Sunday, January 11, 2015

ફિલમની ચિલમ .... જાન્યુઆરી ૧૧, ૨૦૧૫



ઉપેન્દ્ર ત્રિવેદી.... ગુજરાતી ફિલ્મોની બોક્સઓફિસના પ્રથમ સુપરસ્ટાર!

 
આજે હિન્દી સિનેમા ઉદ્યોગને થોડોક વિરામ આપીને ગયા સપ્તાહે ચોથી જાન્યુઆરીએ આપણી વચ્ચેથી ચિરવિદાય લઈ ગયેલા ગુજરાતી ફિલ્મોના સાચા અર્થમાં પ્રથમ ‘સ્ટાર’, ખરેખર તો ‘સુપર સ્ટાર’, એવા ઉપેન્દ્ર ત્રિવેદીને યાદ કરીએ. ગુજરાતી પ્રેક્ષકો તેમની ભાષાની ફિલ્મો કોઇ એક્ટરના નામ પર જોવા ઉમટે એવી સ્થિતિ પ્રથમવાર ઉપેન્દ્રભાઇના આગમન પછી થઈ. તેમાંય સ્નેહલતા સાથેની જોડી બન્યા પછી એક સમય એવો આવ્યો કે ઉપેન્દ્ર-સ્નેહલતા ‘ગુજરાતનાં ધર્મેન્દ્ર-હેમામાલિની’ કહેવાયાં. એ નામ ટિકિટબારી છલકાવવા માટે પૂરતાં હતાં. તેથી જ્યાં સુધી ગુજરાતી સિનેમાના બિઝનેસનો સવાલ છે, ત્યાં સુધી ઉપેન્દ્રભાઇના એ યોગદાન બદલ ફિલ્મ ઉદ્યોગ અને પ્રેક્ષકો બન્ને તેમના સદાય ઋણી રહેશે. તે દિવસોમાં એક રમૂજ એવી પણ થતી કે ગુજરાતી ફિલ્મો ચલાવતાં થિયેટરોમાં ઉપેન્દ્રભાઇનો માથે પાઘડા/પાઘડી પહેરેલા ટિપિકલ ગામઠી પહેરવેશવાળો એક કટઆઉટ કાયમી ધોરણે રખાતો..... નીચે પિક્ચરનું નામ કોઇપણ હોય ઉપરનો ફોટો ના બદલાય!



પરંતુ, એ ગમ્મત તો ગુજરાતી સિનેમાની ઓળખ -આઈડેન્ટિટિ- સાથે ઉપેન્દ્રભાઇ કેવા અનિવાર્યપણે જોડાયેલા હતા તે કહેવાની રસપ્રદ રીત માત્ર હતી. એક ટીવી ઇન્ટર્વ્યૂમાં એવો સવાલ પૂછાયો હતો અને પછી તેમણે વિવિધ પાત્રાલેખનના કારણે  તેમના માથે મૂકાતી પાઘડી વિષે વિશ્લેષણ કર્યું. તેમણે સૌરાષ્ટ્રના કયા વિસ્તારની પાઘડી કેવી હોય એ વર્ણવ્યું અને કહ્યું કે પાઘડી ઉપરથી એ વ્યક્તિ કયાંની છે એ જાણી શકો વગેરે સાંભળો તો થાય કે આ માણસે લોકસાહિત્યનો પણ કેટલો અભ્યાસ કરેલો છે! તેમને જ્યારે મળો ત્યારે એ અનુભૂતિ તો અવશ્ય થાય જ કે આ અત્યંત જ્ઞાની વ્યક્તિ છે. આપણે ત્યાં એક્ટર્સ માટેની એક છાપ એવી હતી (અમુક અંશે આજે પણ છે) કે મોટાભાગનાઓ પોતાના ચલચિત્રો અને અભિનય સિવાય અન્ય બાબતોમાં ઊંડા ઉતરવાનું પસંદ કરતા નથી હોતા. જ્યારે ઉપેન્દ્ર ત્રિવેદીની સાથે તમે કોઇપણ વિષયની ચર્ચા કરી શકો અને એ એક આધિકારિક માહિતીના ટેકાવાળું પોતાનું મંતવ્ય આપે. તેમાં મોટી વાત એ કે એવા વાદ-વિવાદમાં તલસ્પર્શી ઊંડાણ અને ભાષાની ઊંચાઇ બન્ને હોય. ક્યાંય ઉપરછલ્લી ઉભડક વાતો ન હોય.

