ‘યાત્રા’ શરૂ કરનાર પ્રથમ ભારતીય કલાકાર એ થયા. ત્યાંથી એ લંડનમાં નાટકો કરતા થયા; કારણ તેમનાં પત્ની મધુરે ત્યાંની ‘રોયલ એકેડમી ઓફ ડ્રામેટિક આર્ટ’ (રાડા)માં ડ્રામાનો અભ્યાસ કર્યો હતો. બન્નેનું લગ્ન, ત્રણ દીકરીઓ છતાં, લાંબું ના ચાલ્યું. કારણ કે સઈદ જાફરીના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો અને તેમની શરાબની લત મધુજીથી સહન થતી નહતી. (પછી તો મધુર જાફરીએ પોતાની આગવી કરિયર શરૂ કરી અને આજે તો એ પણ ૮૨ વર્ષનાં છે અને પાકશાસ્ત્રનાં ઇન્ટરનેશનલ નિષ્ણાત ગણાય છે) એ છુટાછેડા પછી લગભગ પંદરેક વર્ષ બાદ ૧૯૮૦માં સઈદ જાફરીએ ‘બીબીસી’માં નોકરી કરતાં જેનીફર સાથે લગ્ન કર્યાં 

જેનીફરે જોબ છોડીને પતિની મેનેજર તરીકે કામગીરી સંભાળી અને તેમની અંગત જિંદગીને તેમજ કારકિર્દીને સ્થિર કરી. તે પછી સઈદ જાફરી માટે ભારતીય સિનેમાના દરવાજા ખુલ્યા અને તે પણ સત્યજીત રે સરખા ઇન્ટરનેશનલ ડાયરેક્ટરની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’થી. જેનીફરને  સત્યજીત રે જેવા દિગ્દર્શક પાસે પોતાના હસ્બન્ડની ટેલેન્ટનું માર્કેટિંગ કરવા હોલીવુડની ફિલ્મોનો રેફરન્સ પૂરતો હતો. સઈદ જાફરીએ ‘ધી મેન હુ વુડ બી કિંગ’માં માઇકલ કેઇન અને શોન કોનરી જેવા ધરખમ અભિનેતાઓ સાથે કામ કર્યું હતું. વાચકોને યાદ હશે જ કે શોન કોનરી એ ‘જેમ્સ બોન્ડ’ની ભૂમિકા કરનાર પ્રથમ અભિનેતા હતા અને પછી એ જ રોલ કરનાર બીજા એક્ટર પિઅર્સ બ્રોસ્નન જોડે પણ સઈદ જાફરીએ કામ કર્યું હતું. હકીકતમાં તો આપણા કલાકારોમાંથી કોઇને પણ નામો ફેંકવાનો (ઇંગ્લિશમાં જેને ‘નેમ્સ ડ્રોપિંગ’ કહે છે તેનો) અધિકાર હોય તો તે સિર્ફ સઈદ જાફરીને જ! નેશનલ અને ઇન્ટરનેશનલ કેવા કેવા એક્ટર્સ અને ડીરેક્ટર્સ સાથે તેમણે કામ કર્યું હતું! 

 
એ જો રિચર્ડ એટનબરોની ‘ગાંધી’માં સરદાર વલ્લભભાઇ પટેલ બન્યા હતા તો શ્યામ બેનેગલની ટીવી સિરીઝમાં તે જવાહરલાલ નહેરુ બન્યા હતા! લગભગ ૧૭૫ જેટલી ફિલ્મો કરનાર સઈદ જાફરીનાં તમામ ચિત્રોની યાદી આ નાનકડા શ્રદ્ધાંજલિ લેખમાં ક્યાં સમાવવી? પણ એટલું જાણવું પૂરતું થશે કે તેમણે રાજકપૂરની ‘રામ તેરી ગંગા મૈલી’માં, સુભાષ ઘઈની ‘રામ લખન’માં, યશ ચોપ્રાની ‘મશાલ’માં, રમેશ સિપ્પીની ‘સાગર’માં, ‘માસુમ’માં શેખર કપૂર એમ હિન્દી સિનેમાના ઘણા માંધાતા સર્જકોની કૃતિઓમાં કામ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત ટીવીની દુનિયામાં પણ તેમનું યોગદાન યાદ કરવા જેવું છે. આજે જે ‘હિંગ્લિશ’ના લાડકા નામથી ઓળખાય છે તે હિન્દી અને ઇંગ્લિશના મિશ્રણ જેવી ભાષાનો પ્રયોગ ઠેઠ ’૮૦ના દાયકાની શરૂઆતમાં ‘બીબીસી’ ઉપર ‘તંદુરી નાઇટ્સ’ નામની સિરીઝમાં કરાયો હતો! ત્યારે બ્રિટનના ઇમિગ્રન્ટ્સની મજાક અવળા પ્રત્યાઘાતો પાડશે એવો ભય પ્રોગ્રામ ઓફિસર્સે  દેખાડ્યો હતો. પરંતુ, એ શ્રેણી એવી તો પોપ્યુલર થઈ કે પછી તો લંડનના સાઉથહોલની ભાષાની એ સિરીઝ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ચેનલોએ પણ દેખાડી. તેના લેખક ફરોખ ધોન્ડીને બીબીસીએ ઇમિગ્રન્ટ્સ માટેના કાર્યક્રમોના અધિકારી બનાવ્યા.
 
