Saturday, June 17, 2017

દિવ્યા ભારતી (૧)








આજે ૧૮મી જૂન. ફિલમની ચિલમકોલમ અમારા પારિવારિક સાપ્તાહિક આનંદ એક્સપ્રેસમાંથી સંદેશમાં શરૂ થઈ ૧૮મી જૂન ૧૯૭૮ના દિવસે અને તે જ દિવસે હસમુખ ઠક્કરે લેખન માટે પોતાનું નવું નામ પાડ્યું સલિલ દલાલ’. એ રીતે આજે સલિલભાઇની ૪૦મી વર્ષગાંઠ છે. પંચાંગના સંજોગો એવા છે કે ૩૯ વરસ પછી પણ રવિવાર છે. એ જ ફિલમની ચિલમને દિવ્ય ભાસ્કરની અત્યંત લોકપ્રિય ઓનલાઇન એડિશનમાં મિત્ર અને સંપાદક મનીષ મહેતા તથા તેમની ટીમ શરૂ કરી રહ્યા હોય ત્યારે હેપ્પી બર્થડેની આનાથી સારી ભેટ બીજી કઈ હોઇ શકે? મનીષે તો જાન્યુઆરીની મારી ભારત મુલાકાત વખતે આ દરખાસ્ત કરી જ હતી. અમે નવભારત સાહિત્ય મંદિરના જયેશભાઇના દીકરા વિરાંગના લગ્નના રિસેપ્શનમાં ભેગા થયા અને ત્યારે ચર્ચા કરી હતી કે સ્મિતા પાટીલ, મીનાકુમારી વગેરેની લેખશ્રેણી જેવું કશુંક કરી શકાય?

છેવટે એક જૂના પિક્ચરમાં કોમેડિયન આગા કહે છે એમ, “જબ જબ જો જો હોના હૈ, તબ તબ સો સો હોતા હૈએ ન્યાયે વર્ષની શરૂઆતનો એ તણખો આજે જન્મદિને ચિલમને પેટાવી ગયો. જો કે મનીષભાઇનો વધારે આભાર એટલા માટે કે તેમની દિવ્યઅંજલિને લીધે માત્ર કોલમ જ નહીં, હવે મારો બ્લોગ પણ પુનર્જીવન પામી રહ્યો છે. પરમ મિત્ર ઉર્વીશ કોઠારીના માર્ગદર્શન હેઠળ અને મારા દીકરાઓ સ્વપ્નિલ અને સનીની મદદથી ૨૦૧૨ના મે માસમાં સલિલ કી મેહફિલનામે બ્લોગ શરૂ કર્યો હતો. તે ત્રણેક વરસ નિયમિત લખ્યો. પણ દરેક લેખ સાજ-સજાવટ વગર નહીં મૂકવાની મારી અંગત જીદ. કેમ કે ‘‘લોટ પાણીને લાકડાંવાળાં ઉતાવળિયાં ભજીયાં અમારી દુકાને કદી બનાવ્યાં નહોતાં, તો આ તો લાખો વાચકોને પહોંચવાની સામગ્રી! એવી મહેનતનો પોતાનામાં અભાવ વર્તાતાં ૨૦૧૫ના અંતભાગમાં મેં બ્લોગને વિરામ આપ્યો. (મેં એક કરતાં વધુ વખત કહ્યું જ છે કે હું Show must go onમાં નથી માનતો. હું Show should go onમાં માનું છું!)

એટલે હવે ફરીથી બ્લોગને પણ કાર્યાન્વિત કરી રહ્યો છું, ત્યારે ફેસબુકની જેમ અહીંથી પણ વિશ્વભરના વાચકો સાથે પુનઃ જોડાવાનું શક્ય બની રહ્યું છે. પણ તેનો આનંદ લાખો ગણો વધે છે દિવ્યભાસ્કર.કોમ સાથે જોડાવાથી. કેમ કે દિવ્ય ભાસ્કરની આ ઓનલાઇન એડિશનને ફેસબુક પર અત્યારે 2,697,422 (અંકે છવ્વીસ લાખ સત્તાણુ હજાર ચારસો બાવીસ!) ફોલો કરી કહ્યા છે અને રોજે રોજ એ આંકડો વધતો જ જાય છે. તેથી આજે ઇન્ટરનેટ અને વેબ દ્વારા આટલા વિશાળ ફલક પર દુનિયાભરના ગુજરાતી વાચક મિત્રો સાથે પાછા મળવાની ખુશી એવી જ છે, જેવી ૧૮મી જૂન ૧૯૭૮ના રવિવારે પહેલી વખત ફિલમની ચિલમઆણંદથી નીકળીને ગુજરાત કક્ષાએ પ્રગટી ત્યારે હતી. હવેની ચિલમમાં વર્તમાન ફિલ્મી દુનિયા વિશે લખવા કરતાં સિનેમા મારફત આપણા સૌનું મનોરંજન કરાવનાર કલાકારોને યાદ કરવાનું વધુ રહેવાનું છે, બે-ત્રણ કારણસર.

