Sunday, December 30, 2012

ફિલમની ચિલમ - ૩૦ ડીસેમ્બર, ૨૦૧૨


 એવોર્ડની મૌસમ આવી અને લાવી એક ‘પાકીઝા’ યાદ!

આવતી કાલે ૨૦૧૨નું વર્ષ વિદાય થઇ જશે અને પછી સિઝન શરૂ થશે વાર્ષિક સરવૈયાંની. દરેક ચેનલ કે અખબાર/સામયિક પોતાની રીતે ફિલ્મી દુનિયાના ‘ટૉપ ટૅન’ સમાચાર આપશે. કોઇના મતે ‘એક થા ટાઇગર’નો બસ્સો કરોડનો બિઝનેસ મોટા સમાચાર હશે તો અન્ય માટે વિદ્યાબાલનનાં લગ્ન! ક્યાંક સૈફ અલી ખાન સામે તાજમહાલ હોટલની રેસ્ટોરન્ટમાં સાઉથ આફ્રિકાના એક એનઆરઆઇ સાથે થયેલી મારામારીની પોલીસ ફરિયાદમાં તપાસને અંતે ચાર્જશીટ મૂકાયાના ન્યુઝ મોટા હશે તો વળી ક્યાંક ‘દબંગ-ટુ’નો પાકિસ્તાનની ટિકિટબારી પરનો પ્રથમ વીકનો બે કરોડનો વિક્રમ વકરો એ વરસની સૌથી નોંધપાત્ર ઘટના હશે.

વળી, કોઇ અન્ય માટે કમલ હસન પોતાની નવી ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને ૨૮મી ડીસેમ્બરે થિયેટર્સમાં રજૂ કરવાના આગલા જ દિવસે ડીટીએચ દ્વારા ટેલીકાસ્ટ કરશે એ વર્ષની સૌથી ચોંકાવનારી ઘટના હશે. કેમ કે કમલહસન જેવા સુપર સ્ટારની એક તદ્દન નવી ફિલ્મ ટોકીઝમાં રિલીઝ થવાના આગલા દિવસે ઘેર બેઠા ટીવીના પડદે જોવા મળતી હશે તો થિયેટર્સની ધક્કા મૂક્કી કે ભીડમાં કોણ જશે? આ ક્રાંતિકારી પગલા સામે સિનેમાગૃહોના એસોસીએશનનો પ્રત્યાઘાત  જોવા જેવો હશે.

વરસ પૂર્ણ થતાં જ બીજી એક સિઝન આરંભ થશે, એવોર્ડ સમારંભોની. એટલે કે શાહરૂખખાનના સ્ટેજ પર્ફોર્મન્સની! છેલ્લાં કેટલાંક વર્ષોથી ફિલ્મ ઉદ્યોગમાં એવી મજાક ચાલતી આવી છે કે શાહરૂખને એવોર્ડ મળવાનો હોય તો એ ફંકશનનું સંચાલન તો કરી આપે; સાથે સાથે વાજબી દરે એકાદ ડાન્સ પર્ફોર્મન્સ પણ કરે. જો કે ગંભીર હકીકત એ છે કે હવે પહેલાંની જેમ એક માત્ર ‘ફિલ્મફેર’ જ પુરસ્કાર આપે એ સ્થિતિ ક્યાં રહી છે?

આજકાલ તો એવોર્ડ લગભગ દરેક મેગેઝીન આપે છે. એટલે એક જો શાહરૂખને ‘જબ તક હૈ જાન’ માટે એવોર્ડ આપે તો બીજા સમારંભમાં ‘દબંગ-ટુ’ માટે સલમાન કે ‘બરફી’ના અભિનય બદલ રણબીર કપૂરને સન્માનાય. અન્ય કોઇ મિડીયા જુથ વળી અજય દેવગનનો ‘બોલ બચ્ચન’નો કે પરેશ રાવલનો ‘ઓ માય ગૉડ’માંનો અભિનય એવોર્ડ લાયક પ્રમાણિત કરે. વળી, બધાને ફંકશન વરસના પ્રારંભે જ કરી નાખવું હોય છે. તેથી આ સાલ જાન્યુઆરીમાં તો ગમ્મત એવી છે કે ‘ઝી’ના એવોર્ડ્સ છઠ્ઠી જાન્યુઆરીએ છે અને તેનું પ્રસારણ ૨૦મી જાન્યુઆરીએ હશે. આમ આ નિર્દોષ સમાચાર લાગે. પરંતુ, અન્ય બે મુખ્ય હરિફો એટલે કે ‘ફિલ્મફેર’ અને ‘સ્ક્રીન’ના એવોર્ડ સમારંભો પણ જાન્યુઆરીમાં યોજાવાની શક્યતા હોય છે. જો એમ થશે તો ‘ઝી’ના પ્રસારણનો સમય અન્ય એકાદા એવોર્ડ સમારંભના સમય સાથે ટકરાવાનો! એક જમાનામાં ચૂંટણી દરમિયાન સમાંતર સભા થતી એવો એ ઘાટ થવાનો.

