Sunday, April 26, 2015

ફિલમની ચિલમ... 26 એપ્રિલ ૨૦૧૫




બૉક્સ ઑફિસે છેવટે ૧૦૦ કરોડની ફિલ્મ જોઇ ખરી!

બોક્સ ઓફિસ પર ધ્યાન રાખનારા સૌ આનંદો..... બહુ વખતે ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરનારી ફિલ્મ આવી. પણ આ રાજીપો ‘આઇપીએલ’માં બ્રૅન્ડન મૅક્યુલમ જેવા કોઇ વિદેશી ખેલાડીએ ફટકારેલી સદીનો કરી શકાય એવો છે. કારણ કે ‘ક્લબ હન્ડ્રેડ ક્રોર’ના તાજા સભ્ય તરીકે એન્ટ્રી પાડનાર ફિલ્મ હોલીવુડની ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ છે! કોઇ ઇંગ્લિશ ચિત્રપટ એકલા ભારતમાં સો કરોડ રૂપિયાનો બિઝનેસ કરે એ પોતાની રીતનો એક આગવો વિક્રમ છે. તે પણ એવા સમયમાં જ્યારે ‘આઇપીએલ’ની મેચો ચાલતી હોવાને કારણે સિનેમ ઘરોમાં પ્રેક્ષકો આવવાના ઘટી ગયા હોવાની ફરિયાદ આપણા સર્જકો કરતા હોય. છેલ્લા ઘણા સમયથી ફિલ્મોના વકરાની એવી દુર્દશા થઈ છે કે દર વીકે ઓછા સ્કોરનાં જાણે કે નવાં સ્તર દેખાય છે. આ અઠવાડિયે ઇમરાન હાશ્મીના ‘મિસ્ટર એક્સ’ની સરખામણી સની લિયોનિની ફિલ્મ ‘એક પહેલી લીલા’ના કલેક્શન સાથે કરવાનો વારો આવ્યો છે.

‘મિસ્ટર એક્સ’ને ઇમરાન હાશ્મીની ‘સિક્સર’ કહી શકાય. કેમ કે આ તેની સળંગ છઠ્ઠી ફ્લોપ ફિલ્મ ગણાય છે. તેની ૨૦૧૨માં આવેલી ‘રશ’, તે પછીના વર્ષે રજૂ થયેલી ‘એક થી દાયન’, ત્યાર બાદ રિલીઝ થયેલી ‘ઘનચક્કર’ તથા ગયા વરસની બેઉ ફિલ્મો ‘રાજા નટવરલાલ’ અને ‘ઉંગલી’ એ પાંચેય કશાય ઉંહકારા વગર ધબોનારાયણ થઈ ગઈ હતી. તેથી ‘મિસ્ટર એક્સ’ પર નજર હતી. જેમ ક્રિકેટમાં એમ જ અહીં..... છેલ્લી કેટલી ઇનીંગ્સમાં કેવો સ્કોર કર્યો એના પર જ હરાજીમાં તમારા ભાવ પડે. ઇમરાન હાશ્મીનો શરૂઆતનો ‘યુએસપી’ હતો તેના કિસિંગ સીન્સ. પણ હવે બાજી બે રીતે બગડી છે. એક તો વારંવાર એનાં એ જ પ્રકારનાં દ્રશ્યો જોઇને પ્રેક્ષકો માટે પડદા ઉપર ચુંબનની નોવેલ્ટી પૂરી થઈ ગઈ લાગે છે. બીજું કે શરૂઆત ભલે ઇમરાન હાશ્મીએ કરી હોય પણ આજે તો લગભગ તમામ હીરો અને હીરોઇનોનાં એવાં દ્રશ્યો આવવા લાગ્યાં છે. તો પછી પ્રેક્ષક એટલા જ રૂપિયા ખર્ચીને કોઇ ટૉપ સ્ટારની ફિલ્મ ના જુએ જેમાં એવા સીન ઉપરાંત અભિનય અને/અથવા સ્ટાઇલ પણ જોવા મળે. 



તે ઉપરાંત ‘મર્ડર’ આવ્યું તે સમય કરતાં ભારતમાં ઇન્ટરનેટનો પ્રસાર કેટલાય ગણો વધી ચૂક્યો છે. એટલે ઓનલાઇન જોનારા રસિક દર્શકોને સાવ મફતમાં (અને તે પણ કદાચ વધારે વિગતવાર!) એ બધું જોવા મળી શકે છે. એટલે ફિલ્મો ફ્લૉપ જવા પાછળ માત્ર ‘આઇપીએલ’ પર દોષ દેવાને બદલે બીજા સંજોગો પણ ધ્યાને લેવા જોઇએ. નહીંતર, ક્રિકેટનો એ કાર્નિવલ તો ઠેઠ ૨૮મી મે સુધી ચાલવાનો છે અને તે દરમિયાન અક્ષયકુમારની ‘ગબ્બર ઇઝ બૅક’, અમિતાભ બચ્ચનની ‘પીકુ’ અને અનુરાગ કશ્યપની કરણ જોહરને વિલન તરીકે પ્રથવાર એક્ટિંગ કરાવનારી ‘બોમ્બે વેલ્વેટ’ સહિતની મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ કરવાના પ્લાન થયા હોત કે? કરણ જોહર પોતે ભલે અનુરાગ કશ્યપના નિર્દેશનમાં પડદા ઉપર મોટાપાયે ચમકવાના હોય; એ  પોતે પણ સફળ દિગ્દર્શક છે જ અને તેમની પારખુ નજરે રિતિક રોશનને તેની પ્રથમ ફિલ્મ રિલીઝ થતાં અગાઉ પસંદ કરી લીધો હતો. તેમની સુપરહીટ ‘કભી ખુશી કભી ગમ’માં કરણે ‘રોહન’ના પાત્ર માટે રિતિકને સિલેક્ટ કર્યો, ત્યારે ‘કહો ના... પ્યાર હે’ રજૂ પણ નહતી થઈ. માત્ર તેની રફ કૉપી જોઇને જ પસંદ કરી લીધો હતો.