એક તો આજે ઇન્ટરનેટ, ટીવી વગેરેને કારણે સિનેમાની ઘટનાઓ તો ઠીક ગોસીપ પણ ઇસી મિનિટે દરેકને મળી શકે છે. બીજું અને મહત્વનું કારણ એ પણ ખરું કે ગુજરાતીમાં ફિલ્મો વિશે લખનારા દોસ્તો પછી એ દિવ્ય ભાસ્કરમાં શૈલેન્દ્ર વાઘેલા હોય કે સંદેશમાં શિશિર રામાવત કે પછી ગુજરાત સમાચારમાં મિત્ર પ્રણવ અધ્યારુ અને ખબરછેડોટકોમમાં આગવી પ્રતિભા દેખાડનાર અંકિત દેસાઇ એ સૌ પોતપોતાની આગવી રીતે તેજસ્વી કલમકારો છે. એટલું જ નહીં, ફેસબુક પર નવી ફિલ્મોના રિવ્યુ એટલા તરત અને સરસ સરસ આવતા હોય છે કે ઘણીવાર અહીં મોંઘા ડોલરની ટિકિટોના ખર્ચા બચી જાય છે. જય વસાવડાના ફિલ્મો વિશેના લેખો વિસ્તૃત જાણકારીથી ભરપૂર હોય છે. જયેશ અધ્યારુના હ્યુમરસ રિવ્યૂનો તો હું રીતસરનો બંધાણી છું. એ બધું વાંચતાં મને વર્ષો સુધી ચિલમમાં જગ્યાના અભાવે કરવા પડેલા ચાર-પાંચ લીટીના ઉપલક રિવ્યુ લખતી વખતે આવેલા આનંદથી પણ વધુ મોજ આવે છે. ટૂંકમાં, સિનેમા વિશેનાં પ્રવર્તમાન લખાણોની સૌથી મોટી વાત એવી આશાસ્પદ છે કે કેટલાક યંગસ્ટર્સના ભાષાકર્મને જોતાં ગુજરાતી ભાષાના ભાવિની એટલી બધી ચિંતા કરવાનું મેં તો ક્યારનું છોડી દીધું છે!

ત્રીજું કારણ એ પણ ખરું કે અત્યારે ફિલ્મ જેવા માધ્યમ પર કલમ ચલાવતા સૌએ હવે દર વર્ષે વટ કે સાથ આવતા સંખ્યાબંધ ટેલેન્ટેડ કલાકારોનો ટ્રેક રાખવાનું અઘરું કામ કરવાનું હોય છે. દાખલા તરીકે નામ શલ્મલિ ખોડઘડે આવે અને માથું ખંજવાળવું ન પડે એટલા ખબરદાર રહેવું પડે. એ નામ તો, બાય ધી વે, એક લોકપ્રિય સિંગરનું છે જે બલમ પિચકારી...અને બેબી કો બેસ પસંદ હૈજેવાં ગાયનોનાં સહગાયિકાનું છે. આવી વિગતો ખણખોદ કરીએ ત્યારે જ ખબર પડતી હોય, ત્યારે સમજુ સિનિયર NRI કોલમિસ્ટે સ્મૃતિઓની સહેલગાહે નીકળવાનો આનંદ લેવો અને વહેંચવો જોઇએ. (આમેય સિનેમાનું લખતાં એટલી સમજણ તો આવવી જ જોઇએ કે ઉંમરના એક પડાવ પછી બાગબાનનો રોલ કરાય... ડૉનનો નહીં!) એ સ્મૃતિઓની એ દાસ્તાનો વહેંચવામાં સંદેશ’, ‘ગુજરાત સમાચારઅને દિવ્ય ભાસ્કરજેવાં ગુજરાતનાં સૌથી માતબર દૈનિકોમાં અને મુંબઈનાં અખબારો મુંબઈ સમાચારઅને મીડડેમાં લખવાને કારણે વાચકો સાથે એક અનોખું બંધન થયું છે તે કામ લાગશે.

