Saturday, March 16, 2013

ફિલમની ચિલમ... ૧૭ માર્ચ, ૨૦૧૩




સાહેબ અને બીવીના ‘ગુલામ’ને પ૦ વરસ પછી બનાવાયો ‘ગૅંગસ્ટર’!




“વો દિન ગયે જબ ઇમ્તહાન સે ડર લગતા થા!” એવું માત્ર વિદ્યાર્થીઓને જ નથી લાગતું, એ સોનેરી જ્ઞાન હવે ફિલ્મ ઉદ્યોગને પણ લાધી રહ્યું છે. કેમ કે વરસોથી માર્ચ મહિનામાં પરીક્ષાઓને કારણે પોતાની ફિલ્મો રિલીઝ કરતાં નિર્માતાઓ ડરતા હતા. એ જ રીતે દિવાળી પહેલાંના ‘પ્રિ-દિવાલી વીક’ કે રમઝાન માસ દરમિયાન પણ ડરવાની પ્રથા છે. એ બધા પિરીયડમાં ઑડિયન્સ થિયેટરોમાં ઓછું આવે એ અનુભવસિદ્ધ ગણત્રી હતી. (તેથી ફિલ્મ ઉદ્યોગમાં ટ્રેડની એક જાણીતી ઉક્તિ છે કે માર્ચમાં ફિલ્મ મૂકનાર પ્રોડ્યુસરની જ ખરી પરીક્ષા થાય!)  પરંતુ, આ સાલ માર્ચ મહિનામાં પહેલીથી ૧૫મી સુધીમાં આઠ પિક્ચર રજૂ થઇ ચૂક્યાં છે! એવું પણ નથી કે અન્ય સમયે તારીખો ના મળી શકી હોય એવી જ ફિલ્મો આ પિરીયડમાં આવી હોય. તેમાં ‘એટેક ઓફ ૨૬/૧૧’ અને ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ જેવી જાણીતા સર્જકો (રામ ગોપાલ વર્મા અને તિગ્માન્શુ ધુલિયા)ની કૃતિઓ સામેલ છે અને તેના પણ બિઝનેસ કરોડોમાં થયા છે.

‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’ ૮મી માર્ચે, એટલે કે પરીક્ષાના દિવસોમાં જ, રજૂ થઇ અને પ્રથમ ત્રણ દિવસનો વકરો જોતાં; એ પહેલા સપ્તાહમાં તો ૨૦ કરોડનો આંકડો પાર કરી જાય એવી શક્યતા છે. વળી અગત્યની વાત એ પણ છે કે યુએઇ (યુનાઇટેડ આરબ અમીરાત) સિવાય વિદેશોમાં એ રિલીઝ પણ નથી થઇ અને છતાં આ કલેક્શન છે. ‘સાહેબ બીવી...”ના આ નવા સંસ્કરણમાં સોહાઅલી ખાને જે દ્રશ્યો આપ્યાં છે તેનાથી ભાઇ સૈફ અલી ખુશ નથી એવા સમાચાર વચમાં હતા. (એમ તો આ મહિને પોતાના લગ્નની પ્રથમ ‘હોલી’ આવી રહી હોવા છતાં કરિના પોતાનાં સાસરિયાં સાથે તે મનાવવાની પરંપરાને અનુસરવાની નથી, એવી પણ ઉડતી ખબર છે જ ને?) સોહાએ કેવા સીન્સ આપવા પડ્યા હોઇ શકે એ તો ‘સાહેબ, બીવી...’નો પહેલો ભાગ જોનાર સૌ કોઇ અંદાજ મૂકી શકે એમ છે.