એ જ રીતે ‘કભી ખુશી કભી ગમ’માં કરણ જોહરે શાહરૂખના બાળપણનાં દ્રશ્યો માટે બાળ કલાકાર તરીકે કોને ચાન્સ આપ્યો હતો, જાણો છો? શાહરૂખના દીકરા (સોરી, મોટા દીકરા) આર્યનને! (જુનિયર ખાનમાં શું ટેલેન્ટ જોઇ હશે? થોડાંક વરસ પછી ખબર પડશે.) એ જ પિક્ચર ‘કભી ખુશી કભી ગમ’માં અભિષેક બચ્ચન પણ કરિના કપૂર સાથેના એક સીનમાં અલપઝલપ આવવાનો હતો. પરંતુ, ‘અભિ’ની વિનંતિને લીધે છેલ્લે એડિટીંગ વખતે તે કાપી નાખવામાં આવ્યો હતો. એ જ રીતે ઐશ્વર્યા રાયની પણ એક ભૂમિકા માટે વિચારણા કરાઇ હતી. તે વખતે અભિ-એશ પોતપોતાની રીતે યુવાનીની મઝા માણતાં હતાં. કેમ કે ‘કભી ખુશી કભી ગમ’ આવ્યું ૨૦૦૧માં અને આ ગોલ્ડન કપલ લગ્નગ્રંથીથી જોડાયું ૨૦૦૭ના એપ્રિલની ૨૦મીએ. એટલે કે આ સાલ ગયા અઠવાડિયે બેઉની મેરેજ એનિવર્સરી હતી. તે દિવસે અભિષેકે સોશ્યલ મીડિયા પર ચાહકોનો આભાર માન્યો પોતાની આગવી રીતે.



જુનિયર બચ્ચને લગ્ન કે પરિણય પહેલાં ઐશ્વર્યા સાથે માત્ર એક હીરોઇનના નાતે પડાવેલો પોતાનો પ્રથમ ફોટો સોશ્યલ મીડિયામાં મૂકીને એ દિવસોની યાદ તાજી કરાવીને ‘અભિ-એશ’ના ચાહકોનો તેમના પ્રેમ બદલ આભાર માન્યો. પરંતુ, આ જ અઠવાડિયે ઐશ્વર્યાને એક વિવાદના કેન્દ્રમાં આવવું પડ્યું. તેણે એક જ્વેલરીની બ્રાન્ડની જાહેરાત માટે આપેલા એક પોઝને લીધે કર્મશીલોની ટીકાનો ભોગ બનવું પડ્યું છે. એ ફોટામાં એક બ્લેક બાળક ઐશ્વર્યાના માથે છત્રી ધરીને ઉભું હોય એવું દ્રશ્ય છે. તેની સામે વાંધો એ લેવાયો છે કે તેનાથી રંગભેદ અને બાળ મજૂરી બન્નેને પ્રોત્સાહન મળે છે. (ઘણીવાર કવિશ્રી ભાગ્યેશ જહાની એક સરસ વેધક કવિતા યાદ આવી જાય છે, “અમે તો એક્ટિવિસ્ટો,..... ટવીસ્ટ કરી ગાવું એ જ અમારો મેનીફેસ્ટો”!) ઐશ્વર્યાની આ જાહેરાત સામેનો વાંધો એક ઓપન લેટરમાં વ્યક્ત કરાયો છે.

ત્યારે સવાલ એ થાય કે ઐશ્વર્યાને બદલે કોઇ અજાણી મોડેલે આ એડ કરી હોત તો આવું કશું થાત કે? ફિલ્મ સ્ટાર્સ અને તેમાં પણ હીરોઇનો સોફ્ટ ટાર્ગેટ હોય છે, આવા બધા વિવાદોમાં પછી એ ઐશ્વર્યા હોય કે હેમામાલિની જેવી સિનિયર અભિનેત્રી. હેમાજીએ પોતે સંસદ સભ્ય હોવાને નાતે પોતાના મતવિસ્તાર મથુરાને હાઇલાઇટ કરવા ‘બ્રજ મહોત્સવ’નું આયોજન આ ૨૫ અને ૨૬ એપ્રિલે કર્યું છે. તેમાં અમિતાભ અને જયા બચ્ચન, ગોવિંદા, અર્જુન કપૂર, પરિણિતિ ચોપ્રા અને શ્રધ્ધા કપૂર જેવા સ્ટાર્સે આવવાની સંમતિ આપી છે. અગાઉ ૧૧-૧૨ એપ્રિલે આ મહોત્સવ યોજવાનું પ્લાનિંગ હતું. ત્યારે તો જેકલીન ફર્નાન્ડીઝ સહિતના અન્ય સ્ટાર્સે પણ હામી ભરી હતી. પરંતુ, હવે જ્યારે એ તારીખો ખસેડીને આ શનિ-રવિ પર લવાઇ છે, ત્યારે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. ખેડૂતોના પ્રશ્ને રાજકારણ ગરમાઇ ગયું છે. ઉત્તર પ્રદેશમાં પણ લેન્ડબીલનો મુદ્દો ચગી રહ્યો છે. એવા સંજોગોમાં, ફિલ્મ સ્ટાર્સનો જલસો (ભલેને કૃષ્ણ ભક્તિ અંગેનો હોય તો પણ) કશા વાદ-વિવાદ વગર પતશે કે? આ લખાણ ૨૬મીએ પ્રસિદ્ધ થતાં સુધીમાં એ ફાયનલ થઈ ચૂક્યું હશે કે બધા વાંધા-વિરોધ વચ્ચે બ્રજ-મહોત્સવ કરવા દેવાયો કે ખુદ તેમનો જ પક્ષ હેમાજીને હાલ પૂરતાં એમ કરતાં રોકશે?

   

તિખારો!
પરદેશમાં એક સમયની પૉર્ન સ્ટાર સની લિયોનિને ભારતમાં કપડાં પહેરવાના પૈસા મળે છે! (સોશ્યલ મીડિયા પર એક કોમેન્ટ)
   

Sunday, April 19, 2015

ફિલમની ચિલમ... એપ્રિલ ૧૯, ૨૦૧૫




રણબીર-કટરિના કે ‘મુગલે આઝમ’નાં ‘સલીમ-અનારકલી’? 

‘વિવેક ઓબેરોયને દાદાસાહેબ ફાળકે એવોર્ડ જાહેર થયો’ એવા આવેલા સમાચાર વાંચીને લાગે છે કે શેક્સપિયરની જેમ ‘વ્હોટ ઇઝ ધેર ઇન એ નેઇમ’ હોય કે ગુજરાતીમાં ‘નામને શું રડે?’ એમ કહીએ તે બધાનો એક હદ સુધી જ મતલબ હોય છે. કારણ કે શશિકપૂરને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ની જાહેરાત થયાની હજી શાહી સૂકાઇ નથી, ત્યાં વિવેક ઓબેરોયને તેના ‘વૈવિધ્ય સભર અભિનય’ (!) માટે એ જ એવોર્ડ જાહેર કરવા પાછળનો સરકારનો શો આશય હશે? એમ વિચારે ચઢી જવાય. પરંતુ, ભલું થજો ગૂગલેશ્વરનું કે તાત્કાલિક ખુલાસો મળી ગયો. હકીકતમાં તો, એ ગવર્ન્મેન્ટનો પુરસ્કાર નથી અને એ એવોર્ડનું આખું નામ આમ છે, ‘દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન પ્રાઇડ એવોર્ડ’! એક જમાનામાં દેવ આનંદ જેવા દેખાતા ‘સેવ આનંદ’ હતા કે કથાના ક્ષેત્રમાં ‘છોટે મોરારી’ પણ હોય છે એમ આ એવોર્ડને ‘ખોટે દાદાસાહેબ’ કહી શકાય કે?!


