કંગના ‘ક્વીન’નો દરબાર હવે જામી
રહ્યો છે!
‘રાણી’
ઇતિહાસ સર્જી રહી છે.... ના,૨૧મી માર્ચે જેનો જન્મદિન હતો (અને આદિત્ય ચોપ્રા સાથે
એ દિવસે લગ્ન થવાની હવા હતી એ) રાની મુકરજીની વાત નથી. આ તો આજે ૨૩મી માર્ચે જેની
‘હૅપી બર્થ ડે’ છે એ કંગનાની ફિલ્મ ‘ક્વીન’ની
હિસ્ટરીનો કિસ્સો છે. ‘ક્વીન’ની સવારી
આવી ત્યારે જે ભીડ થઈ હતી, તેના કરતાં દિવસે દિવસે થિયેટરોમાં દરબાર જામી રહ્યો છે.
પરંતુ, તેની પણ આ ચર્ચા નથી. વાત તો છે કંગનાની કલાકાર બિરાદરી સર્જી રહી છે એ ઇતિહાસની!
જે રીતે સ્ટાર્સ અને ફિલ્મકારો ‘ક્વીન’નાં
વખાણ કરી રહ્યા છે એ ‘કથરોટ’ (કટ થ્રોટ - ગળાકાપ!) સ્પર્ધાવાળી ફિલ્મી દુનિયામાં કદીક
બનતી ઘટના છે.
‘ક્વીન’
અને કંગના પર પ્રશંસાનાં પુષ્પો વરસાવનારાઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે આમિરખાને!
આમિરે એક નહીં ત્રણ ત્રણ ટ્વીટ કરીને કહ્યું છે કે જો તમે ‘ક્વીન’ ફિલ્મ ના જોઇ હોય તો ઇસી મિનિટે જોઇ આવો. આમિર એકલો જ નહીં ટ્વીટ
કરનારાઓમાં કંગનાની હરીફ અભિનેત્રીઓ દીપિકા (ક્વીન મસ્ટ વૉચ!) અને “કંગના ઇઝ ફિનોમિનલ”
કહેતી સોનાક્ષી સિન્હા પણ છે. ( આજે યાદ આવે
છે, દિલિપ કુમાર અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘શક્તિ’
જોયા પછી રાજકપૂરે પોતાના એક સમયના કટ્ટર હરિફ દિલિપ સા’બને અભિનંદન આપવા મોકલેલા ફુલોના
ગુલદસ્તા સાથેના કાર્ડ પર લખેલા આ શબ્દો, “શહેનશાહ હંમેશાં શહેનશાહ જ રહે છે!”)
માત્ર
કલાકારો જ નહીં, કરણ જોહર અને શેખર કપૂર જેવા નિર્દેશકોએ પણ ટ્વીટ કરીને ‘ક્વીન’ અને કંગનાને એટલે કે ‘ક્વીન કંગના’ને
મોતીડે (કે પછી ટ્વીટડે!) વધાવી છે. આ બધું ઓછું હોય એમ, કંગનાને એક નવા પ્રકારની
‘રાની’ બનાવવાની સંભાવનાઓ પણ પેલેસ ગોસીપની જેમ શરૂ થઈ છે. તે અનુસાર વિદ્યા બાલનને
અભિનયની રીતે વધુ માન્યતા અપાવનાર ‘કહાની’
ફિલ્મના દિગ્દર્શક સુજોય ઘોષના નવી થ્રિલર ‘દુર્ગા
રાની સિંગ’માં વિદ્યા ઉપલબ્ધ નહીં હોવાથી કંગનાની પસંદગી કરાઇ રહી છે. ‘કહાની’ વખતે વિદ્યાની એક્ટિંગથી પ્રભાવિત
સુજોયે જાહેર કર્યું હતું કે તેમની નવી ફિલ્મમાં તે વિદ્યાને જ લેશે. પરંતુ, વિદ્યાએ
હવે વધારે પડતાં ખુલતાં કપડાં પહેરવાનાં શરૂ કર્યાં હોઇ (જેની લેટેસ્ટ નિશાની ‘આઇફા’ના પ્રચાર માટેની ન્યૂયૉર્કની તેની પ્રેસ કૉન્ફરન્સમાંનું વેશ પરિધાન જોતાં) તેનું સીમંત દૂર નહીં હોય એવી
અટકળો પણ જોર પકડવી શરૂ થઈ છે. જો કે એમાં કશું ખોટું પણ ક્યાં છે? પરિણિત અભિનેત્રી
માતા બને એની વાત નથી.... પણ તેમની પ્રેગ્નન્સીની સંભાવનાઓના અંદાજ મૂકાય એમાં કશું
ખોટું ક્યાં છે?