ઉપેન્દ્રભાઇ તેમના ‘આત્મકથન’ના એક સંપાદક બીરેન કોઠારી સાથે


વળી, આ કશુંય દેખાડા માટે ન હોય. તેમના પ્રવચનમાં “માનવ મનનું રસાયણ સમજવું અઘરું છે” જેવાં વાક્યો સાવ સ્વાભાવિક રીતે જ આવે. ગુજરાતી ભાષા પરનું પ્રભુત્વ રજનીકુમાર પંડ્યા અને બીરેન કોઠારી સંપાદિત ‘આત્મકથન’નાં તેમનાં આ વાક્યોમાં પણ કેવું પડઘાય છે.... “મારી અભિનયયાત્રાનો આ પ્રવાહ ક્યારેક ઘોડાપૂરે વહ્યો છે, ક્યારેક મંદ ગતિએ તો ક્યારેક મંથર ગતિએ વહ્યો છે. ક્યારેક સપાટી પર પ્રવાહ દેખાતો નથી પણ કોઈ પિયાસી પટમાં વીરડો ગાળે તો મહુવાની નાળિયેરીનાં મીઠાં જળસમા પાણીની છાલકે છાલકે છલિયાં છલકાઈ જાય. કારણ કે ભીતરની સરવાણી ક્યારેય સુકાણી નથી. એક મિનિસ્ટર ક્યારેક ‘એક્સ-મિનિસ્ટર’ થઈ શકે છે પણ કલાકાર ક્યારેય ‘એક્સ-કલાકાર’ થતો નથી......  અભિનયયાત્રાની સાથે સાથે જીવનયાત્રા પણ જોડાયેલી હોય છે. એકલી અભિનયયાત્રાને તારવીને જોવી બહુ અઘરી છે....” આટલી સમજ સાથે એક્ટીંગ કરતા અભિનેતા જ્યારે પડદા ઉપર પન્નાલાલ પટેલ સરખા દિગ્ગજ નવલકથાકારના પુસ્તક ‘માનવીની ભવાઇ’ના ‘કાળુ’નું પાત્ર ભજવે ત્યારે એ ફિલ્મ નેશનલ એવોર્ડ ના જીતે તો જ આશ્ચર્ય થાય!  

ઉપેન્દ્રભાઇની ફિલ્મોમાં ‘‘રા’નવઘણ’’ પણ હોય અને ‘હોથલ પદમણી’ પણ હોય. એ ‘સદેવંત સાવળીંગા’ પણ બને અને એ ‘રાજા ગોપીચંદ’ પણ થાય! એ જ રીતે લોકસાહિત્યના ભેખધારી ઝવેરચંદ મેઘાણીએ એકત્ર કરેલી લોકવાર્તાઓમાંનાં સૌરાષ્ટ્રની ધીંગી ધરાનાં પાત્રોને અસરકારક રીતે ભજવ્યાં. પરંતુ, તેમની ગુજરાતી ફિલ્મોની કરિયરમાં જેને શહેરી પાત્રો કહેવાય એવાં પણ એટલી જ સંખ્યામાં હતાં. ઉપેન્દ્રભાઇએ પડદા ઉપર છપ્પનિયા દુકાળના પીડિત ‘કાળુ’ને સજીવન કરવાનો હોય કે કનૈયાલાલ મુનશીના ‘માલવપતિ મુંજ’ને એ તમામમાં તેમની સાહિત્યપ્રીતિ સતત વર્તાય. તેમણે મનુભાઇ પંચોળી ‘દર્શક’ની ‘ઝેર તો પીધાં જાણી જાણી’થી માંડીને બર્નાડ શોના વિખ્યાત નાટક ‘પિગ્મેલિયન’ પરથી બનેલ ‘સંતુ રંગીલી’ સુધીની કેટકેટલી સાહિત્ય કૃતિઓ સાથે ગુજરાતીઓની ઓળખાણ કરાવી હતી. એ આ બધું કરી/કરાવી શક્યા તે પાછળ જવાબદાર હતી તેમની નિષ્ઠા! બાકી જ્યારે તેમને ‘જેસલ તોરલ’ની મુખ્ય ભૂમિકા મળી ત્યારે મહેનતાણા પેટે માત્ર પાંચસો રૂપિયા મળ્યા હતા. આ રકમ ઇવન ’૭૦ના દાયકામાં પણ સાવ મામુલી જ હતી. પરંતુ, ‘મેજર ચંદ્રકાન્ત’ સહિતનાં સાહિત્યિક નાટકો કરતા તખ્તાના આ જીવને પોતાની કલાને વિસ્તારવી હતી. એ પાંચસો રૂપિયામાં કરેલી ફિલ્મ ‘જેસલ તોરલ’ માત્ર ઉપેન્દ્ર ત્રિવેદીની જ નહીં પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની પણ એક માઇલસ્ટોન કૃતિ સાબિત થઈ. તેમાં દિવાળીબેન ભીલ અને ઇસ્માઇલભાઇ વાલેરાના કંઠે ગવાયેલું અમર ગીત “પાપ તારું રે પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે...” આજે પણ લોકપ્રિય છે અને લોકગાયકો એટલા જ પ્રેમથી ગાય છે.

