દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (2)
દિવ્યા ભારતી વિશે શાહરૂખ ખાનના જીવન ચરિત્ર ‘કિંગ ઓફ બોલીવુડ એન્ડ ધી
સિડક્ટિવ વર્લ્ડ ઓફ ઇન્ડિયન સિનેમા’ માં નામજોગ કોઇ ઉલ્લેખ નથી! આ અજુગતું નથી
લાગતું? એ પુસ્તકનાં લેખિકા અનુપમા ચોપ્રાએ તેના અંતભાગમાં કયું નામ કયા પાના ઉપર
છે તેની યાદી આપેલી છે અને તે જુઓ તો તેમાં દિવ્યાનું નામ કોઇ પેજ પર હોય એવું
દર્શાવાયું નથી. જે બુકના ટાઇટલ કવર પર ખુદ શાહરૂખે એમ લખ્યું હોય કે “જે કોઇ આ
પુસ્તક વાંચશે તે બોલીવુડ વિશે સ્પષ્ટ અને ઊંડી સમજ મેળવશે અને અલબત્ત, મારા વિશે
પણ.” એવી લગભગ ઓથેન્ટિક કહી શકાય એવી જીવનકથાના આલેખનમાં પોતાની પ્રથમ અને સુપર
હિટ ફિલ્મની હીરોઇનનું નામ પણ ના હોય? બીજી રીતે, એટલે કે પ્રથમ સાઇન કરેલા પ્રોજેક્ટની રીતે, જુઓ તો
પણ દિવ્યાનું નામ હોવું જ જોઇતું હતું.
દિવ્યા સાથે શાહરૂખની પ્રથમ રિલીઝ ફિલ્મ ભલે ‘દીવાના’ હતી, પણ તેની સાઇન કરેલી
પહેલી ફિલ્મ તો હેમા માલિનીની ‘દિલ આશના હૈ’ હતી અને તેમાં પણ સાથે દિવ્યા ભારતી જ
હતી. તો શું કારણ હશે કે અનુપમા ચોપ્રાએ શરૂઆતનાં આઠ પાનાં ભરીને પુસ્તકમાં આવતાં
અગત્યનાં પાત્રોનો ટૂંક પરિચય આપ્યો છે, તેમાં ‘દિવ્યા ભારતી’ નામનું કોઇ કેરેક્ટર
નથી દર્શાવાયું. હાલાંકિ, તેમાં અબુ સાલેમ જેવા અંડરવર્લ્ડ ડોનનો પરિચય જરૂર છે. એ
પુસ્તકનાં છેલ્લાં દસ પાનાંમાં આવતી ઇન્ડેક્સમાં પણ (એટલે કે રેસમાં પાછળ રહેતા
ઘોડાને મળે એવા ‘ઓનરેબલ મેન્શન’માં પણ!) શાહરૂખની આ પ્રથમ હીરોઇનનું નામનિશાન ન
હોય એ કારણ વગર તો ન જ બને. તે પુસ્તકનાં લેખિકા અનુપમાજી પણ મશહૂર નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપ્રાનાં
પત્ની હોવા ઉપરાંત નવી રિલીઝ થતી ફિલ્મોના નિયમિત રિવ્યૂ કરનાર સિધ્ધહસ્ત પત્રકાર
છે. તો એમ થવા દેવાનું શાહરૂખ માટે કોઇ કારણ હશે?
અનુપમા (ચંદ્રા) ચોપ્રા |
એ પુસ્તક આવ્યું ૨૦૦૭માં, ત્યારે આ મુદ્દાની દબી દબી ચર્ચા મીડિયામાં થઈને શમી
ગઈ હતી. એટલે શાહરૂખને અન્યાય ના કરી બેસીએ તે માટે દિવ્યા ભારતી વિશેનો તેનો પોતાનો
અભિપ્રાય પણ જાણવો જરૂરી બને. શાહરૂખે તે પછી, ૨૦૧૧ના એક ટીવી ઇન્ટરવ્યૂમાં દિવ્યા
માટે કહ્યું છે કે ‘શી વોઝ સ્ટનિંગ, એઝ એન એક્ટ્રેસ!’ આમ, એ પ્રશંસા માત્ર
દિવ્યાના રૂપની નહોતી; એક ચપટી વગાડતામાં સીનને સમજીને કરી દે એવો પણ ‘એસઆરકે’નો એ
અભિપ્રાય છે. દિવ્યા જે રીતે કેમેરા ચાલુ થતાં, ડાયરેક્ટરે જેવાં કહ્યાં હોય એવાં
એક્સપ્રેશન્સ સાથે એક્ટિંગ કરવા માંડે, તેનાથી શાહરૂખ જેવા નાટકોમાંથી આવેલા અને
લાંબો સમય કેરેક્ટરમાં રહેવા ટેવાયેલા અભિનેતા(ઓ)ને રિહર્સલમાં તાલમેલના પ્રશ્નો
થયા હોય તો નવાઇ નહીં. દિવ્યા સાચા અર્થમાં ‘સ્વિચ ઑન’ અભિનેત્રી હતી, તેનો વધુ એક
પુરાવો ‘શોલા ઔર શબનમ’ના એક ગાયનમાં ડેવિડ ધવનને પણ થઈ ગયો હતો.