શું સરકારે પોતાના આટલા અત્યંત પ્રતિષ્ઠિત પુરસ્કારની ગેરસમજણ ઉભી કરે એવા એવોર્ડના નામને રક્ષણ ના આપવું જોઇએ? ગઈ સાલ પણ આ જ પુરસ્કાર જીતેન્દ્રને જાહેર થયો હતો અને એ સર્વોચ્ચ સરકારી બહુમાન જીતેન્દ્રને અપાવું જોઇએ કે નહીં? એવા સવાલો સાથે ફિલ્મી દુનિયામાં અને મીડિયામાં તેનો ચચરાટ થયો હતો. ત્યારે જ એ વાતનો ભંડો ફુટ્યો હતો કે આ તો સ્વાવલંબનથી પાડેલું ભળતું જ નામ છે. તેને ઓરિજિનલ ફાળકે એવોર્ડ સાથે માત્ર એટલો સંબંધ છે કે મૂળ પુરસ્કાર જાહેર થાય તેની આસપાસના  દિવસોમાં તે એનાઉન્સ થાય છે. ગયા વરસે ‘ફાળકે ટ્રોફી’ સાથેના જુહી ચાવલા, ફરહાન અખ્તર અને ઇવન કપિલ શર્માના ફોટા અખબારોમાંઆવ્યા જ હતાને? એ સૌએ પણ પોતાને ‘ફાળકે દાદા’નું નામ જે સન્માન સાથે સંકળાયેલું છે, તેની (‘દાદા’ના ફોટાવાળી!) ટ્રોફી સ્વીકારવામાં ઘણો આનંદ થાય છે એમ કહ્યું હતું! હકીકતમાં તો જે સ્ટારને એ ‘પ્રાઇડ એવોર્ડ’ જાહેર થાય કે બહુમાન તરીકે ટ્રોફી અપાય  તેમની જ નામનો ખુલાસો કરવાની ફરજ નહીં? વિવેક ઓબેરોય જાતે એ જાહેરાત કરે કે આ તદ્દન અલગ પુરસ્કાર છે, તો ઓરિજનલ એવોર્ડની ગરિમા સચવાય.

વિવેકનું નામ એક સમયે ઐશ્વર્યા રાય સાથે લેવાતું હતું અને પછી સલમાનના સંખ્યાબંધ ટેક્સ્ટ મેસેજ્ના કારણે કરેલી પેલી ફેમસ પ્રેસ કોન્ફરન્સથી એ વધારે જાણીતો થયો હતો. એ ત્રિકોણનો ચોથો ખૂણો અભિષેક થયો અને પછી જે થયું તે તાજો ઇતિહાસ છે. એ જ રીતે રણબીર અને દીપિકાની પ્રેમકહાણી ગંભીર થતી હતી; દીપિકાએ પોતાની બોચીએ ‘આર.કે.’નું ટેટુ ચિતરાવી દીધું હતું. એવામાં એક દિવસ કટરિનાની એન્ટ્રી થઈ અને આજે ‘આર.કે’ પરિવારની વહુ થવાની સિરીયસ શક્યતા સુધી પહોંચી ચૂકી છે. સવાલ છે માત્ર સંભવિત સસરા રીશી કપૂરની મંજૂરીનો! કારણ હવે રણબીર અને કટરિનાને પણ રીશી-નીતુની જેમ ગાવાનું થયું લાગેછે.... ‘યે તો હોના હી થા....’! એ બન્નેએ સાથે રહેવા માટે અલગ ફ્લેટ લીધો અને બેઉએ જોડે થઈને તે ઘર સજાવ્યું પણ ખરું. પરંતુ, તાજેતરની ઘટનાઓ જોતાં લાગે છે કે રણબીરના પિતાશ્રીએ તે જોડીને મંજૂરી હજી આપી નથી. 

 
કેમ કે રીશી કપૂરે દીકરો અલગ રહેવા ગયો એ પોતાને ગમ્યું નથી એમ ખુલ્લે આમ ઇન્ટર્વ્યુમાં કહીને પોતાની નારાજગી જાહેર કર્યાને હજી જુમ્મા જુમ્મા આઠ દિન પણ થયા નથી ત્યાં એક બીજી એવી ઘટના બની છે કે ‘મુગલે આઝમ’ની સિચ્યુએશન થતી લાગે. રણબીર અને કટરિનાએ રીશીબાબા (ખરેખર તો ‘રીશીબાપા’)ને બાજુ પર રાખીને સમગ્ર કપૂર ખાનદાનને વિશ્વાસમાં લેવાનું હોય એમ એક ડિનરનું આયોજન કર્યું. તેમાં મમ્મી નીતુસિંગ અને કાકાઓ રણધીર અને રાજીવ કપૂર ઉપરાંત રણબીરની પરણેલી બહેન રિધ્ધિમા (સહાની) પણ ઉપસ્થિત હતી. સૌથી મોટી વાત એ હતી કે પરિવારનાં સૌથી વડીલ એવાં ખુદ દાદીમા ક્રિશ્ના કપૂર પણ પધાર્યાં હતાં. ન આવ્યા તો માત્ર રીશી કપૂર! વળી, આ ઘટના કપૂર પરિવારના પુસ્તૈની ઘરમાં કે રણબીર કટરિનાના ‘લવ નેસ્ટ’ એવા ફ્લેટમાં નહતી બની. તેમજ આ બધી ચટપટી ખબર ઘરના કોઇ નોકરને ફોડીને બહાર નથી લવાઇ. ડિનરનુ આયોજન એક ફાઇવ સ્ટાર હોટલની રેસ્ટોરાંમાં થયું હતું અને મીડિયા મોટા પાયે બહાર હાજર રહીને આવનાર દરેકની ફોટોગ્રાફિક નોંધ લેતું હતું. તેમાં રીશી કપૂર ક્યાંય દેખાયા નહતા.