દિવ્ય ભાસ્કરના તો પ્રથમ અંકથી જોડાવાનું બનેલું. તેની એડવાન્સ પબ્લિસિટીનાં બોર્ડ અમદાવાદનાં અગત્યનાં સ્થળોએ લાગ્યાં ત્યારે ચંદ્રકાન્ત બક્ષી, કાન્તિ ભટ્ટની સાથે સલિલ દલાલનું નામ પણ એ બોર્ડમાં સ્ટાર રાઇટર તરીકે હતું. એવા દૌરમાંથી ગુજર્યા પછી ૨૦૦૮માં કેનેડા શિફ્ટ થતાં ગુજરાતના વાચકો સાથે એટલા વિશાળ પાયે સંપર્કમાં રહી શકાયું નહોતું. આજે ફરી એકવાર વેબની દુનિયા મારફત ગુજરાત કે ભારતના જ નહીં, divyabhaskar.comના દુનિયાભરમાં ફેલાયેલા લાખો 
વાચક મિત્રો સાથે જોડાતી વખતે એક નર્વસ નવોદિતની લાગણીથી છલોછલ છું.

યાદોની આ સહેલગાહમાં હંમેશની માફક એક સારા ટુરિસ્ટ ગાઇડની ભૂમિકા  મારા મનમાં છે, જે તાજમહાલ જોવા જતી વખતે રસ્તામાં આવતી બીજી ઇન્ટરેસ્ટિંગ જગ્યાઓ બતાવતા જાય. બીજી રીતે કહું તો સીધે સીધી ચાર કે છ શેરની ગઝલ ગાઇ નાખતા સિંગર નહીં પણ મારા અતિપ્રિય ગઝલ-ગાયક જગજીતસિંગની લાઇવ કોન્સર્ટની મારી વર્ષોની શૈલી છે. તેમાં આલાપ કરવો, વચમાં હળવી વાત પણ કરવી, તક મળે તો તરાનાની વેરાયટી કરવી એ બધું પણ હોય. હવે તેમાં બદલાવની કોઇ ગુંજાયેશ પણ નથી અને આ ઉંમરે એ શક્ય નથી. પેલા શાયરના શબ્દોનો સહારો લઈને આટલું જ કહીશ,

તુ કહે તો ઉન્વાન (શિર્ષક) બદલ દું, લેકિન,
ઇક ઉમ્ર દરકાર હૈ અફસાના બદલને કે લિયે

એટલે આપણી મહેફિલમાં કલાકારો કે ફિલ્મો અને તેમની આસપાસની વિગતો તમે જાણતા હો તો પણ તેને યાદ કરવાનો આનંદ સહિયારો કરીશું. એક જ માહિતીને અલગ દ્દષ્ટિકોણથી બતાવાય તો એનું મૂલ્ય પણ જુદું હોય. નિયમિત વાચકો જાણે છે એમ, આટલાં વર્ષોના લેખનમાં જે એક વાત મેં નજર સમક્ષ રાખી છે તે એ કે મારા વાચકોમાં મારાથી ઘણું વધારે જાણનારા લોકો પણ હોય છે જ. એટલે વ્યાસપીઠ પરથી જ્ઞાન પીરસતા કોઇ મહાજ્ઞાનીને બદલે એકત્ર કરેલી વિગતોને કોલેજ કેન્ટિનમાં કે પોળના નાકે (મારા મંતવ્ય/મારી દ્દષ્ટિના ઉમેરા સાથે) મિત્રોમાં વહેંચવાનો જે અભિગમ ૪૦ વરસથી રાખ્યો છે તે જ હજી પણ યથાવત છે અને રહેશે. એ કરવામાં લોટ પાણી ને લાકડાંવાળો ઘાણ ન ઉતરી જાય એ જોવાની ગેરંટી સાથે..... ચાલો નીકળીએ સ્મરણોની સહેલગાહે!      

દિવ્યા ભારતી...... યાદોં મેં બસાયા તુમકો! (૧)



