Saturday, March 28, 2015

ફિલમની ચિલમ..... માર્ચ ૨૯, ૨૦૧૫




‘બે યાર’, નેશનલ એવોર્ડ્સમાં
ગુજરાતી ફિલ્મનું તો નામનિશાન નથી!


એક નાની ચણભણ: શશિકપૂરને બદલે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર બીજા કોઇ કલાકાર-કસબીને ન આપી શકાયો હોત?


એવોર્ડ્સની તેમજ તેને પગલે થતા વિવાદોની પણ સિઝન પૂરી થઈ એમ લાગતું હતું ત્યાં નેશનલ એવોર્ડ્સની જાહેરાત થઈ અને ચણભણાટ શરૂ થયો છે. મોટેભાગે સૌએ હિન્દી સિનેમાના સંદર્ભથી ‘હૈદર’ પાંચ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ’ સાબિત થઈ છે, એની નોંધ લીધી અને તેમાં ‘ક્વિન’ માટે કંગનાને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કારથી નવાજાશે એનો રાજીપો પણ સૌએ વ્યક્ત કર્યો. કોઇએ એ વાતની યાદ પણ દેવડાવી કે ૨૦૧૧માં ‘ફેશન’ માટે પ્રિયંકા ચોપ્રા અને કંગના એ બન્નેને ‘બેસ્ટ એક્ટ્રેસ’ અને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ’ના એવોર્ડ મળ્યા હતા અને આજે વળી પાછા એ બન્ને ‘મેરી કોમ’ તથા ‘ક્વિન’ માટે સ્પર્ધામાં હતા. છેવટે પ્રિયંકાની ‘મેરી કોમ’ લોકપ્રિય મનોરંજક ફિલ્મના વિભાગમાં વિજેતા બની અને કંગના બેસ્ટ એક્ટ્રેસની કેટેગરીમાં. પરંતુ, ફિચર ફિલ્મ અને નોન ફિચર ફિલ્મના મળીને કુલ પચાસ જેવા પુરસ્કારોમાં એક પણ ગુજરાતી ફિલ્મ નથી! (હા, ‘બેસ્ટ ફિલ્મ’ જાહેર થઈ છે, તે ફિલ્મ ‘કોર્ટ’ હિન્દી, મરાઠી અને ઇંગ્લીશ ઉપરાંત ગુજરાતીમાં પણ હોવાનો ઉલ્લેખ છે, ખરો. તેથી ગુજરાતી નામની ભાષાની જાણ તો દિલ્હીમાં છે જ!) 




વધારે આશ્ચર્ય તો એ વાતનું છે કે તેમાંનો એક વિભાગ તો ભારતીય ભાષાઓમાં બનતી ફિલ્મોનો છે. તેમાં પણ ગુજરાતી પિક્ચરનું નામ નિશાન નથી. એ કેટેગરીનું નામ પણ સ્વયંસ્પષ્ટ છે: ‘ભારતના બંધારણના પરિશિષ્ટ ૮માં સમાવિષ્ટ દરેક ભાષાની શ્રેષ્ઠ ફિચર ફિલ્મ’. ત્યારે સવાલ થાય કે શું ગુજરાતી એ બંધારણના આઠમા શેડ્યુઅલની યાદીમાં સમાવિષ્ટ ભાષા નથી? કારણ કે પુરસ્કારોની યાદીમાં આટલી ભાષાઓની ફિલ્મોને બેસ્ટ ફિચર ફિલ્મના એવોર્ડ જાહેર થયા છે: આસામી, બંગાળી, કન્નડ, કોંકણી, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિળ, તેલુગુ અને ફરી એકવાર હિન્દી પણ (જ્યાં વિજેતા ‘ક્વિન’ છે). એ ઉપરાંત બંધારણની યાદીમાં ન હોય એવી ભાષાઓનો પણ અલગ વિભાગ છે, જેમાં હરિયાણવી અને આસામ તથા બંગાળનાં જંગલોની ‘રાભા’ નામની લોકબોલીમાં બનેલી ફિલ્મનો પણ સમાવેશ છે. એ સિવાય ‘સ્પેશ્યલ મેન્શન’ના સર્ટિફિકેટનો વિભાગ પણ છે, ત્યાં પણ ‘ભૂતનાથ રિટર્ન્સ’ સરખી હિન્દી ફિલ્મ છે. પરંતુ, ગુજરાતીની કોઇ કૃતિ નથી! 



