ઍક્ટર્સ
નીચી મૂંછથી શરૂ કરીને‘ગર્વ સે કહો હમ એક્ટર હૈં’ની યાત્રા!
“અચ્છે
ઘર કે બચ્ચે ફિલ્મોં મેં નહીં આતે. જાઓ તુમ અપને ઘર વાપિસ ચલે જાઓ...” આ સલાહ નસીરુદ્દીન
શાહ એક્ટર થવા અજમેરથી ભાગીને મુંબઈ આવ્યા તે દિવસોમાં, હિન્દી ફિલ્મોના સર્વકાલિન
સર્વોત્તમ અભિનેતા દિલીપકુમારે આપી હોવાનું
ખુદ નસીરે તેમની આત્મકથામાં નોંધ્યું છે. એટલે જ્યારે હિન્દી સિનેમાના એક્ટર્સ
કે ‘હીરો’ વિશેની વાત કરીશું, ત્યારે તેને જે તે સમયના પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોવાનો
પ્રયાસ કરીશું. આજે પોતાનાં બાળકોને અભિનય કે ગાયન અથવા મનોરંજનના કોઇપણ ક્ષેત્રમાં
આગળ વધવા માટે માતા-પિતા હોંશે હોંશે પ્રોત્સાહન આપે છે, (બલ્કે કેટલાંક અતિઉત્સાહી
માબાપ તો બાળકોને તેમાં ધકેલવા પાછળ પડતાં હોય છે!) ત્યારે બદલાયેલા આ માહૌલમાં અભિનય
કરવા આવેલા પ્રારંભિક સાહસિકોને ગ્રેહામ બેલની માફક જોવાની આવશ્યકતા છે.
ગ્રેહામ
બેલે વાયરનાં દોરડાંને આધારિત ફોન શોધ્યો ન હોત તો આજે ખિસ્સામાં લઈને ફરવાના વાયરલેસ
મોબાઇલ સુધી પહોંચી શકાયું હોત કે? છતાં થોડાં વરસ પહેલાં જ્યારે હિન્દી ફિલ્મોના એક
સફળ સિનિયર ફિલ્મ સ્ટાર/અભિનેતાનું અવસાન થયું, ત્યારે સોશ્યલ મીડિયામાં એવી પણ એક
કૉમેન્ટ વાંચવામાં આવી હતી કે તેમના કરતાં તો આજકાલના યંગ એક્ટર્સ વધારે સારી એકટિંગ
કરી શકે છે! પણ યંગ જનરેશનને પાનો ચઢાવવા જૂની પેઢીના સિનિયરોને ઉતારી પાડતી ટીકાઓ
લખતા એવા કેટલા લોકોને રણબીર કપૂરના ખાનદાનની હિંમત અને સામાજિક સંઘર્ષની ખબર હશે?
શું એવા સૌ જાણે છે કે જ્યારે રાજકપૂરના પિતાજી પૃથ્વીરાજ કપૂર નાટકોમાં અભિનય કરતા
હતા, ત્યારે વતન પેશાવરમાં તેમના પિતા દીવાન બસેશ્વરનાથની ઊંચી મૂંછ બદલ તેમના દોસ્ત
લાલા ગુલામ સરવરખાન તેમને ટોણો મારતા? એ કહેતા કે “તારો છોકરો તો ભાંડ છે. તું શાનો
ઊંચી મૂંછ રાખે છે?!”
પરંતુ,
ત્યારે એ ટૉન્ટ મારનાર ખાનસાહેબને ક્યાં ખબર હતી કે તેમના શાહજાદા યુસુફખાન પણ એ જ
રસ્તે જવાના હતા અને ‘દિલીપકુમાર’ એવું નવું નામ રાખીને એક્ટર બનવાના હતા? અહીં મુદ્દો
છે સામાજિક સ્વીકૃતિનો. તમે નાટક-ચેટક અથવા ગાના-બજાના કરો તો સમાજમાં ‘ભાંડ-ભવાયા’
હોવાની નીચી નજરે જોવાવ.... તમે મૂંછનો વળ
ના ચઢાવી શકો! એટલે હિન્દી સિનેમાના પ્રારંભિક દૌરમાં નાટકના કલાકારોને જ ફિલ્મોમાં
લેવાતા. ઘણે ભાગે વાર્તાઓ પણ રામાયણ, મહાભારત કે પુરાણોની ધાર્મિક કથાઓ પર આધારિત કે
પછી સફળ સામાજિક નાટક તેમજ સફળ નવલકથાઓ પર આધારિત રહેતી. તેથી કલાકારો પણ એ જ રહેતા.