‘તંદુરી નાઇટ્સ’ના કલાકારો સાથે સઈદ જાફરી
 

એટલી લોકપ્રિય થયેલી એ સિરીઝ ભારતમાં રજૂ કરવા જાફરીએ ૧૯૮૪માં દરખાસ્ત કરી હતી. પરંતુ, મંડી હાઉસમાં એ ધૂળ ખાતી પડી રહી. ૯ વર્ષ પછી જ્યારે ૧૯૯૩ના નવા વર્ષમાં ‘સ્ટાર’ના ઇંગ્લિશ પ્રોગ્રામ અને ‘ઝી’ના હિન્દી કાર્યક્રમોએ દૂરદર્શનની ઊંઘ ઉડાડી દીધી હતી, ત્યારે ‘તંદુરી નાઇટ્સ’ને મંજુરી મળી. જાન્યુઆરી ’૯૩માં જ્યારે મુંબઈમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો થયા હતા, તે વખતેનાં કોમી તોફાનોના સમાચારો વચ્ચે આ ટીવી સિરીઝ હળવી મુસ્કાન સર્જી જતી હતી. આજે તો ‘હિંગ્લિશ’ કે ‘ગુજલિશ’માં કવિતાઓ પણ લખાતી થઈ ચૂકી છે. પરંતુ, તેને જાહેર માધ્યમોમાં હળવાશથી પગલું પડાવવાનો યશ તેના લેખકની સાથે સાથે મુખ્ય અભિનેતા તરીકે સઈદ જાફરીને પણ આપવો પડે. ટૂંકમાં, બ્રોડવેનાં નાટકો, હોલીવુડનાં ચિત્રો, બોલીવુડની મસાલા ફિલ્મો, ટેલીવિઝનની વિદેશી શ્રેણીઓ, ડોક્યુમેન્ટ્રીમાં અવાજ, રેડિયો ડ્રામા એમ દરેક ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર અને સદાય આંખોથી હસતા સઈદ જાફરી આપણા સૌના દિલ-દિમાગમાં હમેશાં  યાદ રહેશે!

 


Sunday, November 8, 2015

ફિલમની ચિલમ.... 8 નવેમ્બર, ૨૦૧૫


 
 



‘જઝ્બા’ અને ‘એક થા ગેંગસ્ટર’ વચ્ચે કલેક્શનનું કનેક્શન છે કે શું?

ફિલ્મ ઉદ્યોગની હવા ભારે હતી! છાને છપને એ વાત ચર્ચાતી હતી કે ‘જઝ્બા’ની હીરોઇન ઐશ્વર્યાને તે પિક્ચરના પેમેન્ટને લઈને સંજય ગુપ્તા સાથે ઊંચા મન થયાં છે. ઐશ્વર્યાને પુનરાગમન કરવા માટેની એ ફિલ્મનું સર્જન શરૂ થયું, ત્યારે એમ કહેવાતું હતું કે એક તગડી રકમ (કોઇએ પાંચ કરોડનો આંકડો પણ પાડ્યો હતો! તે) લઈને હીરોઇને સંમતિ આપી હતી. પરંતુ, જેવી ફિલ્મ રિલીઝ થઈ અને ટિકિટબારી પર ધાર્યો બિઝનેસ ના આપી શકી કે તરત આર્થિક મુદ્દા ઉપલી સપાટીએ આવવા માંડ્યા. કેમ કે જ્યારે પડદા પર ટાઇટલ પડ્યા ત્યારે સૌને ખબર પડી કે ઐશ્વર્યા પોતે પણ ‘જઝ્બા’ની એક પ્રોડ્યુસર હતી. ખરેખર તો એ અત્યારના સમયની ગોઠવણના ભાગ રૂપે ‘નિર્માત્રી’ હશે. આજકાલ એક્ટર્સ પોતાની ફીને પ્રોડક્શનના રોકાણ તરીકે લગાવતા હોય છે. એટલે ‘જઝ્બા’ જો ૪૦ કરોડની લાગતથી બની હોય તો ઐશ્વર્યાની ‘ફી’ના જેટલા પણ કરોડ હોય એ કુલ રોકાણનો હિસ્સો ગણાય. હવે ફિલમનો બિઝનેસ જ ૩૦ કરોડની આસપાસનો થયો હોય, તો?

