|
‘મેરે ભી પોસ્ટર છપ ગયે!’ ‘જીએલએફ’ના ૩૧મી જાન્યુઆરીના કાર્યક્રમોની યાદી
જીએલએફ અને..... અન્ય મુલાકાતોની તસ્વીરો!
અમારા માટે તો આ વખતની ટૂંકી ભારત મુલાકાત દિવાળી જેવી સાબિત થઈ. દિવાળી જેવા પર્વ ઉપર મંદિરમાં અન્નકૂટ ભરાયો હોય એમ કનોરિયા સેન્ટર ફોર આર્ટના પ્રાંગણમાં ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના છપ્પનભોગનાં દર્શન કરવાનો લ્હાવો આ સાલના ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં મળ્યો! અમે તો (હવે) પરદેશી પાન. તેથી ત્રણ વીકની ટચુકડી ઉડતી મુલાકાતમાં એક અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં એક સાથે ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, તારક મહેતા, મધુ રાય, ચિનુ મોદી, ડો. નિરંજન ભગત, ધ્રુવ ભટ્ટ, હરીશ મીનાશ્રુ, ડો. મણીલાલ હ. પટેલ જેવા સિનિયર્સ અને જય વસાવડા, ઉર્વીશ કોઠારી, દીપક સોલીયા જેવા મિત્રોને જોવા-સાંભળવાનો લહાવો મળ્યો. આ લાભ આપવા બદલ શ્યામભાઇ (શ્યામ પારેખ), સમકિતભાઇ શાહ, પારસભાઇ તથા તેમની ટીમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. મેં અમારા ૩૧મી જાન્યુઆરીના સેશન ('Foreign Written')ની શરૂઆતમાં જાહેર કરી દીધું છે કે હવેનાં વર્ષોની શિયાળુ મુલાકાત ‘જીએલએફ’ના સમયપત્રકની આસપાસ હશે!
દીપક સોલીયાએ વાજબીપણે જ કહ્યું છે કે શ્યામ પારેખ અને તેમની ટીમ જેવા અને જેટલા ‘સભાનપણે અદ્રશ્ય રહેવા સતત પ્રયત્નશીલ આયોજકો’ એ ‘જીએલએફ’નું શ્રેષ્ઠ અને અનુકરણીય પાસું હતું. મારા આ તસ્વીરી અહેવાલમાં આ વખતની ટૂંકી મુલાકાત દરમિયાન ‘જીએલએફ’ અને અમદાવાદમાં તથા સુરત અને વડોદરામાં મળેલા સૌને પણ સમાવવાનો પ્રયાસ કર્યો છે. (ફોટા અંગ્રેજી આલ્ફાબેટ પ્રમાણે સેવ થયા હતા અને તેથી એવા જ ક્રમમાં મૂક્યા છે. ઉપર-નીચે ગોઠવાવા બદલ કોઇએ ઊંચા-નીચા ન થવું.)
આ પૈકીના મોટાભાગના ફોટા શિવાની દેસાઇએ, મારા અનુજ નરેન્દ્ર ઠક્કરે, સોહંગ બ્રહ્મભટ્ટે અને Vedang Creativityના વેદાંગ ઠક્કરે લીધેલા છે.
બહુ દિવસો સુધી એક્ટર - એક્ટ્રેસોના ફોટા છાપ્યા..... હવે આત્મ-રતિ લાગે તો ભલે, પણ આ વખતે શબ્દસેવીઓને મળ્યાનું દસ્તાવેજીકરણ તો કરી જ લેવું છે!
|
|
હીરોઇન અને દિગ્દર્શક દંપતિની મારી ફેવરીટ જોડી આરતી અને સંદીપ પટેલ સાથે |
મુન્નાભાઇ સિરીઝ, થ્રી ઇડિયટ્સ અને પીકે જેવી ફિલ્મોના પટકથા - સંવાદ લેખન કરનાર અભિજાત જોશી સાથે શિવાની દેસાઇ.
