Sunday, July 6, 2014

ફિલમની ચિલમ.... જુલાઇ ૦૬, ૨૦૧૪

‘શ્રધ્ધા’નો હો વિષય ત્યાં કેમેરાની શી જરૂર...?

 
‘એક વિલન’ ગયા સપ્તાહે રિલીઝ થઈ અને ફિલ્મી સાહિત્યને એક નવો શબ્દ સમૂહ મળ્યો. કોઇ પિક્ચર ધરખમ વકરો કરે, ત્યારે એક સમયે ‘હિટ’ શબ્દ ખુબ વપરાતો. પછી ‘સુપર હિટ’ આવ્યો અને અમિતાભ બચ્ચનનાં પિક્ચરોથી શરૂ થઈ એક નવી ટર્મ ‘સુપર ડુપર હિટ’! પરંતુ, ‘એક વિલન’ જેવી પ્રમાણમાં નાની ફિલ્મે પહેલા ત્રણ જ દિવસમાં ૫૦ કરોડનો આંકડો વટાવી દેતાં તરણ આદર્શ જેવા ટ્રેડ-પંડિતે તેને ‘મૉન્સ્ટ્રસ હીટ’ કહી છે. આ શબ્દ ‘મૉન્સ્ટ્રસ હીટ’ કેટલો ચલણી બનશે એ સવાલ ખરો. પરંતુ, આપણે તેનું ગુજરાતી કરીને વપરાશમાં લઈ શકીએ. ગુજરાતી લેક્સિકન મુજબ ‘મૉન્સ્ટ્રસ’ એટલે ‘રાક્ષસી’, ‘ભયંકર’, ‘કદાવર’, ‘પ્રચંડ’ અને ‘બિહામણું’ પણ થાય છે. ત્યારે ‘એક વિલન’ પિક્ચર તો જેને જેવું લાગ્યું હોય એ મુજબનો અર્થ પસંદ કરીને તેને ‘પ્રચંડ’થી લઈને ‘બિહામણું’ સફળ કહી શકે..... આપણે તેમાં ‘ખલનાયક’નો ઉલ્લેખ જોઇ ‘ભયંકર રીતે સફળ’ કહી શકીએ.

‘ભયંકર’ એટલા માટે પણ કે પહેલી ત્રણ ઓવરમાં (એટલે કે દિવસમાં) અડધી સદી ફટકારનારી અન્ય ફિલ્મો જ્યાં ૩૫૦૦ જેટલા સ્ક્રિન્સ પર રિલીઝ થાય છે, ત્યાં ‘એક વિલન’ અઢી હજાર સ્ક્રિન્સમાં આ સિધ્ધિ મેળવી આવ્યું છે. તેનાં ગાયનો ફિલ્મમાં વાર્તાના પ્રવાહને રોકવાને બદલે તેનો એક ભાગ લાગે છે એ અત્યારની ફિલ્મોની રીતે તેનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ કહેવાય. મ્યુઝિક ફિલ્મ રિલીઝ થતા પહેલાંથી બેહદ લોકપ્રિય થઈ ચૂક્યું હતું. (લગભગ દરેક ગીતને ‘યુ ટ્યુબ’ પર મિલિયન્સમાં હિટ મળી છે!) એટલે તેના દિગ્દર્શક મોહિત સુરી અને સુપર હિટ સંગીતના સર્જકો માટે જેન્યુઇન પાર્ટીનો સમય કહેવાય. એટલે પાર્ટી તો થઈ. પરંતુ, તેમાં ‘ભજનમાં ભંગ પડ્યો રે મારા ભૈ, આજ મારે થવાની હતી તે થૈ....” વાળો ઘાટ થયો. કારણ પ્રેસ-ફોટોગ્રાફરો હિરોઇન શ્રધ્ધાકપૂરથી નારાજ હતા. 

