Saturday, July 26, 2014

ફિલમની ચિલમ... જુલાઇ ૨૭, ૨૦૧૪


સ્ટાર્સની લોકપ્રિયતાની પારાશીશીઓ બદલાય છે...
નયા જમાના આયા હૈ, નયે રેકોર્ડ લાયા હૈ!


સલમાનખાન ફરી એકવાર ‘બીગ બૉસ’ બને છે! ‘કિક’નો બોક્સઓફિસ રિપોર્ટ હોય એવા લાગતા આ ન્યુઝ હકીકતમાં ટીવી પર આવતા શો વિશેના સમાચાર છે. હા, જો રિપોર્ટ્સ સાચા હોય તો, દરેક અઠવાડિયાના પાંચ કરોડ રૂપિયા ચાર્જ કરવાના રેટ સાથે ‘ભાઇ’ આ વખતે આઠમી સિઝન માટે પણ ‘બીગ બૉસ’નું સંચાલન કરવા સંમત થયા છે. ચેનલને આવા પૈસા આપવામાં ખચકાટ થતો હોય તો પણ ફિલ્મ સ્ટાર્સની લોકપ્રિયતાના આંકડા જોતાં એ હિચકિચાહટ દૂર ન થાય તો ઓછી તો થાય જ. સલમાનની ‘કિક’નાં ગાયનો રિલીઝ થયા પછી ‘યુ ટ્યુબ’ પર સાવ ટૂંકા ગાળામાં ત્રણ મિલિયન (ત્રીસ લાખ) લોકો જુએ એ આંકડાઓ શું સાબિત કરે છે? સલમાનની માફક જ ‘યુ ટ્યુબ’ પરની  રિતિક રોશન અને કેટરિનાની લોકપ્રિયતા પણ આ સપ્તાહે  એવી જ સનસનાટીભરી સાબિત થઈ. એ બન્નેની આવનારી ફિલ્મ ‘બેંગ બેંગ’નું ટીઝર આ અઠવાડિયે રિલીઝ કરાયું અને ‘યુ ટ્યુબ’ પર રેકોર્ડ થયા!

‘બેંગ બેંગ’માંનો રિતિકનો લુક, તેની બૉડી, તેના સ્ટંટ્સ વગેરેનું આકર્ષણ અને તેના નવા પિક્ચર માટેની ઉત્સુકતાનું જ એ પરિણામ છે કે માત્ર ચોવીસ જ કલાકમાં ‘યુ ટ્યુબ’ પર એ ટ્રેલર લગભગ ૨૪ લાખ લોકોએ જોયું. (‘ટીઝર’ એ નાનકડું ટ્રેલર જ હોય છે..... જેમ કોઇ જાણીતી અભિનેત્રીના મહેમાન નૃત્યને ‘આઇટમ સોંગ’ કહેવાય છે એમસ્તો!) કોઇપણ હિન્દી ફિલ્મ માટે આ નવો વિક્રમ છે.  એટલું જ નહીં, બુધવારે ૨૩મીએ સવારે ૮ વાગે ઇન્ટર્નેટ પર તેની એન્ટ્રી થઈ અને સાંજે નવ વાગે અર્થાત માત્ર ૧૩ જ કલાકમાં એક મિલીયનનો આંકડો પાર કરી દીધો અને ૧૮ કલાકમાં બે મિલિયન (વીસ લાખ) હિટ થયા. આ બેઉ નવા રેકોર્ડ છે.  હવે આવા રેકોર્ડ પણ ગણત્રીમાં લેવાવાના. હવે બોક્સઓફિસની સાથે સાથે ઇન્ટરનેટના માધ્યમ પરની પારાશીશી પણ સ્ટાર્સની પોપ્યુલારિટિ દર્શાવવાની. વળી, તેનો રાજીપો પણ ટ્વીટર જેવા સોશ્યલ મીડિયા પર જ કરાય જેથી ઝડપથી એ વાવર ફેલાય અને વધુને વધુ હિટ મળતા રહે.


 ‘ટ્વીટર’ની મદદથી જ આ સપ્તાહે સૌને એ પણ ખબર પડી કે સોહા અલી ખાનને તેના બોયફ્રેન્ડ કુણાલ ખેમુએ વીંટી પ્રસ્તુત કરીને લગ્ન માટે રીતસર પ્રપોઝ કર્યું અને પટૌડીનાં આ શાહજાદીએ તેનો સ્વીકાર કર્યો છે. તેમાં મઝાની વાત હતી સોહાની ઔપચારિક ભાષા. તેણે ટ્વીટ કરતાં લખ્યું, “મને આપ સૌ સાથે એ સમાચાર શેર કરવાની બેહદ ખુશી થાય છે કે કુણાલે વિશ્વની સૌથી યોગ્ય વીંટી સાથે મને પેરિસમાં પ્રપોઝ કર્યું છે અને મેં હા કહ્યું છે.” (જાણે કોઇ રજવાડી-નવાબી જાહેરાત થતી હોય એવી ટ્વીટની શરૂઆત હતી, “ઇટ ગીવ્સ મી ગ્રેટ હૅપીનેસ ટુ શૅર વીથ યુ ઑલ....” વાહ ભૈ વાહ!) 