વળી,
વિદ્યાએ હાથ પરનાં પિક્ચર્સને એક સામટી તારીખો ફાળવવાની શરૂ કરી છે, ત્યારે તો સિનેમા
ઉદ્યોગનું એક અનુભવસિદ્ધ ભડળી વાક્ય કામે લગાડાય. તે મુજબ, તો પરિણિત હિરોઇનનાં ખુલતાં
કપડાં પ્રોફેશનલી તેની તંગ સ્થિતિ (ટાઇટ સિચ્યુએશન) દેખાડતાં હોઇ નિર્માતાઓએ ચેતવાની
ઘડી આવી ગઈ કહેવાય! એક્ટ્રેસની એવી વાતો લખનારા ગૉસિપ કોલમિસ્ટ્સને રણબીર કપૂરની માતાએ
વર્ષો પહેલાં બહુ સરસ કહ્યું હતું. તેમના રીશી કપૂર સાથેનાં લગ્નની પોતે કરેલી આગાહી
સાચી પડી એનો ઉલ્લેખ કરતી એક જાણીતી પત્રકાર વિશે નીતુસિંગે કહ્યું હતું કે “કોઇ કૉલમિસ્ટને
ખોટી પાડવા હું ગૃહસ્થી જીવન અને માતૃત્વના અદભૂત અનુભવને ના ચૂકી શકું!”
મઝા
જુઓ કે એ જ નીતુજી અને રીશીકપૂરના ‘ખુલ્લંખુલ્લા પ્યાર કરેંગે’ના અભિગમના નતીજા સમાન
રણબીરને ‘બીગ બૉસ’ની આઠમી સિઝનને હોસ્ટ કરવાની ઑફર આવી હતી. ‘બીગ બૉસ’ સૌ જાણે છે એમ,
એ ગૉસિપ અને ઇધર કી ઉધર તથા ચાડી-ચુગલીને સરસ રીતે પ્રસ્તુત કરતો મસાલેદાર રિયાલિટી
શો છે. તેની યજમાની કરવાની દરખાસ્ત રણબીરે સ્વીકારી નથી. પરંતુ, ‘બીગ બૉસ’ની છેલ્લી
સિઝનમાં હોસ્ટ સલમાનખાને શોના હરિફો સાથે ખાસી નિકટતા કેળવી હતી. તેમાં પેલી સદા હસતી
વિદેશી રૂપસુંદરી ઍલી એવ્રામ એકલીની વાત નથી. જેના કાજોલની બહેન તનિષા સાથેના સંબંધો
ચર્ચાનો વિષય બન્યા હતા એ અરમાન કોહલીનો પણ ઉલ્લેખ જરૂરી છે.
અરમાનની
ભલામણ સલમાને સૂરજ બડજાત્યાને કરી હોઇ એક નેગેટિવ પ્રકારની ભૂમિકા માટે અરમાનને લેવાની
વાત હતી. પરંતુ, લાગે છે કે હવે નીલ નીતિન મુકેશ પર પસંદગી ફાયનલ થઈ ગઈ છે. એ પિક્ચરનું
નામ અગાઉ ‘બડે ભૈયા’ સંભળાતું હતું. પરંતુ,
હવે એ બદલીને ‘પ્રેમ રતન ધન પાયો’ એવું
કરાઇ રહ્યું છે. (‘ઓમ જય જગદીશ’ની કૌટુંબિક
પરંપરાની રીતે વિચારીએ તો સવાલ થાય કે ‘પ્રેમ’ તો જાણે સલમાનનું નામ હશે. પણ આ ‘રતન’,
‘ધન’ અને ‘પાયો’ કોણ બન્યા હશે?!) ‘રાજશ્રી’ના એ પિક્ચરના રાઇટ્સ વિશેનો એક મુદ્દો
પિછલે દિનોં માર્કેટમાં આવ્યો હતો. કેમ કે સલમાન ખાન સાથે એક ટીવી ચેનલે ૫૦૦ કરોડનો
સોદો કરીને તેની ભવિષ્યની ફિલ્મોના રાઇટ્સ લીધેલા છે. તેથી દરેક નિર્માતા પાસે તેનો
અમલ કરાવવાની શરત અને સલમાનની પોતાની ફી વચ્ચે સમતુલા કરીને ટર્મ્સ કરવાની રહે. તેથી
આજકાલ સ્ટાર્સના કરાર, નિર્માતા સંજય ગુપ્તા કહે છે એમ, પચાસ-સાઇઠ પાનાંના હોય છે.
ખરેખર તો સેંકડો કરોડ કમાતી ફિલ્મોમાં કામ કરવાના કોન્ટ્રાક્ટ ૧૦૦ પાનાંના હોય તો પણ
શું કામ આશ્ચર્ય લાગવું જોઇએ? શું કહો છો?
તિખારો!
અમિતાભ
બચ્ચન છેલ્લે અમદાવાદ આવ્યા, ત્યારે એક સંસ્થાના કાર્યક્રમમાં સવાલ-જવાબ દરમિયાન પ્રશ્ન
આવ્યો કે “આ ઉંમરે આટલી સ્ફુર્તિથી કામ કરતા રહો છો, તેનું રહસ્ય શું છે?” બચ્ચન સાહેબ
કહે, “ચ્યવનપ્રાશ” અને પછી હસતા હસતા બોલ્યા, “પણ એ કંપનીને એવું નથી લાગતું. કારણ કે હવે તેમણે મને
બ્રાન્ડ એમ્બેસેડર નથી રાખ્યો!!”