ફિલ્મો
આવતાં પહેલાં પેટ્રોમેક્સના અજવાળે ભજવાતાં નાટકોમાં સ્ટેજ પર માઇકની સગવડ નહતી. તેથી
છેલ્લી લાઇનમાં બેઠેલા પ્રેક્ષકોને પણ સંભળાય એ રીતે સંવાદો બોલવા ટેવાયેલા કલાકારો
હતા. નાટક કરતાં સિનેમાનું ગ્રામર અલગ હોય એ ફરક સમજવાનો બાકી હતો. મૂંગી ફિલ્મોમાં
પણ તે જ કલાકારો લેવાતા. કેમ કે એ જ પ્રારંભિક ઉપલબ્ધ તૈયાર આર્ટિસ્ટ્સ અને જાણીતાં
નામો હતાં. ફિલ્મો બોલતી થઈ પછી પણ માઇક પડદા ઉપર દેખાય નહીં એ રીતે સંતાડેલું રાખવાનું
અને તેમાં પોતાનો અવાજ ઝીલાય એ પ્રમાણે ઊંચા સ્વરમાં જ ડાયલોગ બોલવાના થતા. તેથી આજે
જેની મજાક ઉડાવાય છે, એ રીતે તાર સપ્તકમાં સંવાદો બોલાતા. તે દિવસોના તખ્તા માટે કેળવાયેલા
અવાજવાળા પૃથ્વીરાજ કપૂર (મુગલ-એ-આઝમ)
અને સોહરાબ મોદીના સંવાદો (‘તુમ્હારા ખૂન ખૂન
ઔર હમારા ખૂન પાની?’) કોણ ભૂલી શકે?
પરંતુ,
સંવાદ કરતાં પણ સંગીતનું અને ગાયકીનું મહત્વ વર્ષોથી આપણી ફિલ્મોમાં રહેલું છે. તેને
લીધે શરૂઆતનો એક દૌર એવો પણ હતો, જ્યારે હીરોલોગને ગાતાં આવડવું ફરજિયાત હતું. તે સમયના
સુપર સ્ટાર હતા કુન્દન લાલ સાયગલ, જેમને વાજબી રીતે જ હિન્દી સિનેમાના પ્રથમ ‘સિંગિંગ
સુપરસ્ટાર’ તરીકેની લોકપ્રિયતા મળી હતી. સાયગલ સાહેબના દીવાનાઓ તેમના અભિનય કરતાં વિશેષ
તેમની ગાયકીના આશિક હતા.તેથી જ્યારે અશોક કુમારનું આગમન થયું, ત્યારે તેમની પાસેથી
ગાયકીની પણ અપેક્ષા રખાતી. તેથી દાદામોનીને ‘અછૂત
કન્યા’ના ગીત “મૈં બન કી ચિડિયા....”માં “મૈં બન કા પંછી બન કે બન બન ડોલું રે...”ના
ટહૂકા પુરાવતા સાંભળી શકાય છે.
અશોક
કુમારનું મૂળ નામ કુમુદ ગાંગુલી હતું અને તેઓ ‘હીરો’ બન્યા તો ખરા; પણ પિતાજીની ધાકને
લીધે નામ બદલી કાઢીને બન્યા ‘અશોક કુમાર’. આ ‘કુમુદચંદ્ર’ને પ્રોડ્યુસર હિમાંશુ રાયે
પોતાની પત્ની દેવિકા રાણી સામે બતૌર નાયક લેવા પડ્યા હતા; કારણ કે દેવિકાજી આગલી ફિલ્મ
‘જીવન નૈયા’ના તેમના હીરો અને પ્રેમી નજમુલ હસન સાથે ભાગી ગયાં હતાં. તેમને દોડાદોડ
કરીને શોધી કાઢી પાછાં પતિઘેર લવાયાં, ત્યારે રાતોરાત હીરો ક્યાંથી લાવવા? એ ઉપરાંત
એક ડર એવો પણ ખરો કે અતિ રોમેન્ટિક દેવિકાજી સામે કોઇ પ્રસ્થાપિત હેન્ડસમ હીરોને લેવામાં
આવે અને ફરી પ્રેમલા-પ્રેમલીની કહાણી રિપીટ થાય તો ઉપાધીનાં પોટલાં!