 
તો દેખીતી રીતે જ સંજય ગુપ્તાએ કે અન્ય ભાગીદારોએ કશું પેમેન્ટ કરવાનું ના હોય. બલ્કે જો કુલ કલેક્શન પડતર કિંમત કરતાં ઓછું હોય તો ઐશ્વર્યાએ ખોટ ભરપાઇ કરવા કદાચ ગાંઠનું ગોપીચંદન આપવાનું પણ થાય! ‘જઝ્બા’ના કિસ્સામાં શું થયું હશે એ તો તેમાં સામેલ લોકો જ જાણે. પણ આ સપ્તાહે  એક એવા સમાચાર વહેતા થયા છે જેનાથી જાણકારો થોડો ઘણો તાળો મેળવી શકે છે. આ અઠવાડિયે સંજય ગુપ્તાની નવી ફિલ્મ ‘એક થા ગેંગ્સ્ટર’ની યોજના બહાર આવી છે અને તેમાં હીરો કોણ હશે, જાણો છો? અભિષેક બચ્ચન! આમ તો તેમાં આશ્ચર્ય ના લાગે. પરંતુ, ઐશ્વર્યાના પેમેન્ટને અને આને કોઇ કનેક્શન હોઇ શકે કે? અથવા ‘રાયણાંની ખોટ કોકડીઓમાં ભાગવાની છે?’ એવું ગામઠી ઢબે પૂછવાનું મન એટલા માટે વધારે થાય કે આ જ પિક્ચર માટે અગાઉ જહોન અબ્રાહમ નક્કી હતા.

જહોને સંજય ગુપ્તાની ‘જઝ્બા’ અગાઉની ‘શુટ આઉટ એટ વડાલા’ કરી હતી અને ૪૮ કરોડની એ ફિલમે ૭૫ કરોડનો ધંધો આપ્યો હતો. તેથી એ ‘હીટ’ હીરો બદલાવાની કોઇ શક્યતા જ નહતી. એ પિક્ચર જે લેખકની બુક ‘ડોંગરી ટુ દુબઈ....’ના રાઇટ ખરીદીને બનાવ્યું હતું; એ જ રાઇટર એસ. હુસૈન ઝૈદીની નવી કિતાબ ‘ભાયખલ્લા ટુ બેંગકોક’ પરથી જહોન અબ્રાહમ અને હુમા કુરેશીને લઈને ફિલ્મ બનવાની છે એવી યોજના સંભળાતી હતી. તે પુસ્તકના પણ હક્કો ખરીદી લેવાયા છે અને તેની સ્ક્રિપ્ટને ‘મુંબઈ સાગા’ નામ પણ અપાયું હતું. ‘જઝ્બા’ના બૉક્સ ઓફિસ પર્ફોર્મન્સ પછી હવે એ ‘એક થા ગેંગસ્ટર’ ટાઇટલ સાથે અભિષેક બચ્ચનને લઈને બનવાની તેમજ ડીસેમ્બરમાં શૂટીંગ શરૂ થવાની અને હુમા કુરેશીની જગ્યાએ કોઇ ‘એ’ ગ્રેડની મોંઘી હીરોઇન સાઇન થવાની શક્યતાઓ મીડિયામાં આવવા થવા માંડે; ત્યારે એ દરેકનાં અલગ અલગ અર્થઘટનો હશે.  ઘણા એમ પણ માને છે કે અભિષેકની આવેલી છેલ્લી ફિલ્મ ‘ઓલ ઇઝ વેલ’ અને તેના બિઝનેસને જોતાં કોમેડીને બદલે ‘ધૂમ’ સિરીઝ જેવું એક્શન ચિત્ર જુનિયર બચ્ચને કરવું જોઇએ. એ તક જો સંજય ગુપ્તા સાથેની આર્થિક ગોઠવણમાં મળતી હોય તો, વ્હાય નોટ?

