(સંજય)દત્ત અને (કિશોર)કુમાર
એક જ કપૂરમાં
હોઇ શકે ખરા?
ફિલ્મની વાર્તા, ગીત
કે સંગીતની માફક કોઇ વ્યક્તિના અંગત નામનો કૉપી રાઇટ હોઇ શકે કે? આ સવાલનો કાનૂની જવાબ
ટૂંક સમયમાં મળી જશે, જો શ્રીદેવી દિગ્દર્શક રામ ગોપાલ વર્માને ખરેખર જ અદાલતમાં ઢસડી
જશે તો! રામુ ઘણા વખતથી કોઇ વિવાદમાં નહતા આવ્યા, તે હવે પાછા ન્યૂઝમાં છે. તેમની નવી
ફિલ્મનું ટાઇટલ ‘સાવિત્રી’થી બદલીને ‘શ્રીદેવી’ કરતાં શ્રીમતી બૉની કપૂર (વર્માજીના
મતે તો, શ્રીમાન કપૂર!) નારાજ થયા છે. ફિલ્મનું નામ બદલો, તેથી બિનશરતી માફી માંગો
અથવા કોર્ટ કેસનો સામનો કરો એવી નોટીસ મોકલી છે. હકીકતમાં તો ફિલ્મોનાં નામ રજીસ્ટર
થાય ત્યારે એ ટાઇટલ સામે કોઇનો વાંધો હોય તો જે તે ચેમ્બરમાં ઉઠાવવાનો હોય. આ કેસમાં
આંધ્ર પ્રદેશ ફિલ્મ ચેમ્બરે આ શિર્ષક મંજૂર કર્યું છે.
વળી, રામ ગોપાલ વર્મા
કહે છે એમ, છેલ્લાં વીસેક વરસમાં ‘શ્રીદેવી’ નામની ત્રણ ફિલ્મો બની અને રિલીઝ થઈ ચૂકી
છે. તો પછી ‘શ્રી અને શ્રીમતી કપૂર’ને અત્યારે જ આટલા આકરા પાણીએ થવાની શી જરૂર હશે?
આમ કરવાથી તો ‘શ્રીદેવી’ને (એટલે કે પિક્ચરને!) અત્યારથી પબ્લિસિટી મળવાની શરૂ થઈ ગઈ
છે અને રામુએ પણ લાગ જોઇને પોતાનો ખુલાસો મીડિયામાં આપ્યો; જેનાથી ફિલ્મ વધુ પ્રચારમાં
આવી છે. રામજીએ જાહેર ખુલાસામાં ‘અભિનેત્રી શ્રીદેવી’ માટેના પોતાના એક સમયના આકર્ષણની
વાત કરીને તેમની ફિલ્મના વિષય-વસ્તુ વિશે કોઇના
મનમાં શંકા નથી રહેવા દીધી. રામુજીને પોતાની ઉગતી જવાનીના દિવસોમાં એક્ટ્રેસ શ્રીદેવી
માટે ‘ક્રશ’ (મોહ, આસક્તિ, મુગ્ધતા) હોવાનું ફરી એકવાર જાહેર કરીને ખુલાસો કર્યો છે
કે એવી વાર્તાઓ ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મોમાં આવી ચૂકી છે.