અભિજાતે પોતે ‘ફિલમની ચિલમ’ના જૂના ચાહક અને તેમાંની એક મુદ્દાથી બીજા પર સરી જવાની સરળ શૈલીને પસંદ કરતા હોવાનું કહીને અમારો દિવસ, ખરેખર તો ભારત પ્રવાસ, સુધારી દીધો હતો.
એ પ્રશંસા-સંવાદની સાક્ષી શિવાની પણ એટલી જ ખુશ-ખુશાલ હતી.
|
ફેસબુકથી મિત્ર બનેલા રાજકોટના અભિમન્યુ મોદી. તેમનો ‘જીએલએફ’નો રિપોર્ટ બહુ પ્રશંસા પામ્યો છે. આ વખતની માત્ર ત્રણ સપ્તાહની ટૂંકી ભારત મુલાકાત હોવાને લીધે રાજકોટ ન જઈ શકાયાનો અફસોસ અભિ જેવા મિત્રોને મળવાથી ઓછો કરવાનો પ્રયાસ કર્યો. (સૉરી, ઋચિર પંડ્યા, સમીર જગોત તેમજ અન્ય મિત્રો આ વખતે ન મળાયું!) |
|
‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ના તેજસ્વી યુવા દિગ્દર્શક અભિષેક જૈન સાથે |
ફેસબુક-મિત્ર અને ગાંધીનગરના હવે તો લોકપ્રિય કોલમિસ્ટ અજય ઉપાધ્યાય જોડે
|
અમીષા શાહની ઓળખ ‘નવગુજરાત સમય’ના એક સ્વતંત્ર કોલમિસ્ટ તરીકે એટલી સ્થાપિત થઈ ચૂકી છે કે હવે તેમનું ગુણવંત શાહનાં દીકરી હોવું એ એક અકસ્માત જ કહી શકાય. ‘જીએલએફ’માં ગુણવંતભાઇના સેશન દરમિયાન અમીને જોવાનો પણ એક લહાવો હતો..... પિતાની વાણીથી આનાથી વધુ અભિભૂત દીકરી જોવાની બાકી છે, સિરીયસ્લી! |
|
અપૂર્વ આશર અમારી દ્રષ્ટિએ ગુજરાતીના શ્રેષ્ઠ બુક ડિઝાઇનર માત્ર એટલા માટે નથી કે તેમણે મારી ‘ગાતા રહે મેરા દિલ’ની સજાવટ કરી હતી. પરંતુ, તેમના પોતાના આગવા ગુજરાતી ફૉન્ટનું સર્જન કરનાર અપૂર્વ અને તેમની ટીમની ભાષાકીય ચીવટ તેમને ‘બેસ્ટ’ બનાવે છે. ભવિષ્યના પ્રોજેક્ટની ચર્ચા પછીની એક ફોટો-ઓપ! |
|
ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ના દિગ્દર્શક આશિષ કક્કડ સાથે |
અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબના પ્રાંગણમાં બિનિત મોદી, આશિષ કક્કડ, અશોક દવે અને કૃષ્ણ દવે જોડે.
આ ગ્રુપ ફોટો પછી ‘એનકાઉન્ટર’ સ્પેશ્યાલિસ્ટ અશોક દવે અને હું જમવા ગયા. અશોકે આપેલી ટ્રીટમાં ઇંડાંની તદ્દન અલગ વાનગીઓ (‘લવાબદાર’ અને ‘ઇંડાનું ઉંધિયું’)નું જબ્બર ડિનર કાયમ યાદ રહેશે. થેન્ક યુ, દાદુ!
