Saturday, October 11, 2014

ફિલમની ચિલમ...... ઓક્ટોબર ૧૨, ૨૦૧૪




ફિલ્મોનું લોકપ્રિય સંગીત એટલે ‘સોનાને લાગે નહીં કાટ....’





ફિલ્મોના સુપર હીટ સંગીતની વાત આવે અને પેલું ભજન યાદ આવે.... “સોનાને લાગે નહીં કાટ....”! તેમાંય લક્ષ્મીકાન્ત પ્યારેલાલ અને આર.ડી. બર્મન જેવા સંગીતકારો કે જેમનાં ગીતો જે તે સમયે ’૭૦ અને ’૮૦ના દાયકામાં કર્ણપ્રિય અને લોકપ્રિય બન્ને હતાં; તેમનાં ગાયનોના ભાવ આજે પણ કેવા ભારે છે એ કરણ જોહરને સમજાયું. કરણ, હવે તો સૌ જાણે છે એમ, ‘રામ લખન’ની નવી આવૃત્તિ બનાવી રહ્યા છે. એ ફિલ્મ બમ્પર હીટ થવાનું એક મોટું કારણ લક્ષ્મી-પ્યારેનું અત્યંત લોકપ્રિય થયેલું સંગીત હતું. તેનાં ગાયનો “વન ટુ કા ફોર... માય નેમ ઇઝ લખન...” હોય કે “તેરા નામ લિયા તુઝે યાદ કિયા...” કે પછી માધુરીના ડાન્સની રચના.... “બડા દુખ દિના, તેરે લખનને...” એ તમામ વાર્તાનું અતૂટ અંગ બને એ રીતે આનંદ બક્ષીએ તે ગીતોના શબ્દો ગૂંથ્યા હતા.

બક્ષી બાબુની (અને તે ગાળાના મોટાભાગના શાયરોની પણ!) એ જબરદસ્ત કમાલ હતી. તેમની કવિતા સ્ક્રિપ્ટ રાઇટરનું અડધું કામ કરી આપતી. એવાં વાર્તાને આગળ વધારવાની સહેલાઇ કરી આપતાં ગાયનો મળી જાય તો પછી તો સોનાને ઢાળ ચઢાવવાનો ક્યાં હોય છે? એટલે કરણ જોહરે તે સંગીતના રાઇટ ખરીદવાની ઇન્ક્વાયરી જેમની પાસે તેના હક્કો છે એ રેકોર્ડ કંપની ‘સારેગમા’ પાસે કરાવી અને ત્યાંથી ભાવ પડ્યો છે, “સવા કરોડ રૂપિયા”! એક રીતે કહીએ તો ફિલ્મની બે હીરોઇનોનો લગભગ આ રેટ થયો. (ઑલરેડી મૂળ પિક્ચરમાંના ડીમ્પલના રોલ માટે જેક્લીન ફર્નાન્ડીઝને ફાઇનલ કર્યાના ન્યુઝ છે અને તેની ‘ફી’ હજી આઠ આંકડાએ પહોંચ્યાના કોઇ સમાચાર નથી આવ્યા.) મ્યુઝિક્ના રાઇટ માટે  હવે વાટાઘાટો ચાલશે અને અંતે “તમારી વાત નહીં અને અમારી ય નહીં. ચલો, વચલી રકમ....” એવું કશુંક સમાધાન થશે. જો એમ થશે, તો રેડિયો સ્ટેશન્સવાળાઓ જેને ‘પુરાની જીન્સ’ કહે છે એવા સંગીતના પુનઃ હક્કો વેચવાનો  તે કદાચ સૌથી મોટો સોદો હશે.