એટલે સુધી તો હજી ઠીક હતું. પરંતુ, જ્યારે ‘પાલીહિલ બચાઓ’ની ચળવળ માટે ત્યાંના રહેવાસીઓ એકત્ર થયા, ત્યારે મીડિયાને જવાબ આપવા રીશીએ પોતાને વધારે ઉઘાડા પાડ્યા. એ વખતે એક પત્રકારે આ મુદ્દો છેડ્યો, ત્યારે ઝિલ્લેઇલાહી ગુસ્સે થઈ ગયા. મીડિયા હવે તે અકળાટને જ વધારે હાઇલાઇટ કરે છે અને ફેરિયાઓને ફળવાવાની જ્ગ્યાના મુદ્દાને જોઇએ એવું મહત્વ ન મળ્યું. જો કે એ વાત ખરી કે એ વખતે માત્ર પાલીહિલ બચાવવા વિશેના જ પ્રશ્નો પૂછવા જોઇએ. પરંતુ, અગર કોઇએ આડો ફંટાતો સવાલ પૂછી કાઢ્યો હોય તો પણ હસીને ટાળી શકાય. તેને બદલે “વૉટ કાઇન્ડ ઓફ એ સ્ટુપીડ ક્વેશ્ચન ઇઝ ધીસ?” એમ કહીને તાડુકવામાં દેખાતો ગુસ્સો એ પત્રકાર કરતાં વધુ પોતાના પુત્ર પ્રત્યેનો વધારે લાગે, તેમાં મીડિયાનો શું વાંક? 

હવે કલ્પના કરાનારાઓને રીશી કપૂર જાણે કે અકબરની ઑથોરિટીથી કહેતા હોય કે ‘સલીમ.... અનારક્લી તુમ્હારે લાયક નહીં હૈ...’ અને સામે શહજાદા સલીમ અર્થાત રણબીર પણ “મેરા મુતાલ્બા હૈ...” કહીને પોતાનો પોઇન્ટ ઓફ વ્યૂ કહે. (“મૈં ભી ઉસી કપૂર ખાનદાન કા શહજાદા હું, જિસકે તાઝદાર, મજહબ-ઓ-મિલ્લત કી પરવા કિયે બગૈર અપની મર્જી કી મલિકા ચુનતે આયે હૈં ઔર મૈં ભી અપને ઉસી હક કા ઇસ્તેમાલ કરતા હું...”!) કારણ કે રીશી કપૂરે પણ નીતુસિંગ સાથે લગ્ન માટે પોતાના પરિવારને એક સમયે મનાવવું જ પડ્યું હતું. છેવટે હીરોઇન સાથે લગ્ન કરો તો એ સિનેમામાં કામ ન કરે એવી પરંપરાને નીતુ પણ ફોલો કરશે એવી વણલખી કપૂર પરંપરાનો અમલ થયો અને એ શાદી થઈ હતી. જ્યારે અત્યારે સ્થિતિ એવી છે કે હજી થોડા વખત પહેલાં જ પોતે સાઇન કરેલાં ત્રણ પિક્ચરની સાઇનિંગ એમાઉન્ટ પરત કરીને પારિવારિક રીતરસમોનું પાલન કરવાની તેની નિષ્ઠા દેખાડનાર કટરિનાએ હવે નવી સ્ક્રિપ્ટ્સ સાંભળવાની શરૂ કરી છે. 

 
એટલું જ નહીં, સિધ્ધાર્થ મલ્હોત્રા જેવા જવાનિયા કલાકાર સાથે એકાદ ફિલ્મની મંજૂરી આપ્યાની ગુસપુસ પણ શરૂ થઈ છે. જો કે ફિલ્મો સાઇન કરવાની રીતે નવાજુદ્દીન સિદીકીનો ઘોડો અત્યારે બરાબર વીનમાં દોડી રહ્યો છે. તેણે શાહરૂખની જોડે ‘રઈસ’ સાઇન કર્યા પછી હવે દિગ્દર્શક સુજોય ઘોષના નવા પિક્ચર માટે એ પસંદ થતાં સૈફ અલી ખાન સામે પણ એ આવશે! તેની પાસે સલમાન સાથેની ‘બજરંગી ભાઇજાન’ તો પહેલેથી છે જ. સલમાનની ‘પ્રેમ રતન ધન પાયો’ની હીરોઇન સોનમ કપૂરને ડાયરેક્ટર સૂરજ બડજાત્યાની બરાબરની ડાંટ પડી છે. સોનમને સેક્સી ફોટાથી પબ્લિસિટી તો ઘણી મળી. પરંતુ, ‘રાજશ્રી પ્રોડક્શન’ની સીધી-સાદી લગ્ન માટે મમ્મી-પપ્પા પાસે પ્રસ્તુત કરી શકાય એવી નાયિકાઓની એક ઇમેજ હોય છે તેનો ભૂક્કો બોલી ગયો. ઇન ફેક્ટ, ‘પ્રેરધપા’માં તેની ભૂમિકા પણ શરમાળ ભારતીય યુવતિની છે અને અહીં ‘વોગ’ મેગેઝીનમાં સોનમે વાચકોને કલ્પના કરવાની જ ના રહે એવા ફોટા આપીને ‘રાજશ્રી’નું જોખમ વધાર્યું હોય એવો ધ્રાસ્કો સૂરજ બડજાત્યાને પડ્યો છે. જ્યારે ‘બોમ્બે વેલ્વેટ’ના નિર્માણમાં વિદેશી એડીટર હોઇ તેમણે રવીના ટંડને શૂટ કરેલાં બેઉ ગાયનો અને અનુષ્કા શર્માનાં ત્રણ ગીતો કાપીને ત્રણ કલાકની ફિલ્મને બે કલાકની કરવાની દરખાસ્ત કરી છે, ત્યારે કોનો ધ્રાસ્કો મોટો હશે? રવીનાનો, અનુષ્કાનો કે પછી ગાયનો જોવા ટેવાયેલા પ્રેક્ષકોનો?

 

તિખારો!

અભિનેત્રી દીપશિખાએ હજી ૨૦૧૨માં જ કરેલા બીજા લગ્નના પતિ કૈશવ અરોરા  વિરુધ્ધ ફરિયાદ દાખલ કરીને તેમને ઘરમાં પ્રવેશવા સામે ઓર્ડર મેળવ્યા છે. દીપશિખા અને કૈશવ જે ફિલ્મના નિર્માણ દરમિયાન નજીક આવ્યાં અને લગ્ન કર્યાં હતાં; તે પિક્ચરનું નામ હતું.... ‘યે દુરિયાં’!!


Sunday, April 12, 2015

ફિલમની ચિલમ.... ૧૨ એપ્રિલ, ૨૦૧૫



શું પાણીપુરીનો રેલો હવે ઠેઠ ફિલ્મ સ્ટાર્સના બંગલા સુધી આવશે?