સોહાના ભાઇ સૈફે જો કે પોતાની કબુલાત કમ ભડાશ માટે ટ્વીટર નહીં પણ ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ જેવું માતબર અખબાર પસંદ કર્યું એ પણ કદાચ ભાઇ અને બહેનની બે પેઢી વચ્ચેનો ફરક દર્શાવે છે. જો કે સૈફનો ‘હમશકલ્સ’ કરવા બદલનો પસ્તાવો પણ ચર્ચાનો વિષય થયો છે. સૈફે ભવિષ્યમાં સાજિદખાન સાથે કામ નહીં કરવાનું નક્કી કર્યાનું પણ કહેવાય છે. તો ફિલ્મની એક હિરોઇન બિપાસા બાસુ તો પહેલેથી જ પોતાને અલગ કરી ચૂકી હતી. અન્ય એક નાયિકા એશા ગુપ્તાએ પણ પોતાની રીતે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે “મેં મારા પપ્પાને આ ફિલ્મ ના જોવા કહ્યું હતું.”



‘હમશકલ્સ’ માટે સૈફે તો ત્યાં સુધી કહ્યું કે “એ પિક્ચરની કોઇ સ્ક્રિપ્ટ જ નહતી. હું જે નથી એ બનવાનો પ્રયત્ન કરતો હતો.. પાછું વળીને જોતાં હવે સમજાય છે કે એ ફિલ્મના સેટ પર એક મિનિટ પણ મેં એન્જોય નહતી કરી....” (કોઇએ સેફને સમજાવવા જેવું છે કે તમે ના હોવ એ બનવાની કળાને જ તો અભિનય કહેવાય છે!) પરંતુ, તેના અનુસંધાનમાં દિગ્દર્શક સંજય ગુપ્તાએ સરસ વાત કહી. એ કહે છે કે ‘ટિકિટબારી પર સફળતા ના મળે ત્યારે ડાયરેક્ટરને દોષ દેવાની પ્રથા વાજબી નથી. શું અત્યાર સુધીમાં સો અને બસ્સો કરોડનો વકરો લાવનારી બધી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ અને દિગ્દર્શન એ વ્યાપારી સફળતા જેવાં જબરદસ્ત હતાં? છતાં એ કલેક્શન બદલ જો સ્ટાર્સ જશની કલગીઓ (અને ભાવ વધારો પણ!) લેતા હોય, તો નિષ્ફળતા વખતેના પથ્થમારા માટે એકલા ફિલ્મ મેકરને શા માટે ધરી દેવાય?’ ગમ્મત તો એ પણ છે કે ‘હમશકલ્સ’નાં પહેલા ત્રણ દિવસનાં કલેક્શન બદલ અપાયેલી ‘સક્સેસ પાર્ટી’માં સૌ હોંશે હોંશે સામેલ થયા હતા! 


આ સંજય ગુપ્તા એ દિગ્દર્શક છે, જેમની આવનારી ફિલ્મ ‘જઝ્બા’માં ઐશ્વર્યાએ પુનરાગમન કરવાની સંમતિ આપી છે અને ‘ટ્વીટર’ પરની તેમની સત્તાવાર જાહેરાત પછી એ ન્યુઝ સૌ પ્રથમ અહીં અપાયા હતા. જો કે ઘણા ગમ્મતમાં એમ કહેતા હોય છે કે ‘કમબૅક ફિલ્મ’ની ખરી જરૂરિયાત તો અભિષેકને છે! પણ મજાક બાજુ પર રાખીએ તો, અભિષેક અને પિતા અમિતાભ બન્ને ફુટબૉલના વર્લ્ડ કપની ફાયનલ જોવા બ્રાઝીલ ગયા હતા. અમિતજીએ તો વર્લ્ડ કપની પ્રતિકૃતિ (રેપ્લિકા) સાથેનો પોતાનો ફોટો પણ અપલોડ કર્યો હતો. એ બધું જોઇ-વાંચીને ફરી એકવાર લાગ્યું કે, ૭૧ વરસે પણ સિનિયર બચ્ચન ૧૭ વરસના કિશોરના ઉત્સાહથી જિંદગીની એક એક ક્ષણનો કસ પોતાની રીતે કાઢે જ જાય છે. કેટલાક દલીલ કરતા હોય છે કે તેમની પાસે પૈસાની ખોટ નથી, એટલે આમ કરી શકે છે. પરંતુ, તમારી પાસે રૂપિયાનો ઢગલો હોય,પણ તમારી મનપસંદ પ્રવૃત્તિનો આનંદ લેવાનું આયોજન ન હોય તો, જૉસેફ મેકવાન લખતા એવી તળપદી ચરોતરી ભાષામાં કહીએ તો, એવા ઢગલાને શું દેવતા મેલવાનો?!