૧૯૯૨ને આમ તો ૨૫ વરસ થયાં છે. છતાં હજી જાણે ગઈકાલની કે બહુ તો ગઈ સાલની જ વાત લાગે છે! એ રવિવારે ૨૬મી જાન્યુઆરીની રજા હતી અને પહેલા વીકમાં પિક્ચર જોઇ કાઢવાની ટેવને લીધે એ સપ્તાહે જ આવેલું
વિશ્વાત્મા જોવા ગયા હતા. નવી આવેલી અભિનેત્રી દિવ્યા ભારતી વિશ્વાત્માથી શરૂઆત કરવાની હતી. પણ એક બીક હતી. તેમાં મલ્ટી સ્ટારની ભીડ હતી અને તેને લીધે એ પોતાની નોંધ લેવડાવી શકશે કે કેમ એ ચિંતા હતી. આમ પણ જ્યાં સની દેઓલ, નસીરુદ્દીન શાહ, ચંકી પાન્ડે, અમરીશ પુરી જેવા અભિનેતાઓ હાજર હોય ત્યાં હીરોઇનને શોભામાં અભિવૃધ્ધિ કરવા સિવાય શું કરવાનું હોય. વળી, અહીં તો બીજી હીરોઇન સોનમ ડાયરેક્ટર રાજીવ રાયની માનીતી જ નહીં પત્ની હતી. સોનમ અને રાજીવ રાય ૧૯૯૧માં પરણી ગયાં હતાં. પણ રાજીવ રાયે કમાલ કરી. તેમણે જો સોનમને ત્રિદેવમાં ઓયે ઓયે.... તિરછી ટોપીવાલે, બાબુ ભોલે ભાલે... જેવું હીટ ગીત આપ્યું હતું; તો દિવ્યાને પણ ડાન્સનું એવું જ સુપરહીટ ગાયન સાત સમુંદર પાર મૈં તેરે પીછે પીછે આ ગઈ.... આપ્યું.

સાત સમુંદર પાર... જેવું શરૂ થયું અને હાઉસફુલ થિયેટરમાં જે તાળીઓ અને સીટીઓ વાગી તે સાંભળીને તમને થાય કે એક સ્ટારનો જન્મ થઈ રહ્યો છે! કારણ કે તેની શરૂઆતમાં આપણા વિજુ શાહનું કમ્પોઝ કરેલું મ્યુઝિક તો જબ્બર મઝા કરાવી જ રહ્યું હતું; પણ દિવ્યા ભારતીની સેક્સી અદાઓને પણ એટલી જ ચિચિયારીઓ મળી રહી હતી. દિવ્યાની એન્ટ્રી એ રીતે ધમાકેદાર રહી. મલ્ટિસ્ટાર ભીડમાં પણ એ બધાની પાછળ પાછળ ચમકી ઉઠી. એ ઓછું હોય એમ તે પછીના શુક્રવારે ૩૧મી જાન્યુઆરીએ દિવ્યાની બીજી ફિલ્મ દિલ કા ક્યા કસૂર રિલીઝ થઈ. તેમાં પૃથ્વી નામનો હીરો ઇન્ટ્રોડ્યુસ થતો હતો.  એ પછી લગભગ દર મહિને એક ની સરેરાશ સાથે પહેલા જ વર્ષે દિવ્યાની ૧૦ હિન્દી ફિલ્મો આવી; જે માત્ર હિન્દી સિનેમાનો જ નહીં વિશ્વની કોઇપણ ભાષાનો વિક્રમ છે. વિશ્વાસ ના પડતો હોય તો લિસ્ટ જ જોઇ લો... ફેબ્રુઆરીમાં શોલા ઔર શબનમ, તે પછીના મહિનાઓમાં જાન સે પ્યારા, જૂનમાં ૨૬મીએ દીવાના, સપ્ટેમ્બરમાં ૧૧મીએ બલવાન અને ૧૭મીએ દિલ હી તો હૈ, બીજી ઓક્ટોબરે દુશ્મન ઝમાના તથા ૨૩મીએ દિલ આશના હૈ  અને વીસમી નવેંબરે ગીત! જાણે તેના આગમનનાં એ વર્ષોમાં ધૂંઆધાર બેટિંગ કરતો સચિન તેન્દુલકર હોય એમ, એ વર્ષે ૧૯૯૨માં દિવ્યાનો ટિકિટબારીનો પરફોર્મન્સ પણ રેકોર્ડ કરવાની શક્યતાવાળો હતો. તે સાલની સૌથી વધુ કમાણી કરાવનારી ટોપ ટેન ફિલ્મોમાંની ત્રણમાં દિવ્યા ભારતી હોવાથી કોઇપણ નવોદિત હીરોઇન માટે પુનરાવર્તન કરવું  અઘરું પડે એવી એ સિધ્ધિ હતી.

