Friday, December 21, 2012

અશ્વિની ભટ્ટ

  
 કોઇ કડદા વગરના અંગત સંબંધનો કસબ!

અશ્વિની ભટ્ટની કલમનો પ્રથમ પરિચય અમારા પિતાજીએ કરાવેલો. એ પોતે ‘સંદેશ’ના બંધાણી. બાજુની દુકાનેથી મંગાવીને એ ‘ગુજરાત સમાચાર’ અને ‘જનસત્તા’ વાંચે ખરા. પરંતુ, ‘સંદેશ’નો લગાવ અલગ જ પ્રકારનો. પેપર આવે અને તે આખું વાંચે નહીં ત્યાં સુધી ચેન ના પડે. તેમને વાસુદેવ મહેતાની કૉલમમાં આવતું રાજકીય વિશ્લેષણ ગમે અને ઇશ્વર પેટલીકરની સામાજિક પ્રશ્નોની ચર્ચા પણ નિયમિત વાંચવા જોઇએ. તે છેલ્લા પાને આવતી પરમાનંદ ગાંધીની દૈનિક કૉલમ ‘આજની વાત’ને ય માણે.  પરંતુ, તેમનો મૂળ રસ વાર્તાનો.

તે એટલે સુધી કે દુકાન માટેની પસ્તી લેવા જાય ત્યારે ‘ચાંદની’ અને ‘આરામ’ જેવાં વાર્તા સામયિકોના જુના અંકો કિલોના હિસાબે લઇ આવે. તેથી અશ્વિની ભટ્ટની ‘સંદેશ’ની સોમવારની વાર્તાનું તેમને જબરું બંધાણ. જ્યારે મને ર.વ. દેસાઇથી ઉપર કોઇ નવલકથાકાર ના લાગે. “તું એક વાર ‘આશ્કા માંડલ’ વાંચ અને પછી કહેજે...” જેવું કશુંક તેમણે ઠપકાની ભાષામાં એકવાર કહ્યું. એટલે એક સોમવારે ‘સંદેશ’માં આવેલું તે સપ્તાહનું એક પ્રકરણ હું વાંચી ગયો. પછી નવલકથા આખી પૂરી કરવી જ પડી. પણ તે પછી એક મહત્વનો નિર્ણય લેવાઇ ગયો કે છાપામાં આવતી હપ્તાવાર નવલકથા ના વાંચવી. નહીં તો આખું અઠવાડિયું તેના સંભવિત વળાંકોની શક્યતાઓમાં ડુબેલા રહેવાનું જોખમ ઉભું થાય. તેના કરતાં એ જ નૉવેલ પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થાય પછી સળંગ વાંચવી. વાર્તાના તાણાવાણા ઉપરાંત અશ્વિનીભાઇની વર્ણનશક્તિ અને ખાસ તો તેમાંની ઝીણી વિગતોનું ડેટેઇલીંગ બહુ આકર્ષતું.  

એ આડકતરા પરિચય પછી રૂબરૂ મુલાકાત થઇ ‘સંદેશ’ની ઑફિસમાં. તે વખતે ‘ફિલમની ચિલમ’ લખવાને કારણે મહિને - બે મહિને એકાદવાર અમદાવાદ ‘સંદેશ’ની ઑફિસે જવાનું થતું. ત્યાં ડૉ. કાન્તિ રામી અને નિરંજન પરીખ સાથે તેમને વાતો કરતા જોયા. ત્યારે ઉપલક પરિચય થયો. તે વખતે તેમની વાર્તાનો હપ્તો એ લાવ્યા હતા તે અછડતો નજરે પડ્યો. ન્યુઝ પ્રિન્ટના પીળાશ પડતા કાગળમાં ઇન્ક પેનથી એક સરખી લાઇનમાં મોટ્ટા સુંદર મરોડદાર અક્ષરે લખાયેલું તેમનું લખાણ મનમાં ચોંટી ગયું. મનોમન નક્કી કર્યું કે પ્રેસમાં આપવાનું મૅટર લખવું તો આટલી સુઘડ અને સુવાચ્ય રીતે! (એ નિર્ણયનો અમલ ઠેઠ કોમ્પ્યુટર પર ટાઇપ કરીને લખાણ મોકલતો થયો સુધી મેં બરાબર કર્યો.)

