Sunday, September 28, 2014

ફિલમની ચિલમ..... સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૪


અજય દેવગનનું નવું નામ

હવે ‘અજય દેવજ્ઞ’ લખવું પડશે?


  
શું ૧૮મી ઑક્ટોબર પછી દિયા મિર્ઝાનું નામ પણ, તેના સ્માઇલની માફક, સૌથી વિશાળ હશે? તેણે ૨૦૦૦ની સાલમાં બ્યુટી કૉન્ટેસ્ટ જીતી ત્યારથી તે દિયા મિર્ઝા તરીકે જાણીતી હતી. પરંતુ, તાજેતરમાં તેણે પોતાનું નામ ‘દિયા હૅન્ડરિચ મિર્ઝા’ કર્યું છે અને ૧૮મી ઓક્ટોબરે તેનાં લગ્ન સાહિલ સંઘા સાથે થશે એટલે એ શું ‘દિયા હૅન્ડરિચ મિર્ઝા સંઘા’ કહેવાશે? તેના નામમાં નવા ઉમેરાયેલા નામ ‘હૅન્ડરિચ’નું કારણ એ છે કે તેનાં બંગાળી હિન્દુ મમ્મી દીપાએ પોતાના જર્મન મિત્ર ફ્રૅન્ક હૅન્ડરિચ સાથે લગ્ન કર્યા પછી ૧૯૮૧માં દિયાનો જન્મ થયો હતો. પરંતુ, દિયાની ઉંમર ૪ જ વરસની હતી ત્યારે તેનાં માતા-પિતા અલગ થઈ ગયાં. પછી દીપાજીએ એહમદ મિર્ઝા સાથે લગ્ન કર્યાં. તેથી જ્યારે પોતાની કરિયર શરૂ કરી ત્યારે દિયાએ અટક ‘મિર્ઝા’ રાખી હતી.

આજે તો દિયાના જન્મદાતા પિતા ફ્રૅન્ક હૅન્ડરિચ અને પાલક પિતા એહમદ મિર્ઝા બન્ને હયાત નથી, પરંતુ, લગ્નનો સમય નજીક આવ્યો અને તેણે પોતાના બાયોલોજિકલ ફાધરનું નામ પોતાના નામમાં જોડ્યું છે. એ કેવો સુભગ ત્રિવેણી સંગમ કહેવાય? માતા હિન્દુ, જન્મદાતા પિતા ક્રિશ્ચિયન અને પાલક પિતા મુસ્લિમ! એમ લાગે છે કે દિયાને પોતાના પિતાની સ્મૃતિને કાયમી કરવી હશે. પણ અજય દેવગને પોતાના સુપ્રસિદ્ધ પિતાજીની અટકમાં શાથી ફેરફાર કર્યો હશે? તેણે ‘દેવગન’ના સ્પેલિંગમાં અંગ્રેજી મૂળાક્ષર ‘જી’ પછી સીધો ‘એન’ કરી દીધો છે. તેથી વીરૂ દેવગનના પુત્રનું નામ હવે ‘અજય દેવગ્ન’ વંચાય છે. (ત્યારે હિન્દી કે ગુજરાતી મેગેઝિન્સમાં હવે ‘દેવગણ’ને બદલે કે ‘દેવજ્ઞ’ લખાશે કે?) શું અજય પણ એકતા કપૂરની માફક ન્યુમરોલોજીમાં માનતો થઈ ગયો હશે?

 



એકતા પોતાની સિરિયલો અને ફિલ્મોના નામમાં અંકશાસ્ત્રની રીતે જે ફેરફાર કરે છે (ખાસ કરીને ઇંગ્લિશ અક્ષર ‘કે’નો), તે તો જાણીતો છે અને તેને લગભગ દરેક પ્રોજેક્ટમાં સફળતા પણ સતત મળતી રહે છે. તેથી એક રીતે કહીએ તો તેના હાથે બાંધેલા જથ્થાબંધ દોરા-નાડાછડી અને લગભગ બધી આંગળીઓ પરની વીંટીઓ એ બધું જ તેની આસ્થાના પ્રતિક છે, જેને અન્ય રીતે જોનારા અંધશ્રધ્ધા કહી શકે. પરંતુ, તેની સાથે એ પણ હકીકત છે કે તેના પ્રોડક્શન હાઉસમાં ‘બાલાજી’માંથી આવેલી લેટેસ્ટ ફિલ્મ ‘એક વિલન’નો બિઝનેસ ૧૦૦ કરોડ થઈ ગયો છે! તેની ખુશાલીમાં એકતાએ ફિલ્મના દિગ્દર્શક મોહિત સુરીને આ અઠવાડિયે મોંઘીદાટ લૅન્ડ રોવર ગાડી ભેટ આપી. એકતા કપૂરની માફક અંગ્રેજી અક્ષર ‘કે’ને માનનારા કરણ જોહરે આ સપ્તાહે પોતાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા સુપર હીટ પિક્ચર ‘રામ લખન’ની રીમેક માટે અર્જુન કપૂર અને વરૂણ ધવન પર પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો હોવાના રિપોર્ટ છે.