એટલે
‘શેઠાણી’ સામે આંખ પણ ઊંચી નહીં કરી શકતા પણ ઠીક ઠાક દેખાતા અને સ્ટુડિયોની લેબોરેટરીમાં
નોકર એવા કુમુદને કેમેરા સામે ખડો કરી દેવાયો.... તેની હજાર અનિચ્છા અને પિતાજીની બીક
છતાં! (એક્ચ્યુલી તો, બી.એસ.સી. થયેલા અશોકકુમારને લેબમાંથી કેમેરા સામે કામ કરવાનું
કહેવાયું, ત્યારે હાડોહાડ અપમાન લાગેલું!) સ્ટુડિયોની માલિકણ સાથેનો તેમનો પ્રેમાલાપ
કેવો અવાસ્તવિક હોય એ સમજી શકાય એવું નથી? એ ફિલ્મોની તેમની એક્ટિંગને આજના કોઇપણ નવોદિત
સાથે સરખાવાય તો મેળ ના જ ખાયને? પછીનાં વર્ષોમાં મંજાયેલા અશોક કુમાર સંવાદોની અદાયગીમાં,
તેના આરોહ-અવરોહમાં એક ઇન્સ્ટિટ્યુટથી વિશેષ ગણાયા એ આખી અલગ કહાણી છે. પણ એક ‘હીરો’ની
હૈસિયતથી અશોક કુમાર, આજકાલ સફળતાની જે પારાશીશી
ગણાય છે તે બૉક્સ ઑફિસની દ્રષ્ટિએ હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર હતા. તેમની ફિલ્મ
‘કિસ્મત’ કલકત્તાના એક થિયેટરમાં પોણાચાર
વરસ ચાલી હતી અને જેનો કુલ બિઝનેસ એક કરોડ રૂપિયાનો અને તે પણ ૧૯૪૩-૪૪માં થયો હતો!
(જ્યારે શાહરૂખ, સલમાન કે આમિર અને અક્ષય, અજય જેવાનો તો જન્મ પણ નહતો થયો અને ખુદ
અમિતાભ બચ્ચન પણ માંડ એકાદ-બે વરસના બાળક હતા!)
અશોક
કુમાર સ્ટાર હતા, છતાં સ્ટાર સિસ્ટમ હજી શરૂ થઈ નહતી. હજુય એક્ટર્સ અને એક્ટ્રેસિસ
જે તે સ્ટુડિયોના પગારદાર નોકર જ હતા. કામ હોય કે ન હોય બધાએ મિલ કામદારોની જેમ રોજ
સવારે સ્ટુડિયો જવાનું અને સોંપાય એ કામ કરવાનું. વ્હી. શાંતારામના રાજકમલ સ્ટુડિયોમાં
તો અભિનેતા-અભિનેત્રીનાં પણ ફેક્ટરીના વર્કર જેવાં કાર્ડ રહેતાં! અશોક કુમારને જ ‘સ્ટાર
સિસ્ટમ’ના જનક પણ કહી શકાય. તેમની જોડી લીલા ચિટણીસ સાથે ‘કંગન’, ‘બંધન’, ‘ઝૂલા’ જેવી ફિલ્મોથી એવી જામી હતી કે એક વાર એ બન્ને
ટ્રેઇનમાં લાહોર જતાં હતાં, ત્યારે દરેક સ્ટેશને
થયેલી ભીડને લીધે લાહોર સ્ટેશન પરની બેકાબુ વિશાળ જનમેદનીથી બચવા પોલીસે ગાડી આગલા
નાના સ્ટેશને ઉભી રાખીને તેમને ઉતારી દેવાં પડ્યાં હતાં. ‘સ્ટાર સિસ્ટમ’ની તે દિવસે
શરૂઆત થઈ. નિર્માતાએ રાતોરાત પગાર ત્રણ ગણો વધારીને રૂ.૫૦૦થી ૧૫૦૦ કરી દીધો. પણ વાઘ
લોહી ચાખી ચૂક્યો હતો. કલાકારોમાં સ્ટુડિયોની નોકરી છોડી ફિલ્મ દીઠ પૈસા માગવાની હિંમત અશોક કુમાર અને લીલા ચિટનીસની એ લાહોર
યાત્રા પછી ખુલી અને તેનાં કરોડોનાં ફળ આજની ૧૦૦ કરોડની ક્લબના હીરો-હીરોઇન પણ માણી
રહ્યા છે!
હીરોની
શારીરિક વ્યાખ્યા પણ કાળ ક્રમે બદલાતી ગઈ છે. એક જમાનો હતો જ્યારે છ ફુટ ઊંચા તંદુરસ્ત
પંજાબીઓ પ્રથમ પસંદગી હતા. રાજેન્દ્ર કુમાર, સુનિલ દત્ત, રાજ કુમાર, મનોજ કુમાર, ધર્મેન્દ્ર
વગેરેનો એ દૌર હતો. અંગ્રેજીમાં જેને ટૉલ, ડાર્ક એન્ડ હેન્ડસમ કહેવાય છે એ પ્રકારની
પર્સનાલિટિ ન હોય તો ટૉપ સ્ટાર્સમાં તમારો નંબર જ ના લાગે. આજે શાહરૂખ, સલમાન અને આમિરની
છે એવી પ્રમાણમાં ઓછી હાઇટવાળાઓને એક જમાનામાં કોમેડી માટે યોગ્ય ગણવામાં આવતા. એવું
જ શરીર સૌષ્ઠવનું કહી શકાય. આજે તો ટાંકણું લઈને ચોસલાં પાડ્યાં હોય એવી સ્નાયુબધ્ધ,
સિક્સ કે એઇટ પૅક, બૉડીવાળા હીરો છે, તે સૌ એક્ટરો કરતાં તો ‘ડબલ્યુ ડબલ્યુ એફ’ના કુસ્તીબાજ
મલ્લ વધારે લાગે છે.