તિખારો!

‘બેંગ બેંગ’ના એ ‘મીની ટ્રેલર’નાં વખાણ ‘ટ્વીટર’ પર કરણ જોહરથી માંડીને અર્જુન કપૂર અને પરિણિતી ચોપ્રા સહિતના સૌએ કર્યાં. પરંતુ, તેમાં સોનમ કપૂરની પ્રશંસા શ્રેષ્ઠ રહી. સોનમે એક મીની આશ્ચર્ય જ વ્યક્ત કર્યું છે કે..... “આ રિતિક અને કેટરિના આટલાં બધાં ખુબસુરત શાથી લાગે છે!!”  





Sunday, July 20, 2014

ફિલમની ચિલમ જુલાઇ ૨૦, ૨૦૧૪




ગાંધી જયંતિને બદલે શિક્ષક દિને આવી પહોંચશે
                            ‘દાવત-એ-બૉક્સર’ની ચેલેન્જ!

શું કેટરિનાએ ‘સાસુ અને છાશ’વાળી પેલી જૂની વાર્તા સાંભળી હશે? તેમાં સાસુને નહીં પૂછવાથી તેમનો ઇગો ઘવાય છે. (આ સાસુઓના ‘ઇગા’ બહુ નાજુક, ગમે તે વાતે ઘવાઇ જાય!) કારણ ગમે તે હોય પણ, કેટરિનાએ ગયા અઠવાડિયે પોતાનાં સંભવિત સાસુમા નીતુસિંગ (કપૂર)ને એક સરસ રેસ્ટોરાંમાં જમાડ્યાં એ નક્કી અને હવે ન્યૂઝ આવે છે કે પોતાની બર્થડે રણબીર સાથે ઉજવવા કેટરિનાએ પોતાના દિગ્દર્શક પાસેથી પણ રજા મંજૂર કરાવી લીધી છે. (આ વખતે તેની બર્થડે પર આવેલા અનેક સંદેશાઓમાં ‘કૅટ’ માટે ‘બેસ્ટેસ્ટ’ વર્ષની શુભેચ્છા દીપિકાએ ટ્વીટ કરીને જાહેરમાં પાઠવી છે.) કેટરિના હાલ ચેકોસ્લોવેકિયાના પ્રાગ શહેરમાં રિતિક રોશન સાથે ‘બૅંગ બૅંગ’નું શૂટિંગ કરી રહી છે અને રણબીર ફ્રાન્સની હકુમતવાળા કોર્સિકા ટાપુ પર ‘તમાશા’ પિક્ચર માટે વ્યસ્ત છે. યાદ છે ને, ગયે વખતે એ બેઉ સ્પેનના એક બીચ પર સ્વીમીંગ કોસ્ચ્યુમમાં ફરતાં હોવાની તસ્વીરો આવી હતી અને સર્જાયેલો હોબાળો? 

એ સ્પેન વેકેશન દરમિયાનની કેટરિના સાથેની રણબીરની તસ્વીરો પછી નીતુ અને રિશિકપૂર બન્ને નારાજ થયાના સમાચાર ગંભીર ગણાતા એક અંગ્રેજી દૈનિક અખબારે પ્રસિધ્ધ કર્યા હતા. (ટૂંકમાં કહીએ તો, ‘પાપારાઝી’ના છુપા કેમેરામાં ઝડપાઇ ગયેલા દીકરા માટે પાપા રાજી નહતા!) એવા તમાશાને ટાળવા કેટરિનાએ આ વખતે છાશ લેવા જતાં પત્રકારો-ફોટોગ્રાફરોથી દોણી સંતાડવી પડે તો પણ સાસુજીને તો પૂછી જ લેવું એમ કદાચ નક્કી કર્યું હશે. એટલે આ વખતે પણ કોઇ સાહસિક ફોટોગ્રાફરને ક્રિકેટ કે ફુટબોલના મેદાનમાં વપરાય છે એવા લાંબા અંતરના કેમેરાથી ગયા વખત જેવા ફોટા પાડવાની તક મળશે તો પણ કપૂર પરિવારની નારાજગી તો નહીં જ વહોરવી પડે. એવા (‘લંબી દૂરી તક માર કરનેવાલે’?) કેમેરાની ભલામણ તો સલમાન ખાને પણ ફોટોગ્રાફરોને આ અઠવાડિયે કરી જ છે ને? 