જો કે કરણ જોહરને પણ ‘બેંગ બેંગ’ના સિધ્ધાર્થ આનંદની માફક એક વાતે અભિનંદન આપવા જોઇએ કે કોઇની ક્રિએટિવ પ્રોપર્ટીની થોડાક ફેરફાર સાથે ઉઠાંતરી કરવાની અત્યારની ‘ફોર્મ્યુલા’થી હટીને તેમણે પણ ઇમાનદારીથી મૂળ કૃતિના બાકાયદા રાઇટ ખરીદવાનો રસ્તો પકડ્યો છે. ‘બેંગ બેંગ’ એ હોલીવુડની ફિલ્મ ‘નાઇટ એન્ડ ડે’ ઉપરથી બનેલી છે અને તેના હક્કો કાયદેસર ખરીદવામાં આવ્યા હતા. (Knight નો અર્થ ‘શૂરવીર યોદ્ધો’ છે. પણ ‘બેંગ બેંગ’ની મૂળ અંગ્રેજી ફિલ્મનું નામ ‘Knight and Day' હોવાથી ઘણાને એમ છે કે પોતાનાં ટાઇટલ્સની શરૂઆત ઇંગ્લીશ મૂળાક્ષર ‘કે’થી કરવાની એકતા કપૂર તથા રાકેશ રોશનની આસ્થા ઠેઠ હૉલીવુડ સુધી પહોંચી ગઈ કે શું?!) ‘નાઇટ એન્ડ ડે’ની એક વાત એ પણ જાણવા જેવી છે કે ટોમ ક્રુઝની તે ફિલ્મ ટિકિટબારી ઉપર એવા ધડાકા કરી શકી નહતી. તેથી હોલીવુડની એવરેજ કહી શકાય એવી ફિલ્મની હિન્દી આવૃત્તિ કરવાથી શું ફાયદો થશે એમ બીક બતાવનારા પણ હતા. પરંતુ, જે રીતે પહેલા અઠવાડિયે દુનિયાભરનાં થિયેટર્સમાં થઈને સવાસો કરોડનો બિઝનેસ કર્યો છે એ જોતાં અને દિવાળી સુધી લગભગ એવી બીજી કોઇ મોટી સ્ટાર કાસ્ટવાળી ફિલમ ન હોઇ ૧૮૦ કરોડના ખર્ચે બનેલી કહેવાતી ‘બેંગ બેંગ’ નુકશાનીનો તાકો નહીં નીકળે એવી આશા બંધાઇ છે.  


‘બેંગ બેંગ’ની સાથે આવેલી વિશાલ ભારદ્વાજની ‘હૈદર’ને પણ તેના ગજા મુજબનું કલેક્શન મળી રહ્યું છે અને પ્રથમ વીકમાં તેની ૨૪ કરોડની કૉસ્ટ સામે ત્રીસેક કરોડનો બિઝનેસ કરીને ‘પ્લસ પ્રોડક્ટ’ સાબિત થઈ છે. (કીડીને કણ અને હાથીને મણ!) ‘હૈદર’માં શાહીદ કપૂરનો અભિનય તેણે પોતાની કારકિર્દીનો બેસ્ટ કહ્યો છે. આમ તો દરેક ફિલ્મની રજૂઆત પહેલાં કલાકારો જે તે પિક્ચરને પોતાની કરિયરનું શ્રેષ્ઠ કહેતા આવ્યા છે અને તેથી શાહીદની વાતને ચપટીક મીઠા સાથે લેવાની રહે કે નહીં એ ચર્ચાનો વિષય હોઇ શકે. પરંતુ, નિર્માતા-દિગ્દર્શકો તબુ જેવી અભિનેત્રીને નહીં લઈને પ્રેક્ષકોને કેવી ટેલેન્ટેડ એક્ટ્રેસથી વંચિત રાખે છે એ તો ‘હૈદર’થી સમજાય જ છે. તેની સાથે વિશાલે કે.કે. મેનનને લઈને વિશીષ્ટ પ્રકારના કલાકારો પ્રત્યેની પોતાની કુણી લાગણી બતાવી છે. ‘કુણી લાગણી’ એટલે કે સરળ ભાષામાં કહીએ તો, ‘સૉફ્ટ કોર્નર’. તેની  અભિવ્યક્તિ વિશાલે અન્ય કલાકારોની પસંદગીમાં દેખાડીને ઇરફાન ખાન, કુલભૂષણ ખરબંદા અને આશિષ વિદ્યાર્થીને પણ શેક્સપિયરની આ અમરકૃતિમાં લીધા છે. 