‘સાહેબ બીવી...’ના પ્રથમ ભાગમાં ‘બીવી’ બનનાર માહી ગિલ અને ‘ગેંગસ્ટર’ બનતા રણદીપ હુડાનાં ચુંબનનાં દ્રશ્યોની ભરમાર જોતાં બદલાયેલા સમયના પ્રેક્ષકોને (અને સેન્સરને પણ!) દાદ આપવી પડે. આ ફિલ્મની વાર્તા જેના ઉપરથી પ્રેરિત હતી, એ ગુરૂદત્તની ફિલ્મ ‘સાહબ બીવી ઔર ગુલામ’માં જમીનદાર પરિવારની ‘છોટી બહુ’ મીનાકુમારી અને હવેલીના નોકર -ગુલામ- ‘ભૂતનાથ’ બનતા ગુરૂદત્તના સંબંધોની વાર્તા હતી; તો પચાસ વરસ પછી ૨૦૧૧માં આવેલા મુવીમાં એમાં ફેરફાર કરીને ‘ગુલામ’ને બદલે ‘ગેંગસ્ટર’ સાથેના હવેલીની બહુરાની સાથેના ચુમ્મા-ચાટી સહિતના નાજાયઝ સંબંધો દર્શાવાયા હતા. છતાં દર્શકોએ તે સ્વીકારી લીધા... બલ્કે સહર્ષ સ્વીકાર્યા! જ્યારે ગુરૂદત્ત અને મીનાકુમારીની ફિલ્મ રિલીઝ થઇ તે દિવસે એવી સ્ટોરીને કારણે હાહાકાર થઇ ગયો હતો.  


ગુરૂદત્તનું એ પિક્ચર ‘સાહિબ બીવી ઔર ગુલામ’ ૧૯૬૨માં રજુ થયું ત્યારે તેમની પ્રથા મુજબ પ્રેક્ષકોના રિવ્યુ જાણવા ‘ગુરૂ’એ પોતાના માણસોને થિયેટરમાં મોકલ્યા. તે સૌએ જોયું કે ‘ભૂતનાથ’ સાથે બંધ ઘોડાગાડીમાં બેસીને ‘છોટી બહુ’ હવેલીમાંથી બહાર જાય છે અને ત્યારે વાગતા એક ગાયન “સાહિલ કી તરફ...” દરમિયાન મીનાકુમારી પોતાનું માથું ગુરૂદત્તના ખોળામાં મૂકે છે; તે સીન વખતે પ્રેક્ષકોમાં નારાજગી થાય છે. દર્શકોના રિએક્શન જાણવા ગયેલા સૌએ રિપોર્ટ કર્યો અને બીજા દિવસે મુંબઇના મિનરવા થિયેટરના મેટીની શોમાં ગુરૂદત્તે જાતે ઓડિયન્સ સાથે પિક્ચર જોયું. એટલે મીનાકુમારીને લોનાવાલાથી તાત્કાલિક બોલાવી શુટીંગ કરાયું. અગાઉ રેહમાન એટલે કે પતિ (સાહિબ)નું શું થયું એ નહતું બતાવાયું. તેને બદલે નવા સીનમાં લકવાગ્રસ્ત ‘છોટેબાબુ’ પ્રાયશ્ચિત કરતા હોય એમ બતાવાયું. એટલું જ નહીં, પેલું ગાયન “સાહિલ કી તરફ...” આખેઆખું કાઢી નાખ્યું. તેથી મીનાકુમારી ગુરૂદત્તના ખોળામાં માથું મૂકતાં હોય એ દ્રશ્ય પણ નીકળી ગયું!

એ ગાયન “સાહિલ કી તરફ...”ની ધૂનનો ઉપયોગ સંગીતકાર હેમંતકુમારે  પછી હૃષિકેશ મુકરજીની બેનમૂન ફિલ્મ ‘અનુપમા’માં કર્યો. તેમાં પણ ‘સાહિબ બીવી ઔર ગુલામ’ના શાયર કૈફી આઝમીનાં જ ગીત હતાં. તેમણે એ જ મીટરમાં “યા દિલ કી સુનો દુનિયાવાલોં યા મુઝકો અભી ચૂપ રહને દો, મૈં ગમ કો ખુશી કૈસે કહ દું, જો કહતે હૈં ઉનકો કહને દો...” લખ્યું અને ખુદ હેમંત દાએ તે ગાયું. યાદ છેને? લેંઘો અને ઝભ્ભો પહેરીને ‘અનુપમા’માં એ ગીત ગાતા ધર્મેન્દ્ર? એ ગીતમાંની લાઇટીંગ એરેન્જમેન્ટ- પ્રકાશ વ્યવસ્થા- જુઓ તો લાગે કે એ ઋષિકેશ મુકરજીની નહીં ગુરુદત્તની ફિલ્મ ચાલતી હોય. આખા પિક્ચરમાં બૂમાબૂમ કરતી અને ઉધમ મચાવતી શશિકલાનું ગંભીર સ્વરૂપ પણ એ જ ગાયનમાં જોવા મળે છે. વાંચતા વાંચતા એ ગીત પણ જોતા ચાલો. કૈફી આઝમી સરખા શાયરનું એક ભાવવાહી ગીત હેમંતકુમાર જેવા સંગીતકાર અને ઋષિદા જેવા નિર્દેશકના હાથમાં આવે ત્યારે સંવેદનાની કેવી અદભૂત અનુભૂતિ ઉભી કરી શકે છે! Experience the bliss right here...