તે સાલ દિવ્યાની સૌથી વધુ વકરો લાવનારી
દીવાના હતી. મઝા એ હતી કે ટોપ સ્ટારની રેસમાં માધુરી અને શ્રીદેવી વચ્ચે સાવ નવી દિવ્યા ભારતી ત્રિરંગી બરફીનો વચલો કલર હતી. કારણ, ધંધાની રીતે નંબર વન સાબિત થયેલી માધુરીની બેટા પછીના નંબરે દીવાના હતી અને ત્રીજા સ્થાને શ્રીદેવીની ખુદા ગવાહ હતી. આમ ક્વોન્ટિટી અને ક્વોલિટી બન્ને રીતે દિવ્યા લગભગ અવ્વલ હતી. હકીકતમાં તો બોક્સ ઓફિસ છલકાવી દેનારી દીવાના માટે એવી જ ઇન્તજારી હતી, જેવી વિશ્વાત્મા માટે હતી. કેમ કે દિવ્યાના જૂનમાં આવનારા એ પિક્ચરમાં તેની અને રીશી કપૂરની સામે આવતા નવા છોકરા શાહરૂખ ખાનનો એસિડ ટેસ્ટ હતો. એ પિચ્ચરમાં અમારો વિશેષ રસ એક અંગત કારણસર પણ હતો.

૯૦ના દાયકાનાં શરૂઆતનાં વર્ષો હતાં. હજી એક વરસ પહેલાં જૂન ૯૧માં જ મનમોહન સિંહને નાણાં પ્રધાન બનાવાયા હતા. તેમણે આર્થિક નીતિમાં આમૂલ પરિવર્તન લાવીને બજાર ખુલ્લું કરવા માંડ્યું હતું. તેથી મનોરંજન ક્ષેત્રે પણ  ઝી ટીવી જેવી ખાનગી ચેનલના ભણકારા વાગી રહ્યા હતા. દૂરદર્શનની મોનોપોલીના એ છેલ્લા દિવસો હતા. દૂરદર્શન પર ચિત્રહાર હોય કે વાગલે કી દુનિયા કે પછી ક્રિકેટ મેચનું પ્રસારણ અને તેની કોમેન્ટ્રી કે ટેનિસ ટુર્નામેન્ટમાં સ્ટેફી ગ્રાફ તથા મોનિકા સેલેસ જેવી ખૂબસુરત ખેલાડીઓની રમત હોય, મારી ટીવીની કોલમમાં દર અઠવાડિયે તેના રિવ્યૂ કરવાની મઝા અનેરી હતી. તે દિવસોમાં દૂરદર્શનનું નામ કોલમમાં ડીડીને બદલે દીદી પાડ્યું હતું.

દીદીની સારી શ્રેણીઓમાં એક ફૌજી પણ હતી. તેમાં બડી તરીકે લોકપ્રિય થયેલા એક્ટર શાહરૂખ ખાનનાં મેં કોલમમાં વારંવાર વખાણ કર્યાં હતાં. દીવાના તેનું એ પહેલું પિક્ચર હતું. જો ટીવીનો એ એક્ટર અરુણ ગોવિલની જેમ સિનેમાના મોટા પડદે રીશી કપૂર જેવા અભિનેતા સામે નહીં જામે, તો ભોંઠા તો નહીં પડાયને? પણ શાહરૂખની એન્ટ્રી ફિલ્મમાં ઇન્ટરવલ પછી થતી હોવા છતાં એ જોરદાર એન્ટ્રી હતી! કોઇ નિરાશ ન થયું. બલ્કે કોઇપણ એમ ન કહી શકે કે આ કોઇ નવોદિતનું પહેલું પિક્ચર હતું. ત્યાં સુધીમાં બહુ ઓછા, બલ્કે નહીંવત, એક્ટરોએ પોતાના પ્રથમ ચલચિત્રમાં એટલો આત્મવિશ્વાસ બતાવ્યો હતો, જેટલો શાહરૂખે દીવાનામાં બતાવ્યો હતો. શાહરૂખને કોઇ ન કોઇ ચાહિયે, પ્યાર કરને વાલા.... એ ગીત મોટર સાયકલ પર ગાતો જુઓ અને અંદાઝમાં જિંદગી ઇક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના... ગાતા રાજેશ ખન્ના કે પછી મુકદ્દર કા સિકંદરમાં રોતે હુએ આતે હૈં સબ, હંસતા હુઆ જો જાએગા, વો મુકદ્દર કા સિકંદર જાને મન કહલાયેગા... ગાતા અમિતાભ બચ્ચનની યાદ તાજી થઈ જાય એવું ડાયરેક્ટર રાજ કંવરનું એ પ્રેઝન્ટેશન હતું.