અર્જુન કપૂર, સૌ જાણે એમ, મૂળ ‘રામ લખન’ના ‘લખન’ એવા અનિલ કપૂરનો ભત્રીજો છે. આજકાલ એક યા બીજા કારણોસર ફૉર્મમાં પણ છે. હમણાં તેનું નામ સોનાક્ષી સિન્હા સાથે જોડાયું છે. એ બન્નેની આવી રહેલી ફિલ્મ ‘તેવર’ની પબ્લિસિટિ માટે આ ન્યૂઝ-આઇટમ વેતરવામાં આવી હોઇ શકે. પરંતુ, ‘રામ લખન’ની વાર્તામાં ‘લખન’નું એક અત્યંત પાવરફુલ પાત્ર હોઇ તેની સામે કાયદા-કાનૂનના પાબંદ મોટા ભાઇની ભૂમિકા સ્વીકારનાર કોઇપણ એક્ટર માટે એ મોટી ચેલેન્જ હશે. અનિલ કપૂરે વર્ષો પછી ખુલાસો કર્યો હતો કે પોતે એ સતત ધ્યાન રાખતા કે તેમના સાથી કલાકારોનું પાત્ર પોતાના કરતાં વધારે પાવરફુલ હોય એવી ફિલ્મ સ્વીકારવાથી એ દૂર રહેતા. તેમણે કદાચ પોતાની દીકરી સોનમને પણ હવે એ જ સલાહ આપી લાગે છે. કેમ કે તેણે શરૂઆત ભલે અભિષેક બચ્ચન સાથે કરી હોય, પણ તેની તાજી આવેલી ફિલ્મ ‘ખુબસુરત’નો તેનો પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન નામનો જ ‘હીરો’ છે!

‘ખુબસુરત’ ઋષિકેશ મુકરજીના પિક્ચરની રીમેક હોઇ સૌ જાણતા હતા કે તેમાં હીરોઇન જ કેન્દ્રમાં હોવાની. ઋષિદાની એ ફિલ્મમાં રિતિક રોશનના પપ્પા રાકેશ રોશન જે રોલ કરવા તૈયાર થયા હતા એ ભૂમિકા કરવા અત્યારના આપણા હીરો પૈકીના કોઇ તો આમ પણ સંમત ના થયા હોત. ‘ખુબસુરત’ની સાથે એ જ શુક્રવારે આવેલી યશરાજ ફિલ્મ્સની ‘દાવત-એ-ઇશ્ક’ બેઉને શ્રાધ્ધના દિવસોમાં પિક્ચર રિલીઝ નહીં કરવાના અનુભવીઓના ગોલ્ડન રૂલનું, હિન્દી ન્યૂઝ ચેનલોની ભાષામાં કહીએ તો, ‘પાલન નહીં કરને કા ખામિયાજા ભુગત રહે હૈં!’ બેઉનાં કલેક્શન એવાં ઓછાં છે કે એક બીજામાંથી આશ્વાસન લેવાનું છે. એક બાજુ ‘દાવત-એ-ઇશ્ક’નો આંકડો ૨૦ કરોડે માંડ પહોંચી રહ્યો છે, જ્યારે ‘ખુબસુરત’ પંદર કરોડની આસપાસ રમી રહ્યું છે. એટલે ‘યશરાજ’વાળા એમ કહી શકે કે એક સાથે રજૂ થયેલી બે ફિલ્મો પૈકી તેમની ‘દાવત...’નું કલેક્શન આગળ છે. જ્યારે સોનમ અને ‘ખુબસુરત’ કેમ્પ એવું આશ્વાસન લઈ શકે કે જો ‘યશરાજ’ના પિક્ચરનો વકરો આવો હોય તો સરખામણીએ આપણે ડીસન્ટ બિઝનેસ કર્યો છે.

‘યશરાજ’ના અને ખાસ તો ખુદ યશ ચોપ્રાના પ્રિય અભિનેતા શશિકપૂર (વક્ત, દીવાર, કભી કભી, કાલા પથ્થર....) ગયા અઠવાડિયે ‘આઇસીયુ’માં દાખલ કરવા પડે એવા બીમાર થતાં ઇન્ડસ્ટ્રીમાં ચિંતાનું મોજું હતું. પરંતુ, હવે તેમની તબિયત પાછી સુધરી રહી હોઇ અને દવાખાનામાંથી રજા અપાવાની હોઇ સૌએ નિરાંતનો શ્વાસ લીધો છે. ત્યારે પ્રભુદેવાના કૅન્સરગ્રસ્ત પુત્ર વિશાલના અવસાનના સમાચાર સાઉથની જ નહીં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ આઘાત આપી ગયા છે. જો કે મોતના એક ન્યૂઝ સોનાલી બેન્દ્રેને પણ હચમચાવી ગયા હતા.... ફરક માત્ર એટલો હતો કે સોનાલીના ભાઇ અને અંકલનું એક અકસ્માતમાં મૃત્યુ થયાની એ ખબર ખોટી હતી. એક્સિડન્ટ પછી દવાખાનામાંથી નીકળેલી એક ન્યૂઝ આઈટમમાં નામની સેળભેળને લીધે આમ થયાનું કહેવાય છે. તેને લીધે એક પ્રચલિત માન્યતા અનુસાર જો કે એ બન્નેનું આયુષ્ય હવે વધી ગયું કહેવાય. 

દવાખાનાની જ વાત ચાલે છે તો છેલ્લે પાકિસ્તાની એક્ટ્રેસ અને ‘બીગ બોસ’ની સિઝન-૪માં આવીને પાકિસ્તાનમાં સનસનાટી ફેલાવનાર વીણા મલિકનો પણ ઉલ્લેખ જરૂરી છે. વીણાએ ૨૩મીએ પુત્રને જન્મ આપ્યો છે અને તેનું નામ પણ શાહરૂખના દીકરાના નામની જેમ ‘અબરામ’ જ રાખ્યું છે. પણ એ કરતાં પણ મોટા ન્યૂઝ એ છે કે જન્મતાંની સાથે જ ‘અબરામ ખાન’ના નામનું ટ્વીટર એકાઉન્ટ પણ વીણા અને તેના પતિ અસદ ખાને ખોલી દીધું છે. રેકોર્ડ સર્જનારી હકીકત એ છે કે આ તાજા જન્મેલા બાળકના પહેલા જ દિવસે સત્તર ફોલોઅર્સ પણ થઈ ગયા છે! (નવા જમાનાનું હાલરડું કેવું હોઇ શકે?....  “ટ્વીટ ટ્વીટ કરતે તારે, યે કહતે હૈં સારે, સોજા તોહે નિંદીયામેં ફોલોઅર્સ પુકારે”!)




તિખારો!