|
અમદાવાદ મુલાકાત દરમિયાન યોજાયેલા, કવિ ભાગ્યેશ જહાના ત્રણ પુસ્તકોના લોકાર્પણ, સોરી શબ્દ સ્વીકૃતિ સમારોહ, પછી કવિશ્રી સાથે ટાગોર હોલના પરિસરમાં |
|
'ગુજરાત સમાચાર'ના કોલમિસ્ટ અને વર્ષોના મિત્ર ભવેન કચ્છી સાથે |
|
‘૮૦ના દાયકાના જેમના લેખોના સંગ્રહની ફાઇલ આજે પણ સાચવીને રાખી છે, તે મુવી, સ્ક્રિન અને જી જેવાં સામયિકોનાં સંપાદક રહી ચૂકેલાં ભાવના સોમૈયા સાથેની મુલાકાત અને સંપર્ક વિગતોની આપ-લેને પણ ભારત મુલાકાતની એક ઉપલબ્ધિ કહી શકાય.
|
કેનેડામાં રહીને ગાંધીજી વિષેની શ્રેણી ‘ગાંધી ફોર એવર’ લખતાં અને ટોરન્ટોમાં ગાંધીજી વિષેનાં પુસ્તકોનું પ્રદર્શન નિયમિત યોજનાર મિત્ર દર્શના લિંબાચિયા જીએલએફના સેશનમાં. |
|
‘નંબર વન આર જે’ કરતાં પણ વધુ ‘નંબર વન સંચાલક’ દેવકી સાથે |
|
એક સરસ નિર્દેશક અને તેથી પણ વધુ સારા વ્યક્તિ મિત્ર દીપક અંતાણી જોડે |
|
સાયલન્ટ ઓબ્ઝર્વર દીપક સોલિયાને બોલતા જોવાની દુર્લભ તસ્વીર તેમના સેશન દરમિયાન ઝડપી શકાઇ હતી |
|
રાજકોટના એક ચાહક જેમણે બે વરસ પહેલાંની મારી ભારત મુલાકાત વખતે રાજકોટના હેમુ ગઢવી હોલમાં લીધેલી તસ્વીર પર અમદાવાદમાં હસ્તાક્ષર લીધા |
|
ભલું થજો મિત્ર રમેશ તન્ના સરખા નિમંત્રકનું કે સવાયા ગુજરાતી ફાધર વાલેસને તેમના સ્નેહ મિલન સમારંભ દરમિયાન ગાતા રહે મેરા દિલની એક નકલ ભેટ આપવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ફાધરે નિખાલસતા પૂર્વક કહ્યું કે વાંચવાની કે તેનો પ્રતિભાવ લખવાની કોઇ ગેરંટી નથી! |
ભલું થજો મિત્ર રમેશ તન્નાનું!
|
ફેસબુકના મિત્ર ગાયક ડો. ફિરદૌસ દેખૈયાની સાથે બિનિત અને શિલ્પા મોદીને ત્યાં |
|
‘જીએલએફ’ના ‘મૅન ઓફ ધી મૅચ’ ગુણવંત શાહ! તેમનું વક્તવ્ય બધી રીતે સુપરહીટ હતું. તેમાં હળવાશ અને ગંભીરતા બન્ને સપ્રમાણ હતાં. જરૂરી ક્રેડિટના ‘અધિકારી’ ભાગ્યેશ જહા પણ હતા, જેમના પ્રશ્નો પણ એટલા જ વિદ્વતાભર્યા હતા. ગુણવંતભાઇની માફક જ વિનોદ ભટ્ટનું સેશન પણ તેમની ફટકાબાજીને લીધે યાદગાર હતું. તેમણે આગલા જ દિવસે ટાગોર હૉલમાં મોરારી બાપુ અને આનંદીબેન પટેલ સહિતના સૌને ‘પતાવ્યા’ હતા અને ‘જીએલએફ’નું તેમનું સેશન એ સેન્ચુરી બેટીંગ પછીની ડબલ સેન્ચુરી જેવું હતું. |
|
સુરતમાં ફિલ્મ ઇતિહાસકાર હરીશ રઘુવંશીની મુલાકાત વગરની કોઇ ભારત મુલાકાત હજી સુધી પૂરી થઈ નથી અને ભવિષ્યમાં પણ નહીં થાય.... ઇન્શાઅલ્લાહ! |