જો કે અત્યારના એવોર્ડ સમારંભોમાં કલાકારોની કળાને  સન્માનવાની પરંપરાગત પ્રથા ક્યાં મુખ્ય રહી છે? હવે તો એવા પ્રોગ્રામ દરેક મિડીયા ગૃપ માટે  પોતાના  વાર્ષિક મિલન સમારંભ જેવા બની જતા હોય છે. તેથી આયોજકો માટે વધુમાં વધુ કલાકારોની હાજરી ઇજ્જત કા સવાલ હોય છે. ફંકશન દરમિયાન સૌ સ્ટાર્સનો મેળ-મેળાપ થાય અને તે પ્રોગ્રામ ટેલીકાસ્ટ થાય ત્યારે સ્ટાર પાવરને પગલે એ કાર્યક્રમને દર્શકો ભરપૂર મળી રહે, એવો ‘એક પંથ દો કાજ’નો એ ખેલ હોય છે.

તેથી એક ફંકશનમાં કટરિનાને ‘જબ તક હૈ જાન’ માટે ટ્રૉફી અપાય તો અન્ય હરિફ સમારંભમાં કરિનાને ‘હીરોઇન’ની તેની ઍક્ટિંગ માટે નવાઝાય. કોઇ વિદ્યા બાલનને ‘કહાની’ માટે યોગ્ય સમજે તો અન્ય વળી શ્રીદેવીને ‘ઇંગ્લીશ વિંગ્લીશ’ના તેના અભિનય માટે પુરસ્કૃત કરે! હીરો- હીરોઇન ઉપરાંતની  સપોર્ટીંગ એક્ટર્સથી લઇને બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર અને શ્રેષ્ઠ ગાયક સુધીની કેટકેટલી કેટેગરી હોય છે. ફિલ્મ ઉદ્યોગના દરેક વિભાગના સૌ ભેગા થવાના હોય છે અને મોટેભાગે ‘અહો રૂપમ અહો ધ્વનિ’ના ન્યાયે બધા એક બીજાના ગુણગાન જ ગાવાના હોય છે. ત્યારે એકાદા સુપર સ્ટારને તગડી રકમ આપવી પડે તો પણ તેના પૈસા ટેલીકાસ્ટના રાઇટ્સમાંથી વસુલ થઇ જાય.

એ રીતે જોઇએ તો સંખ્યાબંધ સમારંભોને લીધે એવોર્ડ હવે લપટા પડી ગયા કહેવાય! તેથી જ આમીરખાન જેવા અભિનેતા તો એવોર્ડ સમારંભમાં જતા જ નથીને? આ સાલ ‘તલાશ’ માટે તેમને કેટલા આયોજકો અથવા તેમના મતદારો અને/અથવા જયુરી નોમિનેટ કરે છે એ જોવા જેવું હશે. બાકી એક સમય હતો જ્યારે એક માત્ર ફિલ્મફેર એવોર્ડ મહત્વના હતા અને તે વખતે તો તેના નોમિનેશન્સ જાહેર થાય તેની જ કેટલી બધી ઇન્તેજારી રહેતી? કેમ કે એ અંગ્રેજી ‘ફિલ્મફેર’ અને હિન્દી ‘માધુરી’ એમ ‘ટાઇમ્સ’નાં બે માતબર ફિલ્મી સામયિકોના દેશભરના વાચકોના મતદાનના આધારે નક્કી થતા. પછી પુરસ્કાર જાહેર થતા અને ત્યાર બાદ સમારંભ થતો. ક્યારેક કોઇ કલાકારને ખાંચો પડતો ત્યારે પુરસ્કાર નહીં સ્વીકારવાનું જાહેર કરીને જે સનસનાટી કરતા તે એવોર્ડ લેવા કરતાં પણ વધારે યાદ રહે.