તસ્વીરકારો માટે તો ‘શ્રધ્ધા’નો વિષય હજી પૂરો નથી થયો, ત્યાં સલમાનની ‘કિક’નો મુદ્દો આવ્યો છે. સૌ જાણે છે એમ, ‘કિક’ના એક ગીતના પ્રચાર-પ્રસાર માટે બોલાવાયેલા મીડિયામાંના ફોટોગ્રાફરો અને સલમાનના રક્ષકો/બોક્સરો વચ્ચે થયેલા વિવાદને પગલે કેમેરામેનના એસોસીએશને એ ‘ખાન સ્ટાર’નો બહિષ્કાર જાહેર કર્યો છે. સલમાને એ સમારંભમાં એમ કહ્યાનું કહેવાય છે કે “જેમને આ કાર્યક્રમ કવર કરવો હોય તે કરે અને જેમને જવું હોય તે પાછા જાય...”. એ વાત સાચી હોવાની શક્યતા વધારે એટલા માટે છે કે પોતાના બહિષ્કારના નિર્ણયની જાણ થયા પછી સલમાને કરેલી ટ્વીટ પણ એવા જ મિજાજની છે. સલમાને ટ્વીટમાં લખ્યું છે કે “મારા ફોટા નહીં લેવાથી ફોટોગ્રાફરોને કામ ઓછું મળશે અને છતાંય તેમણે મારા ફોટા નહીં પાડવાનો તેમણે નિર્ણય કર્યો છે. આને સાચું સ્ટેન્ડ લીધું એમ કહેવાય.” 

એ ટ્વીટ રાત્રે દોઢ વાગે કરી તેની પાંચ-સાત મિનિટ પછી તરત પૂરક ટ્વીટમાં ઠાવકાઇથી વળી લખ્યું કે “જો એ સૌ પોતાના આ નિર્ણયને વળગી રહેશે તો તેમના માટે મને અત્યંત માન રહેશે.” આનો દેખીતો અર્થ એ કે સલમાન એમ માને છે કે તેને ફોટોગ્રાફરોની જરૂર છે, તેના કરતાં કેમેરામેનને પોતાની રોજી-રોટી માટે સલમાનની જરૂરિયાત વધારે છે. આ વિવાદ ફિલ્મ ઉદ્યોગમાં વર્ષોથી ચાલ્યો આવે છે. ‘સ્ટાર’ બનતા પહેલાં નવોદિતો પત્રકારો-ફોટોગ્રાફરોની ગુડબુકમાં રહેવા પ્રયત્નશીલ હોય છે અને એક વાર સફળતા મળી કે પાસું પલટાઇ જાય છે. તેને માટેની એક પ્રસિધ્ધ ઉક્તિ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમ કહેવાય છે કે ‘‘એક સ્ટ્રગ્લરની સફર શરૂ થાય ‘ટ્રેડ ગાઇડ’ કે ‘ફિલ્મ ઇન્ફર્મેશન’ જેવાં સામયિકોમાં જાહેરાત આપીને પોતાનો કોન્ટેક્ટ ફોન નંબર છપાવીને અને પૂરી થાય જ્યારે એક સ્ટાર તરીકે તે ટેલીફોન ખાતાને પોતાનો નંબર ડીરેક્ટરીમાં નહીં છાપવાની વિનંતિ કરતી અરજી ત્યારે!” એટલે સંઘર્ષના દિવસોની દોસ્તી કે એહસાન મોટેભાગે જીવનભર ચાલતાં. પરંતુ, આજે સ્થિતિ બદલાઇ ગઈ છે. હવે કદાચ એવી સ્ટ્રગલ પણ ઓછી થઈ ગઈ છે અને મીડિયાનો વ્યાપ તથા માધ્યમોની વધેલી સંખ્યાને લીધે હવે મોનોપોલી જેવું રહ્યું નથી. કેમેરામેનની વાત જ કરીએ તો હવે સ્ટીલ ફોટોગ્રાફર્સ જેટલા જ (કદાચ વધારે?) ટીવી લેન્સમેન હશે.