એવી
બૉડી હોય તો એક જમાનામાં ‘ઝીમ્બો’, ‘ટારઝન’
કે પછી ‘સેમ્સન’, ‘હર્ક્યુલિસ’ અથવા ‘બોક્સર’ જેવી ફિલ્મોમાં દારાસિંગ, રંધાવા
કે આઝાદ સરખા પહેલવાનો સાથે હરિફાઇ કરી શકે. મેઇન સ્ટ્રીમ સિનેમામાં ના ચાલે! હકીકતમાં
તો એક્ટર તરીકેનું કામ માગવા આવેલા ધર્મેન્દ્રની કસરતી બૉડી જોઇને બી.આર. ચોપ્રાએ તેમને
અખાડામાં કરિયર બનાવવાની સલાહ આપેલી! એ તો ભલું થજો નરગીસજીનું જેમણે ધર્મેન્દ્ર માટે
એવી સરસ કોમેન્ટ કરી કે નવલકથામાં નાયકનું જેવું વર્ણન વાંચીએ છીએ એવી પર્સનાલિટિ ધર્મેન્દ્રની
છે. એટલે ધર્મેન્દ્ર જ્યારે ‘ફુલ ઔર પથ્થર’નાં
પોસ્ટર્સમાં શર્ટ કાઢીને એકલા પેન્ટભેર ઉભેલા દેખાયા ત્યારે સનસનાટી થઈ હતી. (`ફુલ ઔર પથ્થર’ આવ્યું હતું ૧૯૬૬માં, જે વખતે
સલમાન એક વરસનું બાળક હતા!) તે દિવસોમાં તો હીરો લોગ પોતાની મર્દાનગીની નિશાની જેવા
છાતીના વાળ સહેજ દેખાય એમ ઉપરનું એકાદ બટન ખુલ્લું રાખીને શાલીનતાથી જ પડદા પર આવતા.
તેના
પછી જયારે મિથુન ચક્રવર્તી તેમની પ્રથમ ફિલ્મ ‘મૃગયા’માં એક અદિવાસી તરીકે દેખાયા ત્યારે તેમની કસરતી બૉડી આકર્ષણનું
કેન્દ્ર બની હતી. પરંતુ, છાતી પરના નહીંવત વાળને લીધે એક મેગેઝીને ત્યારે એવી કોમેન્ટ
કરી હતી કે એવી કેશહીન છાતીવાળા પુરૂષનો વિશ્વાસ ન કરી શકાય. પરિસ્થિતિ કેવી હતી તેનો
ખ્યાલ આપવા હજી ’૮૦ના દાયકાની એક વાત જાણવા જેવી છે. તે દિવસોમાં ‘બેતાબ’ ફિલ્મથી સની
દેઓલ સાથે એક્ટિંગ શરૂ કરનાર અમૃતાસિંગનાં માતા (એટલે કે સૈફ અલી ખાનનાં ઍક્સ-સાસુ)
રૂખસાનાએ એક શૂટીંગમાં જોયેલું ચોંકાવનારું દ્રશ્ય પછી એક મેગેઝીનને ઇન્ટરવ્યુમાં કહ્યું
હતું. કહેવાની જરૂર નથી કે, એ સામયિકે તેને હાઇલાઇટ પણ કર્યું હતું. રૂખસાનાજીએ કહ્યું
કે તેમણે લગભગ પ્રૌઢ કહેવાય એવા એક એક્ટરને પોતાની છાતીના વાળને કાળી ડાઇ (બ્લેક કલર)
કરાવતો જોયો હતો! આજે મોટાભાગના ટૉપ સ્ટાર્સ ૪૦ વરસ ઉપરના છે અને તેથી સૌ ‘નીટ-ક્લિન
લૂક’ના નામે છાતીએ વેક્સિંગ/લેસર વર્ક કરાવી ચૂક્યા છે. તેથી અભિષેક બચ્ચન કે રણબીર
કપૂર જેવા એકાદ-બે ‘ઓલ્ડ સ્કૂલ હીરો’ને બાદ કરી દઈએ તો તે સિવાયના બધા સફાચટ છે.