કપિલ શર્મા ક્યાં ક્યાંથી હ્યુમર શોધી કાઢે છે અને તે પણ કેટલી સહજ.... કેટલી તત્કાળ! તાજેતરના એક એપિસોડમાં ઉપસ્થિત સ્ટારને (મોટેભાગે દીપિકાને) પ્રશ્નો પૂછનારાઓ પૈકીના એક જણે પોતાની ઓળખ આપીને શરૂઆત કરી, “મેરા નામ અબ્બાસ હૈ...” એ વાક્ય પૂરું કરે તે પહેલાં તો કપિલે કહ્યું, “મસ્તાન કહાં હૈ?!!"



Sunday, September 21, 2014

ફિલમની ચિલમ... ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪


હવે શાહરૂખ કરે છે પ્રમોશનનો પણ ‘હૅપ્પી ન્યૂ વ્યાપાર’!

  
‘મેરે કરણ-અર્જુન આયેંગે’ એવું હવે ‘કલર્સ’ ચેનલવાળા પણ કહી શકશે કે? કારણ તેમના મેગા શો ‘બીગ બૉસ’ની નવી સિઝનમાં હાજરી આપવા હોસ્ટ સલમાને શાહરૂખ ખાનને ઑફર કરી  છે. આમાં કોણ કોને ફેવર કરે છે એ સમજવું અઘરું છે. શાહરૂખને દિવાળી પર આવનારી પોતાની નવી ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ માટે કોઇપણ પ્રકારની પબ્લિસિટિની આવશ્યકતા રહેવાની. સામે પક્ષે ‘બીગ બૉસ’ને પણ તેના મોટાભાગના અજાણ્યા અંતેવાસીઓ (ઇન્મેટ્સ) તેમની પોતાની હરકતોથી લોકપ્રિય થાય ત્યાં સુધી સલમાનની પૉપ્યુલારિટીના જ સહારે ચાલવાનું થવાનું અને તેથી શાહરૂખ જેવા સુપર સ્ટારની એકાદ એપિસોડ માટેની હાજરી પણ એ વિમાનને નવી ઊંચાઇ સર કરાવી શકે. વળી, ખુદ સલમાને કહ્યું છે એમ આ વખતે ‘કલર્સ’ ચેનલે નાણાં કોથળીના મોંઢાનો પરિઘ મોટો રાખ્યો છે અને તેને ખુલ્લી પણ મૂકી છે. એટલે શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો શાહરૂખનો ‘ચાંલ્લો’ પણ પોસાશે!

તેથી શાહરૂખ ‘હાઉસ’માં રહેલા સૌ માટે, સલમાન સાથે સેટ પર તેની આદત અનુસારની ‘પૈસા વસુલ’ કૉમેન્ટ્સ અને ડાન્સ જેવી મઝા કરાવીને “છાશ લેતી આવું અને ઠપકો દેતી આવું”વાળો ખેલ કરી શકે. જો કે એ ઑફરનો શાહરૂખે પણ હજી સાવચેતીભર્યો પ્રતિભાવ (ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં ‘ગાર્ડેડ રિસ્પોન્સ’ કહેવાય એવો!) આપ્યો છે. ‘જોઇશું અનુકૂળતા હશે તો ચોક્કસ જઈશું’ એ જવાબમાંની ‘અનુકૂળતા’ સામાન્ય રીતે સમયની હોય છે અને ફિલ્મ ઉદ્યોગમાં ‘ટાઇમ ઇઝ મની’ હોય છે, એ કોણ નથી જાણતું?  શાહરૂખ દરેક પ્રસંગને બિઝનેસની તક બનાવી દે છે તેનો એક ઑર દાખલો એટલે આ અઠવાડિયે તેની શરૂ થતી ‘સ્લૅમ’  ટાઇટલવાળી ઇન્ટરનેશનલ ટુર! (‘સ્લેમ’ એ સાઉન્ડ, લાઇટ્સ, એક્શન અને મુવીનું ટૂંકાક્ષરી નામ છે.) એક તરફ સલમાન આજકાલ પ્લેનના સેટ પર ‘બીગ બોસ’નું પ્રમોશન કરે છે, જ્યારે શાહરૂખ પોતાની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’ને પ્રમોટ કરવા એ ફિલ્મના સિતારાઓને એક્ચ્યુઅલ પ્લેનમાં લઈ જશે. આ પ્રવાસમાં ૧૯મીએ હ્યુસ્ટન, ૨૦મીએ ન્યૂ જર્સી, ૨૧મીએ વોશીંગ્ટન, ૨૬મીએ શિકાગો, ૨૭મીએ કેનેડાના વેનકુવરમાં અને ૨૮મીએ સાન્ફ્રાન્સિસ્કોના સેનહોઝેમાં એ સ્ટેજ શો કરી રહ્યો છે.