 
ફિલ્મી કલાકારોની એક મોટી પણ મીઠી ફરિયાદનું હવે મસાલેદાર નિરાકરણ થવા જઈ રહ્યું છે.... મુંબઈના પૉશ ઇલાકા એવા પાલીહિલમાં ફેરિયાઓને ધંધો કરવાની છૂટ આપવાનો પ્લાન થઈ રહ્યો છે. એટલે જે સ્ટાર્સ એમ ફરિયાદ કરતા હોય કે તેમણે લારી ઉપર ઉભા રહીને પાણીપુરી નથી ખાધી કે પાઉંભાજીનો સ્વાદ નથી માણ્યો, એ બધાને હવે એ બધા અનુભવ હવે હાથવગા, એટલે કે ઘરવગા, થઈ જશે! લોકોને પણ મઝા પડવાની. તેમને ફિલ્મસ્ટાર્સના એરિયામાં બેરોક ટોક ફરવા મળશે અને રીશી કપૂરે ફેમસ્લી કહ્યું છે એમ, “પબ્લિક કો તો ખાના ઔર ખાન સાથ મેં મિલેંગે!” રીશી કપૂર પોતે પાલીહિલવાસી છે અને આ મામલે વેળાસર અવાજ ઉઠાવવાની શરૂઆત કરનાર મુખ્ય ફિલ્મી હસ્તિ છે. ચિન્ટુ બાબાનું કહેવું છે કે પાલીહિલમાં દિલીપકુમારથી લઈને આમિરખાન અને સંજય દત્ત તેમજ ઇવન અનિલ અંબાણી (અર્થાત ટીના મુનિમ) પણ રહે છે. એવા રહેણાકના એરિયામાં ફેરિયાઓ માટેનો ઝોન કરવાનો શું મતલબ છે? આ વિસ્તારના રહેવાસીઓ લારીઓ પરથી ખરીદવા જતા નથી. આવો ઝોન ઓફિસોના કોમ્પલેક્સોની આસપાસ બનાવાય તો લંચ ટાઇમમાં ઓફિસોના કર્મચારીઓ કે મુલાકાતીઓ સૌને ફટાફટ વડાપાઉં ખાઇ લેવા હોય તે બધાનો ફેરિયાઓને બિઝનેસ પણ સરખો મળે.


રીશી કપૂરે ફેરિયાઓના બિઝનેસની ચિંતા કરીને શબાના આઝમીના સેન્ડલમાં પગ નાખવાનો પ્રયાસ કર્યો છે. શબાના અને તેમના સોશ્યલ વર્કર સાથીઓ વર્ષોથી સમાજના એ વર્ગોની ચિંતા કરતા આવ્યા છે અને વાજબી રીતે જ કરે છે. આમિરખાન પણ ‘સત્યમેવ જયતે’ જેવા કાર્યક્રમોથી ટીવી પર સામાજિક ઉત્થાનના મુદ્દા લઈ આવે છે. ત્યારે એ સૌની પણ પરીક્ષા થશે. કેમ કે પાલીહિલના રહેવાસીઓ આ મામલે ફેરિયાઓનો વિરોધ કરવાનો એક્શન પ્લાન કરી રહ્યા છે અને એવી ઝુંબેશમાં કેટલા સ્ટાર્સ ભાગ લે છે એ, ન્યૂઝ ચેનલોની ભાષામાં કહીએ તો, ‘જોવાનું રસપ્રદ રહેશે’. અગાઉ લતા મંગેશકરના ફ્લેટ આગળથી ફ્લાયઓવર પસાર થવાનો હતો ત્યારે ‘દીદી’ની પ્રાઇવસી (અત્યારની ફેશન પ્રમાણે તો કહેવાય ‘પ્રીવસી’!) જોખમાતી હોવાનો મુદ્દો આગળ આવ્યો હતો. એક જમાનામાં શબાનાને એવા ટોણા મરાતા હતા કે ‘આ સૌની એટલી બધી ચિંતા હોય તો તમારા બંગલા આગળ ઉભા રાખોને?’ શું એ ટૉન્ટને આ વાસ્તવિક રૂપ અપાઇ રહ્યું હશે? ટૂંકમાં, વસ્તીના પ્રમાણમાં ઓછી જમીનના કારણે દર ચૂંટણી વખતે આવા રેલા તો હવે આવ્યા જ કરવાના. વળી, એમ જુઓ તો ફિલ્મ કલાકારો જાતે પણ હવે ‘સ્ટાર’ કહેતાં ‘તારલા’ ક્યાં રહ્યા છે?



સ્ટાર્સને બદલે હવે ફિલ્મોના સતત અને સખ્ખત પ્રમોશનને કારણે પ્રોડ્યુસરોએ એ સૌને આસાનીથી હળી-મળી શકાય એવા સામાન્ય વ્યક્તિઓ બનાવી દીધા છે. એક જમાનામાં જેમને જોવાની એકાદ ઝલક મળી જાય તો આખી જિંદગી લોકો આગળ કોલર ઊંચા કરવા મળતા કે “મેં આજથી દસ વરસ પહેલાં દિલીપ કુમારને દસ ફુટ દૂરથી જોયા છે” કે પછી “તે વર્ષે ટ્રાફિક પોઇન્ટ પર હેમા માલિનીને ગાડીમાં જોઇ હતી”! આજે ‘ઝલક દિખલા જા’ એવું કહેવું પણ નથી પડતું અને સિતારાઓ શોપીંગ મૉલમાં કે મલ્ટિપ્લેક્સમાં લોકો સાથે હાથ મિલાવવા અને ઑટોગ્રાફ આપવા આતુર જોઇ શકાય છે. (સોરી ભૂલ સુધાર... હવે ઑટોગ્રાફ નહીં ‘સેલ્ફી’ કે ‘ગ્રુફી’નું ચલણ છે!) ફિલ્મ પ્રમોશન માટે એક જમાનામાં ‘સ્ક્રિન’ અઠવાડિકમાં ફુલ પેજની જાહેરાત આપો અને બદલામાં તે સાપ્તાહિકમાં ફ્રન્ટ પેજ પર એ પિક્ચરના સ્ટાર્સનો ફોટો તથા અંદર એ સિતારાઓના વિગતવાર ઇન્ટરવ્યૂ આવે એટલે વાત પૂરી ગણાતી. આજે એ સ્થાન કપિલના કોમેડી શોએ લીધું કહી શકાય. (‘સ્ક્રિન’ની પેપર કોપી બંધ થવા પાછળ ફિલ્મ પ્રમોશનની આ નવી તરાહ જવાબદાર હશે?)