‘જેસલ તોરલ’ને લીધે તરતી થયેલી ગુજરાતી સિનેમાની ‘બેડલી’ સતત તરતી રહી અને વચમાં નાના-મોટા આંચકા છતાંય આજે પણ તરે છે; એ ઐતિહાસિક હકીકત છે. તેમાં ઉપેન્દ્રભાઇ પાયાના પથ્થરો પૈકીના એક સાબિત થયા. બાકી એ મુંબઈમાં જ હતા. ત્યાં હિન્દી ફિલ્મોમાં પણ તેમને કામ મળતું જ હતું. ‘જેસલ તોરલ’ પહેલાં ૧૯૭૦માં આવેલી ‘પવિત્ર પાપી’માં તેમની ભૂમિકા હતી જેનાં તનુજા એટલે કે કાજોલનાં મમ્મી હીરોઇન હતાં. તેમનું હિન્દી પણ સારું હતું. કારણ કે મૂળ સાબરકાંઠાના ઉપેન્દ્રભાઇનો ઉછેર મુંબઈમાં થયો હતો. ત્યાંની સિધ્ધાર્થ કોલેજમાં ભણતા અને નાટકો કરતા હતા. આર્ટ્સના ગ્રેજ્યુએટ એવા આ કલાકારના નામે ૧૧ હિન્દી અને એક ભોજપુરી ફિલ્મ પણ છે. નામની બે-પાંચ હિન્દી ગુજરાતી ફિલ્મો કરીને જીવનભર હિન્દી સિનેમાના એક્ટર બની રહેલા કલાકારો કરતાં આ જુદી માટીના માનવી હતા. બલ્કે ગુજરાતી માટીના માણસ હતા. એટલે એ ગુજરાતી તખ્તા અને ફિલ્મની સાથે સાથે ગુજરાતના સમાજજીવનમાં પણ સંકળાયા. તે ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા.
 
ધારાસભાની ચૂંટણી માટેની ઉમેદવારીની બિનસત્તાવાર જાહેરાત કરવા ૧૯૮૩-૮૪ના દિવસોમાં ઉપેન્દ્રભાઇએ આ કોલમ લેખકની ‘ફિલમની ચિલમ’ને પસંદ કરી હતી એ તેમના અંગત સ્નેહની નિશાની હતી. તે અગાઉ તેમની સાથે પ્રથમ પરિચય ’૭૦ના દાયકામાં ‘અભિનય સમ્રાટ’ના મંચન વખતે થયો હતો.  આણંદના ટાઉનહોલમાં નાટકના રિવોલ્વિંગ સેટ ગોઠવાતા હતા, ત્યારે ઓડિયન્સની ખાલી ખુરશીઓમાં  બેસીને અમારા પારિવારિક સાપ્તાહિક ‘આનંદ એક્સપ્રેસ’ માટે ઇન્ટરવ્યુ કરવાનો લાભ મળ્યો હતો. તે વખતે તેમણે ભારતીય નાટ્યશાસ્ત્ર અને નવરસથી માંડીને રશિયન દોસ્તોવસ્કી જેવાં કેટલાંક નામો સાથે વાતો કરી હતી. (મુલાકાત પછી બહાર નીકળ્યા, ત્યારે ઉપેન્દ્રભાઇએ કહેલાં તખ્તાના કેટલાક આંતરરાષ્ટ્રીય કલાકારોનાં નામો અંગે મને કે મારી સાથે આવેલા મારા નાના ભાઇ નરેન્દ્ર બેમાંથી કોઇને ટપ્પી પડી નહતી!) 