જેમકે વૈજયન્તિમાલાએ કરેલો ‘દેવદાસ’ માટેના એવોર્ડનો ઇન્કાર! બિમલ રોયની એ અમર કૃતિ માટે તેમને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’નો એવોર્ડ જાહેર થયો હતો. પરંતુ, વૈજયન્તિમાલાએ એમ કહીને તેનો અસ્વીકાર કર્યો હતો કે ફિલ્મમાંનું ‘ચંદ્રમુખી’નું પોતાનું પાત્ર નાયિકાનું હતું. એટલે પોતે ‘સહાયક’ નહીં ‘મુખ્ય અભિનેત્રી’ હતાં! એ જ રીતે અત્યારે તબિયત નાદુરસ્ત હોવાના કારણે જે સમાચારોમાં રહે છે, તે બુઝુર્ગ અભિનેતા પ્રાણ દ્વારા ‘ફિલ્મફેર’નો ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’નો પુરસ્કાર ઠુકરાયાની કહાની પણ રસપ્રદ છે.

એ આખો બનાવ પ્રાણ સાહેબને છપ્પનની છાતીવાળા વ્યક્તિ સાબિત કરે છે. ‘૭૦ દાયકાના શરૂઆતના તે દિવસોમાં એવોર્ડ માટે કલાકારોને નોમિનેટ કરવા ભરવાનાં ફોર્મ માટે નિર્માતાઓ બજારમાંથી એ સામયિકોના જે તે અંક જથ્થાબંધ ખરીદી લાવતા. પછી તેમની ઓફિસમાં જ ઢગલાબંધ  ફોર્મમાં પોતાની જ ફિલ્મના કલાકારોને બધી અગત્યની કેટેગરીમાં નોમિનેટ કરાવતા. (આ વાત એક ગુજરાતી પીઆરઓએ વરસો પહેલાં જાહેર કરેલી.) 



પ્રાણને તે વરસ ૧૯૭૨માં ‘બેઇમાન’ના તેમના અબિનય માટે ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ જાહેર થયો હતો. એ જ ફિલ્મ ‘બેઇમાન’ને અન્ય પુરસ્કારો ઉપરાંત ‘બેસ્ટ મ્યુઝિક’નો એવોર્ડ પણ ઘોષિત થયો હતો. ત્યાં જ પ્રાણ સાહેબને વાંધો પડ્યો!  પ્રાણે પોતાનો ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’નો એવોર્ડ એમ કહીને સ્વીકારવાનો ઇનકાર કર્યો કે ‘શ્રેષ્ઠ સંગીતકાર’ની ટ્રૉફી ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદને મળવી જોઇએ અને ‘બેઇમાન’ના મ્યુઝિક ડીરેક્ટર્સ શંકર જયકિશનને નહીં! કેટલા કલાકારો આટલી હિંમત ધરાવતા હશે? કે પોતાને જે ફિલ્મ માટે એવોર્ડ મળ્યો હોય એ જ પિક્ચરના સંગીતને મળેલો પુરસ્કાર યોગ્ય નથી એમ કહેવા પોતાની ટોફી નકારે? ફિલ્મી દુનિયા સંબંધોની દુનિયા કહેવાય છે. અહીં કોઇ સાથી કલાકાર-કસબી નારાજ થાય એવું પોલીટિકલી ઇનકરેક્ટ પગલું કોઇ ના ભરે. જ્યારે પ્રાણ સાહેબે એક એવા સંગીતકારનો પક્ષ લઇને પોતાનો વિરોધ નોંધાવ્યો જે દુનિયામાં હયાત પણ નહતા! ‘પાકીઝા’ના સંગીતકાર ગુલામ મોહમંદનો તો ફિલ્મ રિલીઝ થતાં અગાઉ જ દેહાંત થઇ ચૂક્યો હતો.