જો ટીવીમાં પોતાના ઇવેન્ટના ન્યૂઝ કે ચિત્રો ઇસી મિનિટે આવી જતા હોય, તો સ્ટીલ ફોટો માટે કોને ગરજ રહે? વળી, જો ટીવીના કેમેરામેન પણ તેમાં સંકળાયા હોય તો પણ પ્રસંગનું રેકોર્ડિંગ તો પોતાના કેમેરાથી કોઇપણ સ્ટાર કે નિર્માતા કરી જ શકેને? હવે તો સ્માર્ટ ફોન અને ટેબ્લેટ જેવાં કેટકેટલાં ઉપકરણો ઉપલબ્ધ છે! આ અંગે અમિતાભ બચ્ચને ઘણા વખતથી એક સરસ પ્રથા પાડી છે. એ જ્યાં જાય ત્યાં તેમના કેમેરામેન તો હોય જ. એટલે કોઇપણ પ્રસંગના રિપોર્ટિંગમાં તેમના માટે હકીકતથી અલગ કશુંય મીડિયામાં આવે કે ‘બાપુ’ પોતાનો ખુલાસો સબૂત કે સાથ પ્રસ્તુત કરે. તેમના બ્લોગની શરૂઆતની ઘણીય પોસ્ટમાં મિસરિપોર્ટિંગ કરનાર પત્રકારોને બચ્ચન સાહેબે નામ-જોગ જાહેરમાં લબ્બે લીધા હતા. તે પછી તેમના વિશેનું ગલત-સલત રિપોર્ટિંગ બંધ જ થઈ ગયું. 
 
 એટલે મૌજુદા સંજોગોમાં આ બહિષ્કાર લાંબો નહીં ચાલી શકે. સલમાન પણ અમિતાભ જેવો કોઇ રસ્તો અપનાવી શકે અથવા કરણ જોહર જેવા કોઇ સદા-સ્વીટ વ્યક્તિની દરમિયાનગીરીથી રસ્તો નીકળશે. કેમ કે કરણ જોહરે પોતાની ફિલ્મ ‘શુધ્ધિ’માં છેવટે સલમાનને લીધો છે અને તેની બાકાયદા જાહેરાત ટ્વીટ મારફત આ સપ્તાહે કરી છે. (આ કોલમનું છ વીક પહેલાંનું ટાઇટલ હતું..... ‘‘શું કરણ જોહરની ‘શુધ્ધિ’ હવે સલમાન ખાન કરશે?’’) એ જ ટ્વીટમાં કરણ જોહરે પોતાની એ ફિલ્મ ૨૦૧૬ની દિવાળી પર રજૂ કરવાના પ્લાન જાહેર કર્યા હોઇ સૌએ તેની પણ નોંધ લેવાની રહે. દિવાળીએ પિક્ચર રજૂ કરતા શાહરૂખના નિર્માતાઓને તો ખાસ! નહીં તો ચોપ્રા બહેનોમાં થઈ એવી ટકરામણ થઈ શકે. કેમ કે પ્રિયંકા ચોપ્રાની ફિલ્મ ‘મેરી કોમ’ પાંચમી સપ્ટેમ્બરે રિલીઝ થવાની જાહેરાત આવી એટલે પરિણિતિ ચોપ્રાની ‘દાવતે ઇશ્ક’ સાથે એ ટકરાશે. ‘મેરી કોમ’ અગાઉ બીજી ઓક્ટોબરે પ્લાન થઈ હતી. પરંતુ, તે દિવસે રિતિક રોશનની ‘બેંગ બેંગ’ અને વિશાલ ભારદ્વાજની શેક્સપિઅરના નાટક ‘હેમલેટ’ પરથી બનનારી ‘હૈદર’ પણ આવી રહી હોઇ ‘મેરી કોમ’ ગાંધી જયંતિને બદલે હવે ‘શિક્ષક દિન’ પર શિફ્ટ કરાઈ છે.  (‘મેરી કોમ’ માટે પ્રિયંકાએ કસેલી બોડી જોઇને ‘ભાગ મિલ્ખા ભાગ’ના ફરહાન અખ્તરની યાદ આવી જાય છે.) 