તેમની સાથે વાતો કરો પછી ઉપેન્દ્રભાઇને વર્ણવવા માટે ગુજરાતી ભાષાનો એક જ શબ્દ વાપરી શકાય ‘મરમી’! તે પછી ’૮૦ના દશકમાં તે જ વ્યક્તિ સાથે વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં કરેલી વાતચીતો દરમિયાન તેમની રાજકીય અને સામાજિક સભાનતા જોતાં એ પાસું પણ ઉજાગર થયું કે ઉપેન્દ્રભાઇ જે કામ ઉપાડે તેનું અધ્યયન એવું જ મજબુત કરે છે. ચૂંટાયા પછી એ પ્રધાન થયા હોય કે વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કે પછી ગુજરાત ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે સંકળાયા હોય અંગત સંબંધોમાં એ બધાં પદનો ભાર કદી ના વર્તાવા દીધો. બલ્કે તેમના મુગટમાં ઉમેરાતા પ્રત્યેક પીંછા પછી એ વધુને વધુ નમ્ર થતા હતા. મારા પુસ્તક ‘ગાતા રહે મેરા દિલ’ના લોકાર્પણ વખતે ઉપસ્થિત રહેવા તેમને નિમંત્રણ આપવા ગયો, ત્યારે એ જ સરળતાથી સ્વીકાર કર્યો. સમારંભમાં સમયસર હાજર રહ્યા અને મનનીય પ્રવચન પણ આપ્યું. એ પુસ્તક પાછળની મહેનત વિશે અઢળક પ્રશંસા કરવાની સાથે ગમ્મતમાં એક વાત એ હમેશાં કહેતા, “આ તો લોકોને તમે તૈયાર ભાણું આપી દીધું છે!”       

એક્ટર તરીકે માત્ર અભિનયના જોર પર પોતાનું સ્ટાર સ્ટેટસ ટકાવી રાખ્યું અને ફિલ્મ કલાકારોને સમાચારમાં રહેવાની સહેલી તરકીબ જેવા ગોસીપનો સહારો કદી ન લીધો એ નાની સુની બાબત નહતી. એક જ અભિનેત્રી સાથે ડઝનબંધ ફિલ્મો આપ્યા છતાં કદી કોઇ અફવા પણ નહીં; એ સિનેમા જેવા ગોસીપ-પ્રધાન  વ્યવસાયમાં કેટલી મોટી વાત કહેવાય, એ સમજાવવાની પણ જરૂર છે? આવા એક ભદ્ર, શાલિન વ્યક્તિ તેમજ ભાષા, સાહિત્ય તથા લોકસાહિત્ય, સમાજજીવન અને લોકજીવન એ તમામ પાસાંના મરમી એવા અંગત સ્નેહી ઉપેન્દ્ર ત્રિવેદીના આત્માને પ્રભુ શાંતિ અર્પો!     



Sunday, January 4, 2015

ફિલમની ચિલમ..... જાન્યુઆરી ૪, ૨૦૧૫



રિમેક ફિલ્મોની નહીં, 
ફિલ્મ મેકર્સની સ્ટાઇલની થવી જોઇએ!

 ‘હૅપ્પી ન્યૂ યર!’ ઇસુના નવા વરસના સ્વાગત માટે ફિલ્મ ઉદ્યોગમાં એક જમાનામાં થતી પાર્ટીઓને બદલે હવે પરદેશમાં જઈને એ મનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો હોઇ સંજયદત્ત જેવા ‘સર્વમિત્ર સ્ટાર’ની પાર્ટીમાં પણ તેના લેવલના સ્ટાર મિત્રોની હાજરી ન હતી. તેમણે યોજેલા ડીનરમાં અમીષા પટેલ, મનીષા કોઇરાલા, ગુલશન ગ્રોવર, અરમાન કોહલી જેવા કલાકારો તથા બનેવી કુમાર ગૌરવ સરખા ગણ્યા ગાંઠ્યાઓની હાજરીએ કદાચ સંજુબાબાને પોતાના સ્ટાર સ્ટેટસની માન્યતા વિશે વિચારતા કરી દીધા હશે! સંજયદત્તની કક્ષાના ઘણા બધા કલાકારો આ સાલ દુબઈ ગયા છે. શાહરૂખ ખાનનો બંગલો ત્યાં છે અને એ સપરિવાર ગયા છે. રિતિક રોશન તેના દીકરાઓ સાથે દુબઈમાં છે. બચ્ચન પરિવાર હોય કે કરણ જોહર આ સાલનું એક જ ગંતવ્ય સ્થાન છે.
 