શું કારણ હશે? લાગે છે કે આપણા ફિલ્મ સર્જકો નેશનલ એવોર્ડ્સ માટેની એન્ટ્રીમાં પોતાનાં પિક્ચર નહીં મોકલતા હોય. તમારી ઉમેદવારી જ ન હોય તો એ ફિલ્મ જ્યુરીએ જોવાનો સવાલ જ ના થાયને? પછી પુરસ્કારની કોઇપણ યાદીમાં ગુજરાતી ફિલ્મ ક્યાંથી હોય? બાકી એક સામાન્ય લોજીક તો એવું પણ કહી જાય છે કે જ્યારે વડાપ્રધાન એક ગુજરાતી હોય ત્યારે તો ગુજરાતી ભાષાની ફિલ્મોની રાષ્ટ્રીય કક્ષાના અને તે પણ સરકારી પુરસ્કારોમાં અવગણના થવાની શક્યતા નહીંવત હોય. વળી એવું પણ નથી કે સાવ ઓછી ફિલ્મો બનતી હોય અને ગણત્રીના જ સર્જકો હોય જે બધા એન્ટ્રી મોકલવાનું ચૂકી ગયા હોય. હવે તો ગુજરાતીમાં બનતી ફિલ્મોની સંખ્યા પણ સારી હોય છે અને તેની ક્વોલિટીમાં આશિષ કક્કડની ‘બેટર હાફ’, તથા અભિષેક જૈનની ‘કેવી રીતે જઈશ’ કે ૨૦૧૪માં જ રિલીઝ થયેલી ‘બે યાર’ જેવી અર્બન વાર્તાઓ પણ આવવા લાગી છે. ગુજરાતી ફિલ્મોને એવોર્ડ્સ પણ અપાય છે. 

‘ટ્રાન્સમીડિયા’ના એવોર્ડ્સ તો છેલ્લાં ૧૪ વરસથી અપાય છે. એ જ રીતે ત્રણ વર્ષ અગાઉ શરૂ કરાયેલા મિત્ર અભિલાષ ઘોડાની ટીમ ગુજરાતી ગ્લેમર વર્લ્ડ એવોર્ડ્સનું આયોજન પણ કરે છે. તેના સમારંભનું આયોજન તો આ સાલ જુલાઇમાં દુબઇ ખાતે થશે એવા ન્યુઝ સોશ્યલ મીડિયામાં ચમક્યા છે. એ બધા ઉપરાંત ખુદ ગુજરાત સરકાર પણ (ક્યારેક બે વર્ષના ભેગા પણ!) એવોર્ડ્સ તો આપે જ છે. તેથી નિર્માતાઓને કે દિગ્દર્શકોને એવોર્ડની કાર્યપધ્ધતિનો ખ્યાલ નહીં હોય એવું માનવાને પણ કારણ નથી. દરેક એવોર્ડ માટે તેની નિયત સમય મર્યાદામાં સર્જકે એન્ટ્રી મોકલવાની હોય. તેમાંથી થોડીક ફિલ્મો શોર્ટલીસ્ટ થાય અને જ્યુરી ફાઇનલ વિજેતા પસંદ કરે. એટલે ગુંચવાડો એ છે કે શું એક પણ ગુજરાતી પિક્ચર, ‘બે યાર’ સહિતનું, પુરસ્કારને લાયક નહીં હોય? કે પછી એક પણ સર્જકે પોતાની એન્ટ્રી નેશનલ એવોર્ડ માટે નહીં મોકલી હોય?


જો એન્ટ્રી જ મોકલાઇ ન હોય, તો ગુજરાત સરકારના પક્ષે પણ થોડીક જાગૃતિની આવશ્યકતા અપેક્ષિત છે. નેશનલ એવોર્ડ્સમાં મોટાભાગના પુરસ્કારોની રકમ ભલે પચાસ હજાર રૂપિયા જ હોય છે. (જોવાનો આ પણ એક એંગલ હોઇ શકે છે!) ક્યારેક તો માત્ર એક મેરીટ સર્ટિફિકેટ જ હોય છે. છતાં એ કલા અને કલાકારોની દેશ દ્વારા થતી કદર છે. એ અંગે રાજ્યના ક્રિએટિવ લોકોને સમયસર જાણ થાય એ માટે છાપાં કે અન્ય રીતે થતી જાહેરાતો ઉપરાંત શું માહિતી ખાતું અંગત રસ લઈને સૌ સર્જકોને જે તે વર્ષના રાષ્ટ્રીય પુરસ્કારોનું સમયપત્રક મોકલાવીને જાગરુકતા વધારી ન શકે? આખરે આ પુરસ્કારો રાષ્ટ્ર દ્વારા થતું સર્વોચ્ચ સન્માન હોય છે અને ગુજરાતી ભાષાની એક પણ ફિલ્મ એ યાદીમાં ન હોય તો સર્જકો તથા સરકાર બન્નેને તેની ગંભીર ચિંતા થવી જોઇએ; જેથી આવતા વર્ષના એવોર્ડ્સમાં આનું પુનરાવર્તન ન થાય. જો કે આ સાલના પુરસ્કારોમાં સૌથી વધુ ચર્ચા શશિકપૂરને અપાયેલા ‘દાદા સાહેબ ફાળકે એવોર્ડ’ની છે.