શાહરૂખની જેમ જ રાજ કંવરની પણ દીવાના પ્રથમ ફિલ્મ હતી. તે અગાઉ તેમણે સની દેઓલને એક વિશિષ્ટ ઇમેજ આપનારા સુપરહીટ ઘાયલમાં રાજકુમાર સંતોષીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને તેમાં પડદા ઉપર એ પોતે દેખાયા પણ હતા.  દીવાના માટે રાજ કંવરે શરૂઆતથી મ્યુઝિકનું અલાયદું બજેટ રાખ્યું હતું. વળી, એક સફળ સ્ટાર રીશી કપૂરને પણ તેમની બજાર કિંમત આપવાની હોઇ તેમને પોતાની પ્રથમ રચના માટે ઓછા ખર્ચે મળે એવા કલાકારો લેવાના હતા અને તેથી શાહરૂખ તથા દિવ્યા બન્ને તેમાં ફીટ બેસતા હતા. રાજ કંવરે દીવાનામાં સંગીતકાર નદીમ-શ્રવણને લઈને અડધો જંગ જીતી લીધો હતો. એ સમય હતો નદીમ-શ્રવણનો સુવર્ણકાળ. માય ગોડ, કેવાં કેવાં આલબમ અને કેવાં કેવાં ગીતો! તે પણ કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ વગેરે જેવા ફ્રેશ ગાયકોના અવાજ સાથે? નદીમ શ્રવણને પોતાની ધૂનો સહેજ ફેરફાર સાથે રિપિટ કરવાનો આક્ષેપ મૂકનારા પણ કાનને રસતરબોળ કરનારી તેમની તર્જોની સર્વોપરિતાને માને છે. દીવાનામાં દિવ્યા ભારતીને ભાગે આવેલાં ગાયનો હોય કે રીશી કપૂરને ફાળે આવેલાં અથવા શાહરૂખને મળેલાં ગીતો હોય, ક્યાંય મેલડીનો અભાવ નહીં.

દિવ્યા ભારતી સાથેનું રીશી કપૂરનું ગીત પાયલિયા.... તેરી પાયલિયા શોર મચાયે, નીંદ ચુરાયે, હોશ ઉડાયે, મુઝ કો પાસ બુલાએ રબ્બા હો... તે સમયે લોકપ્રિયતામાં ખાસ્સું આગળ રહ્યું હોય તો તેમાં એ બન્ને એક્ટર્સની ડાન્સની આવડતનો મોટો ફાળો હતો. એ જ રીતે શાહરૂખ જોડેના ગાયન ઐસી દીવાનગી દેખી નહીં કહીં... શરૂ થતામાં દિવ્યા કમરના ઠુમકે આખા થિયેટરમાંના સૌને રાજી રાજી કરી દે છે, તેમાં પણ નદીમ-શ્રવણને ફુલ માર્ક્સ આપવા જ પડે. એ ગાયન આજે યુ ટ્યુબ પર જોઇએ તો સમજાય કે શાહરૂખની બે હાથ પહોળા કરવાની સ્ટાઇલ પહેલી ફિલ્મથી જ પોતાની હતી.  એ જ રીતે ગીતકાર સમીરનો ફાળો પણ એટલો જ વિશિષ્ટ હતો. તેમને તે સાલ એ પિક્ચરના ગીત તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈં, અય સનમ હમ તો સિર્ફ તુમ સે પ્યાર કરતે હૈં... માટે સમીરને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર પુરસ્કારોમાં તે વર્ષે દીવાના છવાઇ ગયું હતું. તેમાં નદીમ-શ્રવણ જ બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર ઠર્યા.

મઝાની વાત એ હતી કે દિવ્યાની એ બ્લોક-બસ્ટર ફિલ્મ નદીમ
શ્રવણ માટે તો હેટ્રિક સાબિત થઈ. કેમ કે તે અગાઉનાં બે વર્ષોમાં તેમને આશિકી અને સાજન માટે સળંગ બે વાર અડોઅડ (બેક ટુ બેક) શ્રેષ્ઠ સંગીતના ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. દીવાના માટે જ દિવ્યા ભારતીને લક્સ ન્યૂ ફેસ ઓફ ધી યરનો પુરસ્કાર મળ્યો અને શાહરૂખને બેસ્ટ ડેબ્યુ (શ્રેષ્ઠ પ્રારંભ)નો! તે વર્ષે શાહરૂખ સાથેની બીજી એક ફિલ્મ દિલ આશના હૈ પણ હતી જેમાં હેમા માલિની પ્રથમ વખત દિગ્દર્શક બન્યાં હતાં. એ રીતે જુઓ તો એ બન્ને નવા કલાકારોની દોસ્તીને મજબૂત કરવી જોઇતી હતી. પરંતુ,, શું એવું થયું ખરું? કદાચ ના! કારણ કે શાહરૂખની જીવનકથાનું પુસ્તક કશુંક જુદું જ સૂચવી જાય છે. (વધુ આવતા અંકે) 
 

  

9 comments:

  1. Your first blog (after a break) creates lots of excitement as your bollywood narration is not limited to movies and its stars but describes internal aspects of songs, musicians, lyricists, and singers. Keep up your attractive writing for the enjoyment of the readers.....