એવું
જ નાયકના પાત્રાલેખનનું કહી શકાય. હિન્દી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટર્સ માટે ‘હીરો’ની
વ્યાખ્યા સમય સમયે બદલાઇ છે. આઝાદી પછીના તરતના કાળમાં સદીઓની ગુલામીમાંથી મુક્ત થયેલા
એક સ્વતંત્ર રાષ્ટ્રને દિશાદર્શન કરવા તમામ સર્જકોએ પોતપોતાની કળાનું યોગદાન આપવાનો
આદર્શ રાખ્યો હતો. વિશ્વભરમાં આર્ટિસ્ટ ક્રિએટિવ ટેલેન્ટ વડે પોતપોતાના દેશોને સામ્યવાદ,
સમાજવાદ અને માનવતાવાદની રચનાઓ આપતા. હિન્દી ફિલ્મોના હીરો પણ ગરીબ અને મધ્યમ વર્ગના
રહેતા. બહુ પૈસાપાત્ર વ્યક્તિ મહદ અંશે ખલનાયક ગણાતા એવો એ દૌર હતો. ( યાદ છે ને? તે
સમયનાં ગીતો?.... “ચાંદી કી દિવાર ન તોડી, પ્યાર ભરા દિલ તોડ દિયા, ઇક ધનવાન કી બેટીને
નિર્ધન કા દામન છોડ દિયા...”)
ગરીબ
મા-બાપનો દીકરો એટલે કે રાજેન્દ્ર, જીતેન્દ્ર, ધર્મેન્દ્ર કોલેજમાં પહેલો નમ્બર કે ગોલ્ડ મેડલ લઈ આવે એ દ્રશ્યો
આજે મિમિક્રી આર્ટિસ્ટની મજાકનું સાધન બને છે. પરંતુ, એક સમયે એ યુવાનોના પ્રેરણામૂર્તિ
હતા. દેશ માટે, તેની પ્રગતિ માટે, તેના નવનિર્માણ માટે ઝઝુમતા આદર્શવાદી યુવાન હીરો
હોય. એક સમયે ચંબલના ડાકુઓની સમસ્યા મોટી હતી. ત્યારે કાયદો હાથમાં લેનારા એ સૌ ‘બાગીઓ’ને
સ્વતંત્ર રાષ્ટ્રની મુખ્યધારામાં લાવવાની હિમાયત કરતી ફિલ્મોના હીરોને યાદ કરીએ તો? દિલીપ કુમારનું ‘ગંગા જમના’ હોય કે રાજકપૂરનું
‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ કે પછી સુનિલદત્તનું ‘મુઝે જીને દો’ જેવાં ચિત્રો સ્મૃતિમાં આવે.
રાજેન્દ્ર
કુમારને સફળતા અપાવનાર ‘માબાપ’, ‘સંતાન’,
‘ઘર સંસાર’ કે ‘સસુરાલ’ અથવા ‘ઝિંદગી’
જેવાં કૌટુંબિક અને સોશ્યલ ચિત્રોના હીરો હતા. તેમનો વારસદાર રાજેશ ખન્ના આવ્યો ત્યાં
સુધી બધું બરાબર હતું. પણ તમે ‘દો રાસ્તે’માં
કુટુંબ માટે સગા ભાઇ સાથે લડવા તૈયાર હીરો એવા પારિવારિક ખન્નાને ‘બહારોં કે સપને’માં બેરોજગારીથી ત્રસ્ત યુવા
નાયક તરીકે યાદ કરો તો તે સમયના મધ્યમ વર્ગના યુવાનોની અકળામણ જોઇ શકાય. એટલે જ અમિતાભ
બચ્ચનના આગમન પછી હીરોની બદલાઈ ગયેલી વ્યાખ્યાને જબરદસ્ત આવકાર મળ્યો અને સાથે સાથે
ખુદ બચ્ચનને પણ. તેમની ‘જંજીર’ ‘દીવાર’, ‘ત્રિશૂલ’થી
લઈને ‘મુકદ્દર કા સિકંદર’, ‘લાવારીસ’, ‘હેરાફેરી’
કે પછી ‘અમર અકબર એન્થની’ જેવી હળવી ફિલ્મ
હોય; એ બધામાં માર-ધાડ અને હિંસાના પ્રમાણને લોકોએ આવકાર્યું હોય તો તેની પાછળ પ્રજાનો
જબરદસ્ત આક્રોશ જવાબદાર હતો.