તેથી ઐશ્વર્યા હવે જો એવો કોઇ ઇન્ટર્વ્યુ આપે કે મને ‘જઝ્બા’નું પેમેન્ટ મળી ગયું છે અથવા મારે પૈસાનો કોઇ ઇશ્યુ જ નથી; તો તેના મૂળમાં કશુંક સૅટલમેન્ટ હોવાની શક્યતાઓ વધારે હશે. ઐશ્વર્યાએ જે ફોર્મ્યુલા પર તેની કરિયરમાં પ્રથમવાર ‘સહનિર્માતા’ તરીકે નામ દાખલ કરાવવાનું નક્કી કર્યુ, તે પદ્ધતિનો નવો ટેસ્ટ દિવાળીએ આવી રહેલી સલમાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં પણ થશે. એ પિક્ચર, સૌ જાણે છે એમ, રાજશ્રી પ્રોડક્શનનું છે. એ સંસ્થાએ સલમાન સાથે કેવી આર્થિક ગોઠવણ કરી હશે? એ અત્યારનો હોટ ટોપિક છે. કેમ કે ‘મૈંને પ્યાર કિયા’ જેવું ટોકન પેમેન્ટ તો ઠીક પણ ‘હમ આપકે હૈં કૌન’ અને ‘હમ સાથ સાથ હૈં’ જેવી કોઇ ઉચ્ચક રકમ પણ સલમાનની ફિલ્મોનાં અત્યારનાં બદલાયેલાં આર્થિક સમીકરણો જોતાં શક્ય નથી. કાં તો ઓવર ઓલ કલેક્શનમાં ભાગ કે એકાદી તગડી ટેરીટરીનું ડિસ્ટ્રીબ્યુશન જેવા કોઇ મલાઇદાર હિસ્સા સાથે પિક્ચર માટે સંમતિ અપાઇ હશે.

વળી, ‘પ્રેમ રતન ધન પાયો’માં તો હીરોનો ડબલ રોલ પણ છે. (એટલે આમ પણ ‘ડબલ પેમેન્ટ’ માગી શકેને?) કલાકાર જ્યારે પણ બેવડી ભૂમિકામાં હોય ત્યારે હિન્દી સિનેમામાં મોટેભાગે ‘રામ ઔર શ્યામ’ અને ‘સીતા ઔર ગીતા’ની ફોર્મ્યુલા પર વાર્તા રખાતી હોય છે. તેમાં એક સરખા દેખાતા બે પૈકીનો એક ભાઇ (કે બહેન) નિર્બળ હોય અને તેને વિલનના જુલમમાંથી છોડાવવા બીજો ભાઇ કે બીજી બહેન આવે. પણ ‘પ્રેમ રતન...’ની વાર્તા પ્રસાદ પ્રોડક્શનની એક સુપર હીટ ફિલ્મ ‘રાજા ઔર રંક’ જેવા ડબલ રોલવાળી છે. જો કે ૧૯૬૮નું એ ચલચિત્ર પણ ૧૯૧૫ની એક મુંગી ઇંગ્લીશ ફિલ્મ ‘પ્રિન્સ એન્ડ પૉપર’ પરથી બન્યું હતું. તેમાં એક રાજકુમાર તેના જેવા જ દેખાતા ગરીબ પ્રજાજનની સાથે જગ્યા અદલા બદલી કરી લે અને તેમાંથી સર્જાતી પરિસ્થિતિઓ મનોરંજક અને ઇમોશ્નલ પણ થઈ શકે. ‘પ્રેમ રતન ધન પાયો’માં સલમાન ‘પ્રેમ’ અને ‘વિજય’ એવાં બે નામો રાખીને એવો જ કંઇક ખેલ કરશે એવી વાતો લીક કરાઇ રહી છે; ત્યારે સવાલ સંગીતના યોગદાનનો પણ આવશે.