|
કવિ અને પરમ સ્નેહી હર્ષ બ્રહ્મભટ્ટ સાથે.... જીએલએફ સિવાય મુલાકાત ના થઈ શક્યાનો અફસોસ રહેશે. |
|
ગુજરાતી સુપરસ્ટાર હિતેનકુમાર કાયમના પ્રેમથી મળ્યા! |
|
ટીવીના સુપરમેન જે.ડી. મજીઠીયા હળવા મુડમાં |
|
ગુજરાતી ભાષાના સર્વાધિક લોકપ્રિય વક્તા અને ‘લખવૈયા’ જય વસાવડા ફિલ્મ જોવાની કળા શીખવવાના તેમના વર્કશોપ પછી પોતાના રાબેતા મુજબના ઉમંગભર્યા અંદાજમાં મળ્યા. |
ભાગ્યેશ જહાના પુસ્તક ત્રિવેણીના લોકાર્પણ નિમિત્તે એકત્ર થયેલા ચાર ચરોતરીઓ.... કવિવર જયેન્દ્ર શેખડીવાલા, વીર નર્મદ યુનિવર્સિટિના વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને અમારા વિદ્યાનગરના અદભૂત કલાકાર કનુ પટેલ
|
‘નવજીવન’ના નવસંસ્કરણ કાર્યક્રમ વખતે કાજલ ઓઝા વૈદ્ય સાથે |
|
કાજલ ઓઝા વૈદ્ય સ્ક્રિપ્ટ રાઇટીંગ શીખવવાના તેમના વર્કશોપ દરમિયાન. કાજલે અભિજાત જોશી અને રાજમોહન ગાંધી સાથે ગાંધીજી અંગેની રસપ્રદ ચર્ચા કરાવ્યા પછી ઓડિયન્સના સભ્યો માત્ર સવાલ પૂછે અને ભાષણ ના કરવા માંડે તે માટે જરૂરી સાવચેતી રાખી હતી અને‘પણ તમારો સવાલ શું છે?’ એમ એક કરતાં વધુ વખત પૂછીને પ્રશ્નોત્તરીને ટ્રેક પર રાખી હતી.... થૅંક્સ કાજલ. |
|
‘આરપાર’ મેગેઝીનના સમયથી પરિચયમાં આવેલી ખુશાલી દવે ખુશીથી છલકતી હતી.... એઝ ઓલવેઝ! |
|
સાહિત્યકાર અને સહ્રદયી સરકારી અફસર કિરીટ દુધાત પણ મળ્યા.... દુધાત સાહેબના સહકારથી ૨૦૦૫માં દેવઆનંદ સાથે મુલાકાત શક્ય બની હતી અને દેવ સાહેબે ‘ગાતા રહે મેરા દિલ’ માટેની પોતાની શુભેચ્છા રેકોર્ડ કરાવી હતી. |
|
અમેરિકાથીઆવેલા મહેન્દ્ભાઇ મહેતાએ અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબમાં યોજેલા મિલન સમારંભમાં મળ્યા અમારા વિદ્યાનગરના અનોખા સાહિત્યકાર ધ્રુવ ભટ્ટ અને ચોટદાર કવિ કૃષ્ણ દવે. |
|
સાન્ફ્રાન્સિસ્કોથી આવેલા મહેન્દ્રભાઇ મહેતા જેવા સાહિત્યપ્રેમી દરેક શહેરમાં હોવા જોઇએ.... તેમણે તાજેતરમાં દર્શકની શતાબ્દિ અમેરિકામાં ઉજવી |
|
અમારી કોલમ ‘ફિલમની ચિલમ’ જેમાં આવે છે તે ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના ગુજરાતી દૈનિક ‘નવગુજરાત સમય’ની પૂર્તિના સંપાદક મિત્ર મયંક વ્યાસ |
‘ગુજરાત સમાચાર’ના ફિલ્મ કોલમિસ્ટ મિત્ર પ્રણવ અધ્યારૂ સાથે પુસ્તકના એક પ્રોજેક્ટ અંગે વાતચીત કરવાનો પ્લાન હતો.