દુબઈમાં જ નવા વર્ષના આ દિવસોમાં સલમાન ખાન અને તેમનો આખો પરિવાર એટલે કે અરબાઝ, સાહિલ સહિત સૌ પણ છે. સોનાક્ષી સિન્હા અને અર્જુન કપૂર પણ તેમની આવી રહેલી ફિલ્મ ‘તેવર’ના પ્રચાર અર્થે દુબઈમાં છે. સ્ટાર્સની એવી જ એક પ્રિય જગ્યા ગોવા પણ કહી શકાય, જ્યાં આ સાલ પ્રિયંકા ચોપ્રા, બિપાસા બાસુ અને સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો નવા વરસના સ્વાગત માટે ગયા હતા. તો રણબીર અને કટરિના લંડન ગયા હતા. જ્યારે રણવીર તથા દીપિકા ન્યૂયોર્કમાં સમય વિતાવવાના છે અને અક્ષય કુમાર પત્ની ટ્વીન્કલ તેમજ બાળકો સાથે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં! અનુષ્કા શર્મા તો વિરાટ કોહલી સાથે ઓસ્ટ્રેલિયામાં લાંબા વેકેશનમાં છે જ. (બન્ને એટલાં એકબીજાની સાથે એવાં ખુલ્લેઆમ ફરે છે કે મેલબોર્ન ટેસ્ટ દરમિયાન કેમેરો અનુષ્કા ઉપર હતો, ત્યારે  એક વિદેશી કોમેન્ટેટરે તેની ઓળખાણ ‘વિરાટ કોહલીની વાઇફ’ તરીકે આપી હતી!)  

અનુષ્કા અને આમિરને ચમકાવતી ‘પીકે’ વરસના છેલ્લા મહિનામાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસની ઇજ્જત રહી ગઈ. કેમ કે ૨૦૧૩માં થયેલા ૨૮૦૦ કરોડના કુલ કલેક્શન્સની સામે (‘પીકે’ના અઢીસો કરોડ ઉમેર્યા છતાં) સરખામણીએ ૨૦૧૪માં ૨૦૦ કરોડનો ઓછો ધંધો થયો છે. એટલું જ નહીં, છેલ્લાં ત્રણેક વરસથી સતત ઊંચા ચઢતા ગ્રાફમાં બ્રેક વાગી છે. ૨૦૧૧માં કુલ બિઝનેસ ૧૭૨૫ કરોડનો હતો અને ૨૦૧૨માં તેણે જમ્પ મારીને ૨૩૭૫ કરોડની ફિગર જોઇ હતી. તે પછીના વરસ ૨૦૧૩માં, શેરબજારની ભાષામાં કહીએ તો, ૨૮૦૦ કરોડની સપાટી પાર કરી હતી. પરંતુ, આ સાલ તેમાં ઉમેરો થવાને બદલે એ લેવલ પણ સચાવાયું નથી. ગયા વરસના સરવૈયાની આ સૌથી મોટી હાઇલાઇટ છે!