પછી તો ‘સંદેશ’ની એવી અન્ય એક બેઠક દરમિયાન જ અશ્વિનીભાઇ પ્રેમાભાઇ હૉલના  મૅનેજર હોવાનું પણ જાણ્યું. સદનસીબે તે દિવસોમાં મારો નાનો ભાઇ નરેન્દ્ર તે જ હૉલની નીચે આવેલી બૅન્ક ઑફ ઇન્ડિયાની બ્રાન્ચમાં કામ કરે. એટલે થોડોક સમય એવું બનતું કે અમદાવાદ જાઉં ત્યારે કાલુપુર સ્ટેશને ઉતરીને પહેલા ઇંગ્લીશ સિનેમા સામેની વિનોદ ભટ્ટની ઓફિસે જવાનું, ત્યાં વાતો કરી પ્રેમાભાઇ હૉલે પહોંચવાનું. પછી બૅન્કે ભાઇને મળીને ઉપર અશ્વિનીભાઇને ‘હેલ્લો’ કરતા જવાનું. ભાઇની ત્યાંથી બદલી થઇ પછી એ ક્રમ જો કે બહુ લાંબો ચાલ્યો નહતો. પરંતુ, જ્યારે મળીએ ત્યારે અશ્વિનીભાઇ જરા પણ અભિમાન વગરના લાગે. બાકી તેમની લોકપ્રિયતાના એ ચરમ શિખરે ત્યારે હતા. પણ કોઇ આડંબર નહીં.

પછીનાં વર્ષોમાં મિત્ર ઉર્વીશ કોઠારી અમદાવાદનાં છાપાંની દુનિયામાં આવ્યો, તે પછી અશ્વિનીભાઇ સાથેનો પરિચય વધ્યો. અમે લોકો, હું અને ઉર્વીશ, બન્ને એક જ ટ્રેઇનમાંથી ઉતરીએ. મણીનગર સ્ટેશનેથી ઉર્વીશના સ્કુટર પાછળ બેસીને અમદાવાદમાં રજનીકુમાર પંડ્યા અને વિનોદ ભટ્ટ જેવા વડીલ સાહિત્યકારોને ત્યાં જવાનો લહાવો અગણિત વખત લીધો હશે. તેમાં અશ્વિનીભાઇને ત્યાં ‘૬૫ બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી’એ ગયા હોઇએ અને અલક મલકની વાતો (‘સીકેકે’) કરી હોય એવા પણ ઘણા પ્રસંગો થયા. (એવી એક મુલાકાત વખતે ક્રાઇમ રિપોર્ટિંગનો જબરદસ્ત પત્રકાર પ્રશાંત દયાલ- જેને મારા જેવા ઘણા મિત્રો નાના પાટેકર કહે છે તે- પણ અમારી સાથે હતો. ઉર્વીશે તેની આદત મુજબ અમારો ત્રણનો ફોટો  લીધો હતો. તે પણ આજે અહીં મૂકું છે.) 


એ માણસની હુંફ એવી જબ્બર કે કોઇ ફૉર્માલિટિ વગર ત્યાં બેસી શકાય, વાતો થઇ શકે. વિષય કોઇપણ નીકળ્યો હોય, તે સહજ રીતે સરસ મુદ્દા કહે. અશ્વિનીભાઇ અંગત રીતે સંબંધના માણસ. તેમના એવા એક જાત અનુભવ માટે હું તેમનો આજીવન ઋણી રહીશ. અમે નડિયાદથી પ્રગટ થતા દૈનિક અખબાર ‘નવજીવન એક્સપ્રેસ’ ને અમારા વહીવટમાં લીધા પછી તેમાં જાણીતા લેખકોની કોલમો શરૂ કરી. સળંગ હપ્તાવાર નવલકથા માટે અશ્વિનીભાઇની એકાદી નૉવેલ રિપ્રિન્ટ કરવાનો વિચાર કર્યો હતો. તે માટે ઉર્વીશ અને હું મળ્યા. પણ ત્યારે અમારા આશ્ચર્ય વચ્ચે તેમણે સામે ચાલીને તેમની ‘કસબ’, ‘કડદો’, ‘કમઠાણ’ની સિરીઝની અખબારની રીતે ‘ફ્રૅશ’ કહેવાય એવી પોતાની નવલકથા ‘કસબ’ આપી.


અમારા સંબંધોનું અશ્વિનીભાઇએ કરેલું એ સર્વોચ્ચ સન્માન હતું. કેમ કે સામાન્ય રીતે તેમની નવલકથાઓ છાપામાં હપ્તાવાર પ્રસિદ્ધ થયા પછી પુસ્તક આકારે બજારમાં આવતી હોય છે. પરંતુ, ‘કસબ’નું પુસ્તક પહેલું પ્રગટ થયું હતું અને અખબારમાં હપ્તાવાર છપાવાની બાકી હતી. કહેવાની જરૂર ભાગ્યે જ છે કે નડિયાદની પૃષ્ઠભૂમિમાં લખાયેલી એ વાર્તા ‘કસબ’ને અમારા વાચકોનો અદભૂત આવકાર મળ્યો હતો. તેમની નવલકથાઓની અપાર લોકપ્રિયતા જોતાં કોઇપણ સામયિકે ‘કસબ’ માટે તેમને ભારે રકમ આપી હોત. મારી માહિતી મુજબ તો એવી વાટાઘાટો ચાલતી હતી પણ ખરી.