પણ મર્યાદિત સમયમાં મારી દોડાદોડને કારણે એ શક્ય ન બન્યું. હવે ફોન/સ્કાઇપ કે ઇ-મેઇલથી પ્રયત્ન કરીશું..... હોપ ફુલી!
|
આરજે આરતી (બોરીયા) ફેસબુકથી પરિચયમાં આવ્યા પછી પહેલી વાર મળવાનું થયું. તેણે કેનેડા બેઠા હું ફિલ્મી ગીતો અંગેનો રેડિયો પ્રોગ્રામ કરું એવી કરેલી દરખાસ્ત ગઈસાલ વર્ક આઉટ નહતી થઈ. પરંતુ, અમારા (મધુ રાય અને પ્રીતિ સેનગુપ્તા સાથેના) સેશનનું સંચાલન તેણે કર્યું અને સાથે કામ કરવાનો લાભ મળ્યો. આરતી ઝડપથી વાતને વાળીને ચર્ચાને સંકોરવાનું સરસ કામ કરતી હતી. એક્સેલન્ટ સંચાલન.... વૅલ ડન આરતી! |
|
ફેસબુકથી મિત્ર બનેલા અને વિચારવંત એવા રણજીત ગઢવી પણ ‘જીએલએફ’માં મળ્યા. પણ સમાંતરે ચાલતાં સેશનનો લાભ લેવાની હડિયાદોટીને લીધે લાંબી વાતચીતની તક ના મળી. પણ એક ઉંઘે ક્યાં સવાર થઈ ગઈ છે? ફરી ક્યારેક! |
|
મુંબઇથી આવેલા અને ફિલ્મો વિષે લખતા શિશિર રામાવતને પણ રૂબરૂ પ્રથમવાર મળવાનું થયું. પરોક્ષ રીતે તેમને એક પુસ્તક માટે ‘આર.ડી. બર્મન’ વિશે ‘એસ.ડી. બર્મન’ના સંદર્ભે લેખ મોકલવા પરિચય થયો હતો. તેમનાં સેશન્સમાં ફિલ્મ દિગ્દર્શક અભિષેક જૈન સાથે વાર્તાલાપ અને ‘નવલકથામાં નોવેલ્ટી’ જેવા વિષય પર ચર્ચાનું હોવું એ વિવિધ માધ્યમોમાં તેમની ઋચિ દર્શાવતા હતા.
ફેસબુક પર નિયમિત સંવેદનશીલ અને છતાં નિરસ ના હોય એવી ‘વાઉ’
પોસ્ટ મૂકતાં શિલ્પા દેસાઇ (સોરી, દેસાઇ શિલ્પા)ના ‘કાકોપનિષદ’ અને
‘ક્રાંઉ ક્રાંઉ’ની કહેવાતી કાગારોળના અમારા જેવા કેટલાય નિયમિત વાચકો હશે.