‘શોલા ઔર શબનમ’ના એક ગીત “તુ પ્રેમી પાગલ આવારા...”નું આઉટડોર શૂટિંગ ચાલતું હતું. તેની તૈયારી માટે કેમેરા, રિફ્લેક્ટર્સ વગેરે બધું ગોઠવાતું હતું, ત્યારે દિવ્યા ફ્રી બેઠેલા યુનિટના છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. પણ જેવા ડાન્સ ડિરેક્ટર સ્ટેપ્સ બતાવવા બોલાવે, તરત દિવ્યા જઈને એક જ વખતમાં તેનું અનુકરણ કરી બતાવે અને ફટાફટ શૉટ ઓકે થાય. રમત-ગમતનો એ મૂડ શરૂઆતના મસ્તીવાળા અંતરાઓ માટે બરાબર હતો. પરંતુ, ત્રીજા અંતરામાં નાચવાનું નહોતું. તેના શબ્દો આવા ગંભીર હતા, “તુ રૂઠા તો રૂઠ કે ઇતની દૂર ચલી જાઉંગી, સારી ઉમ્ર પુકારે ફિર ભી લૌટ કે ના આઉંગી...” . હવે એવા સીનનું શૂટિંગ કરાય તે પહેલાં ગેલ-ગમ્મતવાળા મૂડમાં રહેવાનું હીરોઇન માટે જોખમી થઈ શકે. ડેવિડ ધવને ખેલ-કૂદ બંધ કરવાનું કહ્યું. પણ માને કોણ? ઉલટાનું દિવ્યાએ તો ચેલેન્જ કરી.
“જો આ સીનમાં એક્સપ્રેશન્સ બરાબર ના આવે તો આ પિક્ચર જ શું કામ? હું ફિલ્મ લાઇન જ છોડી દઈશ”. એ પડકાર સાથે પોતાની મસ્તી-મજાક ચાલુ જ રાખી. જેવો શૉટ માટે કૉલ થયો અને કેમેરા રોલ થયો એટલે ડેવિડ ‘એક્શન’ બોલ્યા. તેની સાથે જ દિવ્યાની સિરિયસ એક્ટિંગ શરૂ થઈ. ફટાફટ શૉટ્સ ઓકે થતા ગયા. આજે પણ એ ગાયન ‘યુ ટ્યુબ’ પર ઉપલબ્ધ છે અને નેવું લાખથી વધુ લોકોએ તે જોયું છે. તેમાં ત્રીજા અંતરાના એ શબ્દોનો અભિનય જોજો અને શાહરૂખ, ગોવિન્દા અને ડેવિડ ધવન જેવા સૌ તેને ‘સ્પોન્ટેનિયસ એક્ટ્રેસ’ (સ્વયંસ્ફૂર્ત અભિનેત્રી) કેમ કહે છે એ સમજાઇ જશે. પરંતુ, કદાચ એ અભિનયને ‘સ્વિચ ઓન’ કરી શકવાની પોતાની તાકાત પર વધારે પડતો વિશ્વાસ જ દિવ્યા માટે શરૂઆતમાં માઇનસ પોઇન્ટ બન્યો હશે. દિવ્યા વિશે જગજાહેર છે એમ, તે એક ચુલબુલી અભિનેત્રી હતી, જેની કરિયર સાવ નાની એટલે કે સગીર વયે શરૂ થઈ ગઈ હતી.