    ReplyDelete
    Replies
    1. Thank you for your appreciation. Hope I continue to better my writing with readers like you.

      Delete
  2. Hello Salil Bhai,
    NAMASKAR
    Just finished Kumar Katha & find your blog. G.R..E..A..T....Please keep continue. Warmest Regards

    ReplyDelete
    Replies
    1. Thanks for your appreciation.
      Kumarkathaao was one of my pet projects and am happy that more and more people like it.

      Delete
  3. Dear Salilbhai,
    Happy to hear that you are active again, I was reading in sandesh " Filam ni Chilam" first in morning, after than " Vicharo na Vrundavanma". I was adicted of your writing style, information was secondary. Please Go ahed and make this world enjoyable.
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete
  4. આપનો લખેલો નીચેનો ભાગ ફરી વાંચશો તો સમજાશે કે તેમાં દિવ્યા વિશે નામ પૂરતું છે. સંગીતકાર કે શાહરૂખ ખાન વિશે લખવા આ શ્રેણી હોય એવું લાગે છે.
    રાજન શાહ, ભારત
    શાહરૂખની જેમ જ રાજ કંવરની પણ ‘દીવાના’ પ્રથમ ફિલ્મ હતી. તે અગાઉ તેમણે સની દેઓલને એક વિશિષ્ટ ઇમેજ આપનારા સુપરહીટ ‘ઘાયલ’માં રાજકુમાર સંતોષીના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને તેમાં પડદા ઉપર એ પોતે દેખાયા પણ હતા. ‘દીવાના’ માટે રાજ કંવરે શરૂઆતથી મ્યુઝિકનું અલાયદું બજેટ રાખ્યું હતું. વળી, એક સફળ સ્ટાર રીશી કપૂરને પણ તેમની બજાર કિંમત આપવાની હોઇ તેમને પોતાની પ્રથમ રચના માટે ઓછા ખર્ચે મળે એવા કલાકારો લેવાના હતા અને તેથી શાહરૂખ તથા દિવ્યા બન્ને તેમાં ફીટ બેસતા હતા. રાજ કંવરે ‘દીવાના’માં સંગીતકાર નદીમ-શ્રવણને લઈને અડધો જંગ જીતી લીધો હતો. એ સમય હતો નદીમ-શ્રવણનો સુવર્ણકાળ. માય ગોડ, કેવાં કેવાં આલબમ અને કેવાં કેવાં ગીતો! તે પણ કુમાર શાનુ, અલકા યાજ્ઞિક, સાધના સરગમ વગેરે જેવા ફ્રેશ ગાયકોના અવાજ સાથે? નદીમ – શ્રવણને પોતાની ધૂનો સહેજ ફેરફાર સાથે રિપિટ કરવાનો આક્ષેપ મૂકનારા પણ કાનને રસતરબોળ કરનારી તેમની તર્જોની સર્વોપરિતાને માને છે. ‘દીવાના’માં દિવ્યા ભારતીને ભાગે આવેલાં ગાયનો હોય કે રીશી કપૂરને ફાળે આવેલાં અથવા શાહરૂખને મળેલાં ગીતો હોય, ક્યાંય મેલડીનો અભાવ નહીં.

    દિવ્યા ભારતી સાથેનું રીશી કપૂરનું ગીત “પાયલિયા.... તેરી પાયલિયા શોર મચાયે, નીંદ ચુરાયે, હોશ ઉડાયે, મુઝ કો પાસ બુલાએ રબ્બા હો...” તે સમયે લોકપ્રિયતામાં ખાસ્સું આગળ રહ્યું હોય તો તેમાં એ બન્ને એક્ટર્સની ડાન્સની આવડતનો મોટો ફાળો હતો. એ જ રીતે શાહરૂખ જોડેના ગાયન “ઐસી દીવાનગી દેખી નહીં કહીં...” શરૂ થતામાં દિવ્યા કમરના ઠુમકે આખા થિયેટરમાંના સૌને રાજી રાજી કરી દે છે, તેમાં પણ નદીમ-શ્રવણને ફુલ માર્ક્સ આપવા જ પડે. એ ગાયન આજે ‘યુ ટ્યુબ’ પર જોઇએ તો સમજાય કે શાહરૂખની બે હાથ પહોળા કરવાની સ્ટાઇલ પહેલી ફિલ્મથી જ પોતાની હતી. એ જ રીતે ગીતકાર સમીરનો ફાળો પણ એટલો જ વિશિષ્ટ હતો. તેમને તે સાલ એ પિક્ચરના ગીત “તેરી ઉમ્મીદ તેરા ઇન્તજાર કરતે હૈં, અય સનમ હમ તો સિર્ફ તુમ સે પ્યાર કરતે હૈં...” માટે સમીરને શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. ફિલ્મફેર પુરસ્કારોમાં તે વર્ષે ‘દીવાના’ છવાઇ ગયું હતું. તેમાં નદીમ-શ્રવણ જ બેસ્ટ મ્યુઝિક ડીરેક્ટર ઠર્યા.