તેમની સાથે પણ માત્ર ફોટો જ. ‘ક્રાંઉ ક્રાઉં’ જ નહીં કેટકેટલી જાતના કુદરતી (અને સાહિત્યિક) અવાજો કનોરિયા સેન્ટરના કુદરતી વાતાવરણમાં સંભળાતા હતા! | | |
|
અમેરિકાના સાન્ફ્રાન્સિસ્કોમાં રહેતી સાહિત્યપ્રેમી શિવાની દેસાઇ સાથે પ્રથમ પરિચય ગુણવંત શાહની એક વિચાર શિબિરમાં પંદરેક વર્ષ પહેલાં થયેલો અને પછી ફરી ભેગા થયા ફેસબુક ઉપર. ‘એફબી’ પર નોટ્સ અને લેખો મૂકવાનો આગ્રહ અને માર્ગદર્શન એ બેઉ શિવાનીનાં હતાં, એ એક કરતાં વધુ વખત મેં ફેસબુક પર જાહેર કરેલું જ છે. તેની સ્કૂલના દિવસોની સહેલી અને અમારા વિદ્યાનગરમાં રહીને ‘મનોગ્રામ’ જેવી બ્રિલિયન્ટ કોલમ લખતી મેઘા જોશી સાથે મળીને એ બેઉ અહીં અમારા સેશન તરફ અંગૂલીનિર્દેશ કરી રહી છે. |
|
શિવાનીને જ કારણે અમેરિકાના મહેન્દ્રભાઇ મહેતાએ યોજેલા મિલન સમારંભમાં જવાનો અને યુ.એસ.ના સાહિત્યપ્રેમી સ્નેહીઓ સાથે મળવાનો મોકો મળ્યો. અહીં એવા જ એક દંપતિ સાથે શિવાની. |
|
શિવાની વિદ્યાનગરના બે ધુરંધર સાહિત્યકારો હરીશ મીનાશ્રુ અને મણીલાલ હ. પટેલ સાથે |
|
શિવાની દેસાઇ ‘ગાતા રહે મેરા દિલ’ની બીજી આવૃત્તિના પ્રકાશનગૃહ ‘સાર્થક’ના બે આધારસ્તંભો ઉર્વીશ કોઠારી અને કીર્તિભાઇ શાહ સાથે મહેન્દ્રભાઇ મહેતાના મિલન સમારંભમાં. (‘સાર્થક’ને પરદેશમાં પણ વ્યાપક કરવાના પ્લાન છે કે શું?) |
|
શિવાની દેસાઇ સાથે જય વસાવડા બિનિત મોદી, ભાવિન અધ્યારૂ અને જયેશ અધ્યારૂ. જય અને જયેશના કોલમ લેખન અંગેના સેશન પછીનો એક ગ્રુપ ફોટો. |
|
‘મેન ઓફ ધી સિરીઝ’ શ્યામભાઇ અને ફેસબુકથી ફ્રેન્ડ બનેલ મયૂરિકા માયા સાથે એક તસ્વીર |
|
ગુજરાતી સંગીતની મજેદાર બેલડી શ્યામલ અને સૌમીલ મુન્શી સાથે એક ક્લિકની મુલાકાત.... થેંક્સ ટુ ‘જીએલએફ’! |
|
‘નવગુજરાત સમય’ની ઓફિસની મુલાકાત વખતે તાકડે ત્યાં આવેલા ગાયક સુખવિન્દર સિંગ સાથે બે ઘડી સત્સંગ કરવાનો લ્હાવો મળ્યો (થેંકયુ અજય ઉમટ!) તેમની કોમેન્ટની મઝા માત્ર સ્મિત કરીને લેવાય એવી નહતી; તેનો એક પુરાવો! |
|
ફાધર વાલેસ આજે પણ, એટલે કે ૮૯ વરસના દાદા ઘણાં વર્ષોથી પોતાના વતન સ્પેનમાં હોવા છતાં, કેટલા બધા લોકપ્રિય છે, તેનો સચિત્ર પુરાવો. આ બધા ચાહકો ફાધરને સ્ટેજ પર રૂબરૂ મળવા કતારમાં ઉભા છે! |
|