તેથી શરૂઆતમાં સ્વાભાવિક રીતે જ, દુનિયાદારીની ગંભીરતા હજી આવી નહોતી. વળી, તે ઇન્શ્યુરન્સ ઓફિસર ઓમપ્રકાશ ભારતીના એક સુખી પરિવારની દીકરી હતી. ભારતી સાહેબ મિત્રોમાં ‘ઓપી’ના નામે ઓળખાતા અને દિવ્યા તેમના બીજા લગ્નનું પ્રથમ સંતાન હતી. તેમના પહેલા મેરેજથી પૂનમ નામની દીકરી હતી. દિવ્યાની એ અર્ધભગિની પૂનમ ક્યાં છે? શું કરે છે? અથવા ‘ઓપી’એ શાથી બીજી વાર લગ્ન કરવાં પડ્યાં એ અંગે કોઇ જાણકારી ઉપલબ્ધ નથી. (ક્યાંક એવો પણ ઉલ્લેખ મળે છે કે ‘ઓપી’ને પ્રથમ લગ્નથી બે બાળકો થયાં હતાં.) પણ, આપણી નિસબત દિવ્યા સાથે છે, જેને નાનપણથી ભણવાનું કે હોમવર્ક કરવાનું અને ખાસ તો પરીક્ષાઓ આપવાનું ગમતું નહોતું. ઇવન વાંચવાનો એટલો તો કંટાળો આવતો કે મમ્મી મીતા ભારતીને તેમાં પણ મદદ કરવી પડતી!
મીતાજીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું છે કે ‘સ્કૂલના અભ્યાસનું વાંચવા માટે તે મારા પર આધાર રાખતી.’ મતલબ કે કોઇ નિરસ વિષય હોય તો મમ્મીએ તે પાઠ કે ગાઇડમાંથી સવાલોના જવાબ મોટેથી વાંચવાના અને ‘પ્રિન્સેસ’ દિવ્યા સાંભળીને પરીક્ષાની તૈયારી કરે. પાઠના સમગ્ર પઠન દરમિયાન ‘શ્રોતા’ ઘણીવાર ‘સોતા’ બની જાય! જાગતા રહેવાની કોઇ ગેરંટી નહીં. ક્યારેક એવું પણ બને કે મીતાજી પાઠ વાંચતાં હોય અને ફિલ્મો જોવાની શોખીન દીકરી આયના સામે પોતાનું રૂપ નિહારતી વિવિધ પોઝ આપતી હોય કે કોઇ ગીતના ડાન્સ સ્ટેપ પણ કરતી હોય. તે સિવાયનો મોટાભાગનો સમય દિવ્યા પોતાના એક માત્ર નાના ભાઇ કુણાલ સાથે રમવામાં અને ધીંગા-મસ્તીમાં જ વિતાવે. એવામાં એક પિક્ચરની વીડિયો કેસેટ લેવા એ સ્થાનિક કેસેટ લાયબ્રેરીમાં ગઈ. એ દિવસો હતા ૮૦ના દાયકાનાં છેલ્લાં વર્ષોના, જ્યારે ઘરમાં વીડિયો પ્લેયર પર પિક્ચર જોવાતાં. તેને માટે ભાડાની કેસેટ લાવવી પડતી. દિવ્યાને ત્યાં વાત કરતી જોઇને ત્યાં હાજર એક વ્યક્તિને તે હીરોઇન મટિરિયલ લાગી. તે હતા ગોવિંદાના ભાઇ કીર્તિકુમાર. તેમણે ઓફર મૂકી. તેમની અગાઉ નંદુ તોલાનીએ પણ પેશકશ કરી જોઇ હતી. તે તો નજીકના બિલ્ડિંગમાં રહે અને સિનેમાના ધંધામાં વ્યસ્ત પણ નિર્માતા થવા આતૂર એવા પાડોશી.
નંદુ તોલાનીએ પછી તો રાજેશ ખન્ના અને જુહી ચાવલા સાથે ‘સ્વર્ગ’, ગોવિન્દા જોડે ‘બનારસી બાબુ’ અને અનિલ કપૂર તથા શ્રીદેવીની જોડીવાળી ‘મિસ્ટર બેચારા’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેમણે શરૂઆતમાં ‘યાદ રખેગી દુનિયા’ બનાવી ત્યારે તેમાં રૂખસાર નામની અભિનેત્રીને ઇન્ટ્રોડ્યુસ કરી હતી. શું તે પોતાના એ પ્રોજેક્ટ માટે દિવ્યાને ઓફર કરતા હતા? તેનો અંદાજ જ મૂકવાનો રહે. કેમ કે ૧૯૭૪ની ૨૫મી ફેબ્રુઆરીએ જન્મેલી દિવ્યા, ત્યારે ૧૯૮૮માં તો હજી ૧૪ વરસની કિશોરી જ હતી. પરંતુ, આકર્ષક ચહેરો અને તંદુરસ્ત કદ-કાઠીને લીધે એ ધ્યાન તરત ખેંચતી. વળી, કેટલાક એંગલથી એ ત્યારની સુપરસ્ટાર હીરોઇન શ્રીદેવીની નાની આવૃત્તિ જેવી દેખાતી હોઇ મુંબઈમાં ઓફર્સ આવવી તો સ્વાભાવિક હતી.