તેમ છતાં એ સમયે પણ અમોલ પાલેકર અને ફારૂક શેખ જેવા કલાકારોની
ફિલ્મોમાં નાયક સાવ સાદા રહેતા. (અમોલ પાલેકર, ફારૂક શેખ તથા દેવેન વર્માની ત્રિપુટીને સાથે ઉત્પલદત્ત તથા ઓમપ્રકાશને લઈને હૃષિકેશ મુકરજીએ ‘રંગ બિરંગી’ બનાવી હતી.) અને અમોલને ‘છોટી
સી બાત’, ‘ચિતચોર’ અને ‘રજનીગંધા’માં અથવા ફારૂકભાઇને ‘ચશ્મે બદદુર’ અથવા ‘સાથ સાથ’માં
જુઓ તો ‘ફિલ્મી હીરો’ ક્યાંય ના દેખાય. જાણે કે આપણી પાડોશમાં કશુંક બની રહ્યું હોય
અને તે આપણે જોતા હોઇએ!
પણ
સિનેમાના સર્જકોને ‘સપનોં કા સૌદાગર’ પણ કહેવાય છે અને તેથી કલ્પનામાં જ હોઇ શકે એવા
સ્ટાઇલીસ્ટ અભિનેતાઓનો પણ એક વર્ગ રહ્યો છે. રાજકુમારની નફિકરાઇની શૈલી જુઓ તો થાય
કે થિયેટરમાં તાળીઓ મેળવવા આ દાદાગીરી બરાબર છે. પણ વાસ્તવિક દુનિયામાં? (નાના પાટેકરથી
લઈને મનોજ બાજપાઇ, ઇરફાન ખાન અને છેલ્લે આવેલા નવાજુદ્દીન સિદ્દીકી સુધીના એક યા બીજા સ્વરૂપે ‘જાની’ના
વારસો જ છે.) દેવ આનંદની વાળની સ્ટાઇલ કે પછી પ્રેમ કરવાની શમ્મીકપૂરની બંડખોર પધ્ધતિ
યાદ કરો તો એક સમયે પ્રેક્ષકોનો એક વિશાળ વર્ગ તે સૌની પાછળ રીતસર દીવાનો હતો. તેને
લીધે એમ કહેવાતું કે અભિનેતા જન્મજાત હોય, તેમને તૈયાર ના કરાય. પરંતુ, ’૬૦ના દાયકામાં
પુના ખાતે ફિલ્મ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના થઈ અને એ કન્સેપ્ટ ચકનાચૂર થઈ ગયો.
પુના
ઇન્સ્ટિટ્યુટમાંથી બહાર પડેલા અભિનેતા-અભિનેત્રીઓને રોશન તનેજા જેવા ગુરૂનું માર્ગદર્શન
અને વર્લ્ડ સિનેમાની શ્રેષ્ઠ કૃતિઓ જોવાનો લાભ મળ્યો. ત્યાંથી આવેલી ટેલેન્ટે સ્થાપિત
સ્ટાર્સને હચમચાવી નાખ્યા હતા. તનેજા સરે હઠ કરીને તેમના વિદ્યાર્થીઓને એક્ટર થવા બદલ
શરમ અનુભવીને નામ બદલી કાઢવાની પ્રથા બંધ કરાવી
અને ‘ગર્વ સે કહો હમ એક્ટર હૈં’ની ભાવના ઉજાગર કરી. એટલે શત્રુઘનસિન્હા કે નસીરુદ્દીન
શાહ અથવા મિથુન ચક્રવર્તી જેવાં લાંબાં અને ક્યારેક તો ડેની ડેંગઝોંગ્પ્પા જેવાં ઉચ્ચારવામાં
અઘરાં નામો સાથે અભિનેતાઓ ગર્વથી મેદાનમાં આવ્યા.
તે
સૌની સાથે આવી એક નવી ફોર્મ્યુલા.... વાંક ના કાઢી શકાય એવી માફકસરની એક્ટિંગ અને વાજબી
દામ! તેમણે અભિનયમાં કોઇ સ્ટારને પ્રેરણામૂર્તિ ન બનાવ્યા. તેમનો આદર્શ હતા, મોતીલાલ,
બલરાજ સહાની અને સંજીવકુમાર જેવા નેચરલ અને નોર્મલ અભિનેતાઓ! આ એક નવી જ લહેર હતી.