‘સાહિબ બીવી ઔર ગુલામ’માં તેમણે પોતે કરેલો ‘ભૂતનાથ’નો રોલ ‘ગુરૂ’ જાતે નહતા કરવાના. એ માટે પ્રથમ પસંદગી શશિકપૂર હતા. એ પછી બિસ્વજીતનો વિચાર કરાયો હતો. કેમ કે એ ભૂમિકામાં ઉત્તમકુમારને લઇને અગાઉ તે નવલકથાની ફિલ્મ બંગાળી ભાષામાં બની ચૂકી હતી. તેથી એક બંગાલી અભિનેતા વધારે યોગ્ય રહેશે એવી ગુરૂની માન્યતા હતી
છેવટે  જો કે ‘પ્યાસા’ની માફક ખુદ ગુરૂદત્તને પોતાને જ મેકઅપ ચઢાવવો પડ્યો હતો. ‘પ્યાસા’માં પણ મુખ્ય પાત્ર ‘વિજય’ માટે તેમની ઇચ્છા દિલીપ કુમારને લેવાની હતી. પરંતુ, શુટિંગના પ્રથમ દિવસે દિલીપ સા’બ આવ્યા જ નહીં અને ગુરૂદત્તે જાતે એ ભૂમિકા કરી. જ્યારે ‘સાહિબ બીવી ઔર ગુલામ’માં ‘બીવી’ એટલે કે ‘છોટી બહુ’ તરીકે નરગીસને લેવાનો પ્લાન હતો. નરગીસના ઇનકાર પછી મીનાકુમારી પિક્ચરમાં આવ્યાં. એવી વાતો જાણ્યા પછી ક્યારેક એવો વિચાર પણ આવે કે મીનાકુમારીને બદલે નરગીસ “ન જાઓ સૈંયાં છુડાકે બૈયાં, કસમ તુમ્હારી મૈં રો પડુંગી...” ગાતાં કેવાં લાગત? અથવા “યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ...” કે પછી “હમને તો જબ કલિયાં માંગી કાંટોં કા હાર મિલા...” એમ દિલીપકુમાર ગાતા હોત તો એ ગાયનો અને ફિલ્મ બન્નેની લોકપ્રિયતા કદાચ જુદી જ ના હોત? શું લાગે છે?

તિખારો!
સ્ટીવન સ્પીલબર્ગ સાથે અમિતાભ બચ્ચનની વાતચીતના સાક્ષી બનવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જે સૌને આમંત્રણ અપાયું હતું તે યાદીને કેટલાકે ‘શિન્ડલર્સ લીસ્ટ’ કહી છે અને બીજાઓએ? ‘જુરાસિક પાર્ક’! (જ્યાં નાના નાના ડાયનાસોર એક વિશાળ ડાયનાસોરની હાજરીમાં એકત્ર થયા હતા!) 

4 comments:

  1. Superb Salilbhai ..vartman ni sathe rahi nostalgia ni adbhut safar ...Thank you ...

    ReplyDelete
  2. કસાયેલી કલમનો સુંદર કસબ .

    ReplyDelete
  3. Very good analysis and fine comparison betwen old and the new one. Thanks.

    ReplyDelete