આવા મામલામાં શ્રીદેવીએ
પોતાની એક સમયની હરીફ માધુરી દીક્ષિતના અભિગમને ધ્યાનમાં રાખવા જેવો હતો. માધુરીના
નામને ફિલ્મના નામમાં સામેલ કરીને પણ રામ ગોપાલ વર્માએ ‘મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી
હૂં’ બનાવી જ હતીને? પરંતુ, અંતરા માલીને હીરોઇન તરીકે લઈને બનેલા પિક્ચર પ્રત્યે માધુરીએ
કોઇ વિશેષ પ્રતિભાવ ન આપ્યો અને એ ક્યારે આવ્યું અને ક્યારે ગયું તેની કોઇ ખાસ નોંધ
પણ ન લેવાઇ. હવે તો વર્માજીએ પોતાની ચોખવટમાં એ પણ કહ્યું છે કે તેમની વાર્તા પણ ‘જોકર’ની
માફક નાની વયના કિશોર અને તેનાથી મોટી ઉંમરની સ્ત્રી વિશેની છે એમ પણ કહીને એ એક્ટ્રેસ
શ્રીદેવી પ્રત્યેના પોતાના એક સમયના ‘ક્રશ’ના જાત અનુભવની વાર્તા કહેવાના છે એ પણ ચોખવટ
કરી દીધી!
ટૂંકમાં, એ શ્રીદેવીની જીવનકથા નહીં પણ રામગોપાલ વર્માની ‘(અંશતઃ) બાયોપિક’
હશે. આજકાલ ‘બાયોપિક’ સફળ થતાં હોવાનો પણ અનુભવ છે જ ને? ‘ભાગ મિલ્ખા ભાગ’ અને ‘મેરી
કોમ’ એ બે તાજા દાખલા છે. હજી કિશોર કુમાર અને સંજય દત્તની જીવનકથા ઉપરથી ‘બાયોપિક’
બનવાની છે અને મઝાની વાત એ છે કે તે બેઉ કલાકારોને પડદા ઉપર ભજવવા રણબીર કપૂરને વિચારણામાં
લેવાઇ રહ્યો છે. રણબીરની સંમતિ સંજય
દત્તની જીવનકથાને ભજવવા માટે મળી રહી છે; તેનું એક કારણ એ પણ છે કે તેનું દિગ્દર્શન
‘મુન્નાભાઇ...’ સિરીઝવાળા રાજુ હીરાણી કરવાના છે. તેથી જેવો ડર કિશોર કુમારના વારસો
તરફથી દિગ્દર્શક અનુરાગ બાસુને છે એવી કોઇ કાનૂની ગૂંચ થવાના ચાન્સીસ નથી.
કિશોરદાની
જિંદગીના પ્રસંગો અંગે વિવાદ હોય તો તેના ખુલાસા માટે કોણ ઓથોરિટી ગણાય એ પ્રશ્ન થઈ
શકે. જ્યારે સંજય દત્તના કિસ્સામાં તો વ્યક્તિ જાતે હાજર છે. (શંકા તો એવી પણ જાય કે
ખુદ સંજુબાબાએ જ પોતાની જીવનકથા આલેખવાનું પોતાના મિત્રને ના સોંપ્યું હોય?) ગમે તેમ,
પણ રણબીર જેવા આજના લોકપ્રિય સ્ટારની સંમતિ મળે તો આખા પ્રોજેક્ટનો સ્કેલ એ રીતે બદલાઈ
જાય, જે રીતે કરણ જોહર અને રોહિત શેટ્ટી ‘રામ લખન’ માટે રણબીરને લેવાનું વિચારી રહ્યા
હોવાના સમાચાર માત્રથી બિઝનેસ વર્તુળોમાં હલચલ વધી ગઈ છે. ‘રામ લખન’માં રણબીર અનિલ
કપૂરવાળો ‘લખન’નો રોલ કરે અને અજય દેવગ્ન જેકી શ્રોફની માફક ઇમાનદાર પોલીસ ઓફિસર બને
એવી એક દરખાસ્ત શરૂ થઈ છે. જો એ આગળ વધશે તો એ પ્રપોઝલમાં દીપિકા કે કેટરિનાની એન્ટ્રી
થાય એ પણ શક્યતા છે.
કેટરિનાની એન્ટ્રી અત્યારે તો લંડનના વિખ્યાત મેડમ
તુસાદના મ્યુઝિયમમાં થવાની તૈયારીઓ ચાલી રહી છે. એ મ્યુઝિયમમાં અમિતાભ બચ્ચન અને શાહરૂખ
ખાન તથા માધુરી દીક્ષિતની સાથે સાથે હવે કેટરિના પણ હશે એ નિર્ણય લેવાઇ ચૂક્યો છે.