ઓફર્સ વધવા માંડી ત્યારે પિક્ચરો કરશે તો તેના ભણવાનું શું થશે; તેની ઘરમાં ચિંતા થવી સ્વાભાવિક હતી. જ્યાં દિવ્યા ભણતી હતી તે માણેકજી કૂપર સ્કૂલ ભારે પ્રતિષ્ઠિત શાળા. તેમાં તે ભણતી તે અરસામાં તેની સાથે ફરહાન અખ્તર અને રાની મુકરજી જેવાં ફિલ્મી પરિવારોનાં બાળકો ભણતાં હતાં. એ સ્કૂલ છોડ્યા પછી પરત ત્યાં દાખલ થવું મુશ્કેલ હતું. એક વાર દિવ્યાને ખબર પડી કે એક્ટ્રેસ બનશે તો પછી સ્કૂલ જવાનું બંધ થઈ જશે, તો તેને માટે એ આકર્ષણ સૌથી મોટું થયું! (અહીં હાસ્યલેખક અને મિત્ર અશોક દવેએ એકવાર ક્રિકેટર્સ અમરનાથ બ્રધર્સ વિશે લખતાં તેમના પિતા લાલા અમરનાથના ટાંકેલા શબ્દો યાદ આવી જાય છે. દાદુએ લખ્યું હતું કે લાલા પોતાના દીકરાઓ મોહિન્દર અને સુરિન્દરને નાનપણમાં કહેતા, “રમો, સરખું ક્રિકેટ રમો... નહીં રમો તો ભણવું પડશે”!!) દિવ્યાની કોઇ મોટી મહત્વાકાંક્ષા નહોતી. તેને માટે તો એકાદ-બે ફિલ્મો કરવાથી સ્કૂલે જવાનું બંધ થઈ જાય એ જ પૂરતું આકર્ષણ હતું!
એટલે દિલીપ શંકરની ‘ગુનાહોં કા દેવતા’ માટે જ્યારે માતા-પિતાએ સંમતિ આપી, ત્યારે આનંદ માતો નહતો. પરંતુ, જ્યારે કીર્તિકુમારે ઓફર કરી, ત્યારે એ પ્રોડક્શનનું બેનર અને સ્કેલ અલગ લેવલનાં હતાં. કીર્તિને જ્યારે ખબર પડી કે દિવ્યા અન્ય નિર્દેશક દિલીપ શંકર સાથે કરારથી જોડાયેલી છે, ત્યારે તેના ઉપર એક્સક્લૂસિવ અધિકાર માટે પપ્પા ઓ.પી. ભારતીને વિનંતિ કરી. કેમ કે દિવ્યા સગીર વયની હોવાથી માતાપિતાએ જ નિર્ણય લેવાનો હતો. તેમણે કીર્તિને કહ્યું કે જો દિલીપ શંકર મુક્ત કરવા તૈયાર હોય તો તેમની સાથે કોન્ટ્રાક્ટ કરી શકાય. કીર્તિકુમાર જાતે ગયા અને દિલીપ શંકરને ગમે તેમ કરીને સમજાવ્યા. છેવટે દિવ્યા એ કોન્ટ્રાક્ટમાંથી રિલિઝ થઇ અને ‘રાધા કા સંગમ’ માટે સાઇન થઈ. એટલે સ્કૂલમાં ભણવા કરતાં એ અલગ અને મઝાની જિંદગી હતી. માબાપને પણ લાગ્યું કે ચાલો કોઇક રીતે તો છોકરી માત્ર ખેલ-કૂદને બદલે જિંદગીમાં કશુંક નક્કર કરવાની દિશામાં આગળ વધી રહી છે. ત્યાં એક દિવસ સમાચાર આવ્યા કે કીર્તિ કુમારે ‘રાધા કા સંગમ’માંથી દિવ્યા ભારતીને કાઢીને જુહી ચાવલાને લીધી છે! ઇન્ડસ્ટ્રીમાં સનસનાટી થઈ ગઈ. દિવ્યાના ઘરમાં ઘોર નિરાશા થઈ. પણ, કીર્તિકુમાર પાસે ચોક્કસ કારણો હતાં. (વધુ આવતા અંકે)