શાહરૂખ સાથે દીપિકા, અભિષેક, માધુરી, મલૈકા અરોરા, યો યો હની સિંગ, સોનુ સુદ, ફરાહ ખાન વગેરે ‘હેપ્પી ન્યૂ યર’ના કલાકારો હશે. શાહરૂખે લગભગ દસ વરસથી સ્ટેજ શોની પોતાની કોઇ ટુર ઓર્ગેનાઇઝ કરી નથી. તેથી વિદેશી ઑડિયન્સમાં ઉત્સુકતા પણ રહેવાની અને એ શો સારો વકરો આપશે એ પણ નક્કી મનાય છે. એટલે જે પ્રમોશન પાછળ બીજાં પ્રોડક્શન હાઉસને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે, એ જ પ્રમોશન શાહરૂખ લાખો ડોલર કમાઇને કરશે! પેલી કહેવત  ‘આમ કે આમ ઔર ગુટલીયોં કે ભી દામ’ એ અહીં કેવી સાચી પડે છે? સૌ જાણે છે એમ, ‘હેપ્પી ન્યૂ યર’ એ શાહરૂખની પોતાની કંપની ‘રેડ ચિલીઝ’ના બેનરની છે. તેથી એક નિર્માતા તરીકે તેણે આ એક નવો ચીલો ચાતર્યો એમ કહી શકાય. બીજા પ્રોડ્યુસર્સ પોતાના સ્ટાર્સને ઇન્ડિયાનાં વિવિધ શહેરોમાં સિનેમાગૃહો કે મૉલમાં ફેરવીને પિક્ચરનો પ્રચાર-પ્રસાર કરાવે છે. જ્યારે આ ‘ખાન’ ઇન્ટર્નેશનલ પ્રમોશન કરે છે અને તે પણ ઉપરથી પૈસા કમાઇને! શાહરૂખ જાણે છે કે ૧૦૦ કરોડના સ્કોરની હવે નવાઇ નથી રહી. જો વધારે મોટો સ્કોર કરવો હશે તો હવે ૫૦-૬૦ કે ૮૦થી ગુણાકાર કરી શકાય એવાં ઇન્ટરનેશનલ નાણાંનું કલેક્શન કરવું એ જ રસ્તો છે. તેથી ‘હેપ્પી ન્યૂ યર’ આ દિવાળીએ વકરાના નવા રેકોર્ડ નહીં કરે તો એ જ મોટા ન્યૂઝ હશે!


એક બાજુ શાહરૂખ અને સલમાન એક બીજા સાથે સમાધાનના માર્ગે જઈ રહ્યા છે, ત્યારે જ શાહરૂખની ‘કુછ કુછ હોતા હૈ’ની હીરોઇન કાજોલ અને દિગ્દર્શક કરણ જોહર વચ્ચેની તિરાડ વધી રહી હોવાના સમાચાર આવે એ કેવી વિચિત્રતા કહેવાય! (બીજી એક ‘તિરાડ’ પણ મોટા સમાચાર છે, જેને લીધે દીપિકાએ ‘ત્રાડ’ પાડી છે એ તો હવે ટ્વીટર કે ટીવીથી પરિચિત હોય એવા સૌ જાણે જ છે.) કરણ જોહરના શોમાં થતી ‘કોફી કોમેન્ટસ’ હળવે હૈયે કરાઇ હોય એવો આભાસ કરાય છે. પરંતુ, જેમ ઘણા દારૂ પીને જાણી જોઇને પોતાને ફાવતો બકવાસ કરીને છેવટે ‘અંગૂર કી બેટી’ને દોષ દઈને છટકી જતા હોય છે, એમ કરણ પણ સ્ટાર્સની ખાસી એવી અંગત બાબતો પોતાના શોમાં કરવા ટેવાયેલા છે.... ગમ્મતના અંચળા હેઠળ. પણ બધાને એવી મજાક પસંદ ના પણ હોય અને એવા કોઇ અજય દેવગનની માફક આમને સામને આવીને સવાલ કરે ત્યારે કોફીનો સ્વાદ એવો કડવો થઈ જાય કે ધંધાની રીતે નુકશાન કરી બેસે.

અજય દેવગને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક સોશ્યલ ફંક્શનમાં કરણ જોહરને આંતરીને પોતાને માટે કોઇ સમક્ષ કરેલી કોમેન્ટ્સનું કારણ પૂછ્યું ત્યારે ‘ગગફફ’ થઈ ગયેલા નિર્દેશકે પોતે ‘એવું નથી કહ્યું’ના ખુલાસા તો કર્યા. પરંતુ, એ ચોખવટ અજયને ગળે ઉતરી લાગતી નથી. અજય સાથેના વણસેલા સંબંધોને લીધે હવે કાજોલ માટે પ્લાન કરાયેલી કરણની એક મહત્વાકાંક્ષી ફિલ્મમાં કામ કરવું અસંભવ થશે. અજય એક સ્ટ્રેઇટ ફોરવર્ડ વ્યક્તિ છે અને તેથી તેનો હિસાબ કશાય પોલિટિક્સ વગરનો ‘એક ઘાને બે કટકા’વાળો હોય છે. તેણે ગઈ સાલ પોતાની સાળી તનિષાએ ‘બીગ બોસ’ના હાઉસમાં અરમાન કોહલી સાથે ખુલ્લેઆમ રંગરેલિયાં મનાવી અને રીતસર પુરુષના પગ-લુછણિયા જેવું વર્તન કર્યું; ત્યારે અજયે સલમાનને કહીને તેને ઘર-બહાર કરવાનો પ્રયત્ન કર્યાના સમાચાર પણ તે દિવસોમાં આવ્યા હતા. (જો કે તનિષા પણ અડગ છે. તે ગયા અઠવાડિયે અરમાનના પિતા રાજકુમાર કોહલીના જન્મદિને તેમના ઘેર ઉજવણીમાં ઉપસ્થિત હતી. તેની સાથે ‘બીગ બોસ’ના તેના સાથીદારો ‘એનડી’ અને એલી એવરામ પણ હતા.) 


એ જ રીતે અજયે ‘સન ઓફ સરદાર’ વખતે ‘યશરાજ’ સામે કેસ કરીને બાખડી બાંધવામાં ખચકાટ નહતો કર્યો અને હવે તેણે કરણ જોહરને પણ ધંધાકીય રીતે આડે હાથે લેવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે. તેણે પોતાની ફિલ્મ ‘ઍક્સન જૅક્સન’ રિલીઝ કરવાની તારીખ આ અઠવાડિયે પાંચમી ડિસેમ્બર જાહેર કરી અને ટ્રેડના સૌ ચોંકી ગયા છે.  બિઝનેસ સાથે સંકળાયેલા સુ જાણે છે કે તે જ દિવસે કરણ જોહરે ઇમરાન હાશ્મીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતું પોતાનું પિક્ચર ‘ઉંગલી’ રિલીઝ કરવાનું પ્લાનિંગ કરેલું છે. સ્વાભાવિક છે કે અજય દેવગન સામે ઇમરાન હાશ્મીનો સ્ટાર પાવર ઓછો પડવાનો અને તેથી મોટાભાગનાં થિયેટર્સ પોતાના સ્ક્રિન્સ ‘ઍક્સન જૅક્સન’ને આપશે. (આને શું કહીશું? ‘જૅક્સન કા ઍક્સન’ કે પછી ‘ઉંગલી મેં ઉંગલી’!)  