તેથી ‘હેપ્પી ન્યૂ યર’ એ એક રાબેતા મુજબની શુભેચ્છા હોવા ઉપરાંત ૨૦૧૪માં હિન્દી સિનેમાના બિઝનેસની સપાટી સાચવવામાં મદદગાર ફિલ્મનું નામ પણ છે! નવા વર્ષે ફિલ્મ ઉદ્યોગને અને વાચકોને રાબેતા મુજબની શુભેચ્છા આપતી વખતે વિતેલા વરસમાં બિઝનેસના ઘટતા આંકડાઓ કેટલા સમીક્ષકો યાદ કરતા હશે? પિક્ચરની ક્રિયેટિવ ક્વોલિટીની ચર્ચાઓ જેટલી જરૂરી હોય છે, એટલી જ આવશ્યક હોય છે તેની વ્યાવસાયિક સમીક્ષા. અગાઉના સમયમાં ફિલ્મ કેટલાં સપ્તાહ ચાલી તેના ઉપરથી તેની સફળતા કે નિષ્ફળતાનું આકલન થતું હતું. હવે મલ્ટિપ્લેક્સના જમાનામાં  કોઇ પ્રોડક્ટ કેટલાં અઠવાડિયાં થિયેટરમાં રહી એ ફોકસ રહ્યું નથી. કેમ કે એક શહેરમાં ૨૫ સ્ક્રિન્સ પર દેખાડાતી ફિલ્મની ‘રજત જયંતિ’ તો પહેલા જ વીકમાં થઈ જાયને? મૂળ મુદ્દો લગાવેલા ઇન્વેસ્ટમેન્ટ પર થતા પ્રોફિટનો જ રહેવાનો. તેથી ૧૦૦ કે ૨૦૦ કરોડની ફિલ્મોની વાતો કોઇને ગમે કે ના ગમે, છેવટે તો કોઇપણ ધંધામાં રોકાણ સામે વળતરનો જ હિસાબ થવાનો અને એ જ તો બિઝનેસમાં પૈસા લાવે. એવા સાવ સાદા નિયમથી જોઇએ તો આંકડા દર્શાવે છે કે ૨૦૧૪ એક નિરાશાજનક વર્ષ હતું અને વરસના છેલ્લા દિવસોમાં આવનાર ‘પીકે’નો બમ્પર બિઝનેસ ના હોત તો હાલત ઑર કફોડી હોત.

વિચાર તો કરો? ‘હેપ્પી ન્યૂ યર’, ‘કીક’ અને ‘પીકે’ એ શાહરૂખ, સલમાન અને આમિર ત્રણ ‘ખાન’ની ફિલ્મો ના હોત તો વરસના અંતે ગઈ સાલ કરતાં હિન્દી સિનેમાના અર્થતંત્રમાં કેવો મોટો ખાડો હોત? (હવે મહેરબાની કરીને અહીં સ્ટાર્સના મજહબને વચ્ચે લાવીને કોઇ હિન્દુ-મુસ્લિમના વાંધા ના કાઢે!) તેને લીધે બિઝનેસ સર્કલમાં એક ચર્ચા એવી પણ છે કે સ્ટાર્સને અપાતી ઉચ્ચક, કરોડ-તોડ, ફીને બદલે કોઇ નવી ફોર્મ્યુલા અપનાવાય. એક દરખાસ્ત જીતેન્દ્રના સાળા એવા ડિસ્ટ્રીબ્યુટર રમેશ સિપ્પીએ આપી છે, તે મુજબ એક્ટર્સને પ્રથમ ત્રણ દિવસ દરમિયાન આવતા વકરાના પ્રમાણમાં ફી નક્કી કરાય. શું એવો કોઇ ફેરફાર ફી સ્ટ્રક્ચરમાં થશે? એવું થાય તો પણ આમિરને શું વાંધો આવે? ‘પીકે’એ પહેલા દસ દિવસમાં જ ૨૩૬ કરોડ સ્થાનિક બજારમાંથી અને ૮૯ કરોડ વિદેશી માર્કેટમાંથી મળતાં સવા ત્રણસો કરોડ એકત્ર કરી લીધા છે!