 

શશિકપૂરને જાહેર થયેલા એ એવોર્ડ માટે એક ચણભણાટ એવો પણ થયો છે કે આજે વ્હીલચેરમાં તેમને લાવવા - લઈ જવા પડે છે, ત્યારે આ પુરસ્કાર સહાનુભૂતિને કારણે અપાયો છે? એક્ટર તરીકે ‘શશિબાબા’ને ‘ગ્રેટ’ની કેટેગરીમાં મૂકવા પડે એવા પર્ફોર્મન્સ પણ નથી. જો કે અમારા ગમતા અભિનેતાઓ પૈકીના એ છે, પણ એ અલગ લેખનો વિષય છે. એવોર્ડના સંદર્ભે જોઇએ તો, તેમનું યોગદાન વિશિષ્ટ તો છે જ. તેમણે ‘પૃથ્વી થિયેટર્સ’ જેવી પર્ફોર્મિંગ આર્ટની વ્યવસ્થા ઉભી કરી આપી છે, જે આજે પણ કલાકારો માટે તીરથધામ સમાન છે. એ કોમર્શિયલ ફિલ્મોના ‘ચાર્મીંગ લવર બોય’ની પોતાની હલકી ફુલ્કી ઇમેજથી વિપરિત  તેમના સમયના એક ગંભીર સિનેમાપ્રેમી નિર્માતા હતા. તે કલાકોમાં સમય આપીને એક દિવસમાં ત્રણ ત્રણ ફિલ્મોના શૂટીંગ કરતા અને તેને લીધે રાજકપૂરે તેમને ‘ટેક્સી’ પણ કહ્યા હતા. પરંતુ, રાત-દિવસ જોયા વગર કરેલી કોમર્શિયલ ફિલ્મોથી કરેલી કમાણીને તેમણે પાછી તે જમાનામાં જેને આર્ટ ફિલ્મો કહેતા એવી ફિલ્મોમાં લગાવી હતી. 


તેમણે શ્યામ બેનેગલ (જૂનૂન, કલયુગ) કે ગોવિંદ નિહલાની (વિજેતા) જેવા લીકથી હટીને ફિલ્મો બનાવનારાઓને ઝુંપડીના સેટ કે ગરીબોની જ વાત કરવાના માહૌલથી બહારનું વિચારાય એવા વિશાળ કેનવાસ પૂરા પાડ્યા. એટલું જ નહીં, દાદા સાહેબ ફાળકેની માફક દેવાના ડુંગર તળે દબાઇને ઘર અને બીજી મિલક્તોને ગીરે મૂકવા સુધીની તકલીફો પણ વેઠી હતી. એટલે તેમના યોગદાન વિષે બેમત નથી. પરંતુ, શશિકપૂરના પિતાશ્રી પૃથ્વીરાજ કપૂર અને મોટાભાઇ રાજકપૂર બન્નેને પણ ‘દાદા સાહેબ ફાળકે પુરસ્કાર’થી સન્માનિત કરાયા હતા. ત્યારે એક જ પરિવારની ત્રણ ત્રણ વ્યક્તિઓને આટલા મોટા સન્માનથી નવાજવાનું ઔચિત્ય પણ ઘણા પૂછે છે. શશિકપૂરને ઓલરેડી પદ્મભૂષણથી નવાજાયેલા છે, જે બીજા નંબરનો પુરસ્કાર તો છે જ. તો પછી અભિનેતા/અભિનેત્રી ઉપરાંતના ફિલ્મોના અન્ય ક્ષેત્રો તથા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંતની કોઇ ભાષાના કલાકાર-કસબીની પસંદગી ના થઈ શકી હોત? (સોચો ઠાકુર!)

તિખારો!

આજના લખાણને રાબેતા મુજબના વાર્ષિક એપ્રિલફુલનો લેખ કોઇએ ના સમજવો....

ખરેખર જ રાષ્ટ્રીય પુરસ્કારોમાં ગુજરાતી ભાષાની ફિલ્મનું નામનિશાન નથી!      

No comments:

Post a Comment