 
તિખારો!
‘બીગ બૉસ’ની નવી સિઝન માટેની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે ‘તમે પાયલોટના ડ્રેસમાં કેમ છો?’ ત્યારે તેણે કહ્યું, “કારણ કે મેં કદી કોઇ ટીવી શો માટે પાયલોટ એપિસોડ શૂટ નહતો કર્યો!!”

Sunday, September 14, 2014

ફિલમની ચિલમ.... સપ્ટેમ્બર ૧૪, ૨૦૧૪



શ્રાધ્ધ પક્ષ આવે અને....
નાની ફિલ્મોનો પણ મોક્ષ થાય!


રાની મુકરજીને ‘મર્દાની’માં જાંબાઝ મહિલા પોલીસ અધિકારી ‘શિવાની’ તરીકે આ સાલના ‘બેસ્ટ એક્ટ્રેસ’ના એવોર્ડ માટે વિચારનારા સૌને માટે ‘મૅરી કૉમ’ બનતી પ્રિયંકા ચોપ્રાનો પણ વિચાર કરવો આવશ્યક બનશે. ગયા શુક્રવારે રિલીઝ થયેલી એ ફિલ્મને જે રીતે આવકાર મળ્યો છે એ પણ ‘મર્દાની’ સ્ટાઇલથી  એમ કહી શકાય. કેમકે ‘મર્દાની’ની માફક જ પહેલા દિવસે ધીમી શરૂઆત કર્યા પછી શનિ અને રવિવારના વકરામાં ઉછાળો જોવાયો હતો. શુક્રવારના ૮ કરોડ સામે શનિવારના ૯ અને રવિવારે લગભગ બાર કરોડ લાવતાં ૨૮ કરોડનો આંકડો ત્રણ દિવસમાં પાર કરવો એ કોઇપણ નાયિકા પ્રધાન પિક્ચર માટે સંતોષકારક બિઝનેસ કહેવાય. સરવાળે એ ચાલીસેક કરોડ લઈ આવે તો પણ ફાયદાનો ધંધો સાબિત થશે. પ્રિયંકા કહે છે એમ, “૧૦૦ કરોડની અપેક્ષા રાખીને ફિલ્મને ઓછી ના આંકશો!”

પરંતુ, ફિલ્મને ઓછી આંકવાની શરૂઆત તો થઈ ચૂકી છે અને તે પણ સાવ ‘ઘરના’ લોકો તરફથી.... એ ય પાછી  પ્રિયંકા માટે! એક બાજુ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને આસામ જેવાં રાજ્યોએ તેને કરમુક્ત જાહેર કરી હોઇ ઘટેલા ટિકિટ દરમાં ઑડિયન્સની ભીડ અને કલેક્શનનો ખણખણાટ વધવાની આશા વધી છે, ત્યાં જ ખુદ મણીપુરના લોકોને પોતાને ગૌરવ અપાવનારી દીકરીનું પાત્ર ભજવવા કોઇ મણીપુરી અભિનેત્રી ના મળી તે એક પંજાબી છોકરી (પ્રિયંકા ચોપ્રા)ને એ રોલ અપાયો? એવો ગણગણાટ કમ સે કમ સોશ્યલ મીડિયા પર તો વધી જ રહ્યો છે. એટલું જ નહીં, તેના પતિની ભૂમિકા માટે પણ શરદકુમાર નામના પંજાબી એક્ટરને લેવો પડ્યો? પછી નોર્થ ઇસ્ટનું સાચું પિક્ચર કે પાત્રાલેખન ક્યાંથી થાય? જો કે આ બધી કોમેન્ટ્સ કરનારાઓમાં મણીપુરી ફિલ્મોના એવા કલાકારો પણ છે, જેમને ઓડિશન આપ્યા છતાં ‘મેરી કોમ’માં નાના રોલ માટે  પણ નથી લેવાયા.‘બાયોપિક’ ફિલ્મો માટે આ ક્યાં નવું છે? યાદ છેને ‘ગાંધી’?
‘ગાંધી’ના કાસ્ટિંગ વખતે ‘ગાંધીજી’નું પાત્ર બેન કિંગ્સ્લે જેવા એક ગોરા અભિનેતા કરવાના છે એ જાણ્યા પછી ભારતમાં કેવા પ્રત્યાઘાત પડ્યા હતા? એ રોલ માટે નસીરુદ્દીન શાહ પણ ઓડિશન માટે ગયા હતા. પરંતુ, પસંદ નહતા થયા. પણ જ્યારે ફિલ્મ આવી ત્યારે ખુદ નસીરે પણ કહ્યું હતું કે એ પોતે પણ બેન કિંગ્સ્લેની પર્ફેક્ટ એક્ટીંગ જોઇને દંગ રહી ગયા હતા! (નસીરની મહાત્મા બનવાની ઇચ્છાનો મોક્ષ વર્ષો પછી કમલ હસનની ફિલ્મ ‘હે રામ!’માં થયો હતો.)

એ રીતે જુઓ તો ‘ભાગ મિલ્ખા ભાગ’માં પણ મુખ્ય ભૂમિકા ભજવનાર ફરહાન અખ્તર પણ ક્યાં સરદારજી હતા? ફરહાનની માફક જ પ્રિયંકાએ પણ ‘મેરી કોમ’ બનવા જે મહેનત કરી છે, એ પડદા ઉપર સ્પષ્ટ દેખાય છે. વળી, મણીપુરની આ ગૌરવશાળી એથ્લિટની જીવનકથા દેશ-વિદેશોમાં ત્રણ હજાર સ્ક્રિન પર જોવાઇ રહી છે એ શું નાની-સુની ઘટના છે? પ્રિયંકાને બદલે, ધારો કે, કોઇ મણીપુરી એક્ટ્રેસ હોત તો? આવો ઇન્ટરનેશનલ આવકાર મળત કે અને ફિલ્મના પ્રમોશન માટે પ્રિયંકાની જેમ આંતરરાષ્ટ્રીય દોડાદોડ કરી શકત કે?