પણ આમિરની માફક સ્ક્રિપ્ટથી માંડીને દરેક ફ્રેમ અને શૉટમાં પરફેક્શનનો આગ્રહ રાખનારા  કલાકારો કેટલા? તેમાંય રાજુ હીરાણી સરખા નિર્દેશક હોય જેમના ઉપર અમારા ઓલ ટાઇમ ફેવરીટ ડાયરેક્ટર ઋષિકેશ મુકરજીની અસર સ્પષ્ટ રૂપે દેખાતી હોય પછી એ પિક્ચર લોકોના દિલ-દિમાગને ના સ્પર્શે તો જ આશ્ચર્ય થાય. ઋષિદાના ‘અનાડી’માં દુનિયાદારી ના સમજતો યુવાન બનતા રાજકપૂર હોય કે કેન્સર જેવા મહાભયાનક રોગથી પીડાતા હોવા છતાં મસ્તીથી જીવતા પાત્ર ‘આનંદ’ને પડદા ઉપર સજીવન કરતા રાજેશ ખન્ના હોય એ બધાં પરાણે વહાલાં લાગે એવાં નિર્દોષ પાત્રો અને એ જ હીરાણીના ‘મુન્નાભાઇ’, ‘રેન્ચો’ અને ‘પીકે’ જેવાં પાત્રોની ખાસિયત! ‘આનંદ’માં અમિતાભ બચ્ચનના એ જ નામનું પુસ્તક લખે છે તો અનુષ્કા શર્મા પણ ‘પીકે’ ટાઇટલવાળી બુક લખે છે. આ નામ ‘પીકે’ પણ ઋષિદાની જ ‘ચુપકે ચુપકે’ના એક દ્રશ્યમાં ભારે રમૂજ કરે છે. યાદ છે ને? ઓમપ્રકાશને મળવા ‘પી. કે. શ્રીવાસ્તવ’ આવ્યા હોય છે અને ધર્મેન્દ્ર ખબર આપતાં કહે છે, “સાહબજી, આપસે મિલને શ્રીવાસ્તવજી પીકે આયે હૈં!” ઋષિદાની ફિલ્મોની માફક  હીરાણીની ફિલ્મમાં પણ કોઇ પરંપરાગત વિલન ના હોય. સંજોગો જ ‘ગોલમાલ’ કરતા હોય. જો કે રાજુ હીરાણી અને અભિજાત જોશીની સ્ક્રિપ્ટમાં સામાન્ય પ્રેક્ષકને ઝટ જીભે ચઢી જાય એવી એકાદી ટેગલાઇન હોય એ વિશેષતા તેમની પોતાની આગવી જ હોય છે. ‘મુન્નાભાઇ’માં ‘જાદુ કી ઝપ્પી’ અને ‘થ્રી ઇડિયટ્સ’માં ‘આલ ઇઝ વેલ’ હતા. તો ‘પીકે’માં એ ‘રોંગ નંબર’ લઈ આવ્યા છે.

એટલે રાજુ હીરાણી આજના દિગ્દર્શકો માટે એક નવી ફોર્મ્યુલા લઈ આવ્યા છે..... કોઇ જૂના પિક્ચરની રીમેક બનાવવાના મોહમાં પડ્યા વગર અગાઉના સર્જકોની સ્ટાઇલને રીમેક કરો! જે રીતે રાજકુમાર હીરાણીએ ઋષિકેશ મુકરજીની સ્ટાઇલને આત્મસાત કરી છે, એ જ રીતે અન્ય ડીરેક્ટર્સ બિમલરોય, શાંતારામ કે રાજકપૂર અને બી.આર. ચોપ્રાની સ્ટોરી ટેલીંગની કળાને પોતાની આગવી પુન: જીવિત કરી શકે. જૂનાં ગીતોનો ઉપયોગ કેટલો સરસ થઈ શકે એ પણ ‘પીકે’માંથી શીખી શકાય. તેમાં સ્ટેશન પર થતા ધાર્મિક અંતિમવાદીઓ દ્વારા થતા બોમ્બ બ્લાસ્ટ પછીના લોહી-લુહાણ લોકો ઉપર ફરતો કેમેરો અને બેકગ્રાઉન્ડમાંથી ‘ફિર સુબહા હોગી’નું ગાયન વાગે. બે પંક્તિઓ જ બધું કહી જાય. સાહિર લુધિયાનવીના શબ્દો મુકેશજીના કંઠે વાગતા હોય “આસમાં પે હૈ ખુદા ઔર ઝમીં પે હમ, આજકલ વો ઇસ તરફ દેખતા હૈ કમ....’! કોઇએ કાંઇ કહેવાની જરૂર જ ના પડે. પ્રિય સાહિરની શાયરીનો એ કેવો અદભૂત ઉપયોગ!! 



તિખારો!

‘બીગ બૉસ’ના ઘરમાં ગયેલા કપિલે રાબેતા મુજબ સરસ મઝા કરાવી દીધી. ‘બીગ બોસ’ના અવાજને તેણે પૂછ્યું “આપ કી શાદી હો ગઈ હૈ?’ સામો જવાબ આવ્યો, “બીગ બૉસ ઇસ વક્ત ઇસ સવાલ કા જવાબ દેના ઉચિત નહીં સમઝતે....” કપિલનો અપેક્ષિત શૉટ, “મૈં સમઝ ગયા, સર..... આપ સિર્ફ ઇધર હી બીગ બૉસ હૈં!!”