પ્રાણનો એ વિરોધ કેટલો વાજબી હતો કે ‘પાકીઝા’નાં તમામે તમામ ગીતો આજે ૪૦ વરસ પછી પણ સ્મૃતિમાં એવાં જ તાજાં છે. યાદ છેને આ બધાં ગાયનો?... “ઇન્હીં લોગોંને લે લીના દુપટ્ટા મેરા...”, “ઠાડે રહીયો અય બાંકે યાર રે...”, “ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો...” “આજ હમ અપની દુવાઓં કા અસર દેખેંગે...”, મૌસમ હૈ આશિકાના અય દિલ કહીં સે ઉનકો ઐસે મેં ઢૂંઢ લાના...” અને “ચલતે ચલતે યું હી કોઇ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે...” તમે જ કહો આ પૈકીનું કોઇ પણ ગાયન તમે ભૂલ્યા છો? સોચો ઠાકુર!

તિખારો!
પ્રાણ સાહેબને ‘બેઇમાન’નું જે મ્યુઝિક ‘પાકીઝા’ના સંગીત સામે ઉતરતું લાગ્યું હતું,  તેનું જ એક ગીત શ્રેષ્ઠ ગાયક (મુકેશ) અને ગીતકાર (વર્મા મલિક)ના પણ ફિલ્મફેર એવોર્ડ અપાવી ગયું હતું. તેના શબ્દો આવા હતા... “ના ઇજ્જત કી ચિંતા, ના ફિકર કોઇ અપમાન કી, જય બોલો બેઇમાન કી, જય બોલો”!!

Friday, December 21, 2012

અશ્વિની ભટ્ટ

  
 કોઇ કડદા વગરના અંગત સંબંધનો કસબ!

અશ્વિની ભટ્ટની કલમનો પ્રથમ પરિચય અમારા પિતાજીએ કરાવેલો. એ પોતે ‘સંદેશ’ના બંધાણી. બાજુની દુકાનેથી મંગાવીને એ ‘ગુજરાત સમાચાર’ અને ‘જનસત્તા’ વાંચે ખરા. પરંતુ, ‘સંદેશ’નો લગાવ અલગ જ પ્રકારનો. પેપર આવે અને તે આખું વાંચે નહીં ત્યાં સુધી ચેન ના પડે. તેમને વાસુદેવ મહેતાની કૉલમમાં આવતું રાજકીય વિશ્લેષણ ગમે અને ઇશ્વર પેટલીકરની સામાજિક પ્રશ્નોની ચર્ચા પણ નિયમિત વાંચવા જોઇએ. તે છેલ્લા પાને આવતી પરમાનંદ ગાંધીની દૈનિક કૉલમ ‘આજની વાત’ને ય માણે.  પરંતુ, તેમનો મૂળ રસ વાર્તાનો.

તે એટલે સુધી કે દુકાન માટેની પસ્તી લેવા જાય ત્યારે ‘ચાંદની’ અને ‘આરામ’ જેવાં વાર્તા સામયિકોના જુના અંકો કિલોના હિસાબે લઇ આવે. તેથી અશ્વિની ભટ્ટની ‘સંદેશ’ની સોમવારની વાર્તાનું તેમને જબરું બંધાણ. જ્યારે મને ર.વ. દેસાઇથી ઉપર કોઇ નવલકથાકાર ના લાગે. “તું એક વાર ‘આશ્કા માંડલ’ વાંચ અને પછી કહેજે...” જેવું કશુંક તેમણે ઠપકાની ભાષામાં એકવાર કહ્યું. એટલે એક સોમવારે ‘સંદેશ’માં આવેલું તે સપ્તાહનું એક પ્રકરણ હું વાંચી ગયો. પછી નવલકથા આખી પૂરી કરવી જ પડી. પણ તે પછી એક મહત્વનો નિર્ણય લેવાઇ ગયો કે છાપામાં આવતી હપ્તાવાર નવલકથા ના વાંચવી. નહીં તો આખું અઠવાડિયું તેના સંભવિત વળાંકોની શક્યતાઓમાં ડુબેલા રહેવાનું જોખમ ઉભું થાય. તેના કરતાં એ જ નૉવેલ પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થાય પછી સળંગ વાંચવી. વાર્તાના તાણાવાણા ઉપરાંત અશ્વિનીભાઇની વર્ણનશક્તિ અને ખાસ તો તેમાંની ઝીણી વિગતોનું ડેટેઇલીંગ બહુ આકર્ષતું.  