પ્રિયંકાએ તો ‘મેરી કોમ’ માટે ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (ટીફ)માં હાજરી આપવા કરેલી વિમાની હડીયા-દોટીનો ફિલ્મી ઇતિહાસમાં કોઇ જવાબ નહીં હોય! તેણે કેનેડા આવવાની ૧૮ કલાકની મુસાફરી કરીને ટોરન્ટો ફેસ્ટિવલમાં ઓડિયન્સ સાથે પિક્ચર જોયું અને ૭ જ કલાક રહીને ફરી મુંબઈની ફ્લાઇટ પકડી લીધી હતી! તેનાથી ટોરન્ટોનું મીડિયા ખુશ નહતું એ અલગ વાત છે. પરંતુ, ટૂંકા સમયમાં શક્ય એટલાં વધુ સ્થળે ઉપસ્થિત રહીને ફિલ્મનું પ્રમોશન કરતી આ હીરોઇન માટે નિર્માતા કહે છે કે  ‘પીસી  જેસી કોઇ નહીં!’ આવા પ્રોફેશ્નાલિઝમને લીધે જ કદાચ પ્રિયંકાને મોડેલિંગનો સૌથી વધુ ભાવ ૧૧ કરોડ તાજેતરમાં ઓફર થયો છે. તેની સામે દીપિકાના ૬ કરોડ કે કરીના અને કટરિનાના ૪-૫ કરોડની સરખામણી સ્વાભાવિક જ થવાની. પ્રિયંકા અને રાનીની ફિલ્મોના મુક્કાનો અવાજ હજી બંધ નથી થયો, ત્યાં દીપિકા અને બિપાશા બાસુની ટક્કર આ શ્રાધ્ધના સમયમાં આવી છે.


દીપિકાની આ શુક્રવારે ૧૨મીએ આવેલી ફિલ્મ ‘ફાઇન્ડિંગ ફેની’ અને બિપાસાની હોરર મુવી ‘ક્રિએચર થ્રી ડી’ વચ્ચે સ્પર્ધા હશે. અગાઉની ‘મર્દાની’ અને ‘મેરી કોમ’ પણ થિયેટર્સમાં હોઇ એમ પૂછવાનું મન થાય કે “કહાં ગયે સારે હીરો?” જો કે ‘હીરો લોગ’ પોતપોતાના દાવની ફિરાકમાં છે. એક્ટરોના અનુભવી ડીસ્ટ્રીબ્યુટર્સ દર સાલ ભાદરવા-આસોમાં પિક્ચરો રિલીઝ કરતાં ગભરાતા આવ્યા છે. ભાદરવા સુદના ૧૫ દિવસ ગણેશોત્સવના અને પછી વદમાં શુભ કાર્ય કરવા યોગ્ય નહીં ગણાતાં ‘સરાદીયાં’ (શ્રાધ્ધ પક્ષ) આવે. પછી નવરાત્રીના ગરબા ચાલે ઠેઠ શરદ પૂનમ સુધી અને તેમાં એટલો આનંદ આવતો હોય છે  કે દશેરા સુધી કોઇ જુવાનિયાં સિનેમા સુધી ડોકાય પણ નહીં.
 
પછી દિવાળીના કામમાં ગૃહિણીઓ અને પરીક્ષાની તૈયારીમાં વિદ્યાર્થીઓ હોય. ધંધાવાળાઓ હિસાબ-કિતાબ અને ઉઘરાણીમાં પડ્યા હોય. પિક્ચર જોવા આવે કોણ? આ ડ્રાય પિરીયડમાં નાની ફિલ્મો અથવા તો જેમને આડે દિવસે થિયેટર્સ મળતાં ન હોય એવા મોટા પ્રોજેક્ટ્સ સહિતના સૌનો મોક્ષ થઈ જાય! એટલે હજી ‘ખુબસુરત’ કે ‘દાવત-એ-ઇશ્ક’ જેવા લક્ષ્મી છાપ ટેટાની લૂમ ફુટી શકશે. ફિલ્મો માટે સિનેમાગૃહો ઉપલબ્ધ હશે. પણ પછી દશેરાએ રિતિક રોશન અને કટરિનાની ‘બેંગ બેંગ’ના ધડાકા અને દિવાળી ઉપર શાહરૂખની ‘હેપ્પી ન્યૂ યર’નો સુતળી બોંબ! રિતિક અને શાહરૂખની બોડીના ‘એઇટ પૅક્સ’ની પબ્લિસિટી એટલી બધી થઈ રહી છે આજકાલ, જાણે કે એ પૅક જ થિયેટરોને પૅક કરી દેશે.  આ સાલ શું થશે એ તો કોણ જાણે..... પણ એક કરતાં વધુ વખત અનુભવાયું છે કે ઘણીવાર ઓડિયન્સ ‘પૅક’ સાબિત થતું હોય છે! શું કહો છો?  




તિખારો!


‘મેરી કોમ’ના કારણે નોર્થ-ઇસ્ટના લોકોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે ડેની ડેંગ્ઝોપ્પાએ વરસો પહેલાં કહેલી પોતાના અનુભવની વાત યાદ આવે છે. ત્યારે ડેની ફિલ્મ ઇન્સ્ટિટ્યુટમાંથી બીજા નંબરે પાસ થઈને મુંબઈ આવેલા. (પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ તે સાલ જયા ભાદુરીએ મેળવેલો.) પરંતુ, જે નિર્માતા પાસે કામ માગવા જાય ત્યારે તેમના ફેસ-ફિચર જોઇને ઇનકાર કરી દેતા. તે દિવસોમાં લોકો તેમને ‘વો ગુરખા એક્ટર’ તરીકે ખાનગીમાં ઓળખતા. પછી તેમનો સિતારો તેજ થયો ત્યારે એક દિવસ સ્ટુડિયોના નેપાલી ચોકીદારે ડેનીની કાર રોકીને સલામ કરતાં કહ્યું, “શા’બ હમ કો સભી ડેની કહતે હૈં; તો હમ કો બડા અચ્છા લગતા હૈ” ડેની કહે “મારી આંખમાં ઝળઝળિયાં હતાં....!”