આ રીતે ‘મેરી કોમ’ને ખસેડવાથી યશરાજની ‘દાવતે ઇશ્ક’ને એ વીકની ઘરાકી વહેંચવાની થશે અને અગાઉ ‘જંજીર’ તથા ‘શુધ્ધ દેસી રોમાન્સ’ની ટક્કર વખતે થયું હતું એમ એક જ શુક્રવારે રિલીઝ થયા પછી જેની ફિલ્મ સારી હશે તે બહેન જીતશે.  હવે તો ફિલ્મના ધંધાનું ગણિત “સાત દિન કી ચાંદની” વાળું જ રહી ગયું છે. જે લેવા-મૂકવાનું હોય એ પહેલા સાત દિવસ (ખાસ તો પહેલું વીક એન્ડ) જ! એ ટૂંકા દિવસોમાં ‘હમ્પ્ટી શર્મા કી દુલહનિયા’નો ૩૫ કરોડનો વકરો થતાં તે એક સફળ ફિલ્મ ગણાઇ છે. ‘હમ્પ્ટી શર્મા....’નો ૫૦ કરોડનો અંદાજિત બિઝનેસ જોતાં આલિયા ભટ્ટને નામે એક ઓર હીટ ફિલ્મ આવી. પણ એ ‘દુલ્હનિયા’ કેટલા દિવસ ટકશે? કેમ કે હવે આ શુક્રવારે ૨૫મીએ આવનારા સલમાનખાનના સ્ટીમરોલર માટે ઢગલાબંધ સ્ક્રિન ખાલી થવા માંડશે. સલમાન મિનિમમ ૧૦૦ કરોડના કલેક્શનની ‘કિક’થી ‘ઇદ મુબારક’ કરશે એ તો નક્કી જ મનાય છે..... મીડિયાનો બહિષ્કાર હશે કે તે સૌ ખરાબ રિવ્યુ કરશે, તો પણ!

તિખારો!

અમિતાભ બચ્ચનની ‘યુધ્ધ’ સિરિયલને મળેલો અદભૂત આવકાર જોતાં કહી શકાય કે બચ્ચનદાદાને ફિલ્મોમાં  નિયમિત કામ આપો નહીં તો એ ટીવી પર ‘યુધ્ધ’ કરીને સિનેમાના રાતના શો બગાડશે!!

Sunday, July 13, 2014

ફિલમની ચિલમ......જુલાઇ ૧૩, ૨૦૧૪



યે હીટ ભી કોઇ હીટ હૈ, લલ્લુ?!

‘યે હીટ ભી કોઇ હીટ હૈ, લલ્લુ?!’ એમ અમિતાભના ‘મિસ્ટર નટવરલાલ’ની જેમ કદાચ સૈફ અલી ખાન કહેતો હશે. કારણ કે ‘હમશકલ્સ’ને ૬૦-૬૫ કરોડના આંકડાને પહોંચતાં હાંફ ચઢી રહ્યો છે! (કદાચ એ જ કારણ હતું કે શરૂઆતમાં પચાસનો સ્કોર થતાં જ સાજિદે સક્સેસ પાર્ટી આપી દીધી હતી.) સૈફ એકમાત્ર ખાન છે, જેને હજી ૧૦૦ કરોડની ક્લબમાં જેન્યુઇન રીતે પ્રવેશવાનું બાકી છે. તેની એકમાત્ર ફિલ્મ ‘રેસ-ટુ’ એવો વકરો લાવનારી ગણાય છે ખરી. પરંતુ, એ આંકડે પહોંચતાં છોટે નવાબના એ પિક્ચરને ૯ વીક (એટલે કે ૬૩ દિવસ) લાગ્યા હતા! (યે સેન્ચુરી ભી કોઇ સેન્ચુરી હૈ, લલ્લુ?)
 સામે પક્ષે આમિરની ‘ધૂમ-૩’ એ આંકડો ૩ દિવસમાં તો રિતિકની ‘ક્રિશ-૩’ અને શાહરૂખની ‘ચેન્નઈ એક્સપ્રેસ’ બેઉ ચાર જ દિવસમાં અને સલમાનની ‘એક થા ટાઇગર’ અને ‘દબંગ-૨’ એક સપ્તાહ કરતાં ઓછા ટાઇમમાં સદી મારી શક્યાં હતા. રણબીર જેવા કલ કા છોકરાની ‘યે જવાની હૈ દીવાની’ને સાત જ દિવસ લાગ્યા હતા અને અર્જુન કપૂર સરખા નવા-સવા છોકરાની ‘ટુ સ્ટેટ્સ’ પણ એ યાદીમાં ૩ જ વીકમાં પહોંચી હતી. હજી આવનારા દિવસોમાં સૈફની આ કમી વધારે ઉડીને આંખે વળગશે. કેમ કે હવે ૨૫મીએ રમઝાન ઇદ પર સલમાનની ‘કિક’ લાગવાની છે. તેની ઓછી ચાલેલી ગણાતી ફિલ્મો પણ ૧૫૦ કરોડનો આંકડો રમતાં રમતાં લઈ આવતી હોય છે. તેથી ‘કિક’ પણ પહેલા વીકમાં જ એ ગોલ કરી દેશે એ ચોકકસ ગણાય છે. 