કપિલના શોમાં ફિલ્મ સ્ટાર્સને સામાન્ય જનતાના સભ્યોના કેવા કેવા ડાન્સ કે અભિનયની વાહવાહી કરવી પડે છે એ જોઇએ તો ક્યારેક એ સિતારાઓની દયા આવે. (વધારામાં સ્ટાર્સને તો પોતાના ઑડિયન્સને કપિલના મુખેથી ઉતારી પડાતું જોઇને પણ હસવું પડતું હોય છે.) સ્ટાર્સને બિચારાઓને ક્યારેક સ્ટેજ પર સાડી પહેરવી પડે તો ક્યારેક ‘બ્યોમકેશ બક્ષી’ બનતા સુશાંતસિંગની માફક ધોતિયું પહેરી બતાવવું પડે! પણ એ બધા પ્રમોશન છતાં ‘બ્યોમકેશ બક્ષી’ને યશરાજના બેનરને શોભે એવો વકરો ના મળ્યો હોય તો તેનું કારણ હતું, એક ભયંકર ઍક્સિડન્ટ! એ ‘ડીટેક્ટિવ’ સ્ટોરીની ફિલમનો ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭’ની રમરમાટ દોડતી ગાડીઓ સાથેનો  અકસ્માત પિક્ચર માટે લગભગ જીવલેણ સાબિત થયો. હૉલીવુડની એ લેટેસ્ટ મુવીએ બૉક્સઓફિસ ઉપર જે ધડબડાટી બોલાવી છે એ કિસી ખાન કી ફિલમ સે કમ નહીં હૈ! રોજના બાર કરોડ રૂપિયા? પહેલા ચાર જ દિવસમાં લગભગ ૫૦ કરોડ ભેગા કરી લીધા છે, જ્યારે ‘બક્ષી બાબુ’ને દૈનિક ચાર-પાંચ કરોડથી સંતોષ માનવો પડ્યો છે.  



‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭’ એ રીતે જોવા જઈએ તો ૨૦૧૫ની સુપર હીટ ફિલ્મોમાં અવશ્ય સ્થાન મેળવશે. ૨૦૧૫માં દિવાળીએ કયું પિક્ચર રિલીઝ થશે તેના પ્લાન ફાઇનલ થઈ રહ્યા છે અને જો રાજશ્રી ફિલ્મ્સમાંથી આવતી વાતો સાચી હોય તો તેમનું પ્રોડક્શન ‘પ્રેમ રતન ધન પાયો’ને એ રીતે શૂટ કરવામાં આવી રહ્યું છે કે નવેંબરની ૧૧મી તારીખે રિલીઝ કરી શકાય. જો કે આ બધાનો મદાર, ‘બજરંગી ભાઇજાન’ની માફક હીરો સલમાન ખાનના કેસના ચુકાદા પર પણ હશે. સલમાનનો અન્ય એક કેસ રાજશ્રીની જ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ના શૂટીંગ વખતે રાજસ્થાનમાં નોંધાયો હતો. તે પિક્ચરના એક હીરો સૈફ અલી ખાનને જો આઇપીએલના ઓપનિંગ સેરીમનીનું સંચાલન કરતાં જોયો હોય તો લાગે કે ‘જિસકા કામ ઉસી કો સાજે’ એ કહેવત ખોટી નથી. કેમેરો તેની સામે હોય અને કશું બોલવાનું ન હોય એવું કેટલી વાર બન્યું હતું? શાહરૂખની માફક પોતાની હાજરજવાબીથી ખાલી જગ્યા પૂરીને સ્ટેજ પર વેક્યુમ નહીં થવા દેવાનું હજી છોટે નવાબે શીખવાનું બાકી લાગે છે. પણ સૈફને હજી ‘છોટે નવાબ’ શું કામ કહેવાય છે? એ તો હવે બાકાયદા પટૌડીના નવાબ તરીકે ગાદીનશીન થઈ ચૂક્યા છે.

જો કે ‘આઇપીએલ’ના ઓપનિંગના એ જલસામાં ‘નવાબ સાહેબે’ તેમનાં હાલનાં બેગમ કરીના કપૂરના એક સમયના ઘનિષ્ટ બૉયફ્રેન્ડ શાહિદ કપૂરને તેના લગ્નના આયોજન બદલ અભિનંદન આપીને શાહીદ સહિતના સૌને આશ્ચર્યમાં નાખી દીધા હતા. કારણ કે દિલ્હીની મીરા રાજપૂત નામની છોકરી સાથે શાહીદનાં લગ્ન થવાની વાતો લાંબા સમયથી ચર્ચાય છે. એ લગ્ન બાલીમાં યોજાવાનાં છે, એવા પણ અહેવાલો છે. પરંતુ, શાહીદ કે તેના કુટુંબીજનો કોઇએ પણ સત્તાવાર જાહેરાત કરી નથી. ત્યારે એક રીતે કહીએ તો સૈફે જ આ સમાચાર દુનિયાને આપ્યા એમ કહી શકાયને? કારણ શાહીદ તરફથી સૈફના એ અભિનંદન પછી ઇનકાર પણ આવ્યો નથી. કે પછી સૈફે અભિનંદન આપીને પોતાની વર્તમાન પત્નીના ભૂતપૂર્વ બોયફ્રેન્ડને લગ્ન માટે જાહેરમાં કમિટ કરાવીને પોતાના લગ્નજીવનનું ભાવિ સેફ કર્યું હશે? સોચો ઠાકુર!  


તિખારો!

“પહેલાં વહુઓને નહતો, પણ આજકાલ સાસુઓને કોઇ જશ નથી.''
“કેમ?”
“સહેજ કશુંક સારું જુએ એટલે જે હોય તે કહેશે.... `WOW'!”


Saturday, April 4, 2015

ફિલમની ચિલમ .... એપ્રિલ ૦૫, ૨૦૧૫



સલમાનને આવતી કાલે કોર્ટમાં ‘હાજીર હો’નો આદેશ: એક મહત્વની અદાલતી ઘટના 

 ‘બ્યોમકેશ બક્ષી’નો ફુટી ગયેલો અંત? ‘કુછ કુછ લોચા હૈ’!