       





Sunday, September 7, 2014

ફિલમની ચિલમ..... સપ્ટેમ્બર ૦૭, ૨૦૧૪



માધુરી, તબુ કે અમૃતાસિંગ..... કોણ કહેશે? 

‘મેરે કરણ જોહર આયેંગે’!


યે દિન ભી આ ગયે, ક્યા? માધુરી દીક્ષિતને ‘માતા’ની ભૂમિકા ઓફર થઈ અને તે પણ કરણ જોહર દ્વારા! માધુરી તેનો સ્વીકાર કરશે કે પછી અમૃતા સિંગ અને કિરણ ખેર કે ઇવન તબુ જેવી અન્ય અભિનેત્રી તે માટે સંમત થશે એ અલગ વાત છે. (એ પૈકીનું કોણ કહેશે?.... ‘મેરે કરણ જોહર આયેંગે’!) પરંતુ, કરણ જોહર જેવા દિગ્દર્શક નાણાં કોથળી ખુલ્લી મૂકીને ‘રામ લખન’ સરખા સુપર હીટ પિક્ચરની રિમેક માટે માધુરીને જો મનાવી શકશે તો એ સૌથી મોટા ન્યુઝ હશે. કેમકે માધુરી ભલે પચાસ વરસની નજીકની (૪૭ વરસની) થઈ ગઈ હોય અને અસલી જીવનમાં એ બે દીકરાઓની માતા પણ હોય; છતાં હજી એ રણબીર કપૂર સાથે ‘યે જવાની હૈ દીવાની’ના “ઘાઘરા...” ડાન્સમાં યુવાન હીરોઇનોને શરમાવે એવી સ્ફુર્તિથી નાચી શકે છે. તેનાથી પણ વિશેષ તો એ કે હજુ પણ પ્રેક્ષકોના મનમાં તો એ કમનીય કાયા લચકાવતી આકર્ષક માધુરી જ છે. તેનું એ સ્વરૂપ કાયમ માટે અકબંધ રાખવું છે કે પછી લીલા ચીટનીસ, અચલા સચદેવ અને નિરૂપા રોયના ચોક્ઠામાં પ્રવેશ કરવો છે એ અઘરો નિર્ણય તેણે હવે કરવાનો છે.

નિરૂપા રોયને ‘મા’ તરીકેની જે શ્રેષ્ઠ ભૂમિકામાં ‘દીવાર’ને લીધે એક પ્રકારે અમરત્વ મળ્યું (અને ઢગલો ફિલ્મો પણ!), એ રોલ યશ ચોપ્રાએ સૌથી પહેલો વૈજયંતિમાલાને ઓફર કર્યો હતો. વૈજયંતિ માલા એટલે ‘સંગમ’ની સેક્સી અભિનેત્રી અને ડાન્સમાં માધુરીની માફક જ ખુબ લોકપ્રિય. તે દિવસોમાં ફિલ્મની જાહેરાતમાં વૈજયંતિમાલાનું નામ ‘પાયલની પટરાણી વૈજયંતિમાલા’ લખાતું. તેમના લગભગ દરેક પિક્ચરમાં એકાદ ડાન્સ તો અવશ્ય હોય જ. તેમના નૃત્યની ઝલક મેળવવી હોય તો ક્યારેક ‘જ્વેલથીફ’નું ‘હોઠોં મેં ઐસી બાત મૈં છુપાકે ચલી આઈ...” યુ ટ્યુબ પર જોવાથી પણ ખ્યાલ આવી શકશે. જે દિવસોમાં વૈજયંતિમાલાએ યશ ચોપ્રાને ‘દીવાર’ની ભૂમિકાની ના પાડી દીધી, ત્યારે એ મોટા સમાચાર હતા. કારણ કે એકવાર ઓડિયન્સના હ્રદયમાં પ્રેમિકા તરીકે સ્થાપિત થયા પછી, અને તે પણ વૈજયંતિમાલાની કક્ષાની લોકપ્રિયતા પ્રાપ્ત કર્યા પછી, વાળમાં સફેદી લગાવીને કે પછી પોતાનાથી પાંચ-પંદર વરસ નાના હીરોને ‘પુત્ર’ કહેવાનું જોખમ માફક શું કામ ઉઠાવવું, જે ૧૯૮૨માં રાખીએ ઉઠાવ્યું હતું?



રાખીએ જ્યારે ‘શક્તિ’માં અમિતાભ બચ્ચનની માતાનો રોલ સ્વીકાર્યો, ત્યારે કેવો હાહાકાર હતો? કારણ કે બચ્ચન તો રાખી કરતાં ચાર વરસ મોટા છે! રાખીએ તે અગાઉ કરેલી ભૂમિકાઓમાં અમિતાભ સાથે જ ‘કભી કભી’ જેવી કવિતામય પ્રેમકથા હતી. એવા ગ્લેમરસ પાત્રમાં “સુહાગરાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મૈં...” ગાનાર પોતાની ઉંમર કરતાં ૪ વરસ મોટા અભિનેતાને “બેટા વિજય” કહેવા તૈયાર કરવા ‘શોલે’ના નિર્દેશકને કેવી ખણખણતી દલીલો કરવી પડી હશે? તે દિવસોમાં રમેશ સિપ્પીએ પોતાની ભરચક નાણાં કોથળીના મોંઢાનો આખો પરિઘ ખોલી નાખ્યો અને “આ તો એક અભિનેત્રી માટે ચેલેન્જ કહેવાય...” વગેરે વગેરે જેવાં સુવાક્યો સાથેની સમજાવટથી અમિતાભનાં ‘મા’ બનવા સંમત કર્યાં હતાં. તે પછી તો રાખી “મેરે કરણ અર્જુન આયેંગે....” ડાયલોગથી તેમના જમાનાની હરિફ હીરોઇનોની દ્રષ્ટિએ મજાકનું પાત્ર પણ બન્યાં હતાં. એટલે માધુરીએ પણ રણવીર સિંગ અને અર્જુન કપુર કે પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન સરખા જુવાનિયાની માતા બનીને “મેરે દો અનમોલ રતન એક હૈ રામ તો એક લખન...” ગાવું છે કે કેમ એ નક્કી કરવાનું છે. 