એ જ રીતે  હવે આવનારી શાહરૂખની ‘હેપ્પી ન્યૂ યર’, આમિરની ‘પીકે’, રિતિકની ‘બેંગ બેંગ’ એ બધાના સંભવિત સૈકાબંધ બિઝનેસ સામે ‘હમશકલ્સ’નાં કલેક્શન સાથેનો સૈફ ધંધાકીય રીતે સેફ ગણાશે કે? બાકી અત્યારનો માહૌલ તો એવો છે કે આ સેન્ચુરી બેટ્સમેન જેવા હીરોએ પોતાના રેટ એવા કરવા માંડ્યા છે, કે કાચા-પોચાનાં છાતીનાં પાટિયાં બેસી જાય! જેમ કે રિતિક રોશને પોતાનો ભાવ ૫૦ કરોડ કર્યાની વાત અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. તેણે આશુતોષ ગોવારીકરની ફિલ્મ ‘મોહનજો દેરો’ માટે એ ભાવ પાડ્યાના ખબર છે. એવાં પચાસ ખોખાં (કે ઇવન ૪૦ કે ૩૦ કરોડ!) કોઇ નિર્માતા ત્યારે જ આપવા તૈયાર થાય, જ્યારે તેને એવી પ્રોડક્શન વેલ્યુવાળી પ્રોડક્ટની લાગતની રિકવરીની ખાત્રી હોય.     

એટલે જ ફિલ્મોની રજૂઆત વખતે ઇદ-દિવાળી-નાતાલ વગેરેનો ખ્યાલ રખાતો હોય છે. નહીં તો રમઝાનમાં રિલીઝ થયેલી ‘બૉબી જાસુસ’ અને ‘લેકર હમ દીવાના દિલ’ની ગયા અઠવાડિયે થઈ એવી દશા થાય.  બેઉને ટિકિટબારી પર પ્રેક્ષકોની જે સંખ્યા દેખાઇ હતી એ જોઇને ઉપવાસ, નહીં તો ફરાળ તો યાદ આવી જ જાય. વિચાર તો કરો, વિદ્યા બાલનની સંખ્યાબંધ વેશભૂષાઓની આટલી બધી પબ્લિસિટિ થયા છતાં ઑડિયન્સને શોધવા જાસુસને મોકલવા પડે એવી સ્થિતિ થઈ હતી. (પણ નિર્માણ પાછળ પૈસા તો દિયા મિર્ઝા અને તેના મિત્રોના લાગ્યા હોઇ, ‘રડશે રૂ વાળો, કપાસિયાવાળાને શું?’નો ઘાટ થશે!) જ્યારે કપૂર ખાનદાનના કહી શકાય એવા અરમાન જૈનના પિક્ચરને મળેલા નબળા આવકાર (કે જબ્બર જાકારા?)નો ખ્યાલ તો એ પરથી આવી શકે એમ છે કે પહેલા ત્રણ દિવસમાં માંડ બે કરોડ થયા છે. તેની પબ્લિસિટિ અને પ્રમોશન પાછળ ખર્ચેલા પૈસાનો પણ મેળ પડ્યો હશે કે કેમ એ સવાલ થાય.



ફિલ્મોના પ્રમોશન માટે ટીવી પર મસ્ત સાબિત થવાને લીધે અત્યારે ‘મસ્ટ’ ગણાતા શો ‘કોમેડી નાઇટ્સ વીથ કપિલ’ના હીરો (?) કપિલ શર્માએ જ્યારે યશરાજ ફિલ્મ્સની એક સાથે ત્રણ ફિલ્મોનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો, ત્યારે ભલભલા હીરો પણ છક્કડ ખાઇ ગયા હતા. કપિલ દેખાય છે સારો, ગાય છે પણ સારું અને સરસ ટાઇમીંગ સાથે તત્કાળ હ્યુમર કરવાની તેની આવડત છતાં હીરો બને અને તે પણ ‘યશરાજ’નાં ત્રણ ત્રણ પિક્ચરોનો? ‘યે બાત કુછ હજમ નહીં હુઇ’ એમ બોલતા લોકોને ઠંડા પાડતો હોય એમ કપિલે જુનના બીજા અઠવાડિયામાં ‘ટ્વીટ’ કરીને જાહેર પણ કરી દીધું કે તેનો શો સપ્ટેમ્બર મહિનાથી બંધ થઈ રહ્યો છે. ભવિષ્યમાં નવી સિઝન, નવાં પાત્રો સાથે એ પરત આવશે, ત્યાં સુધી હસતા રહેજો ખુશ-ખુશાલ રહેજો વગેરે વગેરે. પરંતુ, એ ટ્વીટને હજી મહિનો પૂરો થાય તે પહેલાં તો યશરાજ ફિલ્મ્સ તરફથી બોંબ ફુટ્યો!