એ બધા હૅવીવેઇટ કલાકારોની સાથે ‘હૈદર’ની હીરોઇન બાપડી શ્રદ્ધા કપૂરનું નામ ‘બેંગ બેંગ’ની હીરોઇન કૅટરિનાની માફક ચર્ચામાં નથી, એ કેવું આશ્ચર્ય કહેવાય? અહીં જ ટોપસ્ટાર્સની જરૂરી-બિનજરૂરી ગૉસીપની માર્કેટ વેલ્યુ દેખાઇ આવે છે. કૅટરિના પોતાના બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે હવે એક આવાસમાં નિવાસ કરતી થઈ છે એ ગુસપુસિયા સ્કૂપની દુનિયાના આ વીકના સૌથી મોટા ન્યૂઝ છે! (બેઉનાં માબાપે કદાચ એમ કહ્યું હશે કે તમારે જે કપડાંમાં ફરવું હોય એ તમારા ફ્લેટમાં ફરો..... પરદેશના કોઇ બીચ પર પ્રદર્શન કરવાની જરૂર નથી!) જો કે ફિલ્મ ઉદ્યોગના જૂના અનુભવીઓ પશ્ચિમના લગ્ન વિના સજોડે રહેવાના આ ‘ટેસ્ટ ડ્રાઇવ’ પ્રકારના પ્રયોગને ભારતમાં બહુ સફળતા નથી મળતી એમ કહેતા હોય છે. એક જમાનામાં પરવીન બાબીએ એવી ‘લીવ-ઇન-રિલેશનશીપ’થી સનસનાટી કરી હતી. 

 પરંતુ, પરવીને તે દિવસોમાં કહ્યું હતું કે આપણા સમાજમાં વેસ્ટર્ન કલ્ચરની માફક પુરુષ ઘરમાં સ્ત્રીને મદદ કરે એ સમાનતાનો કન્સેપ્ટ નહીં આવે ત્યાં સુધી તેનો કોઇ અર્થ નથી. પરવીનના મતે, બેઉ જણ કામ પરથી પરત આવ્યાં હોય તો પણ સ્ત્રી સીધી રસોડામાં જાય એવી અપેક્ષા રાખીને પુરુષ સોફા પર પગ પર પગ ચઢાવીને ટીવી જોવા બેસી જાય એ જીવનશૈલી નહીં બદલાય ત્યાં સુધી એ ‘લીવ-ઇન’ હોય કે ‘મેરેજ’ કશો ફરક નહીં પડે. પરવીન બાબીનું પોતાના અનુભવનું એ નિરીક્ષણ અને આજની ટ્વીટરની ચિડિયા લાવી છે એ તનિષા મુકરજી તથા અરમાન કોહલીની જોડીના ભંગની ખબર બેમાં કોઇ સમાનતા દેખાય છે કે? એ બન્ને ‘બીગ બોસ’ના ઘરથી એક બીજા સાથે સંકળાયાં અને અજય દેવગ્ન તથા કાજોલ સહિતના સૌની નામરજી છતાં સંબંધ ગંભીર થતો ગયો. આજે ટ્વીટ મારફત અરમાન અને તનિષાએ અલગ થવાનું જાહેર કર્યું; તેનાથી પેલી કહેવત સાચી પડતી નથી લાગતી?.... વાર્યા ના માને તો હાર્યા માને! શું લાગે છે?

તિખારો!

‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ પરથી ગુજરાતીમાં પિક્ચર બને તો શું ટાઇટલ રખાય? ‘વેગ-આવેગ’ કે ‘વેગ-ઉદ્વેગ’ કે પછી ‘ફાસ અને ફાસંફાસ’?! 

No comments:

Post a Comment