 ‘રામ લખન’ એ અનિલ કપૂરની કરિયર માટે નિર્ણાયક ફિલ્મ સાબિત થઈ હતી એ કોણ નથી જાણતું? પરંતુ, એ હકીકત છે કે એ આવ્યા ત્યારે તેમના ચહેરાના સામ્યને અન્ય એક અભિનેતા રાજકિરણ સાથે સરખાવાતી હતી. તેમની પ્રારંભિક ફિલ્મ ‘વો સાત દિન’ જુઓ તો અનિલ પાસે સંવેદનશીલ અને ‘અહિંસક’ અભિનય લેવાથી શરૂઆત કરાઇ હતી. પરંતુ, રાજ કિરણ ગોરા-ચિટ્ટા અને સરસ એક્ટર. (‘કાગઝ કી નાવ’ કોઇ વાર જો જો અથવા ‘અર્થ’ ફિલ્મની જગજીતસિંગની અમર ગઝલ “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યા ગમ હૈ જિસ કો છુપા રહે હો....” ગાતા જોવા.) તેથી જ્યારે સુભાષ ઘઈએ ‘રામ લખન’માં અનિલનો લુક ‘ચિકના હીરો’થી બદલીને ‘રફ એન્ડ ટફ’ કર્યો ત્યારે બેઉ એક્ટર વચ્ચેનો તફાવત દેખાવો શરૂ થયો. ટપોરી બોલી અને નાની નાની વાતે મારામારી પર ઉતરી આવતા તેજાબી યુવાનની એ ઇમેજ પર અનિલ કપૂરે પછી તો એ ‘ઝક્કાસ’ કરિયર બનાવી જે આજ સુધી ઝળહળે જ છે. (જ્યારે રાજ કિરણ કારકિર્દી હતાશાની ગર્તામાં ક્યાંય ગુમ થઈ ગયા છે.) 

એ અનિલ કપૂરને સૌ પ્રથમ તક આપનારા દિગ્દર્શક ‘બાપુ’નું ગયા અઠવાડિયે અવસાન થયું, ત્યારે કેટલાં છાપાંઓએ કે ચેનલોએ યોગ્ય નોંધ લીધી હશે? (આપણે આજે સૌ સ્ટાર્સને બાજુ પર રાખીને બાપુને શ્રધ્ધાંજલિ આપીશું. વર્તમાન સ્ટાર્સની કે નવી ફિલ્મોની વાતો તો આવતા અઠવાડિયે પણ ક્યાં નથી થવાની?)  બાપુ સાથે અનિલ કપૂરના સંબંધોની શરૂઆત તેમના હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘હમ પાંચ’થી થઈ હતી. આ ‘હમ પાંચ’ વિદ્યા બાલનની ટીવી સિરીયલ નહીં; પણ બોની કપૂરની મહાભારત આધારિત ફિલ્મ હતી અને તેમાં અનિલ બાપુ સાથે આસિસ્ટન્ટ હતો. એટલે તે ફિલ્મના કલાકારો સંજીવકુમાર, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, મિથુન ચક્રવર્તી, રાજ બબ્બર, ગુલશન ગ્રોવર અને અમરીશ પુરી વગેરે અનિલની દોડાદોડી અને ઉત્સાહથી ખુબ પ્રભાવિત હતા. એ સૌનાં અનિલ વિશેનાં વખાણ તે દિવસોનાં ફિલ્મ મેગેઝીનોમાં ખુબ આવતાં. 


 પરિણામ એ કે બાપુએ તેમની એક તેલુગુ ફિલ્મ ‘વંશવૃક્ષમ’માં અનિલને પ્રથમ વાર હીરો તરીકે લીધો. એ પછી અનિલને બતૌર હીરો તેમની પ્રથમ હિન્દી ફિલ્મ ‘વોહ સાત દિન’માં ‘પ્રેમપ્રતાપ પટિયાલેવાલે’ના પાત્રમાં હાર્મોનિયમ સાથે એક સીધા સાદા ભોળા યુવાન તરીકે પણ બાપુએ જ પ્રસ્તુત કર્યા હતા. પરંતુ, ‘બાપુ’ને એટલે કે ‘સત્તીરાજુ લક્ષ્મી નારાયણ’ને માત્ર અનિલ કપૂરની અભિનય યાત્રાના જનક તરીકે ઓળખીએ તો એ મહાન હસ્તિને અન્યાય થાય. કેમ કે તેઓ તો આંધ્રના એક ખ્યાતિપ્રાપ્ત પેઇન્ટર પણ હતા. અખબારમાં કાર્ટૂનો દોરવાથી માંડીને પેઇન્ટીંગની પોતાની આગવી સ્ટાઇલ માટે પણ એ જાણીતા હતા. જેમણે બે વાર નેશનલ એવોર્ડ મેળવ્યા હોય, ‘ફિલ્મફેર (સાઉથ)’નો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય, રાષ્ટ્રનું પદ્મશ્રી જેવું સન્માન મળ્યું હોય એવા આર્ટિસ્ટના આત્માને પ્રભુ શાંતિ અર્પે!