    મઝાની વાત એ હતી કે દિવ્યાની એ બ્લોક-બસ્ટર ફિલ્મ નદીમ –શ્રવણ માટે તો હેટ્રિક સાબિત થઈ. કેમ કે તે અગાઉનાં બે વર્ષોમાં તેમને ‘આશિકી’ અને ‘સાજન’ માટે સળંગ બે વાર અડોઅડ (બેક ટુ બેક) ‘શ્રેષ્ઠ સંગીત’ના ફિલ્મફેર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ‘દીવાના’ માટે જ દિવ્યા ભારતીને ‘લક્સ ન્યૂ ફેસ ઓફ ધી યર’નો પુરસ્કાર મળ્યો અને શાહરૂખને ‘બેસ્ટ ડેબ્યુ’ (શ્રેષ્ઠ પ્રારંભ)નો! તે વર્ષે શાહરૂખ સાથેની બીજી એક ફિલ્મ ‘દિલ આશના હૈ’ પણ હતી જેમાં હેમા માલિની પ્રથમ વખત દિગ્દર્શક બન્યાં હતાં. એ રીતે જુઓ તો એ બન્ને નવા કલાકારોની દોસ્તીને મજબૂત કરવી જોઇતી હતી. પરંતુ,, શું એવું થયું ખરું? કદાચ ના! કારણ કે શાહરૂખની જીવનકથાનું પુસ્તક કશુંક જુદું જ સૂચવી જાય છે.

    ReplyDelete
    Replies
    1. મિત્ર,
      લેખમાળા પહેલાંની પ્રસ્તાવના વાંચશો તો સમજાશે કે આ કયા પ્રકારની મહેફિલ છે અને તેમાં સ્મરણોની સહેલગાહે જતાં આ ટુરિસ્ટ ગાઇડ કેવી રીતે ફરવાનો છે. આજના માહિતીયુગમાં બધી વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ હોય છે. ત્યારે તેની આસપાસના સંદર્ભો જ તેને રસપ્રદ બનાવતા હોય છે, એમ હું વર્ષોથી માનતો આવ્યો છું. તેથી એ જ પ્રકારે લખું છું અને હજી લખવાનો છું, એ સમજ વાચકોમાં અગાઉથી રહે અને તમારી જેમ ફરિયાદ કરવાનો અવકાશ ન રહે અને ખોટા અપમેનશીપની ચર્ચાઓ કરવાની ન રહે તે માટે આગોતરી જાણ એ પ્રસ્તાવનામાં કરી જ છે. વળી દેખીતું છે કે,આ તો મરજિયાત ટુર છે. આ બ્લોગની શરૂઆત ૨૦૧૨માં કરી ત્યારે તેના પ્રથમ લેખમાં જ સંત બસંતીને યાદ કરીને કહ્યું છે કે અહીં તો ‘બૈઠે બૈઠે, નહીં બૈઠે નહીં’!
      અહીં તો દિલ કી મેહફિલ સજી હૈ.... આવો, અવશ્ય આવો.
      હું તો કોઇપણ લેખકનું લખાણ વાંચતા પહેલાં, ઉપલબ્ધ હોય તો, તેમની પ્રસ્તાવનાની કેફિયત સૂચનાઓ/ચેતવણીઓ જોઉં. તે પછી પણ વાંચું, તો તો તે સંદર્ભ સાથે તેની મઝા જ લઉં. નહીં તો મારો પોતાનો સમય, લેખના ફકરાઓ કોપી-પેસ્ટ કરવામાં બગાડવા કરતાં અન્ય સારા વાંચનમાં વ્યતિત કરું, દોસ્ત!
      ચર્ચા પૂરી.

      Delete
  5. ભરતકુમાર ઝાલાAugust 13, 2017 at 6:22 AM

    પ્રિય સલિલભાઈ, બ્લોગ પુનર્જીવિત થયો એ બહુ ગમ્યું. લખતા રહેજો.

    ReplyDelete
    Replies
    1. Thanks Bharatbhai for your appreciations. Hope you like the other articles as well.

      Delete