એ આડકતરા પરિચય પછી રૂબરૂ મુલાકાત થઇ ‘સંદેશ’ની ઑફિસમાં. તે વખતે ‘ફિલમની ચિલમ’ લખવાને કારણે મહિને - બે મહિને એકાદવાર અમદાવાદ ‘સંદેશ’ની ઑફિસે જવાનું થતું. ત્યાં ડૉ. કાન્તિ રામી અને નિરંજન પરીખ સાથે તેમને વાતો કરતા જોયા. ત્યારે ઉપલક પરિચય થયો. તે વખતે તેમની વાર્તાનો હપ્તો એ લાવ્યા હતા તે અછડતો નજરે પડ્યો. ન્યુઝ પ્રિન્ટના પીળાશ પડતા કાગળમાં ઇન્ક પેનથી એક સરખી લાઇનમાં મોટ્ટા સુંદર મરોડદાર અક્ષરે લખાયેલું તેમનું લખાણ મનમાં ચોંટી ગયું. મનોમન નક્કી કર્યું કે પ્રેસમાં આપવાનું મૅટર લખવું તો આટલી સુઘડ અને સુવાચ્ય રીતે! (એ નિર્ણયનો અમલ ઠેઠ કોમ્પ્યુટર પર ટાઇપ કરીને લખાણ મોકલતો થયો સુધી મેં બરાબર કર્યો.)

પછી તો ‘સંદેશ’ની એવી અન્ય એક બેઠક દરમિયાન જ અશ્વિનીભાઇ પ્રેમાભાઇ હૉલના  મૅનેજર હોવાનું પણ જાણ્યું. સદનસીબે તે દિવસોમાં મારો નાનો ભાઇ નરેન્દ્ર તે જ હૉલની નીચે આવેલી બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં કામ કરે. એટલે થોડોક સમય એવું બનતું કે અમદાવાદ જાઉં ત્યારે કાલુપુર સ્ટેશને ઉતરીને પહેલા ઇંગ્લીશ સિનેમા સામેની વિનોદ ભટ્ટની ઓફિસે જવાનું, ત્યાં વાતો કરી પ્રેમાભાઇ હૉલે પહોંચવાનું. પછી બૅન્કે ભાઇને મળીને ઉપર અશ્વિનીભાઇને ‘હેલ્લો’ કરતા જવાનું. ભાઇની ત્યાંથી બદલી થઇ પછી એ ક્રમ જો કે બહુ લાંબો ચાલ્યો નહતો. પરંતુ, જ્યારે મળીએ ત્યારે અશ્વિનીભાઇ જરા પણ અભિમાન વગરના લાગે. બાકી તેમની લોકપ્રિયતાના એ ચરમ શિખરે ત્યારે હતા. પણ કોઇ આડંબર નહીં.

પછીનાં વર્ષોમાં મિત્ર ઉર્વીશ કોઠારી અમદાવાદનાં છાપાંની દુનિયામાં આવ્યો, તે પછી અશ્વિનીભાઇ સાથેનો પરિચય વધ્યો. અમે લોકો, હું અને ઉર્વીશ, બન્ને એક જ ટ્રેઇનમાંથી ઉતરીએ. મણીનગર સ્ટેશનેથી ઉર્વીશના સ્કુટર પાછળ બેસીને અમદાવાદમાં રજનીકુમાર પંડ્યા અને વિનોદ ભટ્ટ જેવા વડીલ સાહિત્યકારોને ત્યાં જવાનો લહાવો અગણિત વખત લીધો હશે. તેમાં અશ્વિનીભાઇને ત્યાં ‘૬૫ બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી’એ ગયા હોઇએ અને અલક મલકની વાતો (‘સીકેકે’) કરી હોય એવા પણ ઘણા પ્રસંગો થયા. (એવી એક મુલાકાત વખતે ક્રાઇમ રિપોર્ટિંગનો જબરદસ્ત પત્રકાર પ્રશાંત દયાલ- જેને મારા જેવા ઘણા મિત્રો નાના પાટેકર કહે છે તે- પણ અમારી સાથે હતો. ઉર્વીશે તેની આદત મુજબ અમારો ત્રણનો ફોટો  લીધો હતો. તે પણ આજે અહીં મૂકું છે.) 