તેથી ફિલ્મની સફળતાનું એલાન કરતી એ  પ્રેસ કોન્ફરન્સ વખતે બધા કેમેરામેને જ્યાં સુધી શ્રધ્ધા સ્ટેજ પર હતી, ત્યાં સુધી એક પણ ગ્રુપ પિક્ચર ક્લિક ના કર્યું. ફિલ્મના એક સ્ટાર રીતેશ દેશમુખે સ્ટેજ પરથી ઉતરીને ચર્ચા કરી, ત્યારે ખબર પડી કે બધાની નારાજગી અગાઉ શ્રધ્ધાના ફોટા નહીં પાડવા દેતા તેના એક સ્ટાફ સામે હતી.ક્રિકેટની જેમ જ ફિલ્મી દુનિયા સાથે સંકળાયેલા સૌની પણ ફિલ્ડીંગ પછી બેટિંગ આવતી જ હોય છે અને એ વાતને સ્ટાર્સ કહેવાતા તમામે ‘શ્રધ્ધા’પૂર્વક યાદ રાખવી જોઇએ. આડે દિવસે ફોટા ના પાડવા દેતા સ્ટાર્સને પ્રિમિયર કે પ્રમોશન અથવા પાર્ટી વખતે પત્રકારો અને ફોટોગ્રાફર્સ યાદ આવે તે કોણ ભૂલ્યું હોય? તેથી પિક્ચરના હિરો સિધ્ધાર્થ મલ્હોત્રાને ત્યાં યોજાયેલી પાર્ટીમાં પણ શ્રધ્ધાના ફોટા કોઇએ ના જ પાડ્યા! ‘‘શ્રધ્ધાનો હો વિષય ત્યાં કેમેરાની શી જરૂર...” એમ જલન માતરી સાહેબના શેરની પંક્તિને મરોડીને કોઇ ગાઇ ન શકે. કારણ કે પબ્લિસિટિ અને વિશેષ તો ઐતિહાસિક સિધ્ધીના દસ્તાવેજીકરણનો સવાલ હતો.

પરંતુ, રીતેશ દેશમુખની દરમિયાનગીરી અને શ્રધ્ધાએ માફી માગી હોવા છતાં કોકડું ઉકલ્યું નહતું. રીતેશ માટે ‘એક વિલન’ની સફળતા હિન્દી ફિલ્મોમાં તો કામ લાગશે જ. કેમ કે અત્યારના રન રેટ મુજબ તો બે વીકમાં ૧૦૦ કરોડનો બિઝનેસ આપવાની ગણત્રી મૂકાઇ રહી છે. ત્યારે આવા રાક્ષસી સફળ પિક્ચરની પાછળને પાછળ રીતેશની પોતાની મરાઠી ફિલ્મ ‘લય ભારી’ ૧૧મી જુલાઇએ રિલીઝ થઈ રહી છે અને ‘એક વિલન’ની સફળતાની સુખદ વાછંટ કે મોટી છાલક તે પિક્ચરને પણ ધંધાની રીતે વાગશે. રીતેશની એ મરાઠી ફિલ્મમાં સલમાન ખાન પણ ‘મહેમાન કલાકાર’ તરીકે દેખાશે એ બોનસ હશે. સલમાન માટે જુલાઇના અંતમાં ઇદ પર આવી રહેલી ‘કિક’ માટે મરાઠી ઓડિયન્સમાં ચર્ચાતા રહેવાની એક વધુ તક હશે અને દોસ્તી દાવે પિક્ચર ફ્રીમાં કર્યું હશે તો રીતેશ જેવા મિત્રને મદદ પણ થશે.

સલમાનની રીતેશ સાથેની દોસ્તી સમજાય એવી છે, પરંતુ કરણ જોહરને અનુરાગ કશ્યપ સાથે કેવી ભાઈબંધી હશે કે તેમની ‘બોમ્બે વેલ્વેટ’માં કરણે ‘ફ્રી’માં કામ કર્યું હશે? કરણે તેમાં દિગ્દર્શન નહીં પણ એક્ટિંગ કરી છે અને તે પણ વિલનની! બાકી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ની સફળતા પહેલાંની, ‘ધેટ ગર્લ ઇન યલો બુટ્સ’ કે ‘નો સ્મોકિંગ’ જેવી ફિલ્મો વખતેની અનુરાગની કમર્શિયલ ફિલ્મો માટેની અને સ્ટાર સિસ્ટમ વિશેની, ટીકાઓ કોણ નથી જાણતું? હવે એ જ રસ્તે અને એ જ સ્ટાર્સની સાથે ફિલ્મો બનાવતા અનુરાગ ખચકાતા નથી. ત્યારે અગાઉ કરેલી ચોંકાવનારી કોમેન્ટ્સ પોતાની નોંધ લેવડાવવા અને સરવાળે કરોડોના બજેટવાળા મોટા બિઝનેસના સર્કલમાં પ્રવેશવાના એક પ્લાન તરીકે કરી હોય એમ નથી લાગતું? (વર્ષો પહેલાં નસીરુદ્દીન શાહે આ જ રીતે શરૂઆતમાં કમર્શિયલ ફિલ્મો સામે સનસનાટી મચાવનારાં નિવેદનો કર્યાં હતાં અને પછી એ ‘કર્મા’ અને ‘ત્રિદેવ’ જેવી હળાહળ કમર્શિયલ ફિલ્મો કરવામાં કશો છોછ ના રાખ્યો, એ યાદ આવે છે!)