છતાં એ બધાને બાજુ પર રાખીને રાખીને મારા દૈનિક અખબારમાં ‘કસબ’ હપ્તાવાર પ્રસિદ્ધ કરવા આપી. અશ્વિનીભાઇએ લેખનને જ વ્યવસાય બનાવ્યો હોઇ તેમનો એક નિયમ હતો કે લખાણ કોઇ સામયિકને મફત નહીં આપવાનું. તેથી મારા માટે પણ પોતાની નવલકથાની કિંમત તેમણે નક્કી કરી . “એક પ્રકરણનો સવા રૂપિયો!” એ ટોકન પ્રાઇસમાં તેમનો નિયમ અને અમારો સંબંધ બન્નેનું સન્માન રહેતું હતું. જો કે અમે એવું પેમેન્ટ નહતું કર્યું... સન્માનજનક રકમ આપી હતી. પણ તેમના શબ્દો હજી પણ યાદ છે, “તું દૈનિક છાપાનો માલિક છું, એ જ મોટી વાત છે.”

એ શબ્દોમાં જે પોતાપણું હતું એવું બહુ ઓછા લોકોમાં જોયું છે. એ છાપું ચલાવવાના બે વરસના અનુભવ દરમિયાન ઘણા પત્રકાર/સાહિત્યકાર મિત્રો-વડીલો સાથે એક અખબારના માલિક તરીકે સંપર્કમાં આવવાનું થયું હતું. તે સમયે મારા માટે અંગત કહી શકાય એવા લેખક મિત્રોએ રિપ્રિન્ટ માટે પોતાની કૃતિ આપવામાં કરેલા વર્તન પછી અશ્વિનીભાઇના એ બોલની કિંમત વિશેષ સમજાતી હતી. એવા સંબંધોની પવિત્રતા આંસુના તોરણે સચવાતી હોય છે. તેમની વિદાયની વાસ્તવિકતાને હવે તો હજારો માઇલ દુર એકલા બેઠા પચાવવાની છે. સાથે કોઇ મિત્રો પણ નથી..... એક અજીબ સુનકાર છે!
(અશ્વિનીભાઇના દેહાંતના સમાચાર મળ્યા પછી તરત લખેલો એક નાનકડો પીસ)





7 comments:

  1. અશ્વિનીભાઇને વાંચવાની જેટલી મજા આવે, તેતલી જ મજા તેમનાવીશે વાંચવાની પણ આવે છે..
    આભાર

    ReplyDelete
  2. તેમની વિદાયની વાસ્તવિકતાને હવે તો હજારો માઇલ દુર એકલા બેઠા પચાવવાની છે. સાથે કોઇ મિત્રો પણ નથી..... એક અજીબ સુનકાર છે! .....i second that....

    ReplyDelete
  3. સુંદર યાદ-જડિત અંજલિ ...

    ReplyDelete
  4. પોસ્ટ વાંચીને એ સમય તાજો થઇ આવ્યો. આજે થોડો સમય હતો એટલે નવજીવનના પહેલા વાર્ષિક અંકનું પહેલું પાનું કાઢ્યું. એટલે સ્પષ્ટ થયું કે તમે 'કસબ' જ છાપી હતી. મારા મનમાં ખબર નહીં કેમ, પણ 'કમઠાણ'નો ખ્યાલ રહી ગયો હતો અને એટલા માટે કે હપ્તાવાર એ ક્યાંય છપાઇ ન હોવા છતાં, આપણે તે છાપી હોવાનો મને ખ્યાલ હતો.

    'નવજીવન એક્સપ્રેસ'માં સ્થાનિક પેપરનું એક સરસ મોડેલ ઊભું થયું હતું. સારાં કામ થોડા સમય માટે થયાં હોય ને તેનું બંધ થવું બહુ વસમું લાગ્યું હોય તો પણ તે લાંબા ગાળે તે સરસ કામ તરીકે જ યાદ આવે છે. તમારા પહેલા વર્ષના આભારલખાણમાં કેટલાં બધાં નામ છે. એ વાંચીને જ મઝા પડી જાયઃ-)


    ReplyDelete
  5. the more I read abt him . more I find that he is as interesting as his novel .

    ReplyDelete
  6. I enjoyed reading this post. It is written from the bottom of your heart. It also throws light on rather unknown side of Ashwini Bhatt. I have not read Kasab, but will read now.

    ReplyDelete
  7. ભરતકુમાર ઝાલાJanuary 11, 2013 at 8:44 AM

    અશ્વિની ભટ્ટ બહુ જ સારા લેખક હતા, પણ માણસ તરીકે પણ એમને એટલા જ ઉમળકાથી વધાવી લેવા પડે. સર્જક માણસ તરીકે કેવો હોવો જોઈએ, એનો માપદંડ નક્કી કરવાનું થાય, તો હું અશ્વિની ભટ્ટ જ યાદ આવે.

    ReplyDelete