જો કે હજી પણ સની દેઓલ, સંજય દત્ત અને કુમાર ગૌરવ જેવા વારસાગત ‘સ્ટાર સન્સ’ આવતા હતા,
જેમને તેમના સ્ટાર પપ્પાની વફાદાર ‘ઘરાકી’ (ફૅન ફૉલોઈંગ) ટ્રાન્સ્ફર થવાની અપેક્ષા
રહેતી. પરંતુ, ત્યાં પણ ઇન્સ્ટિટ્યુટની અસર થઈ હતી. હવે સ્ટાર્સનાં એ હોનહાર બાળકોને
પણ બાકાયદા એક્ટિંગ, ઘોડેસ્વારી, સ્વીમીંગ અને ફાઇટિંગ શીખવાડીને મેદાનમાં ઉતારાતા
હતા. રીશી કપૂર કે રણધીર કપૂરની માફક પપ્પાના સેટ પર હાજર રહીને શીખી લેવું પૂરતું
નહતું.
પુના
ઇન્સ્ટિટ્યુટને પગલે દિલ્હીના નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને વિવિધ શહેરોમાં રંગમંચ પર
વ્યસ્ત એવા સૌ માટે પણ દૂરદર્શન જેવા અન્ય વિઝ્યુઅલ માધ્યમના પડદા ખુલતા ગયા. દિલ્હીના
સ્ટેજની દુનિયામાંથી આવ્યા શાહરૂખખાન અને એક સાવ સાદા દેખાતા અભિનેતાની એન્ટ્રીએ પરંપરાગત
હીરોની ઇમેજને એક નવું જ સ્વરૂપ આપ્યું. ઇતિહાસ પુનરાવર્તિત થતો હતો. સિત્તેરના દાયકામાં રાજેશખન્નાને શરૂઆતમાં તેમની
ઓછી હાઇટને લીધે ‘ગુરખા’ કહીને ઉતારી પડાતા હતા અને અમિતાભ તેમની ૬ ફુટ ૨ ઇંચની ઊંચાઇને
લીધે ‘લંબુજી’ના ઉપાલંભ સાથે નાતબહાર ગણાતા હતા. એ બન્નેએ પોતાની એક્ટિંગના અવિરત પ્રવાહથી
હીરોની ઇમેજ માટેની શારીરિક આવશ્યકતાઓનું મહત્વ ઘટાડી દીધું હતું.
તેથી
જ્યારે શાહરૂખે અભિનયની ટેલેન્ટનો જે ધોધ શરૂઆતની ફિલ્મોમાં વરસાવ્યો, તેમાં તેની ઓછી
હાઇટને પણ કોઇએ ધ્યાનમાં ના લીધી. તેનામાં સરસ એક્ટિંગની સાથે સ્ટાઇલ પણ હોવાથી રાજેશ
ખન્ના અને અમિતાભ બચ્ચન એ બન્નેની વધતી ઉંમરને કારણે થતા વેક્યુમમાં શાહરૂખ ગોઠવાઇ
ગયો અને આમિર, સલમાન વગેરે પણ ચાહકોને આકર્ષી શક્યા હતા. એ સૌએ રાજેશ ખન્ના અને અમિતાભ
બચ્ચન જેવા અનયુઝવલ પર્સનાલિટિવાળા અભિનેતાઓએ તૈયાર કરેલા ગ્રાઉન્ડ પર બેટિંગ કરવાની
હતી. ચહેરો પડદા ઉપર લીસ્સો લાગે એવો ન હોય તો પણ ઓમ પુરી કે પંકજ કપૂરની માફક કામ
મળી શકતું થયું હતું.
’૭૦ના
દાયકાની અમિતાભની ફિલ્મોએ હીરોની વ્યાખ્યા પણ બદલી દીધી હતી. હવે જેમ ફિલ્મો બ્લેક
એન્ડ વ્હાઇટ નહતી રહી તેમ (થેંક્સ ટુ સલીમ-જાવેદ) પાત્રોને પણ ‘હીરો’ કે ‘વિલન’ એવા શ્વેત-શ્યામ ખાનાંમાં
મૂકી નહતાં શકાતાં. બાકી એક સમય હતો જ્યારે જરા જેટલો પણ નેગેટિવ શેડ પોતાના પાત્રમાં
હોય તો અભિનેતા એ સીન કરવા ઇનકાર કરી દેતા.
‘ડર’માં શાહરૂખને જે આવકાર મળ્યો એ ‘હીરો’ કહેવાતા સની દેવલને ના મળ્યો, એ પણ સમય
બદલાયાની સૌથી મોટી નિશાની હતી. આજે ૨૧મી સદીમાં તો સ્થિતિ એવી છે કે જો વાર્તા વધારે
પડતી સુષ્ઠુ સુષ્ઠુ થઈ જાય તો એક્ટર અકળાઇ ઉઠે.
એટલે આજે ‘એક વિલન’ એવું ટાઇટલ
ધરાવતી ફિલ્મ બની શકે છે અને ૧૦૦ કરોડનો બિઝનેસ પણ કરી શકે છે.