આમ પણ ‘પડ્યા એટલે હું તો નમસ્કાર કરતો હતો’ એવો ઢાળ બધાં ક્ષેત્રોની જેમ ફિલ્મોમાં પણ ક્યાં નવો છે? જે હીરોઇનો લગ્ન પહેલાં ‘‘લોટ, પાણ”ને લાકડાં’’ જેવી અધકચરી ફિલ્મો પણ હોંશે હોંશે સ્વીકારતી હોય એ જ મેરેજ પછીની ઘટેલી લોકપ્રિયતાને યોગ્ય ઠેરવવા કેવી એક સૂરમાં ગાય તેનો દાખલો વિદ્યાબાલન અને કરિના કપૂર બન્નેમાં ગયા સપ્તાહે દેખાયો. વિદ્યાએ ૪થી જુલાઇએ આવેલી ‘બોબી જાસુસ’ના પ્રમોશનના ઇન્ટર્વ્યુમાં પોતાની એકાદ-બે જ ફિલ્મ આવી હોવાનો કરેલો ખુલાસો  અને કરિનાએ ‘દિલ ધડકને દો’ નહીં સ્વીકારવા બદલ લગભગ એક જ વાક્ય કહ્યું કે “લગ્ન પછી મારી પ્રાયોરિટિ બદલાઇ ગઈ છે” (શાદી કે  સાઇડ ઇફેક્ટ્સ?). બન્ને હિરોઇનોને ન્યાય કરવા કહેવું પડશે કે ખરેખર પ્રાયોરિટિ બદલાઈ હશે, નહીંતર ઝોયા અખ્તરની ફિલ્મ કરિના જવા દે?



ઝોયાની એ બીગ બજેટ ફિલ્મ ‘દિલ ધડકને દો’ (ટ્રીપલ ડી?)માં રણવીર અને અનુષ્કા શર્માની સાથે હવે જે રોલમાં પ્રિયંકા ચોપ્રા છે, એ જ ભૂમિકા કરિનાને ઓફર થઈ હતી. પરંતુ, તેમાં સળંગ ત્રણ મહિના પરદેશમાં શૂટિંગ કરવાનું હતું અને તેથી કરિનાએ તેનો ઇન્કાર કર્યો એમ કહીને કે “લગ્ન પછી મારી પ્રાયોરિટિ બદલાઇ ગઈ છે”. જો કરિનાએ એ ઓફર સ્વીકારી હોત તો પ્રિયંકાની માફક તેને પણ એક મહિને મુંબઈ જોવા મળત અને તે પણ એક જ દિવસ માટે! મહિનાથી ચાલતા શૂટ પછી જ્યારે નવા લોકેશનના સ્થળ તુર્કીસ્તાનના ઇસ્તંબુલ જવાનું થયું ત્યારે, પ્રિયંકાએ ઝોયા પાસે એક દિવસની ‘સી.એલ.’ મંજૂર કરાવી અને મુંબઈ આવી અને મમ્મી તથા ભાઇને મળીને પાછી ઉપડી ગઈ. (‘સી.એલ.’ એટલે? જૂની’ને જાણીતી ‘કેઝ્યુઅલ લીવ’, ભૈ સા’બ!)

તિખારો!
x

રણબીર અને કટરિના ‘જગ્ગા જાસુસ’નું શૂટિંગ કરીને સાઉથ આફ્રિકાથી મુંબઈ પરત આવ્યા, ત્યારે બેઉ મળીને ૧૨ સુટકેસનું લગેજ લાવ્યાં હતાં. એટલે બેગો તપાસ માટે એરપોર્ટ પર રહેવા દેવી પડી હતી. જો કે ઇન્ક્વાયરી પછી બીજે દિવસે સામાન હેમખેમ પરત આપી દેવાયો. પરંતુ, એટલી બધી ડઝન સુટકેસોમાં એવું તે શું લાવ્યા હશે? એ સવાલનો જવાબ તો કોઇ ગગા જાસુસ પણ આપી શકે એમ છે. કારણ કે દક્ષિણ આફ્રિકાના ફ્રિક્સબર્ગમાં શૂટિંગ દરમિયાન રણબીર અને કટરિના હોટલના જે કોટેજમાં સાથે રહ્યાં હતાં તેનું નામ હતું.... ‘હનીમુન કોટેજ’!! 



No comments:

Post a Comment