અમિતાભ બચ્ચન અને આમિર ખાન સ્પીલબર્ગની ફિલ્મમાં એકસાથે!
હૉલીવુડ અને બૉલીવુડના સંગમથી સર્જાશે ‘હિલીવુડ’!!
હૉલીવુડ અને બૉલીવુડના સંગમથી સર્જાશે ‘હિલીવુડ’!!
એ કામ છેવટે સ્પીલબર્ગ કરી શક્યા.... અમિતાભ બચ્ચન
અને આમિરખાનને એક ફિલ્મમાં આવવા તેમની ટીમ મંજુર કરાવી શકી! સ્પીલબર્ગ જ્યારે, ગયા પખવાડિયે, ભારત આવ્યા ત્યારે
એ પોતાનો બિઝનેસ ફેલાવવા આવ્યા હતા એ તો નક્કી જ હતું. પરંતુ, જાહેરમાં જે રીતે અમિતાભ
બચ્ચનને તેમની સાથે વાતચીત કરવા બેસાડાયા હતા, તે પરથી જ લાગતું હતું કે તેમાં માત્ર અનિલ અંબાણી સાથેની સિનિયર બચ્ચનની દોસ્તી
જ જવાબદાર નથી; પણ ‘બીગ બી’ને લઇને કશુંક વિશિષ્ટ રંધાઇ રહ્યું છે. હવે ખબર આવ્યા છે કે સ્પીલબર્ગ અમિતાભ અને આમિરને એક
સાથે લેવા માંગતા હતા અને વાત જામતી નહતી. કેમકે આમિર સ્ક્રિપ્ટથી ખુશ નહતો અને સ્પીલબર્ગ
સમક્ષ એ કોઇ કમિટમેન્ટ કરવા નહતો માગતો. તેથી અમિતાભવાળા વાર્તાલાપમાં પોતે હાજર રહ્યો
નહતો અને પત્ની કિરણને મોકલી હતી. બાકી પોતાના પ્રિય દિગ્દર્શકને મળવાની ઇચ્છા કોને
ના હોય?
પ્રિય ખરા, સ્પીલબર્ગ... પરંતુ, પોતાના રોલ કરતાં વધારે
નહીં; એવી આમિરની સ્ક્રિપ્ટ અંગેની ચીવટ કોણ નથી જાણતું? તેના પ્રોડક્શન હાઉસ પાસે
દર મહિને ૨૦થી ૨૫ વાર્તાઓ આવે છે અને એ બધીને એ નામંજુર કરે છે, એવા રિપોર્ટ એક ટીવી
ચેનલે ગયા અઠવાડિયે જ આપ્યા હતાને? તેમાં તો એમ પણ કહેવાયું હતું કે છેલ્લા ઘણા સમયથી
કોઇ ફિલ્મ ફ્લોર પર ન હોવાથી અત્યારે સ્ટાફ લગભગ બેસી રહે છે. પણ એ બધાને શું ખબર કે
‘બોસ’ તેમના લેવલે શું કરી રહ્યા છે? આમિરને સ્પીલબર્ગની ટીમે એક ફ્યુચરિસ્ટિક લવ સ્ટોરી
અર્થાત ભવિષ્યવાદી પ્રેમકહાનીના સ્ટોરી આઇડિયાની સ્ક્રિપ્ટ આપી છે, જેમાં અમિતાભ પણ
એક મહત્વના રોલમાં હશે. (બચ્ચન સાહેબે આ અગાઉ આમિરના ‘લગાન’ માં પિક્ચરની શરૂઆતમાં કોમેન્ટ્રી જરૂર આપી છે. પરંતુ, પડદા ઉપર
આમને સામને નથી આવ્યા.)
લવસ્ટોરી સ્પીલબર્ગે જે પસંદ કરી છે, તેમાં આજથી પચાસ
વર્ષ પછીની વાર્તા છે, જ્યારે આખી દુનિયા કોમ્પ્યુટર આધારિત થઇ ગઇ છે. તેથી કાગળનો
ઉપયોગ કોઇ કરતું નથી. ઓફિસો જ નહીં, વિશ્વ આખું પેપરલેસ થઇ ગયું છે. એ સંજોગોમાં પુસ્તકો
અને અખબારો ખોટી જગ્યા રોકી રાખે છે, એ વિચાર સાથે સત્તાધીશો બુક્સનો નાશ કરવાનો મોટો
પ્રોજેક્ટ હાથ ધરે છે. તમામ લાયબ્રેરીઓને સળગાવી દેવાનું નક્કી થાય છે. સ્ક્રિપ્ટ અનુસાર
આમિર એ સળગાવનારા ફાયરમેન બને, જે એક ઝનૂનથી કાગળ માત્રને જલાવી દે. જ્યારે અમિતાભ
એક એવા સિનિયર સિટીઝનની ભૂમિકામાં હોય જે એ પ્રિન્ટેડ સાહિત્યને બચાવવા માંગતા હોય!