મારી કોલમ ‘ફિલમની ચિલમ’ને પુનઃ ગુજરાતના અખબારોમાં લાવનાર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના ગુજરાતી દૈનિક ‘નવગુજરાત સમય’ની અજય ઉમટની આગેવાની હેઠળની ટીમના કેટલાક સભ્યો સાથે એક ગ્રુપ ફોટો. થેંક્યુ ફ્રૅન્ડ્સ! |
|
બેશુમાર લોકપ્રિય હાસ્ય લેખક અને એક સ્નેહાળ વડીલ એવા તારક મહેતાને ‘પદ્મશ્રી’થી નવાજાયા હતા. એટલે મળવા ઉપરાંત તેમને અભિનંદન પણ આપવા અમે (એટલે કે શિવાની, મેઘા અને બિનિત) તારકભાઇને ઘેર પહોંચ્યા. પછી તો નવલકથાકાર અને ટૂંકી વાર્તાના સમર્થ લેખક રજનીકુમાર પંડ્યા પણ આવ્યા અને એક સ્મૃતિચિત્ર શિવાનીના કેમેરામાં ક્લિક થયું. |
|
‘જીએલએફ’ના અમારા સેશન (Foreign Written ગુજરાતી સાહિત્ય: વિદેશમાં ગુજરાતી સાહિત્યનું ભવિષ્ય શું?)નું વેન્યુ ૧થી બદલાઇને ૩ ઉપર લઈ જવાયું હતું. (ડાયસ્પોરાની વાત હોય એટલે સ્થળાંતર તો થાય જ ને?!)
એટલે અમારા સેશન માટે એકત્ર થયેલા રસિકજનોને વેન્યુ ૧ પર છેલ્લી ઘડીએ વાજબી રીતે જ ટ્રાન્સ્ફર કરાયેલા ‘ભવાઇ’ જેવા મંચ પર અભિનિત થતા પ્રોગ્રામને છોડીને લાવવાની કપરી જવાબદારી અમ વક્તા ત્રિપુટીની હતી. સેશન દરમિયાન મધુરાય અને પ્રીતિ સેનગુપ્તા જેવા સિનિયર્સ સાથે સ્ટેજ શૅર કરવા મળ્યાનો આનંદ પણ એટલો જ હતો; જેટલો મારા વિચારો વ્યક્ત કરવાનો. |
વિદેશમાં ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાના વિષય પરની ચર્ચા કરવા બેઠેલી અમારી ત્રિપુટીને ગરમી અને તાપથી બચવા સ્ટેજને બદલે નીચે ઓડિયન્સના લેવલે સન્મુખ બેસવાનો લ્હાવો મળ્યો હતો.
|
ગુજરાતી ભાષાનાં ક્વોલિટિ પુસ્તકો પ્રકાશિત કરતા ‘સાર્થક પ્રકાશન’ના એક પ્રકાશક અને તેમના લેખોથી ચાહકો અને ટીકાકારોનું પ્રમાણ એક સરખું રાખી શકતા પરમ મિત્ર ઉર્વીશ કોઠારી સાથે હળવી પળોમાં |
|
ગાંધી વિચાર અને સાહિત્યને નવી પેઢી સુધી પહોંચાડવાના ખ્યાલ સાથે ‘નવજીવન’નું નવસંસ્કરણ ‘કર્મા કાફે’ જેવા આધુનિક કન્સેપ્ટથી કરનાર ફોટોગ્રાફર વિવેક દેસાઇ સાથે. એક આર્ટિસ્ટનો ક્રિયેટિવ હાથ ફરે તો ગાંધીવાદી સંસ્થાની પણ કેવી સુંદર કાયાપલટ થઈ શકે એ જોવા પણ ‘નવજીવન’ની મુલાકાત તો બનતી હૈ, બૉસ! (વધુ ફોટા બિનિત મોદી જેવા મિત્રોના કેમેરામાંથી પ્રાપ્ત થયે શૅર કરવાની પવિત્ર ઇચ્છા છે. ‘મોદી’ નામ છે એટલે ઇચ્છા વ્યક્ત કરીને છુટી જવાનું, બીજું શું? હુકમ તો થાય જ નહીંને?) |