ફિલ્મી દુનિયામાં નિરસ સમય હોતો જ નથી..... ફિલ્મોની રજૂઆત કે હીટ અને ફ્લોપનું બજાર ઠંડું હોય ત્યારે હીરો-હીરોઇનો તેમના અંગત જીવન તથા વિચારો અને વર્તનથી રસપ્રદ ચર્ચાઓ પૂરી પાડીને વાતાવરણને ગરમ રાખતા હોય છે. વળી, એપ્રિલના મહિનામાં તો કુદરતી રીતે પણ હવામાન ‘હૉટ’ હોય. આ આખું સપ્તાહ સલમાન ખાનના ‘હીટ એન્ડ રન’ કેસમાં આવેલો છેલ્લી ઘડીનો વળાંક, દીપિકાનો ‘માય લાઇફ માય ચૉઇસ’ વીડિયો અને સોનમ કપૂરનો બહુ ચર્ચાતો પેલો હૉટ ફોટો બધું મળીને ગરમીના પારાને નવી ઊંચાઇ દેખાડી રહ્યું છે. સલમાનનો કેસ અદાલતને આધિન છે અને આવતીકાલે સોમવારે તેનું હિયરીંગ છે. જો કે તે દિવસે સલમાનને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ કરાયો છે તેને કાયદાના નિષ્ણાતો મહત્વની ઘટના ગણે છે. શું તે જ દિવસે જજમેન્ટ અપાશે? એવી શક્યતા પણ દેખાડાઇ રહી છે. 


કેમકે અદાલત પોતાનો ચુકાદો આપવાની હોય ત્યારે આરોપીની હાજરી જરૂરી હોય છે.  તેથી બચાવપક્ષની રજૂઆત કે ગાડી સલમાન નહીં ડ્રાઇવર ચલાવતો હતો એ છેલ્લી ઘડીના ખુલાસાને ન્યાયાધીશ માને છે કે અકસ્માતના દિવસે ૨૦૦૨માં સલમાન પાસે ડ્રાઇવિંગ લાયસન્સ જ નહતું અને સાક્ષીઓએ પણ ગાડીમાં ડ્રાઇવર નહીં હોવાનું કહ્યું છે વગેરે જેવી સરકારી વકીલની દલીલોને સચોટ ગણે છે, તેનો ફેંસલો પણ ચુકાદાના દિવસે થશે. (સોશ્યલ મીડિયામાં એક કૉમેન્ટ એવી છે કે ‘હવે તો એ જ બાકી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલો વ્યક્તિ આવીને કોર્ટને કહે કે પોતે જ આપઘાત કરવા સલમાનની ગાડીની સામે પડતું મૂક્યું હતું!!’)

સલમાને અદાલતમાં હાજરી આપવાના આદેશની ગંભીરતા એ હકીકત પરથી પણ સમજાશે કે તેની નિર્માણાધિન ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’નું કાશ્મીરમાં આયોજાયેલું ૪૦ દિવસનું શૂંટિંગ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેથી પિક્ચરને, મૂળ પ્લાન પ્રમાણે, ઇદ પર ૧૬મી જુલાઇએ રિલીઝ કરી શકાશે કે કેમ? એ સવાલ પણ હવે ઉભો થઈ શકે છે. ફિલ્મો રિલીઝ થાય અને ચર્ચાય એ તો બરાબર, પણ ગયા સપ્તાહે રિલીઝ થયેલો દીપિકાનો વીડિયો ‘માય લાઇફ માય ચોઇસ’ તેમાંની સામગ્રીને લીધે ખુબ વિવાદાસ્પદ બન્યો છે. ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણને પ્રમોટ કરવા બોલાયેલી આ પંક્તિઓ, “લગ્ન કરું કે ના કરું માય ચોઇસ, લગ્ન પહેલાં સેક્સ માણું કે લગ્ન બહાર  ભોગવું માય ચોઇસ.... ઘેર ક્યારે આવું માય ચોઇસ, સવારના ચાર વાગે આવું તો અપસેટ ન થશો... તમારે માટે પાપ એ મારા માટે સદગુણ હોઇ શકે છે... મારી પસંદગીઓ મારી ફિંગરપ્રિન્ટ સમાન છે... હું અલગ ડિફ્રન્ટ છું.... ધીસ ઇઝ માય ચોઇસ”!  
   
દીપિકાએ તેમાં પોતાનો અવાજ આપ્યો છે અને મુખ્ય પાત્ર પણ એ છે. આ વીડિયો સાવ નાનકડો માત્ર અઢી મિનિટનો છે અને વુમન એમ્પાવરમેન્ટ વિશે છે. છતાં લગ્ન બહાર સંબંધ રાખવાની ચોઇસ સામાજિક બંધારણને તોડનારી છે એમ કહેનારાઓએ પુરૂષને પણ પસંદગીનો એવો અધિકાર ખરોને? એવો સવાલ પૂછતાં, મહિલાઓનું એમ્પાવરમેન્ટ તો થતાં થશે, પણ લગ્નેતર સંબંધ રાખનારા પુરૂષોને તો ‘માય ચોઇસ’ કહેવાનું લાયસન્સ મળી જશે! લગ્નમાં વફાદારીના તત્વની બાદબાકી ભારતીય કે પૂર્વના સમાજ તો ઠીક, ઇવન વેસ્ટની કોઇ સોસાયટી પણ ક્યાં બર્દાસ્ત કરે છે? વુમન એમ્પાવરમેન્ટના મુદ્દાનું ગોખેલું રટણ અર્નબ ગોસ્વામીના ફેમસ ઇન્ટર્વ્યૂમાં રાહૂલ ગાંધીએ કરેલું એ યાદ કરીને કેટલાકે તો ગમ્મત કરી છે કે દીપિકા કરતાં રાહૂલના વિચારો વધારે સમતોલ હતા! 