ફુલ ડ્રામાની શક્યતાવાળા કથાનકમાં અમિતાભની દીકરી સાથે
આમિર પ્રેમમાં હોય. એક લાયબ્રેરીને લાગેલી આગમાંથી પુસ્તકો બચાવવા જતાં અમિતાભની પત્નીનો
જીવ ગયો હોય વગેરે નાટ્યાત્મક પ્રસંગોથી સ્ક્રિપ્ટ
ભરપૂર છે. (પત્નીની ભૂમિકા માટે સ્પીલબર્ગનો આગ્રહ ટીના અંબાણી માટે છે. ભૂમિકા નાની છે અને ટીના સંમત થશે તો કાસ્ટીંગની રીતે એ એક મોટી ઘટના ગણાશે.) અમિતાભ યુવા પેઢીના સૌને સમજાવતા ફરે છે કે ટીવીના આગમન પહેલાં લોકો જાતે
સ્વતંત્ર રીતે વિચારતા હતા. ટેલીવિઝન ઉપર થતી ચર્ચાઓથી જ લોકો મત બાંધે એવું અગાઉ નહતું.
તેમાં ભારતની હજારો વર્ષ પુરાણી શિક્ષણ સંસ્કૃતિ અને નાલંદા, તક્ષશિલા જેવાં વિશાળ
વિદ્યાધામોની વૈચારિક પરંપરાનાં ગુણગાન પણ હશે. તેને કારણે દુનિયાભરના ભારતીય પ્રેક્ષકો
આકર્ષાશે એ વેપારી ગણત્રી છે જ. તે માટે સ્પીલબર્ગની ટીમ ઇન્ડિયાનાં એવાં લોકેશનના
ફોટા અને વિડીયો ઉતારી રહ્યા છે.
લગભગ દોઢસો કરોડની લાગતવાળી આ ફિલ્મની જાહેરાત ખરેખર
તો સ્પીલબર્ગને તેમની ઇન્ડિયા વિઝીટ દરમિયાન જ કરવી હતી. પરંતુ, આમિરને વાંધો એ હતો
કે તેની પોતાની ભૂમિકા તદ્દન વિલનની થાય છે. તેમાં પોઝીટીવ રંગો ઉમેરાય તો એ સંમત થાય
એમ હતો. બીજી બાજુ વિદેશોના ઓડિયન્સ માટે પણ કોમ્પ્યુટરના આધિપત્યને બતાવવા જાત જાતનાં
ઇલેક્ટ્રોનિક સાધનોની ડિઝાઇનનું પેપર વર્ક સ્પીલબર્ગના પ્રોડક્શન હાઉસ ‘ડ્રીમવર્લ્ડ’માં
ચાલુ હોવાના રિપોર્ટ પણ હૉલીવુડનાં ગોસીપ મેગેઝીનો આપી રહ્યાં છે. પેટ્રોલ વગરની હવામાં
ઉડતી મોટરોનો એ સમય હશે અને પેનને તો ઠીક સ્ટાયલસને પણ પુરાતત્વ વિભાગમાં જોઇ શકાતી
હશે. વ્યક્તિના મગજમાં માત્ર એક ચીપ મૂકી દેવાથી આખી લાયબ્રેરીનાં પુસ્તકો તેમાં આવી
જાય એ કલ્પના છે. આવા વાતાવરણમાં પ્રેમ કહાની હશે અને ક્લાયમેક્સમાં અમિતાભ તેમની રીતે
‘બાગબાન’ની સ્ટાઇલમાં પુસ્તકો અને કાગળ
ઉપર ઉતરતા લિખિત શબ્દનો મહિમા કરશે.
છેલ્લે આવતા એ ઇમોશનલ ભાષણમાં આમિર પણ જોડાય છે. ફરીથી
દુનિયામાં માણસ જાતનું મહત્વ થાય. કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક મશીનો માનવીનાં
કામ કરે ત્યાં સુધી ઠીક છે; પણ માણસ જ મશીન બની જાય એમ ન થવું જોઇએ. તમામ સાધનોને માનવી
જરૂરિયાત પૂરતાં વાપરે એ મેસેજ સાથે ફિલ્મ પૂરી થાય. આને મળતી થીમ સ્પીલબર્ગે અગાઉ
‘આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ’ ફિલ્મમાં રાખી
હતી. તેથી તેને માત્ર ભારતીય સંદર્ભ અને હિન્દી સિનેમાનો ટચ આપવાનો છે. તેને માટે ગીતકાર
ગુલઝાર અને સંગીતકાર એ. આર. રેહમાનની ‘સ્લમડોગ
મિલિયોનેર’વાળી જોડી હશે. આમિરની સંમતિ મળી ચૂકી હોઇ બધું સમું સુતરું પાર પડશે
તો, આવતીકાલે સ્પીલબર્ગ પોતે અમેરિકાથી વિડીયો કોન્ફ્રન્સ દ્વારા એક પત્રકાર પરિષદમાં
આ ફિલ્મની સત્તાવાર જાહેરાત, ભારતીય સમય પ્રમાણે રાત્રે નવ વાગે, ટીવી પર ‘લાઇવ’ કરશે.
ત્યારે હૉલીવુડ અને હિન્દી સિનેમા (બૉલીવુડ) ના સંગમથી સર્જાશે એક નવી જ ફિલ્મી દુનિયા...
હિલીવુડ!!
તિખારો!
સ્પીલબર્ગની
હિન્દી ફિલ્મમાં ગીતકાર તરીકે જે નક્કી થયાની વાત બહાર આવી છે, એ ગુલઝારે ટ્વીટર પર
લખ્યું છે કે, તેઓ તેમને મળેલા પ્રથમ સીનની સ્ક્રીપ્ટના દરેક ફકરાના પહેલા પહેલા અક્ષરને
લઇને અનોખે બોલવાળું એક આઇટમ ગીત બનાવી રહ્યા છે! સોચો ઠાકુર!!