એ માણસની હુંફ એવી જબ્બર કે કોઇ ફૉર્માલિટિ વગર ત્યાં બેસી શકાય, વાતો થઇ શકે. વિષય કોઇપણ નીકળ્યો હોય, તે સહજ રીતે સરસ મુદ્દા કહે. અશ્વિનીભાઇ અંગત રીતે સંબંધના માણસ. તેમના એવા એક જાત અનુભવ માટે હું તેમનો આજીવન ઋણી રહીશ. અમે નડિયાદથી પ્રગટ થતા દૈનિક અખબાર ‘નવજીવન એક્સપ્રેસ’ ને અમારા વહીવટમાં લીધા પછી તેમાં જાણીતા લેખકોની કોલમો શરૂ કરી. સળંગ હપ્તાવાર નવલકથા માટે અશ્વિનીભાઇની એકાદી નૉવેલ રિપ્રિન્ટ કરવાનો વિચાર કર્યો હતો. તે માટે ઉર્વીશ અને હું મળ્યા. પણ ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે સામે ચાલીને તેમની ‘કસબ’, ‘કડદો’, ‘કમઠાણ’ની સિરીઝની અખબારની રીતે ‘ફ્રૅશ’ કહેવાય એવી પોતાની નવલકથા ‘કસબ’ આપી.


અમારા સંબંધોનું અશ્વિનીભાઇએ કરેલું એ સર્વોચ્ચ સન્માન હતું. કેમ કે સામાન્ય રીતે તેમની નવલકથાઓ છાપામાં હપ્તાવાર પ્રસિદ્ધ થયા પછી પુસ્તક આકારે બજારમાં આવતી હોય છે. પરંતુ, ‘કસબ’નું પુસ્તક પહેલું પ્રગટ થયું હતું અને અખબારમાં હપ્તાવાર છપાવાની બાકી હતી. કહેવાની જરૂર ભાગ્યે જ છે કે નડિયાદની પૃષ્ઠભૂમિમાં લખાયેલી એ વાર્તા ‘કસબ’ને અમારા વાચકોનો અદભૂત આવકાર મળ્યો હતો. તેમની નવલકથાઓની અપાર લોકપ્રિયતા જોતાં કોઇપણ સામયિકે ‘કસબ’ માટે તેમને ભારે રકમ આપી હોત. મારી માહિતી મુજબ તો એવી વાટાઘાટો ચાલતી હતી પણ ખરી.

છતાં એ બધાને બાજુ પર રાખીને રાખીને મારા દૈનિક અખબારમાં ‘કસબ’ હપ્તાવાર પ્રસિદ્ધ કરવા આપી. અશ્વિનીભાઇએ લેખનને જ વ્યવસાય બનાવ્યો હોઇ તેમનો એક નિયમ હતો કે લખાણ કોઇ સામયિકને મફત નહીં આપવાનું. તેથી મારા માટે પણ પોતાની નવલકથાની કિંમત તેમણે નક્કી કરી . “એક પ્રકરણનો સવા રૂપિયો!” એ ટોકન પ્રાઇસમાં તેમનો નિયમ અને અમારો સંબંધ બન્નેનું સન્માન રહેતું હતું. જો કે અમે એવું પેમેન્ટ નહતું કર્યું... સન્માનજનક રકમ આપી હતી. પણ તેમના શબ્દો હજી પણ યાદ છે, “તું દૈનિક છાપાનો માલિક છું, એ જ મોટી વાત છે.”

એ શબ્દોમાં જે પોતાપણું હતું એવું બહુ ઓછા લોકોમાં જોયું છે. એ છાપું ચલાવવાના બે વરસના અનુભવ દરમિયાન ઘણા પત્રકાર/સાહિત્યકાર મિત્રો-વડીલો સાથે એક અખબારના માલિક તરીકે સંપર્કમાં આવવાનું થયું હતું. તે સમયે મારા માટે અંગત કહી શકાય એવા લેખક મિત્રોએ રિપ્રિન્ટ માટે પોતાની કૃતિ આપવામાં કરેલા વર્તન પછી અશ્વિનીભાઇના એ બોલની કિંમત વિશેષ સમજાતી હતી. એવા સંબંધોની પવિત્રતા આંસુના તોરણે સચવાતી હોય છે. તેમની વિદાયની વાસ્તવિકતાને હવે તો હજારો માઇલ દુર એકલા બેઠા પચાવવાની છે. સાથે કોઇ મિત્રો પણ નથી..... એક અજીબ સુનકાર છે!
(અશ્વિનીભાઇના દેહાંતના સમાચાર મળ્યા પછી તરત લખેલો એક નાનકડો પીસ)