દીપિકાએ આગલા અઠવાડિયે પોતાના ડિપ્રેશનનો તબીબી ઇલાજ મનોચિકિત્સકો એવા ડોક્ટરો પાસે કરાવ્યાની ચર્ચા બરખા દત્તના ટીવી કાર્યક્રમમાં પોતાનાં મમ્મી સાથે બેસીને કરીને સનસનાટી કરી જ હતી. ત્યાં આ વિવાદાસ્પદ એવો નવો ધડાકો થયો છે. ડીપ્રેશન અંગે તો વર્ષો અગાઉ દિલીપકુમારે પણ કબુલાત કરી હતી. તેમણે સાયકોલોજિસ્ટ્સની મદદથી પોતાના ઉદાસ મનનો ઇલાજ કરાવ્યો હતો. તે દિવસોમાં દિલીપ સા’બ નિષ્ફળ પ્રેમીના સદા નિરાશા અનુભવતા પાત્રોનો અભિનય કરતા હતા. તેનાથી તેમના અંગત જીવનમાં એક પ્રકારની હતાશા રહેતી હતી. તેમણે બાકાયદા સાઇક્યાટ્રિસ્ટ પાસે નિદાન કરાવ્યું. તેમને દવાઓ ઉપરાંત એક સલાહ પણ પ્રિસ્ક્રાઇબ કરાઇ. ડોક્ટરે કહ્યું કે દિલીપ કુમારે હલકા-ફુલકા રોલ કરવા. તેને પગલે ‘આઝાદ’ અને ‘કોહીનૂર’ જેવી લાઇટ ફિલ્મો સ્વીકારવા માંડી. પરિણામે ‘રામ ઔર શ્યામ’ પણ મળી! દિલીપ સાહેબે ખુલ્લે આમ ઇન્ટર્વ્યૂઝમાં એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમણે પોતાના ડીપ્રેશનનો દાક્તરી ઇલાજ કરાવ્યો હતો. એ પછી લગભગ ૬૦ વરસે દીપિકાએ જાહેરમાં એવી ચર્ચા કરી. પણ સવાલ એ છે કે દીપિકા કે ફોર ધેટ મેટર આજની કઈ હીરોઇન મીનાકુમારી જેવા અસલી જિંદગીમાં ડીપ્રેશનમાં સરી જવાય એવા હતાશાભર્યા રોલ કરે છે? મોટેભાગે તો ‘હેપ્પી ગો લકી’ પ્રકારની ભૂમિકાઓ જ આજકાલ લખાય છેને? વળી, કમાણી પણ કરોડોમાં થતી હોય ત્યારે દુઃખ કઈ વાતનું હોઇ શકે? (શું દીપિકાના ગાલમાં પડતા ખુબસુરત ખાડા એ તેના મનનો ખાલીપો દર્શાવે છે?!)


 દીપિકાને જો કરણ જોહરના કોફી શોમાં સોનમ કપૂર સાથે મળીને તેનાથી  તે દિવસોમા અલગ થયેલા બોયફ્રેન્ડ રણબીર કપૂરની ફિરકી લેતા જોઇ હોય તો પણ ક્યાંય હતાશા નહતી દેખાતી. (એક સેમ્પલ: કરણે પૂછ્યું, ‘રણબીર શાની ઍડ માટે યોગ્ય મોડેલ સાબિત થાય?’ દીપિકાનો જવાબ: ‘કોન્ડોમ’!!) તે ચર્ચામાં હોંશે હોંશે ભાગ લેનાર સોનમ કપૂરે આ સપ્તાહે પણ દીપિકાનો સાથ આપ્યો છે. સોનમે પોતાના વક્ષસ્થળને બ્રા વિના ઠેઠ નીચે સુધી ખુલ્લાં મૂકતો ફોટો એક મેગેઝીનના કવર માટે પડાવતાં જબ્બર સનસનાટી છે. સોનમ તો કહેશે કે એ એસ્થેટિકલી લેવાયેલું બ્યુટીફુલ પિક્ચર છે. પરંતુ, તેના પિતા અનિલકપૂર કે કઝિન અર્જુનકપૂર આજે પણ વ્યસ્ત કલાકારો છે, તેઓ સહન કરી શકશે? સોનમ પોતે પણ પ્રમાણસર સફળ છે. ત્યારે સની લિયોની કે મલ્લિકા શેરાવત અને પૂનમ પાંડેની માફક ચોંકાવનારી સેક્સી તસ્વીરોથી ધ્યાન આકર્ષવાનું કારણ શું હશે? તેની બેનપણી દીપિકાની જેમ ડીપ્રેશન? જે ખરેખર તો ‘યશરાજ ફિલ્મ્સ’ના આદિત્ય ચોપ્રાને આવવું જોઇએ, તેમની નવી ફિલ્મ ‘ડીટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’માં થયેલા લાગતા વિશ્વાસઘાતને લીધે.

 
‘ડીટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’ની આ વીકમાં રજૂઆત છે અને તે પહેલાં જ કોઇએ ફિલ્મના અંતનો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો કરી દીધો છે. કોઇપણ સસ્પેન્સ કૃતિમાં છેલ્લે રહસ્ય છતું થાય ત્યારે ભાવકને આશ્ચર્યનો આંચકો લાગે એ જ તેની મઝા હોય છે. ત્યારે ‘ડીટેક્ટીવ બ્યોમકેશ બક્ષી’ના શૂટીંગ દરમિયાન યુનિટના કોઇએ પોતાના મોબાઇલમાંના કેમેરાથી રેકોર્ડિંગ કરી લઈને વિશ્વાસઘાત કરતાં આ દુર્ઘટના સર્જાઇ છે. પણ આદિત્ય ચોપ્રાએ તેનાથી હતાશ થવાને બદલે પોતાની રિલીઝ સ્ટ્રેટેજી બદલી છે. આ વખતે તેમણે ફિલ્મની રજૂઆતના આગલા દિવસે એટલે કે ગુરૂવારે પ્રેસ માટે શો રાખ્યો છે. પત્રકારોને વિનંતિ કરાશે કે રિવ્યુમાં તેનો અંત લખીને મઝા ના બગાડે. 

પરંતુ, ગળાકાપ સ્પર્ધાવાળા ફિલ્મ ઉદ્યોગમાં ‘યશરાજ’ની પ્રોડક્ટ પછડાય એ માટે હરીફો કામે લાગ્યા વગર રહેશે કે? અગાઉના જમાનામાં વિઘ્નસંતોષીઓ સસ્પેન્સ ટોઇલેટમાં લખી દેતા (ખૂની રસોઇયો છે). જ્યારે આજે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ અને ન જાને ક્યા ક્યા છે, જ્યાં ‘યશરાજ’ના સ્પર્ધકો સખણા નહીં રહેવાના પૂરા ચાન્સ છે. પણ આખા મામલામાં સવાલ એક જ છે: આ લીક થયેલો અંત એ યશરાજની સ્ટ્રેટેજીનો જતો ભાગ નહીં હોય? કારણ કે ડીટેક્ટીવની વાર્તાના શૂટીંગમાં કોઇ સસ્પેન્સ ખુલતા આખેઆખા એન્ડને રેકોર્ડ કરી લે અને કોઇનું ધ્યાન પણ ના જાય? યે બાત કુછ હજમ નહીં હુઇ!

તિખારો!

સોનમ કપૂરના સેક્સી ફોટાને ઘણા ‘એપ્રિલફુલ’ માટે અન્ય કોઇ રૂપસુંદરીની તસ્વીર સાથે ભેળવીને ફોટોશોપ કરાયેલો બનાવટી ફોટો હોવાનું માનતા એકે સોશ્યલ મીડિયામાં કોમેન્ટ લખી છે: ‘કુછ કુછ લોચા હૈ!’