ટૂંકમાં,
એક્ટર્સ માટે આજના જેવો સારો સમય અગાઉ કદી નહતો. આજે તો રણવીરસિંગ હોય કે રણબીર કપૂર, સિધ્ધાર્થ
રૉય કપૂર હોય કે સિધ્ધાર્થ મલ્હોત્રા કોઇને પોતાનું નામ બદલવાની જરૂર નથી પડતી. હવે
કોઇને માબાપ કે સમાજથી ડરવાનું રહ્યું નથી. અને પૈસા? હજારો કે કરોડો નહીં પણ લાખોમાં
તો કમાતા થવાય જ છે. તેથી અત્યારે કન્ઝ્યુમર માર્કેટના દિવસોમાં દરેક પ્રકારની ગાડીઓની
જેમ તુષાર કપૂરથી અર્જુન કપૂર અને આયુષ્યમાન ખુરાનાથી લઈને અરમાન જૈન સુધીના તમામ વેરાયટીના
એક્ટર્સ માટે એન્ટ્રીની સવલત છે. આજકાલ એક શૉટ આપો અને તરત મૉનિટર પર જોઇને તેમાં
જરૂરી સુધારા-વધારા કરી શકાય છે. જ્યારે અગાઉ તો આજે શૂટ કરેલી કાચી ફિલમને ડેવલપ થઈને
આવતાં મહિનાઓ લાગી જતા. લગ્નના ફોટામાં અગાઉ બનતું એમ ‘હો ગયા સો હો ગયા’ જેવો જ ખેલ
સિનેમાના શૂટિંગમાં પણ થતો. (મંગળફેરાના રોલ ડેવલપ થઈને આવે ત્યાં સુધીમાં વરઘોડીયું
હનીમૂન કરીને પાછું આવ્યું હોય. ત્યારે વરરાજા ભાવિ પત્ની સામે જોવાને બદલે માંયરામાં
બેઠેલી સાળી સામે ડાફોળિયાં મારતા ઝડપાયા હોય એવું પણ બનતું)
સાર
એટલો કે, તમારામાં અભિનયની ટેલેન્ટ છે એમ સમજતા હો તો જો અત્યારના સમયમાં અભિનેતા તરીકે
નામ ન કાઢી શકો તો તમારી ક્ષમતા વિષે ફેરવિચાર કરવાનો રહે! કેમ કે બજારમાં એક્ટિંગ
શીખવતા ગુરૂઓ હોય, સારામાં સારાં જિમ ઉપલબ્ધ હોય, ફેશન મુજબ આડા-અવળા વાળ કાપવા કે
જિન્સ ફાડી આપવા ડિઝાઇનર્સ હાજર હોય, સારામાં સારા એંગલથી તમારો પોર્ટફોલિયો તૈયાર
કરનારા ફોટોગ્રાફરો હોય, માબાપ કે સમાજથી ગભરાવાનું ન હોય અને ટીવી સિરીયલો તથા રિયાલિટિ
શો દ્વારા તમારો સ્ક્રિન ટેસ્ટ પણ થઈ શકતો હોય તો ફિર ડર કાહે કા? એટલે અમારો તો વિશ્વાસ
છે કે અશોક કુમાર અને દિલીપ કુમાર, રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન તેમજ શાહરૂખ ખાન,
રિતિક રોશન અને રણબીરકપૂર સુધીના અભિનેતાઓની ઉજ્વળ પરંપરામાં દર સાલ અવનવા ઉમેરા થતા
જ જશે. ગ્રેહામ બેલના પ્રથમ ફોનથી આજના સ્માર્ટફોનની યાત્રાની માફક જ દરેક ગાવસ્કર
પછી તેન્દુલકર આવ્યા જ કરે છે, જે અગાઉની પેઢીની જેમ નવા નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા
જ કરે છે. એક્ટિંગમાં એવું કદાચ વધુ ઝડપથી નથી બનતું? (સોચો ઠાકુર!)
‘હરિ અનંત હરિકથા અનંતા....’ની
માફક સિનેમાની તેમજ તેના નાયકોની કથા પણ અવિરત ચાલે એવી છે અને શક્ય છે કે તેનાં કેટલાંય
પાસાં અછુતાં રહી ગયાં હોય કે પછી કોઇ મુદ્દે પૂરતી ચર્ચા ના થઈ શકી હોય. પણ કહે છે
ને કે એક ઊંઘે ક્યાં સવાર થઈ જતું હોય છે? તેનો પણ વારો ક્યારેક કાઢીશું. શમ્મી કપૂરનો
‘મનોરંજન’ ફિલ્મનો તકિયા કલામ વાપરીને કહીએ તો, “વો કિસ્સા ફિર કભી!”