‘યશરાજ’ની પ્રેસ રિલીઝ ગયા વીકમાં આવી કે કંપનીનો કપિલ સાથેનો કરાર ફોક કરાયો છે. તે જાહેરાતમાંની મહત્વની વાત એ હતી કે બન્ને પક્ષની સમજૂતીથી આ કોન્ટ્રાક્ટ રદ થયો હતો. યશરાજ બનાવવાના હતા એ પિક્ચર ‘બેંક ચોર’ પણ હવે નહીં બને. પંદર-વીસ દિવસમાં એવું શું બની ગયું હશે? એક વાયકા એવી છે કે કપિલ સાથે કામ કરવા કોઇ હીરોઇન તૈયાર નહતી. તેના શોમાં એ જે રીતે લગભગ દરેક હીરોઇન સાથે ફ્લર્ટ કરતો હોય છે, એ જોતાં “હોઉં તો હોઉં પણ ખરો” એ સિન્ડ્રોમનો ભોગ બન્યો હોય એ સંભવ છે. પોતે ‘હીરો મટિરિયલ’ છે એ ભ્રમણા એક જમાનામાં મહેમૂદને પણ હતી. પરંતુ, તેમની સામે કોઇ મોટી હીરોઇન કદી તૈયાર ના થઈ. અહીં પણ એવો કિસ્સો હોવાનું શક્ય લાગે છે, ખાસ તો નરગીસ ફખરીના કહેવાતા એક મેસેજને લીધે.


નરગીસને ‘યશરાજ’ તરફથી કપિલની ફિલ્મની ઓફર આવી હતી અને તેણે તારીખોનું કારણ (બહાનું?) આગળ ધરીને ઇન્કાર કરી દીધો હતો. પરંતુ, પછીથી નરગીસનો હોવાનો કહેવાતો એક એસ.એમ.એસ. મીડિયામાં આવ્યો, જેમાં તેણે લખ્યું હતું કે “મને ત્યારે શૉક લાગ્યો, જ્યારે ‘વાયઆરએફ’ તરફથી મને કોમેડિયન કપિલ શર્મા સાથેની ફિલ્મ ઓફર મળી. મને લાગે છે કે એ લોકો ભૂલી ગયા કે મારી શરૂઆત રણબીર કપૂર સાથે થઈ હતી.” ટૂંકમાં, કોમેડિયન માટેનો અણગમો સ્પષ્ટ હતો. (‘મેરા નામ જોકર’માં રાજકપૂર કહે છે ને? “ગમ જબ સતાયે સીટી બજાના, પર મસ્ખરે સે દિલ ના લગાના...”!)

તેથી કપિલ હવે આડે-અવળે ડાફોળિયાં માર્યા વગર પોતે જે કામમાં માહિર છે, એ કોમેડી પર જ ધ્યાન કેન્દ્રિત કરશે? ઑલરેડી એવા ઇન્ટરવ્યૂ તો આવવા શરૂ થઈ જ ગયા છે કે પોતે “કોઇપણ ભોગે ટીવી અને કોમેડીને નહીં છોડે...”  કપિલની એ ફિલ્મ ‘બેંક ચોર’નું અને બીજી બે સ્ક્રિપ્ટનું શું થશે? કપિલ જાતે એકાદનું નિર્માણ કરશે? એકાદી હીરોઇન તેની સામે તૈયાર થશે? કે પછી મહેમૂદની હતી એવી શોભા ખોટે, મુમતાઝ કે પછી અરૂણા ઇરાની જેવી હાલની કોઇ સહાયક અભિનેત્રી સાથે એ જોડી જમાવશે? ઐસે સવાલોં કે જવાબ આનેવાલે દિનોં મેં દેખેંગે.... હમલોગ!

તિખારો!

ફુટબૉલના વર્લ્ડકપની  સેમી ફાઇનલમાં બ્રાઝીલની ટીમને જર્મનીએ ૧ સામે ૭ ગોલ ફટકારીને સ્પર્ધામાંથી આઉટ કરી દીધા પછી આવેલી અસંખ્ય રમૂજોમાં આ કદાચ શ્રેષ્ઠ હશે:
મૅચની બીજી સવારે બ્રાઝીલની ટીમના મૅનેજર/કોચ  સ્કોલારીને તેમનાં પત્નીએ જગાડતાં કહ્યું, “ઉઠો હવે.... આઠ થયા.” સ્કોલારીએ પથારીમાંથી સફાળા બેઠા થઈને પૂછ્યું, “શું એ લોકોએ વળી પાછો ગોલ કરી દીધો?"