 

સંગીતની રીતે ‘પ્રેમ રતન ધન પાયો’નાં ગાયનો અત્યારે લોકપ્રિય છે. પણ એ તો આજકાલની દરેક ફિલ્મનો ટ્રેન્ડ છે કે જબરદસ્ત માર્કેટીંગ કરીને મ્યુઝિકને પોપ્યુલર કરાય. (આફ્ટર ઓલ, ટી સિરીઝે અત્યાર સુધીની હાઇએસ્ટ રકમ ૧૭ કરોડમાં મ્યુઝિક રાઇટ્સ ખરીદેલા છે. તે વસુલ પણ કરવા પડશેને?)  પરંતુ, તેનું આયુષ્ય ‘રાજા ઔર રંક’ના સંગીત જેવું થાય તો ખરું. ’૬૮ની એ ફિલ્મનાં ગીતો ‘ફિરકી વાલી તુ કલ ફિર આના..’ હોય કે ‘મેરા નામ હૈ ચમેલી, મૈં હું માલન અલબેલી..’ અથવા ‘રંગ બસંતી, અંગ બસંતી...’ જેવું વસંત ઋતુનું ગીત હોય, એ બધાં પ્રિય લક્ષ્મીકાન્ત-પ્યારેલાલની રિધમની કમાલના નમૂના છે. જ્યારે માતૃભક્તિનું ગીત ‘તુ કિતની અચ્છી હૈ, તુ કિતની ભોલી હૈ, પ્યારી પ્યારી હૈ, ઓ માં... ઓ માં’ એ આજે લગભગ ૫૦ વરસે પણ સાંભળવું  ગમે એવું છે. (‘મધર્સ ડે’ના દિવસે રેડિયો પર નિયમિત વાગતું જ હોય છેને?) તેમાંના આનંદ બક્ષીના આ શબ્દો “માં બચ્ચોં કી જાં હોતી હૈ, વો હોતે હૈં કિસ્મતવાલે જિનકી માં હોતી હૈ...” ભલભલાની આંખ આજે પણ ભીંજવી શકે છે. 

 ‘રાજા ઔર રંક’માં સંજીવ કુમાર અને કુમકુમ હીરો-હીરોઇન હોવા છતાં મુખ્ય ભૂમિકામાં (ડબલ રોલમાં) ત્યારના બાળ કલાકાર મહેશ કોઠારે હતા. મહેશજી અત્યારે તો મરાઠી ફિલ્મોનું એક સન્માનીય નામ છે અને તેમના દીકરા આદિનાથ કોઠારેને પણ એ મુખ્ય ભૂમિકામાં પ્રસ્તુત કરી ચૂક્યા છે. મહેશ કોઠારેએ તેમની હીટ મરાઠી ફિલ્મ ‘ઝપટલેલા’ની સિક્વલ ‘ઝપટલેલા-૨’માં પુત્ર ‘આદિ’ને હીરો તરીકે લઈને મરાઠીમાં પહેલીવાર ‘થ્રી ડી’નો પ્રયોગ કર્યો. તેમની જ ‘ધુમધડાકા’ એ ’૮૦ના દાયકામાં મરાઠી ફિલ્મોનો ધંધાકીય રીતે પુનરુદ્ધાર કરનારી એક હીટ ફિલ્મ હતી. એ જ સર્જક મરાઠીમાં સિનેમાસ્કોપ પણ લાવ્યા અને એ જ ડોલ્બી ડિજિટલ સાઉન્ડ પણ લાવ્યા હતા. ઘણા સિનિયરોના મનમાં તો એ આજે પણ ‘મેરે લાલ’, ‘છોટા ભાઇ’ અને ‘ઘર ઘર કી કહાની’ જેવી ફિલ્મોના બાળ કલાકાર ‘માસ્ટર મહેશ’ હશે; પણ હકીકતમાં તો એ મરાઠી ફિલ્મોના ‘માસ્ટર સર્જક મહેશ કોઠારે’ છે!           

તિખારો!

‘‘અસહિષ્ણુ? ઓડિયન્સ ‘હેપ્પી ન્યૂ યર’ જેવી ફિલ્મને ૩૦૦ કરોડનો બિઝનેસ કરાવે છે; એનાથી કેટલા વધારે સહનશીલ લોકો તમારે જોઇએ છે?!!” શાહરૂખ ખાનની અસહિષ્ણુતાની કોમેન્ટ અંગે આવેલી અનેક કોમેન્ટ્સમાંની એક હળવી ટીપ્પણી.