આ એક નવો રેકોર્ડ હશે એમ પણ કહી શકાય. કારણ કે હિન્દી ફિલ્મોની અભિનેત્રી હોવા બદલ
કેટરિનાને આ બહુમાન મળશે અને તેની તાજી ફિલ્મ ‘બેંગ બેંગ’ના પ્રચાર માટે હિન્દી ચેનલો
પર ઇન્ટર્વ્યૂ આપતાં પણ તે સતત ઇંગ્લીશમાં જ જવાબ આપતી હતી! (અગાઉ ઝિન્નત અમાન અને
પરવીન બાબીએ પણ શરૂઆત કોન્વેન્ટ સ્ટાઇલમાં કરી હતી. પરંતુ, કાળક્રમે હિન્દી પર સારો
કાબુ મેળવી લીધો હતો.)
જો કે સિનેમામાં તો “ભાષાને શું વળગે ભૂર જે વકરામાં જીતે તે
શૂર” વાળો ખેલ હોય છે અને જે રીતે ‘બેંગ બેંગ’નો આખી દુનિયામાં થઈને લગભગ ૩૦૦ કરોડનો
બિઝનેસ થયો છે, એ જોતાં તો ‘કેટ’ને હિન્દી કેટલું આવડે છે એ કોણ પૂછવાનું છે? (એક જમાનામાં
ગુજરાતી પિક્ચરોની ટૉપ હીરોઇનોને પણ ક્યાં એવું ફાંકડું ગુજરાતી આવડતું હતું?) વકરાની રીતે હવે આ અઠવાડિયે દિવાળી પર રિલીઝ થનારી
‘હેપ્પી ન્યૂ યર’ પર બધીની નજર હશે. શાહરૂખ અને
દીપિકાની છેલ્લે આવેલી ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ના કલેક્શનને
પાર કરવાનું પહેલું ટાર્ગેટ હશે. એ જ રીતે ‘કિક’ અને ‘બેંગ બેંગ’ને પણ વટાવવાનાં રહેશે.
જો કે ‘બેંગ બેંગ’ના અનુભવ પછી ફરી એકવાર ચિંતા એવી પણ રહ્યા કરે છે કે તહેવારોનો લાભ
પત્યા પછીનું ભાવિ શું? ‘બેંગ બેંગ’ને બીજા અઠવાડિયે સોમવારથી જે રીતે મોટ્ટા ડ્રૉપ
આવ્યા અને ત્રણ-ચાર કરોડનાં જ કલેક્શન મળ્યાં, એ એવી મોંઘી પ્રોડક્ટ માટે તહેવારો અને
રજાઓના મેળની અનિવાર્યતા ફરી એકવાર સાબિત કરે છે. ‘હેપ્પી ન્યૂ યર’ માટે પણ લાભ પાંચમ
પછીના સમય પર સૌની નજર હશે. પણ ત્યાં સુધીમાં તો દોઢસો-બસો કરોડ ભેગા નહીં કરી લીધા
હોય?
રેખા પોતાની ફિલ્મ ‘સુપર નાની’ના પ્રચાર માટે ‘બીગ બૉસ’ના સેટ પર હતી અને તેની ચર્ચા
સતત રહે એવી મઝા કરાવીને ગઈ. તે ‘હાઉસ’ના તમામ રહેવાસીઓને ભેટી, પણ પુનિત ઇસ્સારને
નહીં. પુનિતને જોતાં રેખાને ‘બીગ બી’ની યાદ તાજી થઈ ગઈ હશે નહીં? આ ‘બીગ બી’ એટલે?
પુનિત ઇસ્સારનો ‘બીગ બ્લો’!!